સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભલાઈ—તમે કઈ રીતે કેળવી શકો?

ભલાઈ—તમે કઈ રીતે કેળવી શકો?

આપણામાંથી દરેક જણ ચાહે છે કે બીજાઓ આપણને એક સારી વ્યક્તિ ગણે. પણ, આજે ભલાઈનો જમાનો નથી રહ્યો. કેમ કે, ઘણા લોકો “ભલાઈના દુશ્મન” થઈ ગયા છે. (૨ તિમો. ૩:૩) સાચું શું કે ખોટું શું એ નક્કી કરવા તેઓ પોતાના વિચારો પ્રમાણે ચાલે છે, તેઓ “ભૂંડાને સારું, અને સારાને ભૂંડું કહે છે.” (યશા. ૫:૨૦) કદાચ પોતાનામાં ભલાઈ જોવી આપણને અઘરું લાગી શકે. અગાઉ આપણે અમુક ભૂલો કરી હશે. આપણા બધામાં પાપની અસર છે. આપણને પણ એનીબહેન * જેવું લાગી શકે, જે વર્ષોથી યહોવાની ભક્ત છે. તે કહે છે: ‘મારા માનવામાં નથી આવતું કે, હું પણ એક સારી વ્યક્તિ બની શકું.’

આપણે બધા ભલાઈ કેળવી શકીએ છીએ! ઈશ્વરની શક્તિથી આપણે એ ગુણ કેળવી શકીએ છીએ. આપણને નુકસાન કરતી બાબતો કે આપણામાં રહેલા પાપી વલણ કરતાં પવિત્ર શક્તિ વધારે તાકાતવાન છે. ચાલો આપણે ભલાઈના ગુણ વિશે કેટલીક માહિતી જોઈએ. એ ગુણ વધારે કેળવવા મદદ કરે એવી બાબતો વિશે શીખીએ.

ભલાઈ એટલે શું?

ભલાઈ એટલે સારા સંસ્કાર અને સારા ગુણો હોવા. એમાં કોઈ દુષ્ટતા કે કપટ હોતું નથી. સારો માણસ હંમેશાં બીજાઓને મદદ કરવાની તક શોધે છે અને મદદ કરે છે.

તમે જોયું હશે કે કેટલાક લોકો પોતાના કુટુંબ કે મિત્રો માટે સારી બાબતો કરે છે. પણ, એટલું જ પૂરતું નથી. આપણે બીજાઓ માટે પણ ભલાઈ બતાવવી જોઈએ. એ વાત સાચી છે કે આપણે પૂરેપૂરી રીતે ભલાઈનો ગુણ બતાવી શકતા નથી. બાઇબલ કહે છે: “જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.” (સભા. ૭:૨૦) પ્રેરિત પાઊલે કહ્યું હતું, “હું જાણું છું કે મારામાં, એટલે કે મારા શરીરમાં કંઈ જ સારું નથી.” (રોમ. ૭:૧૮) એટલે જ, આપણે ભલાઈનો ગુણ કેળવવો હોય તો યહોવા પાસેથી શીખવું જોઈએ.

‘યહોવા ભલા છે’

યહોવાએ ભલાઈ વિશે એક ધોરણ બેસાડ્યું છે. તેમના વિશે કહેવામાં આવ્યું છે: ‘તમે ભલા છો અને તમે ભલાઈ બતાવો છો.’ (ગીત. ૧૧૯:૬૮) યહોવાની ભલાઈ વિશે બે બાબતો એ કલમમાં જણાવેલી છે. ચાલો એના પર ધ્યાન આપીએ.

યહોવા ભલા છે. યહોવા ભલાઈ બતાવવાનું ચૂકી જાય એ શક્ય જ નથી. તેમના બીજા ગુણો પણ ભલાઈ સાથે જોડાયેલા છે. યહોવાએ મુસાને જણાવ્યું કે, “હું મારી સઘળી ભલાઈનું દર્શન તને કરાવીશ.” એ સમયે યહોવાએ પોતાનું ગૌરવ મુસાને બતાવ્યું, જેમાં તેમની ભલાઈનો સમાવેશ થાય છે. મુસાએ એક વાણી સાંભળી: ‘યહોવા, યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ગુસ્સો કરવામાં ધીમા અને પ્રેમ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય, ભૂલો અને પાપની ક્ષમા કરનાર; અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર.’ (નિર્ગ. ૩૩:૧૯; ૩૪:૬, ૭) એનાથી સાફ જોવા મળે છે કે યહોવા દરેક બાબતમાં ભલાઈ બતાવે છે. ધરતી પર સૌથી સારી રીતે ભલાઈ બતાવનાર ઈસુ હતા. તોપણ તેમણે કહ્યું કે ઈશ્વર જેટલી ભલાઈ બીજું કોઈ બતાવી શકતું નથી.—લુક ૧૮:૧૯.

સૃષ્ટિમાં આપણને યહોવાની ભલાઈ જોવા મળે છે

યહોવા ભલાઈ બતાવે છે. યહોવા જે કંઈ કરે છે, એમાં ભલાઈ દેખાય આવે છે. ‘યહોવા સર્વનું ભલું કરે છે. પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.’ (ગીત. ૧૪૫:૯) યહોવા ભલા છે. તેમણે બધાને જીવન આપ્યું છે અને જીવન ટકાવી રાખવા જરૂરી ચીજવસ્તુઓ આપી છે. એમાં તે ક્યારેય ભેદભાવ કરતા નથી. (પ્રે.કા. ૧૪:૧૭) જ્યારે તે આપણને દિલથી માફ કરે છે, ત્યારે પણ તેમની ભલાઈ દેખાય આવે છે. એક ગીતના લેખકે કહ્યું: ‘હે પ્રભુ, તમે ઉત્તમ છો અને માફ કરવા તૈયાર છો.’ (ગીત. ૮૬:૫) આપણે ખાતરી રાખી શકીએ કે ‘ન્યાયથી વર્તનારને તે જે સારું છે, એ જરૂર આપશે.’—ગીત. ૮૪:૧૧.

“સારું કરતા શીખો”

યહોવાએ આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. એટલે આપણે પણ સારી વ્યક્તિ બની શકીએ છીએ અને ભલાઈના કામ કરી શકીએ છીએ. (ઉત. ૧:૨૭) એ ગુણ આપોઆપ આવી જતો નથી. બાઇબલ કહે છે કે ઈશ્વરભક્તોએ ‘સારું કરતા શીખવું જોઈએ.’ (યશા. ૧:૧૭) આપણે કઈ રીતે ભલાઈનો ગુણ કેળવી શકીએ? ચાલો એની ત્રણ રીતો જોઈએ.

પહેલી રીત, આપણે પવિત્ર શક્તિ માંગવી જોઈએ, જેથી ભલાઈ કેળવવા મદદ મળે. (ગલા. ૫:૨૨) પવિત્ર શક્તિની મદદથી આપણે સારી બાબતો પસંદ કરીશું અને ખરાબ બાબતો ધિક્કારીશું. (રોમ. ૧૨:૯) યહોવા જણાવે છે કે તે તમને મદદ કરશે, “જેથી તમે દરેક ભલું કામ કરી શકો અને સારા શબ્દો બોલી શકો.”—૨ થેસ્સા. ૨:૧૬, ૧૭.

બીજી રીત, આપણે બાઇબલ વાંચવું જોઈએ. એમ કરીશું તો યહોવા આપણને ‘સારા માર્ગ’ વિશે સમજાવશે અને ‘સારા કામ માટે પૂરેપૂરા તૈયાર કરશે.’ (નીતિ. ૨:૯; ૨ તિમો. ૩:૧૭) આપણું દિલ ખજાના જેવું છે. જ્યારે બાઇબલ વાંચીએ છીએ અને મનન કરીએ છીએ, ત્યારે આપણે દિલમાં સારી બાબતો ભેગી કરીએ છીએ. એ તો જાણે ખજાનામાં કીમતી રત્નો ઉમેરવા જેવું છે. સમય જતાં, એનાથી આપણને મદદ મળશે.—લુક ૬:૪૫; એફે. ૫:૯.

ત્રીજી રીત, આપણે “જે સારું છે એના પગલે ચાલવું” જોઈએ. (૩ યોહા. ૧૧) આપણે બાઇબલમાંથી એવા ભક્તોના દાખલા શોધવા જોઈએ, જેઓના પગલે ચાલી શકીએ. સૌથી સારો દાખલો યહોવા અને ઈસુનો છે. ભલાઈ બતાવવામાં બીજાઓએ પણ દાખલો બેસાડ્યો છે, જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. ટબીથા અને બાર્નાબાસનો દાખલો ચોક્કસ આપણા મનમાં આવ્યો હશે. (પ્રે.કા. ૯:૩૬; ૧૧:૨૨-૨૪) તમે એ અહેવાલો પર મનન કરી શકો. ધ્યાન આપી શકો કે, તેઓએ કઈ રીતે બીજાઓને મદદ કરી હતી. પછી વિચારો કે, તમે કઈ રીતે કુટુંબ કે મંડળમાં બીજાઓની મદદ કરી શકો. ભલાઈ બતાવવાથી ટબીથા અને બાર્નાબાસને કેવા ફાયદા થયા એના પર ધ્યાન આપો. તમને પણ એવા ફાયદા થઈ શકે છે.

આજના સમયમાં ભલાઈ બતાવી હોય, એવા લોકો વિશે પણ મનન કરો. દાખલા તરીકે, મંડળમાં વડીલો ઘણી મહેનત કરે છે. તેઓ ‘ભલાઈ ચાહનાર’ છે. ઉપરાંત, એવી વફાદાર બહેનો પણ છે, જેઓ પોતાના દાખલા અને પોતાની વાતોથી ‘સારી બાબતો શીખવે છે.’ (તિત. ૧:૮; ૨:૩) રોઝલીનબહેન કહે છે: ‘મંડળમાં બીજાઓને મદદ કરવા અને ઉત્તેજન આપવા મારી બહેનપણી ઘણી મહેનત કરે છે. તે બીજાઓના સંજોગોનો વિચાર કરે છે. તેઓને નાની નાની ભેટ આપે છે અને બીજી રીતોએ મદદ કરે છે. મારી નજરે તે એકદમ સારી છે.’

યહોવા પોતાના લોકોને ઉત્તેજન આપે છે: “ભલું શોધો.” (આમો. ૫:૧૪) એમ કરવાથી આપણે તેમનાં ધોરણો માટે પ્રેમ કેળવી શકીશું અને જે સારું છે, એ કરવા આપણને ઉત્તેજન મળશે.

સારી બાબતો વિચારવા અને ભલાઈના કામ કરવા આપણે મહેનત કરવી જોઈએ

ભલાઈનો અર્થ એ નથી કે, આપણે બીજાઓ માટે મોટાં મોટાં કામ કરીએ અથવા તેઓને મોંઘી મોંઘી ભેટ આપીએ. એ સમજવા આ દાખલાનો વિચાર કરો. ચિત્ર દોરવા શું ચિત્રકાર ફક્ત એક-બે વાર પીંછી વાપરશે? ના, એ તો ઘણી વાર પીંછીનો ઉપયોગ કરશે. એવી જ રીતે, આપણી ભલાઈ પણ અનેક કામમાં દેખાય આવવી જોઈએ.

બાઇબલ જણાવે છે કે, સારાં કામ કરવા ‘તૈયાર રહો.’ (૨ તિમો. ૨:૨૧; તિત. ૩:૧) બીજાઓના સંજોગોનું ધ્યાન રાખીશું તો, તેઓનું ‘ભલું કરીશું, જેથી તેઓ દૃઢ થાય.’ (રોમ. ૧૫:૨) એનો અર્થ થાય કે જરૂર પડે તો બીજાઓને પોતાની વસ્તુઓ આપવા તૈયાર રહીશું. (નીતિ. ૩:૨૭) આપણે કોઈને જમવા બોલાવી શકીએ અથવા હળવા-મળવા બોલાવી શકીએ. જો આપણને ખબર હોય કે કોઈ વ્યક્તિ બીમાર છે, તો તેમને કાર્ડ મોકલી શકીએ, ફોન કરી શકીએ કે મળવા જઈ શકીએ. હા, આપણે અનેક રીતો શોધી શકીએ, જેથી આપણે ‘જરૂર હોય એમ ઉત્તેજન આપતી સારી વાત જ કરીએ, જેથી સાંભળનારાઓને લાભ થાય.’—એફે. ૪:૨૯.

યહોવાની જેમ આપણે બધા લોકોનું ભલું કરવા ચાહીએ છીએ. એટલે આપણે બીજાઓ સાથે ભેદભાવ કરીશું નહિ. એ માટેની એક રીત છે, ઈશ્વરના રાજ્યની ખુશખબર બધાને જણાવીએ. ઈસુની આજ્ઞા પ્રમાણે આપણે બધાનું ભલું કરવું જોઈએ. જેઓ આપણને ધિક્કારે છે, તેઓનું પણ ભલું કરવું જોઈએ. (લુક ૬:૨૭) બીજાઓનું ભલું કરવાથી ક્યારેય નુકસાન થતું નથી. “એ બધા વિરુદ્ધ કોઈ નિયમ નથી.” (ગલા. ૫:૨૨, ૨૩) વિરોધ કે કસોટી છતાં આપણે ભલાઈ બતાવીએ છીએ ત્યારે, બીજાઓ ઈશ્વર વિશે જાણવા પ્રેરાય છે અને ઈશ્વરને મહિમા મળે છે.—૧ પીત. ૩:૧૬, ૧૭.

ભલાઈથી ફાયદા થાય છે

‘સારા માણસને પોતાની વર્તણૂકનું ઇનામ મળશે.’ (નીતિ. ૧૪:૧૪) કેવા ઇનામ? જ્યારે આપણે લોકો સાથે સારી રીતે વર્તીએ છીએ, ત્યારે લોકો પણ આપણી સાથે સારી રીતે વર્તે છે. (નીતિ. ૧૪:૨૨) આપણે સારા કામ કરતા રહીશું તો, બીજાઓનો સ્વભાવ પણ બદલાશે અને તેઓ આપણી સાથે સારી રીતે વર્તશે.—રોમ. ૧૨:૨૦, ફૂટનોટ.

ભલાઈ બતાવવાને લીધે અને ખરાબ બાબતોથી દૂર રહેવાને લીધે ઘણા લોકોને ફાયદા થયા છે. નેન્સીબેનનો અનુભવ જોઈએ. તે કહે છે, ‘હું નાનપણથી મનફાવે એમ કરતી, ખોટાં કામ કરતી અને કોઈને માન નʼતી આપતી. પણ, ભલાઈ વિશેના ઈશ્વરનાં ધોરણો શીખવા મળ્યા તેમ, મને ખુશી મળી. હવે લોકો મને માન આપે છે.’

ભલાઈનો ગુણ કેળવવાનું સૌથી મોટું કારણ એ છે કે, એનાથી યહોવાને ખુશી મળે છે. આપણે જે કરીએ છીએ, એ ભલે લોકોના ધ્યાનમાં ન આવે પણ યહોવાની ધ્યાન બહાર જતું નથી. આપણે સારાં કામ કરીએ, ભલાઈ બતાવીએ, સારું વિચારીએ ત્યારે યહોવા એ જુએ છે. (એફે. ૬:૭, ૮) એનું યહોવા કેવું ઇનામ આપે છે? “સારો માણસ યહોવાની કૃપા મેળવશે.” (નીતિ. ૧૨:૨) ચાલો આપણે ભલાઈનો ગુણ કેળવીએ. યહોવાએ વચન આપ્યું છે કે, “સારાં કામ કરનાર દરેકને માન, મહિમા અને શાંતિ મળશે.”—રોમ. ૨:૧૦.

^ ફકરો. 2 અમુક નામ બદલ્યાં છે.