સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૦

મંડળ કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકે?

મંડળ કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકે?

“દરેક અંગ બરાબર કામ કરે છે, ત્યારે શરીરનો વિકાસ થાય છે.”—એફે. ૪:૧૬.

ગીત ૨૧ દયાળુ બનીએ

ઝલક *

૧-૨. વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા માટે કોણ મદદ કરી શકે?

ફીજીમાં રહેતાં એમીબહેન કહે છે, “હું બાઇબલ અભ્યાસમાંથી જે પણ શીખી રહી હતી એ મને ઘણું ગમતું હતું. હું જાણતી હતી કે આ જ સત્ય છે. પણ ભાઈ-બહેનો સાથે હળવા-મળવા લાગી ત્યારે જ હું જીવનમાં જરૂરી ફેરફારો કરી શકી અને બાપ્તિસ્મા લેવા તરફ પગલાં ભરી શકી.” એમીના દાખલા પરથી આપણે એક વાત શીખી શકીએ છીએ. જ્યારે મંડળનાં ભાઈ-બહેનો વિદ્યાર્થીને મદદ કરે છે, ત્યારે તે બાપ્તિસ્મા લેવા તરફ પગલાં ભરે છે.

નવા લોકોને મંડળનો ભાગ બનવા મંડળનાં ભાઈ-બહેનો મદદ કરી શકે છે. (એફે. ૪:૧૬) વાનુઆતુમાં રહેતાં લેલાનીબહેન પાયોનિયર છે. તે કહે છે, “અમારે ત્યાં એવું કહેવામાં આવે છે કે, બાળકનો ઉછેર કરવામાં આખા ગામનો હાથ હોય છે. એવી જ રીતે, એક વ્યક્તિને શિષ્ય બનાવવામાં આખા મંડળનો હાથ હોય છે.” એક બાળકનો ઉછેર કરવામાં તેના કુટુંબના સભ્યો, તેના મિત્રો, સગા વહાલાં અને તેના ટીચરનો હાથ હોય છે. તેઓ તેને શીખવે છે અને મદદ કરે છે. એવી જ રીતે, મંડળનાં ભાઈ-બહેનોની મદદથી બાઇબલ વિદ્યાર્થી બાપ્તિસ્મા લેવા પગલાં ભરી શકે છે. તેઓ તેને સલાહ આપે છે, તેને મદદ કરે છે અને સારો દાખલો બેસાડે છે.—નીતિ. ૧૫:૨૨.

૩. એના, ડેનિયેલ અને લેલાનીએ જે કહું એમાંથી તમને શું શીખવા મળ્યું?

ધારો કે એક પ્રકાશક કોઈનો બાઇબલ અભ્યાસ ચલાવે છે. બીજાં ભાઈ-બહેનો તેની મદદ કરવા માંગે છે. તે પ્રકાશક શું કરશે? તેણે તેઓની મદદ લેવી જોઈએ. ચાલો જોઈએ કે એ વિશે અમુક પાયોનિયર શું કહે છે. મૉલ્ડોવામાં એનાબહેન રહે છે. તે એક ખાસ પાયોનિયર છે. તે કહે છે, “વિદ્યાર્થી પોતાનામાં બદલાવ કરવાનું શરૂ કરે છે ત્યારે તેને એકલા હાથે મદદ કરી શકાતી નથી. બીજાઓની મદદની જરૂર પડે છે.” એ જ દેશમાં રહેતા બીજા એક ભાઈ જેમનું નામ ડેનિયેલ છે, તે કહે છે “અમુક વખતે ભાઈ-બહેનો વિદ્યાર્થીને એવી કંઈક વાત જણાવે છે જે તેમના દિલને સ્પર્શી જાય છે. એ વાત મારા મનમાં પણ આવી ન હતી.” લેલાનીબહેન પણ કહે છે, “ભાઈ-બહેનનો વિદ્યાર્થીને પ્રેમ બતાવે છે. તેનો દિલ ખોલીને આવકાર કરે છે ત્યારે તે સમજી જાય છે કે આ જ ખરા ઈશ્વરના લોકો છે.”—યોહા. ૧૩:૩૫.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

કદાચ તમને લાગે કે, ‘હું આ વિદ્યાર્થીનો અભ્યાસ ચલાવતો નથી તો કઈ રીતે મદદ કરી શકું?’ ચાલો જોઈએ કે કોઈ પ્રકાશક તેમના વિદ્યાર્થીના અભ્યાસમાં આપણને બોલાવે તો કઈ રીતે મદદ આપી શકીએ. અથવા કોઈ વિદ્યાર્થી સભાઓમાં આવવા લાગે તો આપણે શું કરી શકીએ. એ પણ જોઈએ કે વડીલો કોઈ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા કઈ રીતે મદદ કરી શકે.

બીજા કોઈકના બાઇબલ અભ્યાસમાં જાઓ ત્યારે શું કરી શકો?

તમે કોઈના બાઇબલ અભ્યાસમાં જાઓ તો સારી તૈયારી કરો (ફકરા ૫-૭ જુઓ)

૫. બીજા કોઈકના બાઇબલ અભ્યાસમાં જાઓ ત્યારે શું કરી શકો?

વિદ્યાર્થીને બાઇબલમાંથી શીખવવાની મુખ્ય જવાબદારી બાઇબલ અભ્યાસ ચલાવનારની છે. જ્યારે કોઈ ભાઈ કે બહેન તમને પોતાના બાઇબલ અભ્યાસમાં લઈ જાય ત્યારે તેમના સાથીદાર બનીને મદદ કરવી જોઈએ. (સભા. ૪:૯, ૧૦) આપણે કઈ રીતે તેમને મદદ કરી શકીએ?

૬. તમે કોઈકના બાઇબલ અભ્યાસમાં જાઓ ત્યારે નીતિવચન ૨૦:૧૮નો સિદ્ધાંત કઈ રીતે પાળી શકો?

બાઇબલ અભ્યાસની સારી તૈયારી કરો. કોઈકના અભ્યાસમાં જતા પહેલાં તમે બાઇબલ વિદ્યાર્થી વિશે અમુક વાતો જાણી શકો. (નીતિવચનો ૨૦:૧૮ વાંચો.) અભ્યાસ ચલાવનારને તમે આવા સવાલો કરી શકો: “વિદ્યાર્થીની ઉંમર શું છે? તે શું માને છે? તેના કુટુંબમાં કોણ કોણ છે? કયા વિષય પર અભ્યાસ થવાનો છે? અભ્યાસ દરમિયાન તેને શું શીખવવું જરૂરી છે? તેની સામે શું બોલવું જોઈએ અને શું ન બોલવું જોઈએ? તેને કઈ રીતે ઉત્તેજન આપી શકાય?” ખરું કે, અભ્યાસ ચલાવનાર વિદ્યાર્થીની ખાનગી માહિતી આપણને જણાવશે નહિ. પણ તે જે કંઈ જણાવશે એનાથી આપણે વિદ્યાર્થીઓને મદદ કરી શકીશું. જોયબહેન એક મિશનરી છે. તે પોતાની સાથે આવનાર ભાઈ-બહેનોને વિદ્યાર્થી વિશે અમુક માહિતી અગાઉથી જણાવી દે છે. એમ કરવાથી શું ફાયદો થાય છે? એ વિશે બહેન જણાવે છે કે, “એવી માહિતી આપવાથી ભાઈ-બહેનો વિદ્યાર્થીને સારી રીતે ઓળખી શકે છે અને અભ્યાસ દરમિયાન તેની મદદ કરી શકે છે.”

૭. કોઈ તમને બાઇબલ અભ્યાસમાં લઈ જાય ત્યારે સારી તૈયારી કેમ કરવી જોઈએ?

જ્યારે કોઈ વ્યક્તિ તમને પોતાના બાઇબલ અભ્યાસમાં લઈ જાય ત્યારે સારી તૈયારી કરીને જાઓ. (એઝ. ૭:૧૦) ડેનિયેલભાઈ જેમના વિશે આપણે અગાઉ વાત કરી તે કહે છે, “મારી સાથે આવનાર ભાઈ કે બહેન બાઇબલ અભ્યાસની સારી તૈયારી કરે છે. એના લીધે તેઓ મારા વિદ્યાર્થીને ઉત્તેજન આપી શકે છે.” જ્યારે વિદ્યાર્થી જોશે કે આપણે અને અભ્યાસ ચલાવનાર સારી તૈયારી કરીને આવ્યા છે, તો એની તેના પર સારી અસર પડશે. જો આપણે અભ્યાસની સારી તૈયારી ન કરી શકીએ તો કમ સે કમ એ વિષયના મુખ્ય મુદ્દાઓ જોઈને જઈએ.

૮. તમારી પ્રાર્થનાઓથી બાઇબલ વિદ્યાર્થીઓને ફાયદો થાય એ માટે શું કરી શકાય?

પ્રાર્થના બાઇબલ અભ્યાસનો મુખ્ય ભાગ છે. એટલે આપણે તૈયારી રાખવી જોઈએ કે પ્રાર્થના કરવાનું કહેવામાં આવે તો આપણે શું કહીશું. આમ આપણી પ્રાર્થનાથી વિદ્યાર્થીને ફાયદો થશે. (ગીત. ૧૪૧:૨) જાપાનમાં રહેતાં હનાઈબહેનનો દાખલો જોઈએ. તે પોતાના શિક્ષકની સાથે આવતા બહેનની પ્રાર્થનાઓને આજે પણ યાદ કરે છે. તે કહે છે, “એ બહેન જ્યારે પ્રાર્થના કરતા ત્યારે મને થતું કે તેમનો યહોવા સાથેનો સંબંધ કેટલો નજીકનો છે. હું પણ તેમના જેવી બનવા માગતી હતી. એ જ્યારે પ્રાર્થનામાં મારું નામ લેતા ત્યારે મને બહુ સારું લાગતું.”

૯. યાકૂબ ૧:૧૯ પ્રમાણે તમે અભ્યાસ ચલાવનારને કઈ રીતે સાથ આપી શકો?

અભ્યાસ ચલાવનારને સાથ આપો. નાઇજીરિયામાં રહેતાં એક ખાસ પાયોનિયર બહેન વિશે જોઈએ. તેમનું નામ ઓમામયોબી છે. તે જણાવે છે, “સારો સાથ આપનાર વ્યક્તિ જાણે છે કે શીખવવાની મુખ્ય જવાબદારી શિક્ષકની છે. એટલે તે બહુ બોલ બોલ નહિ કરે. જરૂર પડે ત્યારે એક કે બે મુદ્દા જણાવશે.” તો પછી કઈ રીતે ખબર પડે કે આપણે શું બોલવું જોઈએ અને ક્યારે બોલવું જોઈએ? (નીતિ. ૨૫:૧૧) જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વાત કરતા હોય ત્યારે ધ્યાનથી સાંભળો. (યાકૂબ ૧:૧૯ વાંચો.) એમ કરશો તો સારી રીતે ખબર પડશે કે શું બોલવું જોઈએ અને ક્યારે બોલવું જોઈએ. શિક્ષક જ્યારે શીખવતા હોય ત્યારે આપણે વચ્ચે બોલ બોલ ન કરીએ. આપણે મુખ્ય મુદ્દાને છોડીને બીજા મુદ્દાઓ તરફ બહુ વાત કરીશું નહિ. મુખ્ય મુદ્દાને સમજાવા જરૂર પડે તો એક નાનો દાખલો આપી શકીએ, કોઈ સવાલ પૂછી શકીએ અથવા એકાદ વાત જણાવી શકીએ. એનાથી તેઓને મદદ મળશે. અમુક વાર લાગે કે આપણી પાસે કહેવા જેવું કંઈ નથી. તોપણ આપણે વિદ્યાર્થીના વખાણ કરીએ. તેનામાં રસ લઈએ અને તેને ઉત્તેજન આપીએ.

૧૦. તમારા અનુભવથી કઈ રીતે વિદ્યાર્થીને ફાયદો થશે?

૧૦ તમારો અનુભવ જણાવો. તમે કઈ રીતે સત્યમાં આવ્યા એ વિદ્યાર્થીને જણાવો. તમે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો અને યહોવાએ તમને કઈ રીતે મદદ કરી એ પણ જણાવો. (ગીત. ૭૮:૪, ૭) બની શકે કે તમારો અનુભવ સાંભળીને તેની શ્રદ્ધા મજબૂત થાય અને તે પણ બાપ્તિસ્મા તરફ પગલાં ભરવા પ્રેરાય. તમારા અનુભવ પરથી તે જોઈ શકશે કે કઈ રીતે મુશ્કેલીઓને પાર કરી શકાય છે. (૧ પિત. ૫:૯) બ્રાઝિલમાં રહેતા ગેબ્રીએલભાઈ પાયોનિયર તરીકે સેવા આપે છે. તે અભ્યાસ કરતા હતા એ દિવસો વિશે જણાવે છે, “ભાઈઓના અનુભવ પરથી મને ઘણું શીખવા મળ્યું. હું સમજી શક્યો કે યહોવા આપણી મુશ્કેલીઓ વિશે સારી રીતે જાણે છે. જો એ ભાઈ-બહેનો મુશ્કેલીઓનો સામનો કરી શક્યા તો હું પણ કરી શકીશ.”

વિદ્યાર્થી સભામાં આવે ત્યારે શું કરી શકીએ?

બાઇબલ વિદ્યાર્થીને નિયમિત સભામાં આવવાનું ઉત્તેજન આપીએ (ફકરો ૧૧ જુઓ)

૧૧-૧૨. સભામાં આપણે વિદ્યાર્થીઓને કેમ પ્રેમથી આવકારવા જોઈએ?

૧૧ જો વિદ્યાર્થી નિયમિત સભામાં આવશે તો જ તે બાપ્તિસ્મા તરફ પગલાં ભરી શકશે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) તેનો અભ્યાસ ચલાવનાર તેને સભામાં બોલાવશે. તે સભામાં આવે ત્યારે આપણે બધા તેને નિયમિત સભામાં આવવાનું ઉત્તેજન આપી શકીએ. એ માટે આપણે શું કરી શકીએ?

૧૨ વિદ્યાર્થીને પ્રેમથી આવકારો. (રોમ. ૧૫:૭) જો બધાં ભાઈ-બહેનો વિદ્યાર્થીને પ્રાર્થનાઘરમાં ખુશીથી મળશે અને આવકારશે તો તેને ફરીથી આવવાનું મન થશે. એટલે વિદ્યાર્થી સભામાં આવે ત્યારે બધાએ તેને પ્રેમથી બોલાવવો જોઈએ. આપણે તેને બીજાઓ સાથે મળાવવો જોઈએ. એવું ન વિચારીએ કે તેનો અભ્યાસ ચલાવનાર તેને બીજાઓ સાથે મળાવશે. કદાચ અભ્યાસ ચલાવનાર હજુ સભામાં આવ્યા ન હોય કે સભામાં તેમને કામ હોય, ત્યારે આપણે વિદ્યાર્થીને મદદ કરવી જોઈએ. તેની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને તેનામાં રસ લેવો જોઈએ. એની તેના પર સારી અસર પડશે. એ વિશે ચાલો દિમિત્રીભાઈનો અનુભવ જોઈએ. થોડા સમય પહેલાં જ તેમનું બાપ્તિસ્મા થયું હતું અને આજે તે સહાયક સેવક તરીકે મંડળમાં કામ કરે છે. તે પહેલી વાર સભામાં આવ્યા ત્યારે શું બન્યું હતું એ વિશે તે જણાવે છે, “હું પ્રાર્થનાઘરની બહાર ઊભો હતો અને અંદર જવા માટે અચકાતો હતો. એવામાં એક ભાઈ આવ્યા અને મને અંદર લઈ ગયા. બીજાં ભાઈ-બહેનો પણ મને મળવા આવ્યાં. તેઓનો એકબીજા વચ્ચેનો પ્રેમ જોઈને મને ઘણું સારું લાગ્યું. એવું તો મેં ક્યાંય જોયું ન હતું. મને થયું કે દરરોજ એવી સભામાં જવા મળે તો કેટલું સારું.”

૧૩. આપણાં વાણી-વર્તનથી વિદ્યાર્થીને કઈ ખાતરી થાય છે?

૧૩ સારો દાખલો બેસાડો. જો તમારાં વાણી-વર્તન સારાં હશે તો વિદ્યાર્થીને ભરોસો થશે કે તે જે શીખી રહ્યો છે એ જ સત્ય છે. (માથ. ૫:૧૬) વીટાલીભાઈ મૉલ્ડોવામાં પાયોનિયર સેવા કરે છે. તે કહે છે: “મંડળનાં ભાઈ-બહેનો સાથે હળવા-મળવાથી હું જોઈ શક્યો કે તેઓનાં વાણી-વર્તન કેવાં છે. એનાથી મને ખાતરી થઈ છે કે આ જ સાચો ધર્મ છે.”

૧૪. તમારો દાખલો જોઈને વિદ્યાર્થીને શું કરવાનું ઉત્તેજન મળશે?

૧૪ બાપ્તિસ્મા માટે લાયક બનવા વિદ્યાર્થીએ પહેલાં શીખેલી વાતો જીવનમાં લાગુ કરવી જોઈએ. એમ કરવું સહેલું નથી. પણ તે જોશે કે તમે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવો છો અને એનાથી તમને ફાયદો થાય છે તો તેને પણ એમ કરવાનું મન થશે. (૧ કોરીં. ૧૧:૧) અગાઉ જેમના વિશે જોઈ ગયા, એ હનાઈબહેન કહે છે: “હું શીખતી હતી કે આપણે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ, એકબીજાને પ્રેમ કરવો જોઈએ અને એકબીજાને દિલથી માફ કરવા જોઈએ. પણ ભાઈ-બહેનોને એવું કરતા મેં જ્યારે જોયા ત્યારે મને એનાથી ઉત્તેજન મળ્યું. તેઓ એકબીજા વિશે સારું બોલતા હતા. એ જોઈને મને પણ તેઓના જેવું બનવાનું મન થયું.”

૧૫. નીતિવચનો ૨૭:૧૭ પ્રમાણે વિદ્યાર્થીના સારા દોસ્ત બનવું કેમ જરૂરી છે?

૧૫ વિદ્યાર્થીના મિત્ર બનો. જ્યારે વિદ્યાર્થી સભામાં આવવા લાગે ત્યારે તેની મળીએ અને તેનામાં રસ બતાવીએ. (ફિલિ. ૨:૪) તેની સાથે વાત કરીએ. તેને પૂછી શકીએ કે તેનો અભ્યાસ કેવો ચાલે છે, તેનું કામ કેવું ચાલે છે, ઘરમાં બધા મજામાં છે ને. પણ એવું કંઈ ન પૂછીએ કે તે શરમમાં મૂકાય. તે જીવનમાં ફેરફાર કરે છે એ માટે તેના વખાણ કરીએ. તેની સાથે વાત કરવાથી આપણે તેના સારા મિત્રો બની શકીશું. તેમને બાપ્તિસ્મા લેવા મદદ કરી શકીશું. (નીતિવચનો ૨૭:૧૭ વાંચો.) હનાઈબહેન આજે એક પાયોનિયર છે. તેમણે સભામાં જવાનું શરૂ કર્યું ત્યારે શું બન્યું એ વિશે તે કહે છે: “મંડળનાં ભાઈ-બહેનો મારા સારા મિત્રો બની ગયા. સભામાં જવાનું મને ઘણું ગમતું. અરે, હું થાકેલી હોઉં તોય સભામાં જવાનું ચૂકતી નહિ. એના લીધે યહોવાની સેવા ન કરતા હોય એવા લોકો સાથે હું હળવા-મળવાનું બંધ કરી શકી. હું યહોવા અને ભાઈ-બહેનોની વધુ નજીક જવા માંગતી હતી. એટલે મેં બાપ્તિસ્મા લેવાનો નિર્ણય કર્યો.”

૧૬. વિદ્યાર્થીને કઈ રીતે અનુભવ કરાવી શકો કે તે પણ મંડળનો ભાગ છે?

૧૬ એક વિદ્યાર્થી જીવનમાં સુધારો કરે ત્યારે તેને અનુભવ કરાવો કે તે પણ મંડળનો ભાગ છે. એ માટે તેને ઘરે બોલાવો, તેની સાથે હળો-મળો. (હિબ્રૂ. ૧૩:૨) ડેનીસભાઈ મૉલ્ડોવામાં સેવા આપે છે. તે જણાવે છે, “હું અને મારી પત્ની અભ્યાસ કરતા ત્યારે ભાઈ-બહેનો અમને ઘરે બોલાવતા. યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી છે એ વિશે જણાવતા, અમને ઉત્તેજન આપતા. તેઓની વાતોથી અમને પણ યહોવાની સેવા કરવાનું મન થયું. અમને પણ ખાતરી થઈ કે અમારું જીવન સારું થશે.” એક વિદ્યાર્થી પ્રચારક બને તો તેની સાથે પ્રચારમાં જવું જોઈએ. બ્રાઝિલમાં રહેતા જીએગોભાઈ કહે છે, “મને અલગ અલગ ભાઈઓ તેમની સાથે પ્રચારમાં લઈ જતા. આમ હું તેઓને ઓળખી શક્યો અને તેઓ પાસેથી ઘણું શીખી શક્યો. હું યહોવા અને ઈસુને પણ સારી રીતે ઓળખી શક્યો અને તેઓ સાથે સારો સંબંધ કેળવી શક્યો.”

વડીલો કઈ રીતે મદદ કરી શકે?

વડીલો વિદ્યાર્થી માટે પ્રેમ બતાવશે અને તેની કાળજી રાખશે, તો તે બાપ્તિસ્મા માટેનું પગલું ભરી શકશે (ફકરો ૧૭ જુઓ)

૧૭. વડીલો બાઇબલ વિદ્યાર્થીઓની કઈ રીતે મદદ કરી શકે?

૧૭ બાઇબલ વિદ્યાર્થી માટે સમય કાઢો. વડીલોએ બાઇબલ વિદ્યાર્થીઓ માટે પ્રેમ બતાવવો જોઈએ, તેઓની કાળજી લેવી જોઈએ અને તેઓ સાથે વાત કરવી જોઈએ. એમ કરશે તો બાઇબલ વિદ્યાર્થી બાપ્તિસ્મા લેવા પગલાં ભરશે. જ્યારે વિદ્યાર્થી સભાઓમાં જવાબ આપવા હાથ ઊંચો કરે, ત્યારે તેમને નામ લઈને પૂછીએ. એમ કરીશું તો વિદ્યાર્થીને ગમશે. વડીલો, શું તમે ભાઈ-બહેનો સાથે તેમના બાઇબલ અભ્યાસ પર જવા માટે સમય કાઢી શકો? જો તમે એમ કરશો તો વિદ્યાર્થી પર સારી છાપ પડશે. નાઇજીરિયામાં રહેતાં જેકીબહેન એક પાયોનિયર છે. તે કહે છે: “ઘણા વિદ્યાર્થીઓને નવાઈ લાગે છે જે ભાઈ મારી સાથે અભ્યાસમાં આવ્યા છે, તે એક વડીલ છે. મારા એક વિદ્યાર્થીએ કહ્યું, ‘પાદરી મારા ઘરે ક્યારેય નહિ આવતા. તે તો એવા ઘરે જશે જ્યાં બહુ પૈસા હોય કે લોકો તેમને પૈસા આપે.’” આજે તે વિદ્યાર્થી પોતાના આખા કુટુંબ સાથે સભામાં આવે છે.

૧૮. પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮માં આપેલી જવાબદારી વડીલો કઈ રીતે નિભાવી શકે?

૧૮ ભાઈ-બહેનોને અભ્યાસ ચલાવવા મદદ કરો અને તેઓને ઉત્તેજન આપો. વડીલોએ ભાઈ-બહેનોને પ્રચાર કરતા અને અભ્યાસ ચલાવતા શીખવવું જોઈએ. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮ વાંચો.) જો કોઈ તમારી સામે અભ્યાસ ચલાવતા અચકાય તો તમારે અભ્યાસ ચલાવવો જોઈએ. જેકીબહેન કહે છે: “વડીલો ઘણી વાર મારા વિદ્યાર્થીઓ વિશે મને પૂછે છે. મને અભ્યાસ ચલાવવાની મુશ્કેલી પડે ત્યારે મને સારા સૂચનો આપે છે.” અભ્યાસ ચલાવનાર ભાઈ-બહેનોની હિંમત વધારવા વડીલોએ મદદ કરવી છે, તેઓના વખાણ કરવા જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૧) જેકીબહેન આગળ કહે છે કે “વડીલો મારા વખાણ કરે અને મારી કદર કરે ત્યારે ઘણી ખુશી થાય છે. મને એવું લાગે છે જાણે કાળઝાળ ગરમીમાં મને ઠંડા પાણીનો ગ્લાસ કોઈએ આપ્યો ન હોય. તેઓની વાત સાંભળીને તો મને તાજગી મળી જાય છે.”—નીતિ. ૨૫:૨૫.

૧૯. આપણને બધાને કયા કામથી ખુશી મળે છે?

૧૯ કદાચ આજે આપણી પાસે કોઈ બાઇબલ અભ્યાસ નથી. તેમ છતાં આપણે બીજા વિદ્યાર્થીઓને બાપ્તિસ્મા તરફ આગળ વધવા મદદ કરી શકીએ છીએ. આપણે કોઈની સાથે અભ્યાસમાં જઈએ ત્યારે સારી તૈયારી કરીને જઈએ. આપણે સમજી-વિચારીને વાત કરીએ, આપણે વધુ પડતું ન બોલીએ. કોઈ વિદ્યાર્થી સભામાં આવે ત્યારે તેની સાથે દોસ્તી કરીએ, તેને ઉત્તેજન આપીએ. તેના માટે સારો દાખલો બેસાડીએ. વડીલોએ પણ સમય કાઢીને બીજાઓના અભ્યાસમાં જવું જોઈએ. અભ્યાસ ચલાવનાર ભાઈ-બહેનોના તેઓએ વખાણ કરવા જોઈએ અને તેઓને શીખવવું જોઈએ. એક વ્યક્તિને સત્યમાં લાવવા મંડળનાં બધાં ભાઈ-બહેનો મદદ કરી શકે છે. આમ એ કામથી બધાને ખુશી મળે છે.

ગીત ૭ હર ઘડી સોંપી દઉં યહોવાને

^ ફકરો. 5 બની શકે આજે આપણા દરેક પાસે બાઇબલ અભ્યાસ ન હોય. તેમ છતાં આપણે બધા બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરી શકીએ છીએ. આ લેખમાં ચર્ચા કરીશું કે મંડળના દરેક ભાઈ-બહેન વિદ્યાર્થીને એ પગલું ભરવા કઈ રીતે મદદ કરી શકે.