અભ્યાસ લેખ ૧૧
બાપ્તિસ્મા પછી પણ “નવો સ્વભાવ” પહેરી રાખો
“નવો સ્વભાવ પહેરી લો.”—કોલો. ૩:૧૦.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
ઝલક *
૧. આપણા સ્વભાવ પર શાની સૌથી વધારે અસર થાય છે?
આપણે હમણાં બાપ્તિસ્મા લીધું હોય કે વર્ષો પહેલાં, આપણે બધા યહોવાને પસંદ હોય એવો સ્વભાવ કેળવવા માંગીએ છીએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા વિચારો કેવા છે, કેમ કે આપણા સ્વભાવ પર એની સૌથી વધારે અસર થાય છે. જો આપણે હંમેશાં પોતાની ઇચ્છાઓ પૂરી કરવા વિશે વિચારતા રહીશું, તો વાણી-વર્તનમાં ભૂલ કરી બેસીશું. (એફે. ૪:૧૭-૧૯) બીજી બાજુ, જો આપણે હંમેશાં સારી વાતો વિશે વિચારતા રહીશું તો એવાં વાણી-વર્તન રાખી શકીશું જેનાથી યહોવા ખુશ થાય.—ગલા. ૫:૧૬.
૨. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૨ ગયા લેખમાં જોઈ ગયા તેમ, બધા ખરાબ વિચારોને આપણે મનમાં આવતા રોકી શકતા નથી. પણ એવા વિચારો પ્રમાણે કામ કરવાથી પોતાને રોકી શકીએ છીએ. બાપ્તિસ્મા પહેલાં આપણે એવાં વાણી-વર્તન છોડવાં જોઈએ, જેને યહોવા ધિક્કારે છે. જૂનો સ્વભાવ ઉતારી નાખવા માટે એ પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે. યહોવાને પૂરી રીતે ખુશ કરવા આપણે આ આજ્ઞા પાળવી પણ એટલી જ જરૂરી છે: “નવો સ્વભાવ પહેરી લો.” (કોલો. ૩:૧૦) આ લેખમાં આપણે બે સવાલોની ચર્ચા કરીશું: “નવો સ્વભાવ” એટલે શું? આપણે કઈ રીતે એને પહેરી શકીએ અને એને કાયમ પહેરી રાખી શકીએ?
“નવો સ્વભાવ” એટલે શું?
૩. “નવો સ્વભાવ” એટલે શું અને એને કઈ રીતે પહેરી શકાય? (ગલાતીઓ ૫:૨૨, ૨૩)
૩ જે “નવો સ્વભાવ” પહેરે છે તે યહોવાને અનુસરે છે. તે પોતાનાં વિચારો, લાગણીઓ અને કાર્યોમાં પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો બતાવે છે. (ગલાતીઓ ૫:૨૨, ૨૩ વાંચો.) દાખલા તરીકે, તે યહોવા અને તેમના લોકોને પ્રેમ કરે છે. (માથ. ૨૨:૩૬-૩૯) તે મુશ્કેલીઓમાં આનંદ જાળવી રાખે છે. (યાકૂ. ૧:૨-૪) તે બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરે છે. (માથ. ૫:૯) તે બીજાઓ સાથે ધીરજથી વર્તે છે અને તેઓ પર કૃપા બતાવે છે. (કોલો. ૩:૧૨, ૧૩) તે બીજાઓનું ભલું કરે છે. (લૂક ૬:૩૫) તે પોતાનાં કામોથી બતાવે છે કે તેને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા છે. (યાકૂ. ૨:૧૮) બીજાઓ તેને ભડકાવે તોપણ તે કોમળતાથી વર્તે છે. બીજાઓ તેને લલચાવે તોપણ તે સંયમ રાખે છે.—૧ કોરીં. ૯:૨૫, ૨૭; તિત. ૩:૨.
૪. આપણે કેમ બધા ગુણો કેળવવા જોઈએ? સમજાવો.
૪ નવો સ્વભાવ પહેરવા આપણે ગલાતીઓ ૫:૨૨, ૨૩ અને બીજી કલમોમાં બતાવેલા બધા ગુણો કેળવવા જોઈએ. * એ ગુણો અલગ અલગ કપડાં જેવાં નથી કે આજે એક પહેર્યું તો કાલે બીજું. પણ એ ગુણો તો એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે આપણે પડોશીને ખરેખર પ્રેમ કરતા હોઈશું તો, તેની સાથે ધીરજથી વર્તીશું અને કૃપા બતાવીશું. આપણે બીજાઓનું ભલું કરવા માંગતા હોઈશું તો, કોમળતાથી વર્તીશું અને સંયમ રાખીશું.
આપણે કઈ રીતે નવો સ્વભાવ પહેરી શકીએ?
૫. (ક) ‘ખ્રિસ્ત ઈસુ જેવું મન’ રાખવાનો શું અર્થ થાય? (૧ કોરીંથીઓ ૨:૧૬) (ખ) આપણે કેમ ઈસુ વિશે શીખવું જોઈએ?
૫ પહેલો કોરીંથીઓ ૨:૧૬ વાંચો. નવો સ્વભાવ પહેરવા આપણે ‘ખ્રિસ્ત ઈસુ જેવું મન’ રાખવું જોઈએ. એનો અર્થ થાય કે આપણે ઈસુની જેમ વિચારતા શીખવું જોઈએ અને તેમના પગલે ચાલવું જોઈએ. ઈસુ પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો ખૂબ સારી રીતે બતાવે છે. તેમનામાં યહોવા ઈશ્વર જેવા જ ગુણો છે. (હિબ્રૂ. ૧:૩) ઈસુ વિશે શીખતા જઈશું અને તેમની જેમ વિચારતા જઈશું તેમ આપણે તેમના પગલે સારી રીતે ચાલી શકીશું. આમ તેમના જેવો સ્વભાવ કેળવી શકીશું.—ફિલિ. ૨:૫.
૬. ઈસુના પગલે ચાલવું મુશ્કેલ લાગે તો શું યાદ રાખવું જોઈએ?
૬ શું ઈસુના પગલે ચાલવું શક્ય છે? આપણને લાગે, ‘ઈસુમાં જરાય પાપ ન હતું અને તેમણે ક્યારેય ભૂલો કરી ન હતી. હું તો તેમના જેવો બની જ નહિ શકું.’ શું તમને એવું ક્યારેય લાગ્યું છે? જો એમ હોય તો તમે ત્રણ વાત યાદ રાખી શકો. પહેલી વાત, તમને યહોવા અને ઈસુ જેવા બનાવવામાં આવ્યા છે. એટલે જો તમે કોશિશ કરશો તો અમુક હદે તેઓને ચોક્કસ અનુસરી શકશો. (ઉત. ૧:૨૬) બીજી વાત, યહોવા તમને પવિત્ર શક્તિ આપશે. એ શક્તિની તોલે બીજું કંઈ જ ન આવે. એની મદદથી તમે એવાં કામો કરી શકશો જે કદાચ એકલા હાથે કરવા શક્ય ન હોય. ત્રીજી વાત, યહોવા એવી આશા રાખતા નથી કે તમે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા બધા ગુણો હમણાં પૂરેપૂરી રીતે બતાવો. યહોવા જાણે છે કે હજાર વર્ષ દરમિયાન લોકોમાં પાપની અસર ધીરે ધીરે ઓછી થતી જશે. (પ્રકટી. ૨૦:૧-૩) યહોવા ઇચ્છે છે કે અત્યારે આપણે ઈસુના પગલે ચાલવા બનતું બધું કરીએ અને યહોવા પર પૂરો આધાર રાખીએ.
૭. હવે આપણે શાની ચર્ચા કરીશું?
૭ આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? ચાલો પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ચાર ગુણોની ચર્ચા કરીએ. દરેક ગુણ વિશે શીખતી વખતે આપણે જોઈશું કે ઈસુએ કઈ રીતે એ ગુણ બતાવ્યો હતો. આપણે અમુક સવાલોની પણ ચર્ચા કરીશું, જે આપણા નવા સ્વભાવને વધારે નિખારવા મદદ કરશે.
૮. ઈસુએ કઈ રીતે પ્રેમ બતાવ્યો?
૮ ઈસુ યહોવાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હતા. (યોહા. ૧૪:૩૧) એ પ્રેમને લીધે જ ઈસુએ માણસોને પ્રેમ કર્યો અને તેઓ માટે ઘણું જતું કર્યું. (યોહા. ૧૫:૧૩) તે પૃથ્વી પર એ રીતે જીવ્યા જેનાથી દેખાઈ આવ્યું કે તે લોકોને કેટલો પ્રેમ કરે છે. ઈસુ પ્રેમ અને કરુણા બતાવવાનું ક્યારેય ચૂક્યા નહિ, પછી ભલેને અમુક લોકોએ તેમનો વિરોધ કર્યો. બીજી એક ખાસ રીતે પણ ઈસુએ લોકોને પ્રેમ બતાવ્યો. તેમણે ઈશ્વરના રાજ્ય વિશે તેઓને શીખવ્યું. (લૂક ૪:૪૩, ૪૪) છેલ્લે, ઈસુ પોતાની ઇચ્છાથી પાપી માણસોના હાથે રિબાઈ રિબાઈને મરણ પામ્યા. આમ તેમણે સાબિત કર્યું કે તે યહોવા અને માણસોને કેટલો પ્રેમ કરતા હતા! તેમના બલિદાનથી જ આપણને બધાને હંમેશ માટેના જીવનની સોનેરી આશા મળી છે.
૯. ઈસુની જેમ આપણે કઈ રીતે લોકોને પ્રેમ બતાવી શકીએ?
૯ આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલે જ આપણે તેમને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે. બીજી એક રીતે પણ બતાવી શકીએ કે આપણને યહોવા માટે કેટલો પ્રેમ છે. ઈસુની જેમ આપણે લોકોને પ્રેમ કરીએ. પ્રેરિત યોહાને લખ્યું કે જે “પોતાના ભાઈને પ્રેમ કરતો ન હોય જેને તે જોઈ શકે છે, તો તે ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકે જેમને તે જોઈ શકતો નથી?” (૧ યોહા. ૪:૨૦) આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘હું લોકોને કેટલો પ્રેમ કરું છું? શું હું બધા સાથે સારી રીતે વર્તું છું? કોઈ ખરાબ વ્યવહાર કરે તોપણ શું હું સારી રીતે વર્તું છું? શું હું લોકોને યહોવા વિશે શીખવવા પોતાનાં સમય અને ધનસંપત્તિ ખર્ચવા તૈયાર રહું છું? લોકો મારી મહેનતની કદર ન કરે અને મારો વિરોધ કરે ત્યારે પણ શું હું એ કામમાં લાગુ રહું છું? શું હું શિષ્ય બનાવવાના કામમાં વધારે સમય આપી શકું?’—એફે. ૫:૧૫, ૧૬.
૧૦. ઈસુએ કઈ રીતે બધા સાથે શાંતિ જાળવી?
૧૦ ઈસુ બધા સાથે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરતા. લોકો તેમની સાથે ખરાબ વ્યવહાર કરે તોપણ તે બદલો લેતા નહિ. તે સામે ચાલીને બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરતા અને તેઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપતા. દાખલા તરીકે, તેમણે લોકોને શીખવ્યું કે યહોવા ત્યારે જ તેઓની ભક્તિ સ્વીકારશે, જ્યારે તેઓ એકબીજા સાથે સુલેહ-શાંતિ કરશે. (માથ. ૫:૯, ૨૩, ૨૪) સૌથી મોટું કોણ, એ વિશે પ્રેરિતોમાં અવાર-નવાર તકરાર થતી. દર વખતે ઈસુએ તેઓ વચ્ચે સુલેહ-શાંતિ કરાવી.—લૂક ૯:૪૬-૪૮; ૨૨:૨૪-૨૭.
૧૧. આપણે કઈ રીતે શાંતિ જાળવી શકીએ?
૧૧ શાંતિ જાળવવા ફક્ત તકરારથી દૂર રહેવું જ પૂરતું નથી. આપણે સામે ચાલીને બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરવી જોઈએ. એટલું જ નહિ, ભાઈ-બહેનોને પણ એમ કરવાનું ઉત્તેજન આપવું જોઈએ. (ફિલિ. ૪:૨, ૩; ) આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરવા હું કેટલી હદે જતું કરવા તૈયાર રહું છું? કોઈ મને માઠું લગાડે ત્યારે શું હું તેના માટે મનમાં ખાર ભરી રાખું છું? મને લાગે કે સામેવાળાની ભૂલ છે તોપણ શું હું સુલેહ-શાંતિ કરવા પહેલ કરું છું કે પછી તે પહેલ કરે એની હું રાહ જોઉં છું? બે વ્યક્તિ વચ્ચે તકરાર થાય ત્યારે હું શું કરું છું? જો શક્ય હોય તો શું હું તેઓને સુલેહ-શાંતિ કરવાનું ઉત્તેજન આપું છું?’ યાકૂ. ૩:૧૭, ૧૮
૧૨. ઈસુએ કઈ રીતે કૃપા બતાવી?
૧૨ ઈસુએ લોકો પર કૃપા બતાવી. (માથ. ૧૧:૨૮-૩૦) તે લોકોનો વિચાર કરતા અને અઘરા સંજોગોમાંય કૃપા બતાવવાનું ચૂકતા નહિ. દાખલા તરીકે, ફિનીકિયાની એક સ્ત્રીએ પોતાની દીકરીને સાજી કરવાની ઈસુને વિનંતી કરી. શરૂઆતમાં તેમણે તેને ના તો પાડી, પણ તેની અડગ શ્રદ્ધા જોઈને તેમણે પોતાનો વિચાર બદલ્યો. તેમણે તેના પર કૃપા બતાવી અને તેની દીકરીને સાજી કરી. (માથ. ૧૫:૨૨-૨૮) તે કૃપા બતાવતા હતા પણ લાગણીઓમાં વહી જતા નહિ. જરૂર પડે ત્યારે તે પોતાના વહાલા શિષ્યોને સલાહ કે ઠપકો પણ આપતા. એકવાર પિતરે ઈસુને એવું કંઈક કહ્યું જે યહોવાની ઇચ્છા વિરુદ્ધ હતું. એ સમયે ઈસુએ બીજા શિષ્યોની સામે તેમને ઠપકો આપ્યો. (માર્ક ૮:૩૨, ૩૩) ઈસુ કંઈ પિતરને નીચા પાડવા માંગતા ન હતા, પણ તેમને તાલીમ આપવા માંગતા હતા. ઈસુ બીજા શિષ્યોને પણ શીખવવા માંગતા હતા કે પોતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી શકે માટે તેઓ સાથ આપે, નહિ કે તેમને એમ કરતા રોકે. પિતરને એ સમયે શરમ આવી હશે, પણ એ ઠપકાથી તેમને ફાયદો થયો હશે.
૧૩. કૃપા બતાવવાની એક સારી રીત કઈ છે?
૧૩ આપણે જેઓને પ્રેમ કરતા હોઈએ તેઓને અમુક વાર સલાહ આપવી પડે છે. એ પણ કૃપા બતાવવાની એક સારી રીત છે. એમ કરવા આપણે ઈસુને પગલે ચાલીએ. આપણે સલાહ બાઇબલમાંથી અને પ્રેમથી આપીએ. એવું ન વિચારીએ કે તેઓ ક્યારેય ફેરફાર નહિ કરે. જો તેઓ યહોવાને અને આપણને પ્રેમ કરતા હશે તો ભરોસો રાખીએ કે તેઓ આપણી સલાહ જરૂર સ્વીકારશે. આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘જેને હું પ્રેમ કરું છું, તેને ખોટું કરતા જોઉં તો શું હું તેને હિંમતથી જણાવું છું? જો સલાહ આપવી પડે તો શું હું એ ગુસ્સામાં આપું છું કે પછી પ્રેમથી? હું કયા ઇરાદાથી સલાહ આપું છું? શું હું તેની અમુક વાતોથી કંટાળી જાઉં છું એટલે, કે પછી તેનું ભલું ઇચ્છું છું એટલે સલાહ આપું છું?’
૧૪. ઈસુએ કઈ રીતે ભલાઈ બતાવી?
૧૪ ઈસુ જાણતા હતા કે લોકોનું ભલું કરવા શું કરવું જોઈએ અને તેમણે એમ કરીને પણ બતાવ્યું. તે યહોવાને પ્રેમ કરતા હતા, એટલે તેમણે હંમેશાં સારા ઇરાદાથી લોકોની મદદ કરી. એવી જ રીતે આપણે બીજાઓને મદદ કરવાની અને ભલાઈ બતાવવાની તક શોધીએ અને એ પ્રમાણે કરીએ. આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભલાઈ કરવા પાછળ આપણો ઇરાદો સારો હોવો જોઈએ. આપણને થાય, ‘શું કોઈ સારું કામ કરવા પાછળ ખોટો ઇરાદો હોઈ શકે?’ હા, હોઈ શકે. દાખલા તરીકે ઈસુએ એવા લોકો વિશે જણાવ્યું જેઓ ગરીબોને મદદ તો કરતા હતા, પણ એનો ઢંઢેરો પણ પીટતા હતા. એવું કરીને તેઓ લોકોની વાહવાહ મેળવવા માંગતા હતા. યહોવાની નજરમાં ભલાઈનાં એવાં કામોની કોઈ કિંમત નથી.—માથ. ૬:૧-૪.
૧૫. સાચી ભલાઈ કઈ રીતે બતાવી શકીએ?
૧૫ કોઈ પણ સ્વાર્થ વગર આપણે લોકોનું ભલું કરીએ, એ જ સાચી ભલાઈ કહેવાય. આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘ભલાઈ કરવા વિશે શું હું ફક્ત વિચારું જ છું કે પછી એ પ્રમાણે કરું પણ છું? હું કેવા ઇરાદાથી લોકોનું ભલું કરું છું?’
નવો સ્વભાવ સાચવી રાખીએ
૧૬. આપણે દરરોજ શું કરવું જોઈએ અને શા માટે?
૧૬ આપણે એવું ન વિચારીએ કે બાપ્તિસ્મા લઈ લીધું એટલે નવો સ્વભાવ પહેરી લીધો, હવે આપણે મહેનત કરવાની જરૂર નથી. પણ નવો સ્વભાવ તો જાણે “નવા કપડા” જેવો છે, એને આપણે સાચવવો જોઈએ. એની એક રીત છે, દરરોજ પવિત્ર શક્તિના ગુણો બતાવવાની તક શોધીએ. શા માટે? કારણ કે યહોવા પોતાની પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને હંમેશાં કામ કરતા રહે છે. (ઉત. ૧:૨) એટલે આપણે પણ કામ કરતા રહેવું જોઈએ. દાખલા તરીકે યાકૂબે લખ્યું: “કામો વગર શ્રદ્ધા મરેલી છે.” (યાકૂ. ૨:૨૬) એ જ વાત શ્રદ્ધાની સાથે સાથે પવિત્ર શક્તિના બીજા ગુણો માટે પણ લાગુ પડે છે. જ્યારે જ્યારે આપણે એ ગુણો બતાવીએ છીએ ત્યારે દેખાઈ આવે છે કે પવિત્ર શક્તિ આપણને મદદ કરી રહી છે.
૧૭. પવિત્ર શક્તિના ગુણો બતાવવાનું ચૂકી જઈએ ત્યારે શું કરવું જોઈએ?
૧૭ આપણે બાપ્તિસ્મા લીધું એને વર્ષો વીતી ગયાં હોય તોપણ અમુક વાર પવિત્ર શક્તિના ગુણો બતાવવાનું ચૂકી જઈએ છીએ. એવું થાય ત્યારે હિંમત ન હારીએ, પણ એ ગુણો બતાવવાનો પ્રયત્ન કરતા રહીએ. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. જો આપણને કોઈ કપડા બહુ ગમતા હોય અને એ આપણાથી થોડા ફાટી જાય, તો શું આપણે એને તરત ફેંકી દઈએ છીએ? ના, આપણે કદાચ એને રફૂ કરાવીએ છીએ. પછી એ વધારે ફાટે નહિ એનું ધ્યાન રાખીએ છીએ. એવી જ રીતે કોઈ વ્યક્તિ માટે આપણે કૃપા, ધીરજ કે પ્રેમ બતાવવાનું ચૂકી જઈએ તો નિરાશ ન થઈએ. આપણે વ્યક્તિ પાસે દિલથી માફી માંગીને તેની સાથે સંબંધ સુધારી શકીએ છીએ. એવી ભૂલ ફરી ન થાય એનો બનતો પ્રયત્ન કરીએ.
૧૮. આપણે શાની ખાતરી રાખી શકીએ?
૧૮ ઈસુએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે એ માટે આપણે કેટલા આભારી છીએ! આપણે તેમની જેમ વિચારતા જઈશું તેમ તેમનાં જેવાં વાણી-વર્તન રાખી શકીશું. આમ નવો સ્વભાવ પહેરી રાખવો સહેલું થઈ જશે. આ લેખમાં આપણે પવિત્ર શક્તિના ચાર ગુણો વિશે શીખ્યા. પવિત્ર શક્તિના બીજા ગુણો પણ છે. એ વિશે જાણવા આપણે સમય કાઢીએ. આપણે પોતાને પૂછી શકીએ, ‘શું હું એ ગુણો બતાવું છું?’ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “ખ્રિસ્તી જીવન” અને પછી “પવિત્ર શક્તિનું ફળ” વિષયમાં તમને એને લગતા ઘણા લેખો મળશે. ખાતરી રાખો કે તમે નવો સ્વભાવ પહેરવા અને એને પહેરી રાખવા મહેનત કરશો તો યહોવા ચોક્કસ મદદ કરશે.
ગીત ૨૯ ચાલું તારી સંગે
^ ફકરો. 5 ભલે આપણે કોઈ પણ સમાજમાંથી આવતા હોઈએ, આપણે “નવો સ્વભાવ” પહેરી શકીએ છીએ. એ માટે આપણા વિચારોમાં ફેરફાર કરતા રહેવું જોઈએ અને ઈસુ જેવા બનવાની કોશિશ કરતા રહેવું જોઈએ. આ લેખમાં આપણે ઈસુનાં વિચારો અને કામો પર ધ્યાન આપીશું. એ પણ શીખીશું કે બાપ્તિસ્મા પછી પણ આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ.
^ ફકરો. 4 આપણે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા બધા ગુણો કેળવવાના છે. પણ એ બધા જ ગુણો ગલાતીઓ ૫:૨૨, ૨૩માં આપ્યા નથી. એ વિશે વધુ જાણવા જૂન ૨૦૨૦, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”