અભ્યાસ લેખ ૧૪
“એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો”
“જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૫.
ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”
ઝલક a
૧. લોકો પહેલી વાર સભામાં આવે છે ત્યારે, તેઓના ધ્યાનમાં શું આવે છે? (ચિત્ર પણ જુઓ.)
આ દૃશ્યની કલ્પના કરો: એક પતિ-પત્ની પહેલી જ વાર યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં આવે છે. ત્યાંનાં ભાઈ-બહેનો ખૂબ જ ઉમળકાથી તેઓનું સ્વાગત કરે છે. પતિ-પત્ની જુએ છે કે ભાઈ-બહેનો એકબીજાને પણ પ્રેમ કરે છે. એ બધું તેઓનાં દિલને સ્પર્શી જાય છે. ઘરે જતી વખતે પત્ની પોતાના પતિને કહે છે: ‘આ લોકો કેટલા સારા છે! બીજાઓથી કેટલા અલગ છે!’
૨. અમુકે કેમ યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું છે?
૨ યહોવાના સાક્ષીઓ વચ્ચેનો પ્રેમ ખૂબ જ ખાસ છે. પણ એવું નથી કે આપણાથી ભૂલો થતી નથી. (૧ યોહા. ૧:૮) એટલે જેમ જેમ મંડળનાં ભાઈ-બહેનોને વધારે ઓળખીએ છીએ, તેમ તેમ તેઓની ખામીઓ નજરે ચઢે છે. (રોમ. ૩:૨૩) દુઃખની વાત છે કે બીજાઓની ખામીઓને લીધે અમુકે યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું છે.
૩. ઈસુના ખરા શિષ્યો શાનાથી ઓળખાશે? (યોહાન ૧૩:૩૪, ૩૫)
૩ ઈસુના ખરા શિષ્યો શાનાથી ઓળખાશે? આ લેખની મુખ્ય કલમ પર ફરી ધ્યાન આપો. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.) ઈસુએ એવું કહ્યું ન હતું કે તેઓ કદી ભૂલ નહિ કરે. પણ તે એવું કહેવા માંગતા હતા કે તેઓ પ્રેમના તાંતણે જોડાયેલા રહેશે. એ બતાવે છે કે તેઓની ઓળખ પ્રેમથી થશે. એ પણ ધ્યાન આપો કે ઈસુએ એવું કહ્યું ન હતું: ‘એનાથી તમે જાણશો કે તમે મારા શિષ્યો છો.’ પણ તેમણે કહ્યું હતું: “એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” આમ, ઈસુએ બતાવ્યું કે શિષ્યો વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમ જોઈને ફક્ત મંડળના લોકો જ નહિ, બહારના લોકો પણ જોઈ શકશે કે તેઓ ઈસુના ખરા શિષ્યો છે.
૪. અમુક લોકો ઈસુના ખરા શિષ્યો વિશે કદાચ શું જાણવા માંગે છે?
૪ જેઓ યહોવાના સાક્ષી નથી, તેઓમાંથી અમુક કદાચ વિચારે: ‘પ્રેમ કઈ રીતે ઈસુના ખરા શિષ્યોને ઓળખવા મદદ કરે છે? ઈસુએ કઈ રીતે પોતાના પ્રેરિતોને પ્રેમ બતાવ્યો? આજે આપણે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ?’ યહોવાના સાક્ષીઓ તરીકે આપણે એ સવાલોના જવાબ પર ખાસ ધ્યાન આપીએ છીએ. એમ કરવાથી ભાઈ-બહેનોને વધારે પ્રેમ બતાવી શકીએ છીએ, ખાસ કરીને તેઓથી કોઈ ભૂલ થાય ત્યારે.—એફે. ૫:૨.
કઈ રીતે પ્રેમનો ગુણ ઈસુના ખરા શિષ્યોની ઓળખ આપે છે?
૫. યોહાન ૧૫:૧૨, ૧૩માં ઈસુએ કહેલા શબ્દોનો અર્થ સમજાવો.
૫ ઈસુએ સાફ જણાવ્યું હતું કે તેમના શિષ્યો એકબીજાને ખાસ રીતે પ્રેમ બતાવશે. (યોહાન ૧૫:૧૨, ૧૩ વાંચો.) ધ્યાન આપો કે ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી: “જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, એવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.” એનો શું અર્થ થાય? ઈસુએ સમજાવ્યું તેમ, શિષ્યોએ પોતાના કરતાં બીજાઓને વધારે પ્રેમ કરવાનો હતો, એવો પ્રેમ જે જરૂર પડ્યે બીજા ઈશ્વરભક્તો માટે પોતાનો જીવ આપવા પણ પ્રેરે. b
૬. બાઇબલમાં કઈ રીતે જોવા મળે છે કે પ્રેમનો ગુણ મહત્ત્વનો છે?
૬ બાઇબલમાં પ્રેમના ગુણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ઘણા લોકોની મનપસંદ કલમો પ્રેમ પર છે. જેમ કે, “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) “તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.” (માથ. ૨૨:૩૯) “પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.” (૧ પિત. ૪:૮) “પ્રેમ કાયમ ટકી રહે છે.” (૧ કોરીં. ૧૩:૮) આ અને આના જેવી કલમો બતાવે છે કે આ સુંદર ગુણ કેળવવો અને બીજાઓને બતાવવો ખૂબ જ જરૂરી છે.
૭. શેતાન કેમ લોકોને એકબીજાને પ્રેમ કરવાનું અને એકતામાં રહેવાનું શીખવી શકતો નથી?
૭ ઘણા લોકો કહે છે: ‘બધા ધર્મો ઈશ્વર વિશે સત્ય શીખવવાનો દાવો કરે છે. પણ દરેક ધર્મ ઈશ્વર વિશે કંઈ અલગ જ શીખવે છે. તો પછી સાચો ધર્મ કઈ રીતે પારખી શકાય?’ શેતાને ઢગલેબંધ ધર્મો ઊભા કરીને લોકોનાં મનમાં ગૂંચવણ ઊભી કરી છે. એના લીધે સાચો ધર્મ પારખવો તેઓ માટે અઘરું થઈ ગયું છે. પણ શેતાન એવું સંગઠન ઊભું નથી કરી શકતો, જેના લોકો આખી દુનિયામાં ફેલાયેલા હોય અને એકબીજાને પ્રેમ કરતા હોય. ફક્ત યહોવા જ એવું કરી શકે છે. એવું કેમ કહી શકીએ? કેમ કે પ્રેમનો સ્રોત યહોવા છે. જેઓ પર તેમની પવિત્ર શક્તિ છે અને તેમની કૃપા છે, તેઓ વચ્ચે જ સાચો પ્રેમ છે. (૧ યોહા. ૪:૭) એટલે જ ઈસુએ કહ્યું હતું કે તેમના ખરા શિષ્યો વચ્ચે સાચો પ્રેમ જોવા મળશે.
૮-૯. યહોવાના સાક્ષીઓ વચ્ચેનો પ્રેમ જોઈને ઘણા લોકોને કેવું લાગ્યું છે?
૮ જેમ ઈસુએ કહ્યું હતું, તેમ સાચા ઈશ્વરભક્તો વચ્ચેનો પ્રેમ જોઈને ઘણા લોકો પારખી શક્યા કે તેઓ જ ઈસુના ખરા શિષ્યો છે. ઇયાનભાઈનો અનુભવ એવો જ છે. તેમના ઘરની નજીક એક સ્ટેડિયમ છે, જ્યાં તે પહેલી વાર યહોવાના સાક્ષીઓના સંમેલનમાં ગયા હતા. સંમેલનમાં ગયા એના થોડા મહિનાઓ પહેલાં, તે એ જ સ્ટેડિયમમાં એક રમત જોવા ગયા હતા. તે કહે છે: “આ સંમેલન એના કરતાં સાવ અલગ હતું. સાક્ષીઓ નમ્ર હતા અને તેઓએ સારાં કપડાં પહેર્યાં હતાં. તેઓનાં બાળકો પણ સરસ રીતે તૈયાર થયાં હતાં અને સારી રીતે વર્તતાં હતાં.” આગળ તે કહે છે: “સૌથી મહત્ત્વનું તો, તેઓ બધા જ ખુશ હતા અને હું એની જ તો શોધમાં હતો. મને એ દિવસનું એકેય પ્રવચન યાદ નથી, પણ સાક્ષીઓનું વર્તન હું કદી નહિ ભૂલું.” c આપણે એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ, એટલે એકબીજા સાથે પ્રેમથી વર્તીએ છીએ. પ્રેમને લીધે આપણે ભાઈ-બહેનોને માન આપીએ છીએ અને તેઓ સાથે માયાળુ રીતે વર્તીએ છીએ.
૯ જૉનભાઈએ સભાઓમાં જવાનું શરૂ કર્યું ત્યારે તેમને એવું જ લાગ્યું હતું. તે કહે છે: “હું જોઈ શક્યો કે તેઓ મળતાવડા અને સંત જેવા લોકો છે. તેઓ એકબીજાને દિલથી પ્રેમ કરે છે. એ પ્રેમ જોઈને મને ખાતરી થઈ ગઈ કે તેઓ જ ઈસુના ખરા શિષ્યો છે.” d આ અને આવા અનુભવો બતાવે છે કે ફક્ત યહોવાના લોકો ઈસુના પગલે ચાલે છે.
૧૦. ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ એવું ખાસ કરીને ક્યારે બતાવી શકીએ? (ફૂટનોટ પણ જુઓ.)
૧૦ આ લેખની શરૂઆતમાં જોઈ ગયા તેમ, આપણે બધા ભૂલભરેલા છીએ. એટલે અમુક વાર આપણાં ભાઈ-બહેનો એવું કંઈક બોલી દે છે અથવા કરી બેસે છે, જેનાથી આપણને દુઃખ પહોંચે છે. e (યાકૂ. ૩:૨) પણ એવું થાય ત્યારે આપણે ખાસ કરીને આપણાં વાણી-વર્તનથી બતાવી શકીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. એ વિશે ઈસુના દાખલામાંથી શું શીખી શકીએ?—યોહા. ૧૩:૧૫.
ઈસુએ કઈ રીતે પ્રેરિતોને પ્રેમ બતાવ્યો?
૧૧. યાકૂબ અને યોહાને કયા ખરાબ ગુણો બતાવ્યા? (ચિત્ર પણ જુઓ.)
૧૧ ઈસુએ એવી આશા ન રાખી કે તેમના શિષ્યોથી કોઈ ભૂલ નહિ થાય. પણ એને બદલે તેમણે તેઓને ખામીઓ સુધારવા અને ફેરફારો કરવા મદદ કરી, જેથી તેઓ યહોવાની કૃપા મેળવી શકે. (માથ. ૨૦:૨૦, ૨૧) ધ્યાન આપો કે એક વખતે, બે પ્રેરિતો યાકૂબ અને યોહાને શું કર્યું. તેઓએ પોતાનાં મમ્મી દ્વારા ઈસુને કહેવડાવ્યું કે તે તેમના રાજ્યમાં તેઓને ઊંચી પદવી આપે. આમ, યાકૂબ અને યોહાને પોતાના કામથી બતાવી આપ્યું કે તેઓ ઘમંડી છે અને બીજાઓ કરતાં ચઢિયાતા બનવા માંગે છે.—નીતિ. ૧૬:૧૮.
૧૨. શું ફક્ત યાકૂબ અને યોહાને જ ખરાબ ગુણો બતાવ્યા હતા? સમજાવો.
૧૨ એવું ન હતું કે એ વખતે ફક્ત યાકૂબ અને યોહાને જ ખરાબ ગુણો બતાવ્યા હતા. ધ્યાન આપો કે બીજા પ્રેરિતોએ શું કહ્યું: “જ્યારે બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ એ બંને ભાઈઓ પર ગુસ્સે થયા.” (માથ. ૨૦:૨૪) આપણે કલ્પના કરી શકીએ કે યાકૂબ, યોહાન અને બીજા પ્રેરિતો વચ્ચે કેવો ઉગ્ર વાદવિવાદ થયો હશે. કદાચ બીજા પ્રેરિતોએ આવું કંઈક કહ્યું હશે: ‘તમે પોતાને બહુ મોટા સમજો છો? એટલે તમે ઊંચી પદવી માંગી રહ્યા છો. શું તમે બંનેએ જ ઈસુ સાથે કામ કર્યું છે? અમે કંઈ નથી કર્યું? તમારી જેમ અમે પણ ઊંચી પદવીના હકદાર છીએ!’ ભલે તેઓએ કંઈ પણ વિચાર્યું હોય કે કહ્યું હોય, પણ એ વખતે પ્રેરિતો એકબીજાને પ્રેમ બતાવવાનું અને માયાળુ રીતે વર્તવાનું ચૂકી ગયા હતા.
૧૩. પ્રેરિતોથી ભૂલો થતી હતી તોપણ ઈસુ તેઓ સાથે કઈ રીતે વર્ત્યા? (માથ્થી ૨૦:૨૫-૨૮)
૧૩ ઈસુએ શું કર્યું? તે ગુસ્સે ન થયા. તેમણે એવું ન કહ્યું, ‘હું બીજા પ્રેરિતો શોધી લઈશ, જેઓ તમારા કરતાં વધારે નમ્ર હોય અને હંમેશાં એકબીજાને પ્રેમ બતાવતા હોય.’ એને બદલે ઈસુએ તેઓ સાથે ધીરજથી વાત કરી, કેમ કે તે જાણતા હતા કે શિષ્યોનાં દિલમાં સારું કરવાની ઇચ્છા છે. (માથ્થી ૨૦:૨૫-૨૮ વાંચો.) કોણ મોટું છે એ વિશે શિષ્યોમાં વારેઘડીએ ઝઘડા થતા હતા, તોપણ ઈસુ હંમેશાં તેઓ સાથે પ્રેમથી વર્તતા હતા.—માર્ક ૯:૩૪; લૂક ૨૨:૨૪.
૧૪. ઈસુના પ્રેરિતોનો ઉછેર કેવા સમાજમાં થયો હતો?
૧૪ ઈસુએ યાદ રાખ્યું હતું કે શિષ્યોનો ઉછેર કેવા સમાજમાં થયો હતો. (યોહા. ૨:૨૪, ૨૫) શાસ્ત્રીઓ અને ફરોશીઓ માટે પદવી અને માન-મોભો ખૂબ મહત્ત્વનાં હતાં. (માથ. ૨૩:૬; હિંદી બાઇબલમાં આ કલમની અભ્યાસ માહિતીમાં આપેલો સભા-ઘર મેં સબસે આગે કી વીડિયો સરખાવો.) ધાર્મિક યહૂદી આગેવાનો પણ પોતાને વધારે પડતા નેક ગણતા હતા. જગહ f (લૂક ૧૮:૯-૧૨) ઈસુ સમજતા હતા કે એવા સમાજમાં ઉછેર થયો હોવાથી શિષ્યો પર લોકોના વિચારોની અસર થઈ હશે. (નીતિ. ૧૯:૧૧) પણ તેમણે એવી આશા ન રાખી કે શિષ્યો કદી ભૂલ નહિ કરે. તેઓએ ભૂલો કરી ત્યારે તે ઊકળી ન ઊઠ્યા, પણ ધીરજથી વર્ત્યા. ઈસુ જાણતા હતા કે શિષ્યોનાં દિલમાં સારું કરવાની ઇચ્છા છે. એટલે તેમણે તેઓને ખૂબ જ ધીરજથી શીખવ્યું કે હંમેશાં મોટા બનવાની ઇચ્છા રાખવાને બદલે, વધારે નમ્ર બને અને એકબીજાને પ્રેમ બતાવે.
આપણે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ?
૧૫. યાકૂબ, યોહાન અને બીજા પ્રેરિતો વચ્ચે જે બન્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૫ યાકૂબ, યોહાન અને બીજા પ્રેરિતો વચ્ચે જે બન્યું, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ઈશ્વરના રાજ્યમાં ઊંચી પદવી માંગીને યાકૂબ અને યોહાને ભૂલ કરી હતી. પણ બાકીના પ્રેરિતોએ જે કર્યું એ પણ યોગ્ય ન હતું. તેઓએ એકતા જાળવી ન રાખી. તોપણ ઈસુ એ બારેબાર પ્રેરિતો સાથે પ્રેમથી અને માયાળુ રીતે વર્ત્યા. એમાંથી આપણે શું શીખી શકીએ? જો બીજાઓથી નારાજ થવાનું કારણ હોય, તોપણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ભૂલો કરે ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ. એવા સંજોગોમાં પણ આપણે પ્રેમ અને માયાળુ રીતે વર્તવાની જરૂર છે. આપણને શાનાથી મદદ મળી શકે? જ્યારે કોઈ ભાઈ કે બહેનથી આપણને માઠું લાગે, ત્યારે આપણે પોતાને આ સવાલો પૂછી શકીએ: ‘તેમણે જે કર્યું એનાથી મને કેમ આટલું દુઃખ થાય છે? શું એવું છે કે ખામી મારામાં છે અને મારે સુધારો કરવાની જરૂર છે? શું જેનાથી મને દુઃખ પહોંચ્યું છે, એ કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? જો મારી પાસે નારાજ થવાનું યોગ્ય કારણ હોય, તોપણ શું હું પ્રેમ બતાવીને તેમને માફ કરી શકું છું?’ જેટલો વધારે પ્રેમ બતાવીશું, એટલો વધારે એ સાબિત કરવાનો મોકો મળશે કે આપણે ઈસુના ખરા શિષ્યો છીએ.
૧૬. ઈસુ પાસેથી બીજું શું શીખી શકીએ?
૧૬ ઈસુ પાસેથી એ પણ શીખી શકીએ કે આપણે ભાઈ-બહેનોને સમજવા જોઈએ. (નીતિ. ૨૦:૫) એ સાચી વાત છે કે ઈસુ લોકોનું દિલ વાંચી શકતા હતા, આપણે નથી વાંચી શકતા. પણ ભાઈ-બહેનોની કોઈ વાતથી ચીડ ચઢે ત્યારે આપણે ધીરજ બતાવી શકીએ છીએ. (એફે. ૪:૧, ૨; ૧ પિત. ૩:૮) જો તેઓને વધારે સારી રીતે સમજવાની કોશિશ કરીશું, તો ધીરજ બતાવવી સહેલું થઈ જશે. ચાલો એક દાખલો જોઈએ.
૧૭. એક ભાઈને સારી રીતે ઓળખવાથી સરકીટ નિરીક્ષકને કેવો ફાયદો થયો?
૧૭ આ અનુભવ પૂર્વ આફ્રિકામાં સેવા આપતા એક સરકીટ નિરીક્ષકનો છે. તેમના મંડળમાં એક ભાઈ હતા. શરૂઆતમાં સરકીટ નિરીક્ષકને લાગતું હતું કે એ ભાઈનો સ્વભાવ થોડો કડક છે. તેમણે શું કર્યું? તે કહે છે: ‘એ ભાઈથી દૂર દૂર રહેવાને બદલે મેં તેમને ઓળખવાનો નિર્ણય લીધો.’ સરકીટ નિરીક્ષક એ ભાઈ સાથે વધારે સમય વિતાવવા લાગ્યા. એનાથી તે જોઈ શક્યા કે ભાઈનો ઉછેર જે માહોલમાં થયો હતો, એના લીધે તે બીજાઓ સાથે આ રીતે વર્તતા હતા. તે આગળ કહે છે: ‘જ્યારે મને ખબર પડી કે આ ભાઈ વર્ષોથી તેમનો સ્વભાવ બદલાની કોશિશ કરે છે અને હમણાં સુધી તેમણે કેવો સુધારો કર્યો છે, ત્યારે મારું દિલ પીગળી ગયું. હવે અમે જિગરી દોસ્તો છીએ.’ સાચે જ, જ્યારે ભાઈ-બહેનોને સમજવાની કોશિશ કરીએ છીએ, ત્યારે ઘણી વાર પ્રેમ બતાવવું સહેલું થઈ જાય છે.
૧૮. જો કોઈ ભાઈ કે બહેનથી દુઃખ પહોંચ્યું હોય, તો પોતાને કયા સવાલો પૂછવા જોઈએ? (નીતિવચનો ૨૬:૨૦)
૧૮ અમુક વખતે કદાચ એવું લાગી શકે કે જેમણે દુઃખ પહોંચાડ્યું છે, તેમની સાથે વાત કરવી જોઈએ. પણ એમ કરતા પહેલાં આ સવાલોનો વિચાર કરો: ‘શું મારી પાસે પૂરતી માહિતી છે?’ (નીતિ. ૧૮:૧૩) ‘શું એવું બની શકે કે એ ભૂલ અજાણતાં થઈ હોય?’ (સભા. ૭:૨૦) ‘શું મેં પણ પહેલાં એવી ભૂલ કરી છે?’ (સભા. ૭:૨૧, ૨૨) ‘શું એવું બની શકે કે વાત કરવાથી સમસ્યાનો હલ આવવાને બદલે વાત વધારે બગડે?’ (નીતિવચનો ૨૬:૨૦ વાંચો.) જો સમય કાઢીને એ સવાલો પર વિચાર કરીશું તો શું થશે? કદાચ આપણને સમજાઈ જશે કે એ ભાઈ કે બહેન માટેનો પ્રેમ આપણને જે બન્યું છે એ ભૂલી જવા મદદ કરશે.
૧૯. તમે શું કરવાનો નિર્ણય લીધો છે?
૧૯ યહોવાના સાક્ષીઓ એકબીજાને પ્રેમ કરીને સાબિત કરે છે કે તેઓ જ ઈસુના ખરા શિષ્યો છે. જ્યારે ભાઈ-બહેનોથી ભૂલ થઈ જાય છે, ત્યારે આપણામાંથી દરેક જણ પ્રેમ બતાવીને સાબિત કરે છે કે તે સાચે જ ઈસુના પગલે ચાલે છે. આપણો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને બીજાઓ કદાચ પારખી શકશે કે આપણો ધર્મ સાચો છે અને તેઓ કદાચ આપણી સાથે યહોવાની સેવા કરવા લાગે, જે પ્રેમના ઈશ્વર છે. ચાલો પાકો નિર્ણય લઈએ કે હંમેશાં પ્રેમ બતાવતા રહીશું, જે ઈસુના ખરા શિષ્યોની ઓળખ છે.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
a આપણા વચ્ચેનો પ્રેમ જોઈને ઘણા લોકોને યહોવા અને તેમના શબ્દ બાઇબલ વિશે વધારે શીખવાનું મન થાય છે. પણ આપણે બધા ભૂલભરેલા છીએ, એટલે અમુક વાર ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો અઘરું લાગે છે. આ લેખમાં જોઈશું કે પ્રેમ બતાવવો કેમ જરૂરી છે અને બીજાઓ ભૂલ કરે ત્યારે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ.
c ઇયાનભાઈનો અનુભવ વાંચવા jw.org/gu પર “શોધો” બૉક્સમાં લખો: “હવે મારું જીવન ખુશીઓથી ભરેલું છે.”
d જૉનભાઈનો અનુભવ વાંચવા jw.org/gu પર “શોધો” બૉક્સમાં લખો: “બધું જ સારું ચાલતું હતું!”
e આ લેખમાં એવાં મોટાં મોટાં પાપની ચર્ચા નથી કરી, જેને વડીલોએ હાથ ધરવા જોઈએ. એવાં અમુક પાપ ૧ કોરીંથીઓ ૬:૯, ૧૦માં જોવા મળે છે.
f એક પુસ્તકથી જોવા મળે છે કે ઘણા સમય પછી એક રાબ્બીએ આવું કહ્યું હતું: “આ દુનિયામાં ઇબ્રાહિમ જેવા ઓછામાં ઓછા ત્રીસ નેક લોકો છે. જો ત્રીસ હોય, તો હું અને મારો દીકરો એમાંના બે છીએ. જો દસ હોય, તો હું અને મારો દીકરો એમાંના બે છીએ. જો પાંચ, તો હું અને મારો દીકરો એમાંના બે છીએ. જો બે, તો એ હું અને મારો દીકરો છીએ અને જો એક, તો એ હું છું.”