સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૦

બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ?

બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ?

‘તમે બાપ્તિસ્મા લો.’—પ્રે.કા. ૨:૩૮.

ગીત ૨૯ ચાલું તારી સંગે

ઝલક a

૧-૨. (ક) બાપ્તિસ્મા વખતે કેવો માહોલ હોય છે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

 શું તમે ક્યારેય આ દૃશ્ય જોયું છે? અમુક લોકો બાપ્તિસ્મા માટે તૈયાર ઊભા છે. બાપ્તિસ્મા પહેલાં તેઓને બે સવાલો પૂછવામાં આવે છે. તેઓ મોટેથી એનો જવાબ આપે છે. સગા-વહાલાઓ અને મિત્રોને તેઓ પર ગર્વ થાય છે. તેઓ પાણીમાંથી બહાર આવે છે ત્યારે, ખુશી તેઓના ચહેરા પર સાફ દેખાય છે. લોકો તાળીઓના ગડગડાટથી તેઓનું સ્વાગત કરે છે. દર અઠવાડિયે હજારો લોકો યહોવાને પોતાનું જીવન સમર્પિત કરે છે અને બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બને છે.

પણ તમારા વિશે શું? જો તમે બાપ્તિસ્મા લેવાનું વિચારતા હો, તો તમે આ અંધારી દુનિયામાં એક દીવા જેવા છો, કેમ કે તમે ‘યહોવાને ભજવાનું’ નક્કી કર્યું છે. (ગીત. ૧૪:૧, ૨) ભલે તમે યુવાન હો કે વૃદ્ધ, આ લેખ ખાસ તમારા માટે લખવામાં આવ્યો છે. જેઓએ બાપ્તિસ્મા લઈ લીધું છે, તેઓ હંમેશાં યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય મક્કમ કરવા માંગે છે. આ લેખથી તેઓને પણ મદદ મળશે. આમ તો યહોવાની ભક્તિ કરવાનાં ઘણાં કારણો છે. પણ આ લેખમાં આપણે ત્રણ કારણોની ચર્ચા કરીશું.

તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરો છો

શેતાને હજારો વર્ષોથી યહોવાનું નામ બદનામ કર્યું છે અને આજે પણ કરી રહ્યો છે (ફકરા ૩-૪ જુઓ)

૩. યહોવાના લોકો કેમ સત્ય અને ન્યાયને પ્રેમ કરે છે? (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૮, ૧૬૩)

યહોવાએ પોતાના લોકોને આજ્ઞા આપી હતી કે તેઓ ‘સત્ય ચાહે.’ (ઝખા. ૮:૧૯) ઈસુએ શિષ્યોને અરજ કરી હતી કે તેઓ ન્યાયના માર્ગે ચાલે. (માથ. ૫:૬) એનો અર્થ થાય કે ઈશ્વરની નજરે જે ખરું અને શુદ્ધ છે, એ કરવાની ઝંખના રાખવી. અમને પૂરી ખાતરી છે કે તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરો છો. તમે જૂઠાણાં અને દરેકેદરેક દુષ્ટ કામને ધિક્કારો છો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૮, ૧૬૩ વાંચો.) જો કોઈ જૂઠું બોલે છે, તો તે શેતાનને અનુસરે છે, જે આ દુનિયાનો શાસક છે. (યોહા. ૮:૪૪; ૧૨:૩૧) શેતાન કોઈ પણ હિસાબે યહોવા ઈશ્વરનું પવિત્ર નામ બદનામ કરવા માંગે છે. એદન બાગમાં બળવો થયો ત્યારથી તે યહોવા વિશે જૂઠાણું ફેલાવી રહ્યો છે. તે એવું બતાવવા માંગે છે કે યહોવા સ્વાર્થી અને બેઈમાન રાજા છે, જે માણસોથી સારી વસ્તુઓ પાછી રાખે છે. (ઉત. ૩:૧, ૪, ૫) યહોવા વિશે જૂઠું બોલીને શેતાન આજે પણ લોકોનાં મનમાં ઝેર ભરી રહ્યો છે. જેઓ ‘સત્યને ચાહતા’ નથી, તેઓને શેતાન દરેક પ્રકારનાં ખોટાં કામ કરવા દોરી શકે છે.—રોમ. ૧:૨૫-૩૧.

૪. યહોવાએ કઈ રીતે બતાવ્યું છે કે તે “સત્યના ઈશ્વર” છે? (ચિત્ર પણ જુઓ.)

યહોવા “સત્યના ઈશ્વર” છે. (ગીત. ૩૧:૫) તેમને પ્રેમ કરનારા બધાને તે સાચી વાતો શીખવે છે. એમ કરીને તે શેતાનનાં જૂઠાણાંથી તેઓને આઝાદ કરે છે. તે પોતાના સેવકોને ઈમાનદાર બનવાનું અને ખરાં કામો કરવાનું શીખવે છે. આમ, તેઓને મનની શાંતિ મળે છે અને તેઓનું માન વધે છે. (નીતિ. ૧૩:૫, ૬) બાઇબલમાંથી શીખતી વખતે તમે પોતે જોયું હશે કે એ બધું યહોવાએ તમારા માટે પણ કર્યું છે. તમે શીખ્યા કે માણસો યહોવાના માર્ગમાં ચાલે, એમાં જ તેઓનું ભલું છે અને તમે પણ એ ચોક્કસ અનુભવ્યું હશે. (ગીત. ૭૭:૧૩) એટલે તમે યહોવાનાં ન્યાયી ધોરણો પ્રમાણે ચાલવા માંગો છો. (માથ. ૬:૩૩) તમે બીજાઓને યહોવા વિશેનું સત્ય જણાવવા માંગો છો અને સાબિત કરવા માંગો છો કે શેતાને આપણા ઈશ્વર યહોવા વિશે જે કંઈ કહ્યું છે, એ બધું જૂઠું છે. તમે એવું કઈ રીતે કરી શકો?

૫. તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરો છો, એ કઈ રીતે બતાવી શકો?

તમે તમારા જીવનથી બતાવી શકો કે તમે શેતાનનાં જૂઠાણાંને ધિક્કારો છો અને સત્યને સાથ આપો છો. એ પણ બતાવી શકો કે તમે યહોવાને તમારા રાજા તરીકે સ્વીકારો છો અને તેમની નજરમાં જે ખરું છે, એ જ કરવા માંગો છો. તમે એવું કઈ રીતે કરી શકો? પ્રાર્થનામાં યહોવાને જીવન સમર્પિત કરો અને બાપ્તિસ્મા લો. સત્ય અને ન્યાય માટે પ્રેમ, એ ખરેખર બાપ્તિસ્મા લેવાનું એક મોટું કારણ છે.

તમે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો

૬. ગીતશાસ્ત્ર ૪૫:૪ પ્રમાણે ઈસુને પ્રેમ કરવાનાં કયાં કારણો છે?

તમે કેમ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? એનાં અમુક કારણો ગીતશાસ્ત્ર ૪૫:૪માં આપ્યાં છે. (વાંચો.) ઈસુની નજરમાં સત્ય, ન્યાય અને નમ્રતા ખૂબ જ કીમતી છે. જો તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરતા હશો, તો ઈસુ ખ્રિસ્તને પણ પ્રેમ કરતા હશો. જરા વિચારો, ઈસુએ સત્ય અને ન્યાયના પક્ષમાં ઊભા રહેવા કેવી હિંમત બતાવી. (યોહા. ૧૮:૩૭) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે નમ્રતાના ગુણને અને નમ્ર લોકોને પ્રેમ કરે છે?

૭. ઈસુની નમ્રતા વિશે તમને કઈ વાત ગમી?

ઈસુએ પોતાના જીવનથી બતાવી આપ્યું કે તે નમ્રતાના ગુણને અને નમ્ર લોકોને પ્રેમ કરે છે. તે પોતે પણ ખૂબ નમ્ર છે. દાખલા તરીકે, તેમણે બધો માન-મહિમા પોતાને આપવાને બદલે પોતાના પિતાને આપ્યો. (માર્ક ૧૦:૧૭, ૧૮; યોહા. ૫:૧૯) ઈસુની નમ્રતા જોઈને તમને કેવું લાગે છે? તમને ચોક્કસ ઈશ્વરના દીકરાને પ્રેમ કરવાનું અને તેમના પગલે ચાલવાનું મન થતું હશે. પણ ઈસુ કેમ નમ્ર છે? કેમ કે તે પોતાના પિતાને પ્રેમ કરે છે અને તેમને અનુસરે છે, જે ખૂબ નમ્ર છે. (ગીત. ૧૮:૩૫; હિબ્રૂ. ૧:૩) ઈસુ પૂરી રીતે પિતા યહોવા જેવા ગુણો બતાવે છે. એ જોઈને શું તમને ઈસુની નજીક જવાનું મન નથી થતું?

૮. આપણે કેમ આપણા રાજા ઈસુને પ્રેમ કરીએ છીએ?

આપણે આપણા રાજા ઈસુને પ્રેમ કરીએ છીએ, કેમ કે તે સૌથી સારા રાજા છે. યહોવાએ પોતે પોતાના દીકરાને તાલીમ આપી છે અને તેમને રાજા બનાવ્યા છે. (યશા. ૫૦:૪, ૫) ઈસુએ કોઈ સ્વાર્થ વગર બધાને પ્રેમ બતાવ્યો છે. (યોહા. ૧૩:૧) ઈસુ તમારા રાજા છે, એટલે તે તમારા પ્રેમના હકદાર છે. ઈસુએ કહ્યું હતું કે જેઓ તેમને પ્રેમ કરે છે, તેઓને તે પોતાના મિત્ર ગણે છે અને ઈસુની આજ્ઞા પાળીને તેઓ પોતાનો પ્રેમ બતાવી આપે છે. (યોહા. ૧૪:૧૫; ૧૫:૧૪, ૧૫) ખરેખર, યહોવાના દીકરાના મિત્ર બનવું, એ કેટલા મોટા સન્માનની વાત છે!

૯. ઈસુનું બાપ્તિસ્મા અને તેમને પગલે ચાલનારા લોકોનું બાપ્તિસ્મા કઈ રીતે સરખું છે?

ઈસુએ આપેલી આજ્ઞાઓમાંની એક છે કે, તેમને પગલે ચાલનારા લોકો બાપ્તિસ્મા લે. (માથ. ૨૮:૧૯, ૨૦) એ માટે ઈસુએ પોતે દાખલો બેસાડ્યો છે. અમુક રીતે ઈસુનું બાપ્તિસ્મા અને તેમને પગલે ચાલનારા લોકોનું બાપ્તિસ્મા અલગ છે. (“ ઈસુનું બાપ્તિસ્મા અને તેમને પગલે ચાલનારા લોકોનું બાપ્તિસ્મા કઈ રીતે અલગ છે?” બૉક્સ જુઓ.) જોકે, અમુક રીતે એ સરખું પણ છે. ઈસુએ બાપ્તિસ્મા લઈને બતાવ્યું કે તે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા માંગે છે. (હિબ્રૂ. ૧૦:૭) ઈસુના બધા શિષ્યો બાપ્તિસ્મા લઈને જાહેર કરે છે કે તેઓએ પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું છે. પણ બાપ્તિસ્મા લઈને તેઓ ઈસુની જેમ બતાવી આપે છે કે તેઓ માટે પોતાની ઇચ્છા નહિ, પણ યહોવાની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વનું છે. આમ, તેઓ પોતાના માલિક ઈસુના પગલે ચાલે છે.

૧૦. ઈસુ માટેનો પ્રેમ તમને કયું પગલું ભરવા પ્રેરે છે? શા માટે?

૧૦ તમે માનો છો કે ઈસુ યહોવાના એકના એક દીકરા છે અને યહોવાએ તેમને તમારા રાજા બનાવ્યા છે. તમે જાણો છો કે ઈસુ નમ્ર છે અને તે પૂરી રીતે પિતા યહોવાને અનુસરે છે. તમે શીખ્યા કે ઈસુએ ભૂખ્યા લોકોને ખવડાવ્યું, નિરાશ લોકોને દિલાસો આપ્યો અને બીમાર લોકોને સાજા કર્યા. (માથ. ૧૪:૧૪-૨૧) તે આજે કઈ રીતે પોતાના મંડળની આગેવાની લે છે, એ પણ તમે જોયું છે. (માથ. ૨૩:૧૦) તમે જાણો છો કે ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ ભાવિમાં કેવાં અદ્‍ભુત કામો કરવાના છે. પણ તમે કઈ રીતે ઈસુ માટે તમારો પ્રેમ બતાવી શકો? તેમના દાખલાને અનુસરીને. (યોહા. ૧૪:૨૧) એમ કરવાનું પહેલું પગલું છે, યહોવાને જીવન સમર્પિત કરવું અને બાપ્તિસ્મા લેવું.

તમે યહોવા ઈશ્વરને પ્રેમ કરો છો

૧૧. બાપ્તિસ્મા લેવાનું સૌથી મોટું કારણ કયું છે? શા માટે?

૧૧ બાપ્તિસ્મા લેવાનું સૌથી મોટું કારણ કયું છે? એ સવાલનો જવાબ આપણને ઈસુના શબ્દોમાં મળે છે. સૌથી મોટી આજ્ઞા વિશે જણાવતા તેમણે કહ્યું હતું: “તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી અને પૂરા બળથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.” (માર્ક ૧૨:૩૦) શું તમે પણ યહોવાને એવો જ પ્રેમ કરો છો?

યહોવા એ દરેક સારી વસ્તુના આપનાર છે, જેનો આપણે હમણાં સુધી આનંદ માણ્યો છે અને ભાવિમાં પણ માણીશું (ફકરા ૧૨-૧૩ જુઓ)

૧૨. તમે કેમ યહોવાને પ્રેમ કરો છો? (ચિત્ર પણ જુઓ.)

૧૨ યહોવાને પ્રેમ કરવાનાં ઘણાં કારણો છે. જેમ કે, તમે શીખ્યા કે યહોવા “જીવનનો ઝરો” છે અને તે જ આપણને “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” આપે છે. (ગીત. ૩૬:૯; યાકૂ. ૧:૧૭) આજે આપણે જે સારી સારી વસ્તુઓનો આનંદ માણીએ છીએ, એ બધી આપણા ઉદાર અને પ્રેમાળ ઈશ્વરે જ આપી છે.

૧૩. ઈસુનું બલિદાન કેમ એક અજોડ ભેટ છે?

૧૩ ઈસુનું બલિદાન એ યહોવા તરફથી એક અજોડ ભેટ છે. એવું કેમ કહી શકીએ? યહોવા અને તેમના દીકરા વચ્ચે કેવો સંબંધ છે, એનો વિચાર કરો. ઈસુએ કહ્યું હતું: “પિતા મને પ્રેમ કરે છે” અને “હું પિતા પર પ્રેમ રાખું છું.” (યોહા. ૧૦:૧૭; ૧૪:૩૧) ઈસુ અબજોનાં અબજો વર્ષોથી યહોવા સાથે છે, એટલે તેઓ વચ્ચેનો સંબંધ એકદમ ગાઢ છે. (નીતિ. ૮:૨૨, ૨૩, ૩૦) હવે જરા વિચારો, પોતાના વહાલા દીકરાને દુઃખ સહેતા જોઈને અને મરતા જોઈને યહોવાને કેટલું દુઃખ થયું હશે! યહોવા આખી માણસજાતને અને તમને એટલો બધો પ્રેમ કરે છે કે તેમણે ખુશી ખુશી પોતાના વહાલા દીકરાનું બલિદાન આપ્યું, જેથી તમને અને બીજાઓને હંમેશ માટેનું જીવન મળે. (યોહા. ૩:૧૬; ગલા. ૨:૨૦) યહોવાને પ્રેમ કરવાનું એ સૌથી મોટું કારણ છે, ખરું ને?

૧૪. તમારા માટે સૌથી સારો ધ્યેય શું હોય શકે?

૧૪ જેમ જેમ તમે યહોવા વિશે શીખતા ગયા, તેમ તેમ તેમના માટેનો તમારો પ્રેમ વધતો ગયો. ચોક્કસ તમે હમણાં અને હંમેશ માટે તેમની નજીક જવા ચાહતા હશો. તમે એવું કરી પણ શકો છો. યહોવા પોતે ચાહે છે કે તમે તેમનું દિલ ખુશ કરો. (નીતિ. ૨૩:૧૫, ૧૬) એ તમે ફક્ત શબ્દોથી જ નહિ, કાર્યોથી પણ કરી શકો છો. તમારા જીવનથી બતાવી આપો કે તમે સાચે જ યહોવાને પ્રેમ કરો છો. (૧ યોહા. ૫:૩) શું એના કરતાં બીજો કોઈ સારો ધ્યેય હોય શકે?

૧૫. તમે યહોવા માટેનો પ્રેમ કઈ રીતે બતાવી શકો?

૧૫ તમે યહોવા માટેનો પ્રેમ કઈ રીતે બતાવી શકો? સૌથી પહેલા, એક ખાસ પ્રાર્થનામાં તમારું જીવન એકમાત્ર સાચા ઈશ્વરને સમર્પિત કરો. (ગીત. ૪૦:૮) પછી બાપ્તિસ્મા લઈને બધાને બતાવી આપો કે તમે યહોવાને પોતાનું જીવન સોંપ્યું છે. જેમ અગાઉ જોઈ ગયા તેમ એ તમારા જીવનની સૌથી ખુશહાલ અને મહત્ત્વની ઘડી હશે. બાપ્તિસ્મા લઈને તમે નવા જીવનની શરૂઆત કરો છો. હવેથી તમે પોતાના માટે નહિ, પણ યહોવા માટે જીવો છો. (રોમ. ૧૪:૮; ૧ પિત. ૪:૧, ૨) કદાચ તમને એ મોટું પગલું લાગે અને એ સાચી વાત છે. પણ એનાથી તમારા માટે સૌથી સારા જીવનના દરવાજા ખૂલી જશે. કઈ રીતે?

૧૬. ગીતશાસ્ત્ર ૪૧:૧૨ પ્રમાણે, જેઓ યહોવાની ભક્તિ કરે છે, તેઓ માટે તે શું કરશે?

૧૬ આખા બ્રહ્માંડમાં યહોવા ઈશ્વર સૌથી ઉદાર છે. જો તમે તેમના માટે કંઈક કરશો, તો તે બદલામાં તમને અનેક ગણું આપશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) જો તમે યહોવાની સેવામાં પોતાનું જીવન વિતાવશો, તો આ દુષ્ટ દુનિયામાં પણ તે તમારી ઝોળી આશીર્વાદોથી ભરી દેશે. તેમ જ, તે તમારી જરૂરિયાતો પૂરી કરશે અને તમારું જીવન ખુશહાલ હશે. આ તો બસ એક શરૂઆત છે. બાપ્તિસ્માથી શરૂ થયેલી તમારી મુસાફરીનો અંત કદી નહિ આવે. તમે હંમેશ માટે તમારા વહાલા પિતાની ભક્તિ કરી શકશો. તેમના માટેનો તમારો પ્રેમ વધતો જશે અને તમે સાચે જ, યહોવા જીવશે ત્યાં સુધી, એટલે કે હંમેશ માટે જીવી શકશો.—ગીતશાસ્ત્ર ૪૧:૧૨ વાંચો.

૧૭. તમે યહોવાને એવું શું આપી શકો, જે તેમની પાસે નથી?

૧૭ જ્યારે તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લો છો, ત્યારે તમને મોકો મળે છે કે તમે તમારા પિતાને કંઈક કીમતી આપો. તમે જે સારી વસ્તુઓ અને મીઠી પળોનો આનંદ માણો છો, એ યહોવાએ જ તો આપી છે. બદલામાં, તમે આકાશ અને પૃથ્વીના માલિકને એવું કંઈક આપી શકો છો, જે તેમની પાસે નથી. એ છે, તમારી વફાદારી અને રાજીખુશીથી કરેલી ભક્તિ. (અયૂ. ૧:૮; ૪૧:૧૧; નીતિ. ૨૭:૧૧) જીવન જીવવાની એ સૌથી સારી રીત છે. એમાં કોઈ શંકા નથી કે યહોવા માટેનો પ્રેમ એ બાપ્તિસ્મા લેવાનું સારામાં સારું કારણ છે.

રાહ કેમ જોવી?

૧૮. તમે પોતાને કયા સવાલો પૂછી શકો?

૧૮ તો શું તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો? એનો જવાબ તમે પોતે જ આપી શકો છો. પણ આ સવાલ પર વિચાર કરવાથી તમને કદાચ મદદ મળશે, ‘હું કેમ રાહ જોઉં છું?’ (પ્રે.કા. ૮:૩૬) આપણે જે ત્રણ કારણો પર ચર્ચા કરી, એનો વિચાર કરો. પહેલું, તમે સત્ય અને ન્યાયને પ્રેમ કરો છો. પોતાને પૂછો, ‘શું હું એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે બધા જ લોકો સાચું બોલતા હશે અને જે ખરું છે એ જ કરતા હશે?’ બીજું, તમે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો. પોતાને પૂછો, ‘શું હું ઈશ્વરના દીકરાને મારા રાજા તરીકે સ્વીકારું છું અને તેમના પગલે ચાલવા માંગું છું?’ ત્રીજું અને સૌથી મહત્ત્વનું, તમે યહોવાને પ્રેમ કરો છો. પોતાને પૂછો: ‘શું હું યહોવાની ભક્તિ કરીને તેમનું દિલ ખુશ કરવા માંગું છું?’ જો એ સવાલોના જવાબ ‘હા’ હોય, તો રાહ કેમ જુઓ છો? બાપ્તિસ્મા ન લેવાનું કારણ શું છે?—પ્રે.કા. ૧૬:૩૩.

૧૯. તમારે કેમ બાપ્તિસ્મા લેતા અચકાવું ન જોઈએ? સમજાવો. (યોહાન ૪:૩૪)

૧૯ જો તમે બાપ્તિસ્મા લેતા અચકાતા હો, તો ઈસુએ કહેલી એક વાત પર ધ્યાન આપો. (યોહાન ૪:૩૪ વાંચો.) તેમણે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવાને ખોરાક સાથે સરખાવ્યું હતું. શા માટે? કેમ કે ખોરાકથી આપણને ફાયદો થાય છે. ઈસુ જાણતા હતા કે યહોવા આપણને જે કંઈ કરવાનું કહે છે, એ આપણા ભલા માટે જ હોય છે. યહોવા આપણને એવું કંઈ પણ કરવાનું નહિ કહે, જેનાથી આપણને નુકસાન થાય. શું યહોવા ચાહે છે કે તમે બાપ્તિસ્મા લો? હા. (પ્રે.કા. ૨:૩૮) તો ભરોસો રાખો કે એ આજ્ઞા પાળવાથી તમને ફાયદો થશે. જો તમે સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી અચકાતા નથી, તો બાપ્તિસ્મા લેતા કેમ અચકાઓ છો?

૨૦. આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૦ અમુક લોકો કેમ બાપ્તિસ્મા લેતા અચકાય છે? તેઓ કદાચ કહે, ‘હું હમણાં તૈયાર નથી.’ એ વાત સાચી છે કે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવું અને બાપ્તિસ્મા લેવું, એ જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. એટલે એ નિર્ણય પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. તેમ જ, એમાં સમય લાગશે અને મહેનત કરવી પડશે. પણ જો એ પગલું ભરવાની તમારા દિલની તમન્‍ના હોય, તો બાપ્તિસ્મા લેવા તમે પોતાને કઈ રીતે તૈયાર કરી શકો? એ સવાલનો જવાબ આવતા લેખમાં જોઈશું.

ગીત ૨૭ યહોવા મારો માલિક

a જે લોકો બાઇબલમાંથી શીખે છે, તેઓ માટે બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે. એ પગલું ભરવા તેઓને શું મદદ કરશે? એક શબ્દમાં કહીએ તો, પ્રેમ. પણ શાના માટેનો પ્રેમ અને કોના માટેનો પ્રેમ? આ લેખમાં એ સવાલોના જવાબ મેળવીશું. એ પણ ચર્ચા કરીશું કે જેઓ બાપ્તિસ્મા લે છે, તેઓ કેવું જીવન મેળવી શકે છે.