સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૧

બાપ્તિસ્મા માટે તૈયાર થવા શું કરી શકીએ?

બાપ્તિસ્મા માટે તૈયાર થવા શું કરી શકીએ?

“બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?”—પ્રે.કા. ૮:૩૬.

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

ઝલક a

આખી દુનિયા ફરતે ઘણા યુવાનો અને મોટી ઉંમરના લોકો બાપ્તિસ્મા માટે યોગ્ય બનવા મહેનત કરી રહ્યા છે અને બાપ્તિસ્મા લઈ રહ્યા છે (ફકરા ૧-૨ જુઓ)

૧-૨. જો તમે બાપ્તિસ્મા માટે હમણાં તૈયાર ન હો, તો તમારે કેમ નિરાશ ન થવું જોઈએ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

 જો તમે બાપ્તિસ્મા લેવા માંગો છો, તો તમે ખૂબ સારો ધ્યેય રાખ્યો છે. શું તમે હમણાં બાપ્તિસ્મા લેવા તૈયાર છો? જો તમને અને તમારા મંડળના વડીલોને લાગતું હોય કે તમે તૈયાર છો, તો રાહ કેમ જોવી? તક મળતાં જ એ પગલું ભરી લો. એમ કરવાથી તમે યહોવાની ભક્તિમાં ઘણું કરી શકશો અને પુષ્કળ આશીર્વાદો મેળવી શકશો.

પણ શું કોઈએ તમને કહ્યું છે કે તમારે બાપ્તિસ્મા માટે હજી વધારે મહેનત કરવાની જરૂર છે? અથવા શું તમને પોતાને એવું લાગે છે? જો એમ હોય, તો નિરાશ ન થશો. ભલે તમે યુવાન હો કે વૃદ્ધ, તમે એ મહત્ત્વનું પગલું ભરવા તૈયાર થઈ શકો છો.

“મને શું રોકે છે?”

૩. ઇથિયોપિયાના અધિકારીએ ફિલિપને શું પૂછ્યું અને એનાથી કયો સવાલ ઊભો થાય છે? (પ્રેરિતોનાં કાર્યો ૮:૩૬, ૩૮)

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૬, ૩૮ વાંચો. ઇથિયોપિયાના અધિકારીએ ફિલિપ નામના એક પ્રચારકને પૂછ્યું: “બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?” એ અધિકારી બાપ્તિસ્મા લેવા માંગતા હતા, પણ શું તે એ મહત્ત્વનું પગલું ભરવા તૈયાર હતા?

ઇથિયોપિયાના અધિકારીએ પાકો નિર્ણય લીધો હતો કે તે યહોવા વિશે શીખતા રહેશે (ફકરો ૪ જુઓ)

૪. આપણે કેમ કહી શકીએ કે ઇથિયોપિયાના અધિકારી વધારે શીખવા માંગતા હતા?

ઇથિયોપિયાના અધિકારી ‘ઈશ્વરની ભક્તિ કરવા યરૂશાલેમ ગયા હતા.’ (પ્રે.કા. ૮:૨૭) એનાથી જાણવા મળે છે કે તેમણે યહૂદી ધર્મ અપનાવ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે તે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી યહોવા વિશે શીખ્યા હતા. પણ તે હજી વધારે શીખવા માંગતા હતા. એવું કેમ કહી શકીએ? ફિલિપ જ્યારે એ અધિકારીને રસ્તામાં મળ્યા, ત્યારે તે શું વાંચતા હતા? તે યશાયા પ્રબોધકનું લખાણ વાંચી રહ્યા હતા. (પ્રે.કા. ૮:૨૮) એમાં શાસ્ત્રની ઊંડી વાતો છે. એ અધિકારી ફક્ત શાસ્ત્રનું મૂળ શિક્ષણ શીખીને બેસી ન રહ્યા, તે વધારે શીખવા માંગતા હતા.

૫. ઇથિયોપિયાના અધિકારીએ શીખેલી વાતો પ્રમાણે કામ કરવા શું કર્યું?

તે બહુ મોટા અધિકારી હતા. તે ઇથિયોપિયાની રાણી કંદાકેના હાથ નીચે કામ કરતા હતા અને ‘રાણીના બધા ભંડારોના કારભારી હતા.’ (પ્રે.કા. ૮:૨૭) એટલે સમજી શકાય કે તેમની પાસે ઘણી જવાબદારી હશે અને તે ઘણા વ્યસ્ત હશે. પણ તેમણે યહોવાની ભક્તિ માટે સમય કાઢ્યો. તે શાસ્ત્રની સાચી વાતો શીખ્યા, એટલું જ નહિ તેમણે એ પ્રમાણે કામ પણ કર્યું. એટલે જ તો તે લાંબી મુસાફરી કરીને છેક ઇથિયોપિયાથી યરૂશાલેમ ગયા, જેથી મંદિરમાં યહોવાની ભક્તિ કરી શકે. એ મુસાફરીમાં ઘણો સમય લાગ્યો હશે અને ઘણો ખર્ચ થયો હશે. પણ યહોવાની ભક્તિ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા.

૬-૭. ઇથિયોપિયાના અધિકારીના દિલમાં યહોવા માટેનો પ્રેમ કઈ રીતે વધતો ગયો?

ઇથિયોપિયાના અધિકારી ફિલિપ પાસેથી અમુક નવી વાતો શીખ્યા. એમાંની એક હતી, ઈસુ જ મસીહ છે. (પ્રે.કા. ૮:૩૪, ૩૫) ઈસુએ તેમના માટે જે કર્યું હતું, એ વાત ચોક્કસ તેમના દિલને સ્પર્શી ગઈ હશે. પછી તેમણે શું કર્યું? જો તેમણે ચાહ્યું હોત, તો તે યહૂદી જ રહી શક્યા હોત અને આમ પણ સમાજમાં તેમનું ઘણું માન હતું. પણ તેમના દિલમાં યહોવા અને તેમના દીકરા માટેનો પ્રેમ વધ્યો. એટલે તેમણે બાપ્તિસ્મા લઈને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાનો મોટો નિર્ણય લીધો. જ્યારે ફિલિપે જોયું કે અધિકારી બાપ્તિસ્મા લેવા તૈયાર છે, ત્યારે ફિલિપે તેમને બાપ્તિસ્મા આપ્યું.

એ અધિકારીનો દાખલો અનુસરીને તમે બાપ્તિસ્મા માટે પોતાને તૈયાર કરી શકો છો. પછી તમે પણ મક્કમ ભરોસો સાથે કહી શકશો: “બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?” ચાલો જોઈએ કે ઇથિયોપિયાના અધિકારીએ જે કર્યું, એ તમે કઈ રીતે કરી શકો: (૧) તે શીખતા રહ્યા, (૨) તેમણે શીખેલી વાતો પ્રમાણે કામ કર્યું અને (૩) તે ઈશ્વર માટેનો પ્રેમ વધારતા ગયા.

શીખતા રહો

૮. તમે કઈ રીતે યોહાન ૧૭:૩ના શબ્દો લાગુ પાડી શકો?

યોહાન ૧૭:૩ અને ફૂટનોટ વાંચો. શું તમે ઈસુના એ શબ્દો સાંભળીને બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું? ઘણા લોકોએ એવું કર્યું છે. જોકે, એ શબ્દો એ પણ કહે છે કે આપણે શીખતા રહેવું જોઈએ. સાચે, આપણે ‘એકલા ખરા ઈશ્વર વિશેનું જ્ઞાન લેતા રહેવાનું’ કદી નહિ છોડીએ. (સભા. ૩:૧૧) આપણે યુગોના યુગો સુધી શીખતા રહીશું. જેટલું વધારે શીખીશું, એટલું વધારે યહોવાની નજીક જઈશું.—ગીત. ૭૩:૨૮.

૯. બાઇબલનું મૂળ શિક્ષણ શીખ્યા પછી આપણે શું કરવું જોઈએ?

જ્યારે આપણે યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું, ત્યારે આપણે ફક્ત મુખ્ય મુખ્ય વાતો શીખ્યા હતા. હિબ્રૂઓને લખેલા પત્રમાં પ્રેરિત પાઉલે એ વાતોને “મૂળ શિક્ષણ” કહી અને એને દૂધ સાથે સરખાવી, જેનાથી નાના બાળકને પોષણ મળે છે. (હિબ્રૂ. ૫:૧૨; ૬:૧) તેમણે બધા ખ્રિસ્તીઓને અરજ કરી કે તેઓ મૂળ શિક્ષણથી આગળ વધે અને શાસ્ત્રની ઊંડી વાતો પર વિચાર કરે. શું તમને બાઇબલની ઊંડી વાતો શીખવાની ઇચ્છા થાય છે? શું તમે યહોવાની ભક્તિમાં આગળ વધવા માંગો છો? શું તમે યહોવા અને તેમના હેતુઓ વિશે શીખતા રહેવા માંગો છો?

૧૦. અમુકને અભ્યાસ કરવાનું કેમ અઘરું લાગે છે?

૧૦ પણ ઘણા લોકોને અભ્યાસ કરવાનું અઘરું લાગે છે. તમારા વિશે શું? શું તમે સ્કૂલમાં વાંચવા-લખવાનું અને સારી રીતે અભ્યાસ કરવાનું શીખ્યા છો? શું તમને અભ્યાસ કરવાનું ગમતું હતું અને નવું નવું શીખવામાં મજા આવતી હતી? અથવા શું તમે એવું માની લીધું હતું કે ચોપડીમાંથી શીખવું તમારા ગજા બહારની વાત છે? તમારી જેમ ઘણાને એવું લાગે છે. પણ યહોવા તમને મદદ કરી શકે છે. આખી દુનિયામાં તે સૌથી સારા શિક્ષક છે.

૧૧. આપણે કેમ કહી શકીએ કે યહોવા “મહાન શિક્ષક” છે?

૧૧ યહોવા પોતે કહે છે કે તે ‘તમારા મહાન શિક્ષક’ છે. (યશા. ૩૦:૨૦, ૨૧) તે ધીરજ રાખનાર, પ્રેમાળ અને આપણને સમજે એવા શિક્ષક છે. તે પોતાના વિદ્યાર્થીના સારા ગુણો જુએ છે. (ગીત. ૧૩૦:૩) તે કદી પણ આપણાથી હદ બહારની અપેક્ષા રાખતા નથી. યાદ કરો કે તેમણે જ આપણું મગજ બનાવ્યું છે અને એ ખરેખર એક જોરદાર ભેટ છે. (ગીત. ૧૩૯:૧૪) આપણને ઇચ્છા થાય છે કે કંઈને કંઈ નવું શીખીએ. આપણા સર્જનહાર ચાહે છે કે આપણે હંમેશાં શીખતા રહીએ અને એનો આનંદ માણીએ. એટલે બાઇબલના સત્ય માટે “ઝંખના” રાખવી સારું છે. (૧ પિત. ૨:૨) એવા ધ્યેય બાંધો, જેને તમે પૂરા કરી શકો. બાઇબલ વાંચન અને અભ્યાસના શેડ્યુલને વળગી રહો. (યહો. ૧:૮) યહોવાની કૃપાથી તમને બાઇબલ વાંચવામાં અને યહોવા વિશે વધારે શીખવામાં મજા આવશે.

૧૨. કેમ ઈસુના જીવન અને સેવાકાર્ય પર વિચાર કરવો જોઈએ?

૧૨ નિયમિત રીતે સમય કાઢીને ઈસુના જીવન અને સેવાકાર્ય પર વિચાર કરતા રહો. જો આ કપરા સંજોગોમાં પણ યહોવાની ભક્તિ કરવા માંગતા હોઈએ, તો ઈસુના પગલે ચાલવું ખૂબ જરૂરી છે. (૧ પિત. ૨:૨૧) ઈસુએ સાફ સાફ જણાવ્યું હતું કે, તેમના પગલે ચાલનાર લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. (લૂક ૧૪:૨૭, ૨૮) પણ તેમને પૂરો ભરોસો હતો કે જેમ તેમણે મુશ્કેલીઓ પાર કરી, તેમ તેઓ પણ એને પાર કરી શકશે. (યોહા. ૧૬:૩૩) ઈસુના જીવન પર ઊંડો અભ્યાસ કરો અને રોજબરોજના જીવનમાં તેમના પગલે ચાલવાનો ધ્યેય રાખો.

૧૩. તમારે યહોવા પાસે શું માંગતા રહેવું જોઈએ? શા માટે?

૧૩ ફક્ત જ્ઞાન લેવું જ પૂરતું નથી. પણ જ્ઞાન લેવાનો ફાયદો એ છે કે એનાથી તમે યહોવા વિશે વધારે શીખી શકશો અને અમુક ગુણો કેળવી શકશો. જેમ કે, તેમને પ્રેમ કરવો અને તેમનામાં શ્રદ્ધા રાખવી. (૧ કોરીં. ૮:૧-૩) શીખવાનું ચાલુ રાખો તેમ શ્રદ્ધા વધારવા યહોવા પાસે મદદ માંગતા રહો. (લૂક ૧૭:૫) તે એવી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળે છે. ખરા જ્ઞાનને આધારે યહોવા પર રાખેલી શ્રદ્ધા તમને ભક્તિમાં આગળ વધવા મદદ કરશે.—યાકૂ. ૨:૨૬.

શીખેલી વાતો પ્રમાણે કામ કરો

પૂર પહેલાં, નૂહ અને તેમના કુટુંબને જે કહેવામાં આવ્યું હતું, એ પ્રમાણે તેઓ કામ કરતા રહ્યાં (ફકરો ૧૪ જુઓ)

૧૪. પ્રેરિત પિતરે કઈ રીતે બતાવ્યું કે શીખેલી વાતો પ્રમાણે કામ કરવું ખૂબ જરૂરી છે? (ચિત્ર પણ જુઓ.)

૧૪ પ્રેરિત પિતરે જણાવ્યું હતું કે ખ્રિસ્તના બધા શિષ્યો માટે શીખેલી વાતો પ્રમાણે કામ કરવું ખૂબ જરૂરી છે. તેમણે નૂહના બનાવનો ઉલ્લેખ કર્યો હતો. યહોવાએ નૂહને જણાવ્યું હતું કે તે એક પૂર દ્વારા એ જમાનાના દુષ્ટોનો નાશ કરી દેશે. પણ પૂર આવવાનું છે, ફક્ત એ જાણવાથી જ નૂહ અને તેમના કુટુંબનું જીવન બચવાનું ન હતું. ધ્યાન આપો કે પિતરે પૂર પહેલાંના સમયની, “વહાણ બંધાઈ રહ્યું હતું” એ સમયની વાત કરી. (૧ પિત. ૩:૨૦) વહાણ બાંધીને નૂહ અને તેમના કુટુંબે બતાવ્યું કે તેઓએ યહોવા પાસેથી શીખેલી વાતો પ્રમાણે કામ કર્યું. (હિબ્રૂ. ૧૧:૭) પછી પિતરે નૂહનાં કામોને બાપ્તિસ્મા સાથે સરખાવતા કહ્યું: ‘આ ઘટના બાપ્તિસ્માને દર્શાવે છે. એ બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે.’ (૧ પિત. ૩:૨૧) જેમ નૂહ અને તેમના કુટુંબે વહાણ બાંધવા વર્ષો સુધી મહેનત કરી, તેમ બાપ્તિસ્મા માટે તૈયાર થવા તમારે પણ મહેનત કરવી પડશે. બાપ્તિસ્મા માટે તૈયાર થવા તમારે કયું કામ કરવાની જરૂર છે?

૧૫. દિલથી પસ્તાવો કર્યો છે એવું કઈ રીતે બતાવી શકીએ?

૧૫ સૌથી પહેલા, આપણે પાપનો દિલથી પસ્તાવો કરવો જોઈએ. (પ્રે.કા. ૨:૩૭, ૩૮) જો દિલથી પસ્તાવો કરીશું, તો ફેરફારો કરી શકીશું. શું તમે યહોવાને નારાજ કરતા કામો છોડ્યાં છે, જેમ કે ગંદું જીવન જીવવું, તમાકુ ખાવી અથવા ગાળો કે ખરાબ શબ્દો બોલવા? (૧ કોરીં. ૬:૯, ૧૦; ૨ કોરીં. ૭:૧; એફે. ૪:૨૯) જો એમ કર્યું ન હોય, તો ફેરફારો કરવા મહેનત કરતા રહો. તમને બાઇબલમાંથી શીખવનાર ભાઈ કે બહેન પાસેથી અથવા તમારા મંડળના વડીલ પાસેથી મદદ અને સલાહ માંગો. બાળકો અને યુવાનો, મમ્મી-પપ્પા પાસે મદદ માંગો, જેથી બાપ્તિસ્મા લેતા રોકતી હોય એ ખરાબ આદત છોડી શકો.

૧૬. ભક્તિનાં કામોમાં લાગુ રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૬ ભક્તિનાં કામોમાં લાગુ રહેવું પણ ખૂબ જરૂરી છે. જેમ કે, સભાઓમાં જવું અને એમાં ભાગ લેવો. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) જો તમે પ્રચારમાં જવા યોગ્ય હો, તો નિયમિત રીતે એ કામ કરતા રહો. જીવન બચાવનાર એ કામમાં જેટલો વધારે ભાગ લેશો, એટલો વધારે તમે આનંદ મેળવશો. (૨ તિમો. ૪:૫) પોતાને પૂછો: ‘શું સભાઓ અને પ્રચાર વિશે મમ્મી-પપ્પાએ યાદ કરાવવું પડે છે, કે પછી એ બધું હું મારી જાતે કરું છું?’ એ બધાં કામો પોતે કરીને તમે બતાવી આપો છો કે તમને યહોવામાં શ્રદ્ધા છે, તમે તેમને પ્રેમ કરો છો અને તેમણે આપેલી વસ્તુઓ માટે આભારી છો. ભક્તિનાં એ કામો અર્પણો જેવાં છે, જે તમે યહોવાને ચઢાવી શકો છો. (૨ પિત. ૩:૧૧; હિબ્રૂ. ૧૩:૧૫) રાજીખુશીથી ચઢાવેલાં અર્પણોથી આપણા ઈશ્વર ખૂબ જ ખુશ થાય છે. (૨ કોરીંથીઓ ૯:૭ સરખાવો.) એ બધું કરવાનું કારણ એ છે કે યહોવાને સૌથી સારું આપવામાં આપણને ખુશી મળે છે.

યહોવા માટેનો તમારો પ્રેમ વધારતા રહો

૧૭-૧૮. બાપ્તિસ્મા લેવા માટે તમને કયો ખાસ ગુણ મદદ કરશે? શા માટે? (નીતિવચનો ૩:૩-૬)

૧૭ બાપ્તિસ્માની તૈયારી કરતી વખતે તમારી સામે અમુક મુશ્કેલીઓ આવશે. તમારી માન્યતાને લીધે અમુક લોકો કદાચ તમારી મજાક ઉડાવે, વિરોધ કરે કે જુલમ ગુજારે. (૨ તિમો. ૩:૧૨) તમે ખોટી આદત છોડવા મહેનત કરતા હો, પણ કદાચ તમે ફરી એ ભૂલ કરી બેસો. તમને કદાચ થાય, ‘હું ક્યારે બાપ્તિસ્મા માટે યોગ્ય બનીશ?’ એ વિચારી વિચારીને કદાચ તમારી ધીરજ ખૂટી જાય અને તમને ગુસ્સો આવે. પણ હિંમત ન હારવા શેનાથી મદદ મળશે? એક ખાસ ગુણથી, એ છે યહોવા માટેનો પ્રેમ.

૧૮ તમને ખબર છે, તમારો સૌથી સારો ગુણ કયો છે? યહોવા માટેનો તમારો પ્રેમ. (નીતિવચનો ૩:૩-૬ વાંચો.) ઈશ્વર માટેનો ગાઢ પ્રેમ તમને મુશ્કેલીઓ પાર કરવામાં મદદ કરશે. બાઇબલમાં ઘણી વાર જણાવ્યું છે કે યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ બતાવે છે. એનો અર્થ થાય કે તે પોતાના લોકોને ક્યારેય છોડશે નહિ અને તેઓને હંમેશાં પ્રેમ બતાવતા રહેશે. (ગીત. ૧૦૦:૫) યહોવાએ તમને તેમના જેવા બનાવ્યા છે. (ઉત. ૧:૨૬) તો તમે કઈ રીતે એવો પ્રેમ બતાવી શકો?

તમે દરરોજ યહોવાનો આભાર માની શકો છો (ફકરો ૧૯ જુઓ) b

૧૯. યહોવાએ તમારા માટે જે કર્યું છે, એનો આભાર માનવા તમે શું કરી શકો? (ગલાતીઓ ૨:૨૦)

૧૯ સૌથી પહેલા, આભાર માનવાનું શીખો. (૧ થેસ્સા. ૫:૧૮) દરરોજ પોતાને પૂછો: ‘યહોવાએ મને કઈ રીતે પ્રેમ બતાવ્યો છે?’ પછી પ્રાર્થનામાં એ બાબતો માટે યહોવાનો આભાર માનો, જે તેમણે ખાસ તમારા માટે કરી છે. પ્રેરિત પાઉલની જેમ તમે પણ મહેસૂસ કરો કે યહોવા તમને પ્રેમ કરે છે અને તમારા માટે સારાં કામો કરે છે. (ગલાતીઓ ૨:૨૦ વાંચો.) પોતાને પૂછો: ‘બદલામાં શું હું મારાં કામોથી યહોવાને પ્રેમ બતાવવા ચાહું છું?’ યહોવા માટેનો પ્રેમ તમને લાલચનો સામનો કરવા અને મુશ્કેલીઓમાં પણ હિંમત ન હારવા મદદ કરશે. એ પ્રેમ તમને ભક્તિનાં કામોમાં લાગુ રહેવા પણ મદદ કરશે અને આમ તમે દરરોજ બતાવી શકશો કે તમે તમારા પિતાને પ્રેમ કરો છો.

૨૦. (ક) યહોવાને જીવન સમર્પિત કરવા તમારે શું કરવું જોઈએ? (ખ) એ નિર્ણય કેટલો મહત્ત્વનો છે?

૨૦ સમય જતાં, યહોવા માટેનો પ્રેમ તમને પ્રેરણા આપશે કે તમે એક ખાસ પ્રાર્થના કરો અને યહોવાને પોતાનું જીવન સમર્પિત કરો. યાદ રાખો, જ્યારે તમે યહોવાને જીવન સમર્પિત કરો છો, ત્યારે તમને આ સુંદર આશા મળે છે: હંમેશ માટે યહોવા તમારા માલિક બને છે. જીવન સમર્પિત કરતી વખતે તમે યહોવાને વચન આપો છો કે તમે સારા-નરસા સંજોગોમાં તેમની ભક્તિ કરતા રહેશો. એ વચન તમારે વારેવારે આપવું નહિ પડે. સમર્પણનું વચન સાચે જ બહુ મોટો નિર્ણય છે, પણ આનો વિચાર કરો: તમે જીવનમાં ઘણા નિર્ણયો લેશો. એમાંના અમુક સારા હશે. પણ યહોવાને જીવન સમર્પિત કરવાનો નિર્ણય એ બધામાં સૌથી સારો હશે. (ગીત. ૫૦:૧૪) શેતાન ખૂબ જ ધમપછાડા કરશે કે યહોવા માટેનો તમારો પ્રેમ ઓછો થઈ જાય અને તમે તેમને વફાદાર ન રહો. પણ તમે તેને જીતવા ન દેશો. (અયૂ. ૨૭:૫) યહોવા માટેનો પ્રેમ તમને મદદ કરશે કે તમે સમર્પણનું વચન પાળો અને સ્વર્ગમાં રહેતા તમારા પિતા સાથેનો તમારો સંબંધ વધારે ને વધારે મજબૂત કરો.

૨૧. આપણે કેમ કહી શકીએ કે બાપ્તિસ્મા એ અંત નહિ, પણ શરૂઆત છે?

૨૧ યહોવાને જીવન સમર્પિત કર્યા પછી તમારા મંડળના વડીલોને જણાવો કે તમે બાપ્તિસ્મા લેવા માંગો છો. હંમેશાં યાદ રાખો, બાપ્તિસ્મા એ અંત નથી, પણ શરૂઆત છે. બાપ્તિસ્મા લઈને તમે યહોવાની ભક્તિમાં એ મુસાફરીની શરૂઆત કરો છો, જેનો કદી અંત નહિ આવે. એટલે હમણાંથી જ યહોવા માટેનો પ્રેમ વધારતા જાઓ. એવા ધ્યેય રાખો, જેથી યહોવા માટેનો પ્રેમ વધતો ને વધતો જાય. એ પગલાં તમને બાપ્તિસ્મા માટે તૈયાર કરશે. એ દિવસ તમારા માટે યાદગાર હશે. પણ એ બસ એક શરૂઆત છે. અમારી પ્રાર્થના છે કે યહોવા અને તેમના દીકરા માટેનો તમારો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

a બાપ્તિસ્મા માટે પોતાને યોગ્ય બનાવવા સારો ઇરાદો હોવો ખૂબ જરૂરી છે. આપણે યોગ્ય પગલાં પણ ભરવાની જરૂર છે. આ લેખમાં આપણે ઇથિયોપિયાના એક મોટા અધિકારીનો દાખલો જોઈશું અને એમાંથી શીખીશું કે બાપ્તિસ્મા લેવા બાઇબલ વિદ્યાર્થીએ કેવાં પગલાં ભરવાની જરૂર છે.

b ચિત્રની સમજ: યહોવાએ જે કંઈ આપ્યું છે એ માટે એક યુવાન બહેન પ્રાર્થનામાં યહોવાનો આભાર માને છે.