વાચકો તરફથી પ્રશ્નો
રૂથ ૪:૧માં જે છોડાવનાર વિશે વાત કરી છે, તેણે કેમ એવું કહ્યું કે જો તે રૂથ સાથે લગ્ન કરશે, તો પોતાનો વારસો ‘ગુમાવી બેસશે’? (રૂથ ૪:૬)
બાઇબલ સમયમાં જો એક પરણેલા ઇઝરાયેલી માણસનું મરણ થતું અને તેને કોઈ બાળક ન હોય, તો અમુક સવાલો ઊભા થતા. જેમ કે, તેની જમીનનું શું થતું? શું તેના કુટુંબનું નામ કાયમ માટે ભૂંસાઈ જતું? એ સવાલોના જવાબ મૂસાના નિયમશાસ્ત્રમાંથી મળે છે.
જો એક માણસ ગુજરી જાય, તો તેના ભાઈ અથવા નજીકના સગાને તેની જમીન મળતી. જો તે ગરીબ થઈ જાય અને પોતાની જમીન વેચી દે, તો તેનો ભાઈ અથવા નજીકનો સગો એ જમીન છોડાવી શકતો અથવા એને પાછી ખરીદી શકતો. આમ, એ જમીન કુટુંબમાં જ રહેતી.—લેવી. ૨૫:૨૩-૨૮; ગણ. ૨૭:૮-૧૧.
મરનારનું નામ ભૂંસાઈ ન જાય એ માટે શું કરવામાં આવતું? મરનારનો ભાઈ પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કરતો. તેઓને જે દીકરો થતો, તેને મરનારનું નામ અને વારસો મળતાં. આ રિવાજથી વિધવાની પણ જરૂરિયાતો પૂરી થતી. (પુન. ૨૫:૫-૭; માથ. ૨૨:૨૩-૨૮) રૂથના કિસ્સામાં આ રિવાજ પ્રમાણે થયું હતું.
નાઓમીનો કિસ્સો યાદ કરો. તેનું લગ્ન અલીમેલેખ સાથે થયું હતું. થોડા સમય બાદ નાઓમીના પતિ અને બે દીકરાઓનું મરણ થયું અને તેની સંભાળ રાખનાર કોઈ ન રહ્યું. (રૂથ ૧:૧-૫) પછી નાઓમી યહૂદા પાછી આવી. ત્યાં બોઆઝ નામનો એક માણસ હતો, જે અલીમેલેખનો નજીકનો સગો હતો. નાઓમીએ પોતાની વહુ રૂથને કહ્યું કે તે બોઆઝને પૂછે કે શું તે છોડાવનાર તરીકેની જવાબદારી નિભાવશે કે નહિ. (રૂથ ૨:૧, ૧૯, ૨૦; ૩:૧-૪) પણ બોઆઝ જાણતો હતો કે બીજો એક માણસ તેના કરતાં વધારે નજીકના સગામાં છે. એટલે છોડાવનાર તરીકેની જવાબદારી નિભાવવાનો પહેલો હક એ માણસ પાસે હતો. (રૂથ ૩:૯, ૧૨, ૧૩) બાઇબલમાં તેનું નામ જણાવ્યું નથી.
શરૂઆતમાં એ માણસ જમીન છોડાવવા તૈયાર થઈ ગયો. (રૂથ ૪:૧-૪) તે જાણતો હતો કે એ માટે તેણે થોડો-ઘણો ખર્ચો કરવો પડશે. જોકે, તે એ પણ જાણતો હતો કે નાઓમી વૃદ્ધ થઈ ગઈ છે અને તેને કોઈ બાળક થવાનું નથી, જેને અલીમેલેખનો વારસો મળે. એટલે અલીમેલેખની જમીન પણ તેના વારસામાં ઉમેરાઈ જાત. જોવા જઈએ તો આ સોદામાં તેનો જ ફાયદો હતો.
પણ જ્યારે તેને ખબર પડી કે તેણે રૂથ સાથે લગ્ન કરવું પડશે, ત્યારે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે કહ્યું: “હું એ જમીન છોડાવી શકતો નથી. એમ કરવાથી હું કદાચ મારો વારસો ગુમાવી બેસું.” (રૂથ ૪:૫, ૬) તેણે કેમ એવું કહ્યું?
જો એ માણસ અથવા બીજું કોઈ રૂથ સાથે લગ્ન કરે અને તેઓને દીકરો થાય, તો એ દીકરાને અલીમેલેખની જમીનનો વારસો મળતો. પણ એ માણસ કઈ રીતે પોતાનો ‘વારસો ગુમાવી બેસતો’? બાઇબલમાં એ વિશે કંઈ જણાવ્યું નથી. પણ ચાલો જોઈએ કે કયાં અમુક કારણો હોય શકે.
પહેલું, તે અલીમેલેખની જમીન છોડાવવા જે પૈસા ખર્ચતો, એ પાણીમાં જતા. કેમ કે આખરે એ જમીન તેની થવાની ન હતી, પણ રૂથના દીકરાને મળવાની હતી.
બીજું, તેણે રૂથ અને નાઓમી બંનેનું ભરણપોષણ કરવું પડતું.
ત્રીજું, જો એ માણસથી રૂથને બીજાં બાળકો થાય અને એ માણસને પહેલેથી અમુક બાળકો હોય, તો રૂથનાં બાળકોને એ માણસનાં બાળકો સાથે વારસો મળતો.
ચોથું, જો એ માણસને બીજાં બાળકો ન હોત, તો રૂથના દીકરાને અલીમેલેખની જમીનની સાથે સાથે એ માણસની પણ જમીન મળતી. આમ તેના મરણ પછી તેની જમીન રૂથના એ બાળકને મળતી, જે અલીમેલેખના નામે ઓળખાત, તેના નહિ. તે નાઓમીની મદદ કરવા પોતાનો વારસો ગુમાવવા માંગતો ન હતો. એટલે તેણે છોડાવનાર તરીકેની જવાબદારી નિભાવવાનો હક બોઆઝને આપ્યો, જે તેના પછી સૌથી નજીકનો સગો હતો. બોઆઝે એમ કર્યું, કેમ કે તે ચાહતો હતો કે ‘ગુજરી ગયેલા માણસનો વારસો તેના વંશજો પાસે જ રહે.’—રૂથ ૪:૧૦.
એ માણસને પોતાનું નામ અને વારસો સાચવવામાં જ રસ હતો. તે સાવ સ્વાર્થી હતો. ભલે તેણે પોતાનું નામ સાચવવા આટલી બધી મહેનત કરી, પણ આજે આપણે તેનું નામ પણ જાણતા નથી. તેણે એક ખાસ લહાવો પણ ગુમાવ્યો, જે બોઆઝને મળ્યો. બોઆઝના વંશમાંથી મસીહ, એટલે કે ઈસુ ખ્રિસ્ત આવ્યા. સ્વાર્થના લીધે એ માણસે એક લાચાર સ્ત્રીની મદદ ન કરી. તેણે કેટલું ખરાબ પરિણામ ભોગવવું પડ્યું!—માથ. ૧:૫; લૂક ૩:૨૩, ૩૨.