સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૩

સૃષ્ટિ દ્વારા બાળકોને યહોવા વિશે શીખવો

સૃષ્ટિ દ્વારા બાળકોને યહોવા વિશે શીખવો

‘એ બધું કોણે બનાવ્યું છે?’—યશા. ૪૦:૨૬.

ગીત ૧૫ સૃષ્ટિ આપે યહોવાની ઓળખ

ઝલક a

૧. મમ્મી-પપ્પા પોતાનાં બાળકો માટે શું ઇચ્છે છે?

 મમ્મી-પપ્પા, અમે જાણીએ છીએ કે તમારાં બાળકો યહોવાને ઓળખે અને તેમને પ્રેમ કરે, એવી તમારાં દિલની ઇચ્છા છે. પણ આપણે ઈશ્વરને જોઈ નથી શકતા. તો પછી તમે કઈ રીતે બાળકોને એ જોવા મદદ કરી શકો કે યહોવા સાચે જ છે? તેમ જ, તમે કઈ રીતે બાળકોને તેમની નજીક જવા મદદ કરી શકો?—યાકૂ. ૪:૮.

૨. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને યહોવાના ગુણો શીખવી શકે?

બાળકોને યહોવાની નજીક જવા કઈ રીતે મદદ કરી શકીએ? સૌથી મહત્ત્વની રીત છે, તેઓ સાથે બાઇબલનો અભ્યાસ કરીને. (૨ તિમો. ૩:૧૪-૧૭) જોકે, બાઇબલમાં બીજી એક રીત પણ જણાવી છે, જેના દ્વારા બાળકો યહોવા વિશે શીખી શકે છે. નીતિવચનોના પુસ્તકમાં એક પપ્પા પોતાના દીકરાને યાદ અપાવે છે કે તે સૃષ્ટિમાં જોવા મળતા યહોવાના ગુણોને ક્યારેય પોતાની નજરથી દૂર થવા ન દે. (નીતિ. ૩:૧૯-૨૧) આ લેખમાં આપણે અમુક રીતો જોઈશું, જેનાથી મમ્મી-પપ્પા બાળકોને સૃષ્ટિ દ્વારા યહોવાના ગુણો શીખવી શકે.

સૃષ્ટિ દ્વારા બાળકોને કઈ રીતે શીખવી શકો?

૩. મમ્મી-પપ્પાએ બાળકોને શું સમજવા મદદ કરવી જોઈએ?

બાઇબલમાં જણાવ્યું છે: “ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે.” (રોમ. ૧:૨૦) મમ્મી-પપ્પા, તમને બાળકો સાથે ઘરની બહાર સમય વિતાવવો ઘણું ગમતું હશે. એ સમયનો ઉપયોગ કરીને બાળકોને એ સમજવા મદદ કરો કે યહોવાએ ‘બનાવેલી વસ્તુઓમાંથી’ કઈ રીતે તેમના અદ્‍ભુત ગુણો વિશે શીખી શકીએ. ચાલો જોઈએ કે ઈસુની શીખવવાની રીતથી મમ્મી-પપ્પા શું શીખી શકે.

૪. ઈસુએ કઈ રીતે સૃષ્ટિ દ્વારા શિષ્યોને શીખવ્યું? (લૂક ૧૨:૨૪, ૨૭-૩૦)

ધ્યાન આપો કે ઈસુએ કઈ રીતે સૃષ્ટિ દ્વારા શીખવ્યું. એક વખતે, તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ કાગડાઓ અને ફૂલોનો વિચાર કરે. (લૂક ૧૨:૨૪, ૨૭-૩૦ વાંચો.) જો ઈસુએ ચાહ્યું હોત, તો તે ઈશ્વરે બનાવેલી કોઈ પણ વસ્તુનો દાખલો આપી શક્યા હોત. પણ તેમણે પક્ષીઓ અને ફૂલોનો દાખલો આપ્યો, જે ઈસુના શિષ્યો અવાર-નવાર જોતા હતા. શિષ્યોએ કદાચ કાગડાને આકાશમાં ઊડતા જોયા હશે અથવા ખેતરમાં ફૂલો ખીલતાં જોયાં હશે. એ દાખલા આપતી વખતે ઈસુએ ચોક્કસ પક્ષીઓ અને ફૂલો તરફ આંગળી ચીંધી હશે. દાખલો આપ્યા પછી તેમણે શું કર્યું? તેમણે શિષ્યોને એક જોરદાર વાત શીખવી કે સ્વર્ગમાં રહેતા તેઓના પિતા કેટલા ઉદાર અને દયાળુ છે. જેમ યહોવા પક્ષીઓને ખાવાનું આપે છે અને ફૂલોને કપડાં પહેરાવે છે, તેમ તે પોતાના વફાદાર ભક્તોની જરૂરિયાતો પૂરી કરશે.

૫. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને સૃષ્ટિમાંથી યહોવા વિશે શીખવી શકે?

મમ્મી-પપ્પા, બાળકોને શીખવતી વખતે તમે કઈ રીતે ઈસુને અનુસરી શકો? તમે બાળકોને સૃષ્ટિમાંથી તમારી કોઈ મનપસંદ વસ્તુ વિશે જણાવી શકો. જેમ કે, તમને ગમતાં પ્રાણી અથવા ફૂલછોડ વિશે જણાવો. પણ એ કહેવાનું ન ભૂલતાં કે એમાંથી યહોવાના કયા ગુણો શીખવા મળે છે. પછી બાળકોને પૂછો કે તેઓને કયું પ્રાણી અથવા ફૂલછોડ ગમે છે. જ્યારે તમે તેઓને મનગમતાં પ્રાણી કે ફૂલછોડનો ઉપયોગ કરીને યહોવાના ગુણો વિશે શીખવશો, ત્યારે તેઓ કદાચ તમારી વાત વધારે ધ્યાનથી સાંભળશે.

૬. ક્રિસ્ટોફરભાઈનાં મમ્મી પાસેથી આપણે શું શીખી શકીએ?

મમ્મી-પપ્પા, ધારો કે તમે કોઈ પ્રાણી કે ફૂલછોડમાંથી બાળકોને યહોવા વિશે શીખવવા માંગો છો. શું એ માટે તમારે કલાકોના કલાકો સંશોધન કરવાની જરૂર છે? ના, એવું જરૂરી નથી. ઈસુએ શીખવતી વખતે લાંબુંલચક ભાષણ આપ્યું ન હતું કે કાગડાઓ કઈ રીતે ખાય છે અથવા ફૂલો કઈ રીતે ઊગે છે. જો તમારાં બાળકોને સૃષ્ટિ વિશે ઊંડો અભ્યાસ કરવો ગમતું હોય, તોપણ અમુક વાર કોઈ નાની વાત અથવા એક નાનો સવાલ જ શીખવવા માટે પૂરતો હોય છે. ક્રિસ્ટોફરભાઈના દાખલા પર ધ્યાન આપો. તે પોતાના બાળપણ વિશે જણાવતા કહે છે: “મમ્મી અમને અમુક નાના નાના મુદ્દા જણાવતાં, જેથી અમે આજુબાજુની સૃષ્ટિ માટે કદર બતાવી શકીએ. દાખલા તરીકે, અમે કોઈ પહાડી વિસ્તારમાં જઈએ ત્યારે તે કહેતાં: ‘આ વિશાળ અને સુંદર પહાડો તો જો! યહોવા કેટલા મહાન છે, હેં ને?’ અથવા દરિયા કિનારે જઈએ ત્યારે તે કહેતાં: ‘આ શક્તિશાળી મોજાઓ તો જો! યહોવા કેટલા શક્તિશાળી છે, હેં ને?’” ક્રિસ્ટોફરભાઈ કહે છે: “મમ્મીએ કહેલી સાદી વાત અમને વિચારતા કરી દેતી.”

૭. તમે બાળકોને કઈ રીતે શીખવી શકો કે તેઓ સૃષ્ટિ પર વિચાર કરે?

તમારાં બાળકો મોટાં થતાં જાય તેમ, તેઓને શીખવી શકો કે તેઓ સૃષ્ટિ પર ઊંડો વિચાર કરે અને યહોવા વિશે શીખે. તમે કદાચ યહોવાએ બનાવેલી કોઈ એક જ વસ્તુ પર વાત કરી શકો અને પૂછી શકો, “આમાંથી તને યહોવા વિશે શું શીખવા મળ્યું?” બાળકોના જવાબ જાણીને તમને કદાચ નવાઈ લાગશે અને ખુશી પણ થશે.—માથ. ૨૧:૧૬.

સૃષ્ટિ દ્વારા બાળકોને ક્યારે શીખવી શકો?

૮. રસ્તા પર મુસાફરી કરતી વખતે ઇઝરાયેલી માતા-પિતા પાસે કઈ તક હતી?

ઇઝરાયેલી માતા-પિતાને કહેવામાં આવ્યું હતું કે તેઓ ‘રસ્તે ચાલતી વખતે’ પોતાનાં બાળકોને યહોવાની આજ્ઞાઓ શીખવે. (પુન. ૧૧:૧૯) ઇઝરાયેલનાં ગામડાઓમાં ઘણા રસ્તાઓ હતા. એ રસ્તાની આજુબાજુ જાતજાતનાં પ્રાણીઓ, પક્ષીઓ અને ફૂલો જોવા મળતાં. ઇઝરાયેલીઓ જ્યારે રસ્તાઓ પર મુસાફરી કરતા, ત્યારે બાળકોને યહોવાએ બનાવેલી વસ્તુઓ વિશે શીખવી શકતા. મમ્મી-પપ્પા, તમે પણ તમારાં બાળકોને એ જ રીતે સૃષ્ટિમાંથી યહોવા વિશે શીખવી શકો છો. ચાલો જોઈએ કે અમુક મમ્મી-પપ્પાએ એવું કઈ રીતે કર્યું છે.

૯. પુનિતાબહેન અને કાટ્યાબહેન પાસેથી તમને શું શીખવા મળ્યું?

પુનિતાબહેન ભારતના એક મોટા શહેરમાં રહે છે. તે કહે છે: “અમે સગાઓને મળવા ગામડે જઈએ છીએ ત્યારે, અમને યહોવાની અદ્‍ભુત સૃષ્ટિ જોવા મળે છે. એ સમયે અમને બાળકોને શીખવવાનો સરસ મોકો મળે છે. જ્યારે બાળકો શહેરની ભીડભાડ અને ગાડીઓના ઘોંઘાટથી દૂર હોય છે, ત્યારે સૃષ્ટિ પર વધારે ધ્યાન આપી શકે છે.” મમ્મી-પપ્પા, જો તમે તમારાં બાળકો સાથે કોઈ સુંદર જગ્યાએ સમય વિતાવશો, તો તેઓ કદાચ એને ક્યારેય નહિ ભૂલે. મૉલ્ડોવામાં રહેતાં કાટ્યાબહેન કહે છે: “નાનપણમાં મમ્મી-પપ્પા સાથે ગામડામાં વિતાવેલો સમય હું ક્યારેય નહિ ભૂલું. મમ્મી-પપ્પાએ મને બાળપણથી જ શીખવ્યું હતું કે હું થોડું થોભું અને યહોવાની કરામત નિહાળું તેમજ કુદરતથી તેમને જોવાની કોશિશ કરું. એ માટે હું તેઓનો દિલથી આભાર માનું છું.”

શહેરમાં પણ તમને યહોવાએ બનાવેલી એવી ઘણી વસ્તુઓ મળી રહેશે, જેનાથી તમે બાળકોને યહોવા વિશે શીખવી શકો (ફકરો ૧૦ જુઓ)

૧૦. જો મમ્મી-પપ્પા માટે શહેરથી દૂર મુસાફરી કરવી અઘરું હોય, તો તેઓ શું કરી શકે? (“ મમ્મી-પપ્પા માટે મદદ” બૉક્સ જુઓ.)

૧૦ જો તમારા માટે ગામડે જવું શક્ય ન હોય, તો તમે શું કરી શકો? અમોલભાઈ પણ ભારતમાં રહે છે. તે કહે છે: “અમારે ત્યાં મમ્મી-પપ્પાએ ઘણા કલાકો નોકરી કરવી પડે છે અને બીજી કોઈ જગ્યાએ ફરવા જવું ઘણું મોંઘું હોય છે. પણ કોઈ નાના બગીચામાં જઈને અથવા ધાબા પર જઈને પણ તમે યહોવાની સૃષ્ટિ નિહાળી શકો છો અને તેમના ગુણો વિશે વાત કરી શકો છો.” જો તમે થોડું વધારે ધ્યાન આપશો, તો તમને પણ કદાચ તમારા ઘરની આજુબાજુ યહોવાએ બનાવેલી એવી ઘણી વસ્તુઓ મળી રહેશે, જે તમે તમારાં બાળકોને બતાવી શકો. (ગીત. ૧૦૪:૨૪) તમને કદાચ પક્ષીઓ, જીવજંતુઓ, ફૂલછોડ અને બીજું ઘણું મળી રહેશે. જર્મની દેશનાં કરીનાબહેન કહે છે: “મારાં મમ્મીને ફૂલો બહુ ગમતાં. એટલે નાનપણમાં હું મમ્મી સાથે જ્યારે પણ ચાલવા જતી, ત્યારે તે મારું ધ્યાન સુંદર ફૂલો પર દોરતાં.” મમ્મી-પપ્પા, તમે બાળકોને આપણા સંગઠને બહાર પાડેલાં સૃષ્ટિ વિશેનાં વીડિયો અને સાહિત્યમાંથી શીખવી શકો. ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હો, તમે યહોવાની સૃષ્ટિ નિહાળવા બાળકોને મદદ કરી શકો છો. ચાલો હવે યહોવાના અમુક ગુણો પર ધ્યાન આપીએ, જે તમે તમારાં બાળકોને સૃષ્ટિમાંથી શીખવી શકો.

યહોવાના ‘અદૃશ્ય ગુણો સાફ જોઈ શકાય છે’

૧૧. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને યહોવાનો પ્રેમ જોવા મદદ કરી શકે?

૧૧ તમે બાળકોને કઈ રીતે શીખવી શકો કે યહોવા આપણને પ્રેમ કરે છે? એ માટે, પ્રાણીઓ જે રીતે વહાલથી પોતાનાં બચ્ચાંની સંભાળ રાખે છે, એના પર બાળકોનું ધ્યાન દોરી શકો. (માથ. ૨૩:૩૭) તમે એના પર પણ ધ્યાન દોરી શકો કે યહોવાએ સૃષ્ટિમાં કેટલું બધું બનાવ્યું છે, જાતજાતની વસ્તુઓ બનાવી છે. આપણે અગાઉ કરીનાબહેન વિશે જોઈ ગયા. તે કહે છે: “હું મમ્મી સાથે ચાલવા જતી ત્યારે તે મને ઉત્તેજન આપતાં કે હું થોડું થોભું અને જોઉં કે દરેક ફૂલ કઈ રીતે બીજા ફૂલથી અલગ છે. તેમ જ, કઈ રીતે એની સુંદરતામાં યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે. વર્ષો પછી, હું આજે પણ ફૂલોને જોઉં છું અને ધ્યાન આપું છું કે એનાં રંગો અને ડિઝાઇન કઈ રીતે બીજા ફૂલથી અલગ છે. એ મને કાયમ યાદ અપાવતું રહે છે કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે.”

બાળકોને યહોવાના ડહાપણ વિશે શીખવવા તમે તેઓને જણાવી શકો કે આપણું શરીર કેટલી અદ્‍ભુત રીતે રચવામાં આવ્યું છે (ફકરો ૧૨ જુઓ)

૧૨. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને યહોવાનું ડહાપણ જોવા મદદ કરી શકે? (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) (ચિત્ર પણ જુઓ.)

૧૨ તમારાં બાળકોને યહોવાનું ડહાપણ જોવા મદદ કરો. યહોવા આપણા બધા કરતાં ખૂબ બુદ્ધિશાળી છે. (રોમ. ૧૧:૩૩) દાખલા તરીકે, તમે બાળકોને જણાવી શકો કે પાણી કઈ રીતે ઉપર જાય છે અને એનાં વાદળો બને છે. પછી, વાદળો કઈ રીતે પાણીને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. (અયૂ. ૩૮:૩૬, ૩૭) તમે એના પર પણ ધ્યાન દોરી શકો કે આપણું શરીર કેટલી અદ્‍ભુત રીતે રચવામાં આવ્યું છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪ વાંચો.) ધ્યાન આપો કે વ્લાદિમિરભાઈએ પોતાના દીકરાને એ વાત કઈ રીતે સમજાવી. તે કહે છે: “એક દિવસે અમારો દીકરો સાઇકલ પરથી પડી ગયો અને તેને થોડું વાગ્યું. થોડા દિવસ પછી તેનો ઘા રુઝાઈ ગયો. મેં અને મારી પત્નીએ તેને સમજાવ્યું કે યહોવાએ આપણા શરીરને એ રીતે બનાવ્યું છે કે ઘા પોતાની જાતે જ રુઝાઈ જાય છે. માણસોએ બનાવેલી કોઈ પણ વસ્તુમાં આવું થતું નથી. દાખલા તરીકે, કોઈ કારનો અકસ્માત થાય તો એ એની જાતે સરખી નથી થઈ જતી. એ અનુભવથી અમારા દીકરાને એ સમજવા મદદ મળી કે યહોવા કેટલા બુદ્ધિશાળી છે.”

૧૩. મમ્મી-પપ્પા કઈ રીતે બાળકોને યહોવાની શક્તિ જોવા મદદ કરી શકે? (યશાયા ૪૦:૨૬)

૧૩ યહોવા કહે છે કે આપણે આપણી આંખો ઊંચી કરીને આકાશ તરફ જોઈએ અને વિચારીએ કે તેમની અપાર શક્તિથી કઈ રીતે તારાઓ એની જગ્યાએ રહે છે. (યશાયા ૪૦:૨૬ વાંચો.) તમે તમારાં બાળકોને પણ ઉત્તેજન આપી શકો કે તેઓ આકાશ તરફ જુએ અને તારાઓ પર ધ્યાન આપે. ટીંગટીંગબહેન તાઇવાનનાં છે. તે બાળપણનો એક બનાવ યાદ કરતા કહે છે: “એક વખતે મમ્મી મને કૅમ્પિંગ માટે લઈ ગયાં. અમે શહેરના ઝગમગાટથી એકદમ દૂર હતાં, એટલે ત્યાં અમે ટમટમતા તારાઓથી ભરેલું આકાશ જોઈ શક્યાં. હવે એ સમયે હું ઘણી ચિંતામાં રહેતી હતી. કેમ કે મારા ક્લાસનાં બાળકો મને બહુ હેરાન કરતા હતાં અને એના લીધે મને યહોવાને વફાદાર રહેવું અઘરું લાગતું હતું. પણ મમ્મીએ મને ઉત્તેજન આપ્યું કે હું યહોવાની શક્તિ પર વિચાર કરું, જેના દ્વારા તેમણે આ બધા તારાઓ બનાવ્યા છે. તેમણે મને એ પણ યાદ રાખવા કહ્યું કે યહોવા એ શક્તિ દ્વારા મને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા મદદ કરી શકે છે. એ વખતે સૃષ્ટિ નિહાળ્યા પછી મને યહોવાને વધારે ઓળખવાનું મન થયું અને તેમની ભક્તિ કરવાનો નિર્ણય મેં પાકો કર્યો.”

૧૪. મમ્મી-પપ્પા કઈ રીતે સૃષ્ટિ દ્વારા બતાવી શકે કે યહોવા આનંદી ઈશ્વર છે?

૧૪ યહોવાએ બનાવેલી વસ્તુઓમાંથી દેખાઈ આવે છે કે તે આનંદી ઈશ્વર છે અને ચાહે છે કે આપણે પણ ખુશ રહીએ. વૈજ્ઞાનિકોએ પણ જોયું છે કે મોટા ભાગનાં પ્રાણીઓ ગેલ કરે છે. અરે, પક્ષીઓ અને માછલીઓ પણ કરે છે. (અયૂ. ૪૦:૨૦) શું તમારાં બાળકોએ ક્યારેય વાંદરાઓને ઊછળતાં-કૂદતાં જોયા છે? અથવા શું તેઓએ ક્યારેય ગલૂડિયાઓને એકબીજા સાથે મસ્તી કરતા જોયાં છે? શું એ જોઈને તમારાં બાળકો હસી પડ્યાં હતાં? ફરી ક્યારેક તમારાં બાળકો પ્રાણીઓની મસ્તી જોઈને હસી પડે ત્યારે, તેઓને યાદ અપાવજો કે આપણે જે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, તે પણ આનંદી ઈશ્વર છે.—૧ તિમો. ૧:૧૧.

કુટુંબ સાથે મળીને યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણો

જ્યારે તમે તમારાં બાળકો સાથે સૃષ્ટિનો આનંદ માણતા હો, ત્યારે તેઓ કદાચ હળવાશ અનુભવે અને પોતાના મનની વાત જણાવે (ફકરો ૧૫ જુઓ)

૧૫. બાળકોનાં મનની વાત જાણવા મમ્મી-પપ્પા શું કરી શકે? (નીતિવચનો ૨૦:૫) (ચિત્ર પણ જુઓ.)

૧૫ અમુક વાર બાળકો ખૂલીને પોતાની મુશ્કેલીઓ જણાવી શકતાં નથી. બીજી બાજુ, મમ્મી-પપ્પા પણ મૂંઝવણમાં હોય છે કે એ વિશે બાળકો સાથે કઈ રીતે વાત કરવી. જો તમને પણ એવું લાગતું હોય, તો બાળકોના વિચારો બહાર કાઢવાની કોશિશ કરો. (નીતિવચનો ૨૦:૫ વાંચો.) અમુક મમ્મી-પપ્પાએ જોયું છે કે જ્યારે તેઓ કુદરતના ખોળે હોય છે, ત્યારે તેઓ સહેલાઈથી પોતાનાં બાળકોનાં મનની વાત જાણી શકે છે. એવું શા માટે? એનું એક કારણ છે કે ત્યાં મમ્મી-પપ્પા અને બાળકોનું ધ્યાન ભટકાવે એવી બાબતો ઓછી હોય છે. બીજું કારણ તાઇવાનમાં રહેતા માસાહિકોભાઈ જણાવે છે. તે કહે છે: “જ્યારે અમે બાળકો સાથે ઘરની બહાર સમય વિતાવતાં હોઈએ છીએ, જેમ કે પહાડ ચઢતા હોઈએ અથવા દરિયા કિનારે ચાલતા હોઈએ, ત્યારે તેઓનો મૂડ ઘણો સારો હોય છે. આમ, તેઓનાં મનના વિચારો જાણવા અમારા માટે સહેલું બની જાય છે.” આપણે કાટ્યાબહેન વિશે જોઈ ગયા. તે કહે છે: “સ્કૂલ પછી મમ્મી મને એક સુંદર બાગમાં લઈ જતાં. ત્યાં મને સારું લાગતું. એ શાંત જગ્યાએ હું સહેલાઈથી મમ્મીને જણાવી શકતી કે સ્કૂલમાં શું બન્યું હતું, કે પછી મને શાની ચિંતા છે.”

૧૬. કુટુંબો સૃષ્ટિનો આનંદ માણવા અને મજા કરવા શું કરી શકે?

૧૬ જ્યારે આખું કુટુંબ સાથે મળીને યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણે છે, ત્યારે તેઓ હળવાશ અનુભવે છે અને તેઓને ખૂબ મજા આવે છે. એનાથી કુટુંબમાં પ્રેમ વધે છે. બાઇબલમાં જણાવ્યું છે કે “હસવાનો સમય” અને “ખુશીથી નાચી ઊઠવાનો,” એટલે કે રમવાનો સમય હોય છે. (સભા. ૩:૧, ૪) યહોવાએ આ દુનિયામાં એકથી એક ચઢિયાતી સુંદર જગ્યાઓ બનાવી છે. ત્યાં જઈને આપણે મનગમતી બાબતો કરી શકીએ છીએ. ઘણાં કુટુંબોને જંગલો જોવા, પહાડો પર જવું અથવા દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે. અમુક બાળકોને બાગમાં દોડાદોડી કરવી અને રમવું, પ્રાણીઓ જોવા અથવા નદી, તળાવ કે દરિયામાં તરવું ખૂબ ગમે છે. જ્યારે ચારે બાજુ યહોવાએ બનાવેલી વસ્તુઓ હોય, ત્યારે આપણી પાસે મજા માણવાની ઘણી તકો હોય છે.

૧૭. બાળકો યહોવાની સૃષ્ટિનો આનંદ માણે એ માટે મમ્મી-પપ્પાએ કેમ મદદ કરવી જોઈએ?

૧૭ મમ્મી-પપ્પા અને બાળકો હમણાં સૃષ્ટિનો પૂરી રીતે આનંદ નથી માણી શકતાં, પણ નવી દુનિયામાં તેઓ ચોક્કસ એમ કરી શકશે. એ સમયે આપણને પ્રાણીઓનો ડર નહિ લાગે અને પ્રાણીઓ આપણાથી નહિ ડરે. (યશા. ૧૧:૬-૯) યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણવા આપણી પાસે કદી સમય નહિ ખૂટે. (ગીત. ૨૨:૨૬) પણ મમ્મી-પપ્પા, તમે એ સમયની રાહ જોઈને બેસી ન રહેશો. હમણાંથી તમે બાળકોને શીખવો કે તેઓ યહોવાએ બનાવેલી વસ્તુઓનો આનંદ માણે. જો તમે બાળકોને સૃષ્ટિ દ્વારા યહોવા વિશે શીખવતા રહેશો, તો કદાચ તેઓ પણ દાઉદ રાજાની જેમ બોલી ઊઠશે: ‘હે યહોવા તમારાં કામો જેવાં કોઈનાં કામ નથી.’—ગીત. ૮૬:૮.

ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો

a ઘણાં ભાઈ-બહેનોનાં મમ્મી-પપ્પા બાળપણમાં તેઓને સૃષ્ટિ દ્વારા યહોવા વિશે શીખવતાં. મમ્મી-પપ્પા સાથે વિતાવેલી એ મીઠી પળો તેઓનાં મનમાં આજેય તાજી છે. જો તમારાં બાળકો હોય, તો તમે તેઓને કઈ રીતે સૃષ્ટિ દ્વારા યહોવાના ગુણો શીખવી શકો? આ લેખમાં આપણે એ સવાલની ચર્ચા કરીશું.