અભ્યાસ લેખ ૧૨
ગીત ૧૪૩ અંધકારમાં એક દીવો
અંધકારથી દૂર રહો, પ્રકાશમાં ચાલતા રહો
‘એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે તમે પ્રકાશમાં છો.’—એફે. ૫:૮.
આપણે શું શીખીશું?
એફેસીઓ અધ્યાય ૫માં પાઉલે અંધકાર અને પ્રકાશ વિશે વાત કરી. એ શબ્દોથી આપણે શું શીખી શકીએ?
૧-૨. (ક) પાઉલે કેવા સંજોગોમાં અને શા માટે એફેસીઓને પત્ર લખ્યો? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
પ્રેરિત પાઉલ રોમમાં એક ઘરમાં કેદ હતા. તે પોતાનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માંગતા હતા. પણ તે તેઓને મળવા જઈ શકતા ન હતા. એટલે તેમણે તેઓને પત્રો લખ્યા. એમાંનો એક પત્ર તેમણે ૬૦ કે ૬૧ની સાલમાં એફેસસ મંડળનાં ભાઈ-બહેનોને લખ્યો હતો.—એફે. ૧:૧; ૪:૧.
૨ આ પત્ર લખ્યો એનાં દસેક વર્ષ પહેલાં પાઉલે એફેસસમાં ઘણો સમય વિતાવ્યો હતો. તેમણે ત્યાંના લોકોને ખુશખબર જણાવી અને શાસ્ત્રમાંથી શીખવ્યું. (પ્રે.કા. ૧૯:૧, ૮-૧૦; ૨૦:૨૦, ૨૧) તે ત્યાંનાં ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ યહોવાને વફાદાર રહે એ માટે તે તેઓને મદદ કરવા માંગતા હતા. પણ પાઉલે કેમ અભિષિક્ત ખ્રિસ્તીઓને અંધકાર અને પ્રકાશ વિશે લખ્યું? એમાંથી આપણે શું શીખી શકીએ? ચાલો એ સવાલોના જવાબ જોઈએ.
અંધકારમાંથી પ્રકાશમાં
૩. એફેસીઓને લખેલા પત્રમાં પાઉલે કયા શબ્દો વાપર્યા?
૩ પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને લખ્યું: ‘એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે તમે પ્રકાશમાં છો.’ (એફે. ૫:૮) ‘અંધકાર’ અને ‘પ્રકાશ’ એ શબ્દોથી પાઉલ કહેવા માંગતા હતા કે એફેસસના ખ્રિસ્તીઓમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું હતું. હવે ચાલો જોઈએ કે પાઉલે કેમ એવું કહ્યું કે તેઓ ‘એક સમયે અંધકારમાં હતા.’
૪. એફેસસના ખ્રિસ્તીઓ કઈ રીતે જૂઠા શિક્ષણને લીધે અંધકારમાં હતા?
૪ ધર્મોના જૂઠા શિક્ષણને લીધે અંધકારમાં. એફેસસના ખ્રિસ્તીઓ યહોવા વિશે સત્ય શીખ્યા એ પહેલાં જૂઠા શિક્ષણની અને અંધશ્રદ્ધાની પકડમાં હતા. એફેસસ શહેરમાં ગ્રીક દેવી આર્તિમિસનું એક જાણીતું મંદિર હતું. એ જમાનાના લોકો એ મંદિરને દુનિયાની સાત અજાયબીઓમાંની એક ગણતા હતા. એ મંદિરમાં આવીને લોકો મૂર્તિપૂજા કરતા. કારીગરો આર્તિમિસ દેવીનાં નાનાં નાનાં મંદિરો બનાવતા અને એ વેચીને ધૂમ પૈસો કમાતા. (પ્રે.કા. ૧૯:૨૩-૨૭) એ શહેર જાદુવિદ્યા માટે પણ જાણીતું હતું.—પ્રે.કા. ૧૯:૧૯.
૫. એફેસસના ખ્રિસ્તીઓ કઈ રીતે વ્યભિચાર જેવાં કામોને લીધે અંધકારમાં હતા?
૫ વ્યભિચાર જેવાં ગંદાં કામોને લીધે અંધકારમાં. એફેસસના લોકો વ્યભિચાર જેવાં ગંદાં કામો કરવામાં અને બેશરમ કામોમાં ડૂબેલા હતા. તેઓનાં નાટ્યગૃહમાં બતાવવામાં આવતાં નાટકો અને તેઓના તહેવારો વ્યભિચારને લગતા હતા. (એફે. ૫:૩) મોટા ભાગના લોકોએ “શરમ બાજુ પર મૂકી દીધી” હતી. (એફે. ૪:૧૭-૧૯) મૂળ ભાષામાં એ શબ્દોનો અર્થ થાય કે ખોટાં કામ કર્યા પછી તેઓને દિલમાં “પીડા થતી ન હતી.” ખરા-ખોટા વિશેનાં યહોવાનાં ધોરણો જાણ્યા પહેલાં જ્યારે એફેસસના ખ્રિસ્તીઓ ખોટું કામ કરતા, ત્યારે તેઓને ફરક પડતો ન હતો. જાણે કે તેઓનું અંતઃકરણ બહેર મારી ગયું હતું. તેઓને એ વાતથી પણ કોઈ ફરક પડતો ન હતો કે તેઓનાં કામોથી યહોવાને કેવું લાગે છે. એટલે પાઉલે તેઓ વિશે કહ્યું: “તેઓના મન અંધકારમાં છે અને ઈશ્વર પાસેથી આવતા જીવનથી તેઓ દૂર છે.”
૬. પાઉલ કેમ કહી શક્યા કે એફેસસના અમુક લોકો ‘હવે પ્રકાશમાં’ હતા?
૬ પણ એફેસસના અમુક લોકો અંધકારમાંથી બહાર આવ્યા. તેઓ વિશે પાઉલે લખ્યું: “હવે તમે માલિક ઈસુ સાથે એકતામાં હોવાથી પ્રકાશમાં છો.” (એફે. ૫:૮) હવે તેઓ યહોવાનાં વચનો પ્રમાણે જીવતા હતા, જે પ્રકાશની જેમ તેઓને સાચા માર્ગે દોરતાં હતાં. (ગીત. ૧૧૯:૧૦૫) એફેસસના એ લોકોએ જૂઠા રીતરિવાજો અને વ્યભિચાર જેવાં ગંદા કામો છોડી દીધાં હતાં. તેઓ “ઈશ્વરનું અનુકરણ” કરનારા બન્યા હતા. (એફે. ૫:૧) તેઓ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા હતા અને તેમને ખુશ કરવા મહેનત કરતા હતા.
૭. આપણે કઈ રીતે એફેસસના ખ્રિસ્તીઓ જેવા છીએ?
૭ એવી જ રીતે, યહોવા વિશે સત્ય શીખ્યા એ પહેલાં આપણે પણ અંધકારમાં હતા. આપણામાંથી અમુક લોકો જૂઠા ધર્મોના તહેવારો ઊજવતા હતા. બીજા અમુક લોકો ગંદું જીવન જીવતા હતા. પણ ખરા-ખોટા વિશેનાં યહોવાનાં ધોરણો શીખ્યા એ પછી આપણે ફેરફારો કર્યા. આપણે યહોવાને ગમે છે એ રીતે જીવવા લાગ્યા. એના લીધે આપણને ઘણા આશીર્વાદો મળ્યા છે. (યશા. ૪૮:૧૭) જોકે અંધકારથી દૂર રહેવું અને “પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા” રહેવું, એ હંમેશાં સહેલું હોતું નથી. પણ એવું કઈ રીતે કરી શકીએ?
અંધકારથી દૂર રહો
૮. એફેસીઓ ૫:૩-૫ પ્રમાણે એફેસસના ખ્રિસ્તીઓએ શાનાથી દૂર રહેવાનું હતું?
૮ એફેસીઓ ૫:૩-૫ વાંચો. ગંદાં કામોને લીધે જે અંધકાર ફેલાયો હતો, એનાથી દૂર રહેવા એફેસસના ખ્રિસ્તીઓએ શું કરવાનું હતું? તેઓએ એવાં રીતરિવાજો અને કામોથી દૂર રહેવાનું હતું, જેને યહોવા ધિક્કારે છે. એમાં વ્યભિચાર જેવાં ગંદાં કામો જ નહિ, અશ્લીલ વાતોનો પણ સમાવેશ થતો હતો. પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને યાદ અપાવ્યું કે જો તેઓ “ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો” મેળવવા ચાહતા હોય, તો તેઓએ એવા દરેક કામથી દૂર રહેવાનું હતું.
૯. આપણે કેમ વ્યભિચાર તરફ દોરી જાય એવા દરેક કામથી દૂર રહેવું જોઈએ?
૯ આપણે પણ ધ્યાન રાખવાનું છે કે “અંધકારનાં નકામાં કામોમાં” ફસાઈ ન જઈએ. (એફે. ૫:૧૧) અનુભવોથી જોવા મળે છે કે જે વ્યક્તિ ગંદાં ચિત્રો કે વીડિયો જુએ છે અને અશુદ્ધ વાતો કરે છે અથવા સાંભળે છે, તે સહેલાઈથી વ્યભિચારના ફાંદામાં ફસાઈ શકે છે. (ઉત. ૩:૬; યાકૂ. ૧:૧૪, ૧૫) એક દાખલો લો. એક દેશમાં ઘણા સાક્ષીઓએ સોશિયલ મીડિયા પર એક ગ્રૂપ બનાવ્યું. તેઓ એકબીજા સાથે મૅસેજથી વાત કરવા લાગ્યા. શરૂઆતમાં તેઓ યહોવા અને સત્ય વિશે વાતો કરતા હતા. પણ ધીરે ધીરે તેઓ ગંદી વાતો કરવા લાગ્યા. મોટા ભાગે તેઓ સેક્સ વિશે વાતો કરતા. પછીથી એમાંના ઘણા સાક્ષીઓએ કબૂલ્યું કે એવી ગંદી વાતોને લીધે તેઓ વ્યભિચાર કરી બેઠા.
૧૦. શેતાન આપણને કઈ રીતે ગૂંચવણમાં નાખે છે? (એફેસીઓ ૫:૬)
૧૦ શેતાનની દુનિયા આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે યહોવા જે કામોને ગંદાં અને અશુદ્ધ કહે છે, એ કરવામાં કંઈ ખોટું નથી. (૨ પિત. ૨:૧૯) એ જાણીને આપણને નવાઈ લાગતી નથી, કેમ કે એ શેતાનની બહુ જૂની ચાલાકી છે. લાંબા સમયથી શેતાન લોકોને ગૂંચવણમાં નાખી રહ્યો છે, જેથી તેઓ ખરા-ખોટા વચ્ચેનો ફરક પારખી ન શકે. (યશા. ૫:૨૦; ૨ કોરીં. ૪:૪) એ કારણે આજે ઘણી ફિલ્મોમાં, ટી.વી. કાર્યક્રમોમાં અને વેબસાઇટ પર એવા વિચારોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જે યહોવાનાં ધોરણોની વિરુદ્ધ છે. શેતાન આપણાં મનમાં એવું ભૂસું ભરવા માંગે છે કે ગંદાં કામો કરવામાં અને વ્યભિચારી જીવન જીવવામાં કંઈ ખોટું નથી. એમાં તો મજા આવે છે અને નુકસાન પણ થતું નથી.—એફેસીઓ ૫:૬ વાંચો.
૧૧. એન્જેલાના અનુભવથી કઈ રીતે જોવા મળે છે કે એફેસીઓ ૫:૭માં આપેલી સલાહ પાળવી ખૂબ જરૂરી છે? (ચિત્ર પણ જુઓ.)
૧૧ શેતાન ચાહે છે કે આપણે એવા લોકો સાથે દોસ્તી કરીએ, જેઓના લીધે યહોવાની આજ્ઞાઓ પાળવી અઘરું બની જાય. એટલે જ પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને અરજ કરી હતી કે, તેઓ એવા લોકો સાથે ‘ભાગીદાર ન થાય,’ જેઓ યહોવાની નજરે ખોટાં કામો કરે છે. (એફે. ૫:૭) આપણે પણ યાદ રાખવું જોઈએ કે આપણી સંગત ફક્ત એવા લોકો જ પૂરતી નથી, જેઓ સાથે આપણે ઊઠીએ-બેસીએ છીએ. એમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ સાથે આપણે સોશિયલ મીડિયા પર વાત કરીએ છીએ. એફેસસના ખ્રિસ્તીઓએ એ જોખમનો સામનો કરવો પડ્યો ન હતો. પણ આપણે તો સોશિયલ મીડિયાના જમાનામાં જીવીએ છીએ, એટલે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. એશિયામાં રહેતી એન્જેલાનો a દાખલો લો. તેણે પોતે અનુભવ કર્યો કે સોશિયલ મીડિયા કેટલું મોટું જોખમ બની શકે છે. તે કહે છે: “એ ફાંદા જેવું છે. એ બહુ જલદી તમારું અંતઃકરણ બુઠ્ઠું કરી શકે છે. મારી સાથે એવું જ બન્યું હતું. સોશિયલ મીડિયાને લીધે બહુ જલદી મારા વિચારો બદલાઈ ગયા. મને એવા ‘દોસ્તો’ રાખવામાં કોઈ વાંધો ન હતો, જેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતા નથી. સમય જતાં, હું વિચારવા લાગી કે યહોવા ધિક્કારે છે એવું જીવન જીવવામાં કંઈ ખોટું નથી.” કેટલી ખુશીની વાત છે કે અમુક પ્રેમાળ વડીલોએ એન્જેલાને જરૂરી ફેરફારો કરવા મદદ કરી. તે કહે છે: “હવે હું સોશિયલ મીડિયાને બદલે યહોવા પર અને તેમની વાતો પર મારું મન લગાવું છું.”
૧૨. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતા રહેવા આપણને શાનાથી મદદ મળશે?
૧૨ આખી દુનિયા કહે છે કે ગંદાં કામો કરવામાં કંઈ ખોટું નથી. પણ આપણે જાણીએ છીએ કે એ ખોટું છે. (એફે. ૪:૧૯, ૨૦) એટલે દુનિયાના વિચારો મનમાં આવી ન જાય એ માટે સખત મહેનત કરવાની જરૂર છે. પોતાને આવા સવાલો પૂછી શકીએ: ‘શું હું એવા લોકો સાથે દોસ્તી કરવાનું ટાળું છે, જેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતા નથી? જો જરૂર ન હોય તો શું હું સાથે કામ કરતા લોકો, સાથે ભણતાં બાળકો કે બીજા લોકો સાથે સમય વિતાવવાનું ટાળું છું? જો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાને લીધે કોઈ મને જૂનવાણી કહે, તોપણ શું હું હિંમતથી યહોવાનાં ધોરણો પાળું છું?’ બીજો તિમોથી ૨:૨૦-૨૨માં બતાવ્યું છે તેમ, આપણે મંડળમાં પણ સમજી-વિચારીને દોસ્તો બનાવવા જોઈએ. કેમ કે કદાચ મંડળમાં પણ એવા લોકો હોય, જેઓ આપણને યહોવાથી દૂર લઈ જાય.
“પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો”
૧૩. “પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો,” એનો અર્થ શું થાય? (એફેસીઓ ૫:૭-૯)
૧૩ પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે તેઓ અંધકારથી દૂર રહેવાની સાથે સાથે “પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા” રહે. (એફેસીઓ ૫:૭-૯ વાંચો.) એનો શું અર્થ થાય? સાદા શબ્દોમાં કહીએ તો, ચોવીસે કલાક આપણાં વાણી-વર્તન સાચા ખ્રિસ્તીઓને શોભે એવાં હોવાં જોઈએ. એ માટે જરૂરી છે કે મન લગાવીને બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્ય વાંચીએ ને એનો અભ્યાસ કરીએ. ઈસુ ખ્રિસ્ત, જે આ “દુનિયાનો પ્રકાશ” છે, તેમના દાખલા પર અને તેમના શિક્ષણ પર પણ ધ્યાન આપીએ.—યોહા. ૮:૧૨; નીતિ. ૬:૨૩.
૧૪. પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૪ આપણને ઈશ્વરની પવિત્ર શક્તિની મદદની પણ જરૂર છે, જેથી “પ્રકાશનાં બાળકો” તરીકે ચાલતા રહી શકીએ. શા માટે? આ દુનિયા કાદવ જેવી છે અને એમાં આપણા ચારિત્ર પર ડાઘ ન લાગે એ રીતે ચાલવું બહુ અઘરું છે. (૧ થેસ્સા. ૪:૩-૫, ૭, ૮) પણ પવિત્ર શક્તિની મદદથી આપણે માણસોના એવા વિચારોથી દૂર રહી શકીશું, જે ઈશ્વરના વિચારો સાથે મેળ ખાતા નથી. પવિત્ર શક્તિ આપણને “દરેક પ્રકારની ભલાઈ” અને “નેકી” કેળવવા પણ મદદ કરશે.—એફે. ૫:૯.
૧૫. પવિત્ર શક્તિ મેળવવા શું કરી શકીએ? (એફેસીઓ ૫:૧૯, ૨૦)
૧૫ પવિત્ર શક્તિ મેળવવાની એક રીત છે, પ્રાર્થના કરીએ. ઈસુએ કહ્યું હતું કે જેઓ યહોવા પાસે “પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે.” (લૂક ૧૧:૧૩) સભાઓમાં બધા સાથે મળીને યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે પણ આપણને પવિત્ર શક્તિ મળે છે. (એફેસીઓ ૫:૧૯, ૨૦ વાંચો.) પવિત્ર શક્તિ આપણા પર કામ કરતી હોય છે ત્યારે, યહોવા ખુશ થાય એવું જીવન જીવવા મદદ મળે છે.
૧૬. સારા નિર્ણયો લેવા શાનાથી મદદ મળશે? (એફેસીઓ ૫:૧૦, ૧૭)
૧૬ મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શું કરી શકીએ? “યહોવાની ઇચ્છા શી છે” એ પારખીએ અને એ પ્રમાણે કામ કરીએ. (એફેસીઓ ૫:૧૦, ૧૭ વાંચો.) પોતાના સંજોગોને લાગુ પડે એવા બાઇબલ સિદ્ધાંતો શોધીએ. એમ કરીને તો આપણે ઈશ્વરના વિચારો જાણવાની કોશિશ કરીએ છીએ. પછી એ સિદ્ધાંતો લાગુ પાડીએ. આમ આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ.
૧૭. આપણે કઈ રીતે સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ? (એફેસીઓ ૫:૧૫, ૧૬) (ચિત્ર પણ જુઓ.)
૧૭ પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને એ પણ સલાહ આપી કે તેઓ સમજી-વિચારીને સમયનો ઉપયોગ કરે. (એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.) આપણો દુશ્મન ‘શેતાન’ બહુ દુષ્ટ છે. (૧ યોહા. ૫:૧૯) તે ચાહે છે કે આપણે આ દુનિયાનાં કામોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે યહોવાની સેવા માટે સમય જ ન બચે. એક ઈશ્વરભક્ત સહેલાઈથી એ જાળમાં ફસાઈ શકે છે. બની શકે કે તે પૈસા કમાવામાં, વધારે ભણવામાં અથવા નોકરી-ધંધામાં એટલો ડૂબી જાય કે યહોવાની સેવા બાજુએ રહી જાય. જો કોઈ ઈશ્વરભક્ત એવું કરે, તો એનાથી દેખાઈ આવશે કે તે દુનિયાના લોકોની જેમ વિચારે છે. ખરું કે, એ બધામાં કંઈ ખોટું નથી, પણ એ બધું આપણા જીવનમાં પહેલું સ્થાન ન લઈ લે, એનું ધ્યાન રાખવું જોઈએ. “પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા” રહેવા જરૂરી છે કે “સમયનો સૌથી સારો ઉપયોગ” કરીએ, એટલે કે જે વધારે મહત્ત્વનું છે એના પર ધ્યાન આપીએ.
૧૮. સમયનો સૌથી સારો ઉપયોગ કરવા ડોનાલ્ડભાઈએ કયાં પગલાં ભર્યાં?
૧૮ યહોવાની સેવામાં વધારે કરવાની તક શોધતા રહો. દક્ષિણ આફ્રિકામાં રહેતા ડોનાલ્ડભાઈએ એવું જ કર્યું હતું. તે કહે છે: “મેં મારા સંજોગોનો વિચાર કર્યો. મેં યહોવાને કાલાવાલા કર્યા કે તે મને પ્રચારકામમાં વધારે કરવા મદદ કરે. મેં તેમને વિનંતી પણ કરી કે તે મને એવી નોકરી શોધવા મદદ કરે, જેથી હું પ્રચારમાં વધારે સમય આપી શકું. યહોવાની મદદથી મને એવી નોકરી મળી ગઈ. પછી હું અને મારી પત્ની સાથે મળીને પૂરા સમયની સેવા કરવા લાગ્યા.”
૧૯. “પ્રકાશનાં બાળકો” તરીકે ચાલતા રહેવા શું કરવું જોઈએ?
૧૯ પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને જે પત્ર લખ્યો એનાથી તેઓને યહોવાને વફાદાર રહેવા ચોક્કસ મદદ મળી હશે. ઈશ્વરે લખાવેલી એ સલાહથી આજે આપણને પણ મદદ મળી શકે છે. જેમ કે, સારું મનોરંજન અને સારા દોસ્તો પસંદ કરવા મદદ મળે છે. નિયમિત રીતે બાઇબલ વાંચવાનું મન થાય છે, જેથી સત્યનો પ્રકાશ આપણને સાચા માર્ગે દોરતો રહે. આપણને એ પણ શીખવા મળે છે કે પવિત્ર શક્તિ માંગવી કેટલી જરૂર છે, કેમ કે એ સારા ગુણો કેળવવા મદદ કરે છે. વધુમાં આપણે એવા નિર્ણયો લઈ શકીએ છીએ, જેમાં યહોવાના વિચારો ઝળકતા હોય. આમ, અંધકારથી દૂર રહી શકીશું અને પ્રકાશમાં ચાલતા રહી શકીશું.
તમે શું કહેશો?
-
એફેસીઓ ૫:૮માં જે ‘અંધકાર’ અને ‘પ્રકાશ’ વિશે જણાવ્યું છે, એનો અર્થ શું થાય?
-
આપણે કઈ રીતે ‘અંધકારથી’ દૂર રહી શકીએ?
-
“પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા” રહેવા શું કરવું જોઈએ?
ગીત ૪૩ જાગતા રહીએ
a અમુક નામ બદલ્યાં છે.
b ચિત્રની સમજ: પ્રેરિત પાઉલે એફેસીઓને જે પત્ર લખ્યો હતો, એની એક બહુ જૂની નકલ અહીં બતાવવામાં આવી છે.