સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાએ કરેલી દરેક ગોઠવણનો લાભ લો

યહોવાએ કરેલી દરેક ગોઠવણનો લાભ લો

“હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.”—યશા. ૪૮:૧૭.

ગીતો: ૨૦, ૩૭

૧, ૨. (ક) યહોવાના સાક્ષીઓને બાઇબલ વિશે કેવું લાગે છે? (ખ) બાઇબલનો કયો ભાગ તમને સૌથી વધારે ગમે છે?

યહોવાના સાક્ષીઓ તરીકે બાઇબલ આપણું પ્રિય પુસ્તક છે. એમાંથી આપણને દિલાસો અને આશા મળે છે. તેમ જ, આપણે ભરોસો કરી શકીએ એવાં સલાહ-સૂચનો પણ મળે છે. (રોમ. ૧૫:૪) એમાં માણસોના વિચારો નથી, પણ એ “ઈશ્વરનું વચન” છે.—૧ થેસ્સા. ૨:૧૩.

આપણને દરેકને બાઇબલનો અમુક ભાગ ખૂબ ગમતો હોય છે. અમુકને સુવાર્તાનાં પુસ્તકો ગમે છે. કારણ કે, એમાંથી ઈસુના સુંદર ગુણો વિશે શીખી શકાય છે. આમ, આપણે યહોવા વિશે પણ શીખીએ છીએ, કારણ કે ઈસુ હૂબહૂ યહોવા પિતા જેવા છે. (યોહા. ૧૪:૯) અમુકને પ્રકટીકરણ જેવા ભવિષ્યવાણીનાં પુસ્તકો ગમે છે, જેમાં એવા બનાવો વિશે જણાવ્યું છે જે “ટૂંક સમયમાં બનવાના છે.” (પ્રકટી. ૧:૧) અમુકને ગીતશાસ્ત્રના શબ્દોમાંથી દિલાસો મળે છે, જ્યારે કે અમુકને નીતિવચનોમાંથી મદદરૂપ સલાહો વાંચવી ગમે છે. આમ, એ સ્પષ્ટ છે કે બાઇબલ સર્વ લોકો માટેનું પુસ્તક છે.

૩, ૪. (ક) આપણાં સાહિત્ય વિશે આપણને કેવું લાગે છે? (ખ) ચોક્કસ સમૂહના લોકો માટે કયું અલગ અલગ સાહિત્ય તૈયાર કરવામાં આવે છે?

બાઇબલને પ્રેમ કરતા હોવાથી, આપણે આપણાં સાહિત્યને પણ પ્રેમ કરીએ છીએ. કારણ કે, આપણું સાહિત્ય બાઇબલ આધારિત છે. આપણને મળતાં બધાં પુસ્તકો, પુસ્તિકાઓ, મૅગેઝિન અને બીજાં સાહિત્ય યહોવા તરફથી એક ગોઠવણ છે. એના દ્વારા આપણને યહોવાની નજીક રહેવા અને શ્રદ્ધામાં દૃઢ રહેવા મદદ મળે છે.—તીત. ૨:૨.

મોટા ભાગનું આપણું સાહિત્ય યહોવાના સાક્ષીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. જોકે, અમુક સાહિત્ય એવું પણ છે, જે ચોક્કસ સમૂહના લોકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. જેમ કે, યુવાનો અથવા માતા-પિતા. આપણી વેબસાઇટ પરના મોટા ભાગના લેખો અથવા વીડિયો એવા લોકો માટે તૈયાર કરવામાં આવે છે, જેઓ યહોવાના સાક્ષીઓ નથી. આ વિવિધતા બતાવે છે કે, દરેક પ્રકારના લોકોને ભરપૂર પ્રમાણમાં માર્ગદર્શન આપવાનું વચન યહોવાએ પાળ્યું છે.—યશા. ૨૫:૬.

૫. યહોવા શાની કદર કરે છે?

આપણામાંના દરેકને થતું હશે કે બાઇબલ અને બીજાં સાહિત્ય વાંચવા માટે વધારે સમય હોત, તો સારું. ખરું કે, દરેક સાહિત્યનો અભ્યાસ કરવા આપણે એકસરખો સમય કાઢી નથી શકતા. પણ, ખાતરી રાખી શકીએ કે, સાહિત્યને વાંચવા અને એનો અભ્યાસ કરવા આપણે “સમયનો સદુપયોગ” કરીએ છીએ ત્યારે, યહોવા એની કદર કરે છે. (એફે. ૫:૧૫, ૧૬) ચાલો હવે, એક જોખમ વિશે વાત કરીએ, જેનાથી આપણે સાવચેત રહેવું જોઈએ. એ જોખમ કયું છે?

૬. શાને લીધે આપણે યહોવાએ કરેલી અમુક ગોઠવણમાંથી લાભ લેવાનું ચૂકી જઈ શકીએ?

જો આપણે કાળજી નહિ રાખીએ, તો કદાચ વિચારવા લાગીશું કે, “બાઇબલનો આ ભાગ અથવા આ સાહિત્ય મને લાગુ પડતું નથી.” દાખલા તરીકે, જો બાઇબલનો કોઈ ભાગ આપણા સંજોગોમાં લાગુ પડતો ન હોય, તો શું? જો કોઈ સાહિત્ય આપણને સીધેસીધું લાગુ પડતું ન હોય, તો શું? શું આપણે એને ઉપરછલ્લું વાંચીશું? કે પછી વાંચીશું જ નહિ? જો એમ કરીશું, તો આપણે કદાચ મહત્ત્વની માહિતી ગુમાવી દઈશું, જે આપણને લાભદાયી હોય. આપણે કઈ રીતે એ જોખમ ટાળી શકીએ? આપણે કદીયે ભૂલવું ન જોઈએ કે, દરેક માર્ગદર્શન યહોવા પાસેથી આવે છે. બાઇબલ જણાવે છે: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.” (યશા. ૪૮:૧૭) આ લેખમાં આપણે એવાં ત્રણ સૂચનો પર ચર્ચા કરીશું, જે યહોવાની દરેક ગોઠવણમાંથી લાભ લેવા આપણને મદદ કરશે.

બાઇબલ વાંચનમાંથી લાભ લેવા સૂચનો

૭. આપણે શા માટે ખુલ્લા મને બાઇબલ વાંચવું જોઈએ?

ખુલ્લા મને વાંચો. એ ખરું છે કે, બાઇબલનો અમુક ભાગ ચોક્કસ વ્યક્તિ કે સમૂહને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. જોકે, બાઇબલ સાફ જણાવે છે કે, ‘દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત અને ઉપયોગી છે.’ (૨ તીમો. ૩:૧૬) તેથી, બાઇબલ વાંચતી વખતે આપણું મન ખુલ્લું રાખવું જોઈએ. એક ભાઈ જણાવે છે: ‘બાઇબલ વાંચતી વખતે હું હંમેશાં યાદ રાખું છું કે એક જ અહેવાલમાંથી ઘણા બોધપાઠ મળી શકે છે. આ વાત યાદ રાખવાથી એવો બોધપાઠ પણ મળી આવે છે જે તરત નજરે પડતો નથી.’ એટલે, બાઇબલ વાંચતા પહેલાં આપણે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ, જેથી ખુલ્લા મને વાંચી શકીએ. તેમ જ, તે આપણને જે શીખવી રહ્યા છે એ સમજવા ડહાપણ પણ માંગી શકીએ.—એઝ. ૭:૧૦; યાકૂબ ૧:૫ વાંચો.

શું તમે બાઇબલ વાંચનનો પૂરો લાભ લઈ રહ્યા છો? (ફકરો ૭ જુઓ)

૮, ૯. (ક) બાઇબલ વાંચતી વખતે આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (ખ) વડીલો માટે ઠરાવેલી લાયકાતો પરથી આપણે યહોવા વિશે શું શીખી શકીએ?

અમુક સવાલો પર વિચાર કરો. બાઇબલ વાંચો ત્યારે થોડી વાર અટકો અને આ સવાલો પર વિચાર કરો: “આ અહેવાલ મને યહોવા વિશે શું શીખવે છે? આ માહિતીને હું કઈ રીતે મારા જીવનમાં લાગુ પાડી શકું? આ માહિતીનો ઉપયોગ હું બીજાઓને મદદ કરવા કઈ રીતે કરી શકું?” આ સવાલો પર વિચાર કરીશું તો, બાઇબલ વાંચનમાંથી વધારે લાભ લઈ શકીશું. દાખલા તરીકે, બાઇબલમાં આપેલી વડીલો માટેની લાયકાતોનો વિચાર કરો. (૧ તીમોથી ૩:૨-૭ વાંચો.) ખરું કે, આપણામાંના મોટા ભાગના લોકો વડીલો નથી. તેથી, કદાચ આપણે એવું વિચારવા લાગીએ કે, “એ માહિતી મારા કોઈ કામની નથી.” ચાલો, એ ત્રણ સવાલોનો ઉપયોગ કરીને જોઈએ કે લાયકાતોની એ યાદી આપણને કઈ રીતે મદદ કરી શકે.

આ અહેવાલ મને યહોવા વિશે શું શીખવે છે? યહોવાએ બાઇબલમાં વડીલો માટે લાયકાતોની યાદી આપી છે. તે ચાહે છે કે, મંડળની સંભાળ રાખનાર ભાઈઓ તેમના ઉચ્ચ ધોરણો પ્રમાણે જીવે. એ બતાવે છે કે, યહોવા માટે મંડળ બહુ જ કીમતી છે. બાઇબલ જણાવે છે કે, તેમણે મંડળને પોતાના દીકરાના ‘લોહીથી ખરીદ્યું’ છે. (પ્રે.કૃ. ૨૦:૨૮) તેથી, યહોવા ચાહે છે કે વડીલો બીજાઓ માટે સારો દાખલો બેસાડે. વધુમાં, વડીલો મંડળના સભ્યો સાથે જે રીતે વર્તે છે, એનો તેઓએ યહોવાને હિસાબ આપવો પડશે. તે ચાહે છે કે, આપણે વડીલોની છત્રછાયામાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરીએ. (યશા. ૩૨:૧, ૨) આમ, આ લાયકાતો પર વિચાર કરવાથી આપણે શીખી શકીએ કે યહોવા આપણી કેટલી કાળજી રાખે છે!

૧૦, ૧૧. (ક) વડીલો માટેની લાયકાતો વિશે વાંચીએ ત્યારે, એ માહિતી આપણે કઈ રીતે પોતાના જીવનમાં લાગુ પાડી શકીએ? (ખ) એ માહિતી દ્વારા આપણે કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?

૧૦ આ માહિતીને હું કઈ રીતે મારા જીવનમાં લાગુ પાડી શકું? જો તમે એક વડીલ હો, તો તમારે નિયમિત રીતે આ લાયકાતો પર વિચાર કરવો જોઈએ અને એ પ્રમાણે સુધારા કરવા જોઈએ. જો તમે મંડળમાં આગેવાન કે ‘અધ્યક્ષપદની ઇચ્છા રાખો છો,’ તો આ લાયકાતો પ્રમાણે પોતાને ઢાળવા બનતું બધું કરવું જોઈએ. (૧ તીમો. ૩:૧) પણ, આ લાયકાતોમાંથી આપણે બધા શીખી શકીએ છીએ. કારણ કે, એમાં એ બધા ગુણો છે જે યહોવા તેમના દરેક સેવક પાસેથી ઇચ્છે છે. દાખલા તરીકે, યહોવાના દરેક ભક્તે સહનશીલ, વાજબી અને સંયમી હોવું જોઈએ. (ફિલિ. ૪:૫; ૧ પીત. ૪:૭) વડીલો જ્યારે “ટોળાને આદર્શરૂપ” હોય છે, ત્યારે આપણે તેઓ પાસેથી શીખી શકીએ છીએ અને તેઓના ‘વિશ્વાસનું અનુકરણ કરી’ શકીએ છીએ.—૧ પીત. ૫:૩; હિબ્રૂ ૧૩:૭.

૧૧ આ માહિતીનો ઉપયોગ હું બીજાઓને મદદ કરવા કઈ રીતે કરી શકું? લાયકાતોની એ યાદી દ્વારા આપણે બાઇબલ વિદ્યાર્થી અને રસ ધરાવનાર બીજા લોકોને મદદ કરી શકીએ. કઈ રીતે? આપણે તેઓને એ સમજવા મદદ કરી શકીએ કે, મંડળના વડીલો કઈ રીતે ધાર્મિક પાદરીઓ કરતાં અલગ છે. એ યાદી આપણને એ યાદ રાખવા મદદ મળશે કે, વડીલો મંડળ માટે કેટલી મહેનત કરે છે. એનાથી, આપણને એ ભાઈઓને માન આપવા મદદ મળશે. (૧ થેસ્સા. ૫:૧૨) આપણે તેઓને જેટલું વધારે માન આપીશું, તેટલી વધારે તેઓને પોતાની જવાબદારી નિભાવવા ખુશી મળશે.—હિબ્રૂ ૧૩:૧૭.

૧૨, ૧૩. (ક) આપણે કઈ રીતે સંશોધન કરવું જોઈએ? (ખ) દાખલો આપીને સમજાવો કે, સંશોધન કરવાથી કઈ રીતે એવો બોધપાઠ મળી શકે, જે તરત નજરે પડતો નથી.

૧૨ સંશોધન કરો. બાઇબલનો અભ્યાસ કરતી વખતે, આપણે આ સવાલોના જવાબ મેળવવા પ્રયત્ન કરીએ:

  • બાઇબલનો આ ભાગ કોણે લખ્યો છે?

  • એ ભાગ ક્યારે અને ક્યાં લખવામાં આવ્યો હતો?

  • એ ભાગ લખતી વખતે કયા મહત્ત્વના બનાવો બન્યા હતા?

આવી માહિતી આપણને એવો બોધપાઠ મેળવવા મદદ કરશે, જે કદાચ તરત નજરે પડતો નથી.

૧૩ હઝકીએલ ૧૪:૧૩, ૧૪ની માહિતીનો વિચાર કરો. એ જણાવે છે: ‘જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, ને તેથી હું મારો હાથ ઉગામીને તેનો પુરવઠો કાપી નાખું, ને તેમાં દુકાળ મોકલું, ને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું; ત્યારે જોકે નુહ, દાનીયેલ તથા અયૂબ, એ ત્રણ માણસો એમાં હોય તોપણ તેઓ પોતાની નેકીથી ફક્ત પોતાના જ જીવ બચાવશે, એમ પ્રભુ યહોવા કહે છે.’ જો આપણે થોડું સંશોધન કરીશું, તો જાણી શકીશું કે હઝકીએલે એ ભાગ ઈસવીસન પૂર્વે ૬૧૨ની આસપાસ લખ્યો હતો. એ સમયે નુહ અને અયૂબને મરણ પામ્યે સદીઓ વીતી ચૂકી હતી. પણ, યહોવાને હજીયે તેઓની વફાદારી યાદ હતી. જોકે, દાનીયેલ તો હજી જીવતા હતા અને કદાચ વીસેક વર્ષના હતા. તોપણ, યહોવાએ યુવાન દાનીયેલને નુહ અને અયૂબની જેમ ન્યાયી ગણ્યા. આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? યહોવા પોતાના દરેક વિશ્વાસુ સેવક પર ધ્યાન આપે છે અને તેની કદર કરે છે. એમાં યુવાન લોકોનો પણ સમાવેશ થાય છે.—ગીત. ૧૪૮:૧૨-૧૪.

અલગ અલગ સાહિત્યમાંથી લાભ લો

૧૪. યુવાનો માટેનું સાહિત્ય યુવાનોને કઈ રીતે મદદ કરે છે અને એમાંથી બીજાઓ પણ કઈ રીતે લાભ મેળવી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૪ યુવાનો માટેનું સાહિત્ય. આ લેખમાંથી આપણે શીખ્યા કે, બાઇબલના દરેક ભાગમાંથી આપણને લાભ થઈ શકે છે. એવી જ રીતે, આપણા દરેક સાહિત્યમાંથી પણ આપણને લાભ થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં, યહોવાએ યુવાનો માટે ઘણી માહિતી પૂરી પાડી છે. [1] એ માહિતીથી તેઓને સ્કૂલમાં આવતાં દબાણો અને તરુણ ઉંમરે આવતા પડકારોનો સામનો કરવા મદદ મળે છે. પણ, તેઓ માટે તૈયાર કરેલાં લેખો અને પુસ્તકો વાંચવાથી આપણને બધાને કઈ રીતે લાભ થઈ શકે? એ માહિતી વાંચીએ છીએ ત્યારે, યુવાન લોકોને આવતી મુશ્કેલીઓ વિશે આપણે જાણી શકીએ છીએ. એનાથી, તેઓને વધુ સારી રીતે મદદ અને ઉત્તેજન આપી શકીએ છીએ.

૧૫. યુવાની પસાર કરી દીધી હોય એવાં ભાઈ-બહેનોએ શા માટે યુવાનો માટે લખાયેલી માહિતીમાં રસ લેવો જોઈએ?

૧૫ યુવાની પસાર કરી દીધી હોય એવાં ભાઈ-બહેનોએ એમ ન વિચારવું જોઈએ કે, “આ માહિતી તો યુવાનિયાઓ માટે છે. હું શું કામ વાંચું?” યુવાનો માટેના લેખોમાં મોટા ભાગે એવી મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવે છે, જે ફક્ત યુવાનોને જ નહિ, બધા ઈશ્વરભક્તોને થતી હોય છે. દાખલા તરીકે, આપણે દરેકે આપણી માન્યતાઓ વિશે જણાવવા હિંમત બતાવવી પડે છે, લાગણીઓ પર કાબૂ રાખવો પડે છે, સાથે ભણતા કે કામ કરતા લોકોનું દબાણ સહેવું પડે છે અને ખરાબ સંગત કે મનોરંજનનો નકાર કરવો પડે છે. તેથી, ભલે એ માહિતી યુવાન લોકો માટે લખાયેલી હોય, એ બાઇબલ આધારિત છે અને યહોવાનો દરેક ભક્ત એમાંથી લાભ લઈ શકે છે.

૧૬. આપણું સાહિત્ય યુવાનોને બીજી કઈ રીતોએ મદદ કરે છે?’

૧૬ યુવાનો માટે લખાયેલાં સાહિત્યથી યુવાનોને યહોવા સાથેની પોતાની દોસ્તી મજબૂત કરવા મદદ મળી શકે છે. (સભાશિક્ષક ૧૨:૧, ૧૩ વાંચો.) મોટાઓને પણ એનાથી મદદ મળી શકે. દાખલા તરીકે, જુલાઈ ૨૦૦૯ સજાગ બનો! મૅગેઝિનમાં યુવાનો માટે આ લેખ હતો: “હું કઈ રીતે બાઇબલ વાંચવાની મઝા લઈ શકું?” એમાં ઘણાં બધાં મદદરૂપ સૂચનો આપવામાં આવ્યાં હતાં અને એક બૉક્સ હતું, જેને કાપીને સાચવી રાખવાનું અને પછીથી અભ્યાસ માટે વાપરવાનું હતું. શું એ લેખથી ફક્ત યુવાનોને જ ફાયદો થયો હતો? ના. એક માતાએ જણાવ્યું હતું કે, બાઇબલ વાંચવું તેમનાં માટે બહુ અઘરું હતું. પણ, તેમણે એ લેખનાં સૂચનોનો ઉપયોગ કર્યો અને હવે તે બાઇબલ વાંચનનો આનંદ માણે છે. તેમને એ જોઈને ખુશી થાય છે કે, બાઇબલનાં પુસ્તકો કઈ રીતે એકબીજા સાથે જોડાઈને એક સુંદર ચિત્ર ઊભું કરે છે. તેમણે કહ્યું: ‘હવે હું બાઇબલ વાંચવા આતુર હોઉં છું. આ પહેલાં મેં ક્યારેય બાઇબલ વાંચવાની આટલી મજા માણી ન હતી.’

૧૭, ૧૮. દાખલો આપીને સમજાવો કે, આપણે કઈ રીતે જનતા માટેનાં સાહિત્યમાંથી લાભ લઈ શકીએ.

૧૭ જનતા માટે સાહિત્ય. સાલ ૨૦૦૮થી અભ્યાસ માટેનું અને જનતા માટેનું ચોકીબુરજ અલગ કરવામાં આવ્યું. અભ્યાસ અંક મોટા ભાગે યહોવાના સાક્ષીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. પરંતુ, આપણે કઈ રીતે જનતા માટેનાં સાહિત્યમાંથી પણ લાભ લઈ શકીએ? ચાલો, એક દાખલો લઈએ. તમે કોઈ વ્યક્તિને રાજ્યગૃહમાં આવવા આમંત્રણ આપો છો અને તે આવે છે ત્યારે, તમને બહુ ખુશી થાય છે. વક્તા પ્રવચન આપે છે ત્યારે, તમે એ વ્યક્તિનો વિચાર કરો છો. તમને થશે કે, પ્રવચન સાંભળીને એ વ્યક્તિને કેવું લાગશે અને એ માહિતી તેના જીવનને કઈ રીતે અસર કરશે. જ્યારે તમે એ પ્રવચનની માહિતીને વ્યક્તિની નજરે જુઓ છો, ત્યારે એ વિષય માટેની તમારી કદર વધે છે.

૧૮ એવી જ રીતે, જનતા માટેનું સાહિત્ય વાંચતી વખતે આપણને પણ લાભ થઈ શકે. જેમ કે, જનતા માટેનાં ચોકીબુરજ અને jw.org પરના લેખો બહુ સાદી ભાષામાં હોય છે. એનાથી બાઇબલનું સત્ય બહુ સહેલાઈથી સમજાઈ જાય છે. એ માહિતી વાંચીએ છીએ ત્યારે, બાઇબલ સત્ય માટેની આપણી સમજણ ઊંડી થાય છે અને એ આપણા દિલમાં ઊતરી જાય છે. વધુમાં, પ્રચારમાં આપણી માન્યતા વિશે જણાવવાની નવી નવી રીતો શીખીએ છીએ. એવી જ રીતે, સજાગ બનો! મૅગેઝિન પણ આપણી શ્રદ્ધા મક્કમ કરવા મદદ કરે છે. સૃષ્ટિની રચના સર્જનહારે કરી છે એવી આપણી માન્યતા મજબૂત થાય છે. એ મૅગેઝિન આપણને એ પણ શીખવે છે કે, આપણી માન્યતા વિશે પૂછવામાં આવે ત્યારે કઈ રીતે જવાબ આપવો.—૧ પીતર ૩:૧૫ વાંચો.

૧૯. યહોવાની બધી ગોઠવણો માટે આપણે કઈ રીતે તેમનો આભાર માની શકીએ?

૧૯ એ સ્પષ્ટ છે કે, યહોવાએ આપણા લાભ માટે ભરપૂર પ્રમાણમાં સલાહ-સૂચનો આપ્યાં છે. ચાલો, આપણે એ બધી માહિતીને વાંચવાનું અને જીવનમાં લાગુ પાડવાનું ચૂકીએ નહિ. જો આપણે એમ કરીશું, તો આપણને જ લાભ થશે. તેમ જ, આપણે બતાવીશું કે યહોવાની બધી ગોઠવણો માટે આપણે કેટલા આભારી છીએ!—યશા. ૪૮:૧૭.

^ [૧] (ફકરો ૧૪) આવી માહિતી પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૧ અને અંગ્રેજી પુસ્તકોમાં અને આપણી વેબસાઇટ પર આવતા “યંગ પીપલ આસ્ક” લેખોમાંથી મળે છે.