સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો’

‘જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો’

‘જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો, તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’—માથ. ૨૮:૧૯, ૨૦.

ગીતો: ૪૭, ૧૭

૧, ૨. માથ્થી ૨૪:૧૪માં ઈસુએ જણાવેલા શબ્દો પરથી કયા સવાલો ઊભા થઈ શકે?

ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે, છેલ્લા દિવસોમાં બધા લોકો સુધી રાજ્યની ખુશખબર ફેલાવવામાં આવશે. (માથ. ૨૪:૧૪) યહોવાના સાક્ષીઓ તરીકે આપણે આખી દુનિયામાં આપણા પ્રચારકામ માટે જાણીતા છીએ. અમુક લોકોને આપણો સંદેશો ગમે છે, જ્યારે કે અમુકને નથી ગમતો. ખરું કે, અમુક લોકો આપણો સંદેશો નથી સાંભળતા, પરંતુ આપણા પ્રચારકામને લીધે તેઓ આપણને માન આપે છે. આપણે કહીએ છીએ કે, ઈસુએ જણાવેલું કામ ફક્ત આપણે જ કરીએ છીએ. પણ, શું એમ કહેવાનો આપણી પાસે કોઈ હક છે? આપણે કઈ રીતે કહી શકીએ કે, આપણું પ્રચારકાર્ય એ જ કામ છે જેના વિશે ઈસુએ ભવિષ્યવાણી કરી હતી?

ઘણા ધાર્મિક પંથો દાવો કરે છે કે, તેઓ ઈસુનો સંદેશો જણાવી રહ્યા છે. પરંતુ, તેઓનું પ્રચારકામ ફક્ત ચર્ચ, ટી.વી. અથવા ઇન્ટરનેટ પર અપાતા પ્રવચન સુધી જ સીમિત છે. અથવા તેઓ બીજાઓને બસ એટલું જ કહે છે કે તેઓ ઈસુ વિશે કઈ રીતે શીખ્યા. બીજા અમુકને એમ લાગે છે કે નિરાધારોને મદદ કરવી અથવા ડૉક્ટર, નર્સ કે ટીચર તરીકે સેવા આપવી, એ પ્રચારકામ સમાન છે. પરંતુ, જ્યારે ઈસુએ પ્રચારકામની વાત કરી, ત્યારે શું તે એવાં બધાં કામોનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં?

૩. માથ્થી ૨૮:૧૯, ૨૦ પ્રમાણે ઈસુના અનુયાયીઓએ કઈ ચાર બાબતો કરવી જ જોઈએ?

શું ઈસુના શિષ્યોએ એવી આશા રાખવાની હતી કે લોકો સામે ચાલીને તેઓ પાસે આવે? ના. કારણ કે, ઈસુએ સજીવન થયા પછી પોતાના સેંકડો શિષ્યોને આમ જણાવ્યું હતું: ‘જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો, તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માથ. ૨૮:૧૯, ૨૦) આ કલમ પ્રમાણે, ઈસુના અનુયાયીઓ તરીકે આપણે ચાર બાબતો કરવાની જરૂર છે. આપણે શિષ્યો બનાવવા જોઈએ, તેઓને બાપ્તિસ્મા આપવું જોઈએ અને તેઓને શીખવવું જોઈએ. પરંતુ, સૌથી પહેલા આપણે લોકો પાસે જવું જોઈએ. બાઇબલના એક નિષ્ણાત સમજાવે છે: ‘લોકો પાસે “જવાનું” કામ ઈસુના દરેક શિષ્યનું છે. પછી ભલે, એ માટે તેઓએ રસ્તો ઓળંગવો પડે કે સમુદ્ર પાર કરવો પડે.’—માથ. ૧૦:૭; લુક ૧૦:૩.

૪. “માણસોને પકડનારા” બનવામાં શાનો સમાવેશ થાય છે?

ઈસુ પોતાના શિષ્યો પાસેથી શું ચાહતા હતા? શું તે એમ ચાહતા હતા કે, તેઓ પોતપોતાની રીતે પ્રચાર કરે? કે પછી સંગઠિત થઈને પ્રચાર કરે? એક શિષ્ય એકલે હાથે “સર્વ દેશનાઓને” ખુશખબર જણાવી ન શકે. એ તો અશક્ય છે! તેથી, ઈસુના શિષ્યોએ એક સમૂહ તરીકે સંગઠિત થઈને પ્રચાર કરવાની જરૂર હતી. એ વાત ધ્યાનમાં રાખીને જ ઈસુએ શિષ્યોને “માણસોને પકડનારા” બનવા આમંત્રણ આપ્યું હતું. (માથ્થી ૪:૧૮-૨૨ વાંચો.) એ વખતે ઈસુ કોઈ એક માછીમારની વાત કરી રહ્યા ન હતા, જે એકલો એકલો પાણીમાં ગલ નાંખીને, માછલી ભરાય એની રાહ જુએ. એને બદલે, ઈસુ તો જાળ નાંખીને માછલી પકડવાના કામ વિશે વાત કરી રહ્યા હતા. એ પ્રકારના કામમાં સખત મહેનત, આયોજન અને ઘણા લોકોના સહકારની જરૂર પડે છે.—લુક ૫:૧-૧૧.

૫. આપણે કયા ચાર સવાલોના જવાબ જાણવા જરૂરી છે અને શા માટે?

આજે કયા લોકો ઈસુએ સોંપેલું કામ કરી રહ્યા છે, એ જાણવા આ ચાર સવાલોના જવાબ મેળવવા જરૂરી છે:

  • ઈસુના અનુયાયીઓએ કયા સંદેશાનો પ્રચાર કરવો જોઈએ?

  • તેઓનો ઇરાદો શો હોવો જોઈએ?

  • તેઓએ કઈ રીતો વાપરવી જોઈએ?

  • એ કામ કેટલા મોટા પાયે થવું જોઈએ અને ક્યાં સુધી કરતા રહેવું જોઈએ?

આ સવાલોના જવાબ આપણને એ પારખવા મદદ કરશે કે, જીવન બચાવનારું એ કામ આજે કોણ કરી રહ્યું છે. એના જવાબો જાણવાથી પ્રચાર કરતા રહેવાની આપણી ઇચ્છા પણ પ્રબળ થશે.—૧ તીમો. ૪:૧૬.

કયા સંદેશાનો પ્રચાર કરવો જોઈએ?

૬. તમે શા માટે ખાતરી રાખી શકો કે, યહોવાના સાક્ષીઓ એ જ સંદેશો ફેલાવે છે, જે ઈસુએ ફેલાવ્યો હતો?

લુક ૪:૪૩ વાંચો. ઈસુએ “રાજ્યની સુવાર્તા”નો પ્રચાર કર્યો હતો અને તે ચાહે છે કે તેમના શિષ્યો પણ એમ જ કરે. કયા લોકો એ સુવાર્તા કે ખુશખબર બધાને જણાવે છે? ફક્ત યહોવાના સાક્ષીઓ જ એમ કરે છે. અરે, જેઓ આપણને પસંદ કરતા નથી, તેઓમાંથી અમુક પણ એ વાત સ્વીકારે છે. દાખલા તરીકે, એક મિશનરી પાદરીએ એક સાક્ષીને જે કહ્યું એનો વિચાર કરો. એ પાદરીએ જણાવ્યું કે, તેમને ઘણા દેશોમાં રહેવાનો મોકો મળ્યો હતો અને ત્યાં બધા સાક્ષીઓને એક સવાલ પૂછ્યો હતો કે તેઓ કયા સંદેશાનો પ્રચાર કરે છે. તેમને કયો જવાબ મળ્યો? પાદરીએ કહ્યું: ‘તેઓ એટલા મૂર્ખ છે કે બધાએ એક જ જવાબ આપ્યો: “રાજ્યની ખુશખબર.”’ એ પાદરીની ટીકા બતાવે છે કે આપણે “મૂર્ખ” નથી, પણ યહોવાના સેવકો તરીકે એકસરખી વાત કરીએ છીએ. (૧ કોરીં. ૧:૧૦) ચોકીબુરજ મૅગેઝિનનો મુખ્ય વિષય પણ ઈશ્વરનું રાજ્ય છે. એટલે જ, એ મૅગેઝિનનું આખું નામ છે, ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે. આ મૅગેઝિન ૨૫૪ ભાષાઓમાં બહાર પડે છે અને દરેક અંકની લગભગ ૫ કરોડ ૯૦ લાખ પ્રતો છાપવામાં આવે છે. એ આખી દુનિયામાં સૌથી વધુ વિતરણ પામતું મૅગેઝિન છે!

૭. આપણે કઈ રીતે કહી શકીએ કે ચર્ચના પાદરીઓ ખરા અર્થમાં સંદેશો ફેલાવતા નથી?

ચર્ચના પાદરીઓ ઈશ્વરના રાજ્ય વિશે શીખવતા નથી. જો તેઓ રાજ્ય વિશે વાત કરે, તોપણ તેઓમાંના મોટા ભાગના કહે છે કે રાજ્ય તો વ્યક્તિના દિલમાં રહેલી લાગણી છે. (લુક ૧૭:૨૧) તેઓ લોકોને શીખવતા નથી કે રાજ્ય તો સ્વર્ગમાંની એક સરકાર છે અને એના રાજા ઈસુ છે. એને બદલે, તેઓ નાતાલ કે ઈસ્ટર વખતે જ ઈસુ વિશે વાત કરે છે. તેઓ એ પણ સમજાવતા નથી કે, માનવજાતની બધી તકલીફોનો અંત ફક્ત એ રાજ્ય લાવશે અને બહુ જલદી પૃથ્વી પરથી બધી દુષ્ટતા મિટાવી દેશે. (પ્રકટી. ૧૯:૧૧-૨૧) સ્પષ્ટ છે કે ચર્ચના આગેવાનો એ નથી જાણતા કે, ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ કયાં કામો કરશે. તેઓ ઈસુનો સંદેશો સમજતા નથી, એટલે એ પણ સમજતા નથી કે શા માટે પ્રચાર કરવો જોઈએ.

આપણો ઇરાદો શો હોવો જોઈએ?

૮. પ્રચારકામ માટેનો કયો ઇરાદો ખોટો કહેવાય?

ઈસુના શિષ્યો પૈસા બનાવવા અથવા આકર્ષક ઇમારતો બાંધવા પ્રચાર કરતા નથી. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું: “તમે મફત પામ્યા, મફત આપો.” (માથ. ૧૦:૮) તેથી, પ્રચારકામ એ વેપાર-ધંધો ન બની જવો જોઈએ. (૨ કોરીં. ૨:૧૭) ઈસુના શિષ્યોએ પ્રચારકામ માટે પૈસા કે પગાર ન માંગવો જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૩-૩૫ વાંચો.) ઈસુનું માર્ગદર્શન એકદમ સ્પષ્ટ હોવા છતાં, મોટા ભાગના ચર્ચોમાં પૈસા ઉઘરાવવામાં આવે છે, જેથી તેઓ પાદરી અને ત્યાંના બીજા કર્મચારીઓને પગાર આપી શકે અને ચર્ચોને ચલાવી શકે. પરિણામે, ચર્ચના ઘણા આગેવાનો પૈસાદાર બની ગયા છે.—પ્રકટી. ૧૭:૪, ૫.

૯. યહોવાના સાક્ષીઓએ કઈ રીતે બતાવ્યું છે કે, તેઓ સારા ઇરાદાથી પ્રચાર કરે છે?

શું યહોવાના સાક્ષીઓ તેઓનાં રાજ્યગૃહો કે સંમેલનોમાં પૈસા ઉઘરાવે છે? ના. તેઓનું કામ તો રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. (૨ કોરીં. ૯:૭) ગયા વર્ષે યહોવાના સાક્ષીઓએ લગભગ બે અબજ કલાકો ખુશખબર ફેલાવવામાં વિતાવ્યા હતા. તેમ જ, દર મહિને ૯૦ લાખ કરતાં વધુ બાઇબલ અભ્યાસો ચલાવ્યા હતા. પ્રચારકામ માટે તેઓને પગાર આપવામાં નથી આવતો. આ કામ માટે તો તેઓ રાજીખુશીથી પોતાના પૈસા વાપરે છે. એક સંશોધક યહોવાના સાક્ષીઓના કામ વિશે આમ જણાવે છે: ‘તેઓનો મુખ્ય ધ્યેય પ્રચાર કરવાનો અને શિક્ષણ આપવાનો છે.’ તેણે એમ પણ કહ્યું કે, યહોવાના સાક્ષીઓ પૈસા બચાવી શકે છે, કારણ કે તેઓમાં પાદરી હોતા નથી. હવે સવાલ થાય કે, જો આપણે પૈસા માટે પ્રચાર કરતા નથી, તો શાના માટે કરીએ છીએ? યહોવા અને લોકો માટે પ્રેમ હોવાથી આપણે રાજીખુશીથી એ કામ કરીએ છીએ. એ વલણ ગીતશાસ્ત્ર ૧૧૦:૩માં જણાવેલી ભવિષ્યવાણીને પૂરી કરે છે. (વાંચો.)

કઈ રીતો વાપરવી જોઈએ?

જ્યાં પણ લોકો મળે, ત્યાં આપણે પ્રચાર કરીએ છીએ (ફકરો ૧૦ જુઓ)

૧૦. ઈસુ અને તેમના શિષ્યોએ પ્રચાર કરવા કઈ રીતોનો ઉપયોગ કર્યો હતો?

૧૦ ઈસુ અને તેમના શિષ્યોએ પ્રચાર કરવા કઈ રીતોનો ઉપયોગ કર્યો હતો? જ્યાં પણ લોકો મળતા, ત્યાં તેઓ જતા. દાખલા તરીકે, તેઓએ ગલીઓમાં અને બજારમાં પ્રચાર કર્યો. તેઓ પ્રચાર કરવા લોકોના ઘરે પણ જતા. (માથ. ૧૦:૧૧; લુક ૮:૧; પ્રે.કૃ. ૫:૪૨; ૨૦:૨૦) દરેક પ્રકારના લોકો સુધી પહોંચવા માટે ઘર-ઘરનું પ્રચારકામ સૌથી સારી રીત હતી.

૧૧, ૧૨. ચર્ચના લોકો પ્રચાર માટે જે પ્રયત્નો કરે છે એની સરખામણીમાં યહોવાના લોકો કેવું કરી રહ્યા છે?

૧૧ શું ચર્ચના લોકો ઈસુની જેમ પ્રચાર કરે છે? મોટા ભાગના પગારદાર પાદરીઓ તેમના સભ્યોને જ પ્રવચન આપે છે. એ પાદરીઓ નવા શિષ્યો બનાવતા નથી, પણ જેટલા સભ્યો છે તેઓને જ પકડી રાખે છે. અમુક સમયે, તેઓએ તેમના સભ્યોને પ્રચાર કરવા ઉત્તેજન આપવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે, વર્ષ ૨૦૦૧માં પોપ જોન પોલ બીજાએ એક પત્રમાં જણાવ્યું હતું કે, ચર્ચના સભ્યોએ સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. તેમ જ, પ્રચાર કરવામાં પાઊલ જેવો ઉત્સાહ બતાવવો જોઈએ, જેમણે કહ્યું હતું: “જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.” પોપે પછી કહ્યું કે, પ્રચારકામ ફક્ત તાલીમ પામેલા અમુક લોકોએ જ નહિ, પણ ચર્ચના દરેક સભ્યે કરવું જોઈએ. જોકે, બહુ જ થોડા લોકોએ એ ઉત્તેજન પ્રમાણે કર્યું હતું.

૧૨ યહોવાના સાક્ષીઓ વિશે શું? ફક્ત તેઓ જ સર્વ લોકોને જણાવે છે કે ઈસુ ૧૯૧૪થી રાજ કરી રહ્યા છે. તેઓ ઈસુની આજ્ઞાઓ પાળે છે અને પ્રચારકામને પોતાના જીવનમાં પહેલું સ્થાન આપે છે. (માર્ક ૧૩:૧૦) પીલર્સ ઑફ ફેઇથ—અમેરિકન કોંગ્રીગેશન્સ એન્ડ ધેર પાર્ટનર્સ નામનું પુસ્તક જણાવે છે કે, યહોવાના સાક્ષીઓ માટે પ્રચારકામ ખૂબ જ મહત્ત્વનું છે. એ પુસ્તકમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જ્યારે તેઓ લોકોને ભૂખ્યા, એકલવાયા કે બીમાર જુએ છે, ત્યારે તેઓને મદદ આપવા પ્રયત્નો કરે છે. જોકે, તેઓ કદીયે ભૂલતા નથી કે, તેઓનો મુખ્ય મકસદ લોકોને દુનિયાના અંત વિશે જણાવવાનો અને તારણ પામવા શું કરવું જોઈએ એ શીખવવાનો છે. તો પછી, ઈસુ અને તેમના શિષ્યોએ વાપરેલી રીતોનો ઉપયોગ કરીને આજે કોણ પ્રચાર કરી રહ્યું છે? ફક્ત યહોવાના સાક્ષીઓ.

એ કામ કેટલા મોટા પાયે અને ક્યાં સુધી થવું જોઈએ?

૧૩. પ્રચારકામ કેટલા મોટા પાયે થવું જોઈએ?

૧૩ ઈસુએ કહ્યું હતું કે, તેમના શિષ્યોએ ખુશખબર ફેલાવવાનું અને એ વિશે શીખવવાનું કામ “આખા જગતમાં” કરવાનું છે. (માથ. ૨૪:૧૪) આમ, “સર્વ દેશનાઓને” શિષ્ય બનાવવાની તેઓને આજ્ઞા આપવામાં આવી હતી. (માથ. ૨૮:૧૯, ૨૦) એનો મતલબ કે, ખુશખબરનો પ્રચાર આખી દુનિયામાં થવો જોઈએ.

૧૪, ૧૫. આપણે શા માટે કહી શકીએ કે, આખી દુનિયામાં પ્રચાર કરવા વિશેની ભવિષ્યવાણી યહોવાના સાક્ષીઓ જ પૂરી કરી રહ્યા છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૪ ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે આખી દુનિયામાં ખુશખબરનો પ્રચાર થશે. આજે ફક્ત યહોવાના સાક્ષીઓ એ ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા છે. આપણે કઈ રીતે એમ કહી શકીએ? આખા અમેરિકામાં ૬ લાખ જેટલા પાદરીવર્ગના સભ્યો છે, જ્યારે કે લગભગ ૧૨ લાખ યહોવાના સાક્ષીઓ એ દેશમાં પ્રચાર કરી રહ્યા છે. આખી દુનિયામાં આશરે ૪ લાખ જેટલા કૅથલિક પાદરીઓ છે, જ્યારે કે ૮૦ લાખ કરતાં વધારે યહોવાના સાક્ષીઓ ૨૪૦ દેશોમાં ખુશખબર જણાવી રહ્યા છે. આ આંકડાઓ બતાવે છે કે, યહોવાના સાક્ષીઓ જ આખી દુનિયામાં ખુશખબર ફેલાવી રહ્યા છે અને એનાથી યહોવાને માન અને મહિમા મળે છે.—ગીત. ૩૪:૧; ૫૧:૧૫.

૧૫ યહોવાના સાક્ષીઓ તરીકે આપણો ધ્યેય છે કે, અંત આવે એ પહેલાં બને એટલા લોકોને ખુશખબર જણાવીએ. એ માટે આપણે કરોડોની સંખ્યામાં પુસ્તકો, મૅગેઝિન, પત્રિકાઓ તેમજ સંમેલન અને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકાઓ બહાર પાડીએ છીએ. તેમ જ, એ સાહિત્યને ૭૦૦ કરતાં વધારે ભાષાઓમાં પ્રાપ્ય બનાવીએ છીએ અને લોકોને વિના મૂલ્યે આપીએ છીએ. ગયા વર્ષે, લગભગ સાડા ચાર અબજ જેટલું સાહિત્ય બહાર પાડવામાં આવ્યું હતું. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સની ૨૦ કરોડ કરતાં વધારે પ્રતો ૧૩૦ કરતાં વધુ ભાષાઓમાં બહાર પાડવામાં આવી છે. તેમ જ, આપણી વેબસાઇટ ૭૫૦થી વધુ ભાષાઓમાં પ્રાપ્ય છે. ફક્ત યહોવાના સાક્ષીઓ જ આટલું અદ્ભુત કામ કરી રહ્યા છે.

૧૬. આપણે શા માટે કહી શકીએ કે, યહોવાના સાક્ષીઓ પાસે પવિત્ર શક્તિ છે?

૧૬ પ્રચારકામ ક્યાં સુધી ચાલશે? ઈસુએ કહ્યું હતું કે, જગતના અંત સુધી પ્રચાર કરવામાં આવશે. યહોવાના સાક્ષીઓ તરીકે આપણે આ છેલ્લા દિવસોમાં પ્રચારકામમાં ટકી શક્યા છીએ, કારણ કે આપણી પાસે યહોવાની પવિત્ર શક્તિ છે. (પ્રે.કૃ. ૧:૮; ૧ પીત. ૪:૧૪) અમુક ધાર્મિક લોકો કદાચ કહે કે, “અમારી પાસે પવિત્ર શક્તિ છે.” પરંતુ, શું તેઓ આ છેલ્લા દિવસોમાં પ્રચાર ચાલુ રાખી શક્યા છે? અમુક સમૂહોએ યહોવાના સાક્ષીઓની જેમ પ્રચાર કરવાના પ્રયત્નો કર્યા છે, પણ સફળ થયા નથી. પ્રચાર કરવાની અમુકની ઇચ્છા છે, પણ થોડા જ સમય માટે. બીજા અમુક કદાચ ઘર-ઘરનો પ્રચાર કરે છે, પણ તેઓ રાજ્યની ખુશખબરનો પ્રચાર કરતા નથી. તેથી, તેઓ એ કામ નથી કરી રહ્યા, જેની શરૂઆત ઈસુએ કરી હતી.

આજે ખરેખર કોણ ખુશખબર ફેલાવી રહ્યું છે

૧૭, ૧૮. (ક) આપણને શા માટે ખાતરી છે કે, યહોવાના સાક્ષીઓ જ આજે રાજ્યની ખુશખબરનો પ્રચાર કરી રહ્યા છે? (ખ) પ્રચારકામ ચાલુ રાખવું આપણા માટે કઈ રીતે શક્ય બન્યું છે?

૧૭ તો પછી, આજે ખરેખર કોણ ખુશખબર ફેલાવી રહ્યું છે? ફક્ત યહોવાના સાક્ષીઓ. આપણે કઈ રીતે એમ કહી શકીએ? કારણ કે, આપણે જ સાચો સંદેશો જણાવીએ છીએ, જે છે રાજ્યની સુવાર્તા. સેવાકાર્યમાં આપણે લોકો પાસે જઈએ છીએ, જે પ્રચારની સાચી રીત છે. પ્રચાર માટેનો આપણો ઇરાદો સારો છે, જે છે યહોવા અને લોકો માટેનો પ્રેમ. આપણે મોટા પાયે પ્રચાર કરીએ છીએ, કારણ કે સર્વ દેશો અને ભાષાના લોકોને આપણે ખુશખબર જણાવીએ છીએ. અને આપણે અંત આવે ત્યાં સુધી પ્રચાર કરવાનું ચાલુ રાખીશું.

૧૮ આ છેલ્લા દિવસોમાં યહોવાના લોકો કેટલું અદ્ભુત કામ કરી રહ્યા છે! પણ, આપણે આખી દુનિયામાં કઈ રીતે ખુશખબર ફેલાવી શક્યા છીએ? એનો જવાબ આપતા પાઊલે લખ્યું હતું: “ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરી તમને તેમની ઇચ્છાને આધીન થવાનું મન આપે છે અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા સહાય કરે છે.” (ફિલિ. ૨:૧૩, IBSI) આપણે ચાહીએ છીએ કે, યહોવા આપણને જરૂરી શક્તિ આપતા રહે, જેથી ઈસુની આજ્ઞા પ્રમાણે આપણે ખુશખબર ફેલાવતા રહીએ.—૨ તીમો. ૪:૫.