સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો ઇતિહાસ

જેઓને કામ સોંપવામાં આવ્યું છે

જેઓને કામ સોંપવામાં આવ્યું છે

દિવસો સુધી આવેલા તોફાન અને વરસાદ પછી સપ્ટેમ્બર ૧, ૧૯૧૯નો સોમવાર હૂંફાળો હતો અને તડકો નીકળ્યો હતો. એ બપોરે આશરે ૧,૦૦૦ લોકો અમેરિકાના સીદાર પોઈન્ટ, ઓહાયોમાં ૨,૫૦૦ લોકો માટેના ઑડિટોરિયમમાં સંમેલન માટે ભેગા મળ્યા હતા. સાંજ સુધીમાં તો બીજા ૨,૦૦૦ લોકો હોડી, કાર અને ખાસ ટ્રેનથી ત્યાં આવી પહોંચ્યા હતા. મંગળવારે એટલા બધા લોકો આવ્યા કે સંમેલનનો બાકીનો કાર્યક્રમ બહાર ખુલ્લામાં વૃક્ષો નીચે રાખવો પડ્યો.

પાંદડાઓની વચ્ચે થઈને સૂર્યનાં કિરણો આવતાં હતાં અને એનો પડછાયો પુરુષોનાં કપડાં પર જાણે ઝીણી દોરીની ડિઝાઇન પાડતો હતો. ઈરી સરોવર પરથી મંદ મંદ વાતા પવનને કારણે સ્ત્રીઓની ટોપીનાં પીંછાં લહેરાતાં હતાં. એક ભાઈ યાદ કરે છે: ‘બાગ જેવા એ સુંદર વાતાવરણમાં, જૂની દુનિયાના ઘોંઘાટથી દૂર, જાણે નવી દુનિયામાં હોઈએ એવું લાગતું હતું.’

એ સુંદર વાતાવરણ ત્યાં હાજર રહેલા લોકોના હસતા ચહેરાઓ સામે ઝાંખું પડતું હતું. ત્યાંના એક છાપાએ નોંધ્યું: ‘બધા લોકો ઘણા ધાર્મિક લાગતા હતા અને છતાં તેઓ ખૂબ આનંદી અને ખુશ હતા.’ બાઇબલ વિદ્યાર્થીઓને ભાઈ-બહેનોની આ સંગત શીતળ છાયા જેવી લાગતી હતી, કેમ કે પાછલાં અમુક વર્ષોમાં તેઓએ આવી આકરી કસોટીઓ સહી હતી: યુદ્ધ વખતે વિરોધ; મંડળોમાં પુષ્કળ તકરાર; બ્રુકલિન બેથેલ બંધ થઈ જવું; રાજ્યને લીધે ઘણા લોકોને થયેલી કેદ. એમાં આગેવાની લેતા આઠ ભાઈઓને પણ વીસ વીસ વર્ષ માટે સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. *

એ મુશ્કેલ વર્ષોમાં અમુક બાઇબલ વિદ્યાર્થીઓએ નિરાશા અને ડરને કારણે પ્રચારકામ પડતું મૂક્યું. જ્યારે કે, મોટા ભાગના લોકોએ અધિકારીઓનાં દબાણ સામે ટકી રહેવાના બનતા બધા પ્રયત્નો કર્યા. એક કિસ્સામાં, તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું કે બાઇબલ વિદ્યાર્થીઓની પૂછપરછ કરતી વખતે તેણે તેઓને સખત ચેતવણી આપી હતી. તોપણ, તેઓએ અડગ રહેતા કહ્યું કે, ‘અમે તો અંત સુધી ઈશ્વરનો સંદેશો જણાવતા રહીશું.’

કસોટીનાં એ વર્ષોમાં, શ્રદ્ધાળુ બાઇબલ વિદ્યાર્થીઓ ‘પ્રભુની આગેવાની જોતા હતા, પિતાના માર્ગદર્શન માટે સતત પ્રાર્થના કરતા હતા.’ હવે, તેઓ સીદાર પોઈન્ટના સંમેલનમાં ભાઈ-બહેનો સાથે ફરી ભેગા થઈને ઘણા ખુશ હતા. એક બહેને જાણે બીજા ઘણાના મનની વાત કહેતા જણાવ્યું કે તેઓ કઈ રીતે “સેવાની ગાડી ફરી પૂરઝડપે ભગાવી” શકશે. ખાસ તો તેઓને પ્રચારકામ શરૂ કરવું હતું.

એક નવું સાધન!

સંમેલન કાર્યક્રમ, આમંત્રણ પત્રિકાઓ અને સંમેલનની જગ્યાએ બધે “જીએ” (GA) બે અક્ષરો લખેલા હતા. બધા લોકો એના વિશે આખું અઠવાડિયું મૂંઝાતા રહ્યા. શુક્રવારે “કો-લેબરર્સ ડે”ના દિવસે ત્યાં ૬,૦૦૦ લોકો હાજર હતા ત્યારે, જોસેફ એફ. રધરફર્ડે છેવટે એ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. “જીએ” એટલે ધ ગોલ્ડન એજ, પ્રચાર માટે બહાર પાડવામાં આવેલું નવું મૅગેઝિન. *

ભાઈ રધરફર્ડે પોતાના સાથી અભિષિક્ત ખ્રિસ્તીઓ વિશે કહ્યું: ‘કસોટીના સમયની પેલે પાર, તેઓ શ્રદ્ધાની આંખોથી મસીહના મહિમાવંત રાજ્યનો સોનેરી યુગ જુએ છે. દુનિયાના લોકોને આવનાર સોનેરી યુગ વિશે જણાવવાને તેઓ પોતાની મુખ્ય ફરજ અને લહાવો ગણે છે. એ કામ તેઓને ઈશ્વર પાસેથી મળ્યું છે.’

“હકીકત, આશા અને હિંમતનું મૅગેઝિન” ધ ગોલ્ડન એજ વાપરીને સત્ય ફેલાવવાની નવી રીત શરૂ થવાની હતી. એ હતી ઘરે ઘરે લવાજમ ભરવાની ઝુંબેશ. જ્યારે પૂછવામાં આવ્યું કે કોને એ કામ કરવું છે, ત્યારે હાજર રહેલા બધા તરત ઊભા થઈ ગયા. પછી, ‘ફક્ત ઈસુના પગલે ચાલનારાઓ અનુભવ કરે છે એવા ઉમંગ અને ઉત્સાહથી’ તેઓ ગાવા લાગ્યા: ‘હે પ્રભુ, તમારો પ્રકાશ અને સત્ય મોકલો.’ જે. એમ. નોરીસ યાદ કરે છે: ‘હું કદી નહિ ભૂલું કે ત્યારે તો જાણે વૃક્ષો પણ ડોલવા લાગ્યા હતા.’

કાર્યક્રમ પછી, મૅગેઝિનનું લવાજમ ભરવા હાજર રહેલા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા. ઘણા લોકોને બહેન મેબેલ ફિલબ્રીક જેવું જ લાગ્યું હતું. તેમણે કહ્યું હતું: ‘અમારી પાસે હવે ફરી કામ હશે, એ જાણીને અમે ખૂબ જ ખુશ હતા!’

જેઓને કામ સોંપવામાં આવ્યું છે

આશરે ૭,૦૦૦ બાઇબલ વિદ્યાર્થીઓ કાર્ય કરવા સજ્જ હતા. ઓર્ગેનાઈઝેશન મેથડ પત્રિકા અને ટુ હુમ ધ વર્ક ઇઝ ઍન્ટ્રસ્ટેડ પુસ્તિકાએ સમજાવ્યું: “મુખ્ય મથકમાં શરૂ કરવામાં આવેલા સેવા વિભાગ દ્વારા આ કામ પર દેખરેખ રાખવામાં આવશે. મંડળમાં સેવા સમિતિ બનાવવામાં આવશે અને સૂચનાઓ આપવા માટે સંચાલક નિમવામાં આવશે. પ્રચાર વિસ્તારના ભાગ પાડવામાં આવશે અને દરેક ભાગમાં ૧૫૦થી ૨૦૦ ઘરો હશે. ગુરુવારે સાંજે સેવા સભા રાખવામાં આવશે, જેમાં ભાઈઓ પ્રચારમાં થયેલા અનુભવો જણાવશે અને પ્રચારનો રિપોર્ટ આપશે.”

ભાઈ હરમન ફિલબ્રીકે કહ્યું: ‘ઘરે પાછા આવ્યા પછી, અમે બધા લવાજમ ભરવાની ઝુંબેશમાં લાગી ગયા.’ દરેક જગ્યાએ તેઓને એવા લોકો મળ્યા, જેઓ સાંભળવા તૈયાર હતા. બહેન બેઉલા કોવેએ કહ્યું: ‘એમ લાગતું હતું કે યુદ્ધ અને ઘણી તકલીફો પછી, લોકોને સોનેરી યુગ વિશે સાંભળવું ગમતું હતું.’ ભાઈ આર્થર ક્લોસે લખ્યું: ‘મોટા પ્રમાણમાં લવાજમ મળ્યા હતા એ જોઈને આખું મંડળ ખૂબ નવાઈ પામ્યું હતું.’ ધ ગોલ્ડન એજ મૅગેઝિનનો પહેલો અંક બહાર પડ્યો, એના બે જ મહિનામાં આશરે પાંચ લાખ પ્રતો આપવામાં આવી હતી. અને ૫૦,૦૦૦ લોકોએ લવાજમ ભર્યું હતું.

જુલાઈ ૧, ૧૯૨૦ના ધ વૉચ ટાવરના અંકમાં “રાજ્યની ખુશખબર” લેખ છાપવામાં આવ્યો હતો. પછીથી, ભાઈ એ. એચ. મેકમીલને એના વિશે જણાવ્યું હતું: ‘દુનિયા ફરતે થનાર પ્રચાર માટે એ સૌથી પહેલી જાહેરાત હતી અને એવું અત્યારે હકીકતમાં થઈ રહ્યું છે.’ એ લેખમાં બધા અભિષિક્તોને અરજ કરવામાં આવી હતી: ‘સ્વર્ગનું રાજ્ય ઘણું જ નજીક છે, એ વિશે દુનિયાને સાક્ષી આપો.’ આજે, ખ્રિસ્તના ભાઈઓ, જેઓને કામ સોંપવામાં આવ્યું છે, તેઓની સાથે લાખો બીજા ભક્તો જોડાયા છે. તેઓ બધા સાથે મળીને બાઇબલ સંદેશો ઉત્સાહથી જાહેર કરે છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા આવનાર સોનેરી યુગની રાહ જુએ છે.

^ ફકરો. 5 જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગ્ડમ પ્રકરણ ૬ “અ ટાઈમ ઑફ ટેસ્ટીંગ (૧૯૧૪-૧૯૧૮)” જુઓ.

^ ફકરો. 9 ધ ગોલ્ડન એજને ૧૯૩૭માં કોન્સોલેશન અને ૧૯૪૬માં અવેક! નામ આપવામાં આવ્યું હતું.