સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે શાના આધારે નિર્ણયો લો છો?

તમે શાના આધારે નિર્ણયો લો છો?

‘યહોવાની ઇચ્છા શી છે એ સમજો.’—એફે. ૫:૧૭.

ગીતો: ૧૧, ૨૨

૧. બાઇબલમાં આપેલા અમુક નિયમો જણાવો. એ નિયમો પાળવાથી આપણને કઈ રીતે ફાયદા થાય છે?

બાઇબલમાં યહોવાએ ઘણા નિયમો આપ્યા છે. એ નિયમો સ્પષ્ટ બતાવે છે કે, યહોવા આપણી પાસે શું ચાહે છે. દાખલા તરીકે, યહોવા જણાવે છે કે, આપણે મૂર્તિપૂજા, ચોરી, વધુ પડતા દારૂ અને અનૈતિક કામોથી દૂર રહીએ. (૧ કોરીં. ૬:૯, ૧૦) ઈસુએ પણ પોતાના શિષ્યોને આ ખાસ આજ્ઞા આપી હતી: ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી એ સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’ (માથ. ૨૮:૧૯, ૨૦) યહોવા અને ઈસુ જે કહે છે, એ આપણા ભલા માટે જ છે. યહોવાના નિયમો આપણને શીખવે છે કે, પોતાની અને કુટુંબની સંભાળ કઈ રીતે લેવી. એ નિયમો આપણને તંદુરસ્ત અને ખુશ રહેવા મદદ કરે છે. જોકે, વધારે મહત્ત્વનું તો એ છે કે, આપણે યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે, તે ખુશ થાય છે અને આપણને આશીર્વાદો આપે છે. એ આજ્ઞાઓમાં પ્રચાર કરવાની આજ્ઞાનો પણ સમાવેશ થાય છે.

૨, ૩. (ક) શા માટે બાઇબલમાં જીવનના દરેક સંજોગ માટે નિયમો આપવામાં આવ્યા નથી? (ખ) આ લેખમાં આપણે કયા સવાલો પર ચર્ચા કરીશું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

બાઇબલમાં જીવનના દરેક સંજોગ માટે નિયમો આપવામાં આવ્યા નથી. દાખલા તરીકે, આપણે કેવાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે યહોવાએ બાઇબલમાં વિગતવાર નિયમો આપ્યા નથી. એમાં તેમનું ડહાપણ દેખાઈ આવે છે. કઈ રીતે? દુનિયાભરમાં લોકો અલગ અલગ પ્રકારના કપડાં પહેરે છે; એક ફેશન આવે છે અને બીજી જાય છે, પણ બાઇબલનાં વચનો ક્યારેય જૂનાં થતાં નથી. ઉપરાંત, નોકરી કે મનોરંજનની પસંદગી વિશે કે તંદુરસ્ત રહેવા શું કરવું એ વિશે બાઇબલમાં નિયમોની લાંબી યાદી આપી નથી. યહોવા ઇચ્છે છે કે દરેક વ્યક્તિ પોતે અથવા કુટુંબના શિર એ વિશે નિર્ણયો લે.

પણ, ધારો કે આપણા જીવનને અસર કરતો કોઈ મહત્ત્વનો નિર્ણય આપણે લેવાનો છે અને એ વિશે બાઇબલમાં કોઈ નિયમ નથી. એવા સંજોગોમાં આપણે શું કરીશું? આપણે કદાચ આવા સવાલો પર વિચાર કરી શકીએ: “મારા નિર્ણયની શું યહોવા પર કોઈ અસર થાય છે? બાઇબલનો કોઈ નિયમ તોડ્યા વગર હું ગમે તે નિર્ણય લઉં તો, શું યહોવા એનાથી ખુશ થશે? મને કઈ રીતે ખાતરી મળી શકે કે, યહોવા મારા નિર્ણયથી ખુશ થશે?”

આપણા નિર્ણયોની પોતાના અને બીજાઓ પર અસર થાય છે

૪, ૫. આપણા નિર્ણયોની પોતાના અને બીજાઓ પર કઈ રીતે અસર થઈ શકે?

અમુક લોકોને લાગે છે કે, તેઓ મનફાવે એમ કરી શકે છે. પણ, આપણે તો યહોવાને ખુશ કરવા ચાહીએ છીએ. એટલે, નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે, એ વિશે બાઇબલ શું કહે છે અને પછી એ પ્રમાણે કરવું જોઈએ. દાખલા તરીકે, બાઇબલમાં લોહીના ઉપયોગ વિશે યહોવાનો નિયમ આપવામાં આવ્યો છે. તેથી, આપણે એ નિયમ પાળીએ છીએ. (ઉત. ૯:૪; પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) યહોવાને ખુશ કરે એવો નિર્ણય લેવા આપણે પ્રાર્થનામાં તેમની મદદ માંગી શકીએ.

યાદ રાખીએ કે, આપણા નિર્ણયોની આપણા જીવન પર અસર થાય છે. સારા નિર્ણયથી યહોવાની નજીક જવા મદદ મળી શકે, જ્યારે કે ખરાબ નિર્ણયથી યહોવા સાથેની આપણી મિત્રતા જોખમમાં મુકાઈ શકે. આપણા નિર્ણયોની બીજાઓ ઉપર પણ અસર થઈ શકે. આપણે એવું કશું કરવા નથી માંગતા, જેનાથી આપણાં ભાઈ-બહેનોને ઠેસ પહોંચે કે તેઓની શ્રદ્ધા ડગમગી જાય. આપણે એ પણ નથી ચાહતા કે આપણા લીધે મંડળનાં ભાઈ-બહેનોમાં મતભેદો ઊભા થાય. એટલે, ખૂબ જરૂરી છે કે આપણે સારા નિર્ણયો લઈએ.—રોમનો ૧૪:૧૯; ગલાતી ૬:૭ વાંચો.

૬. નિર્ણય લેતી વખતે આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?

બાઇબલમાં કોઈ સ્પષ્ટ નિયમ ન આપ્યો હોય, એવા સંજોગોમાં આપણે કઈ રીતે સારો નિર્ણય લઈ શકીએ? પોતાની મનમાની કરવાને બદલે, આપણે પોતાના સંજોગો વિશે વિચાર કરવો જોઈએ અને પછી યહોવાને ખુશ કરે એવો નિર્ણય લેવો જોઈએ. એમ કરીશું તો, આપણે ખાતરી રાખી શકીશું કે યહોવા એ નિર્ણયને આશીર્વાદ આપશે.—ગીતશાસ્ત્ર ૩૭:૫ વાંચો.

યહોવા આપણી પાસે શું ચાહે છે?

૭. બાઇબલમાં સીધેસીધો નિયમ ન હોય ત્યારે, કઈ રીતે જાણી શકીએ કે યહોવા આપણી પાસે શું ચાહે છે?

યહોવા આપણી પાસે શું ચાહે છે, એ આપણે કઈ રીતે જાણી શકીએ? એફેસી ૫:૧૭ જણાવે છે કે, ‘યહોવાની ઇચ્છા શી છે એ સમજો.’ કોઈક સંજોગ માટે બાઇબલમાં સીધેસીધો નિયમ ન હોય ત્યારે, કઈ રીતે જાણી શકીએ કે યહોવા આપણી પાસે શું ચાહે છે? તેમને પ્રાર્થના કરવાથી અને પવિત્ર શક્તિ દ્વારા તેમનું માર્ગદર્શન સ્વીકારવાથી આપણે એ જાણી શકીએ છીએ.

૮. ઈસુ કઈ રીતે જાણી શક્યા કે યહોવા તેમની પાસે શું ચાહે છે?

ઈસુ હંમેશાં સમજી લેતા કે યહોવા તેમની પાસેથી શું ચાહતા. યાદ કરો, એવા બે પ્રસંગ હતા જ્યારે ઈસુએ ટોળાને જમાડ્યા હતા. એ વખતે ઈસુએ પ્રાર્થના કરી હતી અને ચમત્કાર કરીને લોકોને ખોરાક પૂરો પાડ્યો હતો. (માથ. ૧૪:૧૭-૨૦; ૧૫:૩૪-૩૭) હવે, એ પ્રસંગનો વિચાર કરો જ્યારે ઈસુ અરણ્યમાં હતા. તે ઘણા ભૂખ્યા થયા હતા અને શેતાન ચાહતો હતો કે ઈસુ પથ્થરને રોટલી બનાવે. એ કિસ્સામાં ઈસુએ ખોરાક માટે કોઈ ચમત્કાર કર્યો નહિ. (માથ્થી ૪:૨-૪ વાંચો.) તે પોતાના પિતા યહોવાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેથી, ઈસુ સારી રીતે જાણતા હતા કે, જો પોતાની જરૂરિયાત માટે પવિત્ર શક્તિનો ઉપયોગ કરશે, તો યહોવાને નહિ ગમે. તેમને પૂરી ખાતરી હતી કે યહોવા તેમને માર્ગદર્શન આપશે અને જરૂર પડ્યે ખોરાક પૂરો પાડશે.

૯, ૧૦. દાખલો આપીને સમજાવો કે સારો નિર્ણય લેવા આપણને ક્યાંથી મદદ મળી શકે.

માર્ગદર્શન માટે જો આપણે યહોવા પર આધાર રાખીશું, તો ઈસુની જેમ સારા નિર્ણયો લઈ શકીશું. બાઇબલ જણાવે છે: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા.” (નીતિ. ૩:૫-૭) જો આપણે બાઇબલની મદદથી યહોવાના વિચારો પારખી લઈશું, તો અલગ અલગ સંજોગોમાં યહોવા આપણી પાસે શું ચાહે છે એ સમજી શકીશું. યહોવા સંજોગોને કઈ રીતે હાથ ધરે છે એ વિશે શીખતા જઈશું તેમ, આપણે સહેલાઈથી સારા નિર્ણયો લઈ શકીશું. એવા નિર્ણયોથી યહોવાના દિલને ખુશી મળશે અને આપણું “હૃદય” કોમળ બનીને ઈશ્વરના નિયમો પાળવા વધુ કેળવાશે.—હઝકી. ૧૧:૧૯.

૧૦ આ સંજોગનો વિચાર કરો. એક પરિણીત બહેન ખરીદી કરવા ગયા છે અને ત્યાં તે એક સુંદર ચંપલ જુએ છે. પણ એ બહુ જ મોંઘા છે. ખરું કે, તેમના પતિ તેમની જોડે નથી, પણ તે જાણે છે કે જો તે એટલા બધા પૈસા ખર્ચશે, તો તેમના પતિને કેવું લાગશે. તે કઈ રીતે એ જાણે છે? તેમના લગ્નને અમુક સમય વીત્યો છે અને પૈસાના ઉપયોગ વિશે પોતાના પતિના વિચારો તે જાણે છે. એવી જ રીતે, યહોવાના વિચારો વિશે શીખવાથી અને અગાઉ તેમણે જે કર્યું છે એ જાણવાથી આપણે તેમને વધુ સારી રીતે ઓળખી શકીશું. આમ, આપણે પારખી શકીશું કે, અલગ અલગ સંજોગોમાં યહોવા આપણી પાસે શું ચાહે છે.

આપણે કઈ રીતે યહોવાના વિચારો જાણી શકીએ?

૧૧. બાઇબલ વાંચન કે એનો અભ્યાસ કરતી વખતે, આપણે કયા સવાલો પર વિચાર કરી શકીએ? (“ બાઇબલનો અભ્યાસ કરતી વખતે આ સવાલો પર વિચાર કરો” બૉક્સ જુઓ.)

૧૧ આપણે કઈ રીતે યહોવાના વિચારો જાણી શકીએ? એક મહત્ત્વની રીત છે કે આપણે નિયમિત રીતે બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. એમ કરતી વખતે આપણે આ સવાલો પર વિચાર કરી શકીએ: “આ અહેવાલ મને યહોવા વિશે શું શીખવે છે? તે શા માટે આવી રીતે વર્ત્યા હતા?” વધુમાં, યહોવાને સારી રીતે ઓળખવા રાજા દાઊદની જેમ યહોવાને વિનંતી કરીએ. તેમણે કહ્યું હતું: ‘હે યહોવા, તમારા માર્ગ મને બતાવો, તમારા રસ્તા વિશે મને શીખવો. તમારા સત્યમાં મને ચલાવો, અને એ મને શીખવો; કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો; હું આખો દિવસ તમારી વાટ જોઉં છું.’ (ગીત. ૨૫:૪, ૫) યહોવા વિશે કશું શીખીએ ત્યારે વિચારીએ કે, એ માહિતીને ક્યાં લાગુ પાડી શકીએ. જેમ કે, ઘરમાં, કામની જગ્યાએ, શાળામાં કે પછી પ્રચારમાં. ત્યાર બાદ વિચારીએ કે, એ માહિતીને કઈ રીતે લાગુ પાડી શકીએ. એક વાર આપણે પારખી લઈશું કે એ માહિતી ક્યાં લાગુ પાડી શકાય, તો એને કઈ રીતે લાગુ પાડવી એ સમજવું સહેલું બનશે.

૧૨. અલગ અલગ સંજોગો વિશે યહોવાના વિચારો જાણવા આપણું સાહિત્ય અને સભાઓ કઈ રીતે મદદ કરે છે?

૧૨ યહોવાના વિચારો જાણવાની બીજી રીત છે કે, સંગઠન બાઇબલમાંથી જે શીખવે છે એના પર પૂરું ધ્યાન આપીએ. દાખલા તરીકે, નિર્ણય લેતા પહેલાં યહોવાના વિચારો જાણવા આપણાં સાહિત્યની મદદ લઈએ. જેમ કે, વોચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ અને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા. યહોવાના વિચારો જાણવા આપણી સભાઓ પણ મદદ કરે છે. જ્યારે આપણે સભામાં ધ્યાનથી સાંભળીએ છીએ, જવાબો આપીએ છીએ અને સભામાં જે શીખ્યા એના પર મનન કરીએ છીએ, ત્યારે યહોવા જેવા વિચારો કેળવવા મદદ મળે છે. પરિણામે, આપણે યહોવાને ખુશ કરતા એવા નિર્ણયો લઈ શકીશું, જેને તે આશીર્વાદ આપશે.

યહોવાના વિચારો પર મનન કર્યા પછી નિર્ણય લો

૧૩. દાખલો આપીને સમજાવો કે યહોવાના વિચારો જાણવાથી કઈ રીતે સારો નિર્ણય લેવા મદદ મળે છે.

૧૩ યહોવાના વિચારો જાણવાથી આપણે સારો નિર્ણય લઈ શકીએ છીએ. કઈ રીતે? એ સમજવા ચાલો એક દાખલો લઈએ. ધારો કે, તમે પાયોનિયર બનવા ચાહો છો. સેવાકાર્યમાં વધારે સમય વિતાવી શકો એ માટે તમે અમુક ફેરફારો પણ કર્યા છે. પણ, હજી તમે ચોક્કસ નથી કે, થોડા પૈસા અને થોડી વસ્તુઓથી તમે ખુશ રહી શકશો કે કેમ. ખરું કે, બાઇબલ એમ નથી જણાવતું કે યહોવાની સેવા કરવા માટે પાયોનિયર બનવું જરૂરી છે. આપણે પ્રકાશક તરીકે પણ તેમની વફાદારીથી સેવા કરી શકીએ છીએ. પણ, ઈસુએ જણાવ્યું હતું કે રાજ્ય માટે જેઓ જતું કરે છે, તેઓને યહોવા આશીર્વાદ આપે છે. (લુક ૧૮:૨૯, ૩૦ વાંચો.) બાઇબલ એ પણ જણાવે છે કે, યહોવાને મહિમા આપવા આપણે બનતું બધું કરીએ છીએ ત્યારે તેમને આનંદ થાય છે. તેમ જ, તે ચાહે છે કે આપણે કચવાતા મને નહિ, પણ રાજીખુશીથી તેમની સેવા કરીએ. (ગીત. ૧૧૯:૧૦૮; ૨ કોરીં. ૯:૭) આવી બાબતો વિશે પ્રાર્થના કરવાથી અને એના પર મનન કરવાથી આપણે એવો નિર્ણય લઈ શકીશું, જે યહોવાને ખુશ કરતો હોય અને આપણા માટે યોગ્ય હોય.

૧૪. કપડાંની આપણી પસંદગીથી યહોવા ખુશ થશે કે નહિ એ કઈ રીતે પારખી શકાય?

૧૪ બીજા એક દાખલાનો વિચાર કરો. અમુક સ્ટાઈલનાં કપડાં તમને ખૂબ ગમે છે. પણ, તમે જાણો છો કે જો તમે એવાં કપડાં પહેરશો, તો મંડળના અમુક લોકોને કદાચ ઠેસ પહોંચશે. આપણે કઈ સ્ટાઈલનાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. તો એ વિશે યહોવાના વિચારો તમે કઈ રીતે જાણી શકો? બાઇબલ સલાહ આપે છે: ‘સ્ત્રીઓ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કીમતી પોશાકથી નહિ; પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી પોતાને શણગારે.’ (૧ તીમો. ૨:૯, ૧૦) ખરું કે, આ સિદ્ધાંત યહોવાના બધા સેવકોને લાગુ પડે છે, ભાઈઓને પણ. તેથી, કપડાંની પસંદગી કરતા પહેલાં વિચારીશું કે, “જો હું આવાં કપડાં પહેરીશ, તો ભાઈ-બહેનોને કેવું લાગશે?” ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોવાથી આપણે એવું કંઈ નહિ કરીએ જેનાથી તેઓની લાગણીઓને ઠેસ પહોંચે. (૧ કોરીં. ૧૦:૨૩, ૨૪; ફિલિ. ૩:૧૭) બાઇબલના સિદ્ધાંતો અને યહોવાના વિચારો જાણવાથી આપણે તેમના દિલને ખુશ કરતા નિર્ણયો લઈ શકીશું.

૧૫, ૧૬. (ક) જો આપણે અનૈતિક બાબતો વિશે વિચારતા રહીશું, તો યહોવાને કેવું લાગશે? (ખ) મનોરંજનની પસંદગી કરતી વખતે યહોવાની ઇચ્છા કઈ રીતે જાણી શકીશું? (ગ) આપણે કઈ રીતે મહત્ત્વના નિર્ણયો લેવા જોઈએ?

૧૫ બાઇબલ જણાવે છે કે, જ્યારે લોકો ભૂંડાં કામ કરે છે અને ખોટી વાતો વિચારે છે, ત્યારે યહોવાને ખૂબ જ દુઃખ થાય છે. (ઉત્પત્તિ ૬:૫, ૬ વાંચો.) એ તો સ્પષ્ટ છે કે, આપણે અનૈતિક વિચારોમાં ખોવાયેલા રહીએ, એવું યહોવા નથી ચાહતા. જો આપણે અનૈતિક વિચારોને મનમાંથી નહિ કાઢીએ, તો હકીકતમાં એવાં કામ કરી બેસીશું. યહોવા તો ચાહે છે કે આપણે સારી અને શુદ્ધ બાબતો પર વિચાર કરીએ. શિષ્ય યાકૂબે લખ્યું હતું કે યહોવાનું જ્ઞાન “પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.” (યાકૂ. ૩:૧૭) તેથી, આપણને ખોટી અને અશુદ્ધ બાબતો વિચારવા અને કરવા લલચાવે એવા પ્રકારનું મનોરંજન આપણે ટાળવું જોઈએ. તેમ જ, જો આપણે પારખી લઈશું કે યહોવાને શું ગમે છે અને શું નથી ગમતું, તો આપણા માટે પુસ્તક, ફિલ્મ કે રમતગમતની પસંદગી કરવી સહેલી બની જશે. એવા નિર્ણયો લેવા આપણે બીજાઓ પર નિર્ભર નહિ રહેવું પડે.

૧૬ નિર્ણય લેવાનો હોય ત્યારે, મોટા ભાગે આપણી પાસે ઘણા વિકલ્પો હોય છે, જે યહોવાને માન્ય હોય છે. એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. પરંતુ, મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે, એ સારું રહેશે કે આપણે કોઈ વડીલ કે અનુભવી ભાઈ કે બહેનની સલાહ લઈએ. (તીત. ૨:૩-૫; યાકૂ. ૫:૧૩-૧૫) ખરું કે, આપણે તેઓને એમ નહિ કહીએ કે, તેઓ આપણા માટે નિર્ણય લે. એને બદલે, પહેલા આપણે એ જાણવાની જરૂર છે કે, આપણા સંજોગ વિશે બાઇબલ શું કહે છે અને પછી પોતે નિર્ણય લેવો જોઈએ. (હિબ્રૂ ૫:૧૪) પ્રેરિત પાઊલે કહ્યું હતું: “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.

૧૭. ઈશ્વરને ખુશ કરે એવા નિર્ણયો લઈશું તો, આપણને કયા ફાયદા થશે?

૧૭ યહોવાને ખુશ કરતા નિર્ણયો લઈએ છીએ ત્યારે, આપણે યહોવાની વધુ નજીક જઈએ છીએ તેમજ તેમની કૃપા અને આશીર્વાદો મેળવીએ છીએ. (યાકૂ. ૪:૮) એનાથી, યહોવામાં આપણી શ્રદ્ધા વધુ મજબૂત થાય છે. એટલે ચાલો, યહોવાના વિચારો જાણવા બાઇબલમાંથી જે કંઈ વાંચીએ, એના પર મનન કરીએ. એ ખરું છે કે, આપણી પાસે દરરોજ એવું કંઈક હશે, જેનાથી યહોવા વિશે કશું નવું શીખી શકીશું. (અયૂ. ૨૬:૧૪) જો આપણે અત્યારથી જ તેમના વિશે શીખવા મહેનત કરીશું, તો આપણે બુદ્ધિમાન બનીશું અને સારા નિર્ણયો લઈ શકીશું. (નીતિ. ૨:૧-૫) માણસોના વિચારો અને યોજનાઓ બદલાતાં રહે છે, પણ યહોવા ક્યારેય બદલાતા નથી. એક ઈશ્વરભક્તે લખ્યું: “યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેના હૃદયની ધારણા પેઢી દરપેઢી દૃઢ રહે છે.” (ગીત. ૩૩:૧૧) એક વાત સાફ છે કે, જો આપણે યહોવાના વિચારો જાણીશું, તો સૌથી સારા નિર્ણયો લઈ શકીશું અને તેમને ખુશ કરી શકીશું.