આપણો ઇતિહાસ
‘પહેલાં ક્યારેય ન હતો એટલો ઉત્સાહ અને પ્રેમ’
સપ્ટેમ્બર ૧૯૨૨. શુક્રવારની સવાર. તાપમાન વધી રહ્યું હતું. ઑડિટોરીયમ ૮,૦૦૦ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ રહ્યું હતું. એ મહત્ત્વના સત્ર દરમિયાન ચેરમેને જાહેરાત કરી કે, સત્ર દરમિયાન બહાર જવાની છૂટ છે, પરંતુ કોઈને પણ પાછા હૉલમાં આવવાની પરવાનગી નથી.
સત્રની શરૂઆત સ્તુતિગીતોથી થઈ. ત્યાર બાદ, ભાઈ જોસેફ રધરફર્ડ માઇક આગળ આવીને ઊભા રહ્યા. શ્રોતાગણ જાણે કોઈ રહસ્ય ખૂલવાની રાહ જોઈને બેઠું હોય, એમ લાગતું હતું. ગરમીને લીધે અમુકે ચાલતી પકડી, પણ ભાઈએ તેઓને બેસીને સાંભળવાની અરજ કરી. ભાષણ શરૂ થયું. સ્ટેજની ઉપર એક પડદો વાળીને લટકાવેલો હતો, પણ હજી કોઈની નજર એના પર પડી ન હતી.
ભાઈ રધરફર્ડના ભાષણનો વિષય હતો: ‘આકાશનું રાજ્ય પાસે છે.’ આશરે દોઢ કલાક સુધી તેમણે ચર્ચા કરી કે, અગાઉના પ્રબોધકોએ હિંમતથી આવનાર રાજ્યની જાહેરાત કરી હતી. તેમના અવાજથી આખો હૉલ ગુંજી રહ્યો હતો. ભાષણ પરાકાષ્ઠાએ હતું ત્યારે ભાઈએ સવાલ પૂછ્યો: ‘શું તમે માનો છો કે મહિમાવાન રાજાએ પોતાનું રાજ શરૂ કર્યું છે?’ શ્રોતાગણે એકરાગે મોટેથી જવાબ આપ્યો: “હા!”
ભાઈએ કહ્યું: ‘તો હે પરાત્પર ઈશ્વરના દીકરાઓ, ક્ષેત્રમાં પાછા ફરો! જુઓ, રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો!’
એ જ ઘડીએ, સ્ટેજ ઉપર લટકાવેલો પડદો ખોલવામાં આવ્યો. એની પર લખ્યું હતું: ‘રાજા અને તેમના રાજ્યને જાહેર કરો!’
ભાઈ રૅય બોપ યાદ કરતા કહે છે: ‘શ્રોતાગણમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો.’ બહેન આન્ના ગાર્ડનરે કહ્યું: ‘તાળીઓના ગડગડાટથી આખો હૉલ હલી ગયો હતો!’ ભાઈ ફ્રેડ ત્વારોશે જણાવ્યું કે, ‘દર્શકો પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા.’ ભાઈ ઇવેન્જલોઝ સ્કોફસે કહ્યું: ‘જાણે કોઈ અજાણી શક્તિ અમને ઊભા થવા પ્રેરી રહી હતી. અમે ઊભા થયા અને અમારાં આંસુ રોકી ન શક્યાં.’
સંમેલનમાં આવેલા ઘણા લોકો પહેલેથી જ ખુશખબર ફેલાવી રહ્યા હતા. છતાં, તેઓમાં એક નવું જોમ આવી ગયું હતું, તેઓ પાસે એક નવો હેતુ હતો. બહેન ઇથેલ બૅનકૉફે જણાવ્યું કે, બાઇબલ વિદ્યાર્થીઓ ‘પહેલાં ક્યારેય ન હતો એટલા ઉત્સાહ અને પ્રેમથી’ આગળ વધ્યા. બહેન ઑડીસ્સા ટક એ સમયે ૧૮ વર્ષનાં હતાં. સંમેલનમાં પૂછવામાં આવ્યું હતું કે, ખુશખબર જાહેર કરવા ‘કોણ જશે?’ એ વિશે બહેને જણાવ્યું: ‘મને કંઈ ખબર ન હતી. ક્યાં? ક્યારે? કઈ રીતે? પણ એક વાતની મને ખબર હતી. મારે યશાયા જેવું બનવું હતું, જેમણે કહ્યું હતું: “હું આ રહ્યો! મને મોકલ!”’ (યશા. ૬:૮) ભાઈ રાલ્ફ લેફલરે જણાવ્યું કે, ‘આજે દુનિયાભરમાં ચાલી રહેલી રાજ્ય પ્રચાર ઝુંબેશની ખરેખરી શરૂઆત એ યાદગાર દિવસે થઈ હતી.’
એમાં કોઈ બે મત નથી કે ૧૯૨૨માં સીદાર પોઈન્ટ, ઓહાયોમાં યોજાયેલું એ સંમેલન સાક્ષીઓના ઇતિહાસમાં એક મહત્ત્વનો બનાવ હતો. ભાઈ જ્યોર્જ ગાનગેસે જણાવ્યું હતું: ‘એ સંમેલનને લીધે મેં મનમાં ગાંઠ વાળી કે ક્યારેય કોઈ સંમેલન ચૂકીશ નહિ.’ અને તેમણે એમ જ કર્યું હતું. બહેન જૂલિયા વિલકોક્સે કહ્યું: ‘આપણાં સાહિત્યમાં જ્યારે પણ ૧૯૨૨ના એ સંમેલનનો ઉલ્લેખ થાય છે, ત્યારે મારા રૂંવાડાં ઊભા થઈ જાય છે. હું હંમેશાં કહું છું, “હે યહોવા તમારો આભાર કે મને એ દિવસે ત્યાં હાજર રહેવાની તક આપી.”’
ચોક્કસ, તમને પણ એવું કોઈક સંમેલન યાદ હશે જેણે મહાન ઈશ્વર યહોવા અને રાજા ઈસુ માટે તમારા દિલમાં પ્રેમ અને ઉત્સાહ વધાર્યો હોય. એ યાદો મનમાં આવે ત્યારે કદાચ તમે પણ બોલી ઊઠશો: “હે યહોવા તમારો આભાર કે મને એ દિવસે ત્યાં હાજર રહેવાની તક આપી.”