સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા દુશ્મનને ઓળખો

તમારા દુશ્મનને ઓળખો

“આપણે [શેતાનના] કાવતરાઓથી અજાણ નથી.”—૨ કોરીં. ૨:૧૧, ફૂટનોટ.

ગીતો: ૪૯, ૨૭

૧. આદમ અને હવાએ પાપ કર્યું પછી યહોવાએ દુશ્મન વિશે શું જણાવ્યું?

સાપે હવા સાથે વાત કરી, એ વિશે આદમને ખબર પડી. આદમ જાણતો હતો કે સાપ બોલી શકતો નથી. એટલે કદાચ તેને સમજાઈ ગયું હશે કે એ તો કોઈ સ્વર્ગદૂત છે. (ઉત. ૩:૧-૬) પણ, એ સ્વર્ગદૂત વિશે આદમ અને હવા કંઈ જાણતાં ન હતાં. તેમ છતાં, આદમે એ અજાણી વ્યક્તિને સાથ આપવાનું પસંદ કર્યું અને સ્વર્ગમાં રહેતા પોતાના પ્રેમાળ પિતા સામે બંડ પોકાર્યું. (૧ તિમો. ૨:૧૪) એના થોડા જ સમયમાં, આ દુશ્મન વિશે યહોવાએ અમુક માહિતી જણાવવાનું શરૂ કર્યું. યહોવાએ ચેતવણી આપી હતી, સાપ દ્વારા વાત કરનાર દુષ્ટ દૂત ઈશ્વરભક્તોનો વિરોધ કરશે. પણ, તેમણે વચન આપ્યું હતું કે સમય જતાં તેનો નાશ કરવામાં આવશે.—ઉત. ૩:૧૫.

૨, ૩. મસીહના આવ્યા પહેલાં શા માટે યહોવાએ શેતાન વિશે ઓછી માહિતી આપી હતી?

યહોવાએ ક્યારેય તેમના વિરુદ્ધ બંડ પોકારનાર દૂતનું નામ જણાવ્યું નથી. * એદન બાગમાં બળવો થયો એના ૨,૫૦૦ વર્ષ પછી, યહોવાએ બંડ પોકારનારની ઓળખ આપી. (અયૂ. ૧:૬) તે “શેતાન” તરીકે ઓળખાય છે, જેનો અર્થ “વિરોધી” થાય છે. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ફક્ત ત્રણ પુસ્તકો એટલે કે ૧ કાળવૃત્તાંત, અયૂબ અને ઝખાર્યામાં જ શેતાનનો ઉલ્લેખ થયો છે. મસીહના આવ્યા પહેલાં શા માટે એ દુશ્મન વિશે ઓછી માહિતી આપવામાં આવી હતી?

યહોવાએ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં શેતાન અને તેનાં કાર્યો વિશે ખાસ કંઈ જણાવ્યું નથી. ખરેખર તો, હિબ્રૂ શાસ્ત્રવચનોનો હેતુ હતો કે લોકો મસીહ વિશે જાણી શકે અને તેમને પગલે ચાલી શકે. (લુક ૨૪:૪૪; ગલા. ૩:૨૪) મસીહ પૃથ્વી પર આવ્યા પછી, યહોવાએ શેતાન અને બીજા દુષ્ટ દૂતો વિશે અમુક માહિતી જણાવી હતી. એ માટે તેમણે મસીહ અને તેમના શિષ્યોનો ઉપયોગ કર્યો હતો. * યહોવાએ જે કર્યું એ યોગ્ય હતું. કારણ કે, યહોવા ભાવિમાં શેતાન અને તેના અનુયાયીઓનો નાશ કરવા ઈસુ અને તેમના અભિષિક્ત શિષ્યોનો ઉપયોગ કરવાના છે.—રોમ. ૧૬:૨૦; પ્રકટી. ૧૭:૧૪; ૨૦:૧૦.

૪. શા માટે આપણે શેતાનથી ડરવું ન જોઈએ?

પ્રેરિત પીતરે “ગાજનાર સિંહ” તરીકે શેતાનનું વર્ણન કર્યું છે. તેમજ, યોહાને તેને “સર્પ” અને “અજગર” કહ્યો છે. (૧ પીત. ૫:૮; પ્રકટી. ૧૨:૯) પણ આપણે શેતાનથી ડરવું ન જોઈએ. તેની શક્તિ સીમિત છે. (યાકૂબ ૪:૭ વાંચો.) યહોવા, ઈસુ અને વફાદાર સ્વર્ગદૂતો આપણને રક્ષણ પૂરું પાડે છે. તેઓની મદદ દ્વારા આપણા દુશ્મનની સામા થઈ શકીએ છીએ. છતાં, આ ત્રણ સવાલોના જવાબ જાણવાની આપણે જરૂર છે: દુનિયા પર શેતાનનો કાબૂ કેટલો છે? તે કઈ રીતે લોકો પર પોતાની પકડ જમાવવાનો પ્રયત્ન કરે છે? શું એવી કોઈ બાબતો છે, જે તે કરી શકતો નથી? ચાલો આ સવાલોના જવાબ તપાસીએ અને જોઈએ કે એમાંથી આપણે શું શીખી શકીએ.

દુનિયા પર શેતાનનો કેટલો કાબૂ છે?

૫, ૬. મનુષ્યોને જેની ખરેખર જરૂર છે, એવા ફેરફારો શા માટે કોઈ પણ માનવીય સરકારો કરી શકતી નથી?

શેતાને કરેલા બળવામાં ઘણા દૂતો પણ જોડાયા હતા. જળપ્રલય પહેલાં, શેતાને અમુક દૂતોને સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધવા માટે લલચાવ્યા હતા. બાઇબલમાં દૂતોના બળવાને એ રીતે રજૂ કરવામાં આવ્યો છે, જાણે કે અજગર સ્વર્ગમાંથી પડ્યો ત્યારે, તે પોતાની સાથે સ્વર્ગના તારાઓનો ત્રીજો ભાગ ખેંચી ગયો. (ઉત. ૬:૧-૪; યહુ. ૬; પ્રકટી. ૧૨:૩, ૪) એ દૂતોએ ઈશ્વરના કુટુંબનો સાથ છોડ્યો ત્યારે, તેઓ શેતાનના કાબૂમાં આવી ગયા. આપણે એમ ન વિચારવું જોઈએ કે, એ બળવાખોર દૂતોના સમૂહમાં વ્યવસ્થા નથી પણ અંધાધૂંધી છે. શેતાને ઈશ્વરના રાજ્યની નકલ કરી છે અને પોતાની એક સરકાર બનાવી છે, જે આપણે જોઈ શકતા નથી. તે પોતાને રાજા ગણે છે અને તેણે દુષ્ટ દૂતોને સત્તા આપીને દુનિયાના શાસકો બનાવ્યા છે.—એફે. ૬:૧૨.

શેતાન પોતાની સરકાર દ્વારા બધી માનવીય સરકારોને કાબૂમાં રાખે છે. એની સાબિતી શાસ્ત્રમાં જોવા મળે છે. તેણે ઈસુને “પૃથ્વીનાં બધાં રાજ્યો બતાવ્યાં” અને કહ્યું: “હું તને આ બધો અધિકાર અને એનો મહિમા આપી દઈશ, કેમ કે આ બધાં રાજ્યો મને સોંપવામાં આવ્યાં છે અને હું ચાહું તેને એ આપી શકું છું.” (લુક ૪:૫, ૬) જોકે, પૃથ્વી પરની ઘણી સરકારો પોતાના નાગરિકો માટે સારી બાબતો કરે છે અને અમુક શાસકો ખરેખર લોકોને મદદ કરવા ચાહે છે. પણ જેની આપણને ખરેખર જરૂર છે, એવા ફેરફારો પૃથ્વી પરનો કોઈ પણ શાસક કરી શકતો નથી.—ગીત. ૧૪૬:૩, ૪; પ્રકટી. ૧૨:૧૨.

૭. શેતાન કઈ રીતે ફક્ત સરકારોનો જ નહિ, પણ જૂઠા ધર્મો અને વેપાર જગતનો પણ સહારો લે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

શેતાન અને તેના દુષ્ટ દૂતો “આખી દુનિયાને” ખોટે માર્ગે દોરવા શું કરે છે? તેઓ જૂઠા ધર્મોનો અને વેપાર જગતનો પણ સહારો લે છે. (પ્રકટી. ૧૨:૯) શેતાન જૂઠા ધર્મો દ્વારા યહોવા વિશે જૂઠાણું ફેલાવે છે. અરે, તેણે તો ઈશ્વરનું નામ છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. (યિર્મે. ૨૩:૨૬, ૨૭) પરિણામે, અમુક સારા લોકોને લાગે છે કે તેઓ ઈશ્વરને ભજી રહ્યા છે, પણ હકીકતમાં તો તેઓ દુષ્ટ દૂતોની ભક્તિ કરતા હોય છે. (૧ કોરીં. ૧૦:૨૦; ૨ કોરીં. ૧૧:૧૩-૧૫) શેતાન વેપાર જગત દ્વારા પણ જૂઠાણું ફેલાવી રહ્યો છે. એમાંનું એક છે કે, પૈસા અને ચીજવસ્તુઓ લોકોને સુખ આપે છે. (નીતિ. ૧૮:૧૧) જેઓ આ જૂઠાણામાં ફસાઈ જાય છે, તેઓ પોતાની આખી જિંદગી ઈશ્વરને બદલે “ધનદોલત” પાછળ વિતાવી દે છે. (માથ. ૬:૨૪) અરે, એક સમયે ઈશ્વરને પ્રેમ કરતા લોકો, આજે ધનદોલતના મોહમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓનો ઈશ્વર માટેનો પ્રેમ ક્યાંય ગાયબ થઈ ગયો છે.—માથ. ૧૩:૨૨; ૧ યોહા. ૨:૧૫, ૧૬.

૮, ૯. (ક) આદમ, હવા અને બળવાખોર દૂતોના દાખલામાંથી કયા બે બોધપાઠ શીખી શકીએ? (ખ) શેતાન દુનિયાને કાબૂમાં રાખે છે, એ વિશે જાણવું શા માટે જરૂરી છે?

આદમ, હવા અને બળવાખોર દૂતોના દાખલામાંથી આપણને બે મહત્ત્વના બોધપાઠ શીખવા મળે છે. પહેલો બોધપાઠ: આપણી પાસે ફક્ત બે જ પસંદગીઓ છે અને એમાંથી એક પસંદ કરવાની છે. આપણે યહોવાના પક્ષે રહી શકીએ અથવા શેતાનના. (માથ. ૭:૧૩) બીજો બોધપાઠ: શેતાનના પક્ષે જનારાઓને થોડા જ ફાયદા મળે છે. જેમ કે, આદમ અને હવાને પોતાના માટે સારું-નરસું નક્કી કરવાની તક મળી. ઉપરાંત, દુષ્ટ દૂતોને માનવીય સરકારો પર થોડી ઘણી સત્તા મળી. (ઉત. ૩:૨૨) ભલે થોડા ફાયદા થતા હોય, પરંતુ શેતાનનો પક્ષ લેવાથી હંમેશાં ખરાબ પરિણામો આવે છે. કોઈ પણ કાયમી ફાયદો થતો નથી!—અયૂ. ૨૧:૭-૧૭; ગલા. ૬:૭, ૮.

શેતાન દુનિયાને કાબૂમાં રાખે છે, એ વિશે જાણવું શા માટે જરૂરી છે? એનાથી, આપણે માનવીય સરકારો વિશે યોગ્ય દૃષ્ટિ રાખી શકીએ છીએ અને આપણને ખુશખબર ફેલાવવાની પ્રેરણા મળે છે. યહોવા ચાહે છે કે આપણે સરકારોને માન આપીએ. (૧ પીત. ૨:૧૭) તે અપેક્ષા રાખે છે કે, તેમનાં ધોરણો તૂટતા ન હોય ત્યાં સુધી આપણે સરકારના નિયમો પાળીએ. (રોમ. ૧૩:૧-૪) આપણે જાણીએ છીએ કે રાજકીય બાબતોમાં આપણે તટસ્થ રહેવું જોઈએ. આપણે ક્યારેય કોઈ રાજકીય પાર્ટી કે નેતાને ટેકો ન આપવો જોઈએ. (યોહા. ૧૭:૧૫, ૧૬; ૧૮:૩૬) આપણને ખબર છે કે શેતાન યહોવાનું નામ છુપાવવાનો પ્રયત્ન કરે છે અને તેમની શાખ પર બટ્ટો લગાડવા માંગે છે. એટલે, લોકોને ઈશ્વર વિશેનું સત્ય જણાવવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. આપણને કેટલો ગર્વ થાય છે કે આપણે યહોવાના નામથી ઓળખાઈએ છીએ અને તેમના નામનો ઉપયોગ કરીએ છીએ. ઈશ્વર માટેના પ્રેમની તોલે કંઈ પણ ન આવી શકે, પૈસા કે માલમિલકત પણ નહિ.—યશા. ૪૩:૧૦; ૧ તિમો. ૬:૬-૧૦.

શેતાન કઈ રીતે લોકો પર પકડ જમાવવાનો પ્રયત્ન કરે છે?

૧૦-૧૨. (ક) અમુક દૂતોને ફસાવવા શેતાને કઈ રીતે લાલચનો ઉપયોગ કર્યો હતો? (ખ) એ દૂતોના અહેવાલ પરથી આપણને શું શીખવા મળે છે?

૧૦ બીજાઓને કાબૂમાં રાખવા શેતાન અસરકારક રીતો વાપરે છે. લોકોને પોતાની આંગળીના ઇશારે નચાવવા તે અલગ અલગ રીતો વાપરે છે, કોઈક વાર લાલચ તો કોઈક વાર સતાવણી.

૧૧ શેતાને ઘણા સ્વર્ગદૂતોને લાલચ આપીને ફસાવ્યા હતા. એ પહેલાં તેણે લાંબા સમય સુધી તેઓનું નિરીક્ષણ કર્યું હશે. અમુક દૂતો એ લાલચમાં ફસાઈ ગયા અને તેઓએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યા. તેઓનાં સંતાનો કદાવર અને હિંસક હતાં. તેઓ આસપાસના લોકો સાથે ઘણી ક્રૂર રીતે વર્તતાં હતાં. (ઉત. ૬:૧-૪) શેતાને એ દૂતોને લલચાવવા ફક્ત અનૈતિકતાનો જ સહારો લીધો ન હતો. બની શકે કે, તેણે દૂતોને બધા મનુષ્યો પર સત્તા આપવાનું વચન પણ આપ્યું હશે. આમ, ‘સ્ત્રીના વંશજ’ વિશેની યહોવાની ભવિષ્યવાણી પૂરી ન થાય માટે શેતાન કોશિશ કરી રહ્યો હતો. (ઉત. ૩:૧૫) પણ, યહોવાએ તેને સફળ થવા દીધો નહિ. તેમણે જળપ્રલય લાવીને શેતાન અને તેના દુષ્ટ દૂતોની બધી યોજનાઓ પર પાણી ફેરવી દીધું.

શેતાન આપણી આગળ અનૈતિકતા, ઘમંડ, અલૌકિક કે ગેબી શક્તિઓ જેવી લાલચો મૂકે છે (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૨ આપણને એમાંથી શું શીખવા મળે છે? અનૈતિકતા અને ઘમંડ ખતરનાક લાલચો છે. વિચાર કરો, જે દૂતો શેતાનના પક્ષે ગયા, તેઓ તો ઘણાં વર્ષોથી ઈશ્વર સાથે સ્વર્ગમાં હતા. તેમ છતાં, કેટલાક સ્વર્ગદૂતોએ ખોટી ઇચ્છાઓ કેળવી અને સમય જતાં એ ઇચ્છાઓ ઘણી પ્રબળ બની ગઈ. હંમેશાં યાદ રાખીએ કે યહોવાની ભક્તિમાં આપણને ભલે ગમે એટલાં વર્ષો થયાં હોય, તોપણ ખોટી ઇચ્છાઓ આપણા દિલ પર કાબૂ કરી શકે છે. (૧ કોરીં. ૧૦:૧૨) એટલે આપણા દિલના વિચારો વારંવાર તપાસવા જોઈએ. અનૈતિક વિચારો અને ઘમંડને જડમૂળથી કાઢી નાખવા જોઈએ.—ગલા. ૫:૨૬; કોલોસીઓ ૩:૫ વાંચો.

૧૩. શેતાન બીજી કઈ લાલચ વાપરે છે અને આપણે કઈ રીતે એનાથી બચી શકીએ?

૧૩ શેતાન બીજી એક લાલચ વાપરે છે. એ છે, માણસોમાં ન હોય એવી અલૌકિક કે ગેબી શક્તિઓ વિશે જાણવાની તાલાવેલી. દુષ્ટ દૂતો વિશે લોકો રસ કેળવે માટે શેતાન ફક્ત જૂઠા ધર્મનો જ નહિ, મનોરંજનનો પણ ઉપયોગ કરે છે. ફિલ્મો, વિડીયો ગેમ્સ અને બીજા માધ્યમોમાં એ બધી બાબતો ઘણી રોમાંચક રીતે રજૂ કરવામાં આવે છે. આપણે કઈ રીતે એ લાલચથી બચી શકીએ? ઈશ્વરનું સંગઠન આપણને યોગ્ય અને અયોગ્ય મનોરંજનની યાદી આપે, એવી અપેક્ષા ન રાખવી જોઈએ. આપણે દરેકે ઈશ્વરના સિદ્ધાંતોને આધારે પોતાનું અંતઃકરણ કેળવવું જોઈએ. (હિબ્રૂ. ૫:૧૪) જો ઈશ્વર પ્રત્યેનો આપણો પ્રેમ “ઢોંગ વગરનો” હશે, તો આપણે સારી પસંદગી કરી શકીશું. (રોમ. ૧૨:૯) ઢોંગી વ્યક્તિના ચાવવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ હોય છે. એટલે આપણે મનોરંજનની પસંદગી કરતી વખતે આ સવાલો પર વિચાર કરી શકીએ: “જે ધોરણો પાળવાનું હું બીજાઓને જણાવું છું, એ શું હું પોતે પાળું છું? એવું મનોરંજન માણતા મને બાઇબલ વિદ્યાર્થીઓ કે ફરી મુલાકાત કરું છું એ લોકો જુએ તો, તેઓ શું વિચારશે?” જે સિદ્ધાંતો પાળવાનું બીજાઓને શીખવીએ છીએ એ પોતે પણ પાળીશું તો, શેતાનની લાલચોથી બચવું આપણા માટે સહેલું બનશે.—૧ યોહા. ૩:૧૮.

શેતાન આપણને સરકાર દ્વારા પ્રતિબંધ, સાથે ભણનારા તરફથી દબાણ અને કુટુંબ તરફથી વિરોધ લાવીને સતાવવાનો પ્રયાસ કરે છે (ફકરો ૧૪ જુઓ)

૧૪. શેતાન કઈ રીતે આપણા પર સતાવણીઓ લાવી શકે અને આપણે એની સામે કઈ રીતે ટકી શકીએ?

૧૪ યહોવા પ્રત્યેની આપણી વફાદારી ડગી જાય એ માટે શેતાન સતાવણી અને ડરનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, કદાચ તે સરકારો દ્વારા આપણા સેવાકાર્ય પર પ્રતિબંધ લગાવી શકે. આપણે બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવતા હોવાથી કદાચ સાથે કામ કરનારા કે ભણનારા લોકો દ્વારા તે આપણી મજાક-મશ્કરી કરાવી શકે. (૧ પીત. ૪:૪) યહોવાને ન ભજતા કુટુંબીજનોનો પણ શેતાન ઉપયોગ કરી શકે. કદાચ તેઓ આપણું ભલું ચાહતા હોય, પણ બની શકે કે તેઓ આપણને સભાઓમાં જતા રોકે. (માથ. ૧૦:૩૬) શેતાનની સતાવણીઓ સામે ટકી રહેવા આપણે શું કરી શકીએ? પહેલું, એ યાદ રાખવું જોઈએ કે શેતાન આપણી સામે લડવા નીકળી પડ્યો છે. એટલે, એમાં કોઈ નવાઈ નથી કે તે આપણા પર હુમલાઓ કરશે. (પ્રકટી. ૨:૧૦; ૧૨:૧૭) બીજું, આપણે શેતાને ઉઠાવેલા આ મહત્ત્વના સવાલને હંમેશાં યાદ રાખવો જોઈએ: શેતાને આરોપ મૂક્યો છે કે સારા સંજોગોમાં જ આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ. જો સંજોગો અઘરા બનશે, તો આપણે તેમને છોડી દઈશું. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪, ૫) આપણે હંમેશાં યહોવા પાસે શક્તિ માંગવી જોઈએ. યાદ રાખીએ કે યહોવા આપણો સાથ કદી છોડશે નહિ.—હિબ્રૂ. ૧૩:૫.

શેતાન કઈ બાબતો કરી શકતો નથી?

૧૫. આપણે કરવા માંગતા ન હોઈએ એવી બાબત માટે શું શેતાન આપણને બળજબરી કરી શકે છે? સમજાવો.

૧૫ શેતાન એવી કોઈ પણ બાબત માટે લોકોને બળજબરી કરી શકતો નથી, જે તેઓ કરવા ચાહતા ન હોય. (યાકૂ. ૧:૧૪) દુનિયામાં ઘણા લોકોને ખબર પણ નથી કે તેઓ શેતાનના પક્ષે છે. વ્યક્તિ સત્ય શીખે છે, ત્યારે તેણે નક્કી કરવાનું હોય છે કે પોતે યહોવાના પક્ષે રહેશે કે શેતાનના. (પ્રે.કા. ૩:૧૭; ૧૭:૩૦) જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળવાનો મક્કમ નિર્ધાર કર્યો હશે, તો શેતાન આપણી વફાદારી તોડી શકશે નહિ.—અયૂ. ૨:૩; ૨૭:૫.

૧૬, ૧૭. (ક) શેતાન અને તેના દુષ્ટ દૂતો બીજું શું કરી શકતા નથી? (ખ) યહોવાને મોટેથી પ્રાર્થના કરતા આપણે કેમ ડરવું ન જોઈએ?

૧૬ શેતાન અને તેના દુષ્ટ દૂતો ન કરી શકે એવી બીજી બાબતો પણ છે. દાખલા તરીકે, બાઇબલ ક્યારેય એવું જણાવતું નથી કે તેઓ આપણા દિલ કે મગજના વિચારો જાણી શકે છે. ફક્ત યહોવા અને ઈસુ જ એમ કરી શકે છે. (૧ શમૂ. ૧૬:૭; માર્ક ૨:૮) તો પછી, શેતાન અને દુષ્ટ દૂતો આપણી વાત સાંભળી જશે અને એ માહિતીને આપણી વિરુદ્ધ વાપરશે, એમ વિચારીને શું આપણે મોટેથી પ્રાર્થના કરતા ડરવું જોઈએ? ના, જરાય નહિ! ચાલો, આ સરખામણીનો વિચાર કરીએ: શેતાન કદાચ આપણને જોતો હશે, એમ વિચારીને આપણે યહોવાની ભક્તિમાં સારાં કામો કરતા અચકાતા નથી. એવી જ રીતે, શેતાન આપણને સાંભળી શકે છે, એમ વિચારીને આપણે મોટેથી પ્રાર્થના કરતા ડરવું ન જોઈએ. બાઇબલમાં પણ ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેમણે મોટેથી પ્રાર્થના કરી હતી. આપણે કદી એમ નથી વાંચ્યું કે, શેતાન તેઓને સાંભળી જશે એમ વિચારીને તેઓ ડરતા હતા. (૧ રાજા. ૮:૨૨, ૨૩; યોહા. ૧૧:૪૧, ૪૨; પ્રે.કા. ૪:૨૩, ૨૪) યહોવા ચાહે છે એવાં વાણી-વર્તન રાખવાં આપણે બનતું બધું કરવું જોઈએ. એમ કરવાથી ખાતરી રાખી શકીએ કે, શેતાન આપણને નુકસાન પહોંચાડે એવું યહોવા ક્યારેય થવા દેશે નહિ.—ગીતશાસ્ત્ર ૩૪:૭ વાંચો.

૧૭ આપણે દુશ્મનને ઓળખવાની જરૂર છે, પણ તેનાથી ડરવાની જરૂર નથી. ભલે આપણે અપૂર્ણ છીએ, તોપણ યહોવાની મદદથી આપણે શેતાનની સામે જીત મેળવી શકીશું. (૧ યોહા. ૨:૧૪) જો આપણે તેની સામા થઈશું, તો તે આપણી પાસેથી નાસી જશે. (યાકૂ. ૪:૭; ૧ પીત. ૫:૯) આજે જોવા મળે છે કે, શેતાન ખાસ કરીને યુવાનો પર હુમલો કરી રહ્યો છે. તેઓ કઈ રીતે શેતાનના હુમલાનો સામનો કરી શકે? એના વિશે આપણે આવતા લેખમાં ચર્ચા કરીશું.

^ ફકરો. 2 બાઇબલમાં અમુક દૂતોનાં નામ આપ્યાં છે. (ન્યા. ૧૩:૧૮; દાની. ૮:૧૬; લુક ૧:૧૯; પ્રકટી. ૧૨:૭) બાઇબલ એ પણ કહે છે કે યહોવાએ એકેએક તારાને નામ આપ્યું છે. (ગીત. ૧૪૭:૪) એ પરથી કહી શકાય કે યહોવાએ બધા દૂતોને નામ આપ્યા હશે. એમાં એ દૂતનો પણ સમાવેશ થાય છે, જે પછીથી શેતાન તરીકે ઓળખાયો.

^ ફકરો. 3 “શેતાન” શબ્દ બાઇબલની મૂળ હસ્તપ્રતોમાં જોવા મળે છે. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એનો ફક્ત ૧૮ વખત ઉલ્લેખ થયો છે. જ્યારે કે, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એનો ૩૦ કરતાં વધારે વખત ઉલ્લેખ થયો છે.