સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?

શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?

ખરાબ દુનિયામાં જીવતા હોવાથી આપણે મનની શાંતિ મેળવવા સખત મહેનત કરવી જોઈએ. આપણી પાસે થોડી ઘણી શાંતિ હોય તોપણ, એને લાંબો સમય રાખી શકાતી નથી. સાચી અને હંમેશાં ટકનારી શાંતિ મેળવવા આપણને મદદ મળે, એ માટે ઈશ્વરનો શબ્દ શું જણાવે છે? એવી શાંતિ મેળવવા આપણે બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ?

સાચી શાંતિ માટે શાની જરૂર છે?

સાચી શાંતિનો આનંદ માણવા જરૂરી છે કે આપણે સલામતી અનુભવીએ અને લાગણીઓ કાબૂમાં રાખીએ. આપણે બીજાઓ સાથે પાકી મિત્રતા પણ કેળવવી જોઈએ. સૌથી મહત્ત્વનું તો, હંમેશ માટેની શાંતિ મેળવવા આપણે ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવો જોઈએ. એવું કઈ રીતે કરી શકાય?

જીવનની ચિંતાઓ શાંતિ છીનવી લે છે

યહોવાનાં ન્યાયી ધોરણો અને સિદ્ધાંતો પાળીને બતાવી આપીએ છીએ કે, આપણને તેમના પર ભરોસો છે. વધુમાં, તેમની સાથે શાંતિભર્યો સંબંધ રાખવાની ઇચ્છા પણ આપણે બતાવી આપીએ છીએ. (યિર્મે. ૧૭:૭, ૮; યાકૂ. ૨:૨૨, ૨૩) આપણે એમ કરીએ છીએ ત્યારે, તે પણ આપણી નજીક આવે છે અને મનની શાંતિ આપે છે. યશાયા ૩૨:૧૭ આમ કહે છે: ‘ન્યાયીપણાનું કામ શાંતિ; ન્યાયીપણાનું પરિણામ કાયમી શાંતિ અને સુરક્ષા થશે.’ પૂરા દિલથી યહોવાની આજ્ઞાઓ પાળીને આપણે મનની સાચી શાંતિ મેળવી શકીએ છીએ.—યશા. ૪૮:૧૮, ૧૯.

આપણે હંમેશાં ટકનારી શાંતિ કેળવી શકીએ માટે આપણા સ્વર્ગમાંના પિતાએ અમૂલ્ય ભેટ આપી છે. એ ભેટ છે, તેમની પવિત્ર શક્તિ.—પ્રે.કા. ૯:૩૧.

શાંતિ કેળવવા ઈશ્વરની પવિત્ર શક્તિ આપણને મદદ કરે છે

પ્રેરિત પાઊલે ‘પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણોમાં’ શાંતિનો ઉલ્લેખ કર્યો હતો. (ગલા. ૫:૨૨, ૨૩) સાચી શાંતિ પવિત્ર શક્તિથી ઉત્પન્ન થાય છે. એટલે, પવિત્ર શક્તિ આપણામાં સાચી શાંતિ વિકસાવી શકે એ માટે આપણે શું કરવું જોઈએ? ચાલો એની બે રીતો જોઈએ, જેનાથી પવિત્ર શક્તિ આપણને શાંતિ મેળવવા મદદ કરશે.

પહેલી, બાઇબલ નિયમિત રીતે વાંચવાથી આપણને શાંતિ કેળવવા મદદ મળે છે. (ગીત. ૧:૨, ૩) બાઇબલના સંદેશા પર મનન કરીએ છીએ ત્યારે, ઘણી બાબતો વિશે યહોવાના વિચારો સમજવા પવિત્ર શક્તિ આપણને મદદ કરે છે. દાખલા તરીકે, આપણે જાણી શકીએ છીએ કે યહોવા કઈ રીતે મન શાંત રાખે છે અને શા માટે શાંતિ તેમના માટે મહત્ત્વની છે. જ્યારે ઈશ્વરના શબ્દમાંથી આપણે આ બાબતો શીખીએ છીએ, ત્યારે જીવનમાં વધારે શાંતિ મેળવીએ છીએ.—નીતિ. ૩:૧, ૨.

બીજી, ઈશ્વરની પવિત્ર શક્તિ મળે, એ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૧:૧૩) મદદ માંગવા વિશે યહોવા વચન આપે છે કે, “ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા [આપણાં] હૃદયો અને મનોનું રક્ષણ કરશે.” (ફિલિ. ૪:૬, ૭) નિયમિત રીતે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગીશું તો, યહોવા આપણને મનની શાંતિ આપશે. એવી મનની શાંતિ, યહોવા સાથે પાકી મિત્રતા રાખનારા લોકોને જ મળે છે.—રોમ. ૧૫:૧૩.

અમુકને મનની શાંતિ મળી છે. તેઓ યહોવા અને બીજાઓ સાથે શાંતિભર્યો સંબંધ કેળવી શક્યા છે. એ માટે તેઓએ બાઇબલની આ સલાહ કઈ રીતે લાગુ પાડી છે અને ફેરફારો કર્યા છે?

કઈ રીતે તેઓએ હંમેશ માટેની શાંતિ મેળવી?

અમુક ભાઈ-બહેનો અગાઉ “ક્રોધી” વ્યક્તિ તરીકે ગણાતા હતા. પરંતુ, હવે તેઓ સમજી-વિચારીને, માયાળુ રીતે, ધીરજથી અને શાંતિથી વર્તે છે. * (નીતિ. ૨૯:૨૨) ચાલો, એ વિશે બે પ્રકાશકોના દાખલા જોઈએ, જેમાં જોઈશું કે તેઓને ગુસ્સો કાબૂમાં રાખવા અને બીજાઓ સાથે શાંતિ જાળવવા કઈ રીતે મદદ મળી હતી.

બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીને અને ઈશ્વરની પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરીને આપણે શાંતિ મેળવી શકીશું

ડેવિડે ઈશ્વરને સમર્પણ કર્યું એ પહેલાં, તેમનો ખરાબ સ્વભાવ તેમની બોલચાલમાં દેખાઈ આવતો હતો. તે ઘણી વખત બીજાઓના વાંધાવચકા કાઢતા અને પોતાના કુટુંબીજનોને પણ એલફેલ બોલી જતા. સમય જતાં, ડેવિડને લાગ્યું કે તેમણે ફેરફાર કરવાની જરૂર છે અને તે બધા સાથે હળીમળીને રહેવા લાગ્યા. એવું તે કઈ રીતે શીખ્યા? તે જણાવે છે: ‘હું બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવા લાગ્યો. પરિણામે, કુટુંબમાં અમે એકબીજાને માન આપવા લાગ્યા.’

રેચલના કિસ્સામાં તેમનાં ખરાબ વલણનું કારણ આસપાસના લોકો હતા. તે કબૂલે છે: ‘આજે પણ મારે ગુસ્સો કાબૂમાં રાખવા સતત પ્રયત્ન કરવો પડે છે. કારણ કે મારા કુટુંબમાં મોટાભાગે બધા જ ગુસ્સે થતા હતા.’ હળીમળીને રહેવા તેમને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘હું નિયમિત રીતે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગતી હતી.’

ડેવિડ અને રેચલના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે? એ જ કે જો બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીશું અને ઈશ્વરની પવિત્ર શક્તિ પર આધાર રાખીશું, તો આપણને શાંતિ મળશે. આમ, સાફ જોઈ શકાય કે ભલે આપણે હિંસક દુનિયામાં જીવતા હોઈએ, છતાં આપણે મનની શાંતિ મેળવી શકીએ છીએ. ઉપરાંત, કુટુંબમાં અને ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ જાળવી શકીએ છીએ. યહોવા ચાહે છે કે, ‘બધા લોકો સાથે હળીમળીને રહેવા આપણાથી બનતું બધું કરીએ.’ (રોમ. ૧૨:૧૮) શું એ ખરેખર શક્ય છે? શાંતિ જાળવવા પ્રયત્નો કરીશું તો કેવા ફાયદા થશે?

બીજાઓ સાથે શાંતિ જાળવવામાં લાગુ રહો

સેવાકાર્ય દ્વારા આપણે લોકોને ઈશ્વરના રાજ્યનો શાંતિનો સંદેશો જણાવીએ છીએ. (યશા. ૯:૬, ૭; માથ. ૨૪:૧૪) ખુશીની વાત છે કે ઘણા લોકોએ એ સ્વીકાર્યો છે. પરિણામે, તેઓ આજુબાજુ બની રહેલી બાબતોથી નિરાશા કે ગુસ્સાની લાગણીના બોજ નીચે દબાઈ જતા નથી. એને બદલે, હવે તેઓ પાસે ભાવિની ખરી આશા છે તથા તેઓ ‘શાંતિ શોધે છે અને તેની પાછળ લાગુ રહે છે.’—ગીત. ૩૪:૧૪.

જોકે, બધા લોકો શરૂઆતમાં આપણા સંદેશાનો સ્વીકાર કરતા નથી. (યોહા. ૩:૧૯) તોપણ, પવિત્ર શક્તિની મદદથી આપણે તેઓને શાંતિથી અને આદરપૂર્વક ખુશખબર જણાવીએ છીએ. આમ, આપણે માથ્થી ૧૦:૧૧-૧૩માં પ્રચાર વિશે ઈસુએ આપેલી આ સલાહ લાગુ પાડીએ છીએ: “તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ પાઠવીને કહો કે, ‘તમને શાંતિ થાઓ.’ જો એ ઘરના લોકો યોગ્ય હશે તો તમે ચાહો છો એ શાંતિ તેઓ પર આવશે, પણ તેઓ યોગ્ય નહિ હોય તો એ શાંતિ તમારી પાસે પાછી આવશે.” ઈસુની સલાહ લાગુ પાળવાથી શું થશે? ઘરમાલિકના ઘરેથી નીકળીશું ત્યારે, આપણું મન શાંત હશે અને દિલમાં આશા હશે કે ભાવિમાં તે આપણો સંદેશો સાંભળશે.

આપણે સરકારી અધિકારીઓ સાથે માનથી વર્તીએ છીએ ત્યારે, શાંતિ જાળવીએ છીએ. અરે, એમાં એવા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ કદાચ આપણા કામનો વિરોધ કરતા હોય. દાખલા તરીકે, આફ્રિકાના એક દેશની સરકાર પૂર્વગ્રહને લીધે પ્રાર્થનાઘરો બાંધવાની મંજૂરી આપતી ન હતી. એ બાબતને શાંતિથી થાળે પાડવા માટે એક ભાઈને જવાબદારી સોંપવામાં આવી. ભાઈએ અગાઉ આફ્રિકાના એ દેશમાં મિશનરી તરીકે સેવા આપી હતી. તેમણે દેશના હાઈ કમિશનરને મળવા લંડન જવાનું હતું. એ દેશમાં યહોવાના સાક્ષીઓનું કામ કેટલી શાંતિથી થઈ રહ્યું છે, એ વિશે તેમણે હાઈ કમિશનરને જણાવવાનું હતું. એ મુલાકાત કેવી રહી?

ભાઈ જણાવે છે: ‘હું રિસેપ્શન ઑફિસમાં પહોંચ્યો ત્યારે, રિસેપ્શનિસ્ટના કપડાં જોઈને હું પારખી ગયો કે તે કઈ જાતિની છે. તેની ભાષા મને આવડતી હતી. એટલે મેં એ ભાષામાં તેની સાથે વાત કરી. તેને નવાઈ લાગી અને તેણે પૂછ્યું, “તમે કોને મળવા આવ્યા છો?” મેં તેને નમ્રતાથી કહ્યું કે હું હાઈ કમિશનરને મળવા આવ્યો છું. તેણે અધિકારીને ફોન કર્યો, તે મને બહાર મળવા આવ્યો અને તેણે મારી સાથે સ્થાનિક ભાષામાં વાત કરી. એ પછી, મેં તેને સાક્ષીઓના શાંતિપૂર્ણ કામ વિશે સમજાવ્યું અને તેણે એ ધ્યાનથી સાંભળ્યું.’

ભાઈએ આદરપૂર્વક વાત કરી હતી, એટલે અધિકારીના મનમાંથી આપણા કામ વિશે ગેરસમજણ અને પૂર્વગ્રહ દૂર થયાં. થોડા વખત પછી, એ દેશની સરકારે આપણા બાંધકામ પરથી પ્રતિબંધ હટાવી દીધો. જરા વિચારો, આ રાહતના સમાચાર સાંભળીને ભાઈઓ કેટલા ખુશ થયા હશે! સાચે જ, બીજાઓ સાથે આદરપૂર્વક વર્તીએ છીએ ત્યારે ઘણા ફાયદા થાય છે, શાંતિ મળે છે.

હંમેશાંની શાંતિનો આનંદ માણો

આજે યહોવાના લોકો મધ્યે સાચી શાંતિ જોવા મળે છે. એમાં તમે પણ ફાળો આપી શકો છો. એ માટે તમે પવિત્ર શક્તિના આ ગુણને તમારા જીવનમાં વિકસાવતા રહો. સૌથી મહત્ત્વનું તો, એમ કરવાથી તમને યહોવાના આશીર્વાદ મળશે અને તેમની નવી દુનિયામાં તમે હંમેશાંની શાંતિ મેળવી શકશો.—૨ પીત. ૩:૧૩, ૧૪.

^ ફકરો. 13 પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો શૃંખલામાં કૃપાના ગુણ વિશે ભાવિમાં ચર્ચા કરવામાં આવશે.