જીવન સફર
પહેલાં હતા ખાલી હાથ, આજે છે અઢળક આશીર્વાદ
મારો જન્મ યુ.એસ.એ.ના રાજ્ય ઇન્ડિયાનામાં થયો હતો. મારું કુટુંબ ત્યારે, લીબર્ટી નામના શહેરમાં એક રૂમના લાકડાંના ઘરમાં રહેતું હતું. મારાથી મોટાં એક ભાઈ અને બે બહેનો હતાં અને મારાથી નાનાં બે ભાઈઓ અને એક બહેન હતાં.
શાળામાં ભણતો હતો એ દરમિયાન મારા જીવનમાં કોઈ ખાસ ફરક પડ્યો ન હતો. ભણવાનું શરૂ કર્યું ત્યારથી લઈને પૂરું કર્યું, ત્યાં સુધી મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ એ જ હતા. એટલે દેખીતું હતું કે, શહેરના મોટા ભાગના લોકોને હું નામથી ઓળખતો અને તેઓ પણ મને નામથી ઓળખતા.
લીબર્ટી શહેર નાનાં નાનાં ખેતરોથી ઘેરાયેલું હતું અને મોટા ભાગના લોકો મકાઈની ખેતી કરતા હતા. મારો જન્મ થયો ત્યારે, મારા પિતા સ્થાનિક ખેડૂતના ત્યાં મજૂરી કરતા હતા. તરુણ વયનો હતો ત્યારથી, હું ટ્રૅકટર ચલાવતા અને ખેતીવાડી કરતા શીખી ગયો.
મેં પપ્પાને ક્યારેય યુવાન જોયા ન હતા. કારણ કે મારો જન્મ થયો ત્યારે, મારાં પપ્પા ૫૬ વર્ષના અને મમ્મી ૩૫ વર્ષનાં હતાં. જોકે, પપ્પા તંદુરસ્ત અને ખડતલ હતા. તેમને સખત કામ કરવાનું ગમતું હતું અને તેમણે અમને બધાને પણ એવું જ શીખવ્યું હતું. તે ક્યારેય ધનદોલત ભેગી કરી શક્યા નહિ. પણ, તેમણે અમારા માથે છત પૂરી પાડી, પહેરવાં કપડાં અને પૂરતો ખોરાક પૂરાં પાડ્યાં હતાં. તે ૯૩ વર્ષે મરણ પામ્યા અને મારાં મમ્મી ૮૬ વર્ષે. તેઓમાંથી કોઈ પણ યહોવાના સેવક ન હતાં. મારાં ભાઈ-બહેનોમાંથી એક ભાઈએ સત્ય સ્વીકાર્યું હતું, ૧૯૭૨થી તે વડીલ તરીકે સેવા આપી રહ્યો છે.
મારું બાળપણ
મારાં મમ્મી ખૂબ ધાર્મિક હતાં. તે અમને દર રવિવારે બાપ્ટિસ્ટ ચર્ચમાં લઈ જતાં હતાં. હું ૧૨ વર્ષનો હતો ત્યારે, મેં પહેલી વાર ત્રૈક્ય વિશે સાંભળ્યું હતું. એ વિશે જાણવાની તાલાવેલી હોવાથી મેં મમ્મીને પૂછ્યું: ‘ઈસુ કઈ રીતે એક જ સમયે દીકરા અને પિતા હોઈ શકે?’ મને મમ્મીનો જવાબ હજુ યાદ છે: ‘દીકરા, એ તો રહસ્ય છે. એ આપણે જાણવાની જરૂર નથી.’ ખરેખર, એ મારા માટે રહસ્ય જ હતું. ૧૪ વર્ષનો થયો ત્યારે, મેં ત્યાંની એક ખાડીમાં બાપ્તિસ્મા લીધું હતું. પિતા, પુત્ર અને પવિત્ર શક્તિના નામે મને ત્રણ વાર ડૂબકી મરાવીને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું.
હું શાળામાં હતો ત્યારે મારો એક મિત્ર બૉક્સર હતો. તે મને પણ બૉક્સિંગમાં હાથ અજમાવવાનું કહેતો હતો. એટલે, મેં તાલીમ લેવાની શરૂ કરી અને બૉક્સિંગ માટેની સંસ્થા ગોલ્ડન ગ્લવ્ઝમાં નામ નોંધાવ્યું. પરંતુ, હું એટલો સારો ખેલાડી ન હતો, એટલે અમુક મેચ પછી મેં બૉક્સિંગ કરવાનું છોડી દીધું. પછીથી, હું લશ્કરમાં ભરતી થયો અને મને જર્મની મોકલવામાં આવ્યો. હું ત્યાં કામ કરતો હતો ત્યારે મારા ઉપરીઓને લાગ્યું કે, મારામાં આગેવાની લેવાની આવડત છે. એટલે, તેઓએ મને લશ્કરની કૉલેજમાં તાલીમ લેવા મોકલી આપ્યો. તેઓ ચાહતા હતા કે હું લશ્કરી સેવામાં મારી કારકિર્દી બનાવું. પરંતુ, લશ્કરી સેવા ચાલુ રાખવાનો મારો કોઈ ઇરાદો ન હતો. એટલે બે વર્ષની મારી ફરજ પૂરી કર્યા પછી, મેં ૧૯૫૬માં સેના છોડી દીધી. જોકે, બહુ જલદી જ હું બીજી એક સેનામાં જોડાયો.
જીવનમાં નવો વળાંક
અસલી પુરૂષ કોને કહેવાય, એ વિશેના મારા વિચારો સત્ય શીખ્યો એ પહેલાં ખોટા હતા. ફિલ્મો અને મારી આસપાસના પુરુષોની મારા પર ઊંડી અસર પડી હતી. એટલે, બાઇબલના પ્રચારકોને હું પુરુષો ગણતો જ ન હતો. પરંતુ મને એવું કંઈક શીખવા મળ્યું, જેનાથી મારું જીવન બદલાઈ ગયું. એક દિવસે, મારી લાલ સ્પોર્ટ્સ કારમાં હું શહેરમાં ફરતો હતો ત્યારે, બે યુવાન સ્ત્રીઓએ મને હાથ કર્યો. હું તેઓને ઓળખતો હતો, કારણ કે તેઓ મારા બનેવીની બહેનો હતી. એ બે છોકરીઓ યહોવાની સાક્ષી હતી. તેઓએ અગાઉ મને ચોકીબુરજ અને સજાગ બનો! આપ્યાં હતાં. પણ ચોકીબુરજ તો મારા પલ્લે પડતું જ નહિ. તેઓના ઘરે બાઇબલ અભ્યાસ અને ચર્ચા માટે નાની સભા રાખવામાં આવતી હતી. તેઓએ મને મંડળ પુસ્તક અભ્યાસ માટે આમંત્રણ આપ્યું. મેં તેઓને કહ્યું કે એ વિશે વિચારી જોઈશ. પરંતુ, એ છોકરીઓએ હસીને મને પૂછ્યું કે ‘શું તમે આવશો એવું વચન આપો છો?’ મેં તેઓને કહ્યું કે, ‘હા, વચન આપું છું.’
જોકે, પછીથી એ વચનને લીધે મને થોડો અફસોસ થયો. પણ, મેં વિચાર્યું કે વચન આપ્યા બાદ ફરી ન જવું જોઈએ, એટલે એ દિવસે હું ગયો. ત્યાંના બાળકોની બાઇબલ વિશેની સમજણ જોઈને મારા પર ઊંડી અસર પડી. હું તો મારાં મમ્મી સાથે દર રવિવારે ચર્ચમાં જતો હતો, તોપણ મારી પાસે બાઇબલની કેટલી ઓછી સમજણ હતી. તેથી, મેં વધારે શીખવાનું નક્કી કર્યું, હું બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થયો. સૌથી પહેલાં મને શીખવા મળ્યું કે સર્વોચ્ચ ઈશ્વરનું નામ યહોવા છે. વર્ષો પહેલાં, મેં મમ્મીને યહોવાના સાક્ષીઓ વિશે પૂછ્યું હતું ત્યારે, તેમણે જણાવ્યું હતું કે, ‘તેઓ યહોવા નામના કોઈ વૃદ્ધ વ્યક્તિની ભક્તિ કરે છે.’ મને લાગ્યું કે હવે મારી આંખો ખુલી છે!
હવે મને સમજાયું કે ખરું સત્ય આ છે, એટલે મેં ઝડપથી પ્રગતિ કરી. પહેલી વાર સભામાં ગયો હતો, એના નવ મહિના પછી માર્ચ ૧૯૫૭માં મેં બાપ્તિસ્મા લીધું. જીવન પ્રત્યે મારી દૃષ્ટિ બદલાઈ ગઈ. મને બાઇબલમાંથી શીખવા મળ્યું કે અસલી પુરુષ કેવો હોય છે. ઈસુ સંપૂર્ણ પુરુષ હતા. યશા. ૫૩:૨, ૭) મને શીખવા મળ્યું કે, ઈસુના સાચા અનુયાયીએ “બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ.”—૨ તિમો. ૨:૨૪.
તેમની પાસે એવી શક્તિ અને તાકાત હતી કે ભલભલા પુરુષો તેમની સામે ફિક્કા પડી જાય. તેમ છતાં, તેમણે ક્યારેય લડાઈ-ઝઘડામાં ભાગ લીધો નહિ. એને બદલે, ભાખવામાં આવ્યું હતું તેમ ‘તેમણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહિ.’ (સાલ ૧૯૫૮માં મેં પાયોનિયર સેવા શરૂ કરી. જોકે, મારે થોડા સમય માટે એ બંધ કરવી પડી. શા માટે? કારણ કે, મેં ગ્લોરિયા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સભામાં આવવાનું આમંત્રણ આપનાર બે છોકરીઓમાંની એક ગ્લોરિયા હતી. લગ્નના એ મહત્ત્વના નિર્ણય વિશે મને ક્યારેય અફસોસ થયો નથી. ગ્લોરિયા મારા માટે ત્યારેય અનમોલ હતી, અને આજેય છે. મારા માટે તે કીમતી હીરા કરતાં પણ વધારે કીમતી છે. હું ખુશ છું કે મેં તેની સાથે લગ્ન કર્યા! તેના વિશે તે પોતે જ કંઈ જણાવશે:
‘મારાં ૧૬ ભાઈ-બહેનો હતાં. મારાં મમ્મી એક વફાદાર સાક્ષી હતાં. હું ૧૪ વર્ષની હતી ત્યારે તે મરણ પામ્યાં. એ પછી, મારા પપ્પાએ બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. મમ્મીના મરણ પછી, પપ્પાએ સ્કૂલના પ્રિન્સિપાલ પાસે પરવાનગી માંગી. તેથી, એક દિવસે હું સ્કૂલે જતી અને મારી બહેન નાનાં ભાઈ-બહેનોની કાળજી રાખતી. પછી, બીજા દિવસે તે સ્કૂલે જતી ત્યારે હું તેઓની કાળજી રાખતી. પપ્પા કામેથી પાછા આવે ત્યાં સુધી, અમે બધા માટે જમવાનું બનાવીને પણ તૈયાર રાખતા હતા. સ્કૂલના પ્રિન્સિપાલે પરવાનગી આપી હોવાથી, મારી બહેને સ્કૂલ પૂરી કરી ત્યાં સુધી એ પ્રમાણે અમે કરતા રહ્યા. બે સાક્ષી કુટુંબે અમારી સાથે અભ્યાસ કર્યો અને અમે ૧૧ ભાઈ-બહેનો નાનપણથી યહોવાના સાક્ષી બન્યાં હતાં. મારો સ્વભાવ ઘણો શરમાળ હતો, છતાં મને ખુશખબર ફેલાવવામાં ઘણી મજા આવતી. મારા પતિ સેમ એ વિશે વર્ષોથી મને મદદ કરતા આવ્યા છે.’
ગ્લોરિયા સાથે મેં ફેબ્રુઆરી ૧૯૫૯માં લગ્ન કર્યા. અમે સાથે મળીને પાયોનિયર સેવાનો આનંદ માણતાં. એ જ વર્ષે જુલાઈમાં અમે બેથેલ સેવાનું ફોર્મ ભર્યું, કારણ કે મુખ્યમથકમાં કામ કરવાનું અમારું સપનું હતું. સાયમન ક્રૅકરે અમારો ઇન્ટરવ્યૂ લીધો. તેમણે જણાવ્યું કે બેથેલમાં પરિણીત યુગલોને લેવામાં આવતા નથી. હજુ પણ બેથેલમાં જવાની અમારા દિલમાં ઝંખના હતી. પરંતુ, અમારું સપનું સાકાર થાય એ માટે ઘણી રાહ જોવી પડી!
અમે મુખ્યમથકને પત્ર લખ્યો કે, વધુ જરૂર હોય એવા વિસ્તારમાં કામ કરવા અમે તૈયાર છીએ. અમને પાઇન બ્લફ, આર્કન્સો જવા માટે કહેવામાં આવ્યું. એ સમયે, પાઇન બ્લફમાં બે મંડળો હતાં. એક ગોરા લોકો માટે અને બીજું કાળા લોકો માટે. અમને કાળા લોકો માટેના મંડળમાં મોકલવામાં આવ્યાં, જેમાં ફક્ત ૧૪ પ્રકાશકો હતા.
ભેદભાવ અને રંગભેદનો સામનો કર્યો
તમને કદાચ થાય કે યહોવાના સાક્ષીઓમાં કાળા અને ગોરા પ્રકાશકોને શા માટે અલગ રાખવામાં આવતા હતા. કેમ કે, ભાઈ-બહેનો પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એ સમયે, કાળા અને ગોરા લોકો ભેગા મળે તો, એ ગેરકાયદેસર ગણાતું. તેમ જ, હુમલો થવાનો પણ ડર રહેતો. ઘણી જગ્યાએ, ભાઈ-બહેનોને એવો ડર હતો કે બે જાતિના લોકો ભેગા મળીને ભક્તિ કરે તો, પ્રાર્થનાઘરમાં તોડફોડ થશે. અને ઘણી વાર એવું બન્યું પણ હતું. જો કાળા સાક્ષી ગોરા લોકોના વિસ્તારમાં ઘરેઘરે સાક્ષી આપવા જાય, તો તેઓની ધરપકડ થતી અને કોઈક વાર તેઓને મારવામાં આવતા. પ્રચારકામ સારી રીતે થઈ શકે, એટલે ભાઈ-બહેનો પણ એ નિયમને આધીન રહેતાં હતાં, એ આશા સાથે કે ભાવિમાં પરિસ્થિતિ સુધરશે.
અમારા પ્રચારવિસ્તારમાં પણ અમુક અડચણો હતી. અમે કાળા લોકોના વિસ્તારમાં કામ કરતા. પણ કેટલીક વાર એવું બનતું કે અમે દરવાજો ખખડાવીએ ત્યારે, ગોરી વ્યક્તિ દરવાજો ખોલે. એવા સમયે, અમારે ઝડપથી નિર્ણય લેવો પડતો કે તેઓને ટૂંકમાં ખુશખબર જણાવીએ કે માફી માંગીને બીજા ઘરે જઈએ. એવા હતા એ જૂના દિવસો!
પાયોનિયર સેવાની સાથે સાથે ઘર ચલાવવા અમારે કામ કરવું પડતું. મોટા ભાગે અમને જે નોકરી મળતી, એમાં એક દિવસનો પગાર ત્રણ ડૉલર હતો. ગ્લોરિયા અમુક જગ્યાએ સાફસફાઈનું કામ કરતી હતી. એક ઘરે તેની સાથે કામ કરવાની મને પણ પરવાનગી મળી, આમ તેનું કામ વહેલું પતી જતું. એ કુટુંબ અમને બપોરનું જમવાનું આપતું હતું અને અમે બંને એમાંથી ખાતાં હતાં. દર અઠવાડિયે, ગ્લોરિયા એક કુટુંબના ઘરે કપડાં ઈસ્ત્રી કરવાનું કામ કરતી હતી. હું તેમના ઘરે બાગકામ, બારી સાફ કરવાનું કામ અને બીજાં અમુક કામ કરતો હતો. એક ગોરા કુટુંબના ઘરે અમે બારી સાફ કરવાનું કામ કરતાં હતાં. ગ્લોરિયા અંદરથી બારી સાફ કરતી અને હું બહારથી કરતો. એ કામ કરતા આખો દિવસ નીકળી જતો
એટલે અમને જમવાનું મળતું હતું. ગ્લોરિયાને ઘરમાં બેસીને જમવાની છૂટ હતી પણ ગોરા કુટુંબ સાથે નહિ, જ્યારે કે મારે તો ગેરેજમાં બેસીને ખાવું પડતું. જોકે, મને કોઈ વાંધો ન હતો. તેઓ અમને સારું જમવાનું આપતા હતા. એ કુટુંબના સભ્યો પ્રેમાળ હતા, પણ સમાજની બેડીઓથી તેઓ બંધાયેલા હતા. મને યાદ છે કે એકવાર અમે પેટ્રોલ પંપ પર હતાં ત્યારે, ગ્લોરિયાને બાથરૂમ જવું હતું. એટલે, મેં ત્યાંના કર્મચારીને પૂછ્યું તો તેણે ગુસ્સામાં મારી સામે જોઈને કહ્યું “એ તો બંધ છે.”પ્રેમાળ કાર્યોની યાદગીરી
બીજી બાજુ, એ દિવસોમાં ભાઈ-બહેનો સાથે કામ કરવાની ઘણી મજા આવતી અને પ્રચારકાર્યમાં પણ આનંદ મળતો હતો. અમે પહેલી વાર, પાઇન બ્લફ આવ્યાં ત્યારે, એક ભાઈ સાથે અમે રહેતાં હતાં. એ ભાઈ મંડળના સેવક હતા. તેમની પત્ની ત્યારે સત્યમાં ન હતી. ગ્લોરિયાએ તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. થોડા સમય પછી, તેઓની દીકરી અને જમાઈ સાથે મેં અભ્યાસ શરૂ કર્યો. ભાઈની પત્ની અને દીકરીએ યહોવાની સેવા કરવાનું નક્કી કર્યું અને બાપ્તિસ્મા લીધું.
ગોરા ભાઈ-બહેનોનાં મંડળમાં પણ અમારા ઘણા મિત્રો હતા. તેઓ અમને ઘરે જમવા બોલાવતા, પણ કોઈ જુએ નહિ એટલે અમે અંધારામાં તેઓના ઘરે જતા હતા. કુ ક્લક્સ ક્લાન (કેકેકે) સંગઠન રંગભેદ અને હિંસાને પ્રોત્સાહન આપે છે. એ સમયે, એ ઘણું પ્રચલિત હતું. મને યાદ છે કે રાતે એક માણસ એ સંગઠનનો પહેરવેશ, સફેદ ઝભ્ભો અને માથે ટોપી પહેરીને ઘરના આંગણે બેઠો હતો. અરે, એવા ખરાબ બનાવો છતાં ભાઈ-બહેનો એકબીજા પ્રત્યે પ્રેમ બતાવતાં હતાં. એક વાર, અમારે સંમેલનમાં જવા પૈસાની જરૂર હતી. એટલે, એક ભાઈએ મદદ કરવા અમારી કાર ખરીદી લીધી, જેથી અમારી પાસે સંમેલનમાં જવા પૂરતા પૈસા હોય. એક મહિના પછી અમે ઘરઘરનું સેવાકાર્ય અને બાઇબલ અભ્યાસ કરીને ઘરે પાછા આવ્યાં. ગરમીમાં ઘણું ચાલવાથી અમે થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. અમને ઘણી નવાઈ લાગી કે અમારી કાર ઘરના આંગણે ઊભેલી હતી! કારના કાચ પર એક ચિઠ્ઠી ચોંટાડેલી હતી. એમાં લખ્યું હતું, ‘ભેટ તરીકે, તમારી કાર પાછી આપું છું. તમારો ભાઈ.’
બીજી એક પ્રેમાળ મદદ જે હું ક્યારેય ભૂલીશ નહિ. ૧૯૬૨માં મને સાઉથ લેન્સિંગ, ન્યૂ યૉર્કમાં રાજ્ય સેવા શાળામાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. મંડળ, સરકીટ અને ડિસ્ટ્રીક્ટની સંભાળ રાખતા ભાઈઓ માટે એ એક મહિનાની તાલીમ શાળા હતી. મને આમંત્રણ મળ્યું ત્યારે, મારી પાસે નોકરી ન હતી અને પૈસાની પણ તંગી હતી. જોકે, પાઇન બ્લફની એક ટેલિફોન કંપનીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જો મને નોકરી મળી હોત, તો એ કંપની માટે કામ કરનાર હું પહેલો કાળો માણસ હોત. તેઓએ મને નોકરીની હા પાડી. હવે શું કરવું એ વિશે મારા મનમાં ગડમથલ થવા લાગી. ન્યૂ યૉર્ક જવા માટે મારી પાસે પૈસા ન હતા. નોકરી સ્વીકારવાનું અને આમંત્રણ નકારવાનું હું વિચારતો હતો. અરે, આમંત્રણ માટે ના પાડતો પત્ર બેથેલને લખતો જ હતો કે એવું કંઈક બન્યું, જે હું ક્યારેય ભૂલીશ નહિ.
વહેલી સવારે મંડળનાં એક બહેન અમારા ઘરે આવ્યાં. તેમના પતિ સત્યમાં ન હતા. તે બહેને મને એક કવર આપ્યું, જે પૈસાથી ભરેલું હતું. તે અને તેમનાં અમુક બાળકોએ વહેલી સવારે કપાસના ખેતરમાં નકામું ઘાસ કાઢવાનું મજૂરી કામ
કર્યું હતું. તેઓએ એ કામ એટલા માટે કર્યું, જેથી હું ન્યૂ યૉર્ક જઈ શકું. બહેને કહ્યું: ‘તમે શાળામાં જાવ અને વધારે શીખીને પાછા આવો અને અમને શીખવો!’ પછીથી, મેં ટેલિફોન કંપનીને પૂછ્યું કે શું હું પાંચ અઠવાડિયાં પછી નોકરી શરૂ કરી શકું. મેં ધાર્યું હતું એવો જ જવાબ મળ્યો, “ના!” પણ, મને કંઈ ફરક પડ્યો નહિ. મેં તો શાળામાં ભાગ લેવાની મનમાં ગાંઠ વાળી હતી. મને ઘણી ખુશી છે કે મેં એ નોકરી સ્વીકારી નહિ!પાઇન બ્લફના એ દિવસો યાદ કરતા ગ્લોરિયા જણાવે છે: ‘એ વિસ્તાર મને ઘણો ગમતો હતો. મારી પાસે ૧૫થી ૨૦ બાઇબલ અભ્યાસ હતા. એટલે, સવારે અમે ઘરેઘરે જતા અને દિવસના બાકીના સમયે અમે અભ્યાસ ચલાવતા, અરે કેટલીક વાર રાતના ૧૧ વાગી જતા. સેવાકાર્યમાં અમને ઘણો આનંદ મળતો હતો. એ સોંપણી કરતા રહેવાનું મને ગમત. સાચું કહું તો, હું ખુશીથી એ સોંપણી કરતી રહી હોત. પણ યહોવાએ અમારા માટે કંઈ જુદું જ વિચારી રાખ્યું હતું.’ હા, હું પણ ગ્લોરિયાની જેમ માનું છું કે યહોવાએ અમારા માટે કંઈ વિચારી રાખ્યું હતું.
પ્રવાસી નિરીક્ષક તરીકેનું જીવન
પાઇન બ્લફમાં પાયોનિયર સેવા કરતાં હતાં ત્યારે, ખાસ પાયોનિયર સેવા માટે અમે ફોર્મ ભર્યું હતું. અમારા ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક ચાહતા હતા કે અમે ટૅક્સસના મંડળમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપીએ. અમને ઊંડી આશા હતી કે અમને એ સોંપણી મળશે, એટલે અમે ઘણાં ખુશ હતાં. સંસ્થા તરફથી પત્ર મળે એની અમે કાગડોળે રાહ જોતા હતા, પણ જ્યારે ટપાલખાનું જોતા ત્યારે એ ખાલી જ મળતું. આખરે, એક દિવસે અમને પત્ર મળ્યો, અમને પ્રવાસી નિરીક્ષક તરીકે સોંપણી મળી હતી. એ સોંપણી જાન્યુઆરી ૧૯૬૫માં મળી. ભાઈ લિયોન વિવરને પણ એ જ સમયે સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી, આજે તે અમેરિકાની શાખા સમિતિના સેવક તરીકે કામ કરે છે.
સરકીટ નિરીક્ષક બન્યો ત્યારે હું થોડોક અચકાતો હતો. ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક ભાઈ જેમ્સ એ. થોમ્પસન જુનિયરે એના એકાદ વર્ષ પહેલાં અમારી લાયકાત તપાસી હતી. તેમણે પ્રેમથી મને અમુક બાબતો જણાવી, જેમાં મારે મહેનત કરવાની હતી. એક સારા સરકીટ નિરીક્ષક માટે કઈ આવડતોની જરૂર છે, એ પણ તેમણે બતાવ્યું. સરકીટ કામ શરૂ કર્યું એના થોડા જ સમયમાં મને સમજાયું કે, તેમણે આપેલી સલાહ કેટલી સમયસરની હતી. મારી પહેલી સોંપણીમાં મને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક ભાઈ થોમ્પસન સાથે કામ કરવા મળ્યું. વફાદારીથી સેવા કરનાર એ ભાઈ પાસેથી મને ઘણું શીખવા મળ્યું હતું.
એ સમયે, સરકીટ નિરીક્ષકને બહુ ઓછી તાલીમ મળતી હતી. સરકીટ નિરીક્ષક કઈ રીતે મંડળની મુલાકાત લે છે, એના પર મેં એક અઠવાડિયા સુધી ધ્યાન આપ્યું. પછીના અઠવાડિયે મેં બીજા મંડળની મુલાકાત લીધી ત્યારે, ભાઈએ મારું નિરીક્ષણ કર્યું. તેમણે મને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપ્યાં. પછી અમે પોતપોતાની સોંપણીમાં ગયા. મેં ગ્લોરિયાને કહ્યું હતું, એ મને હજુ યાદ છે: ‘શું ભાઈ હવે જતા રહેશે?’ સમય જતાં, મને
એક મહત્ત્વની વાત સમજાઈ ગઈ. તમને મદદ કરવા સારા ભાઈઓ હંમેશાં હાજર હોય છે પણ તમે તેઓની મદદ લેવા તૈયાર હોવા જોઈએ. એ સમયના પ્રવાસી નિરીક્ષક, જે. આર. બ્રાઉન અને બેથેલના ફ્રેડ રસ્ક જેવા અનુભવી ભાઈઓ પાસેથી મળેલી મદદને હું હજીયે ભૂલ્યો નથી.એ સમયે રંગભેદ ફૂલ્યોફાલ્યો હતો. અમે ટેનિસીના એક શહેરની મુલાકાતે ગયા હતા ત્યારે, કેકેકે સંગઠને ત્યાં રેલી કાઢી હતી. બીજી એક વાર, પ્રચારનું ગ્રૂપ હોટલમાં ચા-નાસ્તા માટે ગયું હતું. હું બાથરૂમમાં ગયો ત્યારે, એક માણસ મારી પાછળ પાછળ અંદર આવ્યો. તે ગુસ્સામાં લાગતો હતો અને તેના શરીર પર રંગભેદ દર્શાવતું ટેટુ હતું. પરંતુ, આપણા એક ગોરા ભાઈ જે મારા કરતાં, અરે પેલા માણસ કરતાં પણ કદાવર હતા, તે અમારી પાછળ પાછળ આવ્યા. તેમણે મને પૂછ્યું: ‘ભાઈ હર્ડ, બધું બરાબર છે ને?’ એ જોઈને પેલો માણસ તરત ત્યાંથી રફુચક્કર થઈ ગયો. વર્ષો દરમિયાન મને જોવા મળ્યું છે કે, ભેદભાવનું મુખ્ય કારણ ચામડીનો રંગ નથી પણ આપણા બધામાં રહેલી પાપની અસર છે. મને શીખવા મળ્યું કે, ભલે ચામડીનો રંગ ગમે એ હોય, પણ આપણો ભાઈ ખરેખર આપણો ભાઈ છે. અને જરૂર પડે ત્યારે, આપણા માટે પોતાનો જીવ આપતા પણ તે અચકાશે નહિ.
આજે છે અઢળક આશીર્વાદ
અમે સરકીટ કામમાં ૧૨ વર્ષ અને ડિસ્ટ્રીક્ટ કામમાં ૨૧ વર્ષ ગુજાર્યાં હતાં. એ દિવસો રોમાંચક હતા, અમને ઉત્તેજનભર્યા અનુભવો થયા હતા. અમને ભરપૂર આશીર્વાદો મળ્યા હતા. જોકે, હજુ એક આશીર્વાદ અમારી રાહ જોતો હતો. અમે લાંબા સમયથી જોતા હતા, એ સપનું ઑગસ્ટ ૧૯૯૭માં સાકાર થયું. અમે પહેલી વાર બેથેલનું ફોર્મ ભર્યું, એના આશરે ૩૮ વર્ષ પછી અમને અમેરિકાના બેથેલનું આમંત્રણ મળ્યું. બીજા જ મહિને અમે બેથેલ સેવા શરૂ કરી. મને લાગ્યું કે થોડા સમય માટે બેથેલના ભાઈઓએ મને બોલાવ્યો છે. પણ, હું ધારતો હતો એનાથી અલગ જ થયું.
સૌથી પહેલી સોંપણી મને સેવા વિભાગમાં મળી હતી. એમાં મને ઘણું શીખવા મળ્યું હતું. એ વિભાગમાં દુનિયા ફરતેના વડીલોના જૂથ અને સરકીટ નિરીક્ષકોના ગંભીર અને જટિલ સવાલો હાથ ધરવાના હોય છે. ભાઈઓએ મને તાલીમ આપવામાં ધીરજ બતાવી અને મદદ કરી, એ માટે હું તેઓનો આભારી છું. જોકે, મને લાગે છે કે ફરી એ કામ કરવાની તક મળે તો, હજુ મારે એ ભાઈઓ પાસેથી ઘણું શીખવાનું છે.
મને અને ગ્લોરિયાને બેથેલનું જીવન ગમે છે. અમને બંનેને સવારે વહેલા ઊઠવાની આદત છે, જે અમને બેથેલમાં ખૂબ કામ આવી. એકાદ વર્ષ પછી, નિયામક જૂથના સેવા સમિતિમાં મદદનીશ તરીકે હું કામ કરવા લાગ્યો. ૧૯૯૯માં નિયામક જૂથના સભ્ય તરીકે મારી નિમણૂક કરવામાં આવી. એ સોંપણીમાં મને ઘણું શીખવા મળ્યું. પરંતુ મને સૌથી મોટી વાત એ જોવા મળી કે, ખ્રિસ્તી મંડળના શિર કોઈ માણસ નહિ પણ ઈસુ ખ્રિસ્ત પોતે છે.
વીતેલી કાલ પર નજર કરું છું ત્યારે, અમુક વાર મને આમોસ પ્રબોધક જેવી લાગણી થાય છે. તે નમ્ર ઘેટાંપાળક હતા અને અંજીર સોરવાનું સામાન્ય કામ કરતા હતા. એ તો ગરીબ લોકોનો ખોરાક હતો. જોકે, ઈશ્વરે આમોસને પ્રબોધક તરીકે નીમ્યા. ભક્તિને લગતી કેટલી મોટી જવાબદારી! (આમો. ૭:૧૪, ૧૫) એવી જ રીતે, યહોવાએ મારા પર નજર નાખી હતી. હું એક ગરીબ ખેડૂતનો દીકરો હતો અને તેમણે મને ગણ્યા ગણાય નહિ એટલા આશીર્વાદો આપ્યા છે. (નીતિ. ૧૦:૨૨) ભલે પહેલાં મારા હાથ ખાલી હતા, પણ આજે હું ધનવાન છું. હા, ભક્તિના અઢળક આશીર્વાદોનો મારી પાસે ખજાનો છે, જેની મેં કલ્પના પણ કરી ન હતી!