સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૧

દુનિયાનાં વિચારો અને ડહાપણથી છેતરાઈએ નહિ

દુનિયાનાં વિચારો અને ડહાપણથી છેતરાઈએ નહિ

“આ દુનિયાનું ડહાપણ ઈશ્વરની નજરે મૂર્ખતા છે.”—૧ કોરીં. ૩:૧૯.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

ઝલક *

૧. આપણને બાઇબલમાંથી કેવી મદદ મળે છે?

યહોવા આપણને માર્ગદર્શન આપે છે. એટલે આપણે કોઈ પણ તકલીફનો સામનો કરી શકીએ છીએ. (યશા. ૩૦:૨૦, ૨૧) “એકદમ કુશળ” બનવા અને ‘દરેક સારા કામ માટે પૂરેપૂરા તૈયાર’ થવા બાઇબલમાંથી આપણને ખૂબ મદદ મળે છે. (૨ તિમો. ૩:૧૭) આજે લોકો આપણને ‘આ દુનિયાના ડહાપણ’ પ્રમાણે ચાલવાનું ઉત્તેજન આપે છે. પણ આપણે બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલવું જોઈએ. જો એમ કરીશું તો દુનિયાના લોકો કરતાં વધારે સમજુ બનીશું.—૧ કોરીં. ૩:૧૯; ગીત. ૧૧૯:૯૭-૧૦૦.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આપણે જોઈશું કે દુનિયાનું જ્ઞાન સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરવા લલચાવે છે. એટલે દુનિયાના લોકો જેવાં વિચારો અને કામોથી દૂર રહેવું અઘરું હોય છે. બાઇબલ જણાવે છે: ‘સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ તો માણસોની માન્યતાઓ પ્રમાણે છે.’ (કોલો. ૨:૮) આ લેખમાં શેતાનનાં એવાં બે જૂઠાણાં વિશે જોઈશું, જે આજે પ્રચલિત છે. એની ચર્ચા કરતી વખતે આપણે શીખીશું કે દુનિયાની સમજણ પર ભરોસો રાખવો શા માટે મૂર્ખતા કહેવાય. તેમ જ, દુનિયાની સમજણ કરતાં ઈશ્વર તરફથી મળતી સમજણ શા માટે ચઢિયાતી છે.

સેક્સ વિશે લોકોના બદલાતા વિચારો

૩-૪. વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાના લોકોમાં કેવો ફેરફાર જોવા મળ્યો?

વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાના લોકોમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો. સેક્સ વિશે તેઓના વિચારો બદલાય રહ્યા હતા. અગાઉ લોકો માનતા હતા કે સેક્સ ફક્ત પતિ-પત્ની વચ્ચે હોય છે અને જાહેરમાં એ વિશે વાત કરવી ન જોઈએ. સમય જતાં, લોકોના મનમાંથી એ ભૂંસાવા લાગ્યું અને તેઓના વિચારો બદલાયા.

લોકો ૧૯૨૦ના દાયકાને મોજમજાનો સમયગાળો ગણતા હતા. પહેલા વિશ્વયુદ્ધ પછીના એ સમયમાં સેક્સ વિશે લોકોનાં વિચારો અને કામો બદલાયાં હતાં. સંશોધન કરનાર એક વ્યક્તિ જણાવે છે: ‘ફિલ્મો, નાટકો, ગીતો, પુસ્તકો અને જાહેરાતોમાં લોકો આગળ સેક્સ વિશેના વિચારો પીરસવામાં આવતા હતા.’ એ સમયગાળામાં એવાં ડાન્સ અને કપડાં સામાન્ય થઈ ગયાં હતાં, જેનાથી લોકોના મનમાં સેક્સના વિચારો આવે. બાઇબલમાં છેલ્લા દિવસો વિશે જણાવ્યું છે કે લોકો “મોજશોખને પ્રેમ કરનારા” બનશે.—૨ તિમો. ૩:૪.

યહોવાના લોકો દુનિયાના લોકોની જેમ વર્તતા નથી (ફકરો ૫ જુઓ) *

૫. વર્ષ ૧૯૬૦થી લોકોના વિચારો કઈ રીતે બદલાયા?

વર્ષ ૧૯૬૦થી લોકોમાં અમુક બાબતો સામાન્ય થઈ ગઈ. જેમ કે, લગ્‍ન વગર સાથે રહેવું, સજાતીય સંબંધો અને છૂટાછેડા. મનોરંજનમાં પણ સેક્સને એવી રીતે રજૂ કરવામાં આવતું જાણે એમાં કંઈ ખોટું ન હોય. એનું કેવું પરિણામ આવ્યું? એક લેખિકાએ જણાવ્યું કે, ‘લોકો સારા સંસ્કાર પ્રમાણે ચાલતા નથી ત્યારે ખરાબ પરિણામ આવે છે. દાખલા તરીકે, પતિ-પત્ની અલગ થઈ જાય છે, માતા કે પિતા કુટુંબ છોડીને જતા રહે છે, લોકો નિરાશા કે ડિપ્રેશનનો શિકાર બને છે, પોર્નોગ્રાફીની લતે ચઢી જાય છે.’ એટલું જ નહિ, એઇડ્‌સ જેવી સેક્સને લગતી બીમારીઓ પણ ફેલાય છે. આનાથી સાફ જોવા મળે છે કે દુનિયા જેને સારું ગણે છે, હકીકતમાં તો એ મૂર્ખતા છે.—૨ પીત. ૨:૧૯.

૬. શેતાન શાનાથી ખુશ થાય છે?

આજે સેક્સ વિશે લોકોના વિચારો બગડી ગયા છે. તેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલતા નથી. ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટનું તેઓ અપમાન કરે છે. એ જોઈને શેતાન ખુશ થાય છે. (એફે. ૨:૨) ઈશ્વરે મનુષ્યોને એ રીતે બનાવ્યા છે કે તેઓ બાળકો પેદા કરી શકે. ઈશ્વર તરફથી કેવી સુંદર ભેટ! વ્યભિચાર જેવાં ખરાબ કામો કરીને લોકો બતાવી આપે છે કે તેઓને એ ભેટની જરાય પડી નથી. તેઓને હંમેશ માટેનું જીવન મળશે નહિ.—૧ કોરીં. ૬:૯, ૧૦.

સેક્સ વિશે બાઇબલનાં ધોરણો

૭-૮. સેક્સને લગતાં કામો વિશે બાઇબલ શું જણાવે છે?

દુનિયાના વિચારો પ્રમાણે ચાલતા લોકો માને છે કે આજના જમાનામાં બાઇબલનાં ધોરણો પ્રમાણે ન જીવાય. તેઓ કદાચ કહે, ‘ઈશ્વરે જ માણસોમાં જાતીય ઇચ્છાઓ મૂકી છે. તો પછી શા માટે ઈશ્વર એ વિશે ના પાડે છે?’ લોકો માને છે કે તેઓ પોતાની મરજીના માલિક છે. પણ બાઇબલના વિચારો એનાથી સાવ અલગ છે. એ જણાવે છે કે આપણે ઇચ્છાઓના ગુલામ ન બનવું જોઈએ. એમ પણ જણાવે છે કે, આપણને એ રીતે બનાવવામાં આવ્યા છે જેથી ખોટી ઇચ્છાઓ ટાળી શકીએ. (કોલો. ૩:૫) લગ્‍નની ગોઠવણ તો યહોવાએ કરી છે. લગ્‍ન પછી વ્યક્તિ જાતીય ઇચ્છાઓનો આનંદ માણી શકે છે. (૧ કોરીં. ૭:૮, ૯) વ્યભિચાર કરનાર વ્યક્તિને પછીથી અફસોસ અને ચિંતા થાય છે. જ્યારે કે પતિ-પત્નીએ અફસોસ અને ચિંતાનો સામનો કરવો પડતો નથી. લગ્‍નની ગોઠવણ કરીને ઈશ્વરે આપણને કેટલી સુંદર ભેટ આપી છે!

બાઇબલ શીખવે છે કે સેક્સ વિશે યોગ્ય વિચારો રાખવા જોઈએ. બાઇબલ જણાવે છે કે જાતીય ઇચ્છાઓનો આનંદ માણવો ખોટું નથી. (નીતિ. ૫:૧૮, ૧૯) પણ એમાં જણાવવામાં આવ્યું છે: “તમારામાંથી દરેક જણ પવિત્રતા અને આદરથી પોતાના શરીરને કાબૂમાં રાખવાનું શીખે. તમારે કામવાસનાની લાલસા રાખવી નહિ. એવી લાલસા તો બીજી પ્રજાઓના લોકો રાખે છે, જેઓ ઈશ્વરને જાણતા નથી.”—૧ થેસ્સા. ૪:૪, ૫.

૯. (ક) વીસમી સદીની શરૂઆતમાં યહોવાના લોકો કઈ રીતે વર્ત્યા? (ખ) પહેલો યોહાન ૨:૧૫, ૧૬માં કઈ સલાહ આપેલી છે? (ગ) રોમનો ૧:૨૪-૨૭માં કેવાં ખરાબ કામો વિશે જણાવ્યું છે?

વીસમી સદીની શરૂઆતમાં લોકોએ ‘શરમ બાજુ પર મૂકી દીધી હતી.’ પણ એ વખતે યહોવાના લોકો તેઓની જેમ વર્ત્યા નહિ. (એફે. ૪:૧૯) તેઓ યહોવાનાં ધોરણોને વળગી રહ્યા. મે ૧૫, ૧૯૨૬ના વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આપણે પોતાનાં કાર્યો અને વિચારો શુદ્ધ રાખવાં જોઈએ. પુરુષોએ સ્ત્રીઓ સાથે અને સ્ત્રીઓએ પુરુષો સાથેના વ્યવહારમાં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.’ દુનિયાના લોકો જે કરતા હતા, એના પર યહોવાના લોકોએ ધ્યાન આપ્યું નહિ. પણ તેઓ બાઇબલમાંથી મળતા ડહાપણ પ્રમાણે ચાલતા રહ્યા. (૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો.) યહોવાએ બાઇબલ આપ્યું છે, એ માટે આપણે કેટલા આભારી છીએ! યહોવા આપણને યોગ્ય સમયે જરૂરી શિક્ષણ પૂરું પાડે છે. એ શિક્ષણથી ઘણી મદદ મળે છે. આપણે દુનિયાના વિચારોથી બચી શકીએ છીએ. *રોમનો ૧:૨૪-૨૭ વાંચો.

પોતાના વિશે લોકોના બદલાતા વિચારો

૧૦-૧૧. છેલ્લા દિવસો વિશે બાઇબલમાં કઈ ચેતવણી છે?

૧૦ બાઇબલ ચેતવણી આપે છે કે છેલ્લા દિવસોમાં લોકો “સ્વાર્થી” હશે. (૨ તિમો. ૩:૧, ૨) આજે દુનિયાના લોકો ફક્ત પોતાનો જ વિચાર કરે છે, એ જોઈને આપણને નવાઈ લાગતી નથી. એક જ્ઞાનકોશ જણાવે છે: ‘વ્યક્તિને મદદ કરે એવાં પુસ્તકો ૧૯૭૦ના દાયકામાં બહાર પાડવામાં આવ્યાં હતાં. અમુક પુસ્તકોમાં લખ્યું હતું કે “માણસે એમ ન વિચારવું જોઈએ કે પોતે કંઈક ખોટું કરે છે. તે જેવો હોય તેવો જ રહે.”’ બીજા એક પુસ્તકમાં લખ્યું હતું કે, ‘આખી દુનિયામાં સૌથી સુંદર અને મહત્ત્વની વ્યક્તિ એક જ છે, એ છો તમે. એટલે પોતાને પ્રેમ કરો. વ્યક્તિએ પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. કઈ રીતે વર્તવું, એ વ્યક્તિએ પોતે નક્કી કરવું જોઈએ.’

૧૧ શું તમે પહેલાં એવું કંઈક સાંભળ્યું છે? શેતાને પણ હવાને એવું જ કરવા લલચાવી હતી. તેણે કહ્યું હતું કે હવા પણ ‘ઈશ્વરની જેમ ખરું-ખોટું પારખી શકશે.’ (ઉત. ૩:૫) આજે લોકો પોતાને એટલા બધા ચઢિયાતા ગણે છે કે તેઓ કોઈની સલાહ લેવા માંગતા નથી, ઈશ્વરની પણ નહિ. તેઓ જાતે ખરું-ખોટું નક્કી કરવા માંગે છે. જેમ કે, લગ્‍ન વિશે લોકો મનફાવે એમ કરે છે.

એક ઈશ્વરભક્ત પોતાના કરતાં વધારે બીજાઓનો વિચાર કરે છે, ખાસ તો પોતાના જીવનસાથીનો (ફકરો ૧૨ જુઓ) *

૧૨. લગ્‍ન વિશે દુનિયાના વિચારો કેવા છે?

૧૨ બાઇબલ પતિ-પત્નીને સલાહ આપે છે કે તેઓ એકબીજાને માન આપે અને લગ્‍નનું વચન પાળે. બાઇબલ ઉત્તેજન આપે છે કે તેઓ એકબીજાનો સાથ નિભાવે. બાઇબલમાં જણાવ્યું છે: ‘માણસ પોતાનાં માબાપને છોડીને પોતાની પત્ની સાથે રહેશે; અને તેઓ બંને એક શરીર થશે.’ (ઉત. ૨:૨૪) એ વિશે દુનિયાના વિચારો તો સાવ અલગ છે. તેઓ માને છે કે વ્યક્તિએ ફક્ત પોતાનો જ વિચાર કરવો જોઈએ, પોતાના જીવનસાથીનો નહિ. છૂટાછેડા વિશે એક પુસ્તક જણાવે છે: ‘લગ્‍નની અમુક વિધિમાં પતિ-પત્ની એકબીજાને વચન આપે છે, “જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી એકબીજાને સાથ આપીશું.” પણ હવે એ વચન જરાક બદલાઈ ગયું છે. આજનાં પતિ-પત્ની વચન આપે છે, “જ્યાં સુધી આપણે એકબીજાને પ્રેમ કરીએ ત્યાં સુધી એકબીજાને સાથ આપીશું.”’ એવા વિચારોને લીધે કુટુંબો તૂટી રહ્યા છે અને લોકો હતાશ થઈ જાય છે. સાચે જ, લગ્‍ન વિશે દુનિયાના વિચારો તો સાવ મૂર્ખતા કહેવાય.

૧૩. શા માટે યહોવાને ઘમંડી લોકો ગમતા નથી?

૧૩ બાઇબલ જણાવે છે: ‘દરેક અભિમાની વ્યક્તિથી યહોવા કંટાળે છે.’ (નીતિ. ૧૬:૫) શા માટે યહોવાને ઘમંડી લોકો ગમતા નથી? એનું એક કારણ છે કે, તેઓ શેતાનના પગલે ચાલે છે, જે પોતે પણ ઘમંડી છે. ચાલો એનો એક દાખલો જોઈએ. ઈશ્વરે ઈસુ સાથે મળીને સૃષ્ટિ બનાવી હતી. એ ઈસુને શેતાને કહ્યું કે ઘૂંટણે પડીને તેની ભક્તિ કરે. તેનું ઘમંડ તો જુઓ! (માથ. ૪:૮, ૯; કોલો. ૧:૧૫, ૧૬) દુનિયાના લોકો આજે એવું જ ઘમંડી વલણ બતાવે છે. તેઓ ફક્ત પોતાનો જ વિચાર કરે છે. એનાથી સાફ જોવા મળે છે કે યહોવાની નજરે દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે.

પોતાને મહત્ત્વના ગણવા વિશે બાઇબલ શું જણાવે છે?

૧૪. પોતાના વિશે યોગ્ય વલણ રાખવા રોમનો ૧૨:૩ શું જણાવે છે?

૧૪ બાઇબલ જણાવે છે કે પોતાને અમુક હદે પ્રેમ કરવો ખોટું નથી. પણ એ વિશે આપણે યોગ્ય વલણ રાખવું જોઈએ. ઈસુએ કહ્યું હતું: “તું પોતાના પર રાખે છે એવો પ્રેમ પડોશી પર રાખ.” એટલે અમુક હદે પોતાની જરૂરિયાતો પર ધ્યાન આપવું સારું કહેવાય. (માથ. ૧૯:૧૯) બાઇબલમાંથી શીખવા મળે છે કે આપણે બીજાઓ કરતાં પોતાને ચઢિયાતા ન ગણવા જોઈએ. બાઇબલ જણાવે છે: “અદેખાઈ કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩; રોમનો ૧૨:૩ વાંચો.

૧૫. પોતાને મહત્ત્વના ગણવા વિશે તમને શા માટે બાઇબલની સલાહ સૌથી સારી લાગે છે?

૧૫ આજે ભણેલા-ગણેલા લોકો બાઇબલની એ સલાહને નકામી ગણે છે. તેઓ કહે છે કે જો બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણીશું, તો તેઓ આપણો ફાયદો ઉઠાવી જશે. એવું વલણ રાખવાથી કેવું પરિણામ આવે છે? શું ઘમંડી લોકો સુખી હોય છે? શું તેઓનાં કુટુંબો સુખી હોય છે? શું તેઓ પાસે સાચા મિત્રો હોય છે? શું ઈશ્વર સાથે તેઓનો પાકો સંબંધ હોય છે? તમને શું લાગે છે, દુનિયાના ડહાપણ પ્રમાણે ચાલવાથી સારું પરિણામ આવે કે પછી ઈશ્વરે આપેલા ડહાપણ પ્રમાણે ચાલવાથી?

૧૬-૧૭. આપણે શા માટે યહોવાના આભારી છીએ?

૧૬ વિચારો કે એક મુસાફર રસ્તો ભૂલી ગયો છે. તે એવી વ્યક્તિને રસ્તો પૂછે છે, જે પોતે પણ રસ્તો ભૂલી ગઈ છે. એ મુસાફરને આપણે મૂર્ખ ગણીશું, ખરું ને! દુનિયાના ડહાપણ પ્રમાણે ચાલનાર લોકો પણ એવા જ છે. ઈસુએ એવા લોકો વિશે કહ્યું હતું: “તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.” (માથ. ૧૫:૧૪) સાચે જ, દુનિયાનું ડહાપણ યહોવાની નજરે સાવ મૂર્ખતા છે.

ઈશ્વરભક્તો યહોવાની સેવામાં વિતાવેલી પળો યાદ કરે છે અને ખુશી અનુભવે છે (ફકરો ૧૭ જુઓ) *

૧૭ બાઇબલની સલાહ “શીખવવા, ઠપકો આપવા, સુધારવા અને ઈશ્વરનાં ખરાં ધોરણો પ્રમાણે શિસ્ત આપવા માટે ઉપયોગી છે.” (૨ તિમો. ૩:૧૬) યહોવા પોતાના સંગઠન દ્વારા દુનિયાના વિચારો કે ડહાપણથી આપણું રક્ષણ કરે છે. આપણે તેમના કેટલા આભારી છીએ! (એફે. ૪:૧૪) બાઇબલમાં આપેલાં ધોરણો પ્રમાણે ચાલવા તે આપણને શિક્ષણ આપે છે. આપણે કેટલા ખુશ છીએ કે યહોવાએ આપણને બાઇબલ દ્વારા સૌથી સારું ડહાપણ અને સમજણ આપ્યાં છે!

ગીત ૩૨ અડગ રહીએ

^ ફકરો. 5 ખરું માર્ગદર્શન ફક્ત યહોવા તરફથી જ મળે છે. એ હકીકત પર ભરોસો રાખવા આ લેખમાંથી મદદ મળશે. એ પણ જોઈશું કે દુનિયાનાં જ્ઞાન અને ડહાપણ પ્રમાણે ચાલવાથી ખરાબ પરિણામ આવે છે. પણ બાઇબલમાં આપેલાં જ્ઞાન અને ડહાપણ પ્રમાણે ચાલવાથી ઘણા ફાયદા થાય છે.

^ ફકરો. 50 ચિત્રની સમજ: એક યુગલના જીવનની અમુક પળો. ૧૯૬૦ના દાયકામાં તેઓ પ્રચારકામ કરી રહ્યાં છે.

^ ફકરો. 52 ચિત્રની સમજ: ૧૯૮૦ના દાયકામાં પત્ની બીમાર છે અને પતિ તેની સંભાળ રાખે છે અને તેઓની દીકરી જોઈ રહી છે.

^ ફકરો. 54 ચિત્રની સમજ: આજે એ યુગલ યહોવાની સેવામાં વિતાવેલી સુંદર પળોને યાદ કરી રહ્યું છે. તેઓની દીકરી અને તેનું કુટુંબ પણ સાથે છે.