સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૯

દુષ્ટ દુનિયામાં પ્રેમ અને ન્યાય

દુષ્ટ દુનિયામાં પ્રેમ અને ન્યાય

‘દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; ભૂંડાઈ તમારી પાસે રહી શકતી નથી.’—ગીત. ૫:૪.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

ઝલક *

૧-૩. (ક) ગીતશાસ્ત્ર ૫:૪-૬ પ્રમાણે દુષ્ટતા વિશે યહોવાને કેવું લાગે છે? (ખ) શા માટે બાળકોનું શોષણ “ખ્રિસ્તના નિયમ” વિરુદ્ધ છે?

યહોવા દરેક પ્રકારની દુષ્ટતા ધિક્કારે છે. (ગીતશાસ્ત્ર ૫:૪-૬ વાંચો.) બાળકોનું જાતીય શોષણ, એ તો સૌથી ખરાબ કામ ગણાય. યહોવા એને ખૂબ ધિક્કારે છે. યહોવાની જેમ આપણે પણ બાળકોના શોષણને ધિક્કારીએ છીએ. મંડળમાં એવી બાબતોને આપણે જરાય ચલાવી લેતા નથી.—રોમ. ૧૨:૯; હિબ્રૂ. ૧૨:૧૫, ૧૬.

બાળકનું શોષણ તો “ખ્રિસ્તના નિયમ” વિરુદ્ધ છે. (ગલા. ૬:૨) શા માટે? અગાઉના લેખમાં જોઈ ગયા કે ઈસુએ એ નિયમ શીખવ્યો હતો. એ પ્રમાણે જીવીને પણ તેમણે સારો દાખલો બેસાડ્યો હતો. ખ્રિસ્તનો નિયમ પ્રેમના આધારે રચાયેલો છે અને ન્યાયને ટેકો આપે છે. ઈશ્વરભક્તો એ નિયમ પાળે છે. એટલે પોતાનાં બાળકોની સંભાળ રાખે છે. એનાથી બાળકો પ્રેમ અને સલામતી અનુભવે છે. જ્યારે બાળકનું જાતીય શોષણ થાય છે, ત્યારે તેના મનમાં ડર પેસી જાય છે. તેને લાગે કે કોઈ તેને પ્રેમ કરતું નથી, તેનું રક્ષણ કરતું નથી. બાળકનું શોષણ કરનાર વ્યક્તિ સ્વાર્થી અને ક્રૂર છે.

દુઃખની વાત છે કે, બાળકો સાથેના જાતીય શોષણના કિસ્સા દુનિયાભરમાં વધી રહ્યા છે. ઈશ્વરભક્તો પણ ઘણી વાર એનો ભોગ બને છે. કારણ કે “દુષ્ટ માણસો અને ધુતારાઓ” વધતા જઈ રહ્યા છે. એવા લોકો મંડળમાં પગપેસારો કરવાનો પ્રયત્ન કરે છે. (૨ તિમો. ૩:૧૩) મંડળનો ભાગ હોવાનો દાવો કરનાર કેટલાકે પોતાની વાસના સંતોષવા બાળકોનું જાતીય શોષણ કર્યું છે. ચાલો ધ્યાન આપીએ કે બાળકોનું શોષણ કેમ ઘોર પાપ ગણાય. એ પણ જોઈશું કે, ગંભીર પાપના કિસ્સામાં વડીલોએ શું કરવું જોઈએ, જેમ કે બાળકના જાતીય શોષણ વિશે ખબર પડે ત્યારે. માબાપ પોતાનાં બાળકોનું કઈ રીતે રક્ષણ કરી શકે એની પણ ચર્ચા કરીશું. *

ગંભીર પાપ

૪-૫. બાળકનું શોષણ શા માટે ગંભીર પાપ ગણાય?

જાતીય શોષણની અસર વર્ષો સુધી રહે છે, એ મનમાંથી ભૂંસાતી નથી. એની અસર ભોગ બનનારને તો થાય છે જ, સાથે સાથે કુટુંબીજનો અને મંડળને પણ થાય છે. બાળકોનું શોષણ એ ગંભીર પાપ કહેવાય.

ભોગ બનેલી વ્યક્તિ વિરુદ્ધ ગંભીર પાપ. * એવા કામથી હાનિ અને તકલીફ પહોંચે છે. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે જાતીય શોષણથી બાળક હચમચી જાય છે. એવું કામ કરનાર વ્યક્તિ બાળકનો ભરોસો તોડે છે. બાળકમાં ડરની લાગણી ઘર કરી જાય છે. આપણે બાળકોનું રક્ષણ કરવું જોઈએ. એનો ભોગ બનનારને દિલાસો અને મદદ આપવાં જોઈએ.—૧ થેસ્સા. ૫:૧૪.

૬-૭. બાળકનું શોષણ કઈ રીતે મંડળ વિરુદ્ધ પાપ છે? એ કામ કઈ રીતે કાયદા વિરુદ્ધ પાપ છે?

મંડળ વિરુદ્ધ પાપ. મંડળની કોઈ વ્યક્તિ બાળકનું શોષણ કરે તો એનાથી મંડળનું નામ બદનામ થાય છે. (માથ. ૫:૧૬; ૧ પીત. ૨:૧૨) લાખો ઈશ્વરભક્તો ‘ખ્રિસ્તના શિક્ષણ માટે સખત લડત આપે છે.’ તેઓ યહોવાને મહિમા આપવા મહેનત કરે છે. એટલે મંડળમાં એવું ખરાબ કામ જરાય ચલાવી લેવામાં આવતું નથી. (યહુ. ૩) પસ્તાવો ન કરનાર અને મંડળનું નામ બદનામ કરનાર વ્યક્તિ માટે મંડળમાં કોઈ જગ્યા નથી.

કાયદા વિરુદ્ધ પાપ. ઈશ્વરભક્તોએ ‘અધિકારીઓને આધીન રહેવાનું છે.’ (રોમ. ૧૩:૧) દેશના કાયદા પાળીને આપણે આધીન રહીએ છીએ. મંડળની કોઈ વ્યક્તિ ગુનો કરે, જેમ કે બાળકનું જાતીય શોષણ કરે તો તે કાયદો તોડે છે. (પ્રેરિતોનાં કાર્યો ૨૫:૮ સરખાવો.) સરકારના કાયદા-કાનૂન અમલ કરાવવાનું કામ વડીલોનું નથી. પણ, તેઓ એવા ગુનેગારને સજામાંથી બચાવવાનો પ્રયત્ન કરતા નથી. (રોમ. ૧૩:૪) વ્યક્તિ જેવું વાવશે એવું જ લણશે. તેણે પોતાનાં કાર્યોની સજા ભોગવવી જ પડશે.—ગલા. ૬:૭.

૮. માણસ વિરુદ્ધ કરવામાં આવેલા પાપને યહોવા કેવું ગણે છે?

સૌથી ખરાબ તો, એ ઈશ્વર વિરુદ્ધ પાપ છે. (ગીત. ૫૧:૪) માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે તો, તે યહોવા વિરુદ્ધ પણ પાપ કરે છે. ચાલો એક દાખલો તપાસીએ. ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાં એક નિયમ હતો કે, વ્યક્તિ પોતાના પડોશીને છેતરે તો તે ‘યહોવાની આજ્ઞા તોડે છે.’ (લેવી. ૬:૨-૪) એવી જ રીતે, મંડળની કોઈ વ્યક્તિ બાળકનું શોષણ કરે તો તે યહોવા વિરુદ્ધ પાપ કરે છે, બેવફા બને છે. એ ગુનેગારને લીધે યહોવાના નામ પર બટ્ટો લાગે છે. એટલે, ઈશ્વર વિરુદ્ધ ગંભીર પાપ કરવા બદલ એ ગુનેગારને સજા થવી જ જોઈએ.

૯. યહોવાના સંગઠને કેવી માહિતી પૂરી પાડી છે? શા માટે?

બાળકોના શોષણ વિશે વર્ષોથી યહોવાનું સંગઠન બાઇબલમાંથી ઘણી માહિતી આપી રહ્યું છે. દાખલા તરીકે, ચોકીબુરજ અને સજાગ બનો!ના ઘણા લેખોમાં એની ચર્ચા થઈ છે. એમાં એ પણ જણાવ્યું છે કે ભોગ બનેલાઓનાં દિલ પર લાગેલા ઘા રૂઝાવવા બીજાઓ કઈ રીતે મદદ અને આશ્વાસન આપી શકે. માબાપ પોતાનાં બાળકોનું રક્ષણ કરવા શું કરી શકે એની પણ ચર્ચા કરવામાં આવી છે. વડીલોને બાઇબલના આધારે તાલીમ આપવામાં આવી છે કે એવા કિસ્સાને કઈ રીતે હાથ ધરવા જોઈએ. સંગઠન એના પર દેખરેખ રાખે છે. શા માટે? તેઓ ખાતરી કરવા માંગે છે કે ખ્રિસ્તના નિયમ પ્રમાણે બાબતો કરવામાં આવે.

ગંભીર પાપના કિસ્સામાં વડીલો શું કરે છે?

૧૦-૧૨. (ક) ગંભીર પાપના કિસ્સામાં વડીલો શું ધ્યાનમાં રાખે છે? તેઓ શાની કાળજી રાખે છે? (ખ) યાકૂબ ૫:૧૪, ૧૫ પ્રમાણે વડીલો શું કરે છે?

૧૦ ગંભીર પાપના કિસ્સામાં વડીલો ખ્રિસ્તના નિયમ પ્રમાણે ભાઈ-બહેનો સાથે પ્રેમથી વર્તે છે. તેમ જ ઈશ્વરની નજરમાં જે ખરું છે, એ જ કરે છે. ગંભીર પાપ વિશે જાણવા મળે ત્યારે તેઓ ઘણી બાબતો ધ્યાનમાં રાખે છે. ઈશ્વરના નામની નિંદા ન થાય એનું પણ તેઓ ધ્યાન રાખે છે. (લેવી. ૨૨:૩૧, ૩૨; માથ. ૬:૯) વડીલો આ વાતની કાળજી રાખે છે: ભાઈ-બહેનોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે; જેઓ ભોગ બન્યા છે, તેઓને મદદ કરવા વડીલો તરત આગળ આવે છે.

૧૧ શોષણ કરનાર વ્યક્તિ મંડળમાંથી હોય તો વડીલો જોશે કે તે પસ્તાવો કરે છે કે નહિ. જો તે પસ્તાવો કરે, તો વડીલો તેને યહોવા સાથે સંબંધ પાછો મજબૂત કરવા મદદ આપશે. (યાકૂબ ૫:૧૪, ૧૫ વાંચો.) ખોટી ઇચ્છા સંતોષવા વ્યક્તિ ગંભીર પાપ કરે છે. તે બીમાર વ્યક્તિ જેવી છે. યહોવા સાથેનો તેનો સંબંધ કમજોર થઈ ગયો છે. * એ સમયે વડીલો ડોક્ટર જેવું કામ કરે છે. તેઓ ‘બીમારને સાજો કરવાનો’ પ્રયત્ન કરે છે. તેનો ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓ બાઇબલમાંથી સલાહ આપે છે. જો વ્યક્તિ દિલથી પસ્તાવો કરશે તો જ સાજી થશે.—પ્રે.કા. ૩:૧૯; ૨ કોરીં. ૨:૫-૧૦.

૧૨ સાચે જ, વડીલોના માથે મોટી જવાબદારી છે. ઈશ્વરે પોતાના લોકોની કાળજી લેવાની જવાબદારી તેઓને સોંપી છે. (૧ પીત. ૫:૧-૩) વડીલો ચાહે છે કે ભાઈ-બહેનો મંડળમાં સલામતી અનુભવે. એટલે બાળકોનું શોષણ જેવા ગંભીર ગુના વિશે તેઓને જાણવા મળે ત્યારે તેઓ તરત જ પગલાં ભરે છે. ચાલો એ વિશે વધુ જાણવા ફકરા  ૧૩,  ૧૫ અને  ૧૭માં આપેલા સવાલોની ચર્ચા કરીએ.

૧૩-૧૪. બાળકના જાતીય શોષણ વિશે ખબર પડે તો, શું વડીલોએ કાયદા પ્રમાણે અધિકારીઓને જાણ કરવી જોઈએ? સમજાવો.

 ૧૩ બાળકના જાતીય શોષણ વિશે ખબર પડે તો, શું વડીલોએ કાયદા પ્રમાણે અધિકારીઓને જાણ કરવી જોઈએ? હા. જે જગ્યાએ એવા કાયદા હોય ત્યાં વડીલોએ એમ કરવું જોઈએ. (રોમ. ૧૩:૧) એવા કાયદા પાળવાથી ઈશ્વરનો નિયમ તૂટતો નથી. (પ્રે.કા. ૫:૨૮, ૨૯) એટલે એવા આરોપ વિશે ખબર પડે કે તરત વડીલો માર્ગદર્શન માટે શાખા કચેરીનો સંપર્ક કરે છે.

૧૪ ભોગ બનેલી વ્યક્તિને, માબાપને અને એ વિશે જાણતા બીજા લોકોને વડીલો સમજાવે છે કે જો તેઓ ચાહે તો એ વિશે ફરિયાદ નોંધાવી શકે છે. પણ આરોપી મંડળમાંથી હોય ત્યારે શું? સમાજમાં એ વિશે ખબર પડશે એવા ડરથી શું ફરિયાદ નોંધાવવી ન જોઈએ? શું વ્યક્તિએ એમ વિચારવું જોઈએ કે જો તે ફરિયાદ નોંધાવશે તો ઈશ્વરનું નામ બદનામ થશે? ના. ઈશ્વરનું નામ બદનામ કરનાર વ્યક્તિ તો શોષણ કરનાર છે.

૧૫-૧૬. (ક) ન્યાય સમિતિની ગોઠવણ કરવા શા માટે ઓછામાં ઓછા બે સાક્ષી હોવા જરૂરી છે? (ખ) મંડળમાં કોઈના પર બાળકનું શોષણ કરવાનો આરોપ હોય ત્યારે વડીલો શું કરશે?

 ૧૫ કોઈએ ગંભીર પાપ કર્યું છે કે નહિ એ વડીલો શાના આધારે સાબિત કરી શકે? એ માટે બે સાક્ષીઓ હોવા જરૂરી છે. એ ગોઠવણ તો બાઇબલનાં ઉચ્ચ ધોરણોનો એક ભાગ છે. આરોપી ગુનો ન કબૂલે તો નિર્ણય લેતા પહેલાં વડીલો પાસે બે સાક્ષીઓની જુબાની હોવી ખૂબ જરૂરી છે. (પુન. ૧૯:૧૫; માથ. ૧૮:૧૬; ૧ તિમોથી ૫:૧૯ વાંચો.) તો શું એનો અર્થ એવો થાય કે સરકારી અધિકારીઓ આગળ ગુનો નોંધાવવા બે સાક્ષી હોવા જરૂરી છે? ના. સરકારી બાબતમાં એ લાગુ પડતું નથી.

૧૬ વડીલોને ખબર પડે કે બાળકનું જાતીય શોષણ કરવાનો મંડળમાં કોઈના પર આરોપ છે તો તેઓ શું કરશે? વડીલો એ વિશે કાયદો પાળશે અને પોલીસને જણાવશે. પછી વડીલો એ વિશે તપાસ કરશે. તેઓ બાઇબલના આધારે નક્કી કરશે કે ન્યાય સમિતિની ગોઠવણ કરવી કે નહિ. જો વ્યક્તિ આરોપ ન કબૂલે, તો વડીલો તપાસ કરશે કે એ કિસ્સાનો કોઈ સાક્ષી છે કે નહિ. ઓછામાં ઓછા બે સાક્ષી હોવા જરૂરી છે. એક સાક્ષી કદાચ આરોપ મૂકનાર હોય શકે. બીજો સાક્ષી કદાચ એવી વ્યક્તિ હોય, જે એ વિશે જાણે છે. અથવા એવી વ્યક્તિ, જેને ખબર છે કે પહેલાં પણ આરોપીએ કોઈ બાળકનું શોષણ કર્યું છે. એના આધારે વડીલો ન્યાય સમિતિની ગોઠવણ કરી શકે છે. * જો બીજો કોઈ સાક્ષી ન હોય તો એનો અર્થ એ નથી કે આરોપ મૂકનાર જૂઠું બોલે છે. ભલે બે સાક્ષી ન હોય તોપણ વડીલો પારખી શકે છે કે આરોપીએ એવું કંઈક ખરાબ કર્યું છે, જેનાથી બીજાઓની લાગણી દુભાય છે. જેઓ દુઃખી છે, તેઓને વડીલો મદદ આપતા રહે છે. ઉપરાંત, મંડળનું રક્ષણ કરવા વડીલો આરોપી પર નજર રાખે છે.—પ્રે.કા. ૨૦:૨૮.

૧૭-૧૮. ન્યાય સમિતિ શું કરે છે?

 ૧૭ એવા કિસ્સામાં ન્યાય સમિતિ શું કરે છે? તેઓ નિર્ણય લે છે કે ગંભીર પાપ કરનાર વ્યક્તિ મંડળમાં રહેશે કે નહિ. વડીલો એમ નહિ વિચારે કે, તેણે સરકારી કાયદો તોડ્યો હોવાથી તેને મંડળમાંથી કાઢી મૂકવો જોઈએ. કાયદો તોડ્યો હોવાથી તેને સજા કરવી કે નહિ એ નિર્ણય સરકારના હાથમાં છે.—રોમ. ૧૩:૨-૪; તિત. ૩:૧.

૧૮ ન્યાય સમિતિના વડીલો ભક્તિને લગતી બાબતો હાથ ધરે છે. બાઇબલના આધારે તેઓ નક્કી કરે છે કે ખોટું કરનારને પસ્તાવો છે કે નહિ. જો તે પસ્તાવો ન કરે, તો તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. પછી મંડળમાં એ વિશે જાહેરાત કરવામાં આવે છે. (૧ કોરીં. ૫:૧૧-૧૩) જો તે પસ્તાવો કરે, તો કદાચ તેને મંડળમાં રાખવામાં આવે. પણ વડીલો તેને જણાવશે કે તેને કદાચ મંડળમાં ક્યારેય કોઈ સોંપણી કે જવાબદારી મળશે નહિ. બાળકો સલામત રહે એવું વડીલો ચાહે છે. તેઓ મંડળનાં બધાં માતાપિતાને ખાનગીમાં સૂચના આપી શકે. વડીલો જણાવશે કે જ્યારે તેઓનું બાળક પેલી વ્યક્તિની આસપાસ હોય ત્યારે તેઓ ખાસ ધ્યાન રાખે. વડીલો ભોગ બનનાર બાળક વિશે બીજાં માતાપિતાને જણાવતા નથી.

તમારાં બાળકોનું રક્ષણ કરો!

માતાપિતા બાળકોને સેક્સ વિશે જરૂરી માહિતી આપી રહ્યાં છે, જેથી જાતીય શોષણથી તેઓનું રક્ષણ થઈ શકે. તેઓ ઈશ્વરના સંગઠને આપેલી માહિતીમાંથી બાળકોને શીખવી રહ્યાં છે. (અભ્યાસ લેખ ૧૯, ફકરા ૧૯-૨૨ જુઓ)

૧૯-૨૨. બાળકોનું રક્ષણ કરવા માબાપ શું કરી શકે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૯ બાળકોનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? માતાપિતાની. * બાળકો તો યહોવા તરફથી ભેટ છે. “યહોવાનું આપેલું ધન” છે. (ગીત. ૧૨૭:૩) માતાપિતાઓ, બાળકોનું રક્ષણ કરવાની જવાબદારી યહોવાએ તમને આપી છે. બાળક શોષણનો ભોગ ન બને માટે તમે શું કરી શકો?

૨૦ પહેલું પગલું, બાળકોના જાતીય શોષણ જેવા ખરાબ કામ વિશે માહિતી મેળવો, સાવચેત રહો. બાળકોનું શોષણ કરનાર લોકો કેવા હોય છે અને તેઓ કેવા કીમિયા અજમાવે છે એ જાણો. ખતરનાક સંજોગો અને દુષ્ટ લોકો વિશે સજાગ રહો. (નીતિ. ૨૨:૩; ૨૪:૩) ધ્યાન આપો, મોટા ભાગના કિસ્સામાં શોષણ કરનારને બાળક ઓળખતું હોય છે અને તેના પર ભરોસો કરતું હોય છે.

૨૧ બીજું પગલું, બાળકો સાથે ખુલ્લા દિલે વાત કરો. (પુન. ૬:૬, ૭) તેઓનું ધ્યાનથી સાંભળો. (યાકૂ. ૧:૧૯) મોટા ભાગના કિસ્સામાં ભોગ બનેલા બાળકો એ વિશે બીજાઓને જણાવતા અચકાય છે. તેઓને એવો ડર હોય છે કે કોઈ તેઓની વાત માનશે નહિ. અથવા શોષણ કરનાર વ્યક્તિએ એ વિશે કોઈને ન કહેવાની ધમકી આપી હોય. કંઈક ખોટું થયું છે એવી શંકા જાય તો, બાળકને પ્રેમથી સવાલો પૂછો અને ધ્યાનથી તેની વાત સાંભળો.

૨૨ ત્રીજું પગલું, બાળકોને એ વિશે જાણકારી આપો. ઉંમર પ્રમાણે તેઓને સેક્સ વિશે શિક્ષણ આપો. બાળકોને શીખવો કે કોઈ વ્યક્તિ અયોગ્ય રીતે તેઓને અડવાનો પ્રયત્ન કરે તો શું કરવું જોઈએ. બાળકોનું રક્ષણ કરવા વિશે સંગઠને આપેલી માહિતીનો ઉપયોગ કરો.—“ તમારા માટે અને બાળકો માટે મદદ” બૉક્સ જુઓ.

૨૩. બાળકોના જાતીય શોષણને તમે કેવું ગણો છો? આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૩ યહોવાના સાક્ષીઓ તરીકે આપણે બાળકોના શોષણને ગંભીર પાપ અને ખરાબ કામ ગણીએ છીએ. ખ્રિસ્તના નિયમને આધારે મંડળમાં બાબતો હાથ ધરવામાં આવે છે. શોષણ કરનાર વ્યક્તિને મંડળ ક્યારેય બચાવવાનો પ્રયત્ન કરતું નથી. તેણે એનાં પરિણામો ભોગવવાં પડે છે. શોષણનો ભોગ બનેલી વ્યક્તિને આપણે કઈ રીતે આશ્વાસન આપી શકીએ? હવે પછીના લેખમાં એ વિશે ચર્ચા કરવામાં આવશે.

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

^ ફકરો. 5 આ લેખમાં જોઈશું કે જાતીય શોષણ સામે બાળકોનું રક્ષણ કઈ રીતે કરી શકાય. મંડળનું રક્ષણ કરવા વડીલો અને બાળકોનું રક્ષણ કરવા માબાપ શું કરી શકે, એ પણ જોઈશું.

^ ફકરો. 3 શબ્દોની સમજ: બાળકોનું જાતીય શોષણ એટલે મોટી વ્યક્તિ પોતાની જાતીય ઇચ્છા સંતોષવા બાળકનો ઉપયોગ કરે. એમાં આવી બાબતો આવી જાય: જાતીય સંબંધ બાંધવો; મુખમૈથુન કે ગુદામૈથુન; જાતીય અંગો, સ્તન કે નિતંબ પંપાળવા; અથવા બીજાં અનૈતિક કામો કરવાં. મોટા ભાગે છોકરીઓ એનો ભોગ બને છે, પણ ઘણી વાર છોકરાઓ સાથે પણ એવાં કામ થાય છે. મોટા ભાગે શોષણ કરનાર પુરુષ હોય છે. કેટલાક કિસ્સામાં શોષણ કરનાર સ્ત્રી હોય છે.

^ ફકરો. 5 શબ્દોની સમજ: આ લેખ અને હવે પછીના લેખમાં “ભોગ બનેલી વ્યક્તિ” એને રજૂ કરે છે, જેનું નાનપણમાં જાતીય શોષણ થયું હોય. એ શબ્દો બતાવે છે કે બાળકને હાનિ પહોંચી છે. તેના ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે અને તેનો કોઈ વાંક નથી.

^ ફકરો. 11 વ્યક્તિ ગંભીર પાપ કરે છે ત્યારે ઈશ્વર સાથેનો તેનો કમજોર સંબંધ જવાબદાર નથી, પણ વ્યક્તિ પોતે જવાબદાર છે. એ માટે યહોવા તેનો ન્યાય કરશે.—રોમ. ૧૪:૧૨.

^ ફકરો. 16 જે વ્યક્તિ પર આરોપ હોય એની પૂછપરછ કરતી વખતે વડીલો ક્યારેય બાળકને હાજર નહિ રાખે. માબાપ કે પછી બીજી ભરોસાપાત્ર વ્યક્તિ એ આરોપ વિશે વડીલોને જણાવી શકે. આમ, બાળકની લાગણીઓ ઘવાશે નહિ.

^ ફકરો. 19 જે બાબતો માતાપિતાને લાગુ પડે છે, એ જ બાબતો બાળકોની સંભાળ રાખનારને અથવા તેના કાયદેસરના વાલીને પણ લાગુ પડે છે.