સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૧

શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?

શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?

‘હે યહોવા મારા ઈશ્વર, અમારા માટે તમારાં અદ્‍ભુત કામો તથા વિચારો કેટલાં બધાં છે.’—ગીત. ૪૦:૫.

ગીત ૧૫ સૃષ્ટિ આપે યહોવાની ઓળખ

ઝલક *

૧-૨. (ક) ગીતશાસ્ત્ર ૪૦:૫ પ્રમાણે યહોવાએ આપણને કઈ ભેટ આપી છે? (ખ) આ લેખમાં આપણે શા માટે એ વિશે ચર્ચા કરીશું?

યહોવા ઉદાર ઈશ્વર છે. તેમણે આપેલી અમુક ભેટનો વિચાર કરીએ. જેમ કે, તેમણે સુંદર અને અજોડ પૃથ્વી, અદ્‍ભુત મગજ અને અનમોલ બાઇબલ આપ્યું છે. યહોવાએ એ ત્રણ ભેટ આપી એટલે આપણને રહેવા ઘર મળ્યું, વિચારવાની અને બીજાઓ સાથે વાત કરવાની ક્ષમતા મળી. વધુમાં આપણે મહત્ત્વના સવાલોના જવાબ મેળવી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૪૦:૫ વાંચો.

આ લેખમાં, આપણે એ ત્રણ ભેટ વિશે ચર્ચા કરીશું. એના પર વધારે વિચાર કરીશું તેમ, આપણે તેમની વધારે કદર કરીશું અને સરજનહાર યહોવાનું દિલ ખુશ કરવાની આપણી ઇચ્છા પણ વધશે. (પ્રકટી. ૪:૧૧) જેઓ એવું માને છે કે બધું આપોઆપ આવી ગયું, તેઓને પણ આપણે આ લેખથી મદદ કરી શકીશું.

આપણી અજોડ પૃથ્વી

૩. શા માટે પૃથ્વી અજોડ છે?

ઈશ્વરે જે રીતે પૃથ્વી બનાવી છે, એનાથી જોવા મળે છે કે તેમની પાસે અપાર બુદ્ધિ છે. (રોમ. ૧:૨૦; હિબ્રૂ. ૩:૪) સૂર્યની આસપાસ તો કેટલાય ગ્રહો ફરે છે. પણ એમાં પૃથ્વી અજોડ છે. જીવન જરૂરી બધી વસ્તુઓ પૃથ્વી પર મળી રહે છે.

૪. માણસોએ બનાવેલી હોડી અને યહોવાએ બનાવેલી પૃથ્વીમાં કયો ફરક છે? સમજાવો.

અંતરિક્ષમાં પૃથ્વી એ રીતે ફરી રહી છે, જાણે એક મહાસાગરમાં હોડી તરી રહી હોય. માણસોએ બનાવેલી હોડી અને ઈશ્વરે બનાવેલી પૃથ્વી વચ્ચે આભ-જમીનનો ફરક છે. કઈ રીતે? ધારો કે, એક હોડીમાં ઘણા બધા લોકો મુસાફરી કરી રહ્યા છે. જો તેઓને કહેવામાં આવે કે પોતાના માટે ઓક્સિજન, ખોરાક અને પાણીની જાતે વ્યવસ્થા કરે અને કચરો હોડીની બહાર ન ફેંકે, તો તેઓ કેટલા દિવસ જીવતા રહી શકે? તેઓ બહુ જીવી શકે નહિ, ખરું ને! પણ, પૃથ્વી પર લાખો કરોડો લોકો અને જીવજંતુઓ વસે છે. પૃથ્વી બધાને ઓક્સિજન, ખોરાક અને પાણી પૂરાં પાડે છે. એ ક્યારેય ખૂટી જતું નથી! પૃથ્વી પરના કચરાને અંતરિક્ષમાં ક્યાંય ફેંકવામાં આવતો નથી. છતાં પૃથ્વી સુંદર અને રહેવા લાયક છે. એ કઈ રીતે શક્ય છે? યહોવાએ પૃથ્વીની રચના એ રીતે કરી છે કે પૃથ્વી પરની નકામી વસ્તુઓ આપમેળે ફરી વાપરી શકાય એવી બની જાય છે. એ માટે યહોવાએ અમુક ચક્રો બનાવ્યા છે. ચાલો એમાંના બે ચક્ર વિશે જોઈએ, વાયુચક્ર અને જળચક્ર.

૫. વાયુચક્ર એટલે શું અને એનાથી કઈ સાબિતી મળે છે?

ઓક્સિજન વગર માણસો અને પ્રાણીઓ જીવી ન શકે. એવું માનવામાં આવે છે કે તેઓ એક વર્ષમાં એક અબજ ટન કરતાં વધારે ઓક્સિજન લે છે. એટલી જ માત્રામાં કાર્બન ડાયૉક્સાઇડ પણ બહાર કાઢે છે. છતાં, પૃથ્વી પરથી ઓક્સિજન ખૂટી જતો નથી અને કાર્બન ડાયૉક્સાઇડ વધી જતો નથી. શા માટે? કારણ કે યહોવાએ મોટા મોટા ઝાડ અને વનસ્પતિ બનાવ્યાં છે, જે કાર્બન ડાયૉક્સાઇડ લઈને ઓક્સિજન બહાર કાઢે છે. વાયુચક્ર સાબિત કરે છે કે બાઇબલમાં જણાવેલી આ વાત સાચી છે: ‘ઈશ્વર બધા મનુષ્યોને જીવન અને શ્વાસ આપે છે.’—પ્રે.કા. ૧૭:૨૪, ૨૫.

૬. જળચક્ર શું છે અને એનાથી કઈ સાબિતી મળે છે? ( “જળચક્ર એ યહોવા તરફથી ભેટ છે.” બૉક્સ જુઓ.)

ચાલો હવે પાણી વિશે જોઈએ. પૃથ્વી સૂર્યથી યોગ્ય અંતરે છે એટલે પાણી પ્રવાહીના રૂપમાં છે. જો પૃથ્વી જરા પણ સૂર્યની નજીક હોત તો પૃથ્વી પરનું પાણી વરાળ બનીને ઊડી ગયું હોત. ચારેબાજુ ગરમી હોત અને જમીન વેરાન થઈ ગઈ હોત. જો પૃથ્વી જરા પણ સૂર્યથી દૂર હોત, તો બધું પાણી બરફ થઈ ગયું હોત અને આખી પૃથ્વી બરફનો ગોળો થઈ ગઈ હોત. બંને સંજોગોમાં પૃથ્વી પર જીવન શક્ય ન હોત. યહોવાએ પૃથ્વીને યોગ્ય અંતરે રાખી છે. એટલે જળચક્ર ચાલ્યા કરે છે અને જીવન ટકી રહે છે. સૂર્યની ગરમીથી મહાસાગર, નદી અને તળાવના પાણી વરાળ બનીને વાદળો બને છે. પૃથ્વી પર તળાવોમાં જેટલું પાણી છે એનાથી વધારે પાણી, દર વર્ષે વરાળ બનીને ઊડી જાય છે. એ પાણી વાતાવરણમાં આશરે દસ દિવસ વરાળના રૂપમાં રહે છે. પછી એ વરસાદ કે બરફના રૂપમાં જમીન પર પડે છે. એ પાણી ફરી મહાસાગરોમાં મળી જાય છે. આમ, જળચક્ર ચાલ્યા કરે છે. યહોવાએ જળચક્ર એ રીતે બનાવ્યું છે કે પૃથ્વી પર ક્યારેય પાણી ખૂટે નહિ. એ બતાવે છે કે યહોવાની બુદ્ધિ અને શક્તિનો કોઈ પાર નથી.—અયૂ. ૩૬:૨૭, ૨૮; સભા. ૧:૭.

૭. પૃથ્વી માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?

યહોવાએ પૃથ્વી અને એના પરની જીવન જરૂરી વસ્તુઓ અજોડ રીતે બનાવી છે. એ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ? (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬ વાંચો.) એક રીત છે કે યહોવાએ બનાવેલી વસ્તુઓ પર મનન કરીએ. એનાથી આપણને યહોવાનો આભાર માનવાનું ઉત્તેજન મળશે. કારણ કે તે દરરોજ આપણને જીવન જરૂરી વસ્તુઓ આપે છે. એટલું જ નહિ, આપણે જ્યાં રહીએ છીએ એની આસપાસની જગ્યા સાફ રાખીએ. એમ કરીને આપણે યહોવાએ આપેલી પૃથ્વી માટે કદર બતાવીએ છીએ.

આપણું અદ્‍ભુત મગજ

૮. શા પરથી કહી શકાય કે આપણા મગજને અદ્‍ભુત રીતે બનાવવામાં આવ્યું છે?

માણસનું મગજ અદ્‍ભુત રીતે બનાવવામાં આવ્યું છે. તમે માના ગર્ભમાં હતા ત્યારથી જ તમારા મગજનો વ્યવસ્થિત રીતે વિકાસ શરૂ થઈ ગયો હતો. દર મિનિટે હજારો નવા કોષો મગજમાં બન્યા હતા. સંશોધન કરનારાઓ કહે છે, માણસના મગજમાં આશરે ૧૦૦ અબજ જેટલા ખાસ કોષો છે. એ કોષોને ચેતાકોષો કહેવામાં આવે છે. એ ચેતાકોષોથી આપણું મગજ બને છે. એનું વજન આશરે ૧.૫ કિલો છે. ચાલો, આપણા મગજની અમુક ખાસિયતો વિશે જોઈએ.

૯. બોલવાની આવડત કઈ રીતે યહોવા તરફથી ભેટ છે?

આપણી પાસે બોલવાની આવડત છે, જે અનોખી છે. તમે કઈ રીતે બોલી શકો છો એનો જરા વિચાર કરો. તમારે એક શબ્દ બોલવો હોય તો મગજે તમારાં ગળા, જીભ, હોઠ, જડબાં અને છાતીને કાબૂમાં રાખવા પડે છે. આ અંગોના આશરે ૧૦૦ સ્નાયુઓ એકસાથે મળીને કામ કરે ત્યારે આપણે બોલી શકીએ છીએ. એ સ્નાયુઓ એક ખાસ રીતે કામ કરે ત્યારે, તમે શબ્દને યોગ્ય રીતે ઉચ્ચારી શકો છો. ભાષા બોલવાની આવડત વિશે ૨૦૧૯માં એક અહેવાલ બહાર પડ્યો હતો. એમાં જણાવ્યું હતું કે નવું જન્મેલું બાળક અલગ અલગ શબ્દો પારખી શકે છે અને એ પ્રમાણે હાવભાવ કરે છે. એનાથી સંશોધન કરનારાઓની આ વાત સાચી સાબિત થાય છે કે આપણામાં જન્મથી જ ભાષાઓ શીખવાની આવડત હોય છે. સાચે જ બોલવાની આવડત એ યહોવા તરફથી એક ભેટ છે.—નિર્ગ. ૪:૧૧.

૧૦. આપણને બોલવાની ભેટ મળી છે એની કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૦ આપણને બોલવાની ભેટ મળી છે એની કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીતે છે, જેઓ માને છે કે પૃથ્વી અને એના પરનું જીવન આપમેળે આવી ગયું છે, તેઓને ઈશ્વર વિશે જણાવીએ. (ગીત. ૯:૧; ૧ પીત. ૩:૧૫) તેઓ ચાહે છે કે આપણે તેઓની માન્યતાઓમાં વિશ્વાસ કરીએ. પણ આપણે બાઇબલ અને આ લેખમાં અમુક મુદ્દાઓનો ઉપયોગ કરીને બતાવી શકીએ કે ઈશ્વરે જ આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે. એટલું જ નહિ લોકોને બતાવીએ કે યહોવા સર્જનહાર છે.—ગીત. ૧૦૨:૨૫; યશા. ૪૦:૨૫, ૨૬.

૧૧. આપણું મગજ અદ્‍ભુત છે એનું એક કારણ કયું છે?

૧૧ આપણી યાદ રાખવાની ક્ષમતા અદ્‍ભુત છે. અગાઉ એક લેખકે જણાવ્યું હતું કે આપણું મગજ આશરે ૨ કરોડ જેટલા પુસ્તકોની માહિતી યાદ રાખી શકે છે. પણ હવે એવું માનવામાં આવે છે કે આપણી પાસે એના કરતાં પણ વધારે યાદ રાખવાની ક્ષમતા છે. સાચે જ યાદ રાખવાની ક્ષમતા કેટલી અજોડ છે!

૧૨. આપણી પાસે કઈ આવડત છે જે પ્રાણીઓમાં નથી?

૧૨ પૃથ્વી પર બધા જીવોમાં ફક્ત માણસો જ અગાઉની બાબતોમાંથી સારો બોધપાઠ લઈ શકે છે. આપણી સાથે અગાઉ થયેલી સારી અને ખરાબ બાબતોમાંથી આપણને શીખવા મળે છે. એના લીધે, આપણે સારા સંસ્કારો કેળવી શકીએ છીએ. આપણાં વિચારોમાં અને જીવનમાં ફેરફારો કરી શકીએ છીએ. (૧ કોરીં. ૬:૯-૧૧; કોલો. ૩:૯, ૧૦) એટલું જ નહિ, ખરું-ખોટું પારખવા આપણા દિલને તાલીમ આપી શકીએ છીએ. (હિબ્રૂ. ૫:૧૪) આપણે પ્રેમ, કરુણા અને દયા બતાવવાનું શીખી શકીએ છીએ. યહોવાએ જે રીતે ન્યાયથી કામ કર્યું, એ રીતે કામ કરવાનું આપણે શીખી શકીએ છીએ.

૧૩. ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨ પ્રમાણે આપણી યાદ રાખવાની ક્ષમતાનો કેવો ઉપયોગ કરવો જોઈએ?

૧૩ યાદ રાખવાની ક્ષમતા માટે આપણે યહોવાનો આભાર માનવો જોઈએ. એક રીત છે કે યહોવાએ અગાઉ આપણને જે રીતે મદદ કરી અને દિલાસો આપ્યો એ હંમેશાં યાદ રાખીએ. એનાથી આપણને ખાતરી મળશે કે ભાવિમાં પણ તે આપણને મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨ વાંચો; ગીત. ૭૮:૪, ૭) બીજી રીત છે, બીજાઓએ આપણા માટે જે સારું કર્યુ છે એ યાદ રાખીએ અને એની કદર કરીએ. સંશોધન કરનારાઓને જાણવા મળ્યું છે કે જેઓ બીજાઓનો આભાર માને છે તેઓ સુખી હોય છે. યહોવાની જેમ અમુક વાતો ભૂલી જવી એ સારું છે. દાખલા તરીકે, આપણી ભૂલો માટે પસ્તાવો બતાવીએ છીએ, ત્યારે યહોવા એ ભૂલોને યાદ રાખતા નથી અને આપણને માફ કરે છે. (ગીત. ૨૫:૭; ૧૩૦:૩, ૪) યહોવા બધું જ યાદ રાખી શકે છે, તોપણ તે આપણી ભૂલોને યાદ રાખતા નથી. યહોવા ચાહે છે કે બીજાઓ ભૂલો માટે માફી માગે તો આપણે તેઓને માફ કરવા જોઈએ. આપણે તેઓની ભૂલોને યાદ ન રાખવી જોઈએ.—માથ. ૬:૧૪; લુક ૧૭:૩, ૪.

આપણા અદ્‍ભુત મગજથી યહોવાનો આદર કરીએ. એવું કરીને એ ભેટ માટે કદર બતાવીએ છીએ (ફકરો ૧૪ જુઓ) *

૧૪. આપણને મળેલા અદ્‍ભુત મગજ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૪ આપણા અદ્‍ભુત મગજથી યહોવાનો આદર કરીએ. આમ, એ ભેટ માટે કદર બતાવી શકીએ છીએ. અમુક લોકો મગજનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. પોતાના માટે ખરુંખોટું શું છે એ તેઓ જાતે જ નક્કી કરે છે. પણ હકીકતમાં તો યહોવાનાં ધોરણો આપણાં ધોરણો કરતાં ઘણાં ચઢિયાતા છે. કારણ કે તેમણે જ તો આપણને બનાવ્યા છે. (રોમ. ૧૨:૧, ૨) આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવીએ છીએ, ત્યારે આપણા જીવનમાં શાંતિ હોય છે. (યશા. ૪૮:૧૭, ૧૮) આપણે એ પણ જાણી શકીએ છીએ કે યહોવા આપણી પાસેથી શું ચાહે છે. તે ચાહે છે કે આપણે એવા કામ કરીએ જેનાથી તેમને મહિમા મળે અને તેમનું દિલ ખુશ થાય.—નીતિ. ૨૭:૧૧.

બાઇબલ—એક અનમોલ ભેટ

૧૫. શા પરથી કહી શકાય કે બાઇબલ ઈશ્વર તરફથી એક અનમોલ ભેટ છે?

૧૫ બાઇબલ ઈશ્વર તરફથી એક અનમોલ ભેટ છે. તેમણે બાઇબલ આપ્યું છે કારણ કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. બાઇબલ દ્વારા તે આપણને મહત્ત્વના સવાલોના જવાબ આપે છે. જેમ કે, આપણે ક્યાંથી આવ્યા? જીવનનો હેતુ શું છે? ભાવિમાં શું થશે? યહોવા ચાહે છે કે બધા લોકોને આ સવાલોના જવાબ મળે. એટલે વર્ષોથી તેમણે માણસોનો ઉપયોગ કરી બાઇબલનું ભાષાંતર અનેક ભાષામાં કરાવ્યું છે. આજે આખું બાઇબલ અથવા એના અમુક ભાગો ૩,૦૦૦થી પણ વધારે ભાષાઓમાં જોવા મળે છે. બાઇબલનું સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર થયું છે. કોઈ પણ પુસ્તક આટલી બધી ભાષાઓમાં છપાયું નથી. ભલે ને લોકો દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય અને કોઈ પણ ભાષા બોલતા હોય, પણ તેઓ પોતાની ભાષામાં બાઇબલ વાંચી શકે છે.—“ આફ્રિકાની ભાષાઓમાં બાઇબલ” બૉક્સ જુઓ.

૧૬. બાઇબલ માટે કદર બતાવવા માથ્થી ૨૮:૧૯, ૨૦ પ્રમાણે આપણે શું કરી શકીએ?

૧૬ આપણે બાઇબલ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? આપણે દરરોજ બાઇબલ વાંચીએ. એમાં લખેલી વાતો પર મનન કરીએ અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. તેમજ બને એટલા લોકોને બાઇબલનો સંદેશો જણાવીએ.—ગીત. ૧:૧-૩; માથ. ૨૪:૧૪; માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.

૧૭. (ક) આ લેખમાં આપણે શાની ચર્ચા કરી? (ખ) આવતા લેખમાં શાના વિશે ચર્ચા કરીશું?

૧૭ આ લેખમાં આપણે અજોડ પૃથ્વી, અદ્‍ભુત મગજ અને અનમોલ બાઇબલ વિશે ચર્ચા કરી. એ સિવાય પણ, યહોવાએ આપણને બીજું ઘણું બધું આપ્યું છે, જે અદૃશ્ય છે. એ વિશે આવતા લેખમાં ચર્ચા કરીશું.

ગીત ૨ યહોવા તારો આભાર

^ ફકરો. 5 આ લેખમાં આપણે યહોવાએ આપેલી ત્રણ ભેટની ચર્ચા કરીશું. એનાથી યહોવા માટે અને તેમણે આપેલી ભેટ માટે આપણી કદર વધશે. આપણે એ પણ શીખીશું કે જેઓ ઈશ્વરમાં માનતા નથી, તેઓની શંકા દૂર કરવા કઈ રીતે મદદ કરી શકીએ.

^ ફકરો. 64 ચિત્રની સમજ: એક બહેન બીજી ભાષા શીખી રહ્યા છે જેથી બીજી જગ્યાથી આવેલા લોકોને બાઇબલનું સત્ય શીખવી શકે.