સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૯

નેક દિલના લોકોને કશાથી ઠોકર લાગતી નથી

નેક દિલના લોકોને કશાથી ઠોકર લાગતી નથી

“તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે. તેઓને કશાથી ઠોકર લાગતી નથી.”—ગીત. ૧૧૯:૧૬૫.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક *

૧-૨. (ક) એક લેખકે શું કહ્યું? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આજે ઘણા લોકો દાવો કરે છે કે, તેઓ ઈસુમાં માને છે, પણ તેઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવતા નથી. (૨ તિમો. ૪:૩, ૪) એક લેખકે કહ્યું: ‘જો આજે ઈસુ જેવો જ બીજો માણસ આ દુનિયામાં આવે અને ઈસુએ જે શીખવ્યું હતું એવું જ બધું શીખવે, તોપણ લોકો તેની વાતો નહિ માને. જેમ બે હજાર વર્ષ પહેલાં લોકોએ ઈસુની વાતોને આંખ આડા કાન કર્યા હતા.’

ધરતી પર ઈસુએ જે શીખવ્યું એ ઘણા લોકોએ સાંભળ્યું. તેમણે જે ચમત્કારો કર્યા એ ઘણા લોકોએ જોયા, તોપણ તેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નહિ. આજે પણ લોકો ઈસુના શિષ્યોની વાત સાંભળતા નથી. ગયા લેખમાં આપણે એનાં ચાર કારણો જોયાં હતાં. આ લેખમાં બીજાં ચાર કારણોની ચર્ચા કરીશું. વધુમાં એ પણ જોઈશું કે આપણે કઈ રીતે ઠોકર ખાવાથી બચી શકીએ.

(૧) ઈસુએ ભેદભાવ કર્યો નહિ

ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે ઈસુ બધા સાથે હળતા-મળતા હતા. આજે પણ ઘણા લોકો કદાચ એ કારણોને લીધે ઈસુના શિષ્યો પર વિશ્વાસ ન કરે (ફકરો ૩ જુઓ) *

૩. અમુક લોકોને શું ન ગમ્યું?

ઈસુ બધા લોકો સાથે હળતા-મળતા હતા. તે અમીર અને મોટા મોટા લોકો સાથે જમતા. એટલું જ નહિ, તે ગરીબ અને લાચાર લોકો સાથે પણ ઘણો સમય વિતાવતા. દુનિયા જે લોકોને ‘પાપી’ ગણતી હતી તેઓ સાથે ઈસુ દયાથી વર્ત્યા. પણ અમુક લોકોને એ ન ગમ્યું એટલે તેઓએ શિષ્યોને પૂછ્યું: “તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાઓ-પીઓ છો? ઈસુએ તેઓને કહ્યું, ‘વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે. હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું કે તેઓ પસ્તાવો કરે.’”—લૂક ૫:૨૯-૩૨.

૪. યશાયાની ભવિષ્યવાણી પ્રમાણે યહૂદીઓએ શું સમજી જવાનું હતું?

શાસ્ત્ર શું કહે છે? મસીહ આવ્યા એના ઘણાં વર્ષો અગાઉ યશાયાએ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકો મસીહનો સ્વીકાર નહિ કરે. એ ભવિષ્યવાણીમાં લખ્યું હતું, “માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા . . . તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો. તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.” (યશા. ૫૩:૩) એમાં લખ્યું હતું કે “લોકો” મસીહથી દૂર ભાગશે અને ઈસુ સાથે એવું જ થયું હતું. એ જોઈને પ્રથમ સદીના યહૂદીઓએ સમજી જવાનું હતું કે ભવિષ્યવાણીમાં જે લખ્યું હતું એવું જ ઈસુ સાથે થઈ રહ્યું છે.

૫. આજે લોકો ઈસુના શિષ્યોને કેવા ગણે છે?

શું આજે પણ લોકો એવા છે? હા, છે. આજે ધર્મગુરુઓ એવા લોકોને માન-સન્માન આપે છે જેઓ ધનવાન છે, સમાજમાં મોટું નામ છે, ખૂબ ભણેલાં-ગણેલાં છે અને પોતાને હોશિયાર સમજે છે. અરે, એવા લોકો તો ખરાબ જીવન જીવે છે. તેઓમાં સંસ્કારનો છાંટોય નથી. તેમ છતાં ધર્મગુરુઓને એ વાતથી કોઈ ફરક પડતો નથી. બીજી બાજુ ઈશ્વરભક્તો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલે છે અને દુનિયામાં તેઓનું કોઈ મોટું નામ નથી. એટલે ધર્મગુરુઓ તેઓને તુચ્છ ગણે છે. પણ પરમેશ્વરે એવા જ લોકોને પસંદ કર્યા છે જેને દુનિયા “નીચી નજરે જુએ છે.” (૧ કોરીં. ૧:૨૬-૨૯) યહોવાની નજરમાં તેમનો દરેક ભક્ત ખૂબ કીમતી છે.

૬. (ક) માથ્થી ૧૧:૨૫, ૨૬ પ્રમાણે ઈસુએ શું કહ્યું? (ખ) આપણે ઈસુ જેવા કઈ રીતે બની શકીએ?

આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? (માથ્થી ૧૧:૨૫, ૨૬ વાંચો.) ઈશ્વરભક્તો વિશે દુનિયાના લોકો જેવું ન વિચારીએ. આપણે સ્વીકારીએ કે યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા નમ્ર લોકોનો ઉપયોગ કરે છે. (ગીત. ૧૩૮:૬) જરા વિચારો, જે લોકોને દુનિયા નકામા ગણે છે એવા લોકોનો ઉપયોગ કરીને યહોવા કેટલા મોટાં મોટાં કામ કરાવે છે!

(૨) ઈસુએ ખોટા શિક્ષણને ખુલ્લું પાડ્યું

૭. (ક) ઈસુ ફરોશીઓને કેમ ઢોંગી કહે છે? (ખ) ઈસુની વાત સાંભળીને તેઓને કેવું લાગ્યું?

ઈસુના સમયમાં અમુક બાબતો માટે ફરોશીઓના ખોટા વિચારો હતા. તેઓ હાથ ધોવાને ખૂબ મહત્ત્વનું ગણતા. પણ કોઈ વ્યક્તિ માબાપની સંભાળ ન રાખે એને તેઓ મહત્ત્વનું ન ગણતા. ઈસુએ તેઓને ઢોંગી કહ્યા. (માથ. ૧૫:૧-૧૧) શિષ્યોને ખૂબ નવાઈ લાગી એટલે તેમણે ઈસુને પૂછ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, શું એ તમને ખબર છે? તેમણે કહ્યું: ‘સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.’” (માથ. ૧૫:૧૨-૧૪) ઈસુની વાત સાંભળીને ફરોશીઓ તપી ઊઠતા. પણ ઈસુ ક્યારેય સાચું બોલવાથી પાછા હઠ્યા નહિ.

૮. ઈસુએ કઈ રીતે સમજાવ્યું કે ઈશ્વર બધી જાતની ભક્તિથી ખુશ થતા નથી?

ઈસુએ જૂઠું શિક્ષણ પણ ખુલ્લું પાડ્યું. તેમણે જણાવ્યું કે ઈશ્વર બધી જાતની ભક્તિથી ખુશ થતા નથી. એ તેમણે કઈ રીતે સમજાવ્યું? તેમણે કહ્યું કે બે રસ્તા છે. એક રસ્તો સરળ છે જેમાં ઘણા લોકો જાય છે, પણ એ વિનાશ તરફ લઈ જાય છે. બીજો રસ્તો મુશ્કેલ છે જેમાં ઓછા લોકો જાય છે, પણ એ જીવન તરફ લઈ જાય છે. (માથ. ૭:૧૩, ૧૪) આમ તેમણે સાફ બતાવ્યું કે અમુક લોકો ઈશ્વરની ભક્તિ કરવાનો દેખાડો કરે છે. એવા લોકો વિશે તેમણે કહ્યું: “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો. તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે. પણ તેઓ અંદરથી તો ભૂખ્યાં અને ખતરનાક વરુઓ જેવા છે. તેઓનાં કાર્યોથી તમે તેઓને ઓળખશો.”—માથ. ૭:૧૫-૨૦.

ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે તે જૂઠાં શિક્ષણો અને ખોટાં કામોનો વિરોધ કરતા હતા. આજે પણ ઘણા લોકો કદાચ એ કારણોને લીધે ઈસુના શિષ્યો પર વિશ્વાસ ન કરે (ફકરો ૯ જુઓ) *

૯. ઈસુએ કયા જૂઠાં શિક્ષણોને ખુલ્લાં પાડ્યાં?

શાસ્ત્ર શું કહે છે? બાઇબલમાં ભવિષ્યવાણી છે કે ખ્રિસ્તને યહોવાના મંદિર માટે ખૂબ ઉત્સાહ હશે. (ગીત. ૬૯:૯; યોહા. ૨:૧૪-૧૭) એ ઉત્સાહના લીધે ઈસુએ જૂઠાં શિક્ષણોને ખુલ્લું પાડ્યું. દાખલા તરીકે, ફરોશીઓ માનતા હતા કે આત્મા અમર હોય છે. પણ ઈસુએ શીખવ્યું કે મર્યા પછી માણસને કંઈ જ ખબર હોતી નથી. એ જાણે ભર ઊંઘમાં હોય છે. (યોહા. ૧૧:૧૧) સાદુકીઓ માનતા હતા કે, મરેલી વ્યક્તિ ફરી જીવતી થઈ શકતી નથી. પણ ઈસુએ પોતાના મિત્ર લાજરસને જીવતા કરીને બતાવ્યા. (યોહા. ૧૧:૪૩, ૪૪; પ્રે.કા. ૨૩:૮) ફરોશીઓ એ પણ માનતા હતા કે માણસનાં જીવનમાં જે કંઈ થાય એ તો નસીબના ખેલ છે અથવા ઈશ્વરની મરજી છે. પણ ઈસુએ શીખવ્યું કે એક વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે કે તે યહોવાની સેવા કરશે કે નહિ.—માથ. ૧૧:૨૮.

૧૦. અમુક લોકો યહોવાના સાક્ષીઓની વાત કેમ સાંભળતા નથી?

૧૦ શું આજે પણ લોકો એવા છે? હા, છે. યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવે છે કે માણસોનાં અમુક શિક્ષણો ખોટાં છે. એટલે અમુક લોકો તેઓનું સાંભળતા નથી. જેમ કે, ધર્મગુરુઓ શીખવે છે કે ઈશ્વર દુષ્ટ લોકોને નરકમાં રિબાવે છે. એ શિક્ષણનો ઉપયોગ કરીને ધર્મગુરુઓ લોકોને ડરાવે-ધમકાવે છે. પણ યહોવાના ભક્તો સારી રીતે જાણે છે કે, ઈશ્વર પ્રેમના સાગર છે. તેઓ એ જૂઠા શિક્ષણને ખુલ્લું પાડે છે. ધર્મગુરુઓ એમ પણ શીખવે છે કે આત્મા અમર હોય છે. જરા વિચારો, જો અમર આત્માનું શિક્ષણ સાચું હોય તો માણસને મરણમાંથી જીવતા કરવાની જરૂર જ ન પડે. પણ બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે માણસોને મરણમાંથી જીવતા કરવામાં આવશે. એનો ઉપયોગ કરીને ઈશ્વરભક્તો અમર આત્માના શિક્ષણને ખુલ્લું પાડે છે. લોકો માને છે કે નસીબમાં જે લખ્યું હોય એ થાય અથવા જેવી ઈશ્વરની મરજી. પણ ઈશ્વરભક્તો જાણે છે કે યહોવાની ભક્તિ કરવી કે નહિ એ વ્યક્તિના હાથમાં હોય છે. યહોવાના સાક્ષીઓ ધર્મગુરુઓનાં શિક્ષણોને ખુલ્લાં પાડે છે ત્યારે, તેઓ ગુસ્સામાં લાલપીળા થઈ જાય છે.

૧૧. યોહાન ૮:૪૫-૪૭ પ્રમાણે ઈશ્વર પોતાના લોકો પાસેથી શું ચાહે છે?

૧૧ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? સત્ય માટે દિલમાં પ્રેમ જગાડીએ. યહોવા જે કહે એ માનીએ અને એ પ્રમાણે ચાલીએ. (યોહાન ૮:૪૫-૪૭ વાંચો.) આપણે સત્યમાં ટકી રહીએ અને શેતાન જેવા ન બનીએ. આપણે એ બધી બાબતો કરવાથી દૂર રહીએ જે આપણી માન્યતાની વિરુદ્ધ હોય. (યોહા. ૮:૪૪) યહોવા ચાહે છે કે તેમના લોકો ‘જે ખરાબ છે એને ધિક્કારે, જે સારું છે એને વળગી રહે.’ ઈસુએ પણ એવું જ કર્યું હતું.—રોમ. ૧૨:૯; હિબ્રૂ. ૧:૯.

(૩) ઈસુને સતાવવામાં આવ્યા

ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે તેમને વધસ્તંભ પર લટકાવીને મારી નાખવામાં આવ્યા અને. આજે પણ ઘણા લોકો કદાચ એ કારણોને લીધે ઈસુના શિષ્યો પર વિશ્વાસ ન કરે (ફકરો ૧૨ જુઓ) *

૧૨. ઈસુ જ મસીહ છે એ માનવું યહૂદીઓ માટે કેમ મુશ્કેલ હતું?

૧૨ ઈસુના સમયમાં બીજા કયા કારણને લીધે યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો? પાઉલે કહ્યું: “વધસ્તંભ પર મારી નાખેલા ખ્રિસ્તને અમે જાહેર કરીએ છીએ, એ વાત યહૂદીઓ માટે ઠોકરરૂપ છે.” (૧ કોરીં. ૧:૨૩) ઈસુને વધસ્તંભ પર ગુનેગારની જેમ મારી નાખવામાં આવ્યા. એટલે ઘણા યહૂદીઓ માટે એ માનવું મુશ્કેલ હતું કે ઈસુ જ મસીહ છે.—પુન. ૨૧:૨૨, ૨૩.

૧૩. અમુક યહૂદીઓએ કઈ વાત પર ધ્યાન ન આપ્યું?

૧૩ જેઓ ઈસુનો ન્યાય કરવાના હતા તેઓએ ભેદભાવ રાખ્યા વગર ઈસુનો ન્યાય કરવાનો હતો. પણ તેઓએ નિયમ બાજુ પર મૂકી દીધો હતો. તેઓ તો ફટાફટ મુકદ્દમો પૂરો કરવામાં લાગેલા હતા. (લૂક ૨૨:૫૪; યોહા. ૧૮:૨૪) તેઓ “ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ શોધતા હતા.” પણ તેઓને હાથ કંઈ લાગ્યું નહિ. એટલે મુખ્ય યાજક, ઈસુને તેમની જ વાતમાં ફસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા જે નિયમ પ્રમાણે ખોટું હતું. (માથ. ૨૬:૫૯; માર્ક ૧૪:૫૫-૬૪) પછીથી ઈસુ પાછા જીવતા થયા અને તેમની કબર ખાલી મળી, ત્યારે તેઓએ રોમન સૈનિકોને “ચાંદીના ઘણા સિક્કા” આપ્યા. તેઓએ રોમન સૈનિકો પાસે જૂઠી અફવા ફેલાવી કે શિષ્યો આવીને ઈસુની લાશ લઈ ગયા. (માથ. ૨૮:૧૧-૧૫) જે યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો તેઓએ એ વાત પર ધ્યાન ન આપ્યું, કે ઈસુ નિર્દોષ હતા. તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમની સાથે અન્યાય થયો હતો.

૧૪. શાસ્ત્રમાં મસીહના મરણ વિશે શું જણાવવામાં આવ્યું હતું?

૧૪ શાસ્ત્ર શું કહે છે? ઈસુના સમયમાં ઘણા યહૂદીઓએ કદી વિચાર્યું ન હતું કે મસીહને મારી નાખવામાં આવશે. પણ ભવિષ્યવાણીઓમાં અગાઉથી જણાવ્યું હતું કે “તેણે પોતાનું જીવન આપી દીધું અને તે ગુનેગારોમાંનો એક ગણાયો. તેણે ઘણા લોકોનાં પાપ માથે લીધાં અને ગુનેગારો માટે સમાધાન કરાવ્યું.” (યશા. ૫૩:૧૨) એટલે ઈસુને ગુનેગારની જેમ મારી નાખવામાં આવ્યા ત્યારે, યહૂદીઓએ ઠોકર ખાવી જોઈતી ન હતી.

૧૫. લોકો શા માટે યહોવાના સાક્ષીઓનું સાંભળતા નથી?

૧૫ શું આજે પણ લોકો એવા છે? હા, છે. ઈસુ સાથે અન્યાય થયો હતો અને તેમની પર મુકદ્દમો ચાલ્યો. એવી જ રીતે આજે યહોવાના સાક્ષીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેઓ પર ખોટા આરોપો મૂકવામાં આવે છે. એના લીધે લોકો યહોવાના સાક્ષીઓનું સાંભળતા નથી. દાખલા તરીકે, અમેરિકામાં ૧૯૩૦થી ૧૯૫૦ની વચ્ચે યહોવાના સાક્ષીઓએ ઘણા મુકદ્દમા લડવા પડ્યા. કારણ કે તેઓને ભક્તિ કરવાની છૂટ ન હતી. અમુક સાક્ષીઓ સાથે ભેદભાવ થયો અને તેઓ એ મુકદ્દમો હારી ગયા. કેનેડાના ક્વિબેક શહેરમાં સરકાર અને ચર્ચના લોકોએ ભેગા મળીને યહોવાના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કર્યો. અમુક સાક્ષીઓને તો જેલમાં નાંખી દેવામાં આવ્યા, કારણ કે તેઓએ પડોશીઓને ઈશ્વરના રાજ્ય વિશે વાત કરી હતી. જર્મનીમાં નાઝી સરકારે ઘણા યુવાન સાક્ષીઓને મોતને ઘાટ ઉતારી દીધા. હાલમાં રશિયાની સરકારે બાઇબલ વિશે વાત કરવા યહોવાના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેઓને લાગે છે કે એ કામના લીધે “દેશને ખતરો” છે. ઘણા સાક્ષીઓ પર મુકદ્દમા ચાલે છે અને તેઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા છે. રશિયાની સરકારે યહોવાના સાક્ષીઓના પવિત્ર શાસ્ત્ર-નવી દુનિયા ભાષાંતર બાઇબલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે, એમાં ઈશ્વરનું નામ યહોવા લખ્યું છે. તેઓને લાગે છે કે, એ પુસ્તકથી “દેશને ખતરો” છે.

૧૬. પહેલો યોહાન ૪:૧ પ્રમાણે આપણે અફવાઓ પર કેમ ભરોસો ન કરવો જોઈએ?

૧૬ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? આપણે હકીકતોની તપાસ કરવી જોઈએ. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ ચેતવણી આપી હતી કે, અમુક લોકો ‘જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરશે.’ (માથ. ૫:૧૧) આવી ખોટી અફવાઓ ફેલાવામાં તો શેતાનનો હાથ છે. તે બીજાઓનો ઉપયોગ કરીને યહોવાના સાક્ષીઓ વિશે જૂઠી અફવા ફેલાવે છે. (પ્રકટી. ૧૨:૯, ૧૦) આપણે એવી અફવાઓમાં આવી ન જઈએ. આપણે ડરીએ નહિ કે યહોવાની સેવામાંથી પાછા હઠીએ નહિ.—૧ યોહાન ૪:૧ વાંચો.

(૪) ઈસુના દોસ્તોએ તેમને છોડી દીધા

ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે યહૂદાએ તેમને દગો દીધો. આજે પણ ઘણા લોકો કદાચ એ કારણોને લીધે ઈસુના શિષ્યો પર વિશ્વાસ ન કરે (ફકરા ૧૭-૧૮ જુઓ) *

૧૭. ઈસુના મરણ પહેલાં એવું શું થયું જેના લીધે અમુકે તેમના પર વિશ્વાસ ન કર્યો?

૧૭ ઈસુના મરણ પહેલાં તેમના શિષ્યોમાંના એકે તેમને દગો દીધો. બીજા એકે તેમને ત્રણ વખત ઓળખવાનો નકાર કર્યો અને બાકીના બધા તેમને એકલા છોડીને જતા રહ્યા. (માથ. ૨૬:૧૪-૧૬, ૪૭, ૫૬, ૭૫) ઈસુને એની નવાઈ ન લાગી કારણ કે તે જાણતા હતા કે એવું થશે. (યોહા. ૬:૬૪; ૧૩:૨૧, ૨૬, ૩૮; ૧૬:૩૨) પણ આવું જોઈને અમુક યહૂદીઓએ વિચાર્યું હશે કે ‘જો ઈસુના શિષ્યો આવા હોય તો મારે એમના શિષ્યો નથી બનવું.’

૧૮. ઈસુના મરણ પહેલાં કઈ ભવિષ્યવાણીઓ પૂરી થઈ?

૧૮ શાસ્ત્ર શું કહે છે? યહોવાએ ઘણાં વર્ષો પહેલાં જણાવ્યું હતું કે ખ્રિસ્તને ચાંદીના ૩૦ સિક્કા માટે દગો આપવામાં આવશે. (ઝખા. ૧૧:૧૨, ૧૩) એ દગો દેનાર તેમનો નજીકનો સાથી હશે. (ગીત. ૪૧:૯) પ્રબોધક ઝખાર્યાએ પણ લખ્યું હતું કે “ઘેટાંપાળકને માર અને ટોળાને વિખેરાઈ જવા દે.” (ઝખા. ૧૩:૭) ઈસુમાં એ બધી ભવિષ્યવાણીઓ પૂરી થતા જોઈને નમ્ર લોકોનો વિશ્વાસ વધારે મજબૂત થવો જોઈતો હતો.

૧૯. નમ્ર દિલના લોકો શું જાણે છે?

૧૯ શું આજે પણ લોકો એવા છે? હા, છે. આપણા સમયમાં પણ ઘણા જાણીતા સાક્ષીઓએ ઈશ્વરની સેવા કરવાનું છોડી દીધું છે. તેઓ સત્ય વિરુદ્ધ થઈ ગયા છે અને બીજાઓને પણ ઈશ્વરની સેવા કરતા રોકવાનો પ્રયત્ન કરે છે. તેઓ ટીવી, પેપર, રેડિયો અને ઇન્ટરનેટ પર યહોવાના સાક્ષીઓ વિશે અફવાઓ ફેલાવે છે. પણ નમ્ર દિલના લોકો જાણે છે કે એવી વાતો પર ધ્યાન આપવું ન જોઈએ. કારણ કે બાઇબલમાં અગાઉથી જ જણાવ્યું હતું કે એવું થશે.—માથ. ૨૪:૨૪; ૨ પિત. ૨:૧૮-૨૨.

૨૦. આપણે ઠોકર ખાવાથી બચવા શું કરવું જોઈએ? (૨ તિમોથી ૪:૪, ૫)

૨૦ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? બાઇબલનો અભ્યાસ કરીએ, વારંવાર પ્રાર્થના કરીએ અને એવા કામોમાં મંડ્યા રહીએ જે વિશે યહોવાએ આજ્ઞા આપી છે. એ બધું કરવાથી આપણો વિશ્વાસ મજબૂત કરી શકીશું. (૨ તિમોથી ૪:૪, ૫ વાંચો.) જો વિશ્વાસ મજબૂત હશે તો યહોવાના સાક્ષી વિરુદ્ધ ફેલાવવામાં આવતી અફવાઓથી આપણે ડરીશું નહિ. (યશા. ૨૮:૧૬) આપણે યહોવાને, બાઇબલને અને તેમના લોકોને પ્રેમ કરીએ. એમ કરીશું તો એવા લોકોથી ઠોકર નહિ ખાઈએ જેઓ સત્ય છોડીને જતા રહ્યા છે.

૨૧. પહેલી સદીની જેમ આજે પણ શું સાચું છે?

૨૧ પહેલી સદીમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો ન હતો. પણ ઘણા એવા હતા જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો. યહૂદી ન્યાયસભાના એક સભ્ય અને ‘ઘણા બધા યાજકો’ ઈસુના શિષ્યો બન્યા હતા. (પ્રે.કા. ૬:૭; માથ. ૨૭:૫૭-૬૦; માર્ક ૧૫:૪૩) આજે મોટા ભાગના લોકો ઈસુમાં નથી માનતા, પણ લાખો લોકો એવા છે જે માને છે. કારણ કે તેઓ જાણે છે કે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે અને તેઓ એને પ્રેમ કરે છે. બાઇબલમાં લખ્યું છે, “તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે. તેઓને કશાથી ઠોકર લાગતી નથી.”—ગીત. ૧૧૯:૧૬૫.

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

^ ફકરો. 5 લોકો ઈસુ પર કેમ વિશ્વાસ કરતા ન હતા અને આજે તેઓ ઈસુના શિષ્યોનું કેમ સાંભળતા નથી, એના વિશે આપણે ગયા લેખમાં ચાર કારણો જોયાં હતાં. આ લેખમાં આપણે બીજાં ચાર કારણોની ચર્ચા કરીશું. આપણે એ પણ જોઈશું કે જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓ શા માટે દરેક સંજોગોમાં તેમની ભક્તિ કરે છે અને કોઈપણ વાતથી ઠોકર ખાતા નથી.

^ ફકરો. 60 ચિત્રની સમજ: માથ્થી અને કર ઉઘરાવનારાઓ સાથે ઈસુ જમી રહ્યા છે.

^ ફકરો. 62 ચિત્રની સમજ: ઈસુ મંદિરમાંથી વેપારીઓને ભગાડી રહ્યા છે.

^ ફકરો. 64 ચિત્રની સમજ: ઈસુ વધસ્તંભ ઉચકીને ચાલી રહ્યા છે.

^ ફકરો. 66 ચિત્રની સમજ: ઈસુને યહૂદા ચુંબન કરે છે અને દગો દે છે.