સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૧

યહોવા તમને શક્તિ આપશે

યહોવા તમને શક્તિ આપશે

“જ્યારે હું નબળો હોઉં છું, ત્યારે હું બળવાન હોઉં છું.”—૨ કોરીં. ૧૨:૧૦.

ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે

ઝલક *

૧-૨. અમુક ભાઈ-બહેનોને કઈ મુશ્કેલીઓ છે?

પ્રેરિત પાઉલે તિમોથીને સેવાકાર્ય કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું હતું. (૨ તિમો. ૪:૫) પાઉલની એ સલાહ આપણે પણ લાગુ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એમ કરવું સહેલું હોતું નથી. અમુક ભાઈ-બહેનોને પ્રચાર કરવાનો ડર લાગે છે. (૨ તિમો. ૪:૨) કારણ કે અમુક દેશોમાં આપણા કામ પર પ્રતિબંધ છે કે પછી અમુક રોક લગાવવામાં આવી છે. ભાઈ-બહેનોને ખબર છે કે એવા સંજોગોમાં તેઓ પ્રચાર કરે તો તેઓને જેલ થઈ શકે, તેમ છતાં તેઓ પ્રચાર કરતા રહે છે.

આપણાં ભાઈ-બહેનોને અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એના લીધે તેઓ નિરાશ થઈ જાય છે. દાખલા તરીકે, ઘણાંએ ગુજરાન ચલાવવા ખૂબ મહેનત કરવી પડે છે. એમાં જ તેઓનો બધો સમય અને શક્તિ ખર્ચાય જાય છે. એટલે યહોવાની સેવા માટે તેઓ પાસે તાકાત જ રહેતી નથી. બીજાં કેટલાંક મોટી ઉંમરનાં છે કે બીમાર છે અથવા ઘરમાંથી બહાર નીકળી શકતાં નથી. બીજાં કેટલાંકને લાગે છે કે યહોવાની નજરમાં તેઓની કોઈ કિંમત નથી. મધ્ય પૂર્વ દેશમાં રહેતાં મારિયાબહેન * કહે છે કે “અમુક વાર હું એટલી નિરાશ થઈ જઉં છું કે મારી બધી તાકાત એ લાગણી સામે લડવામાં નીકળી જાય છે. પછી મને બહુ ખરાબ લાગે છે. કારણ કે જે સમય-શક્તિ હું પ્રચારકામમાં લગાવી શકતી હતી એ લાગણીઓ સામે લડવામાં નીકળી જાય છે.”

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આપણા સંજોગો ભલે ગમે એવા હોય, યહોવાની સેવામાં બનતું બધું કરવા તે આપણને શક્તિ પૂરી પાડી શકે છે. આ લેખમાં જોઈશું કે તે એ શક્તિ કઈ રીતે આપે છે. પણ એ પહેલાં આપણે જોઈએ કે મુશ્કેલીઓ હોવા છતાં પાઉલ અને તિમોથીને યહોવાએ કઈ રીતે મદદ કરી.

યહોવા આપણને પ્રચારમાં લાગુ રહેવા શક્તિ આપે છે

૪. પાઉલના જીવનમાં કઈ તકલીફો હતી?

પાઉલના જીવનમાં ઘણી તકલીફો હતી. તેમને મારવામાં આવ્યા, તેમના પર પથ્થરો ફેંકવામાં આવ્યા અને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. (૨ કોરીં. ૧૧:૨૩-૨૫) તે પોતાની નબળાઈઓને લીધે ઘણી વાર નિરાશ થઈ જતા. તે કહેતા એ નિરાશા સામે લડવું તેમના માટે ઘણું અઘરું હતું. (રોમ. ૭:૧૮, ૧૯, ૨૪) તેમને એક બીમારી હતી, જે ‘શરીરમાં કાંટા’ જેવી હતી. એ કાંટો કાઢવા તેમણે યહોવાને ઘણી વાર વિનંતી કરી.—૨ કોરીં. ૧૨:૭, ૮.

પાઉલ પ્રચારમાં લાગુ રહેવા ક્યાંથી મદદ મળી? (ફકરા ૫-૬ જુઓ) *

૫. મુશ્કેલીઓ છતાં પાઉલ શું કરતા રહ્યા?

યહોવાએ પાઉલને શક્તિ આપી, એટલે તે મુશ્કેલીઓ છતાં પ્રચાર કરતા રહ્યા. દાખલા તરીકે, તે રોમમાં એક ઘરમાં નજરકેદ હતા ત્યારે પૂરા ઉત્સાહથી યહુદી ધર્મગુરુઓને પ્રચાર કરતા રહ્યા. તેમણે ત્યાં કદાચ મોટા મોટા સરકારી અધિકારીઓને પણ પ્રચાર કર્યો. (પ્રે.કા. ૨૮:૧૭; ફિલિ. ૪:૨૧, ૨૨) તેમણે સમ્રાટના અંગરક્ષકોને પણ ખુશખબર જણાવી. તેમને મળવા આવનાર લોકોને પણ તે પ્રચાર કરતા રહ્યા. (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧; ફિલિ. ૧:૧૩) એ સમય દરમિયાન તેમણે ઘણાં બધાં મંડળોને પત્રો લખ્યાં, જેનાથી ભાઈ-બહેનોને ઘણો ફાયદો થયો. એ પત્રોથી આજે આપણને પણ ઘણો ફાયદો થાય છે. પાઉલે સારું ઉદાહરણ બેસાડ્યું હતું. એનાથી રોમનાં ભાઈ-બહેનોને ઘણી હિંમત મળી. એટલે “તેઓ ડર્યા વગર વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો” જણાવતા રહ્યા. (ફિલિ. ૧:૧૪) પાઉલ જેટલું કરવા માંગતા હતા એટલું કરી શકતા ન હતા. પણ તેમણે જે કંઈ પણ કર્યું એનાથી “ખુશખબર ફેલાવવામાં વધારે મદદ મળી.”—ફિલિ. ૧:૧૨.

૬. બીજો કોરીંથીઓ ૧૨:૯, ૧૦ પ્રમાણે પાઉલ શાની મદદથી યહોવાની સેવામાં લાગુ રહી શક્યા?

પાઉલ જાણતા હતા કે યહોવાની સેવામાં તે જે કરી રહ્યા હતા એ પોતાની શક્તિથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી કરી રહ્યા હતા. તેમણે એ વાતને સ્વીકારી કે ‘તે કમજોર હતા ત્યારે ઈશ્વરની તાકાત પૂરી રીતે દેખાય આવી.’ (૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦ વાંચો.) યહોવાની પવિત્ર શક્તિની મદદથી જ પાઉલ મુશ્કેલીઓ છતાં યહોવાની સેવામાં લાગુ રહી શક્યા.

તિમોથીને પ્રચારમાં લાગુ રહેવા ક્યાંથી મદદ મળી? (ફકરા ૭ જુઓ) *

૭. તિમોથીને કઈ મુશ્કેલીઓ હતી?

પાઉલના સાથીદાર તિમોથી ઘણા યુવાન હતા. તેમણે સેવામાં લાગુ રહેવા યહોવા પર આધાર રાખવાનો હતો. તેમણે પાઉલ સાથે ઘણી લાંબી લાંબી મુસાફરીઓ કરી હતી. અમુક વાર પાઉલ તેમને એકલા મંડળોની મુલાકાત લેવા અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા મોકલતા. (૧ કોરીં. ૪:૧૭) તિમોથીને લાગતું કે તે એ કામ નહિ કરી શકે. પણ પાઉલ તેમને ઉત્તેજન આપતા, “તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો.” (૧ તિમો. ૪:૧૨) વધુમાં, તિમોથીના શરીરમાં એક કાંટો હતો. એટલે તે વારંવાર બીમાર પડી જતા હતા. (૧ તિમો. ૫:૨૩) પણ તિમોથી જાણતા હતા કે યહોવાની પવિત્ર શક્તિની મદદથી તે પ્રચારકામ કરી શકશે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકશે.—૨ તિમો. ૧:૭.

મુશ્કેલીઓ છતાં વફાદાર રહેવા યહોવા આપણને તાકાત આપે છે

૮. આજે યહોવા આપણને કઈ રીતે શક્તિ આપે છે?

આજે યહોવા પોતાના લોકોને એવી તાકાત આપે છે જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” (૨ કોરીં. ૪:૭) એટલે તેઓ વફાદારીથી તેમની સેવા કરી શકે છે. ચાલો હવે એ ચાર ગોઠવણ જોઈએ જેના દ્વારા યહોવા આપણને શક્તિ આપે છે અને વફાદાર રહેવા મદદ કરે છે. એ છે પ્રાર્થના, બાઇબલ, ભાઈ-બહેનો અને પ્રચારકામ.

યહોવા આપણને પ્રાર્થના દ્વારા શક્તિ આપે છે (ફકરા ૯ જુઓ)

૯. પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?

પ્રાર્થના. એફેસીઓ ૬:૧૮માં પાઉલે ઉત્તેજન આપ્યું કે આપણે “બધા સંજોગોમાં” યહોવાને પ્રાર્થના કરીએ. યહોવા આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને શક્તિ આપશે. ચાલો જોનીભાઈનો દાખલો જોઈએ, તે બોલિવિયામાં રહે છે. અચાનક તેમના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. એકસાથે તેમનાં મમ્મી, પપ્પા અને પત્ની બીમાર પડ્યાં. જોનીભાઈ માટે એ ત્રણેયની સંભાળ લેવી ખૂબ અઘરું હતું. થોડા સમય પછી તેમના મમ્મી ગુજરી ગયાં. તેમનાં પપ્પા અને પત્નીને સાજા થવામાં ઘણી વાર લાગી. એ મુશ્કેલ સંજોગો વિશે જોનીભાઈ કહે છે, “મારાં પર ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયાં હતાં. પણ યહોવાને પ્રાર્થના કરવાથી મને ઘણી હિંમત અને શક્તિ મળી. હું પ્રાર્થનામાં યહોવા સામે મારું દિલ ઠાલવી દેતો.” એ જ દેશમાં રહેતા રોનાલ્ડભાઈનો વિચાર કરીએ, જે એક વડીલ છે. તેમને ખબર પડી કે તેમનાં મમ્મીને કેન્સર છે. એક મહિના પછી તેમનાં મમ્મી ગુજરી ગયાં. એ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવાથી રોનાલ્ડભાઈને હિંમત મળી. તે કહે છે, “યહોવાને પ્રાર્થના કરતી વખતે હું મારી દિલની લાગણીઓ ઠાલવી દઉં છું. મને ખાતરી છે કે ભલે બીજાઓ મને ન સમજે, પણ યહોવા મને સારી રીતે સમજે છે. અરે, તે તો મને મારાં કરતાં પણ વધારે સારી રીતે સમજે છે.” ઘણી વાર ચિંતામાં હોઈએ એટલે ખબર ન પડે કે પ્રાર્થનામાં શું કહેવું, પણ યહોવા ચાહે છે કે આપણે પ્રાર્થના કરીએ.—રોમ. ૮:૨૬, ૨૭.

યહોવા આપણને બાઇબલ દ્વારા શક્તિ આપે છે (ફકરા ૧૦ જુઓ)

૧૦. આપણે કેમ બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ?

૧૦ બાઇબલ. પાઉલની જેમ આપણે પણ બાઇબલ વાંચવું જોઈએ. એનાથી આપણને હિંમત અને દિલાસો મળશે. (રોમ. ૧૫:૪) આપણે બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. એમ કરીશું તો યહોવા એ સમજવા મદદ કરશે કે જે વાંચ્યું એ આપણે કઈ રીતે લાગુ કરી શકીએ. (હિબ્રૂઓ ૪:૧૨ વાંચો.) અગાઉ આપણે રોનાલ્ડભાઈ વિશે જોઈ ગયા. તે કહે છે, “મને ખુશી છે કે રોજ રાત્રે બાઇબલ વાંચવાની મેં આદત કેળવી છે. હું યહોવાના ગુણો પર મનન કરું છું. હું એ પણ વિચાર કરું છું કે યહોવાએ બાઇબલ સમયમાં પોતાના સેવકોની કઈ રીતે સંભાળ રાખી. આમ કરવાથી મને બહુ હિંમત મળે છે.”

૧૧. બાઇબલની મદદથી કઈ રીતે એક બહેન પોતાનું દુઃખ સહી શક્યાં?

૧૧ આપણે બાઇબલના અહેવાલો પર મનન કરીએ છીએ ત્યારે ચિંતાઓ માટે યોગ્ય વલણ રાખવા મદદ મળે છે. એક બહેનનો દાખલો જોઈએ. બહેનના પતિ ગુજરી ગયા હતા. તે ઘણી તકલીફમાં હતા. એક વડીલે તેમને અયૂબનું પુસ્તક વાંચવાની સલાહ આપી. બહેને વાંચવાનું શરૂ કર્યુ ત્યારે તેમને લાગ્યું કે અયૂબ કેવું ખોટું વિચારે છે. બહેને મનમાં કહ્યું: “અયૂબ, તમે જે રીતે વિચારો છો એ બરાબર નથી, એ ખોટું છે.” પછી બહેનને સમજાયું કે તે પણ અયૂબ જેવું જ વિચારી રહ્યાં હતાં. આમ, બહેનને બાઇબલની મદદથી પોતાના વિચારો સુધારવા મદદ મળી અને તે પતિને ગુમાવવાનું દુઃખ સહી શક્યાં.

યહોવા આપણને ભાઈ-બહેનો દ્વારા શક્તિ આપે છે (ફકરા ૧૨ જુઓ)

૧૨. યહોવા કઈ રીતે આપણને હિંમત આપે છે?

૧૨ ભાઈ-બહેનો. યહોવા ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને આપણને હિંમત આપે છે. પાઉલે લખ્યું હતું કે તે ભાઈ-બહેનોને મળવા તલપી રહ્યા છે. જેથી તેઓ ‘અરસપરસ ઉત્તેજન મેળવી શકે.’ (રોમ. ૧:૧૧, ૧૨) ચાલો ફરી મારિયાબહેનના ઉદાહરણ પર ધ્યાન આપીએ. તેમને ભાઈ-બહેનો સાથે હળવું-મળવું ખૂબ ગમતું હતું. તે કહે છે, “ભાઈ-બહેનો દ્વારા યહોવા મને ઉત્તેજન આપે છે. તેઓ મને ઘણી સારી વાતો કહે છે અથવા એક સરસ કાર્ડ લખીને મોકલે છે. જ્યારે કે તેઓને ખબર પણ હોતી નથી કે હું કેવી લાગણીઓ સામે લડી રહી છું. મને એવાં બહેનો સાથે હળવું-મળવું ગમે છે, જેઓ મારા જેવી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યાં છે. તેઓ પાસેથી હું શીખી શકી કે કઈ રીતે પોતાની લાગણીઓ સામે લડી શકું. અરે, વડીલો પણ મને ભરોસો અપાવે છે કે હું મંડળ માટે ખૂબ કીમતી છું.”

૧૩. આપણે કઈ રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ?

૧૩ સભાઓમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાનો આપણને મોકો મળે છે. એકબીજાને કહી શકીએ છીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ અને તેઓની કદર કરીએ છીએ. પિટરભાઈ વડીલ છે, તેમણે પણ આવું જ કંઈક કર્યું હતું. એકવાર સભા પહેલાં તે એક બહેનને મળ્યા, જેમના પતિ સત્યમાં ન હતા. તેમણે બહેનને જણાવ્યું, “તમે છ બાળકો સાથે સભામાં આવો છો, એ જોઈને મને ઘણું સારું લાગે છે. તમે તેઓને તૈયાર કરીને લાવો છો. તેઓ સારા જવાબો આપે છે.” એ સાંભળીને તો બહેનની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું: “તમારી વાતથી મને એટલી હિંમત મળી છે કે હું શબ્દોમાં એને જણાવી શકતી નથી.”

યહોવા આપણને પ્રચારકામ દ્વારા શક્તિ આપે છે (ફકરા ૧૪ જુઓ)

૧૪. પ્રચાર કરવાથી આપણને કેવી મદદ મળે છે?

૧૪ પ્રચારકામ. આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે ઘણું સારું લાગે છે, પછી ભલે ને લોકો સાંભળે કે ન સાંભળે. (નીતિ. ૧૧:૨૫) ચાલો, સ્ટેસીબહેનનો દાખલો જોઈએ. તેમને પ્રચારકામ કરવાથી ઘણી હિંમત મળી હતી. તેમના કુટુંબના એક સભ્યને બહિષ્કૃત કરવામાં આવ્યા ત્યારે તે ઘણાં દુઃખી થઈ ગયાં. તે વિચાર્યા કરતા કે “કાશ હું એમને આવી મોટી ભૂલ કરતા રોકી શકી હોત.” તેમના મનમાંથી એ વાત નીકળતી જ ન હતી. તેમને શેનાથી મદદ મળી? પ્રચાર કરવાથી તે પોતાનું ધ્યાન મુશ્કેલીઓ પરથી હટાવીને લોકો પર લગાવી શક્યાં. બહેન કહે છે, “યહોવાની મદદથી મને એવા સરસ બાઇબલ વિદ્યાર્થી મળ્યા, જે શીખેલી વાતોને પોતાના જીવનમાં લાગુ કરી રહ્યા હતા. એ વાતથી મને ઘણી હિંમત મળી. સાચે જ પ્રચારને લીધે હું મારા સંજોગોનો સારી રીતે સામનો કરી શકી.”

૧૫. મારીયાબહેનના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૫ અમુક લોકો પ્રચારમાં ઘણું કરવા ઇચ્છે છે, પણ સંજોગોને લીધે કરી શકતા નથી. જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? યાદ રાખો કે તમે બનતું બધું કરો છો એ જોઈને યહોવા બહુ ખુશ થાય છે. અગાઉ જોઈ ગયા એ મારીયાબહેન નવી ભાષામાં પ્રચાર કરવા બીજી જગ્યાએ ગયાં હતાં. પણ તે ખાસ કંઈ કરી શકતાં ન હતાં. તે કહે છે, “હું સભામાં માંડ માંડ જવાબ આપી શકતી. એકાદ કલમ વાંચી શકતી. પ્રચારમાં પણ હું લોકોને ફક્ત પત્રિકા પકડાવી દેતી.” તેમને લાગતું કે જેઓ એ ભાષા સારી રીતે બોલે છે તેઓના જેટલું પોતે કરી શકતાં નથી. પણ પછી તેમને સમજાયું કે ભલે તે ખાસ કંઈ કરી શકતાં ન હોય પણ તે યહોવાના કામમાં આવી શકે છે. આમ તેમણે પોતાના વિચારો બદલ્યા. તે કહે છે કે “બાઇબલનાં સત્ય એટલા સરળ છે કે તે લોકોનું જીવન બદલી શકે છે. એટલે જરૂરી નથી કે કોઈ ભાષા આપણને સારી રીતે આવડવી જોઈએ.”

૧૬. જેઓ ઘરની બહાર નીકળી શકતા નથી તેઓ કઈ રીતે પ્રચાર કરી શકે?

૧૬ યહોવા જાણે છે કે અમુકને પ્રચાર કરવાની ઘણી ઇચ્છા છે, પણ બીમારીના લીધે ઘરની બહાર નીકળી શકતા નથી. એવા સમયે આપણે પ્રચારની બીજી રીતોનો ઉપયોગ કરી શકીએ. જેમ કે આપણી સંભાળ લેતા ડોક્ટર કે નર્સને પ્રચાર કરી શકીએ. જો આપણે એવા વિચારોમાં ડૂબેલા રહીશું કે પહેલા જેટલું હવે કરી શકતા નથી, તો હિંમત હારી જઈશું. પણ આપણે એ વાત યાદ રાખીએ કે યહોવા આજે આપણને મદદ કરી રહ્યા છે. એમ કરીશું તો ગમે એવી મુશ્કેલીઓ આવે આપણને ખુશીથી સહેવા શક્તિ મળશે.

૧૭. આપણને તરત પરિણામ ન મળે તોપણ કેમ પ્રચારમાં લાગુ રહેવું જોઈએ?

૧૭ આપણે જાણતા નથી કે સત્યના જે બી વાવીએ છીએ, એમાંથી કયું બી મૂળ પકડશે અને ઊગશે. (સભાશિક્ષક ૧૧:૬ વાંચો.) ચાલો આપણે બાર્બરાબહેનનો દાખલો જોઈએ, જે ૮૦થી વધુ વર્ષનાં છે. તે ફોનથી અને પત્ર લખીને સાક્ષી આપે છે. એકવાર તેમણે અજાણતા એવાં પતિ-પત્નીને પત્ર લખ્યો જે ઘણાં વર્ષોથી બહિષ્કૃત હતાં. તેમણે પત્ર સાથે માર્ચ ૧, ૨૦૧૪નું ચોકીબુરજ (અંગ્રેજી) મોકલી આપ્યું, જેનો વિષય હતો, “વૉટ ગોડ હેઝ ડન ફોર યુ?” પતિ-પત્નીએ એ મૅગેઝિન વારંવાર વાંચ્યું. પતિને લાગ્યું કે જાણે યહોવા તેમની સાથે વાત કરી રહ્યા છે. પછી તેઓ સભામાં આવવા લાગ્યા. આશરે ૨૭ વર્ષ પછી તેઓ પાછા યહોવાની સેવા કરવા લાગ્યાં. એ જોઈને બાર્બરાબહેનને કેટલી હિંમત મળી હશે કે તેમણે લખેલા પત્રનું આવું સુંદર પરિણામ મળ્યું!

યહોવા આપણને (૧) પ્રાર્થના, (૨) બાઇબલ, (૩) ભાઈ-બહેનો અને (૪) પ્રચારકામ દ્વારા શક્તિ આપે છે (ફકરા ૯-૧૦, ૧૨, ૧૪ જુઓ)

૧૮. યહોવા પાસેથી શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૮ આ લેખમાં આપણે જોઈ ગયા કે યહોવા પોતાના ભક્તોને મદદ કરે છે અને તેઓને ઉત્તેજન આપે છે. એ માટે તેમણે પ્રાર્થના, બાઇબલ, ભાઈ-બહેનો અને પ્રચારકામની ગોઠવણ કરી છે. આપણે એ ચાર ગોઠવણનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એમ કરીને બતાવીશું કે આપણને યહોવા પર ભરોસો છે. જેઓ ‘પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે, તેઓને મદદ કરીને તે પોતાની શક્તિ બતાવે છે.’ (૨ કાળ. ૧૬:૯) એમ કરવામાં તેમને ઘણી ખુશી થાય છે. તો ચાલો આપણે હંમેશાં યહોવા પર આધાર રાખીએ.

ગીત ૧૭ હિંમત ન હારો!

^ ફકરો. 5 આજે આપણે મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ. પણ એ મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા આપણી મદદ કરે છે. આ લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે પાઉલ અને તિમોથીને મદદ કરી હતી, જેથી તેઓ મુશ્કેલીઓ છતાં યહોવાની સેવા કરતા રહી શક્યા. એવી ચાર ગોઠવણ વિશે પણ જોઈશું, જેની મદદથી આપણે યહોવાની સેવા કરતા રહી શકીએ.

^ ફકરો. 2 નામ બદલ્યું છે.

^ ફકરો. 53 ચિત્રની સમજ: રોમમાં એક ઘરમાં પાઉલ નજરકેદ હતા ત્યારે તેમણે ઘણાં મંડળોને પત્ર લખ્યા. તેમને મળવા આવનાર લોકોને તેમણે પ્રચાર કર્યો.

^ ફકરો. 55 ચિત્રની સમજ: તિમોથી જે મંડળમાં જતા ત્યાંના ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા.