સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૮

શું તમે ઈસુના લીધે ઠોકર ખાશો?

શું તમે ઈસુના લીધે ઠોકર ખાશો?

“જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”​—માથ. ૧૧:૬.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક *

૧. બીજાઓને પહેલી વાર સત્ય જણાવીએ ત્યારે શું થઈ શકે? 

શું તમને યાદ છે એ દિવસ જ્યારે તમને લાગ્યું કે આ જ સત્ય છે? તમે બાઇબલમાંથી અભ્યાસ કરતા હતા ત્યારે તમને ખબર પડી હશે કે એનું શિક્ષણ તો સાફ અને સરળ છે. તમને થયું હશે કે બીજાઓ એમાંથી શીખશે તો તેઓનું જીવન પણ સુખી થશે. તેઓને પણ નવી દુનિયાની આશા મળશે. (ગીત. ૧૧૯:૧૦૫) એટલે તમે દોસ્તોને અને બીજા સગાવહાલાઓને એના વિશે કહેવા લાગ્યા હશો. પણ તમે ધાર્યું હતું એવું કંઈ બન્યું નહિ તેઓએ તમારી વાત સાંભળી નહિ.

૨-૩. ઈસુના સમયમાં મોટાભાગના લોકોએ શું કર્યું?

લોકો આપણો સંદેશો ન સાંભળે ત્યારે નવાઈ ન પામવી જોઈએ. ઈસુએ ઘણા ચમત્કારો કર્યા હતા. એનાથી સાફ દેખાઈ આવતું કે ઈશ્વર તેમની મદદ કરી રહ્યા છે. તેમ છતાં એ સમયના લોકોએ ઈસુનો નકાર કર્યો. દાખલા તરીકે, ઈસુએ લાજરસને મરણમાંથી જીવતા કર્યા એ વાત યહુદી ધર્મગુરુઓ નકારી શક્યા નહિ. પણ તેઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા નહિ. અરે, તેઓ તો લાજરસ અને ઈસુ બંનેને મારી નાખવા માંગતા હતા.—યોહા. ૧૧:૪૭, ૪૮, ૫૩; ૧૨:૯-૧૧.

ઈસુ જાણતા હતા કે મોટાભાગના લોકો તેમને મસીહ તરીકે સ્વીકારશે નહિ. (યોહા. ૫:૩૯-૪૪) તેમણે બાપ્તિસ્મા આપનાર યોહાનના શિષ્યોને કહ્યું: “જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.” (માથ. ૧૧:૨, ૩, ૬) લોકોએ કેમ ઈસુ પર વિશ્વાસ ન કર્યો?

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

પહેલી સદીના અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ કેમ ન કર્યો? આ લેખમાં અને હવે પછીના લેખમાં એનાં અમુક કારણો જોઈશું. એ વિશે પણ ચર્ચા કરીશું કે આજે લોકો કેમ ઈસુના શિષ્યોનું નથી સાંભળતા. વધુમાં જોઈશું કે આપણે કઈ રીતે ઈસુમાં વિશ્વાસ રાખી શકીએ, જેથી ઠોકર ન ખાઈએ અને તેમના પગલે ચાલતા રહીએ.

(૧) ઈસુ કોણ હતા અને ક્યાંના હતા?

અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે તે ગરીબ હતા અને નાનકડા શહેરના હતા. આજે પણ કદાચ એ કારણોને લીધે લોકો આપણી વાત ન સાંભળે (ફકરો ૫ જુઓ) *

૫. કેમ લોકોને એવું લાગ્યું કે ઈસુ મસીહ ન હોય શકે? 

લોકો માનતા કે ઈસુ એક સારા શિક્ષક છે અને તેમણે મોટા મોટા ચમત્કારો કર્યા છે. પણ તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ. કારણ કે ઈસુ ગરીબ અને એક સુથારના દીકરા હતા. તે નાઝરેથમાં રહેતા હતા. લોકોની નજરે નાઝરેથ એક નાનકડું શહેર હતું. ઈસુના શિષ્ય નથાનિયેલને પણ પહેલા એવું જ લાગ્યું હતું એટલે તેમણે કહ્યું, “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?” (યોહા. ૧:૪૬) નથાનિયેલે એમ કહ્યું કારણ કે તેમને મીખાહ ૫:૨ની ભવિષ્યવાણી યાદ હશે. એમાં કહ્યું હતું કે મસીહનો જન્મ તો બેથલેહેમમાં થશે, નહિ કે નાઝરેથમાં.

૬. ઈસુને મસીહ તરીકે સ્વીકારવા લોકોએ શું કરવાનું હતું?

શાસ્ત્ર શું કહે છે? પ્રબોધક યશાયાએ પહેલેથી કહ્યું હતું કે ઈસુના દુશ્મનો મસીહ વિશે ‘જાણવાની કોઈ તસ્દી નહિ લે.’ જ્યારે કે એ વિશે ઘણી ભવિષ્યવાણીઓ હતી. (યશા. ૫૩:૮) જો તેઓએ થોડી શોધખોળ કરી હોત, તો જાણી શક્યા હોત કે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો છે અને તે દાઊદના વંશજ છે. (લૂક ૨:૪-૭) આમ જોવા જઈએ તો, ઈસુ એ જ જગ્યાએ જન્મ્યા હતા જે વિશે મીખાહ ૫:૨માં કહ્યું હતું. પણ તેઓએ કોઈ તપાસ કર્યા વગર પોતાના મનમાં વિચારી લીધું અને ઈસુને મસીહ માનવાનો નકાર કર્યો.

૭. શા માટે લોકો યહોવાના સાક્ષીઓનો સંદેશો સાંભળતા નથી?

શું આજે પણ લોકો એવા છે? હા છે. મોટાભાગના યહોવાના સાક્ષીઓ ધનવાન નથી. એટલે લોકોને લાગે છે કે તેઓ “અભણ અને સામાન્ય માણસો” છે. (પ્રે.કા. ૪:૧૩) કેટલાકનું માનવું છે કે ‘તેઓ તો ધાર્મિક શાળાઓમાં ગયા નથી તો આપણને કઈ રીતે બાઇબલમાંથી શીખવી શકે.’ બીજા કેટલાકનો દાવો છે કે યહોવાના સાક્ષી તો “અમેરિકાના ધર્મના” લોકો છે. પણ હકીકત એ છે કે મોટાભાગના યહોવાના સાક્ષીઓ અમેરિકામાંથી નહિ પણ બીજા દેશોમાંથી છે. કેટલાકનું માનવું છે કે તેઓ “સામ્યવાદી” છે કે “અમેરિકાના જાસૂસ” છે અથવા તેઓ “દેશ માટે મોટો ખતરો” છે. બીજા કેટલાક માને છે કે યહોવાના સાક્ષીઓ ઈસુમાં માનતા નથી. એ બધી અફવાઓને લીધે લોકો યહોવાના સાક્ષીઓનો સંદેશો સાંભળતા નથી.

૮. પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧ પ્રમાણે કેવી રીતે જાણી શકાય કે આજે યહોવાના લોકો કોણ છે?

વ્યક્તિ ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકે? તેણે સારી રીતે સંશોધન કરવું જોઈએ. લૂકે પણ એવું જ કર્યું હતું. પોતાનું પુસ્તક લખતી વખતે તેમણે “શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી” હતી. તે ચાહતા હતા કે લોકોને પાકી ખાતરી થાય કે તેઓએ ઈસુ વિશે જે વાતો સાંભળી છે “એ ખરી છે.” (લૂક ૧:૧-૪) બેરિઆમાં રહેતા યહુદી લોકોએ લૂક જેવું જ કર્યું હતું. ઈસુ વિશે તેમણે જે વાતો સાંભળી હતી એ સાચી છે કે નહિ, એના વિશે જાણવા હિબ્રૂ શાસ્ત્રવચનોમાં સંશોધન કર્યું. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧ વાંચો.) વ્યક્તિ જે કંઈ શીખે એ વિશે તેણે બાઇબલમાંથી સંશોધન કરવું જોઈએ. તેણે યહોવાના સાક્ષીઓના ઇતિહાસ વિશે પણ તપાસવું જોઈએ. તે સારી રીતે સંશોધન કરશે તો લોકોની વાતોમાં નહિ આવે. 

(૨) ઈસુએ દેખાડો કરવા ચમત્કાર ન કર્યા

અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે તેમણે દેખાડો કરવા ચમત્કાર કર્યા નહિ. આજે પણ કદાચ એ કારણોને લીધે લોકો આપણી વાત ન સાંભળે (ફકરા ૯-૧૦ જુઓ) *

૯. ઈસુએ આકાશમાંથી નિશાની બતાવવાની ના પાડી ત્યારે શું થયું?

ઈસુ જે શીખવતા હતા એનાથી અમુક લોકો ખુશ ન હતા. ઈસુ જ મસીહ છે એવી તેઓને સાબિતી જોઈતી હતી. એટલે તેઓએ ઈસુને કહ્યું: “આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.” (માથ. ૧૬:૧) તેઓએ કદાચ દાનિયેલ ૭:૧૩, ૧૪માં જે વાંચ્યું હતું એના કારણે એવું કહ્યું હોય. દાનિયેલની વાત હજુ ભવિષ્યમાં પૂરી થવાની હતી. જો તેઓએ ઈસુના શિક્ષણ પર ધ્યાન આપ્યું હોત તો તેઓને ખાતરી થઈ જાત કે ઈસુ જ મસીહ છે. પણ તેઓએ એવું કર્યું નહિ અને ઈસુએ આવી કોઈ નિશાનીઓ બતાવી નહિ. એટલે અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ.—માથ. ૧૬:૪.

૧૦. ઈસુએ કઈ રીતે યશાયાની ભવિષ્યવાણી પૂરી કરી?

૧૦ શાસ્ત્ર શું કહે છે? યશાયાએ મસીહ વિશે અગાઉથી જણાવ્યું હતું કે, “તે મોટેથી પોકારશે નહિ કે અવાજ ઊંચો કરશે નહિ. રસ્તાઓમાં તેનો અવાજ સંભળાશે નહિ.” (યશા. ૪૨:૧, ૨) ઈસુએ ક્યારેય લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો નહિ. તેમણે કોઈ આલીશાન મંદિર બનાવડાવ્યું નહિ. તેમણે એવો કોઈ ખાસ પોશાક પહેરીને દેખાડો કર્યો નહિ જેનાથી લોકો તેમને ઓળખે. તે ક્યારેય એવું ચાહતા ન હતા કે લોકો તેમને સંત કે મહાત્માના નામે ઓળખે. જીવનની છેલ્લી ઘડીઓમાં તેમણે હેરોદ રાજાને ખુશ કરવા ચમત્કાર કરવાની ના પાડી. (લૂક ૨૩:૮-૧૧) જોકે તેમણે અમુક સંજોગોમાં ઘણા ચમત્કાર કર્યા હતા. પણ તેમનું મુખ્ય કાર્ય પ્રચારકામ હતું એટલે તેમણે કહ્યું કે, “હું એ માટે જ આવ્યો છું.”—માર્ક ૧:૩૮.

૧૧. આજે અમુક લોકો શું વિચારે છે?

૧૧ શું આજે પણ લોકો એવા છે? હા, છે. આજે ઘણા લોકોને એકદમ મોટા અને આલીશાન ધાર્મિક ભવનો ગમે છે. તેઓને સંત-મહાત્મા જેવા લોકો ગમે છે. તેઓને એવા તહેવારો ઉજવવાનું ગમે છે જે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નથી. તેઓને લાગે છે કે, એ બધું કરવાને લીધે તેઓ ઈશ્વરને સારી રીતે ઓળખી શકશે, પણ એવું કંઈ થતું નથી. અરે, તેઓ પોતાની ધાર્મિક સભાઓમાં પણ ઈશ્વર વિશે કંઈ શીખી શકતા નથી. યહોવાના સાક્ષીઓની સભામાં ઈશ્વર વિશે ઘણું બધું શીખવવામાં આવે છે. તેઓનાં પ્રાર્થનાઘર આલીશાન તો નથી પણ સાફ સુથરા છે. પ્રાર્થનાઘરમાં મંડળોની સંભાળ રાખનાર ભાઈઓ કોઈ ખાસ પોશાક પહેરતા નથી. તેઓ એવું પણ નથી ઇચ્છતા કે લોકો તેમને કોઈ ખાસ નામથી બોલાવે. યહોવાના સાક્ષીઓ લોકોને બાઇબલમાંથી શીખવે છે તેમ છતાં, લોકો તેઓનું સાંભળતા નથી. કારણ કે, યહોવાના સાક્ષીઓ લોકોના કાનોને ગમે એવી વાતો શીખવતા નથી. અને તેઓ પોતાની ભક્તિમાં કોઈપણ જાતનો દેખાડો કરતા નથી.

૧૨. હિબ્રૂઓ ૧૧:૧, ૬ પ્રમાણે આપણે શ્રદ્ધા મજબૂત કરવા શું કરવું જોઈએ?

૧૨ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? પ્રેરિત પાઉલે રોમના ખ્રિસ્તીઓને કહ્યું: “સંદેશો સાંભળ્યા પછી જ વ્યક્તિ શ્રદ્ધા મૂકે છે. તે સંદેશો સાંભળે માટે જરૂરી છે કે ખ્રિસ્ત વિશે કોઈક પ્રચાર કરે.” (રોમ. ૧૦:૧૭) ભલે જૂઠા તહેવારો કે રીતિ-રિવાજો મનગમતા હોય, પણ એનાથી આપણી શ્રદ્ધા મજબૂત નહિ થાય. એ તો બાઇબલના સારા અભ્યાસથી જ મજબૂત થશે. મજબૂત શ્રદ્ધા ખૂબ જરૂરી છે કારણ કે, “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.” (હિબ્રૂઓ ૧૧:૧,  વાંચો.) બાઇબલનો સારો અભ્યાસ કરવાથી જ આપણને ખાતરી થશે કે આ જ સત્ય છે. પછી આપણને આકાશમાંની કોઈ નિશાનીની જરૂર નહિ પડે.

(૩) ઈસુએ યહુદી રીતિ-રીવાજો ન પાળ્યા

અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે તેમણે યહૂદી રીતિ-રિવાજો પાળ્યા નહિ અને. આજે પણ કદાચ એ કારણોને લીધે લોકો આપણી વાત ન સાંભળે (ફકરો ૧૩ જુઓ) *

૧૩. શા માટે લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો નહિ?

૧૩ બાપ્તિસ્મા આપનાર યોહાનના શિષ્યોને સમજાતું ન હતું કે ઈસુના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી. ઈસુએ તેઓને સમજાવ્યું કે જ્યાં સુધી તે જીવે છે, ત્યાં સુધી તેમના શિષ્યોએ ઉપવાસ કરવાની જરૂર નથી. (માથ. ૯:૧૪-૧૭) ફરોશીઓને અને બીજાઓને પણ એ ગમતું ન હતું કે, ઈસુ તેઓના રીતિ-રિવાજો પાળતાં નથી. ઈસુ સાબ્બાથના દિવસે બીમારોને સાજા કરતા હતા એ વાતથી પણ તેઓ નારાજ હતા. (માર્ક ૩:૧-૬; યોહા. ૯:૧૬) તેઓ તો બડાઈ મારતા કે પોતે સાબ્બાથના નિયમ સારી રીતે પાળે છે. પણ બીજી બાજુ તેઓ મંદિરમાં વેપાર-ધંધો થવા દેતા હતા. ઈસુએ તેઓનું ધ્યાન એ વાત તરફ દોર્યું અને તેઓને ખખડાવ્યા ત્યારે તેઓને ઘણો ગુસ્સો આવ્યો. (માથ. ૨૧:૧૨, ૧૩, ૧૫) ઈસુ નાઝરેથના સભાસ્થાનમાં લોકોને પ્રચાર કરતા હતા. એ સમયે ઈસુએ કહ્યું કે તેઓ જૂના જમાનાના ઇઝરાયેલીઓ જેવા છે, જેઓ સ્વાર્થી હતા અને જેઓમાં શ્રદ્ધાની ખામી હતી. (લૂક ૪:૧૬, ૨૫-૩૦) એ સાંભળીને તેઓ તો ગુસ્સામાં ધૂંઆપૂંઆ થઈ ગયા. લોકોને જે ગમતું હતું એ ઈસુએ કર્યું નહિ એટલે તેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નહિ.—માથ. ૧૧:૧૬-૧૯.

૧૪. ઈસુએ શા માટે માણસોએ બનાવેલા રીતિ-રિવાજોનો નકાર કર્યો?

૧૪ શાસ્ત્ર શું કહે છે? યહોવાએ યશાયા દ્વારા કહ્યું હતું કે “આ લોકો ફક્ત કહેવા ખાતર મારી ભક્તિ કરે છે. તેઓ પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે. માણસોની શીખવેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ મારો ડર રાખે છે.” (યશા. ૨૯:૧૩) શાસ્ત્રની વિરુદ્ધ હોય એવા માણસોએ બનાવેલાં રીતિ-રિવાજોમાં ઈસુ જરાય માનતા ન હતા. અમુક લોકોને મન શાસ્ત્ર કરતાં વધુ મહત્ત્વ તેઓનાં રીતિ-રિવાજો હતાં. એવા લોકોએ યહોવાનો અને તેમણે મોકલેલા મસીહનો નકાર કર્યો.

૧૫. આજે અમુક લોકો યહોવાના સાક્ષીઓને કેમ પસંદ નથી કરતા?

૧૫ શું આજે પણ લોકો એવા છે? હા, છે. આજે ઘણા લોકો યહોવાના સાક્ષીઓને પસંદ નથી કરતા. કેમકે તેઓ ક્રિસમસ અને જન્મ દિવસ જેવા તહેવારો નથી ઉજવતા. યહોવાના સાક્ષીઓ દેશભક્તિ જેવા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા ત્યારે અમુક લોકો તેઓ પર ગુસ્સો કરે છે. મરણ પછીની વિધિઓમાં પણ યહોવાના સાક્ષીઓ માનતા નથી કે ભાગ નથી લેતા ત્યારે પણ લોકો તેમના પર ગુસ્સો કરે છે. આવા લોકો માને છે કે, એવાં રીતિ-રિવાજો માનવાથી તેઓ ઈશ્વરને ખુશ કરી શકશે. પણ સાચું એ છે કે ઈશ્વરને ખુશ કરવા હોય તો બાઇબલમાં બતાવ્યા પ્રમાણે તેમની ભક્તિ કરવી જોઈએ.—માર્ક ૭:૭-૯.

૧૬. ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭, ૧૧૩, ૧૬૩-૧૬૫ પ્રમાણે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

૧૬ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? આપણે યહોવા અને તેમનાં નિયમો અને ધોરણો માટે પ્રેમ વધારતા રહેવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭, ૧૧૩, ૧૬૩-૧૬૫ વાંચો.) જો એમ કરીશું તો, યહોવાને પસંદ નથી એવાં રીતિ-રિવાજોથી દૂર રહીશું. આપણે યહોવાના પ્રેમને આડે કોઈપણ બાબતને આવવા દઈશું નહિ.

(૪) ઈસુએ રાજા બનવાની ના પાડી

અમુક લોકોએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો કારણ કે રાજકારણમાં તેમણે કોઈનો પક્ષ લીધો નહિ. આજે પણ કદાચ એ કારણોને લીધે લોકો આપણી વાત ન સાંભળે (ફકરો ૧૭ જુઓ) *

૧૭. ઈસુના સમયમાં લોકો મસીહ પાસેથી કઈ આશા રાખતા હતા?

૧૭ ઈસુના જમાનામાં લોકોને લાગતું હતું કે મસીહ તેઓને રોમન સરકારના જોરજુલમમાંથી છોડાવશે. પણ લોકોએ જ્યારે ઈસુને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઈસુએ ના પાડી. (યોહા. ૬:૧૪, ૧૫) એ સમયે રોમન સરકારે યાજકો અને અમુક લોકોને ખાસ અધિકાર આપ્યા હતા. જો ઈસુ રાજા બન્યા હોત તો રોમન સરકારે તેઓ પાસેથી એ અધિકાર લઈ લીધા હોત. એ બધાં કારણોને લીધે લોકોએ ઈસુ પર ભરોસો કર્યો નહિ.

૧૮. મસીહ પાસે લોકો કેમ ખોટી આશા રાખતા હતા?

૧૮ શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્રમાં એવી ઘણી ભવિષ્યવાણીઓ છે, જેમાં બતાવ્યું છે કે મસીહ રાજા બનશે અને જીત મેળવશે. એવી પણ ભવિષ્યવાણીઓ છે જેમાં બતાવ્યું છે કે મસીહે માણસોના પાપ માટે મરવું પણ પડશે. (યશા. ૫૩:૯, ૧૨) તો પછી લોકો મસીહ પાસે કેમ ખોટી આશા રાખતા હતા? કારણ કે તેઓને પોતાની મુશ્કેલીઓનો તરત જ હલ જોઈતો હતો. એટલે તેઓએ અમુક જ ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપ્યું, બીજી પર નહિ.—યોહા. ૬:૨૬, ૨૭.

૧૯. આજે લોકો સાક્ષીઓનો સંદેશો કેમ સાંભળતા નથી?

૧૯ શું આજે પણ લોકો એવા છે? હા, છે. ઘણા લોકો કચકચ કરે છે કે, સાક્ષીઓ વૉટ નથી આપતા. પણ સાક્ષીઓને ખબર છે કે જો તેઓ કોઈ માણસને વૉટ આપે છે તો તેઓ યહોવાને નકારી રહ્યા છે. (૧ શમુ. ૮:૪-૭) જ્યારે તેઓ રાજકારણની વાતમાં કોઈનો પક્ષ નથી લેતા ત્યારે લોકો તેઓનું સાંભળતા નથી. એટલું જ નહિ લોકોને એવું લાગે છે કે સાક્ષીઓએ સમાજ સેવા કરવી જોઈએ, સ્કૂલ અને હૉસ્પિટલ બાંધવા જોઈએ. પણ સાક્ષીઓ લોકોની સમસ્યાઓનો હલ લાવવાને બદલે પ્રચારકામ કરે છે ત્યારે લોકો તેમનો સંદેશો નથી સાંભળતા.

૨૦. માથ્થી ૭:૨૧-૨૩ પ્રમાણે આપણે કયા કામમાં પૂરું મન લગાવવું જોઈએ?

૨૦ આપણે ઠોકર ખાવાથી કઈ રીતે બચી શકીએ? (માથ્થી ૭:૨૧-૨૩ વાંચો.) ઈસુએ આપણને પ્રચારકામ કરવાની આજ્ઞા આપી હતી. એટલે આપણે પ્રચારકામ કરવામાં પૂરું મન લગાવી દેવું જોઈએ. (માથ. ૨૮:૧૯, ૨૦) આપણે દુનિયાની દુઃખ-તકલીફો દૂર કરવા બેસી જઈશું નહિ. ખરું કે આપણને લોકો માટે પ્રેમ છે, અને તેઓની દુઃખી જોઈને આપણને દુઃખ થાય છે. પણ આપણે જાણીએ છીએ કે ફક્ત ઈશ્વરનું રાજ લોકોની દુઃખ-તકલીફો દૂર કરશે. એટલે આપણે બીજાઓને ઈશ્વર વિશે અને તેમના રાજ વિશે શીખવીએ છીએ.

૨૧. આપણે કેવો નિર્ણય લઈશું?

૨૧ આ લેખમાં આપણે ચાર કારણો વિશે જોયું જેના લીધે અમુક લોકોએ ઈસુની વાત ન માની. આજે પણ એ જ કારણોને લીધે ઘણા લોકો ઈસુના શિષ્યોની વાત નથી સાંભળતા. હવે પછીના લેખમાં બીજાં ચાર કારણો પર ચર્ચા કરીશું. ચાલો આ લેખમાં જોયું તેમ આપણે નિર્ણય લઈએ કે હંમેશાં ઈસુની વાત માનીશું અને તેમનામાં વિશ્વાસ રાખીશું.

ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ

^ ફકરો. 5 ઈસુ એક મહાન શિક્ષક હતા, તેમ છતાં ઘણા લોકોએ તેમનામાં વિશ્વાસ ન કર્યો. આ લેખમાં એનાં ચાર કારણો પર ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે આજે લોકો ઈસુના શિષ્યોનું કેમ નથી સાંભળતા. એ પણ ચર્ચા કરીશું કે આપણે કઈ રીતે ઈસુમાં વિશ્વાસ રાખી શકીએ જેથી ઠોકર ન ખાઈએ અને તેમના પગલે ચાલતા રહીએ. આ લેખ અને હવે પછીનો લેખ ખાસ એવા લોકોને મદદ કરશે, જેઓ યહોવાના સાક્ષીઓ સાથે હળે-મળે તો છે પણ પોતે સાક્ષી બનતા અચકાય છે.

^ ફકરો. 60 ચિત્રની સમજ: ફિલિપે નથાનિયેલને કહ્યું કે ઈસુને જઈને મળે.

^ ફકરો. 62 ચિત્રની સમજ: ઈસુ સંદેશો જણાવે છે.

^ ફકરો. 64 ચિત્રની સમજ: ઈસુ એક માણસને સાજો કરે છે જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુના વિરોધીઓ એ જોઈ રહ્યા છે.

^ ફકરો. 66 ચિત્રની સમજ: ઈસુ એકલા પહાડ પર જાય છે.