અભ્યાસ લેખ ૧૯
પ્રકટીકરણનું પુસ્તક—આપણને કઈ રીતે અસર કરે છે?
‘જેઓ આ ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચે છે, તેઓ સુખી છે.’—પ્રકટી. ૧:૩.
ગીત ૫ ઈસુને પગલે ચાલું
ઝલક *
૧-૨. પ્રકટીકરણનું પુસ્તક આપણા માટે ખાસ છે એનું એક કારણ કયું છે?
કલ્પના કરો કે તમે કોઈના ઘરે ગયા છો. તે તમને ફોટો આલ્બમ જોવા આપે છે. તમે ફોટામાં એવા લોકોને જુઓ છો, જેઓને તમે ઓળખતા નથી. પણ એક ફોટા પર તમારી નજર અટકે છે, કેમ કે એ ફોટામાં તમે છો. તમે એ ફોટો જોઈને યાદ કરવાની કોશિશ કરો છો કે એ ક્યારે અને ક્યાં લેવામાં આવ્યો હતો. એ ફોટામાં તમે બીજા લોકોને પણ ઓળખવાની કોશિશ કરો છો. આખા આલ્બમમાંથી એ ફોટો તમારા માટે ખાસ છે.
૨ પ્રકટીકરણનું પુસ્તક પણ એ ફોટાની જેમ આપણા માટે ખાસ છે. આપણે એવું કેમ કહી શકીએ? એનાં બે કારણો છે. પહેલું, એ પુસ્તક આપણા માટે લખવામાં આવ્યું છે. એની પહેલી જ કલમમાં લખ્યું છે: “આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, જે ઈશ્વરે તેમને આપ્યું. એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.” (પ્રકટી. ૧:૧) આ પુસ્તકમાં જે લખ્યું છે એ બધા લોકો માટે નહિ પણ ખાસ કરીને આપણા માટે, એટલે કે યહોવાના ભક્તો માટે છે. અરે, એ ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં આપણે ભાગ લઈ રહ્યા છીએ! એ તો જાણે ફોટામાં આપણે પોતે હોઈએ એના જેવું છે.
૩-૪. (ક) પ્રકટીકરણના પુસ્તક પ્રમાણે એની ભવિષ્યવાણીઓ ક્યારે પૂરી થશે? (ખ) આજે આપણે શું કરવું ખૂબ જરૂરી છે?
૩ પ્રકટીકરણનું પુસ્તક બીજા એક કારણને લીધે પણ આપણા માટે ખાસ છે. કેમ કે એની ભવિષ્યવાણીઓ આપણા સમયમાં પૂરી થઈ રહી છે. આપણે એવું કેમ કહી શકીએ? પ્રેરિત યોહાને જણાવ્યું હતું કે એ ભવિષ્યવાણીઓ કયા સમયગાળામાં પૂરી થશે. તેમણે લખ્યું: “પવિત્ર શક્તિ મને માલિકના દિવસમાં લઈ આવી.” (પ્રકટી. ૧:૧૦) યોહાને એ શબ્દો આશરે સાલ ૯૬માં લખ્યા હતા. જોકે એ સમયે ‘માલિકનો દિવસ’ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી. (માથ. ૨૫:૧૪, ૧૯; લૂક ૧૯:૧૨) બાઇબલ ભવિષ્યવાણીઓ પ્રમાણે એ દિવસ ૧૯૧૪માં શરૂ થયો, જ્યારે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા. એ વર્ષથી ઈશ્વરભક્તોને લાગુ પડતી પ્રકટીકરણની ભવિષ્યવાણીઓ પૂરી થવા લાગી. સાચે જ આપણે અત્યારે “માલિકના દિવસમાં” જીવી રહ્યા છીએ!
૪ આપણા સમયમાં રોમાંચક બનાવો બની રહ્યા છે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે પ્રકટીકરણ ૧:૩માં આપેલી આ સલાહ પર ધ્યાન આપીએ: “નક્કી કરેલો સમય પાસે છે. એટલે જેઓ આ ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચે છે, સાંભળે છે અને એમાં લખેલી વાતો પાળે છે, તેઓ સુખી છે.” આપણે ‘ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચીએ,’ એને ‘સાંભળીએ’ અને ‘એમાં લખેલી વાતો પાળીએ.’ ચાલો જોઈએ કે આપણે કઈ વાતો પાળવી જોઈએ.
યહોવા ખુશ થાય એવી ભક્તિ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ
૫. યહોવા આપણી ભક્તિથી ખુશ થાય એ વિશે પ્રકટીકરણના પુસ્તકમાં શું જણાવ્યું છે?
૫ પ્રકટીકરણના શરૂઆતના અધ્યાયોમાંથી જાણવા મળે છે કે મંડળોની બધી જ બાબતો વિશે ઈસુ જાણે છે. (પ્રકટી. ૧:૧૨-૧૬, ૨૦; ૨:૧) ઈસુએ એશિયા માઈનોરનાં સાત મંડળોને સંદેશા મોકલ્યા હતા. એ સંદેશામાંથી આપણને ખાતરી મળે છે કે ઈસુ દરેક મંડળ પર ધ્યાન આપે છે. પહેલી સદીના ખ્રિસ્તીઓની ભક્તિથી યહોવા ખુશ થાય એ માટે ઈસુએ તેઓને માર્ગદર્શન આપ્યું હતું. એ સંદેશામાં જણાવેલું માર્ગદર્શન આજે પણ બધા ઈશ્વરભક્તોને લાગુ પડે છે. એમાંથી આપણે શું શીખી શકીએ? ખ્રિસ્ત ઈસુ આપણા આગેવાન છે અને આપણું રક્ષણ કરે છે. તે સારી રીતે જાણે છે કે યહોવા સાથેનો આપણો સંબંધ કેવો છે. તેમની નજર બહાર કશું જતું નથી. તેમને ખબર છે કે યહોવા આપણી ભક્તિ સ્વીકારે એ માટે આપણે શું કરવું જોઈએ. ઈસુએ પહેલી સદીના ખ્રિસ્તીઓને કયું માર્ગદર્શન આપ્યું, જે આજે આપણે પાળવું જોઈએ?
૬. (ક) પ્રકટીકરણ ૨:૩, ૪ પ્રમાણે એફેસસ મંડળમાં કઈ મુશ્કેલી હતી? (ખ) આપણે શું શીખી શકીએ?
૬ પ્રકટીકરણ ૨:૩, ૪ વાંચો. યહોવા માટેનો પહેલાં જેવો પ્રેમ ક્યારેય ઠંડો પડવા દઈએ નહિ. ઈસુએ એફેસસ મંડળને જે સંદેશો આપ્યો એમાં તેમણે જણાવ્યું કે ત્યાંનાં ભાઈ-બહનોએ ઘણું સહન કર્યું હતું. તેઓએ કસોટીઓ છતાં હિંમત હાર્યા વગર યહોવાની ભક્તિ કરી હતી. પણ એ મંડળમાં એક મુશ્કેલી હતી. તેઓમાં પહેલાં જે પ્રેમ હતો, એ ઠંડો પડી ગયો હતો. તેઓએ પહેલાં જેવો પ્રેમ ફરી કેળવવાનો હતો, જેથી યહોવા તેઓની ભક્તિ સ્વીકારે. આપણે શું શીખી શકીએ? આપણે ઘણી કસોટીઓ સહન કરતા હોઈએ. પણ એ કસોટી સહન કરવા પાછળનો આપણો ઇરાદો સારો હશે તો જ યહોવા ખુશ થશે. આપણે શું કરીએ છીએ અને કેમ કરીએ છીએ એ યહોવા જુએ છે. આપણા ઇરાદાથી દેખાઈ આવે છે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના માટે કેટલી કદર છે. તે ચાહે છે કે આપણે સારા ઇરાદાથી તેમની ભક્તિ કરીએ.—નીતિ. ૧૬:૨; માર્ક ૧૨:૨૯, ૩૦.
૭. (ક) પ્રકટીકરણ ૩:૧-૩ પ્રમાણે સાર્દિસ મંડળમાં કઈ મુશ્કેલી હતી? (ખ) જાગતા રહેવા આપણે શું કરવું જોઈએ?
૭ પ્રકટીકરણ ૩:૧-૩ વાંચો. હંમેશાં જાગતા રહીએ. સાર્દિસ મંડળમાં એક મુશ્કેલી હતી. એ મંડળનાં ભાઈ-બહેનો એક સમયે પૂરા જોશથી યહોવાની ભક્તિ કરતા હતાં. પણ હવે તેઓનો જોશ ઓછો થઈ રહ્યો હતો, એટલે ઈસુએ તેઓને ‘જાગતા રહેવાનું’ કહ્યું. આપણે શું શીખી શકીએ? આપણે યહોવા માટે જે કરીએ છીએ એ તે ક્યારેય ભૂલતા નથી. (હિબ્રૂ. ૬:૧૦) પણ આપણે એવું કદી ન વિચારવું જોઈએ કે ‘મેં આખી જિંદગી યહોવાની ભક્તિમાં બહુ કર્યું. હવે બહુ નહિ કરું તો ચાલશે.’ ભલે આજે આપણે પહેલાં જેટલું કરી શકતા ન હોઈએ, પણ “ઈશ્વરની સેવામાં” લાગુ રહીએ અને અંત સુધી જાગતા રહીએ.—૧ કોરીં. ૧૫:૫૮; માથ. ૨૪:૧૩; માર્ક ૧૩:૩૩.
૮. લાવદિકિયા મંડળને ઈસુએ જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? (પ્રકટીકરણ ૩:૧૫-૧૭)
૮ પ્રકટીકરણ ૩:૧૫-૧૭ વાંચો. ઉત્સાહથી અને પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ. લાવદિકિયા મંડળમાં એક મુશ્કેલી હતી. એ મંડળનાં ભાઈ-બહેનો ભક્તિમાં ‘હૂંફાળા’ થઈ ગયાં હતાં. તેઓ બસ કરવા ખાતર ભક્તિ કરતા હતાં. એટલે ઈસુએ તેઓને ‘દુઃખી અને લાચાર’ કહ્યાં. ઈસુએ સલાહ આપી કે તેઓ યહોવા અને તેમની ભક્તિ માટે પોતાનો ઉત્સાહ વધારે. (પ્રકટી. ૩:૧૯) આપણે શું શીખી શકીએ? જો લાગે કે આપણો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, તો એને વધારવા મહેનત કરવી જોઈએ. યહોવા અને તેમનું સંગઠન આપણને જે મદદ કરે છે એ માટે કદર વધારવી જોઈએ. (પ્રકટી. ૩:૧૮) આપણે એશઆરામની વસ્તુઓ ભેગી કરવા પાછળ ન દોડીએ. આપણું ધ્યાન ફંટાઈ જશે તો યહોવાની ભક્તિને આપણે જીવનમાં પહેલી રાખી નહિ શકીએ.
૯. પેર્ગામમ અને થુવાતિરા મંડળોને ઈસુએ જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૯ સત્યમાં ભેળસેળ કરતા લોકોના શિક્ષણથી દૂર રહીએ. ઈસુએ પેર્ગામમ મંડળના અમુક લોકોને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, કેમ કે તેઓ મંડળમાં ભાગલા પાડતા હતા. (પ્રકટી. ૨:૧૪-૧૬) પણ ઈસુએ થુવાતિરા મંડળનાં એ ભાઈ-બહેનોનાં વખાણ કર્યાં જેઓ ‘શેતાનના જૂઠા શિક્ષણથી’ દૂર રહ્યાં હતાં. તેમણે તેઓને સાચી વાતોને ‘વળગી રહેવાની’ અરજ કરી. (પ્રકટી. ૨:૨૪-૨૬) એ બંને મંડળનાં અમુક ભાઈ-બહેનોની શ્રદ્ધા ઓછી હોવાને લીધે તેઓએ જૂઠા શિક્ષણને માની લીધું હતું. તેઓએ દિલથી પસ્તાવો કરવાની જરૂર હતી. આપણે શું શીખી શકીએ? આપણે યહોવાનાં વિચારો અને શિક્ષણની વિરુદ્ધ હોય એવી બધી વાતોથી દૂર રહેવું જોઈએ. સત્યમાં ભેળસેળ કરતા હોય એવા લોકો કદાચ “ભક્તિભાવનો દેખાડો” કરે, પણ તેઓમાં ભક્તિનો છાંટોય હોતો નથી. (૨ તિમો. ૩:૫) જો આપણે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીશું, તો એવા જૂઠા શિક્ષણને પારખી શકીશું અને એનાથી દૂર રહી શકીશું.—૨ તિમો. ૩:૧૪-૧૭; યહૂ. ૩, ૪.
૧૦. પેર્ગામમ અને થુવાતિરા મંડળોને ઈસુએ જે કહ્યું એમાંથી આપણે બીજું શું શીખી શકીએ?
૧૦ વ્યભિચાર અને એના જેવા દરેક પ્રકારનાં ગંદાં કામોથી દૂર રહીએ. પેર્ગામમ અને થુવાતિરા મંડળોમાં બીજી એક મુશ્કેલી હતી. તેઓમાંથી અમુક લોકો વ્યભિચાર જેવાં કામોને ચલાવી લેતા હતા, એટલે ઈસુએ તેઓને ઠપકો આપ્યો. (પ્રકટી. ૨:૧૪, ૨૦) આપણે શું શીખી શકીએ? આપણે દરેક પ્રકારનાં ગંદાં કામોથી દૂર રહેવું જોઈએ. એને જરાય ચલાવી ન લેવાં જોઈએ. આપણે એવું પણ ન વિચારવું જોઈએ, ‘હું વર્ષોથી યહોવાની ભક્તિ કરું છું અને હમણાં મારી પાસે ઘણી જવાબદારી છે. એટલે યહોવા મારા ખોટા કામને ચલાવી લેશે.’ (૧ શમુ. ૧૫:૨૨; ૧ પિત. ૨:૧૬) યહોવા ચાહે છે કે આપણે તેમનાં ઉચ્ચ ધોરણોને વળગી રહીએ, પછી ભલેને દુનિયાના લોકો કંઈ પણ કરે.—એફે. ૬:૧૧-૧૩.
૧૧. અત્યાર સુધી આપણે શું શીખ્યા? (“ આજે આપણે શું શીખી શકીએ?” બૉક્સ પણ જુઓ.)
૧૧ અત્યાર સુધી આપણે શું શીખ્યા? આપણી ભક્તિથી યહોવા ખુશ થાય એ માટે પૂરો પ્રયત્ન કરીએ. જો આપણાં કામોથી યહોવા દુઃખી થતાં હોય, તો એવાં કામોને તરત છોડી દઈએ. આપણે તરત પોતાનામાં ફેરફાર કરીએ. (પ્રકટી. ૨:૫, ૧૬; ૩:૩, ૧૬) ઈસુએ મંડળોને બીજું પણ કંઈક જણાવ્યું હતું. ચાલો જોઈએ કે એ શું હતું.
સતાવણી સહન કરવા તૈયાર રહીએ
૧૨. ઈસુએ સ્મર્ના અને ફિલાદેલ્ફિયા મંડળોને જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? (પ્રકટીકરણ ૨:૧૦)
૧૨ સ્મર્ના અને ફિલાદેલ્ફિયા મંડળોને ઈસુએ શું કહ્યું એ જોઈએ. તેમણે ત્યાંનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે સતાવણીનો સામનો કરતા ડરે નહિ. કેમ કે જો તેઓ વફાદાર રહેશે તો યહોવા તેઓને ચોક્કસ ઇનામ આપશે. (પ્રકટીકરણ ૨:૧૦ વાંચો; ૩:૧૦) આપણે શું શીખી શકીએ? આપણા પર સતાવણી તો આવશે જ, પણ આપણે ધીરજથી સહન કરવા તૈયાર રહીએ. (માથ. ૨૪:૯, ૧૩; ૨ કોરીં. ૧૨:૧૦) ઈસુની એ વાત યાદ રાખવી આજે કેમ જરૂરી છે?
૧૩-૧૪. પ્રકટીકરણ અધ્યાય ૧૨માં જણાવેલા બનાવો ઈશ્વરના લોકોને કઈ રીતે અસર કરે છે?
૧૩ પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે આપણા સમયમાં, એટલે કે “માલિકના દિવસમાં” ઈશ્વરના લોકોની સતાવણી થશે. પ્રકટીકરણ અધ્યાય ૧૨માં જણાવ્યું છે કે ઈસુ રાજા બન્યા એ પછી તરત જ સ્વર્ગમાં એક યુદ્ધ થયું. મિખાયેલ, એટલે કે ઈસુ ખ્રિસ્તે અને તેમના દૂતોએ શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે લડાઈ કરી. (પ્રકટી. ૧૨:૭, ૮) ઈશ્વરના દુશ્મનોને હરાવીને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. એટલે તેઓ મનુષ્યો પર ઘણી તકલીફો લાવે છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨) એ બનાવ ઈશ્વરના લોકોને કઈ રીતે અસર કરે છે?
૧૪ પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે શેતાને પછી શું કર્યું. તે હવે સ્વર્ગમાં જઈ શકતો નથી, એટલે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. કેમ કે તે જાણે છે કે આગળ જતાં તેઓ ઈશ્વરના રાજ્યના રાજા બનશે અને તેઓને “ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.” (પ્રકટી. ૧૨:૧૭; ૨ કોરીં. ૫:૨૦; એફે. ૬:૧૯, ૨૦) ચાલો જોઈએ કે શેતાને કઈ રીતે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
૧૫. પ્રકટીકરણ અધ્યાય ૧૧માં જણાવેલા ‘બે સાક્ષીઓ’ કોને રજૂ કરે છે અને તેઓની સાથે શું બન્યું?
૧૫ શેતાને એ અભિષિક્ત ભાઈઓ પર હુમલો કરાવ્યો, જેઓ ખુશખબર ફેલાવવાનાં કામમાં આગેવાની લેતા હતા. એ ભાઈઓ પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલા “બે સાક્ષીઓને” રજૂ કરે છે. ભવિષ્યવાણીમાં આગળ જણાવ્યું છે, એ બે સાક્ષીઓને મારી નાખવામાં આવે છે. * (પ્રકટી. ૧૧:૩, ૭-૧૧) ૧૯૧૮માં આગેવાની લેતા આઠ ભાઈઓ પર આરોપ મૂકવામાં આવ્યા. તેઓને લાંબા સમય માટે જેલની સજા ફટકારવામાં આવી. ઘણા લોકોને લાગ્યું કે એ અભિષિક્તોનું કામ હવે અટકી ગયું છે.
૧૬. ૧૯૧૯માં શું બન્યું અને શેતાને શું કરવાનું ચાલુ રાખ્યું?
૧૬ પ્રકટીકરણ અધ્યાય ૧૧ની ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે, “બે સાક્ષીઓને” થોડા સમય પછી ફરીથી જીવતા કરવામાં આવશે. એ કઈ રીતે પૂરું થયું? આગેવાની લેતા ભાઈઓને જેલ થઈ એના એક વર્ષની અંદર એવું કંઈક બન્યું જે કોઈએ વિચાર્યું ન હતું. માર્ચ ૧૯૧૯માં એ અભિષિક્ત ભાઈઓને જેલમાંથી છોડવામાં આવ્યા. તેઓ પર મૂકેલા આરોપ રદ કરવામાં આવ્યા. એ ભાઈઓએ તરત ખુશખબર ફેલાવવાનાં અને શીખવવાનાં કામમાં આગેવાની લેવાનું ફરી શરૂ કરી દીધું. પણ શેતાન એટલેથી જ અટક્યો નહિ. તેણે હુમલા કરવાનું ચાલુ રાખ્યું. તેણે ઈશ્વરના બધા ભક્તો પર સતાવણીની ‘નદી’ છોડી દીધી. (પ્રકટી. ૧૨:૧૫) સાચે જ આપણે બધાએ “ધીરજ અને શ્રદ્ધા બતાવવાની જરૂર પડશે.”—પ્રકટી. ૧૩:૧૦.
યહોવાએ સોંપેલા કામમાં દિલ રેડી દઈએ
૧૭. શેતાનના હુમલા છતાં ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ મળી?
૧૭ ઈશ્વરભક્તોએ ધાર્યું ન હોય ત્યાંથી તેઓને મદદ મળશે. એ વિશે પ્રકટીકરણ અધ્યાય ૧૨માં જણાવ્યું છે કે “પૃથ્વી” સતાવણીની ‘નદીને’ પી જશે. (પ્રકટી. ૧૨:૧૬) આજે એ સાચું પડ્યું છે. અમુક વખતે શેતાનની દુનિયાની બાબતો, જેમ કે અમુક કાયદાકીય ગોઠવણ ઈશ્વરભક્તોની મદદે આવી છે. યહોવાના ભક્તો ઘણા કોર્ટ કેસ જીત્યા છે. એનાથી તેઓને ભક્તિને લગતાં કામો કરવાની અમુક હદે છૂટ મળી છે. એ સમયનો તેઓ પૂરેપૂરો ઉપયોગ કરે છે અને જોરશોરથી સંદેશો જણાવે છે. (૧ કોરીં. ૧૬:૯) એ સંદેશો કયો છે?
૧૮. અંત આવતા પહેલાં આપણે કયું મહત્ત્વનું કામ કરવાનું છે?
૧૮ ઈસુએ ભવિષ્યવાણી કરી કે અંત આવતા પહેલાં તેમના શિષ્યો ઈશ્વરના ‘રાજ્યની ખુશખબર આખી દુનિયામાં’ જણાવશે. (માથ. ૨૪:૧૪) પણ એ કામમાં આપણે એકલા નથી. પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે કે એક દૂત પાસે ‘હંમેશાં ટકનારી ખુશખબર છે. તે પૃથ્વી પર રહેનારાઓ, એટલે કે દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને એ જાહેર કરે છે.’ (પ્રકટી. ૧૪:૬) આનાથી ખબર પડે છે કે દૂતો પણ આપણને ખુશખબર ફેલાવવાના કામમાં મદદ કરે છે.
૧૯. યહોવાના ભક્તો બીજો કયો સંદેશો જણાવે છે?
૧૯ ઈશ્વરભક્તો રાજ્યની ખુશખબર ફેલાવે છે. એની સાથે સાથે તેઓ શેતાનની દુનિયાના લોકોને ન્યાયનો સંદેશો પણ સંભળાવે છે. એ સંદેશો “કરા અને આગ” જેવો છે. (પ્રકટી. ૮:૭, ૧૩) ઈશ્વરભક્તો એ સંદેશો જણાવીને દૂતોને સાથ આપે છે. પ્રકટીકરણ અધ્યાય ૮-૧૦માં દૂતોનાં કામ વિશે જણાવ્યું છે. દૂતો જાહેર કરે છે કે જે લોકો ઈશ્વરના રાજ્યને સ્વીકારશે નહિ, તેઓ પર એક પછી એક ભયંકર મુસીબત આવશે. યહોવાના સાક્ષીઓ જાણે છે કે લોકોના જીવન-મરણનો સવાલ છે. એટલે તેઓ લોકોને જણાવે છે કે દુનિયાનો અંત આવે એ પહેલાં જીવનમાં ફેરફાર કરે. જો તેઓ ફેરફાર કરશે તો યહોવાના કોપના દિવસે બચી જશે. (સફા. ૨:૨, ૩) પણ લોકોને એ સંદેશો સાંભળવો ગમતો નથી. એટલે એ સંદેશો જણાવવા આપણને હિંમતની ઘણી જરૂર છે. મોટી વિપત્તિ વખતે આપણને વધારે હિંમતની જરૂર પડશે. કેમ કે એ સમયે આપણે છેલ્લી વાર ન્યાયનો કડક સંદેશો સંભળાવીશું અને ઘણા લોકો આપણો વિરોધ કરશે.—પ્રકટી. ૧૬:૨૧.
ભવિષ્યવાણીમાં લખેલી વાતો પાળીએ
૨૦. હવે પછીના બે લેખોમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૦ પ્રકટીકરણના પુસ્તકમાં આપેલી ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે. એ ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં આપણે ભાગ લઈ રહ્યા છીએ. એટલે આપણે એ “ભવિષ્યવાણીનાં વચનો” પાળીએ એ ખૂબ જરૂરી છે. (પ્રકટી. ૧:૩) આપણે સતાવણી ધીરજથી સહન કરીએ. સંદેશો હિંમતથી જણાવતા રહીએ. એ માટે આપણને શું મદદ કરશે? પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલી આ બે બાબતો યાદ રાખીએ: યહોવાના દુશ્મનોના કેવા હાલ થશે અને આપણે વફાદાર રહીશું તો ભાવિમાં કેવા આશીર્વાદ મળશે. હવે પછીના બે લેખોમાં આપણે એ વિશે ચર્ચા કરીશું.
ગીત ૨૭ યહોવા મારો માલિક
^ આજે અદ્ભુત બનાવો બની રહ્યા છે. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલી ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે. એ ભવિષ્યવાણીઓ આપણને કઈ રીતે અસર કરે છે? આ અને આના પછીના બે લેખોમાં આપણે પ્રકટીકરણના પુસ્તકના અમુક મુદ્દાઓની ચર્ચા કરીશું. આ લેખોમાં શીખીશું કે પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલી વાતો કઈ રીતે પાળી શકીએ, જેથી યહોવા આપણી ભક્તિથી ખુશ થાય.
^ નવેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૩૦ પર આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”