સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૧

પ્રકટીકરણનું પુસ્તક—ભાવિ વિશે શું જણાવ્યું છે?

પ્રકટીકરણનું પુસ્તક—ભાવિ વિશે શું જણાવ્યું છે?

“આમેન! માલિક ઈસુ આવો!”​—પ્રકટી. ૨૨:૨૦.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

ઝલક *

૧. આજે લોકોએ કયો મહત્ત્વનો નિર્ણય લેવાનો છે?

 આજે લોકોએ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો છે. શું તેઓ વિશ્વના માલિક યહોવાને સાથ આપશે કે પછી તેમના સૌથી મોટા દુશ્મન શેતાનને? તેઓ બંનેમાંથી કોઈ એકનો જ સાથ આપી શકે છે, ઢચુપચુ રહી શકતા નથી. તેઓના નિર્ણયથી નક્કી થશે કે તેઓનું ભાવિ કેવું હશે. (માથ. ૨૫:૩૧-૩૩, ૪૬) ‘મોટી વિપત્તિ’ વખતે લોકોનો ન્યાય થશે ત્યારે ખબર પડશે કે કોણ બચશે અને કોનો નાશ થશે.—પ્રકટી. ૭:૧૪; ૧૪:૯-૧૧; હઝકિ. ૯:૪, ૬.

૨. (ક) હિબ્રૂઓ ૧૦:૩૫-૩૯માંથી આપણને શું કરવાનું ઉત્તેજન મળે છે? (ખ) પ્રકટીકરણની માહિતી ધ્યાનમાં રાખીશું તો આપણે શું કરી શકીશું?

હિબ્રૂઓ ૧૦:૩૫-૩૯ વાંચો. જો તમે યહોવાના રાજને સાથ આપવાનું નક્કી કર્યું હોય, તો એ તમારા જીવનનો સૌથી સારો નિર્ણય છે. હવે તમે બીજાઓને પણ એવો નિર્ણય લેવા મદદ કરવા માંગતા હશો, ખરું ને? એ માટે તમે પ્રકટીકરણની માહિતી ધ્યાનમાં રાખી શકો. એ પુસ્તકમાં જણાવ્યું છે કે યહોવાનો વિરોધ કરનારાઓના કેવા હાલ થશે. તેમ જ, યહોવાને વફાદાર રહેનારાઓને કેવા આશીર્વાદ મળશે. એ માહિતી વાંચીને એના પર મનન કરીશું તો આપણને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહેવા મદદ મળશે. એટલું જ નહિ આપણે લોકોને પણ મદદ કરી શકીશું, જેથી તેઓ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે અને હંમેશાં તેમને વફાદાર રહે.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે બે સવાલોની ચર્ચા કરીશું: (૧) ઈશ્વરના રાજને ટેકો આપે છે તેઓનું ભાવિ કેવું હશે? (૨) લાલ રંગના જંગલી જાનવરને સાથ આપે છે તેઓનું શું થશે?

વફાદાર ભક્તોનું ભાવિ કેવું હશે?

૪. યોહાન સ્વર્ગમાં ઈસુ સાથે કોને જુએ છે?

પ્રેરિત યોહાન એક દર્શન જુએ છે. એમાં તેમને બે સમૂહ દેખાય છે. એ બંને સમૂહના લોકો યહોવાના રાજને સાથ આપે છે અને તેઓને હંમેશ માટે જીવવાનો આશીર્વાદ મળ્યો છે. પહેલા સમૂહમાં ૧,૪૪,૦૦૦ લોકો છે. (પ્રકટી. ૭:૪) તેઓને પૃથ્વી પરથી પસંદ કરવામાં આવ્યા છે, જેથી તેઓ ઈસુ સાથે મળીને સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરે છે. (પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૩, ૪) દર્શનમાં યોહાન ૧,૪૪,૦૦૦ લોકોને ઈસુ સાથે સિયોન પર્વત પર, એટલે કે સ્વર્ગમાં ઊભેલા જુએ છે.—પ્રકટી. ૧૪:૧.

૫. બાકી રહેલા અભિષિક્તોનું નજીકના ભાવિમાં શું થશે?

યહોવાએ પહેલી સદીથી ઘણા ભક્તોને ૧,૪૪,૦૦૦નો ભાગ બનવા પસંદ કર્યા છે. આજે એમાંના હજારો સ્વર્ગમાં છે. (લૂક ૧૨:૩૨; રોમ. ૮:૧૭) યોહાનને કહેવામાં આવ્યું કે અભિષિક્તોમાંથી ફક્ત થોડા જ લોકો અંતના સમયે પૃથ્વી પર જીવતા હશે. મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં ‘બાકી’ રહેલા અભિષિક્તો પર છેલ્લી “મહોર” કરવામાં આવશે. (પ્રકટી. ૭:૨, ૩; ૧૨:૧૭) પછી મોટી વિપત્તિ દરમિયાન એ બાકી રહેલા અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. બધા ૧,૪૪,૦૦૦ પસંદ કરાયેલા લોકો ઈસુ સાથે મળીને રાજ કરશે.—માથ. ૨૪:૩૧; પ્રકટી. ૫:૯, ૧૦.

૬-૭. (ક) યોહાન દર્શનમાં બીજા કોને જુએ છે અને તેઓ વિશે આપણે શું જાણીએ છીએ? (ખ) ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, આપણે કેમ પ્રકટીકરણ અધ્યાય ૭ની ભવિષ્યવાણીઓ પૂરી થવાની રાહ જોઈએ છીએ?

યોહાને દર્શનમાં ૧,૪૪,૦૦૦ લોકોને જોયા પછી, એક ‘મોટા ટોળાને’ પણ જુએ છે. એ ટોળામાં કોઈ ગણી ન શકે એટલા બધા લોકો છે. (પ્રકટી. ૭:૯, ૧૦) તેઓ વિશે આપણે શું જાણીએ છીએ? યોહાનને કહેવામાં આવ્યું કે “તેઓ મોટી વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે. તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.” (પ્રકટી. ૭:૧૪) મોટી વિપત્તિમાંથી બચ્યા પછી આ “મોટું ટોળું” પૃથ્વી પર સદા માટે જીવશે અને ઘણા આશીર્વાદોનો આનંદ માણશે.—ગીત. ૩૭:૯-૧૧, ૨૭-૨૯; નીતિ. ૨:૨૧, ૨૨; પ્રકટી. ૭:૧૬, ૧૭.

જરા વિચારો, પ્રકટીકરણ અધ્યાય ૭ની ભવિષ્યવાણીઓ પૂરી થશે ત્યારે આપણે કેવું અનુભવીશું. એ સમયે આપણી ખુશીનો પાર નહિ હોય! ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, આપણે ઘણા ખુશ હોઈશું કેમ કે આપણે યહોવાના રાજને હંમેશાં વફાદાર રહ્યા. ચાલો જોઈએ કે ઈશ્વરના રાજનો વિરોધ કરે છે તેઓનું મોટી વિપત્તિ દરમિયાન શું થશે.—માથ. ૨૪:૨૧.

ઈશ્વરના વિરોધીઓનું શું થશે?

૮. મોટી વિપત્તિ કઈ રીતે શરૂ થશે અને મોટા ભાગના લોકો શું કરશે?

આગલા લેખમાં આપણે જોઈ ગયા કે બધી સરકારો જલદી જ મહાન બાબેલોન, એટલે કે દુનિયાના બધા જૂઠા ધર્મો પર હુમલો કરશે. (પ્રકટી. ૧૭:૧૬, ૧૭) એ બનાવથી મોટી વિપત્તિની શરૂઆત થશે. શું ધર્મોના નાશ પછી ઘણા લોકો યહોવા પાસે દોડી આવશે? ના જરાય નહિ. પ્રકટીકરણ અધ્યાય ૬માં જણાવ્યું છે કે એ લોકો બચવા માટે પર્વતોમાં આશરો લેશે. પર્વતો, એટલે કે રાજકીય અને વેપારી સંગઠન પર તેઓ આધાર રાખશે. તેઓ યહોવાના રાજ્યને ટેકો નહિ આપે. એ તો જાણે યહોવાની સામે થવા બરાબર છે. એટલે યહોવા તેઓને પોતાના દુશ્મન ગણશે.—લૂક ૧૧:૨૩; પ્રકટી. ૬:૧૫-૧૭.

૯. મોટી વિપત્તિ વખતે યહોવાના ભક્તો કઈ રીતે અલગ તરી આવશે અને તેઓ સાથે શું થશે?

મોટી વિપત્તિ વખતે યહોવાના વફાદાર ભક્તો અલગ તરી આવશે. ફક્ત તેઓ જ પોતાના ઈશ્વર યહોવાની ભક્તિ કરતા હશે. તેઓ “જંગલી જાનવરને” જરાય ટેકો નહિ આપે. (પ્રકટી. ૧૩:૧૪-૧૭) તેઓની શ્રદ્ધા જોઈને ઈશ્વરના વિરોધીઓ ગુસ્સાથી ભડકી ઊઠશે. એટલે દેશોનો સમૂહ દુનિયાભરના ઈશ્વરભક્તો પર હુમલો કરશે. બાઇબલમાં એને માગોગના ગોગનો હુમલો કહેવામાં આવ્યો છે.—હઝકિ. ૩૮:૧૪-૧૬.

૧૦. વફાદાર ભક્તો પર હુમલો થશે ત્યારે યહોવા શું કરશે? (પ્રકટીકરણ ૧૯:૧૯-૨૧)

૧૦ વફાદાર ભક્તો પર હુમલો થશે ત્યારે યહોવાને કેવું લાગશે? તે જણાવે છે: “મારો ક્રોધ ભભૂકી ઊઠશે.” (હઝકિ. ૩૮:૧૮, ૨૧-૨૩) પછી તે શું કરશે એ વિશે પ્રકટીકરણ અધ્યાય ૧૯માં જણાવ્યું છે. વફાદાર ભક્તોનું રક્ષણ કરવા અને દુશ્મનોનો સંહાર કરવા તે પોતાના દીકરાને મોકલશે. ઈસુ “સ્વર્ગનાં સૈન્યો” એટલે કે દૂતો અને ૧,૪૪,૦૦૦ સાથે મળીને દુશ્મનો સામે યુદ્ધ કરશે. (પ્રકટી. ૧૭:૧૪; ૧૯:૧૧-૧૫) એ યુદ્ધનું કેવું પરિણામ આવશે? યહોવાનો વિરોધ કરનારા બધા લોકોનો અને સંગઠનોનો પૂરેપૂરો નાશ થઈ જશે.—પ્રકટીકરણ ૧૯:૧૯-૨૧ વાંચો.

યુદ્ધ પછી, એક લગ્‍ન

૧૧. પ્રકટીકરણના પુસ્તકમાં છેલ્લે કયા એક ખાસ બનાવ વિશે જણાવ્યું છે?

૧૧ દુશ્મનોના નાશ પછી પૃથ્વી પર યહોવાના વફાદાર ભક્તો ખુશીથી ઝૂમી ઊઠશે. એ કેટલો ખુશીનો સમય હશે! સ્વર્ગમાં કેવો માહોલ હશે? મહાન બાબેલોનનો નાશ થયો ત્યારે સ્વર્ગમાં બધા ખુશખુશાલ હતા, પણ હવે એવું કંઈક બનશે જેના લીધે સ્વર્ગમાં બધાની ખુશી બમણી થઈ જશે. (પ્રકટી. ૧૯:૧-૩) એ ખાસ બનાવ કયો હશે? પ્રકટીકરણના પુસ્તકમાં છેલ્લે જણાવ્યું છે કે “ઘેટાનું લગ્‍ન” થશે.—પ્રકટી. ૧૯:૬-૯.

૧૨. પ્રકટીકરણ ૨૧:૧, ૨ પ્રમાણે ઘેટાનું લગ્‍ન ક્યારે થશે?

૧૨ ઘેટાનું લગ્‍ન ક્યારે થશે? આર્માગેદનના યુદ્ધ પહેલાં બધા ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં પહોંચી ગયા હશે. પણ એ સમયે ઘેટાનું લગ્‍ન નહિ થાય. (પ્રકટીકરણ ૨૧:૧, ૨ વાંચો.) આર્માગેદનમાં ઈશ્વરના બધા દુશ્મનોનો નાશ થશે, એ પછી જ લગ્‍ન થશે.—ગીત. ૪૫:૩, ૪, ૧૩-૧૭.

૧૩. ઘેટાનું લગ્‍ન શાને દર્શાવે છે?

૧૩ ઘેટાનું લગ્‍ન શાને દર્શાવે છે? એક લગ્‍ન પુરુષ અને સ્ત્રીને એક કરે છે. એવી જ રીતે ઘેટાનું લગ્‍ન રાજા ઈસુ ખ્રિસ્ત અને તેમની “કન્યા,” ૧,૪૪,૦૦૦ લોકોને એક કરશે. એ પછી તેઓ સાથે મળીને પૃથ્વી પર હજાર વર્ષનું રાજ શરૂ કરશે.—પ્રકટી. ૨૦:૬.

ભવ્ય શહેર અને એનાથી મળનારા આશીર્વાદો

પ્રકટીકરણ અધ્યાય ૨૧માં એક શહેરનું દર્શન છે. એ શહેર નવું યરૂશાલેમ છે, જે ‘સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરી’ રહ્યું છે. હજાર વર્ષના રાજમાં વફાદાર ભક્તોને એ શહેરના લીધે પુષ્કળ આશીર્વાદો મળશે (ફકરા ૧૪-૧૬ જુઓ)

૧૪-૧૫. પ્રકટીકરણ અધ્યાય ૨૧માં ૧,૪૪,૦૦૦ લોકોને કઈ રીતે રજૂ કરવામાં આવ્યા છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૪ પ્રકટીકરણ અધ્યાય ૨૧માં ૧,૪૪,૦૦૦ લોકોને એક અતિ સુંદર શહેર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. એ શહેરનું નામ છે “નવું યરૂશાલેમ.” (પ્રકટી. ૨૧:૨, ૯) એ શહેર પાયાના ૧૨ પથ્થરો પર ઊભું છે. “એ ૧૨ પથ્થરો પર ઘેટાના ૧૨ પ્રેરિતોનાં નામ” લખ્યાં છે. પથ્થર પર લખેલાં નામ જોઈને યોહાનને ઘણી નવાઈ લાગી હશે. કેમ કે એક પથ્થર પર તેમનું પોતાનું પણ નામ હતું. એ કેટલો મોટો લહાવો કહેવાય!—પ્રકટી. ૨૧:૧૦-૧૪; એફે. ૨:૨૦.

૧૫ એ શહેરની રોનક કંઈક અલગ જ છે. એ શહેરનો આકાર ચોરસ છે. એનો મુખ્ય રસ્તો શુદ્ધ સોનાથી બનેલો છે. એના ૧૨ દરવાજા મોતીના છે. એની દીવાલો અને પાયાના પથ્થરો કીમતી રત્નોથી શણગારેલાં છે. (પ્રકટી. ૨૧:૧૫-૨૧) પણ યોહાનને એ શહેરમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. તે કહે છે: “મેં એ શહેરમાં મંદિર જોયું નહિ, કેમ કે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા શહેરનું મંદિર છે અને ઘેટું પણ એનું મંદિર છે. શહેરને પ્રકાશ માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. ઈશ્વરનું ગૌરવ એમાં અજવાળું ફેલાવે છે અને એ શહેરનો દીવો ઘેટું છે.” (પ્રકટી. ૨૧:૨૨, ૨૩) ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં યહોવા સાથે હશે. એટલે તેઓને મંદિરની જરૂર નહિ પડે. (પ્રકટી. ૨૨:૩, ૪) વધુમાં ઈસુ સ્વર્ગમાં પ્રમુખ યાજક છે. એટલે તેઓ ઈસુની આગેવાની હેઠળ યહોવાની પવિત્ર ભક્તિ કરી શકશે. (હિબ્રૂ. ૭:૨૭) એ કારણોને લીધે યહોવા અને ઈસુને નવા યરૂશાલેમનું મંદિર કહેવામાં આવ્યા છે.

“નદી” અને ‘ઝાડથી’ કોને ફાયદો થશે? (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬. હજાર વર્ષના રાજમાં લોકોને કેવા આશીર્વાદ મળશે?

૧૬ અભિષિક્તો નવા યરૂશાલેમ વિશે વિચારીને ઘણા ખુશ થાય છે. જોકે પૃથ્વી પર જીવવાની આશા રાખનાર લોકો માટે પણ એ શહેર એટલું જ ખાસ છે. હજાર વર્ષના રાજમાં નવા યરૂશાલેમને લીધે પુષ્કળ આશીર્વાદ મળશે. યોહાન એ આશીર્વાદને ‘જીવનના પાણીની નદીની’ જેમ વહેતા જુએ છે. યોહાન એ પણ જુએ છે કે નદીના બંને કિનારે “જીવનનાં ઝાડ” છે. એ ઝાડનાં પાંદડાં “પ્રજાના લોકોને સાજા કરવા માટે” છે. (પ્રકટી. ૨૨:૧, ૨) “નદી” અને “ઝાડ” ઈશ્વરની એક ગોઠવણને રજૂ કરે છે. એના લીધે હજાર વર્ષ દરમિયાન લોકોમાંથી ધીરે ધીરે પાપની અસર દૂર થશે. એ સમયે કોઈની આંખોમાં આંસુ નહિ હોય. કોઈ બીમાર નહિ પડે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ.—પ્રકટી. ૨૧:૩-૫.

૧૭. પ્રકટીકરણ ૨૦:૧૧-૧૩ પ્રમાણે હજાર વર્ષના રાજમાં કોને કોને આશીર્વાદ મળશે?

૧૭ હજાર વર્ષના રાજમાં કોને કોને આશીર્વાદ મળશે? સૌથી પહેલા મોટા ટોળાના લોકોને મળશે, જેઓ આર્માગેદનના યુદ્ધમાંથી બચી નીકળ્યા હશે. પછી નવી દુનિયામાં જો તેઓનાં બાળકો થશે, તો એ બાળકોને પણ આશીર્વાદ મળશે. પ્રકટીકરણ અધ્યાય ૨૦માં એ પણ જણાવ્યું છે કે મરણ પામેલા લોકોને પૃથ્વી પર પાછા જીવતા કરવામાં આવશે. (પ્રકટીકરણ ૨૦:૧૧-૧૩ વાંચો.) એમાં ‘સારા અને ખરાબ’ લોકોનો સમાવેશ થાય છે. “સારા” એટલે કે એવા લોકો, જેઓ મરણ સુધી યહોવાને વફાદાર હતા. “ખરાબ” એટલે કે એવા લોકો, જેઓને જીવતેજીવ યહોવા વિશે શીખવાની તક મળી ન હતી. (પ્રે.કા. ૨૪:૧૫; યોહા. ૫:૨૮, ૨૯) તો શું એનો અર્થ એવો થાય કે મરણ પામેલા બધા લોકોને હજાર વર્ષના રાજમાં પાછા જીવતા કરવામાં આવશે? ના એવું નથી. જે લોકોએ જાણીજોઈને યહોવાની ભક્તિ કરવાની તક જતી કરી, તેઓને ફરી જીવતા કરવામાં નહિ આવે. એ તક જતી કરીને તેઓએ સાબિત કર્યું કે તેઓ હંમેશ માટેના જીવનને લાયક નથી.—માથ. ૨૫:૪૬; ૨ થેસ્સા. ૧:૯; પ્રકટી. ૧૭:૮; ૨૦:૧૫.

છેલ્લી કસોટી

૧૮. હજાર વર્ષ પૂરાં થતા સુધી જીવન કેવું હશે?

૧૮ હજાર વર્ષ પૂરાં થતા સુધી પૃથ્વી પર જીવતા બધા લોકોમાંથી પાપની અસર સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. તેઓ આદમ પાસેથી વારસામાં મળેલા પાપથી આઝાદ થઈ જશે. (રોમ. ૫:૧૨) માણસો પાપને લીધે જાણે મરેલા હતા, પણ હજાર વર્ષ પૂરાં થતા સુધી તેઓ ‘જીવતા થશે.’—પ્રકટી. ૨૦:૫.

૧૯. છેલ્લી કસોટી કેમ થશે?

૧૯ શેતાનને હજાર વર્ષના અંતે, અનંત ઊંડાણમાંથી બહાર કાઢવામાં આવશે. એ સમયે શેતાન લોકોની કસોટી કરશે, જેઓમાં પાપની અસર બિલકુલ નહિ હોય. (પ્રકટી. ૨૦:૭) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શેતાને તેમની ઘણી વાર કસોટી કરી હતી. પણ ઈસુ યહોવાને વફાદાર રહ્યા. એવી જ રીતે છેલ્લી કસોટીમાં દરેકને સાબિત કરવાની તક મળશે કે તે યહોવાને વફાદાર છે કે નહિ. જેઓ યહોવાને વફાદાર રહેશે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. તેઓને સાચી આઝાદી મળશે. (રોમ. ૮:૨૧) યહોવા વિરુદ્ધ બળવો કરશે તેઓનું શું થશે? શેતાન અને તેના દુષ્ટ દૂતો સાથે તેઓનો પણ હંમેશ માટે નાશ થઈ જશે.—પ્રકટી. ૨૦:૮-૧૦.

૨૦. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલી ભવિષ્યવાણીઓ વિશે તમને કેવું લાગે છે?

૨૦ પ્રકટીકરણના પુસ્તકના અમુક મુદ્દાઓ વિશે ચર્ચા કરીને તમને કેવું લાગ્યું? એ ભવિષ્યવાણીઓ પૂરી થતા જોઈને અને એમાં ભાગ લઈને સાચે જ તમારી ખુશી સમાતી નહિ હોય! એ વિશે બીજાઓને જણાવવા તમારો જોશ વધ્યો હશે. બીજાઓ પણ યહોવાની ભક્તિ કરી શકે માટે તેઓને મદદ કરવા તમે આતુર હશો. (પ્રકટી. ૨૨:૧૭) ખરેખર, એ જાણીને આપણો ઉત્સાહ વધ્યો છે કે ભાવિમાં શું બનશે. પ્રેરિત યોહાનની જેમ આપણે પણ કહેવા માંગીએ છીએ “આમેન! માલિક ઈસુ આવો!”—પ્રકટી. ૨૨:૨૦.

ગીત ૧૫૧ ઈશ્વરના દીકરાઓ પ્રગટ થશે

^ આ લેખમાં આપણે જોઈશું કે પ્રકટીકરણના પુસ્તકમાં ભાવિ વિશે શું જણાવ્યું છે. જે લોકો છેલ્લે સુધી યહોવાને વફાદાર રહેશે તેઓને ભાવિમાં ઘણા આશીર્વાદ મળશે. પણ યહોવા અને તેમના રાજનો વિરોધ કરનારાઓનો નાશ થશે.