સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૩

માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો

માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો

“તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.”—માથ. ૨૨:૩૭.

ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો

ઝલક *

૧-૨. જીવનમાં સંજોગો બદલાય ત્યારે અમુક સિદ્ધાંતો આપણા માટે કેમ મહત્ત્વના બની જાય છે? સમજાવો.

 લગ્‍નના દિવસે એક યુગલ બાઇબલ આધારિત પ્રવચન ધ્યાનથી સાંભળે છે. એમાં જણાવેલા બાઇબલના સિદ્ધાંતો તેઓએ પહેલાં કેટલીયે વાર સાંભળ્યા હોય છે. પણ લગ્‍નના દિવસે એ સિદ્ધાંતો તેઓ માટે ખાસ મહત્ત્વના બની જાય છે. કેમ કે એ યુગલે હવેથી પતિ-પત્ની તરીકે પોતાનાં જીવનમાં એ સિદ્ધાંતો લાગુ પાડવાના છે.

એવી જ રીતે એક પતિ-પત્નીએ પણ બાળકના ઉછેર વિશે વર્ષોથી પ્રવચનો સાંભળ્યાં હશે. પણ જ્યારે તેઓ માતા-પિતા બને છે ત્યારે એ સલાહ તેઓ માટે મહત્ત્વની બની જાય છે. તેઓ સમજે છે કે બાળકનો ઉછેર કરવો એક મોટી જવાબદારી છે. ક્યારેક આપણાં જીવનમાં પણ સંજોગો બદલાય છે ત્યારે બાઇબલના અમુક સિદ્ધાંતો આપણા માટે મહત્ત્વના બની જાય છે. એ એક કારણને લીધે યહોવાના ભક્તો ઇઝરાયેલના રાજાઓની જેમ શાસ્ત્રમાંથી “દરરોજ” વાંચે છે. એટલું જ નહિ એના પર મનન કરે છે.—પુન. ૧૭:૧૯.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

માતા-પિતાઓ, તમારી પાસે એક ખાસ લહાવો છે. તમારાં બાળકોને યહોવા વિશે શીખવવાનો લહાવો. તમે ફક્ત તેઓને યહોવા વિશે માહિતી જ આપવા નથી માંગતાં, તેઓનાં દિલમાં યહોવા માટે ઊંડો પ્રેમ પણ જગાડવા માંગો છો. તમે એ કઈ રીતે કરી શકો? આ લેખમાં આપણે બાઇબલના ચાર સિદ્ધાંતોની ચર્ચા કરીશું. એ સિદ્ધાંતો તમને મદદ કરશે. (૨ તિમો. ૩:૧૬) બાઇબલની સલાહ લાગુ પાડવાથી માતા-પિતાને કઈ રીતે ફાયદો થયો છે, એના અમુક દાખલા પણ આ લેખમાં જોઈશું.

માતા-પિતાઓને મદદ કરે એવા ચાર સિદ્ધાંતો

તમે યહોવા પાસે મદદ માંગશો અને સારો દાખલો બેસાડશો તો એની બાળકો પર કેવી અસર થશે? (ફકરા ૪, ૮ જુઓ)

૪. બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવવા માતા-પિતાને કયો એક સિદ્ધાંત મદદ કરી શકે? (યાકૂબ ૧:૫)

સિદ્ધાંત ૧: યહોવા પાસે મદદ માંગો. યહોવાને પ્રાર્થના કરો કે તે તમને સમજણ આપે, જેથી તમે તમારાં બાળકોનાં દિલમાં તેમના માટે પ્રેમ કેળવી શકો. (યાકૂબ ૧:૫ વાંચો.) યહોવા સૌથી સારી સલાહ આપે છે. એવું કહેવાના આપણી પાસે ઘણાં કારણો છે. એમાંનાં બે કારણો જોઈએ. પહેલું, યહોવા પોતે એક પિતા છે. તેમની પાસે વર્ષોનાં વર્ષોનો અનુભવ છે. (ગીત. ૩૬:૯) બીજું, યહોવા સૌથી બુદ્ધિશાળી છે. તે જે સલાહ આપે છે એનાથી હંમેશાં આપણું જ ભલું થાય છે.—યશા. ૪૮:૧૭.

૫. (ક) માતા-પિતાને મદદ કરવા યહોવાના સંગઠને શું પૂરું પાડ્યું છે? (ખ) વીડિયોમાં બતાવ્યું છે તેમ એક માતા-પિતાએ જે રીતે પોતાનાં બાળકોને મોટાં કર્યાં એનાથી તમને શું શીખવા મળ્યું?

યહોવાએ બાઇબલ અને સંગઠન દ્વારા માતા-પિતાઓને ઘણી મદદ પૂરી પાડી છે. એનો ઉપયોગ કરીને માતા-પિતા બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકે છે. (માથ. ૨૪:૪૫) દાખલા તરીકે, તમે “કુટુંબ માટે મદદ” શૃંખલામાં આપેલા લેખ વાંચી શકો. એ લેખો અગાઉ સજાગ બનો! મૅગેઝિનમાં આવતા હતા. હવે એ લેખો jw.org પર છે. વધુમાં આપણી વેબસાઇટ પરના ઘણા વીડિયો માતા-પિતાને મદદ કરી શકે છે. એમાં જણાવ્યું છે કે તેઓ કઈ રીતે યહોવાની સલાહ લાગુ પાડીને બાળકોનો સારી રીતે ઉછેર કરી શકે. *નીતિ. ૨:૪-૬.

૬. યહોવાનું સંગઠન જે રીતે મદદ કરે છે એ વિશે એક પિતાએ શું કહ્યું?

યહોવા પોતાના સંગઠન દ્વારા સાહિત્ય અને વીડિયો પૂરાં પાડે છે. એ માટે ઘણાં માતા-પિતા ખૂબ આભારી છે. જોસેફભાઈ અને તેમનાં પત્નીને પણ ઘણી મદદ મળી છે. તેઓએ જણાવ્યું કે સાહિત્ય અને વીડિયોને લીધે તેઓનાં બાળકો યહોવાની નજીક આવી શક્યાં છે. જોસેફભાઈ કહે છે, “ત્રણ બાળકોને યહોવા વિશે શીખવવું કંઈ સહેલું નથી. હું અને મારી પત્ની હંમેશાં યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ છીએ. ઘણી વાર અમને સમજાતું નથી કે શું કરવું. પણ અમે અનુભવ્યું છે કે યહોવા અમારી પ્રાર્થનાઓનો જવાબ આપે છે. તે પોતાના સંગઠન દ્વારા યોગ્ય સમયે અમને કોઈ લેખ કે વીડિયોથી મદદ પૂરી પાડે છે. યહોવાની મદદથી જ અમે અમારી જવાબદારી સારી રીતે નિભાવી શકીએ છીએ.”

૭. માતા-પિતાએ કેમ સારો દાખલો બેસાડવો જોઈએ? (રોમનો ૨:૨૧)

સિદ્ધાંત ૨: સારો દાખલો બેસાડો. બાળકો મોટા ભાગે માતા-પિતાને જોઈને શીખે છે. પણ માતા-પિતાથી ભૂલો તો થતી હોય છે. (રોમ. ૩:૨૩) તોપણ બાળકો આગળ સારો દાખલો બેસાડવા તેઓએ પૂરી મહેનત કરવી જોઈએ. (રોમનો ૨:૨૧ વાંચો.) એક ભાઈ કહે છે, “જેમ સ્પંજ આજુબાજુનું બધું શોષી લે છે, તેમ બાળકો પણ આપણે જે કહીએ કે કરીએ એવું જ કરે છે. જે શીખવીએ એ પ્રમાણે પોતે નહિ કરીએ તો, તેઓ તરત પારખી જશે.” આપણે ચાહીએ છીએ કે આપણાં બાળકો યહોવાને પ્રેમ કરે. એટલે જરૂરી છે કે સૌથી પહેલા આપણે પોતે યહોવા માટે ઊંડો પ્રેમ કેળવીએ. એ પ્રેમ આપણાં વાણી-વર્તનમાં પણ દેખાઈ આવવો જોઈએ.

૮-૯. એન્ડ્રુ અને એમ્માએ જે કહ્યું એનાથી તમને શું શીખવા મળ્યું?

માતા-પિતા અલગ અલગ રીતે બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકે છે. ૧૭ વર્ષનો એન્ડ્રુ જણાવે છે, “મારાં મમ્મી-પપ્પાએ મને હંમેશાં શીખવ્યું કે પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે. રોજ રાતે પપ્પા મારી સાથે પ્રાર્થના કરતા. ભલેને મેં પ્રાર્થના કરી લીધી હોય, તોપણ તે મારી સાથે પ્રાર્થના કરતા. મને અને મારી નાની બહેનને મમ્મી-પપ્પા હંમેશાં કહેતાં, ‘તમે ચાહો એટલી વાર યહોવા સાથે વાત કરી શકો છો.’ એ વાત મારા દિલમાં ઊતરી ગઈ. હવે યહોવા મારા માટે મારા પપ્પા જેવા જ છે. હું તેમની સાથે દિલ ખોલીને વાત કરી શકું છું.” માતા-પિતાઓ, યાદ રાખો કે તમે યહોવાને પ્રેમ કરો છો એ જોઈને બાળકો પણ યહોવાને પ્રેમ કરવા લાગશે.

ચાલો, એમ્માનો દાખલો જોઈએ. તેના પપ્પા કુટુંબ છોડીને જતા રહ્યા હતા. તેમણે ઘણું દેવું કર્યું હતું. પછી એમ્માનાં મમ્મીએ દેવું ચૂકવવું પડ્યું હતું. એમ્મા કહે છે, “ઘણી વાર અમારી પાસે પૂરતા પૈસા ન હતાં. પણ મમ્મી હંમેશાં અમને યાદ કરાવતાં કે યહોવા કઈ રીતે પોતાના ભક્તોની સંભાળ રાખે છે અને જરૂરિયાતો પૂરી પાડે છે. મમ્મી ફક્ત કહેવા ખાતર જ નહિ, પણ કામોથી બતાવી આપતાં કે તેમને યહોવા પર કેટલો ભરોસો છે. સાચે જ, મમ્મીએ અમારાં માટે સૌથી સારો દાખલો બેસાડ્યો હતો.” એનાથી શીખવા મળે છે કે માતા-પિતા અઘરા સંજોગોમાં પણ પોતાનાં સારા દાખલાથી બાળકોને શીખવી શકે છે.—ગલા. ૬:૯.

૧૦. એક ઇઝરાયેલી માતા-પિતા ક્યારે બાળકો સાથે યહોવા વિશે વાત કરી શકતાં હતાં? (પુનર્નિયમ ૬:૬, ૭)

૧૦ સિદ્ધાંત ૩: બાળકો સાથે વાત કરવા સમય કાઢો. યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે તેઓ દરરોજ બાળકોને તેમના વિશે શીખવે. (પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો.) એક ઇઝરાયેલી માતા-પિતાને દિવસ દરમિયાન બાળકો સાથે યહોવા વિશે વાત કરવાની ઘણી તક મળતી હતી. એના લીધે તેઓ બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવી શકતાં હતાં. દાખલા તરીકે, એક પિતા વાવણી કે કાપણીનું કામ કરતા ત્યારે તેમનો દીકરો તેમને મદદ કરતો હતો. એક માતા કપડાં સીવવાં કે વણવાંનું કામ કરતા અથવા બીજાં કોઈ કામ કરતા ત્યારે તેમની દીકરી મદદ કરતી હતી. આમ માતા-પિતા બાળકો સાથે કલાકોના કલાકો વિતાવતાં હતાં. એ વખતે તેઓ વાત કરી શકતાં હતાં કે યહોવા કઈ રીતે ભલાઈ બતાવે છે અને તેઓના કુટુંબને મદદ કરે છે.

૧૧. માતા-પિતાને બાળકો સાથે વાત કરવાની એક સારી તક ક્યારે મળે છે?

૧૧ આજે સમય બદલાયો છે. ઘણાં માતા-પિતા અને બાળકોને દિવસ દરમિયાન એકબીજા માટે સમય કાઢવો અઘરું થઈ ગયું છે. માતા-પિતા કામધંધા પર હોય છે અને બાળકો સ્કૂલમાં. એટલે માતા-પિતાએ બાળકો સાથે વાત કરવા સમય કાઢવો જોઈએ. (એફે. ૫:૧૫, ૧૬; ફિલિ. ૧:૧૦) એમ કરવાની એક સારી રીતે છે, કુટુંબ તરીકેની ભક્તિ. ૧૫ વર્ષનો એલેકઝાંડર કહે છે, “મારા પપ્પા ધ્યાન રાખે છે કે અમે દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ કરીએ. તે કોઈ પણ કામને એની આડે આવવા દેતા નથી. અભ્યાસ પછી અમે એકબીજા સાથે વાત કરીએ છીએ કે અમારા જીવનમાં શું ચાલે છે.”

૧૨. કુટુંબ તરીકેની ભક્તિ વખતે એક પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૨ પિતાઓ, કુટુંબ તરીકેની ભક્તિમાં બાળકોને મજા આવે એ માટે તમે શું કરી શકો? તમે કદાચ બાળકો સાથે દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી અભ્યાસ કરી શકો. અભ્યાસમાં તમને બાળકો સાથે દિલ ખોલીને વાતચીત કરવાની ઘણી તક મળશે. તમે પણ એ જ ચાહો છો ને કે બાળકો પોતાનાં વિચારો, લાગણીઓ અને ચિંતાઓ તમને જણાવે? એટલે કુટુંબ તરીકેની ભક્તિમાં બાળકોને લેકચર આપવા બેસી ન જાવ. તેઓને ખખડાવશો પણ નહિ. જો બાળકો એવું કંઈક કહે જે બાઇબલ પ્રમાણે નથી, તો તરત ગુસ્સે ન થઈ જાવ. તેઓએ પોતાનાં દિલની વાત જણાવી એટલે તેઓના વખાણ કરો. તેઓ છૂટથી પોતાના વિચારો જણાવે માટે તેઓને ઉત્તેજન આપો. બાળકોનાં મનમાં શું ચાલી રહ્યું છે જો એ તમને ખબર હશે, તો જ તમે સૌથી સારી મદદ કરી શકશો.

માતા-પિતા કઈ રીતે સૃષ્ટિમાંથી બાળકોને યહોવા વિશે શીખવી શકે? (ફકરો ૧૩ જુઓ)

૧૩. માતા-પિતા બાળકોને બીજી કઈ રીતે યહોવાની નજીક જવા મદદ કરી શકે?

૧૩ માતા-પિતાઓ, તમે આખા દિવસમાં બાળકો સાથે વાત કરવાની તક શોધતાં રહો. એ સમયે તમે બાળકોને યહોવાની નજીક જવા મદદ કરી શકો છો. બાળકોને પ્રેમાળ ઈશ્વર વિશે શીખવવા બાઇબલ અભ્યાસની જ રાહ જોશો નહિ. ચાલો લીસાબહેનનો દાખલો જોઈએ. તે પણ એક માતા છે. તે કહે છે, “બાળકો સૃષ્ટિમાંથી યહોવા વિશે શીખી શકે માટે અમે તેઓને મદદ કરતા. જેમ કે અમારા કૂતરાની મસ્તી જોઈને બાળકો હસી પડતાં. ત્યારે અમે બાળકોને એ જોવા મદદ કરતા કે યહોવા આનંદી ઈશ્વર છે. તે ચાહે છે કે આપણે ખુશ રહીએ, જીવનની મજા માણીએ.”

માતા-પિતાઓ, શું તમે તમારાં બાળકોના દોસ્તોને ઓળખો છો? (ફકરો ૧૪ જુઓ) *

૧૪. સારા દોસ્તો પસંદ કરવા માતા-પિતાએ કેમ બાળકોને મદદ કરવી જોઈએ? (નીતિવચનો ૧૩:૨૦)

૧૪ સિદ્ધાંત ૪: બાળકોને સારા દોસ્તો પસંદ કરવા મદદ કરો. બાઇબલમાં જણાવ્યું છે કે દોસ્તોની આપણા પર અસર થાય છે. જો દોસ્તો સારા હશે, તો એની સારી અસર થશે. પણ જો ખરાબ હશે, તો એની ખરાબ અસર થશે. (નીતિવચનો ૧૩:૨૦ વાંચો.) માતા-પિતાઓ, શું તમે તમારાં બાળકોના દોસ્તોને ઓળખો છો? શું તમે તેઓને મળ્યા છો? શું તમે તેઓ સાથે હળો-મળો છો અને સમય વિતાવો છો? તમે ચાહતાં હશો કે તમારાં બાળકો એવા લોકો સાથે દોસ્તી કરે જેઓ યહોવાને પ્રેમ કરે છે. (૧ કોરીં. ૧૫:૩૩) એ માટે તમે શું કરી શકો? કુટુંબ તરીકે તમે કંઈક કરવાનું નક્કી કરો તો એમાં જોડાવવા બીજાં ભાઈ-બહેનોને આમંત્રણ આપી શકો. એ ભાઈ-બહેનો ભક્તિમાં સારું કરી રહ્યાં છે, એટલે બાળકો પર એની સારી અસર થશે. આમ બાળકો માટે સારા દોસ્તો પસંદ કરવા સહેલું થઈ જશે.—ગીત. ૧૧૯:૬૩.

૧૫. બાળકો સારા દોસ્તો પસંદ કરે માટે માતા-પિતા શું કરી શકે?

૧૫ ચાલો ટોનીભાઈ અને તેમનાં પત્નીનો દાખલો જોઈએ. તેઓનાં બાળકો સારા દોસ્તો પસંદ કરી શકે માટે તેઓએ શું કર્યું? ભાઈ કહે છે, “આટલાં વર્ષોમાં અમે અલગ અલગ ભાઈ-બહેનોને ઘરે બોલાવ્યાં છે. અમે તેઓને જમવા બોલાવીએ છીએ. પછી તેઓ સાથે કુટુંબ તરીકેની ભક્તિ કરીએ છીએ. એનાથી અમે બીજાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શક્યાં છીએ. અમે જોઈ શક્યા છીએ કે તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને ખુશી ખુશી તેમની ભક્તિ કરે છે. સરકીટ નિરીક્ષક, મિશનરી અને બીજાં ભાઈ-બહેનો અમારા ઘરે રોકાય છે. તેઓના અનુભવ સાંભળીને, તેઓનો ઉત્સાહ અને મહેનત જોઈને અમારાં બાળકો ઘણું શીખ્યાં છે. એનાથી બાળકો યહોવાની નજીક જઈ શક્યાં છે.” માતા-પિતાઓ, તમે બાળકોની મદદ કરતા રહો, જેથી તેઓ સારા દોસ્તો પસંદ કરી શકે.

હિંમત ન હારો, પણ આશા રાખો

૧૬. તમારું બાળક યહોવાની ભક્તિ કરવા માંગતું ન હોય તો તમે શું કરી શકો?

૧૬ તમે તમારાં બાળકોને યહોવા વિશે શીખવવા ઘણી મહેનત કરી હશે. પણ જો તમારું કોઈ બાળક યહોવાની ભક્તિ કરવા માંગતું ન હોય, તો તમે શું કરી શકો? ક્યારેય એવું ન વિચારો કે તમે તમારી જવાબદારી સારી રીતે નથી નિભાવી. યહોવા બધાને પસંદગી કરવાની છૂટ આપે છે કે તેઓ તેમની ભક્તિ કરશે કે નહિ. તમારા બાળકને પણ એ છૂટ આપી છે. જો તમારું બાળક યહોવાને છોડી દે તો હિંમત ન હારો. આશા રાખો કે તે એક દિવસ જરૂર પાછું આવશે. ખોવાયેલા દીકરાનું ઉદાહરણ યાદ કરો. (લૂક ૧૫:૧૧-૧૯, ૨૨-૨૪) તેણે ખરાબ કામો કરવામાં હદ વટાવી દીધી હતી. પણ આખરે તે પાછો આવે છે. અમુકને થાય, ‘એ તો ફક્ત એક વાર્તા જ છે. એવું તો કંઈ બનતું હશે!’ પણ ભરોસો રાખો કે તમારું બાળક પાછું આવી શકે છે. ઈલીભાઈનો પણ એવો જ અનુભવ છે.

૧૭. ઈલીભાઈના દાખલામાંથી તમને શું ઉત્તેજન મળ્યું?

૧૭ ઈલીભાઈ પોતાનો અનુભવ જણાવે છે: “મારા દિલમાં યહોવા અને બાઇબલ માટે પ્રેમ જગાડવા મારાં મમ્મી-પપ્પાએ ખૂબ મહેનત કરી હતી. પણ હું આશરે ૧૫ વર્ષનો હતો ત્યારે તેઓની સામે થવા લાગ્યો.” ઈલીભાઈ મમ્મી-પપ્પાને ખબર ન પડે એ રીતે ખોટાં કામ કરવા લાગ્યા. તે યહોવાને વળગી રહે એ માટે તેમનાં મમ્મી-પપ્પાએ ઘણી કોશિશ કરી. પણ તેમણે તેઓનું જરાય સાંભળ્યું નહિ. તે ઘર છોડીને જતા રહ્યા. તે વધારે ખરાબ કામો કરવા લાગ્યા. જોકે અમુક વાર તે પોતાના દોસ્ત સાથે બાઇબલ વિશે ચર્ચા કરતા. ઈલીભાઈ કહે છે: “હું મારા દોસ્ત સાથે યહોવા વિશે વાત કરતો. જેટલી વધારે વાત કરતો, એટલું વધારે હું યહોવા વિશે વિચારતો. મારાં મમ્મી-પપ્પાએ મારા દિલમાં સત્યનું બી રોપ્યું હતું. વર્ષો પછી એ બી ધીરે ધીરે ઉગવા લાગ્યું હતું.” સમય જતાં ઈલીભાઈ યહોવા પાસે પાછા આવ્યા. * જરા વિચારો, તેમનાં મમ્મી-પપ્પાને કેટલી ખુશી થઈ હશે! તેઓએ ઈલીભાઈને નાનપણમાં યહોવા વિશે શીખવવા જે અથાક મહેનત કરી હતી, એનું તેઓને સારું ફળ મળ્યું.—૨ તિમો. ૩:૧૪, ૧૫.

૧૮. માતા-પિતાની મહેનત જોઈને તમને કેવું લાગે છે?

૧૮ માતા-પિતાઓ, તમારી પાસે એક ખાસ જવાબદારી છે. તમે આવનાર પેઢીને યહોવાની ભક્તિ કરવાનું શીખવી શકો છો. (ગીત. ૭૮:૪-૬) એ કંઈ નાનીસૂની જવાબદારી નથી. એટલે તમે બાળકોને મદદ કરવા પુષ્કળ મહેનત કરો છો. તમારી એ મહેનતની અમે ખૂબ કદર કરીએ છીએ. તમે બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવતાં રહો. યહોવાની આજ્ઞા પાળવાનું તેઓને શીખવતાં રહો. ખાતરી રાખો કે એ માટે તમે જે કંઈ પણ કરો છો, એ જોઈને આપણા પ્રેમાળ પિતા યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે.—એફે. ૬:૪.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

^ માતા-પિતા પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ બાળકોની જરૂરિયાતો પૂરી કરવા અને તેઓને ખુશ રાખવા ખૂબ મહેનત કરે છે. ખાસ કરીને બાળકોનાં દિલમાં યહોવા માટે ઊંડો પ્રેમ કેળવવા તેઓ અથાક મહેનત કરે છે. એ માટે માતા-પિતાઓને બાઇબલના સિદ્ધાંતો મદદ કરી શકે છે. આ લેખમાં આપણે એવા ચાર સિદ્ધાંતોની ચર્ચા કરીશું.

^ જુલાઈ ૧, ૨૦૧૨ ચોકીબુરજમાં (હિંદી) આપેલો આ લેખ જુઓ: “જિંદગી સવાર દેતી હૈ બાઇબલ.

^ ચિત્રની સમજ: એક પિતા પોતાના બાળકના દોસ્તને ઓળખવા તેઓ સાથે બાસ્કેટ-બૉલ રમે છે.