સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૨

યહોવાની સલાહ પાળીએ અને સમજુ બનીએ

યહોવાની સલાહ પાળીએ અને સમજુ બનીએ

“યહોવા બુદ્ધિ આપે છે.”​—નીતિ. ૨:૬.

ગીત ૬ અમારી પ્રાર્થના

ઝલક *

૧. આપણને યહોવા પાસેથી મળતી સમજણની કેમ જરૂર છે? (નીતિવચનો ૪:૭)

 કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવા આપણને બુદ્ધિ કે સમજણની જરૂર પડે છે. તમે પણ કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં યહોવાને જરૂર પ્રાર્થના કરી હશે. તમે તેમની પાસે સમજણ માંગી હશે. (યાકૂ. ૧:૫) રાજા સુલેમાને લખ્યું હતું કે “બુદ્ધિ સૌથી મહત્ત્વની છે.” (નીતિવચનો ૪:૭ વાંચો.) સુલેમાન અહીં માણસો પાસેથી મળતી સમજણની નહિ, પણ યહોવા પાસેથી મળતી સમજણની વાત કરી રહ્યા હતા. (નીતિ. ૨:૬) શું આજે પણ યહોવા પાસેથી મળતી સમજણ આપણને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી શકે? હા ચોક્કસ. એના વિશે આ લેખમાં આપણે વધારે જોઈશું.

૨. સમજુ બનવાની એક રીત કઈ છે?

બાઇબલમાં એવા બે માણસો વિશે જણાવ્યું છે, જેઓ ખૂબ બુદ્ધિશાળી હતા. એમાંના એક હતા સુલેમાન. બાઇબલમાં જણાવ્યું છે કે ‘ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યા હતા.’ (૧ રાજા. ૪:૨૯) બીજા હતા ઈસુ. તે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસ હતા. (માથ. ૧૨:૪૨) ઈસુ માટે ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ‘યહોવાની શક્તિ તેમના પર ઊતરી આવશે. એટલે તે બુદ્ધિશાળી અને સમજુ હશે.’ (યશા. ૧૧:૨) એ બંને માણસોએ જે શીખવ્યું એનો આપણે અભ્યાસ કરીએ અને તેઓની સલાહ જીવનમાં લાગુ પાડીએ. એમ કરીશું તો આપણે સમજુ બની શકીશું.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

સુલેમાન અને ઈસુને યહોવા પાસેથી બુદ્ધિ અને સમજણ મળી હતી. એટલે તેઓ સારી સલાહ આપી શક્યા. જો આપણે એ સલાહ જીવનમાં લાગુ પાડીશું તો ઘણો ફાયદો થશે. આ લેખમાં આપણે એવી ત્રણ બાબતો પર ચર્ચા કરીશું. આપણે જોઈશું કે કઈ રીતે પૈસા, કામધંધા અને પોતાના વિશે યોગ્ય વલણ રાખી શકીએ.

પૈસા વિશે યોગ્ય વલણ

૪. સુલેમાન અને ઈસુનાં જીવનમાં કયો ફરક હતો?

સુલેમાન પાસે અઢળક માલ-મિલકત હતી. તે એક આલીશાન મહેલમાં રહેતા હતા. (૧ રાજા. ૧૦:૭, ૧૪, ૧૫) જ્યારે કે ઈસુ પાસે બહુ કંઈ ન હતું. અરે, તેમની પાસે તો પોતાનું ઘર પણ ન હતું. (માથ. ૮:૨૦) તેમ છતાં તેઓ બંને પૈસા વિશે યોગ્ય વલણ રાખી શક્યા. કેમ કે તેઓએ યહોવા પાસેથી મળતી સમજણ પર આધાર રાખ્યો હતો.

૫. સુલેમાને કઈ રીતે પૈસા વિશે યોગ્ય વલણ રાખ્યું?

સુલેમાને કહ્યું કે “પૈસા રક્ષણ આપે છે.” (સભા. ૭:૧૨) એ સાચું છે કે આપણે પૈસાથી જીવનની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. આપણે અમુક ગમતી વસ્તુઓ પણ ખરીદી શકીએ છીએ. સુલેમાન પાસે ઘણી માલ-મિલકત હોવા છતાં તેમને સમજાયું કે પૈસો જ બધું નથી. તેમણે જણાવ્યું કે જીવનમાં બીજી બાબતો પણ છે, જે વધારે મહત્ત્વની છે. દાખલા તરીકે, તેમણે લખ્યું કે “પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ [અથવા “સારી શાખ,” ફૂટનોટ] વધારે સારું” છે. (નીતિ. ૨૨:૧) સુલેમાને જોયું કે જેઓ પૈસા પાછળ દોડે છે તેઓનાં જીવનમાં સંતોષ નથી. તેઓ પાસે ઘણી ચીજવસ્તુઓ હોવા છતાં એમાં ખુશી મળતી નથી. (સભા. ૫:૧૦, ૧૨) પૈસા આજે છે અને કાલે નથી. એટલે સુલેમાને સલાહ આપી કે આપણે જીવનમાં પૈસાને સૌથી મહત્ત્વના ન ગણીએ.—નીતિ. ૨૩:૪, ૫.

શું ચીજવસ્તુઓ અને પૈસાને લીધે યહોવાની ભક્તિ જીવનમાં પહેલી રાખવી આપણા માટે અઘરી બને છે? (ફકરા ૬-૭ જુઓ) *

૬. ઈસુએ કઈ રીતે ચીજવસ્તુઓ કે પૈસા વિશે યોગ્ય વલણ રાખ્યું? (માથ્થી ૬:૩૧-૩૩)

ઈસુએ પણ પૈસા વિશે યોગ્ય વલણ રાખ્યું. તે બીજાઓ સાથે મળીને ખાવા-પીવાની મઝા માણતા હતા. (લૂક ૧૯:૨, ૬, ૭) એક વખત તેમણે પાણીમાંથી એકદમ સારો દ્રાક્ષદારૂ બનાવ્યો. એ તેમનો પહેલો ચમત્કાર હતો. (યોહા. ૨:૧૦, ૧૧) તેમને જે દિવસે મારી નાખવામાં આવ્યા એ દિવસે તેમણે એક કીમતી ઝભ્ભો પહેર્યો હતો. (યોહા. ૧૯:૨૩, ૨૪) પણ ઈસુએ ચીજવસ્તુઓ કે પૈસાને જીવનમાં સૌથી મહત્ત્વના ન ગણ્યા. તેમણે શિષ્યોને કહ્યું, ‘બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.’ (માથ. ૬:૨૪) ઈસુએ શીખવ્યું કે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખીશું તો ઈશ્વર આપણી જરૂરિયાતો ચોક્કસ પૂરી કરશે.—માથ્થી ૬:૩૧-૩૩ વાંચો.

૭. પૈસા વિશે યોગ્ય વલણ રાખવાથી એક ભાઈને કેવા આશીર્વાદ મળ્યા?

પૈસા વિશે યહોવાએ આપેલી સલાહ ઘણાં ભાઈ-બહેનોએ લાગુ પાડી છે. એનાથી તેઓને ઘણો ફાયદો થયો છે. ચાલો, ડેનિયલભાઈ જે કુંવારા છે, તેમનો દાખલો જોઈએ. તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું છે. એટલે તે યહોવાની ભક્તિમાં ઘણું કરી શક્યા. જેમ કે, તે રાહતકામમાં ભાગ લઈ શક્યા અને બેથેલમાં સેવા આપી શક્યા. તે કહે છે: “હું યુવાન હતો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે યહોવાની ભક્તિને જીવનમાં સૌથી પહેલી રાખીશ. એ નિર્ણયનો મને ક્યારેય પસ્તાવો થયો નથી. મેં ચાહ્યું હોત તો ઘણા પૈસા કમાઈ શક્યો હોત. પણ મને જે સારા દોસ્તો મળ્યા છે એ ન મળ્યા હોત. યહોવાનાં કામમાં મન પરોવેલું રાખવાથી જે ખુશી અને સંતોષ મળે છે એ ન મળ્યાં હોત. યહોવાએ મને જેટલા આશીર્વાદ આપ્યા છે એની તોલે પૈસા કંઈ જ નથી.” સાચે જ, પૈસા પાછળ દોડવાને બદલે યહોવાની ભક્તિમાં લાગુ રહેવાથી ઘણા આશીર્વાદ મળે છે.

કામધંધા વિશે યોગ્ય વલણ

૮. સુલેમાને કઈ રીતે કામધંધા વિશે યોગ્ય વલણ રાખ્યું? (સભાશિક્ષક ૫:૧૮, ૧૯)

સુલેમાને કહ્યું કે મહેનત કરવાથી ખુશી મળે છે અને “એ ઈશ્વર તરફથી ભેટ છે.” (સભાશિક્ષક ૫:૧૮, ૧૯ વાંચો.) તેમને ખબર હતી કે “મહેનતના દરેક કામથી ફાયદો થાય છે.” (નીતિ. ૧૪:૨૩) તે એક મહેનતુ વ્યક્તિ હતા. તેમણે પોતાનાં માટે ઘરો બાંધ્યાં, દ્રાક્ષાવાડીઓ રોપી, બગીચા અને તળાવો બનાવ્યાં. તેમણે ઘણાં શહેરો પણ બાંધ્યાં. (૧ રાજા. ૯:૧૯; સભા. ૨:૪-૬) તેમને પોતાની મહેનતના લીધે ઘણી ખુશી મળી હશે. પણ સુલેમાનને ખબર હતી કે એ બધું કરવાથી સાચી ખુશી નહિ મળે. યહોવા માટે કંઈક કરશે તો જ તેમને સાચી ખુશી મળશે. એટલે આગળ જતાં તેમણે યહોવા માટે એક ભવ્ય મંદિર બાંધ્યું. એ તેમની સાત વર્ષની મહેનત હતી! (૧ રાજા. ૬:૩૮; ૯:૧) અલગ અલગ પ્રકારનાં કામો કર્યાં પછી સુલેમાનને ખ્યાલ આવ્યો કે યહોવાની ભક્તિ કરવી જ સૌથી મહત્ત્વનું છે. તેમણે લખ્યું, “બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.”—સભા. ૧૨:૧૩.

૯. ઈસુએ કઈ રીતે કામધંધા વિશે યોગ્ય વલણ રાખ્યું?

ઈસુ પણ એક મહેનતુ વ્યક્તિ હતા. તે યુવાન હતા ત્યારે સુથારી કામ કરતા હતા. (માર્ક ૬:૩) કુટુંબને મદદ કરવા તે જે કામ કરતા હતા એની તેમનાં માતા-પિતા ઘણી કદર કરતા હશે. કેમ કે તેઓનું કુટુંબ મોટું હતું અને ગુજરાન ચલાવવું અઘરું હતું. ઈસુમાં પાપ ન હતું અને તે કોઈ પણ કામ ભૂલ વગર કરી શકતા હતા. જરા વિચારો કે તેમણે બનાવેલી વસ્તુઓની કેટલી માંગ હશે! ઈસુને એ કામ ખૂબ ગમતું હશે, તોપણ તે એમાં ડૂબેલા ન રહેતા. તે યહોવાની ભક્તિ માટે પણ સમય કાઢતા. (યોહા. ૭:૧૫) આગળ જતાં તેમણે પૂરો સમય ખુશખબર ફેલાવવામાં વિતાવ્યો. એ સમયે તેમણે શિષ્યોને એક સલાહ આપી: “જે ખોરાક નાશ પામે છે એના માટે તમે મહેનત ન કરો. પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે, એના માટે મહેનત કરો.” (યોહા. ૬:૨૭) પહાડ પરના ઉપદેશમાં તેમણે કહ્યું: “તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.”—માથ. ૬:૨૦.

કામધંધાની સાથે સાથે ભક્તિને લગતાં કામો માટે કઈ રીતે સમય કાઢી શકીએ? (ફકરા ૧૦-૧૧ જુઓ) *

૧૦. આપણે કેમ વધારે કલાકો કામ કરવા લાગી શકીએ? એનાથી શું થઈ શકે?

૧૦ જો આપણે યહોવાની સલાહ પાળીશું તો કામધંધા વિશે યોગ્ય વલણ રાખી શકીશું. બાઇબલમાં સલાહ આપી છે કે આપણે “સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ” કરીએ. (એફે. ૪:૨૮) એવું ઘણી વાર બને છે કે આપણી ઈમાનદારી અને મહેનત જોઈને બોસ ખુશ થાય છે અને આપણા કામની કદર કરે છે. એટલે કદાચ તેમને વધારે ખુશ કરવા આપણે ઘણા કલાકો કામ કરવા લાગીએ. આપણે વિચારીએ કે એવું કરવાથી બોસ પર યહોવાના સાક્ષીઓની સારી છાપ પડશે. પણ જો મોટા ભાગનો સમય કામ પર વિતાવીશું તો કુટુંબ અને યહોવા માટે સમય જ નહિ બચે. એવું હોય તો આપણે જીવનમાં ફેરફાર કરીએ, જેથી જે મહત્ત્વનું છે એને સમય આપી શકીએ.

૧૧. કામધંધામાં યોગ્ય વલણ રાખવા વિશે વિલિયમ શું શીખ્યો?

૧૧ ચાલો વિલિયમ નામના એક યુવાનનો દાખલો જોઈએ. તે પહેલાં એક વડીલને ત્યાં નોકરી કરતો હતો. તે તેમની પાસેથી કામધંધા વિશે યોગ્ય વલણ રાખવાનું શીખ્યો. વિલિયમ કહે છે: “[એ ભાઈએ] કામ માટે સમતોલ દૃષ્ટિ રાખનાર તરીકે એક સારો દાખલો બેસાડ્યો છે. તે મહેનતુ છે અને તેમના સારા કામને લીધે તેમણે સારું નામ કમાયું છે. દિવસના અંતે તેમને ખબર હોય છે કે કઈ રીતે કામને કામની જગ્યાએ મૂકી દેવું અને કુટુંબ પર અને ભક્તિ પર પોતાનું ધ્યાન આપવું. અને તમને ખબર છે? હું જેટલા લોકોને ઓળખું છું એમાં તે સૌથી સુખી છે!” *

પોતાના વિશે યોગ્ય વલણ રાખીએ

૧૨. (ક) સુલેમાને શરૂઆતમાં કઈ રીતે પોતાના વિશે યોગ્ય વલણ રાખ્યું? (ખ) સમય જતાં શું થયું?

૧૨ સુલેમાન યહોવાની વફાદારીથી ભક્તિ કરતા હતા ત્યાં સુધી તે પોતાના વિશે યોગ્ય વલણ રાખી શક્યા. તે યુવાન હતા અને તેમણે રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ નમ્ર હતા. તેમણે સ્વીકાર્યું કે તે બધું પોતાની રીતે કરી શકતા નથી. એટલે તેમણે યહોવા પાસે માર્ગદર્શન માંગ્યું. (૧ રાજા. ૩:૭-૯) સુલેમાનને ખબર હતી કે અભિમાની બનવાથી કેવા ખરાબ પરિણામ આવે છે. તેમણે લખ્યું: “અભિમાન વિનાશ લાવે છે અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.” (નીતિ. ૧૬:૧૮) દુઃખની વાત છે કે સમય જતાં સુલેમાને પોતે એ સલાહ ન પાળી. તે અભિમાની બની ગયા અને યહોવાના નિયમોને આંખ આડા કાન કરવા લાગ્યા. દાખલા તરીકે, યહોવાનો નિયમ હતો કે “રાજાએ પોતાના માટે ઘણી પત્નીઓ કરવી નહિ, નહિતર તેનું દિલ ખરા માર્ગથી ભટકી જશે.” (પુન. ૧૭:૧૭) સુલેમાન એ જાણતા હતા, તોપણ તેમની ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ હતી. અરે, તેઓમાંથી ઘણી સ્ત્રીઓ તો યહોવાની ભક્તિ કરતી ન હતી. (૧ રાજા. ૧૧:૧-૩) સુલેમાનને લાગ્યું હશે કે ‘મને કંઈ થવાનું નથી.’ પણ યહોવાના નિયમો ન પાળવાને લીધે તે યહોવાથી દૂર થઈ ગયા. તેમણે પછીથી એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં.—૧ રાજા. ૧૧:૯-૧૩.

૧૩. આપણે ઈસુની જેમ કઈ રીતે નમ્ર બની શકીએ?

૧૩ ઈસુએ પોતાના વિશે યોગ્ય વલણ રાખ્યું. તેમણે નમ્રતાનો ગુણ બતાવ્યો. ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે તેમણે યહોવા સાથે મળીને ઘણાં અદ્‍ભુત કામો કર્યાં હતાં. ઈસુ ‘દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર બધું બનાવવામાં આવ્યું હતું.’ (કોલો. ૧:૧૬) ઈસુના બાપ્તિસ્મા વખતે તેમને એ બધી વાતો યાદ આવી હશે. (માથ. ૩:૧૬; યોહા. ૧૭:૫) પણ એના લીધે તે અભિમાની ન બની ગયા. તેમણે ક્યારેય પોતાની વાતો અને કામોથી એવું ન દેખાડ્યું કે તે બીજાઓ કરતાં ચઢિયાતા છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તે પૃથ્વી પર ‘સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યા છે. તે ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યા છે.’ (માથ. ૨૦:૨૮) તેમણે એ પણ સ્વીકાર્યું કે તે પોતાની રીતે કંઈ કરી શકતા નથી. (યોહા. ૫:૧૯) તેમણે આપણા માટે નમ્રતાનો કેટલો સરસ દાખલો બેસાડ્યો છે!

૧૪. પોતાના વિશે યોગ્ય વલણ રાખવા ઈસુ પાસેથી શું શીખી શકીએ?

૧૪ આપણે પોતાના વિશે યોગ્ય વલણ રાખવું જોઈએ. જોકે આપણે એવું પણ ન વિચારવું જોઈએ કે આપણે નકામા છીએ. ઈસુએ પણ એવું જ શીખવ્યું હતું. એકવાર તેમણે શિષ્યોને કહ્યું: “તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે.” (માથ. ૧૦:૩૦) એનાથી દેખાઈ આવે છે કે યહોવાને આપણી ચિંતા છે અને તે આપણને ઘણા કીમતી ગણે છે. યહોવાએ આપણને તેમની ભક્તિ કરવાનો એક લહાવો આપ્યો છે. તે ચાહે છે કે આપણે હંમેશ માટેનું જીવન મેળવીએ. એટલે ક્યારેય એવું ન વિચારીએ કે આપણે એની માટે લાયક નથી. એવું વિચારવું તો જાણે યહોવાના નિર્ણય પર સવાલ ઉઠાવવા બરાબર છે.

પોતાના વિશે યોગ્ય વલણ નહિ રાખીએ તો શું ગુમાવી દઈશું? (ફકરો ૧૫ જુઓ) *

૧૫. (ક) પોતાના વિશે યોગ્ય વલણ રાખવા ચોકીબુરજમાં શું જણાવ્યું હતું? (ખ) પાન ૨૪ પરના ચિત્રમાં બતાવ્યું છે તેમ જો પોતાનામાં જ મશગૂલ રહીશું તો શું થઈ શકે?

૧૫ આશરે ૧૫ વર્ષ પહેલાં ચોકીબુરજમાં જણાવ્યું હતું કે જો પોતાના વિશે યોગ્ય વલણ રાખીશું તો આપણને જ ફાયદો થશે. એમાં લખ્યું હતું: “આપણે પોતે કંઈક છે એવું માનીને ઘમંડી ન બની જઈએ. એનાથી વિરુદ્ધ, આપણે પોતાને એટલા નકામા પણ ન ગણીએ જેનાથી આપણે કચડાઈ જઈએ. આપણને પોતાને ખબર હોવી જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ અને શું નથી કરી શકતા. એક બહેન કહે છે: ‘હું એકદમ ખરાબ નથી, તેમ જ એટલી સારી પણ નથી. મારામાં સારા અને ખરાબ બંને ગુણો છે. બધામાં એવું જ હોય છે.’” *

૧૬. યહોવા આપણને કેમ સલાહ આપે છે?

૧૬ યહોવા આપણને બાઇબલ દ્વારા સાચી સલાહ આપે છે. તે આપણને ખૂબ પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે ખુશ રહીએ. (યશા. ૪૮:૧૭, ૧૮) જો યહોવા ખુશ થાય એવાં કામો કરીશું તો આપણને જીવનમાં સાચી ખુશી મળશે. એ આપણા જીવનનો સૌથી સારો નિર્ણય હશે. જેઓ પૈસા, કામધંધા કે પછી પોતાના વિશે યોગ્ય વલણ રાખતા નથી, તેઓનાં જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જો આપણે યહોવાને જીવનમાં પહેલા રાખીશું તો એવી મુશ્કેલીઓથી બચી શકીશું. ચાલો, આપણે બુદ્ધિમાન બનીએ અને યહોવાના દિલને ખુશ કરીએ.—નીતિ. ૨૩:૧૫.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

^ સુલેમાન અને ઈસુ ખૂબ બુદ્ધિશાળી હતા. કેમ કે યહોવાએ તેઓને બુદ્ધિ આપી હતી. આ લેખમાં આપણે સુલેમાન અને ઈસુએ આપેલી સલાહમાંથી શીખીશું. આપણે તેઓ પાસેથી શીખીશું કે કઈ રીતે પૈસા વિશે, કામધંધા વિશે અને પોતાના વિશે યોગ્ય વલણ રાખી શકીએ. એ પણ જોઈશું કે અમુક ભાઈ-બહેનોને એ સલાહ લાગુ પાડવાથી કેવા ફાયદા થયા છે.

^ નવેમ્બર ૨૦૧૬, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો પાન ૩-૫ પર આપેલો આ લેખ જુઓ: “કામનો આનંદ કેવી રીતે માણવો.

^ ઑગસ્ટ ૧, ૨૦૦૫ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “આનંદ મેળવવા માટે બાઇબલ તમને મદદ કરી શકે.

^ ચિત્રની સમજ: જોન અને ટોમ યુવાન ભાઈઓ છે. તેઓ એક જ મંડળમાં છે. જોન પોતાની કારની સંભાળ રાખવામાં ઘણો સમય આપે છે. જ્યારે કે ટોમ મંડળનાં ભાઈ-બહેનોને પ્રચારમાં અને સભામાં લઈ જવા પોતાની કારનો ઉપયોગ કરે છે.

^ ચિત્રની સમજ: જોન નોકરી પર ઓવરટાઈમ કરે છે. તે બોસને નારાજ કરવા માંગતો નથી. એટલે જ્યારે બોસ તેને મોડે સુધી કામ કરવાનું કહે ત્યારે તે હા પાડે છે. ટોમ સહાયક સેવક છે. એ સાંજે તે એક વડીલ સાથે ઉત્તેજન આપતી મુલાકાત માટે જાય છે. ટોમે પહેલેથી જ પોતાના બોસને જણાવ્યું હતું કે તે મોડે સુધી કામ નહિ કરી શકે. કેમ કે તેણે અઠવાડિયાની અમુક સાંજ, સભાઓ અને યહોવાની ભક્તિને લગતાં કામો માટે અલગ રાખી છે.

^ ચિત્રની સમજ: જોન પોતાનામાં જ મશગૂલ રહે છે. ટોમ યહોવાને જીવનમાં પહેલા રાખે છે. એટલે તે સંમેલનગૃહના સમારકામમાં ભાગ લે છે અને ત્યાં તે નવા દોસ્તો બનાવી શકે છે.