અભ્યાસ લેખ ૧૮
ગીત ૧ યહોવાના ગુણો
‘આખી દુનિયાના ન્યાયાધીશ’ અને દયાળુ ઈશ્વર પર ભરોસો રાખીએ
“શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”—ઉત. ૧૮:૨૫.
આપણે શું શીખીશું?
શું દુષ્ટ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે? યહોવા કઈ રીતે તેઓને દયા બતાવશે અને તેઓનો ન્યાય કરશે?
૧. યહોવાએ ઇબ્રાહિમને કઈ મહત્ત્વની વાત સમજવા મદદ કરી?
આ વાત વર્ષો પહેલાંની છે. યહોવા ઈશ્વરે એક દૂત દ્વારા ઇબ્રાહિમને કહ્યું કે તે સદોમ અને ગમોરાહ શહેરોનો નાશ કરશે. આમ તો ઇબ્રાહિમને ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા હતી, પણ એ વાત સાંભળીને તે મૂંઝાઈ ગયા. તેમણે ઈશ્વરને પૂછ્યું: “શું તમે દુષ્ટોની સાથે સાથે સારા લોકોનો પણ નાશ કરશો? . . . શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?” યહોવાએ ધીરજ રાખી અને પોતાના પાકા મિત્ર ઇબ્રાહિમને આ મહત્ત્વની વાત સમજવા મદદ કરી: ઈશ્વર સારા લોકોનો નાશ ક્યારેય નહિ કરે. એ વાતથી આજે આપણી પણ શ્રદ્ધા મજબૂત થાય છે અને ઘણો દિલાસો મળે છે.—ઉત. ૧૮:૨૩-૩૩.
૨. કેમ ખાતરી રાખી શકીએ કે લોકોનો ન્યાય કરતી વખતે યહોવા જે ખરું છે એ જ કરે છે અને દયા બતાવે છે?
૨ કેમ ખાતરી રાખી શકીએ કે લોકોનો ન્યાય કરતી વખતે યહોવા જે ખરું છે એ જ કરે છે અને દયા બતાવે છે? કેમ કે આપણે જાણીએ છીએ કે “યહોવા દિલ જુએ છે.” (૧ શમુ. ૧૬:૭) તે તો “દરેકનું દિલ સારી રીતે જાણે છે.” (૧ રાજા. ૮:૩૯; ૧ કાળ. ૨૮:૯) એ કેટલું જોરદાર કહેવાય! યહોવાની બુદ્ધિ આગળ આપણી કોઈ વિસાત નથી. એટલે યહોવાના નિર્ણયો સમજવા હંમેશાં સહેલું નથી હોતું. એ કારણે પ્રેરિત પાઉલે યહોવા વિશે લખ્યું: “તેમના ન્યાયચુકાદા કોણ જાણી શકે?”—રોમ. ૧૧:૩૩.
૩-૪. (ક) અમુક વાર આપણને કયા સવાલો થઈ શકે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું? (યોહાન ૫:૨૮, ૨૯)
૩ તોપણ અમુક વાર કદાચ ઇબ્રાહિમની જેમ આપણને સવાલો થઈ શકે. એ ઉપરાંત આપણને કદાચ થાય: ‘શું યહોવા એ લોકોને મરણમાંથી ઉઠાડશે જેઓનો તેમણે ન્યાય કરી દીધો છે, જેમ કે સદોમ અને ગમોરાહના લોકો? જ્યારે “ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે,” ત્યારે શું એમાં એવા લોકો પણ હશે જેઓનો યહોવાએ નાશ કર્યો હતો?’—પ્રે.કા. ૨૪:૧૫.
૪ ચાલો જોઈએ કે લોકોને મરણમાંથી ઉઠાડવા વિશે આપણે શું જાણીએ છીએ. “જીવન માટે” અને “ન્યાય માટે ઉઠાડવામાં” આવશે એ વિશેની આપણી સમજણમાં હાલમાં જ ફેરફાર થયો છે. a (યોહાન ૫:૨૮, ૨૯ વાંચો.) એના લીધે બીજી અમુક સમજણમાં પણ ફેરફાર થયો. એ વિશે આ અને આવતા લેખમાં જોઈશું. ચાલો સૌથી પહેલા જોઈએ કે યહોવાના ન્યાય વિશે આપણે શું નથી જાણતા. પછી જોઈશું કે આપણે શું જાણીએ છીએ.
આપણે શું નથી જાણતા?
૫. યહોવાએ સદોમ અને ગમોરાહના જે લોકોનો નાશ કરી દીધો હતો, તેઓ વિશે અગાઉ આપણે શું માનતા હતા?
૫ અગાઉ આપણાં સાહિત્યમાં જણાવ્યું હતું કે યહોવાએ જેઓનો નાશ કરી દીધો છે, તેઓને જીવતા કરવામાં નહિ આવે, જેમ કે સદોમ અને ગમોરાહના લોકોને. પણ એ વિશે ઘણી પ્રાર્થનાઓ અને ઊંડો અભ્યાસ કર્યા પછી સ્પષ્ટ થયું કે તેઓને ઉઠાડવામાં નહિ જ આવે, એવું આપણે ખાતરીથી નથી કહી શકતા. શા માટે?
૬. (ક) યહોવાએ દુષ્ટોનો ન્યાય કર્યો હોય એવા અમુક દાખલા આપો. (ખ) તેઓ વિશે બાઇબલમાં શું નથી જણાવ્યું?
૬ યહોવાએ દુષ્ટોનો ન્યાય કર્યો હોય એવા ઘણા અહેવાલો બાઇબલમાં છે. દાખલા તરીકે, યહોવાએ નૂહ અને તેમના કુટુંબ સિવાય બાકી બધાનો પૂરમાં નાશ કર્યો. વધુમાં, તેમણે ઇઝરાયેલીઓ દ્વારા એ સાત પ્રજાઓનો ખાતમો બોલાવ્યો, જેઓ વચનના દેશમાં રહેતી હતી. યહોવાના એક દૂતે આશ્શૂરના ૧,૮૫,૦૦૦ સૈનિકોને એક જ રાતમાં પતાવી દીધા. (ઉત. ૭:૨૩; પુન. ૭:૧-૩; યશા. ૩૭:૩૬, ૩૭) પણ શું બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાએ તેઓને કાયમના વિનાશની સજા કરી છે અને તેઓને ક્યારેય જીવતા નહિ કરે? ના, એવું નથી જણાવ્યું. એવું કેમ કહી શકીએ?
૭. પૂરમાં અને કનાનમાં માર્યા ગયેલા લોકો વિશે આપણે શું નથી જાણતા? (ચિત્ર જુઓ.)
૭ આપણે જાણીએ છીએ કે યહોવાએ સમૂહ તરીકે તેઓનો નાશ કર્યો હતો. પણ એ નથી જાણતા કે યહોવાએ એ સમૂહની દરેક વ્યક્તિનો કેવો ન્યાય કર્યો અથવા તેઓ પાસે યહોવા વિશે શીખવાની અને પસ્તાવો કરવાની તક હતી કે નહિ. પૂર વિશે વાત થઈ છે ત્યારે બાઇબલમાં જણાવ્યું છે કે નૂહ “સત્યનો માર્ગ જાહેર કરનાર” હતા. (૨ પિત. ૨:૫) પણ બાઇબલમાં એ નથી જણાવ્યું કે તે મોટું વહાણ બાંધતા હતા ત્યારે, તેમણે એકેએક વ્યક્તિને આવનાર પૂર વિશે ચેતવણી આપી હોય. એવી જ રીતે, આપણે નથી જાણતા કે કનાનમાં રહેતી પ્રજાઓને યહોવા વિશે શીખવાની અને પોતાનામાં સુધારો કરવાની તક મળી હોય.
૮. સદોમ અને ગમોરાહના લોકો વિશે આપણે શું નથી જાણતા?
૮ સદોમ અને ગમોરાહના લોકો વિશે શું? તેઓ વચ્ચે લોત નામના એક નેક માણસ રહેતા હતા. પણ શું તેમણે ત્યાંના બધા લોકોને પ્રચાર કર્યો હતો? ના, એ આપણે નથી જાણતા. એ વાત ચોક્કસ છે કે તેઓ દુષ્ટ હતા. પણ શું તેઓ ખરા-ખોટા વચ્ચેનો ફરક જાણતા હતા? યાદ કરો કે ત્યાંના પુરુષોનું ટોળું લોતના મહેમાનો સાથે જાતીય સંબંધ બાંધવા માંગતું હતું. બાઇબલમાં જણાવ્યું છે કે એ ટોળામાં “છોકરાથી લઈને વૃદ્ધ” પુરુષો હતા. (ઉત. ૧૯:૪; ૨ પિત. ૨:૭) શું દયાળુ ઈશ્વર યહોવાએ તેઓનો નાશ કરતી વખતે નક્કી કરી લીધું હતું કે તેઓમાંથી કોઈને પણ ઉઠાડશે નહિ? આપણે એ નથી જાણતા. એ સાચું છે કે એ શહેરોમાં ૧૦ લોકો પણ નેક ન હતા. (ઉત. ૧૮:૩૨) એનો અર્થ થાય કે તેઓ ખરાબ લોકો હતા અને યહોવાએ તેઓનો નાશ કર્યો, એ એકદમ યોગ્ય હતું. પણ શું આપણે ખાતરીથી કહી શકીએ કે “ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે” ત્યારે સદોમ અને ગમોરાહમાંથી કોઈને પણ ઉઠાડવામાં નહિ આવે? ના, આપણે એવું કહી શકતા નથી.
૯. સુલેમાન વિશે આપણે શું નથી જાણતા?
૯ બાઇબલમાં એવા લોકો વિશે પણ જણાવ્યું છે, જેઓ પહેલાં સારા હતા, પણ પછી તેઓએ ખરાબ કામ કર્યાં. સુલેમાન રાજાનો વિચાર કરો. તે જાણતો હતો કે યહોવા કેવા ઈશ્વર છે અને કઈ રીતે તેમની ભક્તિ કરવી જોઈએ. યહોવાએ તેને પુષ્કળ આશીર્વાદો આપ્યા હતા. તોપણ અમુક સમય પછી તે જૂઠાં દેવ-દેવીઓની ભક્તિ કરવા લાગ્યો. એટલે યહોવા ગુસ્સે ભરાયા અને આખી ઇઝરાયેલી પ્રજાએ સદીઓ સુધી એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. (૧ રાજા. ૧૧:૫-૯; ૨ રાજા. ૨૩:૧૩) સમય જતાં, સુલેમાનનું મરણ થયું. આપણે અગાઉ માનતા હતા કે સુલેમાનને મરણમાંથી ઉઠાડવામાં આવશે. કેમ કે રાજા દાઉદ જેવા વફાદાર માણસોની જેમ સુલેમાન માટે પણ બાઇબલમાં લખ્યું છે કે તે “તેના પિતાઓ સાથે ઊંઘી ગયો.” (૧ રાજા. ૧૧:૪૩, ફૂટનોટ) પણ શું ફક્ત એ જ શબ્દોને કારણે આપણે ખાતરીથી કહી શકીએ કે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે? બાઇબલમાં એ વિશે કંઈ જણાવ્યું નથી. પણ અમુક લોકોને લાગે છે કે સુલેમાનને ઉઠાડવામાં આવશે, કેમ કે “જેનું મરણ થાય છે, તે પોતાના પાપથી આઝાદ થાય છે.” (રોમ. ૬:૭) પણ એનો અર્થ એ નથી કે બધા જ ગુજરી ગયેલાઓને ઉઠાડવામાં આવશે. વ્યક્તિનું મરણ થયું છે, એટલે તેણે જીવતા થવાનો હક ખરીદી લીધો છે એવું પણ નથી. મરણ પછી નવું જીવન મળે એ તો પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ છે. યહોવા એવા જ લોકોને એ ભેટ આપે છે, જેઓને તે હંમેશ માટે તેમની ભક્તિ કરવાની તક આપવા માંગે છે. (અયૂ. ૧૪:૧૩, ૧૪; યોહા. ૬:૪૪) શું યહોવા સુલેમાનને એ ભેટ આપશે? એ તો ફક્ત યહોવાને જ ખબર છે. પણ એક વાત ચોક્કસ છે કે યહોવા જે ખરું છે એ જ કરશે.
આપણે શું જાણીએ છીએ?
૧૦. માણસોનો ન્યાય કરવા વિશે યહોવાને કેવું લાગે છે? (હઝકિયેલ ૩૩:૧૧) (ચિત્ર પણ જુઓ.)
૧૦ હઝકિયેલ ૩૩:૧૧ વાંચો. યહોવા જણાવે છે કે માણસોનો ન્યાય કરવા વિશે તેમને કેવું લાગે છે. પ્રબોધક હઝકિયેલની જેમ પ્રેરિત પિતરે લખ્યું: “યહોવા . . . ચાહે છે કે કોઈનો નાશ ન થાય.” (૨ પિત. ૩:૯) એ જાણીને આપણને દિલાસો મળે છે. આપણને ખબર છે કે યહોવા કારણ વગર વ્યક્તિનો હંમેશ માટે નાશ નથી કરતા. યહોવા દયાના સાગર છે. જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી તે દયા બતાવે છે.
૧૧. કોને જીવતા કરવામાં નહિ આવે? એવું કઈ રીતે કહી શકાય?
૧૧ કોને જીવતા કરવામાં નહિ આવે એ વિશે આપણે શું જાણીએ છીએ? બાઇબલમાં અમુક જ લોકો વિશે જણાવ્યું છે કે તેઓને જીવતા કરવામાં નહિ આવે. b ઈસુની વાતોથી ખબર પડે છે કે યહૂદા ઇસ્કારિયોતને જીવતો કરવામાં નહિ આવે. (માર્ક ૧૪:૨૧; યોહા. ૧૭:૧૨ c) કેમ કે તેણે જાણીજોઈને અને પોતાની ઇચ્છાથી યહોવા ઈશ્વર અને તેમના દીકરા વિરુદ્ધ પાપ કર્યું હતું. (માર્ક ૩:૨૯ d) ઈસુએ અમુક ધર્મગુરુઓ વિશે પણ કહ્યું હતું કે તેઓને જીવતા કરવામાં નહિ આવે. કેમ કે એ ધર્મગુરુઓએ ઈસુનો વિરોધ કર્યો હતો. (માથ. ૨૩:૩૩) પ્રેરિત પાઉલે પણ જણાવ્યું કે પસ્તાવો ન કરનાર ઈશ્વર-વિરોધીઓને જીવતા કરવામાં નહિ આવે.—હિબ્રૂ. ૬:૪-૮; ૧૦:૨૯.
૧૨. યહોવાની દયા વિશે આપણે શું જાણીએ છીએ? દાખલા આપો.
૧૨ આગળ જોઈ ગયા તેમ યહોવા દયાના સાગર છે અને “તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય.” પણ ચાલો જોઈએ કે મોટાં મોટાં પાપ કરનારને તે કઈ રીતે દયા બતાવે છે. દાઉદ રાજાએ અમુક મોટાં પાપ કર્યાં હતાં, જેમ કે વ્યભિચાર અને ખૂન. પણ પછીથી તેમણે પસ્તાવો કર્યો. એટલે યહોવાએ તેમને દયા બતાવી અને માફ કર્યા. (૨ શમુ. ૧૨:૧-૧૩) મનાશ્શા રાજાએ મોટા ભાગના જીવન દરમિયાન ઘણાં ખોટાં કામ કર્યાં હતાં. પણ તેમણે પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ દયા બતાવી અને માફી આપી. (૨ કાળ. ૩૩:૯-૧૬) એનાથી ખબર પડે છે કે દયા બતાવવાનું કોઈ કારણ હોય ત્યારે યહોવા જરૂર દયા બતાવે છે. તે એવા ઈશ્વરભક્તોને જીવતા કરશે, કેમ કે તેઓએ પોતાનાં પાપ સ્વીકાર્યાં હતાં અને પસ્તાવો કર્યો હતો.
૧૩. (ક) યહોવાએ નિનવેહના લોકોને કેમ દયા બતાવી? (ખ) ઈસુએ નિનવેહના લોકો વિશે શું જણાવ્યું?
૧૩ આપણે એ પણ જાણીએ છીએ કે યહોવાએ નિનવેહના લોકોને દયા બતાવી હતી. તેમણે યૂનાને કહ્યું હતું: ‘નિનવેહના લોકોની દુષ્ટતા મેં ધ્યાનમાં લીધી છે.’ પણ એ લોકોએ પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેઓને માફ કર્યા. યહોવા ખૂબ દયાળુ છે, પણ યૂના એવા ન હતા. તે ગુસ્સે થઈ ગયા, એટલે યહોવાએ યાદ અપાવ્યું કે નિનવેહના લોકો ‘ખરા-ખોટા વચ્ચેનો ફરક જાણતા ન હતા.’ (યૂના ૧:૧, ૨; ૩:૧૦; ૪:૯-૧૧) પછીથી યહોવાનાં ન્યાય અને દયા વિશે શીખવવા ઈસુએ નિનવેહના લોકોનો દાખલો આપ્યો હતો. ઈસુએ કહ્યું કે તેઓએ પસ્તાવો કર્યો હતો, એટલે ‘તેઓને ન્યાયના દિવસે ઉઠાડવામાં આવશે.’—માથ. ૧૨:૪૧.
૧૪. જ્યારે ખરાબ લોકોને “જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે,” ત્યારે નિનવેહના લોકોનું શું થશે?
૧૪ નિનવેહના લોકોને ‘ન્યાયના દિવસે ઉઠાડવામાં આવશે,’ એનો અર્થ શું થાય? ઈસુએ શીખવ્યું હતું કે ભાવિમાં ગુજરી ગયેલા લોકોને “જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.” (યોહા. ૫:૨૯) એવું કહીને ઈસુ પોતાના હજાર વર્ષના રાજની વાત કરતા હતા, જે દરમિયાન “સારા અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રે.કા. ૨૪:૧૫) ખરાબ લોકોને જીવતા કરવામાં આવશે, “જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.” એનો અર્થ થાય કે એ લોકોને ઉઠાડવામાં આવશે પછી યહોવા અને ઈસુ જોશે કે તેઓ શીખેલી વાતોને લાગુ પાડે છે કે નહિ અને જીવનમાં ફેરફાર કરે છે કે નહિ. નિનવેહના લોકો વિશે પણ એવું જ હશે. જો તેઓમાંથી કોઈ વ્યક્તિ સાચી ભક્તિ કરવાની ના પાડશે, તો યહોવા તેને જીવતી રહેવા નહિ દે. (યશા. ૬૫:૨૦) પણ જે લોકો યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લેશે, તેઓને હંમેશાં જીવવાની તક મળશે!—દાનિ. ૧૨:૨.
૧૫. (ક) શું સદોમ અને ગમોરાહના જે લોકોનો નાશ થયો, તેઓમાંથી કોઈને પણ ઉઠાડવામાં નહિ આવે? આપણે કેમ એવું ન કહેવું જોઈએ? (ખ) શું યહૂદા ૭માં યહૂદાએ કહેલી વાત ઈસુની વાતથી અલગ હતી? (“ યહૂદા શું કહેવા માંગતા હતા?” બૉક્સ જુઓ.)
૧૫ સદોમ અને ગમોરાહના લોકો વિશે કહેતી વખતે ઈસુએ કહ્યું કે “ન્યાયના દિવસે” તેઓની દશા એ લોકો કરતાં વધારે સારી હશે, જેઓએ ઈસુનો અને તેમના શિક્ષણનો નકાર કર્યો હતો. (માથ. ૧૦:૧૪, ૧૫; ૧૧:૨૩, ૨૪; લૂક ૧૦:૧૨) શું ઈસુ અહીં અતિશયોક્તિ કરી રહ્યા હતા? શું તે એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે તેમના સમયના લોકો વધારે ખરાબ હતા? ના, જ્યારે ઈસુએ કહ્યું કે નિનવેહના લોકોને “ન્યાયના દિવસે” ઉઠાડવામાં આવશે, ત્યારે એ અતિશયોક્તિ ન હતી. એવું સાચે થવાનું છે. એવી જ રીતે, જ્યારે ઈસુએ કહ્યું કે “ન્યાયના દિવસે” સદોમ અને ગમોરાહના લોકોનો ન્યાય થશે, ત્યારે એવું કહી શકાય કે તેઓમાંથી અમુકને ઉઠાડવામાં આવશે. આ બંને કિસ્સામાં ‘ન્યાયનો દિવસ’ એક જ બનાવને રજૂ કરે છે. નિનવેહના લોકોની જેમ સદોમ અને ગમોરાહના લોકો પણ દુષ્ટ કામો કરતા હતા. પણ ફરક એટલો હતો કે નિનવેહના લોકોને પસ્તાવો કરવાની તક મળી હતી. એ પણ યાદ કરો કે ઈસુએ કહ્યું હતું: “જેઓએ દુષ્ટ કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.” (યોહા. ૫:૨૯) એટલે એવું લાગે છે કે સદોમ અને ગમોરાહના લોકો માટે પણ એક આશા હોય શકે છે. બની શકે કે તેઓમાંથી અમુક લોકોને જીવતા કરવામાં આવે અને કદાચ આપણને તેઓને યહોવા અને ઈસુ વિશે શીખવવાની તક મળે.
૧૬. કોને ઉઠાડવા એ યહોવા કઈ રીતે નક્કી કરશે? (યર્મિયા ૧૭:૧૦)
૧૬ યર્મિયા ૧૭:૧૦ વાંચો. આ કલમમાં જોવા મળે છે કે યહોવા જે રીતે ન્યાય કરે છે એ વિશે આપણે શું જાણીએ છીએ. યહોવા હંમેશાં ‘દિલને તપાસે છે, મનના ઊંડા વિચારોની પરખ કરે છે.’ એટલે ભાવિમાં જ્યારે યહોવા નક્કી કરશે કે કોને જીવતા કરવા, ત્યારે તે ‘દરેકને તેના માર્ગો પ્રમાણે ફળ આપશે.’ કોઈ વ્યક્તિને મરણમાંથી ઉઠાડવી કે નહિ એ નક્કી કરતી વખતે યહોવા પોતાનાં ન્યાયનાં ધોરણોને વળગી રહેશે, પણ શક્ય હોય ત્યારે દયા બતાવશે. એટલે જો આપણને પાકી ખબર ન હોય, તો આપણે કોઈ પણ વ્યક્તિ વિશે એવું ધારી લેવું ન જોઈએ કે તેને ઉઠાડવામાં નહિ આવે.
‘આખી દુનિયાના ન્યાયાધીશ જે ખરું છે એ જ કરશે’
૧૭. ગુજરી ગયેલા લોકોનું શું થશે?
૧૭ આદમ-હવાએ શેતાનને સાથ આપ્યો અને યહોવાની વિરુદ્ધ ગયાં. ત્યારથી લઈને આજ સુધી કરોડો લોકોનું મરણ થયું છે. મરણ એક ખતરનાક “દુશ્મન” છે. (૧ કોરીં. ૧૫:૨૬) એ ગુજરી ગયેલા લોકોનું શું? ૧,૪૪,૦૦૦ જણને સ્વર્ગમાં અમર જીવન મળશે. (પ્રકટી. ૧૪:૧) ઉપરાંત, પૃથ્વી પર મોટી સંખ્યામાં સારા લોકોને “જીવતા કરવામાં આવશે” જેઓ યહોવાને પ્રેમ કરતા હતા અને તેમને વફાદાર હતા. જો તેઓ ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજ અને આખરી કસોટી દરમિયાન વફાદાર રહેશે, તો તેઓને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે. (દાનિ. ૧૨:૧૩; હિબ્રૂ. ૧૨:૧) વધુમાં ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન “ખરાબ લોકોને” પણ જીવતા કરવામાં આવશે. એમાં એવા લોકો હશે, જેઓએ ક્યારેય યહોવાની ભક્તિ કરી ન હતી અથવા “જેઓએ દુષ્ટ કામો કર્યાં હતાં.” તેઓને પોતાનામાં ફેરફાર કરવાની અને યહોવાને વફાદાર રહેવાની તક આપવામાં આવશે. (લૂક ૨૩:૪૨, ૪૩) પણ અમુક લોકોએ દુષ્ટતા કરવામાં હદ વટાવી દીધી હતી. તેઓએ યહોવા વિરુદ્ધ બળવો કરવાનું મન બનાવી લીધું હતું. એટલે યહોવાએ નક્કી કર્યું છે કે તેઓને જીવતા કરવામાં નહિ આવે.—લૂક ૧૨:૪, ૫.
૧૮-૧૯. (ક) કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા સાચો ન્યાય કરશે? (યશાયા ૫૫:૮, ૯) (ખ) હવે પછીના લેખમાં કયા સવાલોના જવાબ જોઈશું?
૧૮ આપણને સો ટકા ખાતરી છે કે યહોવા લોકોનો ન્યાય કરે છે ત્યારે, હંમેશાં યોગ્ય નિર્ણય લે છે. ઇબ્રાહિમની જેમ આપણે પણ જાણીએ છીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ યહોવા બુદ્ધિશાળી અને દયાળુ છે તેમજ જે ખરું હોય એ જ કરે છે. યહોવાએ પોતાના દીકરા ઈસુને પણ એ રીતે ન્યાય કરવાનું શીખવ્યું છે. તેમણે ન્યાય કરવાની બધી જવાબદારી ઈસુને સોંપી છે. (યોહા. ૫:૨૨) યહોવા અને ઈસુ લોકોનાં દિલમાં શું છે એ જોઈ શકે છે, તેઓના વિચારો જાણી શકે છે. (માથ. ૯:૪) એટલે દરેકનો ન્યાય કરતી વખતે તેઓ હંમેશાં ‘એ જ કરશે જે ખરું છે!’
૧૯ તો ચાલો મનમાં ગાંઠ વાળીએ કે હંમેશાં યહોવા પર અને તેમના નિર્ણયો પર ભરોસો રાખીશું. આપણે સ્વીકારીએ છીએ કે આપણે લોકોનો ન્યાય નથી કરી શકતા, ફક્ત યહોવા કરી શકે છે. (યશાયા ૫૫:૮, ૯ વાંચો.) એટલે ન્યાય કરવાનું કામ યહોવા અને તેમના દીકરા ઈસુના હાથમાં છોડી દઈએ. આપણા રાજા ઈસુ આબેહૂબ તેમના પિતા જેવા છે. તે પણ સાચો ન્યાય કરશે અને દયા બતાવશે. (યશા. ૧૧:૩, ૪) જોકે યહોવા અને ઈસુ મોટી વિપત્તિ વખતે કઈ રીતે લોકોનો ન્યાય કરશે? એ વિશે આપણે શું જાણીએ છીએ? આપણે શું નથી જાણતા? હવે પછીના લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.
ગીત ૧૪૨ દરેકને જણાવ્યે
b આદમ, હવા અને કાઈન વિશે જાણવા તેઓની શ્રદ્ધાને પગલે ચાલો, પ્રક. ૧, પાન ૧૦, ફૂટનોટ જુઓ.
c યોહાન ૧૭:૧૨માં યહૂદાને ‘વિનાશનો દીકરો’ કહેવામાં આવ્યો છે. એનો અર્થ થાય કે જ્યારે યહૂદાનું મરણ થયું, ત્યારે તેનો કાયમ માટે વિનાશ થઈ ગયો અને તેને મરણમાંથી ઉઠાડવામાં નહિ આવે.