સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માતા-પિતા, બાળકોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો

માતા-પિતા, બાળકોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો

“જુવાનો તથા કન્યાઓ . . . યહોવાના નામની સ્તુતિ કરો.”—ગીત. ૧૪૮:૧૨, ૧૩.

ગીતો: ૪૧, ૪૮

૧, ૨. (ક) બાળકને યહોવાને પ્રેમ કરવાનું શીખવવું શા માટે માતા-પિતા માટે સહેલું નથી? એમ કરવાની એક રીત કઈ છે? (ખ) આ લેખમાં આપણે કઈ ચાર રીતની ચર્ચા કરીશું?

ફ્રાંસમાં રહેતાં એક માતા-પિતાએ કહ્યું: ‘અમે યહોવામાં માનીએ છીએ, એનો મતલબ એ નથી કે અમારાં બાળકો પણ માને. શ્રદ્ધાને આપણે વારસામાં આપી શકતા નથી. અમારાં બાળકો ધીરે-ધીરે એ કેળવી રહ્યા છે.’ ઑસ્ટ્રેલિયામાં રહેતા એક ભાઈએ લખ્યું: ‘બાળકના દિલમાં શ્રદ્ધા કેળવવી એ સૌથી મોટો પડકાર છે.’ વધુમાં તેમણે કહ્યું: ‘તમને કદાચ લાગે કે, તમે બાળકને સંતોષકારક જવાબ આપ્યો છે. થોડા સમય પછી બાળક ફરી એ જ સવાલ ઉઠાવે. બાળકની જિજ્ઞાસા સંતોષવા તમે આજે જે જવાબ આપો છો, એનાથી કદાચ તે કાલે સંતુષ્ટ ન પણ હોય.’ ઘણાં માતા-પિતાને લાગે છે કે, બાળકો મોટાં થતાં જાય છે તેમ, તેઓને એ જ વિષય વધારે ઊંડાણથી સમજાવવાની જરૂર પડે છે. તેમ જ, બાળકોને યહોવાને પ્રેમ કરવાનું શીખવવા તેઓને નવી નવી રીતો અજમાવવાની જરૂર લાગે છે.

બાળક યહોવાને પ્રેમ કરે અને મોટું થતું જાય તેમ, તેમની ભક્તિમાં લાગુ રહે એ શીખવવું બહુ જરૂરી છે. પણ, જો તમે માતા કે પિતા હો, તો શું તમને ક્યારેય એવું લાગે છે કે એમ કરવા તમે કાબેલ નથી? હકીકતમાં, આપણામાંથી કોઈ પણ પોતાની જાતે એ કરી શકતું નથી. (યિર્મે. ૧૦:૨૩) તેથી, મદદ માટે આપણે યહોવા પર આધાર રાખવાની જરૂર છે. બાળકોનો ઉછેર કરવા તેમણે માતા-પિતાને ઘણું માર્ગદર્શન આપ્યું છે. તમે કઈ રીતે તમારાં બાળકોને મદદ કરી શકો? આ ચાર રીતોનો વિચાર કરો: (૧) તેઓને સારી રીતે ઓળખો. (૨) તમે જે શીખો, એ બાળકોને શીખવતા રહો. (૩) ઉદાહરણો વાપરો. (૪) પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો અને બાળકો સાથે ધીરજથી વર્તો.

તમારા બાળકને સારી રીતે ઓળખો

૩. માતા-પિતા કઈ રીતે ઈસુનું અનુકરણ કરી શકે?

ઈસુએ પોતાના શિષ્યોને ઘણી વાર પૂછ્યું કે તેઓ શું માને છે. (માથ. ૧૬:૧૩-૧૫) તમે ઈસુનું અનુકરણ કરી શકો. તમારાં બાળકો સાથે વાત કરતા હો ત્યારે અથવા સાથે મળીને કંઈ કામ કરતા હો ત્યારે, તેઓને પૂછો કે તેઓ શું વિચારે છે અને કેવું અનુભવે છે. શું તેઓના મનમાં કોઈ શંકા છે? ઑસ્ટ્રેલિયામાં રહેતા ૧૫ વર્ષના ભાઈએ કહ્યું: ‘પપ્પા ઘણી વાર મારી સાથે મારી શ્રદ્ધા વિશે વાત કરે છે અને મને વિચારવા મદદ કરે છે. પપ્પા પૂછે છે: “એ વિશે બાઇબલ શું કહે છે? એ જે કહે છે એ શું તું માને છે? એમ તું શા માટે માને છે?” તે ચાહે છે કે, હું મમ્મી-પપ્પાના શબ્દોનો ઉપયોગ કરવાને બદલે પોતાના શબ્દોમાં જવાબ આપું. હું મોટો થતો ગયો તેમ, મારે વિસ્તારપૂર્વક જવાબો આપવા પડતા.’

૪. ધીરજ રાખવી અને બાળકોના સવાલોના જવાબ આપવા શા માટે જરૂરી છે? દાખલો આપો.

બાઇબલના શિક્ષણને જો તમારાં બાળકો તરત સ્વીકારી ન લે, તોપણ ધીરજ રાખો. તેઓને સવાલોના જવાબ મેળવવા મદદ કરો. એક પિતાએ કહ્યું: ‘તમારા બાળકના સવાલોને ગંભીરતાથી લો. નજીવા ન ગણો. જો તમે જવાબ આપતા અચકાતા હો, તો એ કારણને લીધે જ બાળકના સવાલને ટાળી ન દો.’ બાળકો સવાલો પૂછે છે એ જ બતાવે છે કે તેઓને ઘણું સમજવું છે અને એ સારું પણ કહેવાય. અરે, ઈસુ નાના હતા ત્યારે તેમણે પણ સવાલો પૂછ્યા હતા. (લુક ૨:૪૬ વાંચો.) ડેનમાર્કના એક યુવાને કહ્યું: ‘મેં મારા મમ્મી-પપ્પાને જણાવ્યું કે આપણો ધર્મ સાચો છે કે નહિ એની મને શંકા છે ત્યારે, તેઓ ચિંતાતુર ન થઈ ગયા. તેઓએ શાંતિથી મારું સાંભળ્યું અને મારા બધા સવાલોના જવાબ બાઇબલમાંથી આપ્યા.’

૫. જો લાગતું હોય કે બાળકોને યહોવામાં શ્રદ્ધા છે, તોપણ માતા-પિતાએ શું કરવું જોઈએ?

તમારાં બાળકોને સારી રીતે ઓળખો. તેઓ પ્રચારમાં અને સભાઓમાં જાય છે, એટલે માની ન લો કે તેઓને યહોવામાં શ્રદ્ધા છે. આ સવાલો પર વિચાર કરો: તેઓને યહોવા વિશે કેવું લાગે છે? તેઓ બાઇબલને કેવું પુસ્તક ગણે છે? જો યહોવાને વફાદાર રહેવું તેઓ માટે અઘરું બનતું હોય, તો એનાં કારણો જાણવાના પૂરા પ્રયત્નો કરો. તમે ભેગા મળીને કંઈ કામ કરતા હો ત્યારે પણ યહોવા વિશે વાત કરો; દરરોજ એમ કરો. કુટુંબ તરીકે અથવા વ્યક્તિગત પ્રાર્થના કરતા હો ત્યારે બાળકો માટે પ્રાર્થના કરો.

તમે જે શીખો, એ બાળકોને શીખવતા રહો

૬. યહોવા અને બાઇબલ વિશે માતા-પિતા શીખતા જાય છે તેમ, તેઓ કઈ રીતે બાળકોને શીખવી શકે છે?

ઈસુ પાસે શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું અને તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે, લોકોને તેમની વાત સાંભળવી ગમતી હતી. ઈસુ તેઓને પ્રેમ કરે છે, એ તેઓ મહેસૂસ કરી શકતા હતા. તેથી, તેઓએ તેમનું ધ્યાનથી સાંભળ્યું. (લુક ૨૪:૩૨; યોહા. ૭:૪૬) એવી જ રીતે, જો તમારાં બાળકો જોશે કે તમે યહોવાને પ્રેમ કરો છો, તો તેઓ પણ એમ કરવા પ્રેરાશે. (પુનર્નિયમ ૬:૫-૮; લુક ૬:૪૫ વાંચો.) તેથી, બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરતા રહો અને નિયમિત રીતે આપણાં સાહિત્ય વાંચતા રહો. યહોવાએ સર્જન કરેલી વસ્તુઓ વિશે શીખતા રહો. (માથ. ૬:૨૬, ૨૮) યહોવા વિશે તમે જેટલું વધારે જાણશો, એટલું વધારે તમારાં બાળકોને શીખવી શકશો.—લુક ૬:૪૦.

૭, ૮. તમે યહોવા વિશે કંઈ નવું શીખો ત્યારે શું કરી શકો? અમુક માતા-પિતાએ શું કર્યું છે?

યહોવા વિશે તમે કંઈ નવું શીખો ત્યારે, એ વિશે બાળકોને જણાવો. ફક્ત સભાની તૈયારી કરતા હો અથવા કુટુંબ તરીકેની ભક્તિ કરતા હો ત્યારે જ નહિ, દરેક સમયે તેઓને જણાવો. અમેરિકામાં રહેતાં એક માતા-પિતા એવું જ કરે છે. તેઓ કોઈ સુંદર વસ્તુ જુએ અથવા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે ત્યારે, યહોવા વિશે વાત કરે છે. તેઓએ કહ્યું: ‘યહોવાએ સર્જન કરેલી સર્વ બાબતોમાં તેમનો પ્રેમ અને અપાર બુદ્ધિ જોવા મળે છે. એ વિશે અમે હંમેશાં બાળકોને યાદ અપાવીએ છીએ.’ દક્ષિણ આફ્રિકામાં રહેતાં એક માતા-પિતા પોતાની બે દીકરીઓ સાથે બગીચામાં કામ કરે ત્યારે, યહોવાએ સર્જન કરેલી વસ્તુઓ વિશે ચર્ચા કરે છે. દાખલા તરીકે, બીજ કઈ રીતે છોડ બને છે, એના વિશે વાત કરતા હશે. માતા-પિતાએ કહ્યું: ‘અમે અમારી દીકરીઓમાં જીવન અને એની અદ્ભુત જટિલતા માટે કદર વધારવાનો પ્રયત્ન કરીએ છીએ.’

ઑસ્ટ્રેલિયામાં રહેતા પિતા પોતાના દસ વર્ષના દીકરાને મ્યુઝિયમ જોવા લઈ ગયા. પિતા આ સમયનો ઉપયોગ કરીને બાળકની શ્રદ્ધા મજબૂત કરવા અને યહોવા જ સર્જનહાર છે એની સાબિતીઓ જોવા બાળકને મદદ કરવા માંગતા હતા. તેમણે કહ્યું: ‘અમે નામશેષ થઈ ગયેલા બે પ્રાચીન દરિયાઈ જીવોને પ્રદર્શનમાં જોયા. એ હતા, એમોનોઇડ્સ અને ટ્રિલોબાઇટ્સ. નામશેષ થઈ ગયેલા આ જીવો ખૂબ જ સુંદર અને જટિલ હતા તેમજ આજના જીવોની જેમ પૂર્ણ વિકસિત હતા. એ જીવોને જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. તેથી, સવાલ થાય કે, જો ઉત્ક્રાંતિ દ્વારા એક સાદા કોષમાંથી આટલા જટિલ કોષ બન્યા હોય, તો એ પ્રાચીન જીવો શા માટે પહેલેથી જ એટલા જટિલ હતા? એ બાબતની મારા દિલ પર ઊંડી અસર થઈ અને મેં મારા દીકરાને એ બાબત જણાવી.’

ઉદાહરણો વાપરો

૯. ઉદાહરણો વાપરવાં કેમ સારાં છે? એક માતાએ કયું ઉદાહરણ વાપર્યું?

ઈસુએ અવારનવાર ઉદાહરણોનો ઉપયોગ કર્યો હતો. તેમણે વાર્તા કહીને અથવા ઉદાહરણ વાપરીને મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો હતો. (માથ. ૧૩:૩૪, ૩૫) જ્યારે તમે ઉદાહરણો વાપરો છો, ત્યારે બાળકોને પોતાની કલ્પના-શક્તિ વાપરવા મદદ મળે છે. એમ કરવાથી તમે જે શીખવવા માંગો છો એના પર બાળક વિચાર કરી શકશે, એને સમજી શકશે અને યાદ રાખી શકશે. તેઓને શીખવામાં પણ મજા આવશે. દાખલા તરીકે, જાપાનમાં રહેતાં એક માતાનો વિચાર કરો. તેમને આઠ અને દસ વર્ષના બે દીકરા છે. તે બાળકોને શીખવવા માંગતા હતા કે યહોવાએ અદ્ભુત રીતે પૃથ્વીનું વાતાવરણ બનાવ્યું છે. એનાથી જોઈ શકાય છે કે યહોવા આપણી ખૂબ કાળજી લે છે. એ મુદ્દો સમજાવવા તેમણે તેઓની ઉંમર ધ્યાનમાં લઈને ઉદાહરણ વાપર્યું. તેમણે બાળકોને દૂધ, ખાંડ અને કૉફી આપ્યાં. પછી, તેમણે બંને દીકરાઓને કૉફી બનાવવાનું કહ્યું. માતાએ કહ્યું: ‘બંને દીકરાઓએ કાળજીપૂર્વક કૉફી બનાવી. જ્યારે મેં તેઓને પૂછ્યું કે તેઓએ કેમ એટલી કાળજી લીધી, ત્યારે તેઓએ કહ્યું કે મને ભાવે છે એવી કૉફી તેઓ બનાવવા માંગતા હતા. મેં તેઓને સમજાવ્યું કે ઈશ્વરે પણ એવી જ કાળજી રાખીને વાતાવરણના વાયુનું મિશ્રણ કર્યું છે, જે આપણા માટે એકદમ યોગ્ય છે.’ આ રીતે શીખવામાં બાળકોને મજા આવી અને તેઓ એ કદી ભૂલ્યા નહિ!

સર્જનહાર છે, એ સાબિત કરવા તમે સાદાં ઉદાહરણનો ઉપયોગ કરી શકો (ફકરો ૧૦ જુઓ)

૧૦, ૧૧. (ક) સર્જનહાર છે એ સમજાવવા તમે બાળકોને કયું ઉદાહરણ આપી શકો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) તમે કયાં ઉદાહરણો વાપર્યાં છે?

૧૦ સર્જનહાર છે, એ સાબિત કરવા તમે બાળકોને કયું ઉદાહરણ આપશો? તમે બાળક સાથે મળીને રેસિપી પ્રમાણે કેક બનાવી શકો. તેને સમજાવો કે રેસિપીને વળગી રહેવું કેમ જરૂરી છે. પછી બાળકને સફરજન અથવા બીજું કોઈ ફળ આપો અને પૂછો: ‘શું તને ખબર છે સફરજનને બનાવવા માટે પણ એક રેસિપી છે?’ પછી, સફરજનને કાપો અને એનાં બી બાળકને આપો. સમજાવો કે બી એ જાણે સફરજનની રેસિપી છે. સફરજન કઈ રીતે બનાવવું એની માહિતી એમાં છે. કેક બનાવવાની રેસિપી કરતાં એ વધારે જટિલ છે. તમે કદાચ પૂછી શકો: ‘કેકની રેસિપી કોઈ વ્યક્તિએ લખી છે. તો સફરજનની રેસિપી કોણે લખી?’ જો બાળકો મોટાં હોય તો તમે તેઓને સમજાવી શકો છો કે સફરજનનું ઝાડ બનાવવા અને વધારે સફરજન બનાવવાની માહિતી ડી.એન.એ.માં હોય છે. તમે તેઓને ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ મોટી પુસ્તિકાના પાન ૧૦થી ૨૦ પર આપેલાં ચિત્રો અને ઉદાહરણો પણ બતાવી શકો છો.

૧૧ ઘણાં માતા-પિતા પોતાનાં બાળકો સાથે સજાગ બનો! મૅગેઝિનમાં આવતા “આનો રચનાર કોણ?” લેખો વાંચે છે. જો બાળકો ખૂબ જ નાનાં હોય, તો માતા-પિતા સાદી રીતે તેઓને એ માહિતી સમજાવી શકે. દાખલા તરીકે, ડેનમાર્કમાં રહેતાં એક યુગલે વિમાનની સરખામણી પક્ષીઓ સાથે કરી. તેઓએ કહ્યું: ‘વિમાન પક્ષીઓ જેવાં જ દેખાય છે. પણ શું વિમાન ઈંડાં મૂકી શકે અને નાના વિમાન કોચલાંમાંથી બહાર આવી શકે? શું પક્ષીઓને જમીન પર ઊતરવા કોઈ ખાસ રન-વેની જરૂર છે? અને શું વિમાનના અવાજને પક્ષીઓના કલરવ સાથે સરખાવી શકાય? તો બુદ્ધિમાન કોણ છે, વિમાન બનાવનાર કે પછી પક્ષીઓ બનાવનાર?’ જ્યારે તમે બાળકો સાથે ચર્ચા કરો છો અને તેઓને સવાલો પૂછો છો, ત્યારે તમે તેઓને “વિવેકબુદ્ધિ” એટલે કે વિચારવાની ક્ષમતા કેળવવા અને યહોવા પરની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો છો.—નીતિ. ૨:૧૦-૧૨.

૧૨. બાઇબલ સાચું છે એ બાળકોને શીખવવા તમે કઈ રીતે ઉદાહરણો વાપરી શકો?

૧૨ બાઇબલ જે કંઈ પણ કહે છે, એ સાચું છે એ તમે ઉદાહરણો વાપરીને બાળકને શીખવી શકો છો. દાખલા તરીકે, તમે અયૂબ ૨૬:૭ વાંચી શકો. (વાંચો.) બાળકોને સીધે-સીધું કહી ન દો કે કલમની એ માહિતી યહોવાએ જણાવી છે. પરંતુ, તેઓને પોતે વિચારવા દો. પછી, તમે જણાવી શકો કે અયૂબના સમયમાં લોકો માનતા ન હતા કે પૃથ્વી અધ્ધર લટકે છે. તેઓ જાણતા હતા કે દડા અથવા પથ્થર જેવી વસ્તુએ સ્થિર રહેવા કશા પર આધાર રાખવો પડે. એ સમયમાં દૂરબીન કે અવકાશયાન શોધાયા ન હતા, એટલે સાબિત થયું ન હતું કે પૃથ્વી અંતરિક્ષમાં અધ્ધર લટકે છે. તમે બાળકોને શીખવી શકો કે ભલે બાઇબલ વર્ષો અગાઉ લખવામાં આવ્યું હતું, તોપણ એ હંમેશાં સાચું છે; કેમ કે એ યહોવા પાસેથી છે.—નહે. ૯:૬.

બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવું શા માટે જરૂરી છે એ શીખવો

૧૩, ૧૪. માતા-પિતા કઈ રીતે બાળકોને બાઇબલના સિદ્ધાંતો પાળવાનું શીખવી શકે?

૧૩ બાળકોને એ પણ શીખવવું જરૂરી છે કે, બાઇબલના સિદ્ધાંતો પાળવાથી જ તેઓ સાચું સુખ મેળવી શકે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.) દાખલા તરીકે, તમે બાળકોને કલ્પના કરવા કહો કે તેઓએ એક ટાપુ પર રહેવા જવાનું છે. ત્યાં સાથે રહેવા તેઓએ અમુક લોકોને પસંદ કરવાના છે. પછી તમે પૂછી શકો, ‘બધા લોકો હળી-મળીને રહે માટે તમે કેવા લોકોને પોતાની સાથે લઈ જશો?’ પછી, તમે ગલાતીઓ ૫:૧૯-૨૩ વાંચી શકો. એમાં આપેલા ગુણોને આધારે તેઓને બતાવી શકો કે, યહોવા કેવા લોકોને નવી દુનિયામાં લઈ જશે અને કેવા લોકોનો વિનાશ કરશે.

૧૪ આમ તમે બાળકોને બે મહત્ત્વની વાતો શીખવી શકશો. પહેલું, યહોવા આપણને શીખવે છે કે સુખી જીવન જીવવા શું કરવું અને બીજાઓ સાથે કઈ રીતે શાંતિ જાળવી રાખવી. બીજું, નવી દુનિયામાં કઈ રીતે જીવવું એની તાલીમ તે આપણને અત્યારથી જ આપે છે. (યશા. ૫૪:૧૩; યોહા. ૧૭:૩) બાઇબલથી બીજાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ મળી છે, એ પણ તમે બાળકોને શીખવી શકો. દાખલા તરીકે, આપણાં સાહિત્ય ઘણાં ભાઈ-બહેનોની જીવન સફર વિશે જણાવે છે. તમે તેઓને એ લેખો બતાવી શકો. કદાચ ચોકીબુરજમાં આવતા લેખો “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” બતાવી શકો. અથવા તમે મંડળનાં કોઈ ભાઈ કે બહેનને તમારા ઘરે બોલાવી શકો. પછી, તેઓને પૂછી શકો કે કઈ રીતે બાઇબલે તેઓને મોટા ફેરફારો કરવા મદદ કરી, જેથી તેઓ યહોવાને ખુશ કરી શકે.—હિબ્રૂ. ૪:૧૨.

૧૫. બાળકોને શીખવતી વખતે તમે શું યાદ રાખી શકો?

૧૫ તમે બાળકોને શીખવતા હો ત્યારે, પોતાની કલ્પના-શક્તિ વાપરો. આમ, બાળકોને શીખવામાં રસ પડશે અને મજા આવશે. તેઓને યહોવા વિશે શીખવામાં અને તેમના દોસ્ત બનવામાં આનંદ આવે, એ માટે જુદી જુદી રીતો વાપરો. તેઓ મોટાં થતાં જાય, તોપણ એમ કરવાનું બંધ કરશો નહિ. એક પિતાએ કહ્યું: ‘જૂના વિષયોને નવી રીતે શીખવવાનું છોડી ન દો.’

પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો, બાળકો સાથે ધીરજથી વર્તો

૧૬. બાળકોને શીખવતી વખતે ધીરજથી વર્તવું કેમ મહત્ત્વનું છે? અમુક માતા-પિતા કઈ રીતે ધીરજથી વર્ત્યા છે?

૧૬ યહોવાની શક્તિની મદદથી તમારાં બાળકો શ્રદ્ધામાં મજબૂત થઈ શકશે. (ગલા. ૫:૨૨, ૨૩) પણ, શ્રદ્ધા મજબૂત કરતા થોડો સમય લાગી શકે. તેથી, બાળકો સાથે ધીરજથી વર્તો અને તેઓને શીખવતા રહો. જાપાનમાં રહેતા એક પિતાને બે બાળકો છે. તેમને એક દીકરો અને દીકરી છે. પિતાએ જણાવ્યું: ‘મેં અને મારી પત્નીએ બાળકો પર ખૂબ ધ્યાન આપ્યું છે. તેઓ ઘણા નાના હતા ત્યારથી, હું દરરોજ તેઓ સાથે ૧૫ મિનિટ અભ્યાસ કરતો. સભાઓ હોય ફક્ત એ જ દિવસે અમે અભ્યાસ ન કરતા. અમારા માટે કે બાળકો માટે પંદર મિનિટ બહુ અઘરી ન હતી.’ એક સરકીટ નિરીક્ષકે લખ્યું: ‘હું તરુણ હતો ત્યારે મારા મનમાં ઘણા સવાલો હતા, પણ હું કદી એ પૂછતો નહિ. સમય જતાં, એમાંના ઘણા સવાલોના જવાબ મને સભાઓથી, કુટુંબ તરીકેની ભક્તિથી અથવા વ્યક્તિગત અભ્યાસથી મળ્યા. એટલે, માતા-પિતા બાળકોને શીખવતા રહે એ ખૂબ જરૂરી છે.’

સારા શિક્ષક બનવા તમારે બાઇબલને પ્રેમ કરવાની જરૂર છે (ફકરો ૧૭ જુઓ)

૧૭. માતા-પિતા પોતાની શ્રદ્ધા મજબૂત કરે એ કેમ જરૂરી છે? બર્મુડામાં રહેતા માતા-પિતાએ પોતાની દીકરીઓની શ્રદ્ધા કઈ રીતે મજબૂત કરી?

૧૭ તમને યહોવા પર મજબૂત શ્રદ્ધા છે, એ જોઈને બાળકો પણ ઘણું શીખશે. તેઓ તમારા ઉદાહરણને અનુસરશે. તેથી, પોતાની શ્રદ્ધા મજબૂત કરતા રહો. બાળકો જોઈ શકતા હોવા જોઈએ કે યહોવા તમારા માટે વાસ્તવિક છે. દાખલા તરીકે, બર્મુડામાં રહેતાં માતા-પિતા કોઈ સમસ્યાને લઈને ચિંતાતુર હોય ત્યારે, પોતાની દીકરીઓ સાથે મળીને યહોવાને પ્રાર્થનામાં માર્ગદર્શન માંગે છે. તેઓ બાળકોને પણ પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે. તેઓ જણાવે છે: ‘અમે મોટી દીકરીને કહીએ છીએ, “યહોવામાં પૂરો ભરોસો રાખ, રાજ્યના કામમાં વ્યસ્ત રહે અને વધુ પડતી ચિંતા ન કર.” એનું પરિણામ જોઈને તે યહોવાની મદદનો હાથ અનુભવી શકે છે. આ રીતે, ઈશ્વર પર અને બાઇબલ પર તેનો ભરોસો ખૂબ જ મજબૂત થયો છે.’

૧૮. માતા-પિતાએ શું યાદ રાખવું જોઈએ?

૧૮ માતા-પિતા, હંમેશાં યાદ રાખો કે બાળકોને શ્રદ્ધા કેળવવા કદી દબાણ કરશો નહિ. તમે ફક્ત રોપો અને પાણી પાઓ, પણ વૃદ્ધિ તો યહોવા આપશે. (૧ કોરીં. ૩:૬) એટલે, બાળકોને યહોવા વિશે શીખવવા બનતા બધા પ્રયત્ન કરો અને તેઓ શ્રદ્ધા કેળવી શકે માટે યહોવા પાસે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગો. તમે ખાતરી રાખી શકો કે યહોવાના આશીર્વાદથી તમારી મહેનત રંગ લાવશે.—એફે. ૬:૪.