સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાનો આશીર્વાદ મેળવવા લડત આપતા રહો

યહોવાનો આશીર્વાદ મેળવવા લડત આપતા રહો

“ઈશ્વરની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.”—ઉત. ૩૨:૨૮.

ગીતો: ૨૩, ૩૮

૧, ૨. ઈશ્વરભક્તોએ કેવો સંઘર્ષ કરવો પડે છે?

હાબેલથી લઈને આજ સુધીના દરેક વફાદાર ભક્તે સંઘર્ષ કર્યો છે. પ્રેરિત પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને કહ્યું હતું કે, તેઓએ યહોવાની કૃપા અને આશીર્વાદ મેળવવા ઘણી “મુશ્કેલીઓ સહીને સખત લડત આપી” છે. (હિબ્રૂ. ૧૦:૩૨-૩૪) ઈશ્વરભક્તોના સંઘર્ષને પાઊલે રમતવીરના સંઘર્ષ સાથે સરખાવ્યો. (હિબ્રૂ. ૧૨:૧,) એ રમતવીરો દોડ, કુસ્તી અને મુક્કાબાજી જેવી ગ્રીક સ્પર્ધામાં ભાગ લેતા. આજે, આપણે પણ જીવનની દોડમાં દોડી રહ્યા છીએ. આપણા દુશ્મનો આપણું ધ્યાન ફંટાવવા માંગે છે, જેથી આપણે આનંદ ગુમાવી દઈએ અને ભાવિમાં મળનાર ઇનામ ચૂકી જઈએ.

આપણી સૌથી મોટી લડાઈ કે “કુસ્તી” શેતાન અને તેની દુષ્ટ દુનિયા સામે છે. (એફે. ૬:૧૨, ફૂટનોટ) આ દુનિયાના શિક્ષણ, ફિલસૂફી અને ખરાબ કામોના રંગે આપણે રંગાઈ ન જઈએ એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શેતાનની દુનિયા અનૈતિકતા, ધૂમ્રપાન અને દારૂ કે નશીલા દ્રવ્યોનું સેવન કરવા દબાણ કરે છે. આપણે તેઓ વિરુદ્ધ લડતા રહેવું જોઈએ. ઉપરાંત, આપણે નિરાશા અને પોતાની કમજોરીઓ વિરુદ્ધ પણ લડતા રહેવું જોઈએ.—૨ કોરીં. ૧૦:૩-૬; કોલો. ૩:૫-૯.

૩. દુશ્મનો સામે લડવા યહોવા કઈ રીતે આપણને તાલીમ આપે છે?

આટલા શક્તિશાળી દુશ્મનો સામે લડાઈ જીતવી શું ખરેખર શક્ય છે? હા, એ શક્ય છે, પણ સહેલું નથી. પાઊલે પોતાને એક મુક્કાબાજ સાથે સરખાવીને કહ્યું: “હું એ રીતે મુક્કા મારતો નથી કે જાણે હવામાં મારતો હોઉં.” (૧ કોરીં. ૯:૨૬) જેમ એક મુક્કાબાજ તેના પ્રતિસ્પર્ધી સામે લડે છે, તેમ આપણે પણ પોતાના દુશ્મનો વિરુદ્ધ લડવાની જરૂર છે. એ માટે યહોવા આપણને મદદ કરે છે અને તાલીમ આપે છે. તે બાઇબલ, સાહિત્ય, સભાઓ અને સંમેલનો દ્વારા સલાહ-સૂચનો આપીને મદદ કરે છે. પરંતુ, શું તમે એ બધાં સલાહ-સૂચનોનો પૂરેપૂરો ઉપયોગ કરો છો? જો ન કરતા હો, તો કદાચ તમે દુશ્મન સામે પૂરી લડત આપી રહ્યા નથી. એ તો જાણે હવામાં મુક્કા મારવા બરાબર છે.

૪. ભૂંડાઈ સામે હારી ન જવા આપણે શું કરી શકીએ?

આપણે હરેક ઘડીએ સાવધ રહેવાની જરૂર છે. શા માટે? કારણ કે, દુશ્મનો અણધાર્યા સમયે અથવા આપણી કમજોર ઘડીએ આપણા પર હુમલો કરી શકે છે. બાઇબલ આ શબ્દો દ્વારા આપણને ચેતવણી તેમજ ઉત્તેજન આપે છે: “ભૂંડાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહો.” (રોમ. ૧૨:૨૧) જો આપણે ભૂંડાઈ સામે લડતા રહીશું, તો જીત મેળવી શકીશું. પરંતુ, જો સાવધ નહિ રહીએ અને લડવાનું છોડી દઈશું, તો પોતાની કમજોરીઓ તેમજ શેતાન અને તેની દુનિયા આપણા પર હાવી થઈ જશે. તેથી, ક્યારેય હથિયાર હેઠે ન મૂકો. હાર ન માનો અને તમારા હાથ ઢીલા પડવા ન દો.—૧ પીત. ૫:૯.

૫. (ક) યહોવાની કૃપા અને આશીર્વાદ મેળવવા આપણે શું યાદ રાખવાની જરૂર છે? (ખ) આપણે કયા ઈશ્વરભક્તોના દાખલા જોઈશું?

જીત મેળવવી હોય તો, એ યાદ રાખવું જરૂરી છે કે આપણે શા માટે લડી રહ્યા છીએ. આપણે યહોવાની કૃપા અને આશીર્વાદ મેળવવા લડી રહ્યા છીએ. હિબ્રૂઓ ૧૧:૬ જણાવે છે: “જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.” પૂરા દિલથી યહોવાને શોધવાનો અર્થ થાય કે તેમની કૃપા મેળવવા આપણે સખત મહેનત કરીએ. (પ્રે.કા. ૧૫:૧૭) બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે જેઓએ એમ કર્યું હતું. જેમ કે, યાકૂબ, રાહેલ, યુસફ અને પાઊલ. તેઓએ એવા કપરા સંજોગોનો સામનો કર્યો, જે શારીરિક અને લાગણીમય રીતે તેઓને ભાંગી શકતા હતા. પરંતુ, તેઓએ એ સંજોગો પર જીત મેળવી. તેઓના દાખલા બતાવે છે કે, જો આપણે પણ સખત મહેનત કરીશું, તો યહોવાના આશીર્વાદ મેળવી શકીશું. ચાલો જોઈએ કે આપણે કઈ રીતે એમ કરી શકીએ.

લડત આપશો તો, આશીર્વાદ પામશો

૬. સખત લડત આપવા યાકૂબને ક્યાંથી મદદ મળી અને એનું કેવું ઇનામ મળ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઈશ્વરભક્ત યાકૂબ યહોવાને ચાહતા હતા અને તેમની સાથેની મિત્રતાને અનમોલ ગણતા હતા. યહોવા માટેના પ્રેમને લીધે યાકૂબે ઘણો સંઘર્ષ કર્યો અને સહન કર્યું. યહોવાએ તેમના વંશને આશીર્વાદ આપવાનું વચન આપ્યું હતું. યાકૂબને પૂરો ભરોસો હતો કે, યહોવા પોતાનું એ વચન ચોક્કસ પૂરું કરશે. (ઉત. ૨૮:૩, ૪) યાકૂબ આશરે ૧૦૦ વર્ષના હતા ત્યારે, યહોવાનો આશીર્વાદ મેળવવા તેમણે એક સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી. (ઉત્પત્તિ ૩૨:૨૪-૨૮ વાંચો.) દૂત સાથેની એ લડાઈ, શું યાકૂબ પોતાના દમ પર લડી રહ્યા હતા? ના! પરંતુ, એ જોઈ શકાય છે કે, આશીર્વાદ મેળવવા તે કેટલા મક્કમ હતા. તેમણે સાબિત કર્યું કે યહોવાના આશીર્વાદ માટે તે સખત મહેનત કરવા તૈયાર હતા. યાકૂબની સખત મહેનત પાણીમાં ના ગઈ. તેમના સખત પ્રયાસો માટે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. યહોવાએ તેમનું નામ ઈસ્રાએલ પાડ્યું, જેનો અર્થ થાય: “ઈશ્વર સાથે યુદ્ધ કરનાર.” યાકૂબને યહોવાની કૃપા અને આશીર્વાદ મળ્યાં. શું આપણે પણ એ જ મેળવવા નથી ચાહતા?

૭. (ક) રાહેલે કેવા નિરાશાજનક સંજોગોનો સામનો કર્યો? (ખ) રાહેલે શું કર્યું અને તેમને કેવો આશીર્વાદ મળ્યો?

યાકૂબની પત્ની રાહેલ પણ એ જોવા આતુર હતાં કે યહોવા પોતાનું વચન કઈ રીતે નિભાવશે. પણ, રાહેલ સામે એક મોટી સમસ્યા હતી. તેમને કોઈ સંતાન ન હતું. બાઇબલ સમયમાં કોઈ સ્ત્રીને સંતાન ન હોય તો તેણે ઘણું વેઠવું પડતું. એ નિરાશાજનક સંજોગોમાં પણ રાહેલ કઈ રીતે લડત આપતાં રહ્યાં? તેમણે ક્યારેય પોતાની આશા ગુમાવી નહિ. એના બદલે, પ્રાર્થનામાં લાગુ રહીને તે લડત આપતાં રહ્યાં. દિલથી કરેલી તેમની પ્રાર્થનાને યહોવાએ સાંભળી; તેમણે રાહેલને સંતાનનું સુખ આપ્યું. એટલે, રાહેલે કહ્યું: ‘મેં મુકાબલામાં ભારે લડત આપી છે ને હું જય પામી છું.’—ઉત. ૩૦:૮, ૨૦-૨૪.

૮. યુસફે કેવા કપરા સંજોગોનો સામનો કર્યો? તે કઈ રીતે આપણા માટે એક સારો દાખલો છે?

યાકૂબ અને રાહેલની વફાદારીની સારી અસર તેમનાં દીકરા યુસફ પર થઈ. એનાથી, યુસફને મુશ્કેલ સંજોગોનો સામનો કરવા મદદ મળી. યુસફ ૧૭ વર્ષના હતા ત્યારે, તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. તેમના ઈર્ષાળુ ભાઈઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા. પછીથી, ઇજિપ્તમાં હતા ત્યારે કોઈ વાંક-ગુના વગર તેમને વર્ષો સુધી કેદની સજા ભોગવવી પડી. (ઉત. ૩૭:૨૩-૨૮; ૩૯:૭-૯, ૨૦-૨૧) એવા કપરા સંજોગોમાં યુસફ નિરાશ કે ગુસ્સે ન થઈ ગયા. તેમણે બદલો લેવાની ભાવના પણ ન રાખી. શા માટે? કારણ કે, યુસફ માટે યહોવા સાથેની મિત્રતા અનમોલ હતી અને તેમણે પૂરા દિલથી એ નિભાવી. (લેવી. ૧૯:૧૮; રોમ. ૧૨:૧૭-૨૧) યુસફનો દાખલો આપણને મદદ કરી શકે છે. ભલે આપણું બાળપણ ખરાબ સંજોગોમાં વીત્યું હોય કે હાલ આપણું જીવન અંધકારમય લાગતું હોય, તોપણ આપણે હાર ન માનીએ. આપણે લડતા રહેવાની જરૂર છે. એમ કરીશું તો, ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને આશીર્વાદ આપશે.—ઉત્પત્તિ ૩૯:૨૧-૨૩ વાંચો.

૯. આપણે કઈ રીતે યાકૂબ, રાહેલ અને યુસફને અનુસરી શકીએ?

આજે, આપણે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કદાચ તમે અન્યાય, ભેદભાવ કે કોઈની ઈર્ષાનો શિકાર બન્યા હશો. એમ હોય તો, નિરાશ ન થઈ જાઓ. પણ, યાદ રાખો કે યહોવાની સેવામાં લાગુ રહેવા યાકૂબ, રાહેલ અને યુસફને ક્યાંથી મદદ મળી હતી. તેઓ માટે યહોવા સાથેની મિત્રતા અનમોલ હતી. તેઓ આશીર્વાદ મેળવવા લડતા રહ્યા અને પોતાની પ્રાર્થનાના સુમેળમાં કામ કરતા રહ્યા. તેથી, યહોવાએ તેઓને હિંમત આપી અને આશીર્વાદથી ભરપૂર કર્યા. આજે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. તેથી, ખૂબ જરૂરી છે કે, આપણે ભાવિની આશા પર મજબૂત પકડ બનાવી રાખીએ. યહોવાની કૃપા મેળવવા શું તમે સખત મહેનત કરવા તૈયાર છો?

લડત આપવા હંમેશાં તૈયાર રહો

૧૦, ૧૧. (ક) ઈશ્વરના આશીર્વાદ મેળવવા આપણે શા માટે લડવું પડે છે? (ખ) યોગ્ય નિર્ણય લેવા આપણને ક્યાંથી મદદ મળી શકે?

૧૦ ઈશ્વરના આશીર્વાદ મેળવવા આપણે શા માટે લડત આપવી પડે છે? કારણ કે, આપણે બધા અપૂર્ણ છીએ અને કેટલીક વાર ખોટી ઇચ્છાઓ આપણા પર હાવી થઈ જાય છે. અમુક ભાઈ-બહેનો પ્રચારમાં યોગ્ય વલણ રાખવા સંઘર્ષ કરે છે. બીજા અમુક બીમારીઓ કે એકલતા સામે ઝઝૂમી રહ્યા છે. અમુક એવા પણ છે જેઓને દુઃખ પહોંચાડનાર વ્યક્તિને માફી આપવી અઘરું લાગે છે. ભલે આપણે લાંબા સમયથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ ભક્તિમાં અડચણ લાવતી દરેક બાબતો સામે આપણે લડતા રહેવાની જરૂર છે. એમ કરીશું તો, આપણી વફાદારી માટે યહોવા ઇનામ આપશે.

ઈશ્વરનો આશીર્વાદ મેળવવા શું તમે લડત આપી રહ્યા છો? (ફકરા ૧૦, ૧૧ જુઓ)

૧૧ સાચે જ, ઈસુને પગલે ચાલવું અને યોગ્ય નિર્ણયો લેવા ખૂબ જ અઘરું બની શકે છે. ખાસ કરીને, ખોટી ઇચ્છાઓ સામે લડી રહ્યા હોઈએ ત્યારે. (યિર્મે. ૧૭:૯) જો તમને પણ એવું લાગતું હોય, તો યહોવા પાસે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગો. યોગ્ય નિર્ણય લેવા પ્રાર્થના અને પવિત્ર શક્તિ તમને મદદ કરશે. પછી તમે યહોવાના આશીર્વાદો મેળવી શકશો. તમારી પ્રાર્થનાના સુમેળમાં જીવવા મનમાં ગાંઠ વાળો. દરરોજ બાઇબલ વાંચવા પ્રયત્ન કરો. વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય કાઢો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૨ વાંચો.

૧૨, ૧૩. ખોટી ઇચ્છા પર કાબૂ મેળવવા બે સાક્ષીઓને કઈ રીતે મદદ મળી?

૧૨ ઘણાં ભાઈ-બહેનોને બાઇબલ, પવિત્ર શક્તિ અને સાહિત્ય દ્વારા ખોટી ઇચ્છા પર જીત મેળવવા મદદ મળી છે. એક દાખલાનો વિચાર કરો. ડિસેમ્બર ૮, ૨૦૦૩ અવેક! મૅગેઝિનમાં આ લેખ આવ્યો હતો: “હાઉ કેન યુ રેસિસ્ટ રોંગ ડિઝાયર્સ?” એ લેખ વાંચ્યા પછી એક તરુણ ભાઈએ પોતાની લાગણી જણાવતા કહ્યું: ‘હું ખોટા વિચારો પર કાબૂ મેળવવા લડી રહ્યો છું. મેં એ લેખમાં વાંચ્યું કે મારી જેમ ઘણા લોકો ખરાબ ઇચ્છા પર કાબૂ મેળવવા લડી રહ્યા છે; પણ અમુક માટે એ લડાઈ ખૂબ આકરી હોય છે. એનાથી મને અહેસાસ થયો કે આ લડાઈમાં હું એકલો નથી.’ એ ભાઈને બીજા એક લેખમાંથી પણ મદદ મળી હતી, જે ઑક્ટોબર ૮, ૨૦૦૩ અવેક! મૅગેઝિનમાં આવ્યો હતો. એ લેખનો વિષય હતો: “ઓલ્ટરનેટિવ લાઇફ-સ્ટાઇલ્સ—ડઝ ગોડ અપ્રૂવ?” એ લેખમાંથી ભાઈ શીખી શક્યા કે અમુક લોકો માટે એ લડાઈ લાંબી ચાલે છે અને ‘શરીરમાં કાંટાની’ જેમ ખૂંચ્યા કરે છે. (૨ કોરીં. ૧૨:૭) છતાં, તેઓ પોતાનાં વાણી-વર્તન શુદ્ધ રાખવાની એ લડાઈ જારી રાખે છે અને ભાવિની આશા પર નજર રાખે છે. એ ભાઈ આગળ જણાવે છે: ‘એ કારણને લીધે દિવસે ને દિવસે મારો ભરોસો મજબૂત થાય છે કે, હું યહોવાને વફાદાર રહી શકું છું. આ દુષ્ટ દુનિયામાં ટકી રહેવા યહોવા પોતાના સંગઠન દ્વારા જે મદદ આપે છે એ માટે હું તેમનો આભારી છું.’

૧૩ અમેરિકામાં રહેતાં એક બહેને સંગઠનને પત્ર લખીને આમ જણાવ્યું: ‘હું તમારો આભાર માનું છું, કારણ કે યોગ્ય સમયે તમે અમારી જરૂરિયાત પ્રમાણે ભક્તિને લગતો ખોરાક પૂરો પાડો છો. મને ઘણી વાર લાગે છે કે, સાહિત્યમાં આવેલો કોઈ લેખ જાણે મારા માટે જ લખાયો છે. વર્ષોથી હું એવી તીવ્ર ઇચ્છા વિરુદ્ધ લડત આપી રહું છું, જેને યહોવા ધિક્કારે છે. ઘણી વાર મને લાગે છે કે હું હથિયાર નીચે મૂકી દઉં અને લડવાનું છોડી દઉં. મને ખબર છે કે, યહોવા દયાળુ અને માફી આપનાર ઈશ્વર છે. પરંતુ, અમુક ખોટી ઇચ્છા મારા મનમાં ઘર કરી ગઈ છે. યહોવા તો એને ધિક્કારે છે, પણ હું ધિક્કારતી નથી. તેથી, મને લાગે છે કે હું યહોવાની મદદને લાયક નથી. લાંબા સમયથી ચાલી રહેલી આ લડાઈની અસર મારા આખા જીવન પર થઈ છે. માર્ચ ૧૫, ૨૦૧૩ ચોકીબુરજનો આ લેખ મેં વાંચ્યો: “‘યહોવાને ઓળખનારું હૃદય’ શું તમારી પાસે છે?” એ લેખ વાંચીને મને અહેસાસ થયો કે, યહોવા મને મદદ કરવા આતુર છે.’

૧૪. (ક) પોતાના સંઘર્ષ વિશે પાઊલને કેવું લાગતું? (ખ) આપણે કઈ રીતે કમજોરીઓ સામેની લડાઈ જીતી શકીએ?

૧૪ રોમનો ૭:૨૧-૨૫ વાંચો. પાઊલ જાણતા હતા કે, ખોટી ઇચ્છાઓ અને કમજોરીઓનો સામનો કરવો કેટલું અઘરું છે. જોકે, તેમને ખાતરી હતી કે, યહોવાને પ્રાર્થના કરવાથી, તેમના પર આધાર રાખવાથી અને ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરવાથી તે એના પર જીત મેળવી શકે છે. આપણા વિશે શું? શું આપણે પોતાની કમજોરીઓ સામેની લડાઈ જીતી શકીએ છીએ? હા, ચોક્કસ. પાઊલનું અનુકરણ કરીને જો આપણે યહોવાની શક્તિ પર પૂરેપૂરો આધાર રાખીશું અને ઈસુના બલિદાનમાં ભરોસો રાખીશું, તો આપણે જીત મેળવી શકીશું.

૧૫. વફાદાર રહેવા અને મુશ્કેલીનો સામનો કરવા યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે?

૧૫ અમુક વાર યહોવા કપરા સંજોગોને ચાલવા દે છે, જેથી તે જોઈ શકે કે કોઈ બાબતને લઈને આપણને કેવું લાગે છે. દાખલા તરીકે, જો આપણે કે કુટુંબનું કોઈ સભ્ય ગંભીર બીમારી અથવા અન્યાયનો શિકાર બન્યું હોય, તો આપણને કેવું લાગશે? જો આપણો પૂરો ભરોસો યહોવામાં હશે, તો લડતા રહેવા તેમની પાસે મદદ માંગીશું. વફાદાર રહેવા, આપણો આનંદ જાળવી રાખવા અને તેમની સાથેની મિત્રતા વધારે મજબૂત કરવા પ્રાર્થનામાં આજીજી કરીશું. (ફિલિ. ૪:૧૩) પહેલાંના અને હાલના સમયના વફાદાર ભક્તોના દાખલાઓ બતાવે છે કે, પ્રાર્થના આપણને જરૂરી હિંમત અને ઉત્તેજન આપે છે. એ આપણને લડતા રહેવા મદદ કરે છે.

યહોવાનો આશીર્વાદ મેળવવા લડતા રહો

૧૬, ૧૭. તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૧૬ શેતાન ચાહે છે કે, તમે નિરાશ થઈ જાઓ, હિંમત હારી જાઓ અને તમારા હાથ ઢીલા પડી જાય. તેથી, ‘જે સારું છે એને વળગી રહેવા’ તમારું મન મક્કમ કરો. (૧ થેસ્સા. ૫:૨૧) તમારી કમજોરીઓ તેમજ શેતાન અને તેની દુષ્ટ દુનિયા સામે તમે જીતી શકો છો. પણ, તમારે એ ભરોસો રાખવાની જરૂર છે કે, જીત મેળવવા યહોવા તમને હિંમત અને જરૂરી મદદ પૂરી પાડશે.—૨ કોરીં. ૪:૭-૯; ગલા. ૬:૯.

૧૭ હથિયાર હેઠે ન મૂકો. હાર ન માનો. પણ, લડતા રહો. સંઘર્ષ કરતા રહો. તમે પૂરી ખાતરી રાખી શકો કે, ‘સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ યહોવા તમારા પર મોકલી દેશે.’—માલા. ૩:૧૦.