સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો

યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો

“શ્રદ્ધા એટલે કે . . . જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.”—હિબ્રૂ. ૧૧:૧.

ગીતો: ૪૧, ૧૧

૧, ૨. યહોવાની ભક્તિ કરતા યુવાનોને અમુક વાર કેવો સવાલ થઈ શકે? એનો જવાબ મેળવવા તેઓ કયાં પગલાં ભરી શકે?

બ્રિટનમાં રહેતાં આપણાં યુવાન બહેનને તેના સાથી વિદ્યાર્થીએ કહ્યું: ‘આટલી બુદ્ધિશાળી થઈને પણ તું ઈશ્વરમાં માને છે!’ જર્મનીમાં રહેતા એક ભાઈએ લખ્યું: ‘મારા શિક્ષકો બાઇબલને દંતકથાનું પુસ્તક માને છે. તેઓના મનમાં એવી ધારણા છે કે, વિદ્યાર્થીઓ ઉત્ક્રાંતિમાં માને છે.’ ફ્રાંસમાં રહેતાં યુવાન બહેને કહ્યું: ‘મારા શિક્ષકોને એ જાણીને નવાઈ લાગી કે, અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે, જેઓ બાઇબલમાં માને છે.’

આજે ઘણા લોકો માનતા નથી કે, ઈશ્વરે આપણું સર્જન કર્યું છે. યહોવાની ભક્તિ કરતા યુવાનો અથવા યહોવા વિશે શીખતા યુવાનોને કોઈક વાર આવો સવાલ થઈ શકે: ‘હું કઈ રીતે સાબિત કરી શકું કે યહોવા આપણા સર્જનહાર છે?’ આપણે જે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, એના પર ઊંડો વિચાર કરવા અને ચર્ચા કરવા બાઇબલ આપણને મદદ કરશે. ઈશ્વરે આપણને બધાને વિચારવાની શક્તિ આપી છે અને બાઇબલ કહે છે કે, એ આપણી “ચોકી કરશે.” કઈ રીતે? એ આપણને ખોટા વિચારો નકારવા અને યહોવામાં શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરશે.—નીતિવચનો ૨:૧૦-૧૨ વાંચો.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત રાખવા, આપણે તેમને સારી રીતે ઓળખવાની જરૂર છે. (૧ તિમો. ૨:૪) તેથી, જ્યારે તમે બાઇબલ અને આપણું સાહિત્ય વાંચો, ત્યારે થોડી વાર થોભો અને જે વાંચો છો એના પર વિચાર કરો. તમે જે વાંચી રહ્યા છો એને સમજવાની કોશિશ કરો. (માથ. ૧૩:૨૩) આમ કરશો, તો તમારો ભરોસો મજબૂત થશે કે, યહોવા જ સર્જનહાર છે અને બાઇબલમાં તેમનાં વચનો છે. આ લેખ એ વિશે વધારે જણાવે છે.—હિબ્રૂ. ૧૧:૧.

શ્રદ્ધા કઈ રીતે મજબૂત કરવી?

૪. ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિમાં માનવા શા માટે શ્રદ્ધાની જરૂર છે? આપણે બધાએ શું કરવું જોઈએ?

કોઈક વ્યક્તિ કદાચ તમને કહે કે, ‘હું ઉત્ક્રાંતિમાં માનું છું. કારણ કે, વૈજ્ઞાનિકો કહે છે કે, એ સાચું છે. ઈશ્વરને તો કોઈએ જોયા નથી. તો પછી, તમે કઈ રીતે તેમનામાં માની શકો?’ ઘણા લોકો એ વિચાર સાથે સહમત થાય છે. ખરું કે, આપણામાંથી કોઈએ ઈશ્વરને જોયા નથી કે કોઈ વસ્તુનું સર્જન થતા જોયું નથી. (યોહા. ૧:૧૮) પણ, ઉત્ક્રાંતિમાં માનતા લોકો વિશે શું? તેઓ પણ એવા કશામાં માને છે, જેને તેઓ જોઈ શકતા નથી. એક પ્રકારના પ્રાણીમાંથી બીજા પ્રકારનું પ્રાણી બનતા કોઈ માણસે કે કોઈ વૈજ્ઞાનિકે જોયું નથી. દાખલા તરીકે, કોઈએ પણ વાંદરામાંથી માણસને બનતા જોયો નથી. (અયૂ. ૩૮:૧,) તેથી, આપણે બધાએ હકીકત પર ધ્યાન આપવાની અને એ જે સાબિતીઓ આપે છે એના આધારે નિર્ણય લેવાની જરૂર છે. સૃષ્ટિના સર્જન વિશે પ્રેરિત પાઊલે લખ્યું: “દુનિયાનું સર્જન કરવામાં આવ્યું ત્યારથી, તેમના [ઈશ્વરના] અદૃશ્ય ગુણો એટલે કે, તેમની સનાતન શક્તિ અને તે જ ઈશ્વર છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે, કેમ કે બનાવવામાં આવેલી વસ્તુઓ પરથી એ પારખી શકાય છે. તેથી, તેઓ કોઈ પણ બહાનું કાઢી શકે એમ નથી.”—રોમ. ૧:૨૦.

બીજાઓ સાથે ચર્ચા કરવા સંશોધન માટેનાં સાધનોનો સારો ઉપયોગ કરો (ફકરો ૫ જુઓ)

૫. સંશોધન માટેનાં કયાં સાધનો તમને સૃષ્ટિ વિશે વધારે જાણવા મદદ કરી શકે?

સૃષ્ટિ પર નજર કરીને એના પર ઊંડો વિચાર કરીએ છીએ ત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુને અદ્ભુત રીતે બનાવવામાં આવી છે. “શ્રદ્ધાથી આપણે પારખીએ” છીએ કે, આપણને બનાવનાર સર્જનહાર છે, પછી ભલે તે અદૃશ્ય હોય. (હિબ્રૂ. ૧૧:૩) યહોવાના સંગઠને આપણને ઘણાં સાધનો આપ્યાં છે, જેની મદદથી આપણે સંશોધન કરી શકીએ છીએ. એની મદદથી આપણે શ્રદ્ધાની આંખોથી સર્જનહારને ‘જોઈ’ શકીએ છીએ. (હિબ્રૂ. ૧૧:૨૭) વૈજ્ઞાનિકોએ જે વસ્તુઓ શોધી છે, એના વિશે વાંચીને આપણે ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ વિશે ઘણું શીખી શકીએ છીએ. એવી અમુક માહિતી આવાં સાહિત્યમાંથી મળી શકે: ધ વન્ડર્સ ઑફ ક્રિએશન રીવીલ ગોડ્સ ગ્લોરી વીડિયો, વોઝ લાઈફ ક્રિએટેડ?, ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ મોટી પુસ્તિકાઓ અને ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ? પુસ્તક. સજાગ બનો! મૅગેઝિનમાં ઘણી વાર અમુક વૈજ્ઞાનિકો અને બીજાઓના અનુભવ આવે છે. તેઓ શા માટે હવે ઈશ્વરમાં માને છે એ વિશે એ અનુભવોમાં જોવા મળે છે. સજાગ બનો! મૅગેઝિનમાં આવતી “આનો રચનાર કોણ?” શૃંખલામાં પ્રાણીઓ અને બીજી વસ્તુઓની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. તેમ જ, એમાં એ પણ બતાવવામાં આવે છે કે, વૈજ્ઞાનિકો કઈ રીતે એની નકલ કરવાની કોશિશ કરે છે.

૬. સંશોધન માટેનાં સાધનો તમને કઈ રીતે મદદ કરી શકે?

અમેરિકામાં રહેતા ૧૯ વર્ષના એક ભાઈનો વિચાર કરો. આગળના ફકરામાં જણાવેલી બે મોટી પુસ્તિકા વિશે તેણે કહ્યું: ‘એ પુસ્તિકાઓ મારા માટે ખૂબ અનમોલ છે. મેં તેનો બારેક વખત અભ્યાસ કર્યો છે.’ ફ્રાંસમાં રહેતાં એક બહેને લખ્યું: ‘“આનો રચનાર કોણ?” લેખ મને અચંબામાં મૂકી દે છે. એમાંથી જોવા મળે છે કે, મહાન ઇજનેરો કદાચ એની નકલ કરે, પણ સૃષ્ટિમાં જોવા મળતી જટિલ રચનાની બરોબરી તો ન જ કરી શકે.’ દક્ષિણ આફ્રિકામાં રહેતી ૧૫ વર્ષની એક છોકરીનાં માતા-પિતાએ કહ્યું: ‘અમારી દીકરી મોટા ભાગે સૌથી પહેલા સજાગ બનો! મૅગેઝિનમાં આવતો “ઇન્ટરવ્યૂ” લેખ વાંચે છે.’ આપણને બનાવનાર સર્જનહાર છે, એના પુરાવા જોવા એ સાહિત્ય તમને પણ મદદ કરી શકે. તેમ જ, એની મદદથી તમે જૂઠા શિક્ષણને પારખી શકશો અને એને નકારી પણ શકશો. તમારી શ્રદ્ધા પણ એવા ઝાડની જેમ મજબૂત થશે, જેના મૂળ ઊંડાં હોય છે અને જે વાવાઝોડામાં ટકી રહે છે.—યિર્મે. ૧૭:૫-૮.

બાઇબલમાં તમારી શ્રદ્ધા

૭. તમે તમારી સમજ-શક્તિનો ઉપયોગ કરો, એવું ઈશ્વર શા માટે ચાહે છે?

‘મારે શા માટે બાઇબલમાં માનવું જોઈએ?’ શું એવો સવાલ પૂછવો ખોટો છે? ના, જરાય નહિ. બીજાઓ જેમાં માને છે, એમાં તમે માનો એવું યહોવા જરાય ચાહતા નથી. તે ચાહે છે કે, તમે તમારી “સમજ-શક્તિથી” બાઇબલ વિશે જાણો અને એ સાચે જ ઈશ્વર તરફથી છે એના પુરાવા મેળવો. તમે જેટલું વધારે બાઇબલ વિશે જાણશો, એટલી તમારી શ્રદ્ધા વધારે મક્કમ બનતી જશે. (રોમનો ૧૨:૧, ૨; ૧ તિમોથી ૨:૪ વાંચો.) એમ કરવા તમે બાઇબલના એવા વિષયો પર અભ્યાસ કરી શકો, જેના વિશે વધારે જાણવા તમે આતુર છો.

૮, ૯. (ક) અમુક લોકોને કેવા વિષયો પર અભ્યાસ કરવાનું ગમે છે? (ખ) વાંચેલી માહિતી પર મનન કરવાથી અમુકને કેવો ફાયદો થયો છે?

અમુકને બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાનું ગમે છે. અથવા તેઓને કદાચ એવી સરખામણી કરવી ગમે કે, બાઇબલ અહેવાલો વિશે ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો કે પુરાતત્ત્વશાસ્ત્રીઓનું શું કહેવું છે. ઉત્પત્તિ ૩:૧૫નો વિચાર કરો. આદમ અને હવાએ ઈશ્વર યહોવા અને તેમની રાજ કરવાની રીત સામે બળવો પોકાર્યો, એ પછી તરત જ યહોવાએ એ મહત્ત્વની ભવિષ્યવાણી કરી હતી. બાઇબલમાં ઘણી ભવિષ્યવાણીઓ છે, જે બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય કઈ રીતે સાબિત કરશે કે ઈશ્વરને જ રાજ કરવાનો હક છે; તેમજ એ કઈ રીતે બધી દુઃખ-તકલીફોનો અંત લાવશે. ઉત્પત્તિ ૩:૧૫માં જણાવેલી ભવિષ્યવાણી એ બધી ભવિષ્યવાણીઓમાં સૌથી પહેલી છે. તમે કઈ રીતે એનો અભ્યાસ કરી શકો? એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે એની માહિતી આપતી કલમોની યાદી બનાવી શકો. તમે શોધી શકો કે એ કલમો ક્યારે લખાઈ અને પછી એને ક્રમમાં ગોઠવો. થોડા જ સમયમાં તમે પારખી શકશો કે, એ લેખકો અલગ અલગ સમયમાં થઈ ગયા; પરંતુ તેઓએ એવું કંઈક લખ્યું જેનાથી એ ભવિષ્યવાણી સ્પષ્ટ થતી ગઈ. એમ કરવાથી તમને ખાતરી થશે કે, બાઇબલના લેખકોએ યહોવાની “પવિત્ર શક્તિથી પ્રેરાઈને” એ લખ્યું છે.—૨ પીત. ૧:૨૧.

જર્મનીમાં રહેતા એક ભાઈએ લખ્યું: ‘રાજ્ય વિશેની માહિતી બાઇબલના દરેક પાનને જાણે સોનેરી દોરાથી બાંધી રાખે છે. એ એકદમ સાચું છે, ભલેને લગભગ ૪૦ જેટલા લોકોએ એને લખ્યું છે. અરે, એ લેખકોમાંના મોટા ભાગના લોકો અલગ અલગ સમયમાં જીવતા હતા અને એકબીજાને ઓળખતા પણ ન હતા.’ ઑસ્ટ્રેલિયામાં રહેતાં એક બહેનને ડિસેમ્બર ૧૫, ૨૦૧૩ ચોકીબુરજના અભ્યાસ લેખમાંથી ઘણી મદદ મળી. એના અભ્યાસથી તે સમજી શક્યા કે પાસ્ખાપર્વ કઈ રીતે ઉત્પત્તિ ૩:૧૫ અને મસીહ સાથે જોડાયેલું છે. તેમણે લખ્યું: ‘એ અભ્યાસથી મને એ જોવા મદદ મળી કે, યહોવા કેટલા અદ્ભુત છે. કોઈએ એ ગોઠવણ ઇઝરાયેલીઓ માટે કરી અને એ ઈસુમાં પૂરી થઈ, એ બાબતે મારા દિલ પર ઊંડી અસર કરી. મારે થોડી ક્ષણો માટે થોભવું પડ્યું અને વિચારવું પડ્યું કે, પાસ્ખાપર્વનું એ ભોજન કેટલું અજોડ હશે!’ એ બહેનને શા માટે એવું લાગ્યું? જે વાંચ્યું એના પર તેમણે ઊંડું મનન કર્યું અને એને સમજવાનો પ્રયત્ન કર્યો. એનાથી તેમને શ્રદ્ધા મક્કમ કરવા અને યહોવાની વધુ નજીક જવા મદદ મળી.—માથ. ૧૩:૨૩.

૧૦. બાઇબલ લેખકોની પ્રમાણિકતા કઈ રીતે આપણો ભરોસો વધારે છે?

૧૦ બાઇબલ લેખકોએ જે પ્રમાણિકતા બતાવી, એનો પણ વિચાર કરો. તેઓએ હંમેશાં સત્ય કહ્યું અને એમ કરતા તેઓ ડર્યા નહિ. એ સમયના લેખકો મોટા ભાગે પોતાના દેશ કે નેતાની સારી-સારી બાબતો જ લખતા. પણ, યહોવાના પ્રબોધકો એ લેખકો કરતાં સાવ અલગ હતા. તેઓએ ઇઝરાયેલી પ્રજા અને એના રાજાઓ વિશે ફક્ત સારી બાબતો જ નહિ, પરંતુ તેઓનાં ખોટાં કામો વિશે પણ લખ્યું. (૨ કાળ. ૧૬:૯, ૧૦; ૨૪:૧૮-૨૨) એટલું જ નહિ, તેઓએ પોતાની અને બીજા ઈશ્વરભક્તોની ભૂલો વિશે પણ લખ્યું. (૨ શમૂ. ૧૨:૧-૧૪; માર્ક ૧૪:૫૦) બ્રિટનમાં રહેતા એક યુવાન ભાઈએ કહ્યું: ‘એવી પ્રમાણિકતા મળવી બહુ મુશ્કેલ છે. એ આપણો ભરોસો વધારે છે કે, બાઇબલ સાચે જ યહોવા તરફથી છે.’

૧૧. બાઇબલમાં જોવા મળતું માર્ગદર્શન કઈ રીતે ખાતરી અપાવે છે કે, બાઇબલ ઈશ્વર તરફથી છે?

૧૧ જ્યારે લોકો બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, ત્યારે એના સારાં પરિણામો જોઈ શકે છે. એનાથી તેઓને ખાતરી થાય છે કે, બાઇબલ ઈશ્વર તરફથી છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧ વાંચો.) જાપાનમાં રહેતાં એક યુવાન બહેને લખ્યું: ‘મારા કુટુંબે બાઇબલના સિદ્ધાંતો પાળ્યા ત્યારે, અમને ખરેખર ખુશી મળી. અમે શાંતિ, એકતા અને પ્રેમનો અનુભવ કર્યો.’ બાઇબલની મદદથી ઘણા લોકો પારખી શક્યા છે કે, તેઓની અમુક માન્યતા સાચી ન હતી. (ગીત. ૧૧૫:૩-૮) બાઇબલ લોકોને સર્વોપરી ઈશ્વર યહોવા પર ભરોસો રાખવાનું શીખવે છે. તેમ જ, લોકોને ઉજ્જવળ ભાવિની આશા આપે છે. બીજી તર્ફે, જેઓ ઈશ્વરમાં માનતા નથી, તેઓ કુદરતને ઈશ્વર તરીકે ગણે છે. બીજા અમુકનું માનવું છે કે, માણસો સારું ભવિષ્ય લાવી શકે છે. પરંતુ, માણસોએ જે કર્યું છે એના પર નજર કરીએ તો, આપણે જોઈ શકીએ છીએ કે તેઓ દુનિયાની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા સક્ષમ નથી.—ગીત. ૧૪૬:૩, ૪.

બીજાઓ સાથે કઈ રીતે ચર્ચા કરવી?

૧૨, ૧૩. આપણે કઈ રીતે બીજાઓ સાથે સૃષ્ટિના સર્જન કે બાઇબલ વિશે વાત કરી શકીએ?

૧૨ જ્યારે તમે સૃષ્ટિના સર્જન કે બાઇબલ વિશે વાત કરો, ત્યારે પહેલા એ વ્યક્તિના વિચારો જાણવાની કોશિશ કરો. યાદ રાખો કે, ઉત્ક્રાંતિમાં માનનાર અમુક લોકો ઈશ્વરમાં પણ માનતા હોય છે. તેઓ માને છે કે, ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને સજીવ સૃષ્ટિનું સર્જન કર્યું છે. બીજા અમુક માને છે કે, ઉત્ક્રાંતિ સાચી છે; કારણ કે સ્કૂલમાં એ જ ભણાવવામાં આવે છે. અમુક લોકોએ ઈશ્વરમાં માનવાનું છોડી દીધું છે; કારણ કે, ધર્મએ તેઓને નિરાશ કર્યા છે. તેથી, વ્યક્તિને પહેલા પૂછો કે, તે શું માને છે અને શા માટે એવું માને છે. પછી, તેની વાત ધ્યાનથી સાંભળો. જો તમે એમ કરશો, તો તે પણ તમારું ધ્યાનથી સાંભળશે.—તિત. ૩:૨.

૧૩ સર્જનહારમાં માનવાને લીધે જો કોઈ તમને મૂર્ખ કહે, તો તમે તેને કેવો જવાબ આપશો? તે વ્યક્તિને માનપૂર્વક પૂછો કે, જીવનની શરૂઆત વિશે તેનું શું માનવું છે. તમે કદાચ કહી શકો કે, જો જીવન ઉત્ક્રાંતિથી આવ્યું હોય, તો પ્રથમ સજીવ પોતાના જેવા જ બીજા અનેક સજીવ ઉત્પન્ન કરે એ જરૂરી છે. રસાયણ વિજ્ઞાનના એક પ્રોફેસરનું કહેવું છે કે, એ પ્રક્રિયામાં ઘણું સામેલ છે. જેમ કે, (૧) રક્ષણ માટે ચામડી, (૨) શક્તિ મેળવવા અને એનો ઉપયોગ કરવાની ક્ષમતા, (૩) જીન્સમાં (ડી.એન.એ.) રહેલી માહિતી અને (૪) એ માહિતીની નકલ કરવાની ક્ષમતા. તેમણે કહ્યું: ‘જીવન માટે જરૂરી સૌથી સરળ કોષની જટિલ રચના જોઈને પણ આપણે આશ્ચર્યમાં ડૂબી જઈએ છીએ.’

૧૪. સૃષ્ટિના સર્જન વિશે વાત કરતી વખતે તમે કઈ સાદી દલીલ કરી શકો?

૧૪ સૃષ્ટિના સર્જન વિશે વાત કરતી વખતે, આપણે પ્રેરિત પાઊલ જેવી સાદી દલીલ કરી શકીએ. તેમણે લખ્યું: “દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે.” (હિબ્રૂ. ૩:૪) એ સાચું છે કે, કોઈક વ્યક્તિએ ઘરની ડિઝાઈન કરીને એને બાંધ્યું છે. એવી જ રીતે, સજીવ વસ્તુઓ જે ઘર કરતાં પણ વધારે જટિલ છે, એની પણ કોઈકે ડિઝાઈન કરી છે અને એને બનાવી છે. ચર્ચા કરવા તમે આપણાં સાહિત્યનો પણ ઉપયોગ કરી શકો. એક બહેને એક નાસ્તિક યુવાન સાથે વાત કરી. તેમણે એ યુવાનને અગાઉ જણાવેલી બે પુસ્તિકા આપી. એકાદ અઠવાડિયા પછી તે યુવાને કહ્યું: ‘હવે હું ઈશ્વરમાં માનું છું.’ તે યુવાને બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યુ અને પછીથી આપણો ભાઈ બન્યો.

૧૫, ૧૬. બાઇબલ ઈશ્વર તરફથી છે, એ વિશે બીજાઓને સમજાવતા પહેલાં આપણે શું કરવાની જરૂર છે? આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ?

૧૫ જો કોઈને બાઇબલ વિશે શંકા હોય, તો તમે કઈ રીતે તેની સાથે ચર્ચા કરી શકો? અગાઉ જણાવ્યું તેમ, પહેલા તેને પૂછો કે તે શું માને છે. તેમ જ, એ પણ જાણવાનો પ્રયત્ન કરો કે, તેને શામાં રસ છે? (નીતિ. ૧૮:૧૩) જો તેને વિજ્ઞાનમાં રસ હોય, તો તેને બાઇબલમાંથી અમુક દાખલા બતાવો, જે સાબિત કરે છે કે બાઇબલ વિજ્ઞાનની રીતે સાચું છે. જો તેને ઇતિહાસમાં રસ હોય, તો તમે કદાચ તેને ઇતિહાસની કોઈ ઘટના વિશે જણાવી શકો. પછી તેને બતાવી શકો કે, એ ઘટના ઘટી એનાં વર્ષો પહેલાં એ વિશે બાઇબલમાં જણાવવામાં આવ્યું હતું. અમુક લોકોને કદાચ જીવનમાં મદદરૂપ થાય એવી બાબતો જાણવી ગમે. એવા લોકોને તમે પહાડ પરના ઉપદેશમાં જણાવેલી સલાહ બતાવી શકો.

૧૬ યાદ રાખો કે, આપણે લોકો સાથે વાદવિવાદ કરવા માંગતા નથી. આપણે ચાહીએ છીએ કે, તેઓ વાતચીતનો આનંદ માણે અને બાઇબલમાંથી શીખે. તેથી, તેઓને માનપૂર્વક પ્રશ્નો પૂછો અને પછી ધ્યાનથી સાંભળો. નમ્રતાથી તમારી માન્યતા જણાવો, ખાસ કરીને વ્યક્તિ તમારા કરતાં ઉંમરમાં મોટી હોય ત્યારે. જો તમે બીજાઓનો આદર કરશો, તો તેઓ પણ તમારો આદર કરશે. તેઓ એ જાણીને પ્રભાવિત થશે કે, તમે તમારી માન્યતા વિશે ઊંડાણપૂર્વક વિચાર કરો છો; અને એ પણ આટલી નાની ઉંમરે. ખરું કે, જો કોઈ વ્યક્તિ ફક્ત દલીલ કરવા માંગતી હોય અથવા તમારી મજાક ઉડાવવા માંગતી હોય, તો તમારે તેને જવાબ આપવાની જરૂર નથી.—નીતિ. ૨૬:૪.

બાઇબલ સત્ય શોધો અને તમારી શ્રદ્ધા મજબૂત કરો

૧૭, ૧૮. (ક) બાઇબલમાં તમારી શ્રદ્ધા મજબૂત કરવા ક્યાંથી મદદ મળી શકે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ આપણે કદાચ બાઇબલનું મૂળ શિક્ષણ જાણતા હોઈએ, પણ પોતાની શ્રદ્ધા મજબૂત કરવા આપણે કંઈક વધારે કરવાની જરૂર છે. જાણે કોઈ સંતાડેલો ખજાનો શોધતા હોઈએ, એમ આપણે બાઇબલના ઊંડાં સત્યને શોધવાની જરૂર છે. (નીતિ. ૨:૩-૬) પોતાની શ્રદ્ધા મજબૂત કરવાની એક રીત છે કે, આખું બાઇબલ વાંચીએ. તમે કદાચ તેને એક વર્ષમાં પૂરું કરવાનો પ્રયત્ન કરી શકો. એમ કરવાથી એક સરકીટ નિરીક્ષક જ્યારે નાના હતા, ત્યારે તેમને યહોવાની નજીક જવા મદદ મળી. તેમણે કહ્યું: ‘ઈશ્વરના શબ્દને શરૂઆતથી અંત સુધી વાંચવાથી મને એની કદર કરવા મદદ મળી. હું નાનો હતો ત્યારે જે બાઇબલ વાર્તાઓ શીખ્યો હતો, એનો ખરો અર્થ હવે સમજી શક્યો છું.’ તમે જે વાંચો છો એને સમજવા, તમારી ભાષામાં પ્રાપ્ય હોય એવા સંશોધન માટેનાં સાધનોનો ઉપયોગ કરો. તમે કદાચ વૉચટાવર લાઇબ્રેરી ઑન ડીવીડી, વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી, વૉચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ અથવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા વાપરી શકો.

૧૮ માતા-પિતા, જેમ તમે બીજાઓને યહોવા વિશે શીખવો છો, તેમ તમારાં બાળકોને પણ યહોવા વિશે શીખવવું જરૂરી છે. તમે કઈ રીતે બાળકોના દિલમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા મજબૂત કરી શકો? આવતા લેખમાં એ વિશેની અમુક રીતોની ચર્ચા કરીશું.