સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

વફાદાર ભાઈઓ સાથે કામ કરવાનો મને આશીર્વાદ મળ્યો

વફાદાર ભાઈઓ સાથે કામ કરવાનો મને આશીર્વાદ મળ્યો

લગભગ ૧૯૩૫માં મારા પપ્પા જેમ્સ અને મમ્મી જેસ્સી સ્કૉટલૅન્ડ છોડીને ન્યૂ યૉર્ક શહેર આવ્યાં. ત્યાં તેઓ બ્રોંક્શ વિસ્તારમાં સ્થાયી થયાં. વિલી સ્નીડોન સાથે તેમની દોસ્તી થઈ, જે પણ સ્કૉટલૅન્ડથી આવ્યા હતા. એ પહેલી મુલાકાતમાં જ તેઓ એકબીજાના કુટુંબ વિશે વાત કરવા લાગ્યાં હતાં. મારા જન્મના બે વર્ષ પહેલાંની એ વાત છે.

મમ્મીએ વિલીને જણાવ્યું કે વિશ્વયુદ્ધના થોડા જ સમય પહેલાં તેમનાં પપ્પા અને ભાઈનું એક અકસ્માતમાં મોત થયું હતું. તેઓ હોડીમાં માછલી પકડવા જતા હતા ત્યારે, ઉત્તર સમુદ્રમાં એક સુરંગ સાથે અથડાયા અને ડૂબી ગયા. વિલીએ કહ્યું: ‘તારા પપ્પા અત્યારે નર્કમાં હશે!’ વિલી એક યહોવાના સાક્ષી હતા. તેમના શબ્દોથી મમ્મીને ઘણો આઘાત લાગ્યો. પણ હકીકતમાં, એ શબ્દોથી વિલી તેમને સત્ય તરફ દોરી રહ્યા હતા.

વિલી અને લીઝ સ્નીડોન

વિલીના શબ્દોથી મમ્મીનું દિલ વીંધાઈ ગયું, મમ્મીને ખબર હતી કે તેમના પિતા એક ભલા માણસ હતા. વિલીએ આગળ કહ્યું: ‘જો હું કહું કે ઈસુ પણ મરણ પામીને નર્કમાં ગયા હતા, તો શું તને કંઈ રાહત મળશે?’ મમ્મીને ચર્ચની માન્યતા યાદ આવી. એ માન્યતા પ્રમાણે ઈસુ નર્કમાં ગયા અને ત્રણ દિવસ પછી તેમને ઉઠાડવામાં આવ્યા હતા. તે વિચારવા લાગી: ‘જો નર્કમાં દુષ્ટ માણસોને રિબાવવામાં આવતા હોય, તો ઈસુને કેમ ત્યાં જવું પડ્યું?’ આમ, સત્ય માટે મમ્મીના દિલમાં રુચિ જાગી. બ્રોંક્શના મંડળમાં તે જવા લાગી અને ૧૯૪૦માં તેણે બાપ્તિસ્મા લીધું.

મારી મમ્મી સાથે, પછીથી મારા પપ્પા સાથે

એ સમયે માતા-પિતાને પોતાનાં બાળકો સાથે બાઇબલ અભ્યાસ કરવાનું ખાસ ઉત્તેજન આપવામાં આવતું ન હતું. હું નાનો હતો ત્યારે પપ્પા મને સાચવતા, મમ્મી સભાઓમાં જતી અને શનિ-રવિ પ્રચારમાં જતી. થોડાં વર્ષો પછી, હું અને પપ્પા પણ સભાઓમાં જવા લાગ્યા. મમ્મી પ્રચારકામમાં ઘણી ઉત્સાહી હતી. તેની પાસે ઘણા બાઇબલ અભ્યાસ હતા. અભ્યાસ કરતા અમુક લોકો એકબીજાની આસપાસ જ રહેતા હતા. એટલે, ઘણી વાર મમ્મી તેઓને ભેગા કરતી અને એક સાથે બાઇબલ અભ્યાસ ચલાવતી. વેકેશનમાં હું પણ તેની સાથે પ્રચારમાં જતો. આમ, હું બાઇબલ વિશે અને બીજાઓને ખુશખબર જણાવવા વિશે ઘણું શીખ્યો.

મને એ વાતનું દુઃખ છે કે, નાનો હતો ત્યારે મને સત્યની કદર ન હતી, એ મારા માટે જરાય મહત્ત્વનું ન હતું. પણ, ૧૨ વર્ષનો થયો ત્યારે હું પ્રકાશક બન્યો અને નિયમિત રીતે પ્રચાર કરવા લાગ્યો. મેં યહોવાને સમર્પણ કર્યું અને જુલાઈ ૨૪, ૧૯૫૪માં કેનેડાના ટોરોન્ટોના સંમેલનમાં ૧૬ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું.

બેથેલ સેવા

મારા મંડળના કેટલાક ભાઈઓ બેથેલમાં હતા અથવા અગાઉ ત્યાં સેવા આપતા હતા. તેઓની મારા પર ઊંડી અસર થઈ હતી. તેઓનાં પ્રવચનો અને બાઇબલમાંથી સમજાવવાની રીતથી હું ઘણો પ્રભાવિત થયો. મારા સ્કૂલના શિક્ષકો ચાહતા કે, આગળ ભણવા હું યુનિવર્સિટીમાં જાઉં. પણ, મારો ધ્યેય બેથેલમાં જવાનો હતો. ટોરોન્ટોના એક સંમેલનમાં મેં બેથેલ સેવા માટે અરજી કરી. પછી, ૧૯૫૫માં યાંકી સ્ટેડિયમમાં થયેલા સંમેલનમાં પણ મેં એમ જ કર્યું. થોડા જ સમયમાં, સપ્ટેમ્બર ૧૯, ૧૯૫૫માં મને બેથેલ સેવા માટે આમંત્રણ મળ્યું, ત્યારે હું ૧૭ વર્ષનો હતો. ૧૧૭ એડમ્સ સ્ટ્રીટની આપણી એક કચેરીમાં સાહિત્યનું બાઇન્ડિંગ થતું. બેથેલમાં ગયો, એના બીજા જ દિવસે મને ત્યાં મોકલવામાં આવ્યો. હું એક એવા મશીન પર કામ કરતો, જેમાં ૩૨ પાનને ભેગાં કરવામાં આવતાં. પછી, એને આગળ મોકલવામાં આવતાં, જ્યાં એને સીવીને પુસ્તક બનાવવામાં આવતું.

૧૭ વર્ષની ઉંમરે હું બ્રુકલિન બેથેલમાં જોડાયો

બાઇન્ડિંગ મશીન પર લગભગ એક મહિનો કામ કર્યાં પછી મને મૅગેઝિન વિભાગમાં સોંપણી મળી, કેમ કે મને ટાઇપિંગ આવડતું હતું. એ જમાનામાં ભાઈ-બહેનો ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનનાં લવાજમ મોકલવા સરનામું ટાઇપ કરતાં. થોડાક મહિના પછી મને શિપિંગ વિભાગમાં કામ સોંપવામાં આવ્યું. ભાઈ ક્લાઉસ જેનસન એ વિભાગની દેખરેખ રાખતા હતા. આપણા એક ભાઈ સાહિત્યનાં ખોખાં બંદરે લઈ જતા, જેથી દુનિયાભરમાં એ મોકલી શકાય. તેમ જ, ઘણાં બધાં મૅગેઝિન કોથળામાં ભરીને પોસ્ટ ઑફિસે મોકલવામાં આવતાં, જેથી આખા અમેરિકામાં એ પહોંચાડી શકાય. ભાઈ જેનસને મને એ ભાઈની સાથે કામ કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે શારીરિક મહેનતનું કામ મારા માટે સારું રહેશે. હું સોટી જેવો દુબળો હતો, મારું વજન ફક્ત ૫૭ કિલો (૧૨૫ પાઉન્ડ) હતું. અવારનવાર બંદરે અને પોસ્ટ ઑફિસે જવાને લીધે મારો બાંધો મજબૂત થયો. ભાઈ જેનસનને સાચે જ ખબર હતી કે મારા માટે શું સારું હતું!

મૅગેઝિન વિભાગ બધાં મંડળોને પણ સાહિત્ય પહોંચાડતું. આમ, મને અનેક ભાષાઓમાં થતાં સાહિત્ય છાપકામ વિશે જાણવા મળ્યું, જે બ્રુકલિન અને બીજી શાખાઓમાં થતું હતું. ઘણી ભાષાઓ એવી હતી, જેનાં નામ પણ મેં પહેલાં સાંભળ્યાં ન હતાં. પણ, એ વાતની ખુશી હતી કે હજારો મૅગેઝિન દુનિયાના ખૂણે ખૂણે મોકલવામાં આવતાં હતાં. જોકે, મને ખબર ન હતી કે આવનાર વર્ષોમાં મને પણ દુનિયાના ખૂણે ખૂણે જવાનો લહાવો મળશે.

રોબર્ટ વોલન, ચાર્લ્સ મોલોહન અને ડોન એડમ્સ સાથે

૧૯૬૧માં, મને એકાઉન્ટ વિભાગમાં કામ મળ્યું. ભાઈ ગ્રાંટ સ્યુટર એની દેખરેખ રાખતા હતા. લગભગ બે વર્ષ પછી, એક દિવસે મને ભાઈ નાથાન નૉરની કચેરીમાં બોલાવવામાં આવ્યો. એ સમયે દુનિયાભરમાં થઈ રહેલા પ્રચારકાર્ય માટે તે આગેવાની લઈ રહ્યા હતા. તેમણે મને સમજાવ્યું કે તેમની કચેરીમાં કામ કરતા ભાઈને એક મહિના માટે રાજ્ય સેવા શાળામાં જવાનું છે. પાછા આવીને એ ભાઈ સેવા વિભાગમાં કામ કરશે. તેથી, તેમની જગ્યાએ હવે મારે ભાઈ ડોન એડમ્સ સાથે કામ કરવાનું છે. તમે જાણો છો, ભાઈ એડમ્સ કોણ છે? એ જ ભાઈ જેમને ૧૯૫૫ના સંમેલનમાં મેં બેથેલ અરજી આપી હતી. ભાઈ રોબર્ટ વોલેન અને ચાર્લ્સ મોલોહન પહેલેથી એ કચેરીમાં કામ કરતા હતા. અમે ચારેય ભાઈઓએ ૫૦ કરતાં વધારે વર્ષો સુધી સાથે કામ કર્યું. એ વફાદાર ભાઈઓ સાથે કામ કરવાનો લહાવો મળ્યો માટે હું ઘણો ખુશ છું!—ગીત. ૧૩૩:૧.

૧૯૭૦માં, વેનેઝુએલામાં મારી પ્રથમ ઝોન મુલાકાત વખતે

૧૯૭૦ની શરૂઆતથી મને એક નવી સોંપણી મળી. દર એક-બે વર્ષે મારે થોડાં અઠવાડિયાં માટે વૉચ ટાવર સોસાયટીના પ્રતિનિધિ તરીકે શાખા કચેરીઓની મુલાકાત લેવાની હતી. એ મુલાકાતને અગાઉ ઝોન વિઝિટ કહેવામાં આવતી. એ સોંપણીમાં ઘણું સામેલ હતું. જેમ કે, બેથેલ કુટુંબ અને મિશનરી ભાઈ-બહેનોની મુલાકાત લેવી, શ્રદ્ધામાં દૃઢ થવા તેઓને ઉત્તેજન આપવું અને શાખા કચેરીના અહેવાલો તપાસવા. હું એવાં ઘણાં ભાઈ-બહેનોને મળ્યો, જેઓ ગિલયડ શાળાના શરૂઆતના વર્ગોમાં ગયાં હતાં. તેઓને બીજા દેશોમાં સોંપણી મળી હતી અને વર્ષો પછી પણ તેઓ વફાદારીથી એને નિભાવી રહ્યાં હતાં. તેઓને મળીને મને ઘણી ખુશી થતી! એ સોંપણીમાં મેં ૯૦ કરતાં વધારે દેશોની મુલાકાત લીધી. એ એક અદ્ભુત લહાવો હતો!

૯૦ કરતાં વધુ દેશોમાં ભાઈઓની મુલાકાત લેવાનો અદ્ભુત લહાવો!

વફાદાર સાથી

બ્રુકલિન બેથેલનાં બધાં સભ્યો ન્યૂ યૉર્ક શહેરના વિસ્તારોમાં આવેલાં મંડળોમાં જતાં. બ્રોંક્શ વિસ્તારનું મંડળ ઘણું મોટું થઈ ગયું, એટલે એમાંથી બીજાં મંડળો બનાવવામાં આવ્યાં. એ પ્રથમ મંડળ અપર બ્રોંક્શ તરીકે ઓળખાતું. હું એ મંડળમાં જતો.

આશરે ૧૯૬૫માં લેટવિયાનું એક કુટુંબ અમારા પ્રચાર વિસ્તારમાં રહેવા આવ્યું. દક્ષિણ બ્રોંક્શમાં રહેતા હતા ત્યારે તેઓને સત્ય મળ્યું હતું. લિવિજા સૌથી મોટી દીકરી હતી. સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી, તરત તેણે પાયોનિયરીંગ શરૂ કર્યું. થોડા મહિના પછી તે મેસેચ્યુસેટ્સ પ્રચાર માટે ગઈ, કારણ કે ત્યાં પ્રચારકોની વધુ જરૂર હતી. હું તેને પત્ર દ્વારા અમારા મંડળના હાલચાલ જણાવતો અને તે મને બોસ્ટનના પ્રચારવિસ્તારમાં થયેલા સારા અનુભવો જણાવતી.

લિવિજા સાથે

થોડાં વર્ષો પછી લિવિજા ખાસ પાયોનિયર બની. તે યહોવાની સેવામાં વધુ કરવા માંગતી હતી, એટલે તેણે બેથેલ સેવા માટે અરજી કરી. ૧૯૭૧માં તેને બેથેલ માટે આમંત્રણ મળ્યું. મને લાગ્યું કે એ યહોવા તરફથી એક ઇશારો હતો! ઑક્ટોબર ૨૭, ૧૯૭૩માં અમે લગ્ન કર્યું. અમને ખુશી છે કે ભાઈ નાથાને અમારા લગ્નનો વાર્તાલાપ આપ્યો હતો. નીતિવચન ૧૮:૨૨ કહે છે: ‘જેને સારી પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, તેને યહોવાની કૃપા પ્રાપ્ત થઈ છે.’ મેં અને લિવિજાએ ભેગાં મળીને ૪૦ વર્ષ બેથેલમાં સેવા આપી છે. એ યહોવાની કૃપા જ તો છે! આજે, અમે બ્રોંક્શ વિસ્તારમાં આવેલા મંડળમાં સેવા આપીએ છીએ.

ખ્રિસ્તના ભાઈઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું

નાથાન ભાઈ સાથે કામ કરવાની ખૂબ મજા આવી. ખુશખબર ફેલાવાના કામમાં તે અથાક મહેનત કરતા. દુનિયાભરનાં મિશનરી ભાઈ-બહેનોની તે ખૂબ કદર કરતા. એમાંનાં ઘણાં ભાઈ-બહેનોને એવા દેશોમાં સોંપણી મળી હતી, જ્યાં એક પણ સાક્ષી ન હતા. ૧૯૭૬માં મને જાણવા મળ્યું કે નાથાન ભાઈને કૅન્સર છે. તેમને પીડાતા જોવું ખૂબ દુઃખદ હતું! તે પથારીવશ હતા ત્યારે એક વાર તેમણે મને બોલાવ્યો. તેમણે મને છાપકામ માટે તૈયાર થયેલી અમુક માહિતી વાંચી સંભળાવવાનું જણાવ્યું. તેમણે ભાઈ ફ્રેડરિક ફ્રાન્ઝને ફોન કરીને બોલાવવા કહ્યું, જેથી તે પણ માહિતી સાંભળી શકે. પછીથી મને ખબર પડી કે ભાઈ ફ્રાન્ઝની આંખો કમજોર થઈ ગઈ હતી, એટલે નાથાન ભાઈ તેમની સાથે ઘણો સમય વિતાવતા અને માહિતી વાંચી સંભળાવતા હતા.

૧૯૭૭માં, ડેનિયલ અને મરિના સિડલીક સાથે ઝોન મુલાકાત વખતે

૧૯૭૭માં નાથાન ભાઈનું અવસાન થયું. તેમને ઓળખતાં ભાઈ-બહેનો અને તેમના મિત્રોને એ વાતનો દિલાસો હતો કે તેમણે વફાદારીથી પૃથ્વી પરનું જીવન પૂર્ણ કર્યું. (પ્રકટી. ૨:૧૦) ત્યાર બાદ, ભાઈ ફ્રાન્ઝે સંગઠનની કમાન સંભાળી.

સમય જતાં, હું ભાઈ મિલ્ટન હેન્શલના મદદનીશ તરીકે કામ કરવા લાગ્યો. તેમણે દાયકાઓ સુધી નાથાન ભાઈ સાથે કામ કર્યું હતું. ભાઈ હેન્શલે મને કહ્યું કે મારી મુખ્ય જવાબદારી ભાઈ ફ્રાન્ઝને જોઈતી મદદ આપવાની છે. હું દરરોજ તેમને છાપકામ માટે તૈયાર થતું સાહિત્ય વાંચી આપતો. તેમની યાદશક્તિ જોરદાર હતી. તે બહુ સહેલાઈથી વાંચવામાં આવતી માહિતીને એક ચિત્તે સાંભળી શકતા હતા. ડિસેમ્બર ૧૯૯૨માં તેમણે પૃથ્વી પરનું જીવન પૂર્ણ કર્યું. તેમની સાથે કામ કરવાની તક મળી માટે હું ખૂબ ખુશ છું.

૧૨૪ કોલંબિયા હાઇટ્સ, જ્યાં મેં દાયકાઓ સુધી કામ કર્યું હતું

બેથેલમાં વિતાવેલાં ૬૧ વર્ષો બહુ જલદી પસાર થઈ ગયાં. મારાં મમ્મી-પપ્પા મરણ સુધી વફાદાર રહ્યાં. હું એ સમયની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે સુંદર નવી દુનિયામાં હું તેમનું સ્વાગત કરીશ. (યોહા. ૫:૨૮,૨૯) આ દુનિયામાં એવું કંઈ નથી, જે વફાદાર ભાઈ-બહેનો સાથે કામ કરવાના લહાવાની તોલે આવી શકે. લિવિજા અને હું પૂરા દિલથી કહી શકીએ છીએ કે, પૂરા સમયની સેવા દરમિયાન ‘યહોવાનો આનંદ જ અમારું બળ હતું.’—નહે. ૮:૧૦.

યહોવાના સંગઠનમાં એવું કોઈ માણસ નથી, જેના વગર કામ અટકી જાય. ખુશખબર ફેલાવવાનું કામ ચાલતું રહે છે. પણ, વર્ષો દરમિયાન શ્રદ્ધામાં અડગ અને વફાદાર ભાઈ-બહેનો સાથે કામ કરવાનો લહાવો અદ્ભુત હતો. જે અભિષિક્તો સાથે મેં કામ કર્યું હતું, એમાંના મોટાભાગના હવે પૃથ્વી પર રહ્યા નથી. પણ, યહોવાની સેવામાં એ વફાદાર ભાઈઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરવાનો લહાવો અદ્ભુત હતો, આજે મારું દિલ કદરથી છલકાય છે!