સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો

હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો

‘બળવાન તથા ખૂબ હિંમતવાન થઈને એ કામ કર; બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ; કેમ કે યહોવા તારી સાથે છે.’—૧ કાળ. ૨૮:૨૦.

ગીતો: ૨૩, ૨૯

૧, ૨. (ક) સુલેમાનને કઈ ખાસ સોંપણી મળી હતી? (ખ) દાઊદને શા માટે સુલેમાનની ચિંતા થતી હતી?

સુલેમાનને યહોવા તરફથી એક ખાસ સોંપણી મળી હતી. તેમણે યરૂશાલેમમાં યહોવા માટે મંદિર બાંધવાનું હતું. ઇતિહાસમાં થઈ ગયેલાં સૌથી મહત્ત્વનાં બાંધકામમાંનું એ એક હતું. એ મંદિર ‘ખૂબ ભવ્ય’ બનવાનું હતું અને એની સુંદરતા માટે પ્રખ્યાત થવાનું હતું. સૌથી મહત્ત્વનું તો, એ સાચા ‘ઈશ્વર યહોવાનું મંદિર’ બનવાનું હતું.—૧ કાળ. ૨૨:૧, ૫, ૯-૧૧.

રાજા દાઊદને ભરોસો હતો કે ઈશ્વર ચોક્કસ સુલેમાનને મદદ કરશે. પરંતુ સુલેમાન “જુવાન ને બિન-અનુભવી” હતા. સુલેમાને શું એ સોંપણી સ્વીકારવાની હિંમત બતાવી? કે પછી જુવાન અને બિન-અનુભવી હોવાથી તેમણે પાછી પાની કરી? એ ડર પર જીત મેળવવા, સુલેમાનને હિંમતની જરૂર હતી અને પછી કામ હાથ પર લેવાનું હતું.

૩. સુલેમાન પોતાના પિતા પાસેથી હિંમત વિશે શું શીખ્યા હશે?

સુલેમાન પોતાના પિતા પાસેથી હિંમત વિશે શીખ્યા હશે. યુવાનીમાં દાઊદ પોતાનાં ઘેટાંનું રક્ષણ કરવા હિંસક જાનવરોની સાથે લડ્યા હતા. (૧ શમૂ. ૧૭:૩૪, ૩૫) કદાવર અને ડરામણા ગોલ્યાથ સામે લડતી વખતે પણ દાઊદે ઘણી હિંમત બતાવી હતી. ઈશ્વરની મદદથી અને એક પથ્થરથી દાઊદે ગોલ્યાથને હરાવ્યો હતો.—૧ શમૂ. ૧૭:૪૫, ૪૯, ૫૦.

૪. સુલેમાને શા માટે હિંમતવાન થવાની જરૂર હતી?

દાઊદની હિંમત લાજવાબ હતી. એટલે યોગ્ય હતું કે તે સુલેમાનને હિંમતવાન થવા અને મંદિર બાંધવા અરજ કરે. (૧ કાળવૃત્તાંત ૨૮:૨૦ વાંચો.) જો સુલેમાને હિંમત ન બતાવી હોત, તો ડરને લીધે તેમણે પીછેહઠ કરી હોત, કદાચ મંદિરનું કામ શરૂ પણ ન કર્યું હોત. પીછેહઠ કરવી એ તો સોંપણીમાં નિષ્ફળ જવા કરતાં પણ વધારે ખરાબ કહેવાય.

૫. શા માટે આપણને હિંમતની જરૂર છે?

સુલેમાનની જેમ, આપણે પણ હિંમતવાન બનવા અને યહોવાએ સોંપેલું કામ પૂરું કરવા ચાહીએ છીએ. એ માટે આપણને પણ યહોવા તરફથી મદદની જરૂર છે. તેથી, ચાલો આપણે એવા લોકોના દાખલા જોઈએ, જેઓએ હિંમત બતાવી હતી. પછી, આપણે વિચારીએ કે આપણે પણ કઈ રીતે હિંમત બતાવી શકીએ અને કામ પૂરું કરી શકીએ.

હિંમતવાન લોકોના દાખલા

૬. યુસફે બતાવેલી હિંમત શા માટે પ્રશંસનીય છે?

પોટીફારની પત્નીએ યુસફને વ્યભિચાર કરવા લલચાવ્યા ત્યારે, તેમણે હિંમતથી નકાર કર્યો. તે જાણતા હતા કે જો તે ના પાડશે, તો તેમનું જીવન જોખમમાં આવી પડશે. છતાં, તેમણે હિંમત બતાવી અને લાલચને વશ થયા નહિ.—ઉત. ૩૯:૧૦, ૧૨.

૭. રાહાબે કઈ રીતે હિંમત બતાવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

રાહાબે પણ હિંમત બતાવી હતી. ઇઝરાયેલી જાસૂસો યરીખોમાં રાહાબના ઘરે આવ્યા ત્યારે, ડરને લીધે તે મદદ કરવાની ના પાડી શક્યા હોત. પણ, તેમને યહોવા પર પૂરો ભરોસો હતો. એટલે, તેમણે હિંમત બતાવી અને બે જાસૂસોને પોતાના ઘરમાં સંતાડ્યા. પછી, તેઓને સહીસલામત ત્યાંથી નાસી જવામાં પણ મદદ કરી હતી. (યહો. ૨:૪, ૫, ૯, ૧૨-૧૬) રાહાબને ખાતરી હતી કે, યહોવા જ સાચા ઈશ્વર છે. તેમને ભરોસો હતો કે યહોવા પોતાના લોકોને કોઈક રીતે એ દેશ અપાવશે. રાહાબે માણસોના ડરને પોતાના પર હાવી થવા દીધો નહિ. અરે, યરીખોના રાજા કે તેના માણસોથી પણ ડર્યા નહિ. એના બદલે, તેમણે હિંમતથી પગલાં ભર્યાં અને પોતાનું તથા પોતાના કુટુંબનું રક્ષણ કર્યું.—યહો. ૬:૨૨, ૨૩.

૮. ઈસુની હિંમતથી શિષ્યોને કઈ રીતે મદદ મળી?

ઈસુના વફાદાર શિષ્યોએ પણ ઘણી હિંમત બતાવી હતી. તેઓએ ઈસુની હિંમત જોઈ હતી અને એનાથી તેઓને ઈસુને પગલે ચાલવા મદદ મળી. (માથ. ૮:૨૮-૩૨; યોહા. ૨:૧૩-૧૭; ૧૮:૩-૫) સાદુકીઓએ શિષ્યોને રોકવાનો પ્રયત્ન કર્યો, તોપણ તેઓએ ઈસુ વિશે શીખવવાનું બંધ ન કર્યું.—પ્રે.કા. ૫:૧૭, ૧૮, ૨૭-૨૯.

૯. બીજો તિમોથી ૧:૭ પ્રમાણે હિંમત કોના તરફથી મળે છે?

યુસફ, રાહાબ, ઈસુ અને શિષ્યોએ, જે ખરું છે એ કરવાની મનમાં ગાંઠ વાળી હતી. એવું ન હતું કે તેઓને પોતાની આવડત પર ભરોસો હતો, પણ યહોવા પર ભરોસો હોવાથી તેઓ હિંમત બતાવી શક્યા. હિંમતની જરૂર પડે ત્યારે આપણે પણ યહોવા પર ભરોસો રાખવો જોઈએ, પોતાના પર નહિ. (૨ તિમોથી ૧:૭ વાંચો.) ચાલો જીવનનાં બે પાસાં પર વિચાર કરીએ, જેમાં હિંમત બતાવવી ખૂબ જરૂરી છે: કુટુંબમાં અને મંડળમાં.

એવા સંજોગો જેમાં હિંમત બતાવવી પડે

૧૦. યુવાનોને શા માટે હિંમતની જરૂર પડે છે?

૧૦ યુવાનો સામે એવા ઘણા સંજોગો આવે છે, જ્યારે તેઓએ યહોવાની ભક્તિ કરવા હિંમત બતાવવી પડે છે. તેઓ સુલેમાનના દાખલામાંથી શીખી શકે અને એને અનુસરી શકે છે. સુલેમાને મંદિર બાંધવાનું કામ પૂરું કરવા માટે સમજી-વિચારીને નિર્ણયો લીધા. એ નિર્ણયો લેવા તેમણે ઘણી હિંમત રાખવી પડી હતી. જોકે, નિર્ણયો લેવા યુવાનોને માબાપનું માર્ગદર્શન મળવું જોઈએ, પણ અમુક નિર્ણયો તેઓએ પોતે લેવાના છે. (નીતિ. ૨૭:૧૧) સમજી-વિચારીને નિર્ણયો લેવા તેઓને હિંમતની જરૂર પડે છે. જેમ કે, કોને મિત્રો બનાવવા, કેવું મનોરંજન પસંદ કરવું, નૈતિક રીતે શુદ્ધ રહેવા શું કરવું અને ક્યારે બાપ્તિસ્મા લેવું. એ બધા માટે તેઓને હિંમતની જરૂર પડે છે. કારણ કે, તેઓ ઈશ્વરને મહેણાં મારનાર શેતાનની વિરુદ્ધ લડી રહ્યા છે.

૧૧, ૧૨. (ક) મુસાએ કઈ રીતે હિંમત બતાવી? (ખ) યુવાનો કઈ રીતે મુસાના દાખલાને અનુસરી શકે?

૧૧ યુવાનોએ ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. એમાંનો એક મહત્ત્વનો નિર્ણય છે, તેઓ કયા ધ્યેયો રાખશે. અમુક દેશોમાં યુવાનો પર ઉચ્ચ શિક્ષણનું અને મોટા પગારની નોકરીનું દબાણ હોય છે. બીજા અમુક દેશોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. ત્યાંના યુવાનોને લાગે છે કે, પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા તેઓએ પૈસા કમાવા પર વધારે ધ્યાન આપવું પડશે. તમે એવા સંજોગોનો સામનો કરો ત્યારે મુસાના દાખલા પર ધ્યાન આપી શકો. તેમનો ઉછેર ફારૂનની દીકરીએ કર્યો હતો. પણ, શું તેમણે ધનવાન કે પ્રસિદ્ધ બનવાનો ધ્યેય રાખ્યો? જરા વિચારો, ઇજિપ્તનાં કુટુંબ, શિક્ષકો અને સલાહકારો તરફથી તેમને કેટલું બધું દબાણ હશે! પણ મુસા હિંમતવાન હતા અને તેમણે યહોવાની સેવા કરવાનું પસંદ કર્યું. તેમણે ઇજિપ્ત અને ત્યાંની જાહોજલાલી છોડી દીધી અને યહોવા પર આધાર રાખ્યો. (હિબ્રૂ. ૧૧:૨૪-૨૬) પરિણામે, યહોવાએ તેમને પુષ્કળ આશીર્વાદો આપ્યા અને ભાવિમાં પણ તેમને અઢળક આશીર્વાદો મળવાના છે.

૧૨ એવી જ રીતે, યુવાનો યહોવાની સેવામાં ધ્યેયો બાંધશે અને તેમના રાજ્યને પ્રથમ રાખશે તો, યહોવા તેઓને આશીર્વાદ આપશે. યહોવા તેઓના કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે. પ્રથમ સદીમાં, યુવાન તિમોથીએ જીવનભર યહોવાની સેવા કરવાનો નિર્ણય લીધો હતો, તમે પણ એવું જ કરી શકો. *ફિલિપીઓ ૨:૧૯-૨૨ વાંચો.

જીવનના દરેક પાસામાં હિંમત બતાવવાની શું તમે મનમાં ગાંઠ વાળી છે? (ફકરા ૧૩-૧૭ જુઓ)

૧૩. ધ્યેયો હાંસલ કરવા એક બહેનને શા માટે હિંમતની જરૂર પડી?

૧૩ અમેરિકાનાં એક બહેનને યહોવાની સેવામાં ધ્યેયો બાંધવા હિંમતની જરૂર હતી. તેમણે જણાવ્યું: ‘નાનપણથી જ હું ઘણી શરમાળ હતી. રાજ્યગૃહમાં બધા સાથે વાત કરતા પણ હું અચકાતી. કોઈ અજાણી વ્યક્તિના ઘરે જઈને દરવાજો ખટખટાવવાની વાત તો બહુ દૂર રહી.’ જોકે, તે નિયમિત પાયોનિયર બનવાનો ધ્યેય હાંસલ કરી શક્યાં. એ માટે તેમનાં માતા-પિતા અને મંડળનાં ભાઈ-બહેનોએ તેમને મદદ કરી. બહેને કહ્યું: ‘શેતાનની દુનિયા ઉચ્ચ ભણતર, નામ, પૈસા અને મોંઘી મોંઘી ચીજવસ્તુઓ માટે ધ્યેય રાખવા પ્રોત્સાહન આપે છે.’ પણ, બહેનને ખ્યાલ હતો કે મોટાભાગના લોકો એ ધ્યેયો હાંસલ કરી શકતા નથી, તેઓને બસ દુઃખ અને નિરાશા જ હાથ લાગે છે. બહેન આગળ જણાવે છે: ‘યહોવાની સેવા કરવાથી મને એવો આનંદ અને સંતોષ મળ્યો છે, જે બીજા કશાથી મેળવી શકાય નહિ.’

૧૪. માતા-પિતાને કેવા સંજોગોમાં હિંમતની જરૂર પડે છે?

૧૪ માતા-પિતાને પણ હિંમતની જરૂર પડે છે. આનો વિચાર કરો: નોકરી પર કદાચ તમારા બોસ તમને ઓવરટાઇમ કરવા દબાણ કરે. તમે એ સમય કુટુંબ તરીકેની ભક્તિ, પ્રચારકામ કે સભાઓ માટે ફાળવ્યો છે. એવા સમયે બોસને “ના” કહેવા તમને હિંમતની જરૂર પડશે. આમ, તમે બાળકો માટે સારો દાખલો બેસાડી શકશો. અથવા બની શકે કે, મંડળમાં અમુક માતા-પિતાએ પોતાનાં બાળકોને એવું કંઈ કરવાની મંજૂરી આપી છે, જે તમે તમારાં બાળકોને નથી આપી. બીજાં માબાપ તમારા નિર્ણય પર સવાલ ઉઠાવે ત્યારે, પ્રેમાળ રીતે કારણ સમજાવવા હિંમતની જરૂર પડે છે, ખરું ને?

૧૫. ગીતશાસ્ત્ર ૩૭:૨૫ અને હિબ્રૂઓ ૧૩:૫માંથી માતા-પિતાને કઈ મદદ મળે છે?

૧૫ માતા-પિતા, તમે તમારાં બાળકોને યહોવાની સેવામાં ધ્યેયો બાંધવા અને એને હાંસલ કરવા મદદ કરો. જોકે, એ માટે તમને હિંમતની જરૂર પડશે. શા માટે? કારણ કે, અમુક માતા-પિતા પોતાનાં બાળકોને પાયોનિયરીંગ કરવા, વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવા, બેથેલ અથવા બાંધકામ વિભાગમાં જોડાવવા પ્રોત્સાહન આપતા નથી. તેઓને ડર સતાવે છે કે, ઢળતી ઉંમરે તેઓને બાળકોનો સહારો નહિ મળે. જોકે, સમજદાર માતા-પિતા હિંમત બતાવે છે અને યહોવાનાં વચનો પર ભરોસો રાખે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.) એવાં માતા-પિતાનાં બાળકો પણ તેઓનાં પગલે ચાલીને હિંમત અને ભરોસો બતાવે છે.—૧ શમૂ. ૧:૨૭, ૨૮; ૨ તિમો. ૩:૧૪, ૧૫.

૧૬. ઈશ્વરભક્તિમાં ધ્યેયો બાંધવા અમુક માબાપે બાળકોને કઈ રીતે મદદ કરી છે? એનાથી તેઓનાં બાળકોને કેવો ફાયદો થયો છે?

૧૬ અમેરિકાના એક યુગલે પોતાનાં બાળકોને ભક્તિમાં ધ્યેયો રાખવા મદદ કરી હતી. પિતા કહે છે: ‘અમારાં બાળકો બોલતાં-ચાલતાં થાય એ પહેલાંથી જ અમે તેઓનાં મનમાં ભક્તિ માટે પ્રેમ સિંચવાનું શરૂ કરી દીધું. અમે તેઓને જણાવતા કે પાયોનિયરીંગ કરવાથી અને મંડળમાં સેવા આપવાથી અનેરો આનંદ મળે છે. આમ, તેઓએ ભક્તિમાં સારા ધ્યેયો બાંધ્યાં અને હાંસલ પણ કર્યાં. એના લીધે, તેઓને શેતાનની દુનિયાની લાલચો સામે લડવા મદદ મળી અને યહોવાની ભક્તિ પર પૂરું ધ્યાન આપી શક્યા.’ બે બાળકોના પિતા જણાવે છે: ‘રમતગમત, શોખ અને શિક્ષણને લગતા બાળકોના ધ્યેયો પૂરા કરવા, ઘણાં માબાપ ખૂબ મહેનત કરે છે અને પૈસા ખર્ચે છે. તો પછી, બાળકો યહોવાની નજરમાં સારું નામ બનાવે, એ માટે માબાપ મદદ કરે એ કેટલું વિશેષ જરૂરી છે! બાળકો ભક્તિમાં ધ્યેયો હાંસલ કરે છે, એટલે કે યોગ્ય મુકામે પહોંચે છે ત્યારે માબાપનું દિલ ખુશીથી છલકાય જાય છે. એ સફરમાં માબાપ પણ તેઓનાં હમસફર બને છે.’ જે માબાપ પોતાનાં બાળકોને ભક્તિના ધ્યેયો બાંધવા અને પૂરા કરવા મદદ કરે છે, તેઓને ઈશ્વરની કૃપા ચોક્કસ મળશે.

મંડળમાં હિંમત બતાવવી

૧૭. દાખલો આપીને સમજાવો કે મંડળમાં ક્યારે હિંમતની જરૂર પડી શકે.

૧૭ મંડળમાં પણ હિંમતની જરૂર પડે છે. કેવા સંજોગોને હાથ ધરવામાં વડીલોએ હિંમત બતાવવી પડે છે? કોઈ વ્યક્તિ ગંભીર પાપમાં પડે ત્યારે અથવા બીમારી કે અકસ્માતને લીધે વ્યક્તિનો જીવ જોખમમાં આવી પડે ત્યારે. અરે, અમુક વડીલો તો જેલની મુલાકાત લે છે, જેથી રસ ધરાવનાર વ્યક્તિ સાથે બાઇબલમાંથી અભ્યાસ ચલાવી શકે. શું કુંવારી બહેનોને હિંમતની જરૂર પડે છે? હા, હિંમત બતાવવાની તેઓ પાસે પણ ઘણી તકો છે. તેઓ યહોવાની સેવામાં ઘણું કરી શકે છે. જેમ કે, પાયોનિયરીંગ, વધુ જરૂર છે ત્યાં સેવા આપવી, સ્થાનિક ડિઝાઈન અને બાંધકામ વિભાગ સાથે કામ કરવું અથવા રાજ્ય પ્રચારકોની શાળા માટે અરજી કરવી. અમુકને તો ગિલયડ શાળાનું આમંત્રણ પણ મળ્યું છે!

૧૮. વૃદ્ધ બહેનો કઈ રીતે હિંમત બતાવી શકે?

૧૮ આપણે વૃદ્ધ બહેનોની ખૂબ કદર કરીએ છીએ અને તેઓને પ્રેમ કરીએ છીએ. ખરું કે, યહોવાની સેવામાં હવે તેઓ પહેલાં જેટલું કરી શકતાં નથી. છતાં, તેઓ હિંમત બતાવી શકે છે અને મદદ કરી શકે છે. (તિતસ ૨:૩-૫ વાંચો.) ધારો કે, મંડળમાં એક યુવાન બહેનનો પહેરવેશ વિનયી નથી. હવે, વડીલો કોઈ વૃદ્ધ બહેનને કહે કે તેમણે એ યુવાન બહેનને યોગ્ય પહેરવેશ માટે ઉત્તેજન આપવાનું છે. શું એ વૃદ્ધ બહેનને હિંમતની જરૂર નહિ પડે? ખરું કે, તે યુવાન બહેનને ધમકાવશે નહિ, પણ વિનયી કપડાં પહેરવા પ્રેમાળ રીતે ઉત્તેજન આપશે. તે કદાચ એ જોવા મદદ કરશે કે, તેના પહેરવેશની બીજાઓ પર કેવી અસર થાય છે. (૧ તિમો. ૨:૯, ૧૦) વૃદ્ધ બહેનો આ રીતે પ્રેમ બતાવે છે ત્યારે, મંડળની એકતા વધે છે.

૧૯. (ક) બાપ્તિસ્મા પામેલા ભાઈઓ કઈ રીતે હિંમત બતાવી શકે? (ખ) ફિલિપીઓ ૨:૧૩ અને ૪:૧૩ કઈ રીતે ભાઈઓને હિંમત બતાવવા ઉત્તેજન આપે છે?

૧૯ બાપ્તિસ્મા પામેલા ભાઈઓએ પણ હિંમત બતાવવાની અને જવાબદારી ઉપાડવાની જરૂર છે. તેઓ સહાયક સેવક કે વડીલ તરીકે સેવા આપવા તૈયારી બતાવે છે ત્યારે, મંડળને ઘણો ફાયદો થાય છે. (૧ તિમો. ૩:૧) પણ અમુક ભાઈઓ એમ કરતા અચકાય છે. શા માટે? કદાચ અગાઉ કરેલી ભૂલોને લીધે તેઓને લાગે છે કે તેઓ સહાયક સેવક કે વડીલ બનવાને લાયક નથી. અમુક ભાઈઓને લાગે છે કે તેઓમાં સારી આવડત નથી. જો તમે એવું અનુભવતા હો, તો યહોવા તમને હિંમતવાન બનવા મદદ કરશે. (ફિલિપીઓ ૨:૧૩; ૪:૧૩ વાંચો.) મુસાનો દાખલો યાદ કરો. તેમને પણ લાગતું કે તે યહોવાની સોંપણી પૂરી નહિ કરી શકે. (નિર્ગ. ૩:૧૧) પણ યહોવાએ તેમને હિંમત આપી અને યોગ્ય પગલાં ભરવાં મદદ કરી. એવી હિંમત બતાવવા ભાઈઓ શું કરી શકે? તેઓ પ્રાર્થના કરી શકે અને દરરોજ બાઇબલ વાંચી શકે. હિંમતવાન ભક્તોના દાખલા પર મનન કરી શકે. તેઓ નમ્ર બનીને વડીલો પાસેથી મદદ માંગી શકે અને મંડળમાં કોઈ પણ કામ કરવા તૈયાર રહી શકે. બાપ્તિસ્મા પામેલા દરેક ભાઈને અમે હિંમત બતાવવા અને મહેનત કરવા ઉત્તેજન આપીએ છીએ!

‘યહોવા તારી સાથે છે’

૨૦, ૨૧. (ક) દાઊદે સુલેમાનને શું યાદ અપાવ્યું? (ખ) આપણે શાની ખાતરી રાખી શકીએ?

૨૦ રાજા દાઊદે સુલેમાનને યાદ અપાવ્યું કે મંદિરનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી યહોવા તેને સાથ આપશે. (૧ કાળ. ૨૮:૨૦) સુલેમાને ચોક્કસ એ શબ્દો પર મનન કર્યું હશે. પોતાની જુવાની અને અનુભવની ખામીને લીધે શું તે હિંમત હારી ગયા? જરાય નહિ. એના બદલે, તેમણે હિંમત બતાવી અને યહોવાની મદદથી સાડા સાત વર્ષમાં ભવ્ય મંદિર બાંધ્યું.

૨૧ યહોવાએ સુલેમાનને મદદ કરી હતી. હિંમત બતાવવા અને સોંપણી પૂરી કરવા યહોવા તમને પણ મદદ કરશે. પછી, ભલે એ જવાબદારી કુટુંબમાં હોય કે મંડળમાં. (યશા. ૪૧:૧૦, ૧૩) યહોવાની સેવામાં હિંમત બતાવીશું તો, ખાતરી રાખી શકીએ કે યહોવા હાલમાં અને ભાવિમાં આપણને ઘણા આશીર્વાદો આપશે. એટલે, હિંમતવાન થાઓ અને યહોવાએ આપેલું કામ પૂરું કરો.

^ ફકરો. 12 જુલાઈ ૧૫, ૨૦૦૪ ચોકીબુરજમાં આવેલો આ લેખ જુઓ: “જીવનમાં તમને શું કરવું છે?