સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

’આનંદી ઈશ્વરને’ ભજનારાઓ આનંદી છે

’આનંદી ઈશ્વરને’ ભજનારાઓ આનંદી છે

‘જેઓના ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.’—ગીત. ૧૪૪:૧૫.

ગીતો: ૩૮, ૨૧

૧. શા માટે યહોવાના સાક્ષીઓ આનંદિત લોકો છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવાના સાક્ષીઓ આનંદિત લોકો છે. તેઓ જ્યારે પણ ભેગા મળે, ત્યારે એકબીજા સાથે વાતચીત કરતા અને હસી-મજાક કરતા જોવા મળે છે, ભલે પછી એ સભા, સંમેલન કે સામાજિક પ્રસંગ હોય. તેઓ શા માટે આનંદી હોય છે? એનું મુખ્ય કારણ છે કે, તેઓ એવા ઈશ્વરને ઓળખે છે, ભજે છે અને અનુસરે છે, જે ‘આનંદી ઈશ્વર’ છે. (૧ તિમો. ૧:૧૧; ગીત. ૧૬:૧૧) યહોવા ખુશીના સ્રોત છે. તેથી, તે ચાહે છે કે આપણે ખુશ રહીએ. તેમણે એવી ઘણી બાબતો પૂરી પાડી છે, જેનાથી આપણે ખુશ રહી શકીએ.—પુન. ૧૨:૭; સભા. ૩:૧૨, ૧૩.

૨, ૩. (ક) આનંદી રહેવાનો અર્થ શો થાય? (ખ) શા માટે આનંદી રહેવું અઘરું હોય છે?

તમારા વિશે શું? શું તમે આનંદી છો? આનંદી રહેવાનો અર્થ થાય કે સારી લાગણી અનુભવવી, પોતાના જીવનથી સંતોષ પામવો અથવા ખૂબ ખુશ હોવું. બાઇબલ જણાવે છે કે યહોવા સાથે સારો સંબંધ રાખનાર લોકો જ ખરો આનંદ કે સાચું સુખ મેળવી શકે છે. પરંતુ, આજની દુનિયામાં આનંદી રહેવું સહેલું નથી. શા માટે?

આપણે તણાવભર્યા સંજોગોમાં હોઈએ ત્યારે, આનંદી રહેવું અઘરું થઈ જાય છે. જેમ કે, કોઈ સ્નેહીજન મરણ પામે કે બહિષ્કૃત થાય, છૂટાછેડા થાય કે નોકરી છૂટી જાય, ઘરમાં સતત ઝઘડા થતા હોય, સાથે કામ કરનારા કે ભણનારા મજાક ઉડાવતા હોય. એટલું જ નહિ, યહોવાના સેવકો હોવાને લીધે આપણી સતાવણી થાય કે જેલમાં પૂરવામાં આવે; આપણી તબિયત બગડે, જીવલેણ બીમારી થાય કે પછી ડિપ્રેશનનો ભોગ બનીએ ત્યારે પણ આનંદી રહેવું સહેલું હોતું નથી. પણ હંમેશાં યાદ રાખીએ કે, ઈસુ ખ્રિસ્ત “આનંદી અને એકમાત્ર સત્તાધીશ” છે. તે લોકોને દિલાસો આપતા હતા અને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. (૧ તિમો. ૬:૧૫; માથ. ૧૧:૨૮-૩૦) આજે આપણે શેતાનની દુનિયામાં મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. તોપણ, પહાડ પરના ઉપદેશમાં ઈસુએ જણાવેલી અમુક બાબતો આપણને ખુશ રહેવા મદદ કરી શકે છે.

યહોવા સાથે પાકો સંબંધ હશે તો ખુશ રહીશું

૪, ૫. ખુશ રહેવા આપણે શું કરી શકીએ?

ઈસુએ જણાવેલી પહેલી બાબત ઘણી મહત્ત્વની છે. તેમણે કહ્યું હતું: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.” (માથ. ૫:૩) ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ રાખવાનો અર્થ શો થાય? એનો અર્થ થાય, વ્યક્તિને ખબર છે કે તેણે ઈશ્વર વિશે જાણવું જોઈએ. ઉપરાંત, તેમનાં માર્ગદર્શન તથા મદદ લેવાં જોઈએ. આપણે એવી ભૂખ કઈ રીતે બતાવી શકીએ? બાઇબલનો અભ્યાસ કરીને, તેમની આજ્ઞાઓ પાળીને અને તેમની ભક્તિને આપણા જીવનમાં પ્રથમ સ્થાને રાખીને આપણે એમ કરી શકીએ. આ બાબતો કરીશું તો આપણે ખુશ રહી શકીશું. ઈશ્વરનાં વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત થશે. તેમ જ, બાઇબલમાં ખુશી આપતી એવી “આશા” વિશે જણાવ્યું છે, જે આપણને મુશ્કેલીઓમાં ટકી રહેવા મદદ કરશે.—તિત. ૨:૧૩.

જો આપણે ખુશ રહેવા માંગતા હોઈએ, તો જીવનમાં ભલે ગમે એ થાય પણ યહોવા સાથેની આપણી મિત્રતાને પાકી કરતા રહેવાની જરૂર છે. પ્રેરિત પાઊલે લખ્યું હતું કે, “પ્રભુમાં હંમેશાં આનંદ કરો. ફરી હું કહીશ, આનંદ કરો!” (ફિલિ. ૪:૪) યહોવાના પાકા મિત્ર બનવા માટે તેમના તરફથી મળતું ડહાપણ હોવું ખૂબ જરૂરી છે. બાઇબલ જણાવે છે: ‘જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ પ્રાપ્ત કરે છે, તેને ધન્ય છે. જેઓ તે મેળવે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.’—નીતિ. ૩:૧૩, ૧૮.

૬. ખુશ રહેવા આપણે બીજું શું કરી શકીએ?

ખુશ રહેવા માટે બહુ જરૂરી છે કે, આપણે બાઇબલમાંથી જે શીખ્યા એને લાગુ પાડતા રહીએ. એનું મહત્ત્વ સમજાવતા ઈસુએ કહ્યું હતું: “હવે, તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો.” (યોહા. ૧૩:૧૭; યાકૂબ ૧:૨૫ વાંચો.) જો આપણે ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ સંતોષવી હોય અને કાયમી ખુશી મેળવવી હોય, તો ઈસુએ કહેલી વાત પાળવી જોઈએ. આપણી ખુશી છીનવી લેતી બાબતો ઘણી છે. તો પછી આપણે કઈ રીતે ખુશ રહી શકીએ? ચાલો જોઈએ કે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં એ વિશે બીજું શું કહ્યું હતું.

આપણને ખુશી આપતી બાબતો

૭. જેઓ શોકમાં છે તેઓ કઈ રીતે સુખી રહી શકે?

“જેઓ શોક કરે છે તેઓ સુખી છે, કેમ કે તેઓને દિલાસો મળશે.” (માથ. ૫:૪) આપણે કદાચ વિચારીએ કે, “જો વ્યક્તિ શોકમાં હોય, તો તે કઈ રીતે સુખી હોય શકે?” શોકમાં છે એવા દરેક વ્યક્તિ વિશે ઈસુ વાત કરી રહ્યા ન હતા. આજે ઘણા દુષ્ટ લોકો શોકમાં છે કારણ કે, તેઓ આ “છેલ્લા દિવસોમાં” એવી તકલીફોનો સામનો કરી રહ્યા છે, ‘જે સહન કરવી અઘરી છે.’ (૨ તિમો. ૩:૧) તેઓ ફક્ત પોતાનો જ વિચાર કરે છે, યહોવાનો નહિ. એટલે તેઓ યહોવાના મિત્ર બનવાનો પ્રયત્ન કરતા નથી અને સુખી રહી શકતા નથી. ઈસુ તો એવા લોકોની વાત કરતા હતા, જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે. એવા લોકો શા માટે શોક કરે છે? તેઓ શોક કરે છે, કેમ કે આજે ઘણા લોકો ઈશ્વરનો નકાર કરે છે અને તેમની ઇચ્છા પ્રમાણે જીવતા નથી. તેઓ જાણે છે કે પોતે અપૂર્ણ છે અને દુનિયામાં ખરાબ ઘટનાઓ થઈ રહી છે. એવી રીતે શોક કરનારા લોકો પર યહોવા ધ્યાન આપે છે. યહોવા તેઓને બાઇબલ દ્વારા દિલાસો આપે છે અને તેઓનું જીવન ખુશીઓથી ભરી દે છે.—હઝકીએલ ૫:૧૧; ૯:૪ વાંચો.

૮. નમ્ર બનવાથી કઈ રીતે ખુશ રહેવા મદદ મળે છે?

“જેઓ નમ્ર છે તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.” (માથ. ૫:૫) નમ્ર બનવાથી કઈ રીતે ખુશ રહેવા મદદ મળે છે? ઘણા લોકો કઠોર અને ગુસ્સાવાળા હોય છે, જેના લીધે તેઓ ઘણી મુશ્કેલીઓ નોતરે છે. પણ જ્યારે તેઓ સત્ય શીખે છે, ત્યારે તેઓ પોતાનામાં ઘણા ફેરફારો કરે છે અને “નવો સ્વભાવ” કેળવે છે. હવે તેઓ “કરુણા, દયા, નમ્રતા, કોમળતા અને ધીરજ” બતાવે છે. (કોલો. ૩:૯-૧૨) પરિણામે, તેઓને મનની શાંતિ અને ખુશી મળે છે, તેઓ બીજાઓ સાથે સારી મિત્રતા બાંધી શકે છે. વધુમાં, બાઇબલ વચન આપે છે કે તેઓને “પૃથ્વીનો વારસો મળશે.”—ગીત. ૩૭:૮-૧૦, ૨૯.

૯. (ક) ઈસુએ કહ્યું કે નમ્ર લોકોને “પૃથ્વીનો વારસો મળશે” ત્યારે, તે શું કહેવા માંગતા હતા? (ખ) “ન્યાય માટે ભૂખ અને તરસ છે” તેઓ શા માટે સુખી છે?

ઈસુએ કહ્યું કે નમ્ર લોકોને “પૃથ્વીનો વારસો મળશે.” તે શું કહેવા માંગતા હતા? અભિષિક્તો માટે એ વારસાનો અર્થ થાય કે, તેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજાઓ અને યાજકો તરીકે રાજ કરશે. (પ્રકટી. ૨૦:૬) પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા લોકો માટે એ વારસાનો અર્થ થાય કે, તેઓને હંમેશ માટેનું જીવન અને સુખ-શાંતિ મળશે તથા તેઓ સંપૂર્ણ થશે. તેઓ વિશે ઈસુએ આમ જણાવ્યું હતું, “જેઓને ન્યાય માટે ભૂખ અને તરસ છે તેઓ સુખી છે.” (માથ. ૫:૬) ન્યાય માટેની તેઓની ભૂખ અને તરસ ક્યારે પૂરી થશે? યહોવા બધી દુષ્ટતા કાઢી નાખશે ત્યારે. (૨ પીત. ૩:૧૩) એ પછી, નેક લોકો આનંદી હશે અને દુષ્ટ લોકોના ખરાબ કામોને લીધે ફરી ક્યારેય શોક કરશે નહિ.—ગીત. ૩૭:૧૭.

૧૦. દયા બતાવવાનો શો અર્થ થાય?

૧૦ “જેઓ દયાળુ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.” (માથ. ૫:૭) દયા બતાવવાનો અર્થ થાય કે, કરુણા અને કોમળતા બતાવવી. એટલે કે, જેઓ અઘરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ પ્રત્યે દયા બતાવવી. દયા ફક્ત એક લાગણી જ નથી. બાઇબલ જણાવે છે કે બીજાઓને મદદ કરવા માટે થયેલા કાર્યનો પણ દયા બતાવવામાં સમાવેશ થાય છે.

૧૧. ભલા સમરૂનીના ઉદાહરણમાંથી શું શીખવા મળે છે?

૧૧ લુક ૧૦:૩૦-૩૭ વાંચો. ભલા સમરૂનીના ઉદાહરણમાંથી શીખવા મળે છે કે દયા બતાવવાનો શો અર્થ થાય છે. સમરૂનીનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું, એટલે તેણે એ દુઃખી માણસની મદદ કરી. એ ઉદાહરણ પછી ઈસુએ કહ્યું: “જા અને તું પણ એમ કર.” એટલે આપણે પોતાને પૂછવું જોઈએ: ‘શું હું ભલા સમરૂનીની જેમ વર્તું છું? બીજાઓ તકલીફો સહેતા હોય ત્યારે શું હું તેઓ પર દયા બતાવું છું? તેઓને વધુ મદદ કરવા હું શું કરી શકું? શું હું મંડળમાં વૃદ્ધોને, જેઓના માબાપ સત્યમાં નથી એવાં બાળકોને કે વિધવાઓને મદદ કરી શકું? શું હું “નિરાશ થઈ ગયેલાઓને દિલાસો” આપી શકું?’—૧ થેસ્સા. ૫:૧૪; યાકૂ. ૧:૨૭.

બીજાઓને મદદ કરવા પહેલ તો કરો, જુઓ પછી ચારે બાજુ ખુશીઓ છવાઈ જાય છે (ફકરો ૧૨ જુઓ)

૧૨. દયા બતાવીએ છીએ ત્યારે આપણે શા માટે ખુશી અનુભવીએ છીએ?

૧૨ દયા બતાવીએ છીએ ત્યારે આપણે શા માટે ખુશી અનુભવીએ છીએ? બીજાઓને દયા બતાવીએ છીએ ત્યારે, આપણે કંઈક આપીએ છીએ. અને ઈસુએ કહ્યું હતું કે આપવાથી ખુશી મળે છે. ખુશ થવાનું બીજું કારણ એ છે કે દયા બતાવીએ ત્યારે, આપણે યહોવાને ખુશ કરીએ છીએ. (પ્રે.કા. ૨૦:૩૫; હિબ્રૂઓ ૧૩:૧૬ વાંચો.) દયા બતાવનાર વ્યક્તિ માટે રાજા દાઊદે કહ્યું હતું: “યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે; તે પૃથ્વી પર સુખી થશે.” (ગીત. ૪૧:૧, ૨) જો બીજાઓ માટે દયા અને કરુણા બતાવીશું, તો આપણને પણ યહોવાની દયા મળશે અને હંમેશ માટેની ખુશી મળશે.—યાકૂ. ૨:૧૩.

“જેઓનું દિલ સાફ છે” તેઓ શા માટે સુખી છે?

૧૩, ૧૪. “જેઓનું દિલ સાફ છે” તેઓ શા માટે સુખી છે?

૧૩ ઈસુએ કહ્યું હતું કે, “જેઓનું દિલ સાફ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.” (માથ. ૫:૮) દિલ સાફ હોવાનો અર્થ થાય કે, આપણાં વિચારો અને ઇચ્છાઓ નિર્મળ અને શુદ્ધ હોવા જોઈએ. જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણી ભક્તિ સ્વીકારે, તો એમ કરવું ખૂબ મહત્ત્વનું છે.—૨ કોરીંથીઓ ૪:૨ વાંચો; ૧ તિમો. ૧:૫.

૧૪ જેઓનું દિલ સાફ છે, તેઓ યહોવા સાથે સારી મિત્રતા કેળવી શકે છે. તેઓ વિશે યહોવા કહે છે: “જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે.” (પ્રકટી. ૨૨:૧૪) “જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે,” એનો શો અર્થ થાય? અભિષિક્તો માટે એનો અર્થ થાય કે યહોવા તેઓને શુદ્ધ ગણે છે, તેઓને સ્વર્ગમાં અમર જીવન આપશે અને તેઓ હંમેશ માટેની ખુશીનો આનંદ માણશે. પૃથ્વી પર જીવવાની આશા રાખતા મોટાં ટોળાં માટે એનો અર્થ થાય કે, યહોવા તેઓને ન્યાયી ગણતા હોવાથી પોતાના મિત્રો બનવાની તક આપે છે. બાઇબલ જણાવે છે કે, “તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.”—પ્રકટી. ૭:૯, ૧૩, ૧૪.

૧૫, ૧૬. જેઓનું દિલ સાફ છે, તેઓ કઈ રીતે ‘ઈશ્વરને જોઈ શકે’?

૧૫ યહોવાએ કહ્યું: “મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.” (નિર્ગ. ૩૩:૨૦) તો પછી જેઓનું દિલ સાફ છે, તેઓ કઈ રીતે ‘ઈશ્વરને જોઈ શકે’? “જોવું” માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય કે, કલ્પના કરવી, સમજવું અને ઓળખવું. એટલે “ઈશ્વરને જોવાનો” અર્થ થાય કે તે કેવા વ્યક્તિ છે એ સમજવું અને તેમના ગુણો માટે પ્રેમ બતાવવો. (એફે. ૧:૧૮) ઈસુએ પૂરેપૂરી રીતે ઈશ્વરના ગુણોનું અનુકરણ કર્યું હતું. એટલે તે કહી શક્યા કે, “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.”—યોહા. ૧૪:૭-૯.

૧૬ આપણા જીવનમાં યહોવાની મદદનો અનુભવ કરીએ છીએ ત્યારે પણ આપણે “તેમને જોઈએ છીએ.” (અયૂ. ૪૨:૫) વફાદાર અને સાફ દિલના લોકો માટે યહોવાએ આપેલાં અદ્ભુત વચનો પર ધ્યાન આપીએ છીએ ત્યારે, આપણે “તેમને જોઈએ છીએ.” અભિષિક્તો સજીવન થઈને સ્વર્ગમાં જશે ત્યારે, તેઓ ખરેખર યહોવાને જોશે.—૧ યોહા. ૩:૨.

મુશ્કેલીઓ હોવા છતાં આપણે ખુશ રહી શકીએ છીએ

૧૭. સુલેહ-શાંતિ જાળવનારાઓ શા માટે સુખી છે?

૧૭ ઈસુએ કહ્યું હતું કે, “જેઓ શાંતિ કરાવે છે તેઓ સુખી છે.” (માથ. ૫:૯) બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરવામાં આપણે પહેલ કરીએ છીએ ત્યારે ખુશી મળે છે. શિષ્ય યાકૂબે લખ્યું હતું: “જેઓ બીજાઓ સાથે સારા સંબંધો જાળવી રાખે છે, તેઓ શાંતિ ફેલાવે છે. પરિણામે, તેઓ જે સારું હોય એ જ કરે છે.” (યાકૂ. ૩:૧૮) તેથી, જો તમે મંડળમાં કે ઘરમાં કોઈની સાથે શાંતિ જાળવવા મહેનત કરી રહ્યા હો, તો યહોવા પાસે મદદ માંગો. યહોવા તમને પવિત્ર શક્તિ આપશે, જેની મદદથી તમે ખ્રિસ્ત જેવા ગુણો બતાવી શકશો અને ખુશી અનુભવશો. સુલેહ-શાંતિ માટે પહેલ કરવી ઘણું મહત્ત્વનું છે. એ સમજાવતા ઈસુએ કહ્યું કે, “એટલે, જો તમે વેદી પાસે અર્પણ લઈને જાઓ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો અને જાઓ. પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.”—માથ. ૫:૨૩, ૨૪.

૧૮, ૧૯. સતાવણી કરવામાં આવે તોપણ કઈ રીતે ઈશ્વરભક્તો આનંદ અનુભવે છે?

૧૮ ઈસુએ કહ્યું: “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો.” ઈસુના આ શબ્દોનો શો અર્થ હતો? તેમણે આગળ જણાવ્યું: “તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે; તેઓએ તમારી અગાઉ પ્રબોધકોની પણ આ રીતે સતાવણી કરી હતી.” (માથ. ૫:૧૧, ૧૨) પ્રેરિતોને મારવામાં આવ્યા અને સંદેશો ફેલાવવાની મનાઈ કરવામાં આવી ત્યારે, “પ્રેરિતો ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.” જોકે, તેઓને મારવામાં આવ્યા એટલે તેઓ આનંદ કરતા ન હતા. પરંતુ, “ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા હોવાથી” તેઓ આનંદ કરતા હતા.—પ્રે.કા. ૫:૪૧.

૧૯ આજે યહોવાના ભક્તોની સતાવણી કરવામાં આવે છે ત્યારે, તેઓ પણ આનંદ અનુભવે છે. (યાકૂબ ૧:૨-૪ વાંચો.) એવું નથી કે આપણને દુઃખ-તકલીફો કે સતાવણીઓ ગમે છે. પણ આપણે યહોવાને વફાદાર રહીશું તો, તે આપણને સતાવણી સહેવા હિંમત આપશે. ચાલો, હેન્રીક ડોર્નીક અને તેમના ભાઈનો વિચાર કરીએ. ઑગસ્ટ ૧૯૪૪માં તેઓને જુલમી છાવણીમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓની સતાવણી કરનારાઓએ કહ્યું કે, ‘કોઈ પણ બાબત માટે તેઓને તૈયાર કરવા શક્ય ન હતું. શહીદ થવા તેઓ ખુશીથી તૈયાર હતા.’ હેન્રીક જણાવે છે: ‘શહીદ થવાનો મને શોખ ન હતો, પણ યહોવા પ્રત્યેની વફાદારી માટે હિંમતથી સહન કરવામાં મને ખુશી મળતી અને ગર્વ થતો હતો. પ્રાર્થનામાં સતત લાગુ રહેવાથી હું યહોવાની નજીક જઈ શક્યો અને યહોવાની મદદનો હાથ અનુભવી શક્યો.’

૨૦. ‘આનંદી ઈશ્વરની’ ભક્તિ કરવામાં શા માટે આપણને આનંદ થાય છે?

૨૦ “આનંદી ઈશ્વર” યહોવાની આપણા પર કૃપા થશે તો, સતાવણી, કુટુંબ તરફથી થતા વિરોધ, બીમારી કે વૃદ્ધાવસ્થામાં પણ આપણે આનંદી રહી શકીશું. (૧ તિમો. ૧:૧૧) ઈશ્વર “કદી જૂઠું બોલી શકતા નથી.” એટલે આપણને પૂરી ખાતરી છે કે તે પોતાનાં અદ્ભુત વચનો પૂરાં કરશે. એ આપણી ખુશીનું કારણ હશે. (તિત. ૧:૨) યહોવા એમ કરશે ત્યારે આજની તકલીફો તો આપણા મનમાંય નહિ આવે. હકીકતમાં તો, સુંદર બાગ જેવી પૃથ્વી પર અદ્ભુત જીવનની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એ સમયે આપણી ખુશીનો કોઈ પાર નહિ હોય, ચોક્કસ ‘પુષ્કળ શાંતિમાં આપણે આનંદ કરીશું.’—ગીત. ૩૭:૧૧.