સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકબીજાને ઉત્તેજન મળે એવો પ્રેમ બતાવતા રહીએ

એકબીજાને ઉત્તેજન મળે એવો પ્રેમ બતાવતા રહીએ

“પ્રેમ ઉત્તેજન આપે છે.”—૧ કોરીં. ૮:૧.

ગીતો: ૨૫, ૫૨

૧. પૃથ્વી પરની છેલ્લી રાતે ઈસુએ પોતાના શિષ્યો સાથે કયા મહત્ત્વના વિષય પર ચર્ચા કરી હતી?

પૃથ્વી પરની છેલ્લી રાતે ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. એ સમયે ઈસુએ પ્રેમ શબ્દનો લગભગ ૩૦ વખત ઉલ્લેખ કર્યો હતો. તેમણે શિષ્યોને કહ્યું હતું કે “તમે એકબીજા પર પ્રેમ રાખો.” (યોહા. ૧૫:૧૨, ૧૭) તેઓ વચ્ચેનો પ્રેમ ઘણો નોંધપાત્ર હશે, જેથી બીજાઓ સાફ પારખી શકશે કે તેઓ ઈસુના ખરા અનુયાયીઓ છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) ઈસુએ જે પ્રેમ વિશે વાત કરી હતી, એ માત્ર એક લાગણી જ નથી. પણ એ શક્તિશાળી ગુણ છે, જેમાં બીજાઓ માટે જતું કરવાની ભાવના સમાયેલી છે. ઈસુએ કહ્યું કે, “મિત્રો માટે પોતાનો જીવ આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી. હું જે આજ્ઞાઓ તમને આપું છું, એ જો તમે પાળો, તો તમે મારા મિત્રો છો.”—યોહા. ૧૫:૧૩, ૧૪.

૨. (ક) યહોવાના સેવકો શાના માટે જાણીતા છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

આજે યહોવાના સેવકો નિઃસ્વાર્થ પ્રેમ અને અજોડ સંપ માટે જાણીતા છે. (૧ યોહા. ૩:૧૦, ૧૧) દેશ, જાતિ, ભાષા કે સમાજ ભલે ગમે એ હોય, દુનિયાભરમાં ઈશ્વરભક્તો એકબીજા માટે પ્રેમ બતાવે છે. આપણે આ લેખમાં આવા સવાલોની ચર્ચા કરીશું: આજના સમયમાં પ્રેમ બતાવવો કેમ જરૂરી છે? એવો પ્રેમ કેળવવા યહોવા અને ઈસુ કઈ રીતે આપણને મદદ કરે છે? પ્રેમ બતાવીને કઈ રીતે આપણે બીજાઓને દિલાસો આપી શકીએ અને દૃઢ કરી શકીએ?—૧ કોરીં. ૮:૧.

આજના સમયમાં પ્રેમ બતાવવો કેમ જરૂરી છે?

૩. “સંકટના સમયો” કઈ રીતે લોકોને અસર કરે છે?

આપણે બધા ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, જ્યાં બધાના જીવનમાં ‘શ્રમ તથા દુઃખ છે.’ (૨ તિમો. ૩:૧-૫; ગીત. ૯૦:૧૦) ઘણા તો તકલીફોના બોજ તળે એટલા કચડાઈ ગયા છે કે, તેઓ હિંમત હારી ગયા છે. દર વર્ષે ૮,૦૦,૦૦૦થી વધુ લોકો આત્મહત્યા કરે છે, એટલે કે દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિ. દુઃખની વાત છે કે, આપણાં અમુક ભાઈ-બહેનોએ પણ આવી જ લાગણીનો અનુભવ કર્યો છે અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

૪. કયા બાઇબલ પાત્રોએ એક સમયે જીવવાની આશા છોડી દીધી હતી?

બાઇબલ સમયના અમુક વફાદાર ઈશ્વરભક્તો પણ પોતાની મુશ્કેલીઓના લીધે હિંમત હારી ગયા હતા. દાખલા તરીકે, અયૂબ એટલી પીડામાં હતા કે બોલી ઊઠ્યા: ‘મને કંટાળો આવે છે; હું જીવવા ઇચ્છતો નથી.’ (અયૂ. ૭:૧૬; ૧૪:૧૩) યૂના એટલા હતાશ થઈ ગયા હતા કે તેમણે કહ્યું: ‘હે યહોવા, હવે કૃપા કરીને મારો જીવ લઈ લો; કેમ કે જીવવા કરતાં મરવું સારું છે.’ (યૂના ૪:૩) એલિયા પ્રબોધક પણ એટલા નિરાશ થઈ ગયા કે પોકારી ઊઠ્યા: ‘હવે તો બસ થયું; હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો.’ (૧ રાજા. ૧૯:૪) પરંતુ, યહોવા તેમના આ વફાદાર સેવકોને ખૂબ પ્રેમ કરતા હતા અને તે ઇચ્છતા હતા કે તેઓ જીવનનો આનંદ માણે. એવી લાગણી માટે યહોવાએ તેઓને ઠપકો આપ્યો નહિ. એના બદલે, તેઓના મનમાં જીવવાની આશા જગાડી, જેથી તેઓ વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહે.

૫. શા માટે ભાઈ-બહેનોને આપણા પ્રેમની જરૂર છે?

આજે ઘણાં ભાઈ-બહેનોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓને આપણા પ્રેમની જરૂર છે. અમુકની મજાક ઉડાવવામાં આવે છે કે અમુકને સતાવવામાં આવે છે. કામના સ્થળે બીજા અમુકની હેરાનગતિ થાય છે કે પછી તેઓ વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે. અમુક ભાઈ-બહેનો ઘણા કલાકો કામ કરવાથી કે તણાવભર્યા કામથી થાકી ગયા છે. કેટલાકના કુટુંબમાં તો ગંભીર મુશ્કેલીઓ છે. કદાચ તેઓના જીવનસાથી યહોવાને ભજતા નથી. એવા જીવનસાથી તેઓમાં વાંક-ગુનાઓ શોધ્યા કરે છે. આવા દબાણોના લીધે અમુક લોકો પડી ભાંગ્યા છે. તેઓને એવું લાગે છે કે જીવન વ્યર્થ થઈ ગયું છે. તેઓને કોણ મદદ કરશે?

યહોવાનો પ્રેમ આપણને દૃઢ કરે છે

૬. યહોવાના પ્રેમથી તેમના ભક્તો કઈ રીતે દૃઢ થાય છે?

યહોવા પોતાના સેવકોને ખાતરી આપે છે કે તે તેઓને પ્રેમ કરે છે અને હંમેશાં કરતા રહેશે. જરા કલ્પના કરો કે, યહોવાએ ઇઝરાયેલીઓને આવી ખાતરી આપી ત્યારે, તેઓને કેવું લાગ્યું હશે! યહોવાએ કહ્યું: “તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે, ને મેં તારા પર પ્રીતિ કરી છે. . . . તું બીશ મા; કેમ કે હું તારી સાથે છું.” (યશા. ૪૩:૪, ૫) આપણે જાણીએ છીએ કે આપણામાંની એકેએક વ્યક્તિ યહોવાની નજરે કીમતી છે. * બાઇબલમાં વચન આપ્યું છે કે, ‘તે સમર્થ તારણહાર છે. તે તારે માટે બહુ હરખાશે.’—સફા. ૩:૧૬, ૧૭.

૭. યહોવાનો પ્રેમ કઈ રીતે એક માતાના પ્રેમ જેવો છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ભલે ગમે એ મુશ્કેલીઓ પોતાના લોકો પર આવે, યહોવાએ વચન આપ્યું છે કે તે તેઓને દૃઢ કરશે અને દિલાસો આપશે. તે પોતાની લાગણીઓ આ રીતે દર્શાવે છે: ‘તમે ધાવશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવશે. જેમ કોઈ દીકરાને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ.’ (યશા. ૬૬:૧૨, ૧૩) એક નાનું બાળક પોતાની માતાના ખોળામાં હોય કે તેની સાથે રમતું હોય ત્યારે, કેટલી સલામતી અનુભવે છે! યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે અને ચાહે છે કે તમે પણ સલામતી અનુભવો. યહોવાની નજરે તમે અનમોલ છો કે નહિ, એવી શંકા કદી કરશો નહિ.—યિર્મે. ૩૧:૩.

૮, ૯. આપણને ખ્રિસ્તનો પ્રેમ કઈ રીતે દૃઢ કરી શકે?

યહોવા આપણને પ્રેમ કરે છે એ બતાવતું બીજું પણ એક કારણ છે. એ છે કે, “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહા. ૩:૧૬) ઈસુએ આપેલું બલિદાન પુરવાર કરે છે કે, તે પણ આપણને પ્રેમ કરે છે. ઈસુનો પ્રેમ આપણને દૃઢ કરે છે. બાઇબલ કહે છે કે “સંકટ કે વેદના” પણ આપણને “ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.”—રોમ. ૮:૩૫, ૩૮, ૩૯.

અમુક વાર આપણે મુશ્કેલીઓના કાળા વાદળો વચ્ચે ઘેરાય જઈએ છીએ. એના લીધે આપણે તન-મનથી ભાંગી પડીએ છીએ અને યહોવાની સેવામાં આપણો આનંદ છીનવાઈ જાય છે. પણ ખ્રિસ્ત આપણને કેટલો પ્રેમ કરે છે, એ યાદ રાખવાથી સહન કરવાની શક્તિ મળે છે. (૨ કોરીંથીઓ ૫:૧૪, ૧૫ વાંચો.) એનાથી જીવન જીવવાની અને યહોવાની ભક્તિ કરવાની દિલમાં તમન્ના જાગે છે. ભલે આપણે આફતો, સતાવણીઓ, નિરાશા કે ચિંતાઓથી ઘેરાયેલા હોઈએ, પણ ખ્રિસ્તનો પ્રેમ હિંમત ન હારવા મદદ કરે છે.

ભાઈ-બહેનોને આપણા પ્રેમની જરૂર છે

ઈસુ વિશે અભ્યાસ કરવાથી તમે તેમને અનુસરવા પ્રેરાશો (ફકરા ૧૦, ૧૧ જુઓ)

૧૦, ૧૧. નિરાશ થયેલાઓને ઉત્તેજન આપવાની જવાબદારી કોની છે? સમજાવો.

૧૦ મંડળ દ્વારા યહોવા આપણને ઉત્તેજન આપે છે. ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ ત્યારે, યહોવા માટેનો આપણો પ્રેમ દેખાય આવે છે. ભાઈ-બહેનો જોઈ શકે કે તેઓ મૂલ્યવાન છે અને યહોવા તેઓને પ્રેમ કરે છે, એ માટે આપણે બનતું બધું કરવું જોઈએ. (૧ યોહા. ૪:૧૯-૨૧) પ્રેરિત પાઊલે લખ્યું હતું: “એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૧) ઉત્તેજન આપવાનું કામ ફક્ત વડીલોનું જ નથી. આપણે દરેકે ભાઈ-બહેનોને દિલાસો આપવામાં યહોવા અને ઈસુના દાખલાને અનુસરવું જોઈએ.—રોમનો ૧૫:૧, ૨ વાંચો.

૧૧ મંડળનાં અમુક ભાઈ-બહેનોએ ડિપ્રેશન કે ચિંતાને લીધે કદાચ સારવાર કરાવવી પડે છે. (લુક ૫:૩૧) મંડળનાં વડીલો અને બીજાં ભાઈ-બહેનો જાણે છે કે પોતે ડોક્ટર નથી, પણ તેઓ એવાં ભાઈ-બહેનોને મદદ અને દિલાસો આપી શકે છે. મંડળની દરેક વ્યક્તિ ‘નિરાશ થઈ ગયેલાઓને દિલાસો આપી શકે, નબળા લોકોને સાથ આપી શકે, બધા સાથે ધીરજથી વર્તી શકે.’ (૧ થેસ્સા. ૫:૧૪) આપણે તેઓની લાગણીઓ સમજવાની જરૂર છે. તેઓ સાથે ધીરજથી વર્તવું જોઈએ. તેઓ નિરાશ હોય ત્યારે એવા શબ્દો વાપરવા જોઈએ, જેનાથી તેઓને દિલાસો મળે. શું તમે બીજાઓને દૃઢ કરવાનો પ્રયાસ કર્યો છે? હજુ વધારે દિલાસો અને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?

૧૨. મંડળે બતાવેલા પ્રેમને કારણે કોઈને ઉત્તેજન મળ્યું હોય એવો દાખલો આપો.

૧૨ યુરોપની એક બહેન કહે છે: ‘અમુક વાર મને આપઘાત કરવાના વિચારો આવતા હતા. પણ એવા સમયે મંડળે મને ઘણી મદદ કરી અને મારું જીવન બચાવ્યું. ભાઈ-બહેનો હંમેશાં મને પ્રેમ બતાવે છે અને ઉત્તેજન આપે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે મને ડિપ્રેશનની બીમારી છે, પણ આખું મંડળ હંમેશાં મારી પડખે ઊભું રહે છે. એક યુગલ મારાં માતા-પિતાની ગરજ સારે છે. તેઓ મારી કાળજી રાખે છે અને ચોવીસે કલાક મારા માટે ખડે પગે હાજર હોય છે.’ ખરું કે, દરેક વ્યક્તિ આ રીતે મદદ કરી શકતી નથી. પરંતુ, ભાઈ-બહેનોને ટેકો આપવા આપણે શક્ય એટલું બધું કરવું જોઈએ. *

પ્રેમથી બીજાઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

૧૩. બીજાઓને દિલાસો આપવા આપણે શું કરવું જોઈએ?

૧૩ સારા સાંભળનાર બનીએ. (યાકૂ. ૧:૧૯) પ્રેમ બતાવવાની એક રીત છે કે નિરાશ થયેલા ભાઈ-બહેનોની વાત દિલથી સાંભળીએ. કલ્પના કરો કે તમે તેમની જગ્યાએ હો તો કેવું અનુભવશો. તેમને સારી રીતે સમજવા પ્રેમથી સવાલો પૂછો. અરે, તમારા ચહેરાના હાવભાવથી પણ તે જોઈ શકશે કે તમને ખરેખર તેમની ચિંતા છે. તે જ્યારે વાત કરે ત્યારે ધીરજથી વાત સાંભળો અને તેમને વચ્ચે અટકાવશો નહિ. સારા સાંભળનાર બનો, કારણ કે એનાથી તમે તેમની લાગણીઓ સમજી શકશો અને તે તમારા પર સહેલાઈથી ભરોસો મૂકી શકશે. પછી, તમે જે કહેશો એ સાંભળવું તેમના માટે સહેલું થઈ પડશે. તમે તેમની ચિંતા કરો છો એની ખબર પડશે ત્યારે, તે તમારી વાતથી દિલાસો મેળવી શકશે.

૧૪. શા માટે આપણે બીજાઓના વાંક-ગુના શોધવા ન જોઈએ?

૧૪ બીજાઓના વાંક-ગુના ન શોધીએ. હતાશ વ્યક્તિને એવું લાગે કે, તમે તેમની ભૂલો કાઢો છો તો તે વધારે હતાશ થશે. પછી તેમની મદદ કરવી તમારા માટે અઘરું થઈ જશે. “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિ. ૧૨:૧૮) પોતાના શબ્દોથી હતાશ વ્યક્તિને દુઃખ પહોંચાડવાનો આપણો હેતુ ન હોય, પણ વગર વિચાર્યા શબ્દોથી તેમના દિલને ઠેસ પહોંચી શકે છે. આપણે તેમના સંજોગો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એવી તેમને ખાતરી થવી જોઈએ.—માથ. ૭:૧૨.

૧૫. બીજાઓને દિલાસો આપવા આપણે કયા કીમતી સાધનોનો ઉપયોગ કરી શકીએ?

૧૫ બીજાઓને દિલાસો આપવા બાઇબલનો ઉપયોગ કરીએ. (રોમનો ૧૫:૪, ૫ વાંચો.) “ધીરજ અને દિલાસો આપનાર ઈશ્વર” તરફથી આપણને બાઇબલ મળ્યું છે. તેથી, એમાં કોઈ નવાઈ નથી કે બાઇબલના શબ્દો આપણને ઘણો દિલાસો આપી શકે છે. આપણી પાસે વૉચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ (અંગ્રેજી) અને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા છે. એ સાધનોની મદદથી આપણને એવી કલમો અને સાહિત્યો મળશે, જેના દ્વારા ભાઈ-બહેનોને ઉત્તેજન અને દિલાસો આપી શકીએ છીએ.

૧૬. નિરાશ થયેલી વ્યક્તિને ઉત્તેજન આપવા આપણને કયા ગુણોની જરૂર પડશે?

૧૬ બીજાઓ માટે કરુણા અને મમતા રાખીએ. યહોવા “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” તેમને પોતાના ભક્તો માટે “કરુણા” છે. (૨ કોરીંથીઓ ૧:૩-૬ વાંચો; લુક ૧:૭૮; રોમ. ૧૫:૧૩) યહોવાને અનુસરવામાં પાઊલે સારો દાખલો બેસાડ્યો છે. તેથી તે કહી શક્યા કે, “જેમ ધાવ મા પોતાના બાળક પર મમતા રાખે છે, તેમ અમે પ્રેમથી તમારી સંભાળ રાખી. અમને તમારા માટે કોમળ લાગણી હોવાથી તમને ઈશ્વરની ખુશખબર જ નહિ, અમારો જીવ પણ આપવા તૈયાર હતા, કેમ કે તમે અમને ઘણા પ્રિય થયા છો.” (૧ થેસ્સા. ૨:૭, ૮) યહોવાની જેમ આપણે બીજાઓ માટે કરુણા અને મમતા રાખવી જોઈએ. એમ કરીશું તો, જે ભાઈ-બહેનો દિલાસા માટે પ્રાર્થના કરે છે તેઓને જરૂરી દિલાસો આપી શકીશું.

૧૭. ભાઈ-બહેનો પાસે આપણે કેવી અપેક્ષા ન રાખવી જોઈએ?

૧૭ બીજાઓ પાસે વધુ પડતી અપેક્ષા ન રાખીએ. માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ-બહેનો કદી ભૂલો કરશે જ નહિ, એવી અપેક્ષા રાખીશું તો નિરાશ થઈ જઈશું. (સભા. ૭:૨૧, ૨૨) આપણે જે કરી શકીએ છીએ એનાથી વધારે યહોવા આપણી પાસે અપેક્ષા રાખતા નથી. આપણે પણ યહોવાને અનુસરવા ચાહીએ છીએ. તેથી, એકબીજા પ્રત્યે ધીરજ બતાવવી જોઈએ. (એફે. ૪:૨, ૩૨) ભાઈ-બહેનોને એવું લાગવા નહિ દઈએ કે, તેઓ ઓછી મહેનત કરે છે અથવા બીજાઓ જેટલું કરી શકતા નથી. એને બદલે, તેઓ જે કરી રહ્યા છે એના તરફ તેઓનું ધ્યાન દોરીને આપણે ઉત્તેજન આપવું જોઈએ. આમ, તેઓને યહોવાની સેવામાં “આનંદ કરવાનું કારણ મળશે.”—ગલા. ૬:૪.

૧૮. શા માટે આપણે પ્રેમથી બીજાઓને ઉત્તેજન આપવા ચાહીએ છીએ?

૧૮ યહોવા અને ઈસુની નજરે એકેએક ભક્ત કીમતી છે. (ગલા. ૨:૨૦) આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલે તેઓ માટે મમતા રાખવી જોઈએ. “આપણે એવી વાતોમાં લાગુ રહીએ, જેનાથી શાંતિ જળવાય અને એકબીજાને દૃઢ કરી શકાય.” (રોમ. ૧૪:૧૯) આપણે નવી દુનિયાના જીવનની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. એમાં નિરાશ થવાનું આપણી પાસે કોઈ કારણ નહિ હોય! ત્યાં બીમારી નહિ હોય અને યુદ્ધ પણ નહિ હોય. વારસામાં મળેલા પાપને લીધે લોકો મરશે નહિ. સતાવણીઓ, કુટુંબની મુશ્કેલીઓ કે નિરાશાનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે. હજાર વર્ષને અંતે બધા મનુષ્યો સંપૂર્ણ બની જશે. જેઓ છેલ્લી કસોટીમાં વફાદાર રહેશે તેઓને યહોવા પોતાના દીકરાઓ તરીકે દત્તક લેશે અને તેઓ પૃથ્વી પર ‘ઈશ્વરનાં બાળકો તરીકે ભવ્ય આઝાદી’ મેળવશે. (રોમ. ૮:૨૧) તેથી ચાલો એકબીજાને ઉત્તેજન મળે, એવો પ્રેમ બતાવીએ અને ઈશ્વરની નવી દુનિયામાં જવા એકબીજાને મદદ કરીએ.

^ ફકરો. 6 ડ્રો ક્લોઝ ટુ જેહોવા (અંગ્રેજી) પુસ્તકનું પ્રકરણ ૨૪ જુઓ.

^ ફકરો. 12 જેઓને આપઘાત કરવાના વિચારો આવે છે, તેઓને મદદ કરવા સજાગ બનો!ના આ લેખો જુઓ: “જીવનથી કેમ હારવું ન જોઈએ?” (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૪), “જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવે ત્યારે . . .” (એપ્રિલ-જૂન ૨૦૧૨) અને “લાઇફ ઇઝ વર્થ લિવિંગ” (ઑક્ટોબર ૨૨, ૨૦૦૧, અંગ્રેજી).