સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓની લાગણીઓનો વિચાર કરવામાં યહોવાને અનુસરીએ

બીજાઓની લાગણીઓનો વિચાર કરવામાં યહોવાને અનુસરીએ

“જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે.”—ગીત. ૪૧:૧.

ગીતો: ૩૫, ૫૦

૧. કઈ રીતે યહોવાના ભક્તો એકબીજા માટે પ્રેમ બતાવે છે?

દુનિયાભરમાં યહોવાના ભક્તો એક કુટુંબનો ભાગ છે. તેઓ એકબીજા માટે ભાઈ-બહેનો જેવો પ્રેમ બતાવે છે. (૧ યોહા. ૪:૧૬, ૨૧) કેટલીક વાર તેઓ એકબીજા માટે મોટી બાબતો જતી કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ નાની નાની બાબતો દ્વારા એકબીજા માટે પ્રેમ બતાવે છે. દાખલા તરીકે, તેઓ મીઠા શબ્દોથી અને પ્રેમાળ વર્તનથી પ્રેમ જાહેર કરે છે. જ્યારે આપણે બીજાઓનો વિચાર કરીએ છીએ, ત્યારે સ્વર્ગના પિતાને અનુસરીએ છીએ.—એફે. ૫:૧.

૨. ઈસુ કઈ રીતે તેમના પિતાને અનુસર્યા હતા?

ઈસુ પોતાના પિતાને પૂરેપૂરી રીતે અનુસરતા હતા. તેમણે કહ્યું: “ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.” (માથ. ૧૧:૨૮, ૨૯) જ્યારે ઈસુને અનુસરીએ છીએ અને “દરિદ્રીની ચિંતા” કરીએ છીએ, ત્યારે આપણે યહોવાને ખુશ કરીએ છીએ. એનાથી આપણને પણ ખુશી મળે છે. (ગીત. ૪૧:૧) આ લેખમાં શીખીશું કે કુટુંબમાં, મંડળમાં અને સેવાકાર્યમાં આપણે કઈ રીતે બીજાઓનો વિચાર કરી શકીએ.

કુટુંબમાં બીજાઓનો વિચાર કરીએ

૩. પતિ કઈ રીતે પત્નીની લાગણીઓનો વિચાર કરી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પતિઓએ પોતાના કુટુંબની કાળજી લેવામાં સારો દાખલો બેસાડવો જોઈએ. (એફે. ૫:૨૫; ૬:૪) બાઇબલ કહે છે કે પતિઓએ પોતાની પત્નીઓનો વિચાર કરવાની અને તેઓને સમજવાની જરૂર છે. (૧ પીત. ૩:૭, ફૂટનોટ) એક સમજુ પતિ સારી રીતે જાણે છે કે અમુક બાબતોમાં તે પોતાની પત્નીથી ઘણો અલગ છે, પણ તેનાથી ચઢિયાતો નથી. (ઉત. ૨:૧૮) તે પત્નીની લાગણીઓનો વિચાર કરે છે અને તેની સાથે માનથી વર્તે છે. કેનેડાનાં એક બહેન પોતાના પતિ વિશે જણાવે છે: ‘તે હંમેશાં મારી લાગણીઓનું ધ્યાન રાખે છે અને ક્યારેય એમ કહેતા નથી કે “તને બહુ એવું લાગે છે!” તે મારી વાત ધ્યાનથી સાંભળે છે. જ્યારે મારા વિચારોમાં સુધારો કરવાની જરૂર હોય, ત્યારે તે પ્રેમથી જણાવે છે.’

૪. બીજી સ્ત્રીઓ સાથેના વ્યવહારમાં પતિએ કઈ રીતે પત્નીનો વિચાર કરવો જોઈએ?

જે પતિ પોતાની પત્નીની લાગણીઓનો વિચાર કરતો હશે, તે બીજી સ્ત્રીઓ સાથે ચેનચાળા કરશે નહિ કે તેઓને ખોટી નજરે જોશે નહિ. તે બીજી કોઈ સ્ત્રીનો પ્રેમ મેળવવા સોશિયલ મીડિયા પર ફાંફાં મારશે નહિ. તે અશ્લીલ વેબસાઇટથી દૂર રહેશે. (અયૂ. ૩૧:૧) તે પોતાની પત્નીને વફાદાર રહેશે, કારણ કે તે પોતાની પત્નીને અને યહોવાને પ્રેમ કરે છે અને ખોટી બાબતોને ધિક્કારે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૧૪; ૯૭:૧૦ વાંચો. *

૫. પત્ની કઈ રીતે પતિની લાગણીઓનો વિચાર કરી શકે?

પતિઓએ ઈસુના પ્રેમાળ દાખલાને અનુસરવું જોઈએ. પતિ એમ કરે છે ત્યારે, તેમને “પૂરા દિલથી માન” આપવું પત્ની માટે સહેલું બની જાય છે. (એફે. ૫:૨૨-૨૫, ૩૩) જો તે પતિને માન આપતી હશે, તો તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશે. વધુમાં, પતિ મંડળના કામમાં વ્યસ્ત હોય કે બીજી સમસ્યાઓ હાથ ધરતા હોય ત્યારે પણ, તે તેમની સાથે પ્રેમથી વર્તશે. બ્રિટનના એક પતિ કહે છે: ‘કોઈ વાર મારી પત્ની મારા હાવભાવ પરથી પારખી જાય છે કે મારા મનમાં કંઈક ગડમથલ ચાલી રહી છે. એ સમયે તે નીતિવચનો ૨૦:૫માં આપેલો સિદ્ધાંત લાગુ પાડે છે. અમુક બાબતો ખાનગી હોતી નથી, હું તેની સાથે ચર્ચા કરી શકું છું. પણ હું જણાવું નહિ ત્યાં સુધી તે ધીરજથી રાહ જુએ છે અને મારા મનના વિચારો “બહાર કાઢી” લાવે છે.’

૬. આપણે બધા કઈ રીતે બાળકોને ઉત્તેજન આપી શકીએ કે તેઓ બીજાઓનો વિચાર કરે અને પ્રેમથી વર્તે? એનાથી બાળકોને કઈ રીતે ફાયદો થશે?

જ્યારે માતા-પિતા એકબીજા સાથે પ્રેમ અને આદરથી વર્તે છે, ત્યારે તેઓ બાળકો માટે સારો દાખલો બેસાડે છે. બાળકોને શીખવવું જોઈએ કે તેઓ બીજાઓનો વિચાર કરે અને પ્રેમથી વર્તે. દાખલા તરીકે, પ્રાર્થનાઘરમાં દોડાદોડી ન કરવી; જમવાનું લેતી વખતે વૃદ્ધોને પહેલી તક આપવી. યાદ રાખો, મંડળની દરેક વ્યક્તિ માતા-પિતાને ટેકો આપી શકે છે. આપણે બાળકોનાં સારાં કામ માટે તેઓની પ્રશંસા કરવી જોઈએ. જેમ કે, તેઓ આપણા માટે દરવાજો ખોલે ત્યારે તેઓનાં વખાણ કરવા જોઈએ. એનાથી બાળકો ખુશ થશે અને તેઓ શીખશે કે, “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.

મંડળમાં બીજાઓનો વિચાર કરીએ

૭. ઈસુએ કઈ રીતે બહેરા માણસની લાગણીઓનો વિચાર કર્યો અને એમાંથી આપણે શું શીખી શકીએ?

એક દિવસ ઈસુ દકાપોલીસના પ્રદેશમાં હતા. એ વખતે “લોકો તેમની પાસે એક માણસને લઈ આવ્યા, જે બહેરો હતો અને બરાબર બોલી શકતો ન હતો.” (માર્ક ૭:૩૧-૩૫) ઈસુએ તેને સાજો કર્યો પણ બીજાઓની સામે નહિ. કેમ? કારણ કે એ માણસ સાંભળી શકતો ન હતો. એટલે બની શકે કે મોટાં ટોળાંને લીધે તે ગભરાઈ ગયો હોત. ઈસુ તેની લાગણીઓ સમજ્યા અને ‘તેને ટોળાથી દૂર લઈ ગયા.’ આજુબાજુ કોઈ ન હતું, એવી જગ્યાએ લઈ જઈને તેને સાજો કર્યો. ખરું કે, આપણે ચમત્કારો કરી શકતા નથી, પણ આપણે ભાઈ-બહેનોની જરૂરિયાતો તથા લાગણીઓનો વિચાર કરવો જોઈએ અને દયા બતાવવી જોઈએ. પ્રેરિત પાઊલે લખ્યું: “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ.” (હિબ્રૂ. ૧૦:૨૪) ઈસુએ એ માણસની લાગણીઓનો વિચાર કર્યો અને તેની સાથે પ્રેમથી વર્ત્યા. આપણા માટે કેવો સરસ દાખલો!

૮, ૯. વૃદ્ધ અને અપંગ ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? દાખલા આપો.

વૃદ્ધો અને અપંગ લોકોનો વિચાર કરીએ. ખ્રિસ્તી મંડળનાં ભાઈ-બહેનો કેટલું કામ કરે છે એ મહત્ત્વનું નથી, પણ કેટલો પ્રેમ બતાવે છે એ મહત્ત્વનું છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) ભાઈ-બહેનો માટેના પ્રેમને લીધે આપણે વૃદ્ધ અને અપંગ ભાઈ-બહેનોને સભા અને પ્રચારમાં આવવા-જવા મદદ કરીશું, પછી ભલેને એમ કરવું આપણા માટે અઘરું કેમ ન હોય. તેઓ વધારે હરીફરી શકતા ન હોય, તોપણ આપણે તેઓને મદદ કરવી જોઈએ. (માથ. ૧૩:૨૩) માઇકલે વ્હિલચૅરનો સહારો લેવો પડે છે. કુટુંબ અને મંડળ તરફથી તેમને જે મદદ મળે છે, એ માટે તે ખૂબ આભારી છે. તે કહે છે: ‘તેઓની મદદ દ્વારા હું મોટા ભાગની સભાઓમાં જઈ શકું છું અને પ્રચારમાં નિયમિત રીતે ભાગ લઈ શકું છું. મને જાહેર જગ્યાઓએ ખુશખબર ફેલાવવી ગમે છે.’

બેથેલમાં ઘણાં વફાદાર ભાઈ-બહેનો છે, જેઓ વૃદ્ધ અને અશક્ત છે. તેઓ પત્ર કે ફોન દ્વારા ખુશખબર ફેલાવી શકે એ માટે બેથેલના નિરીક્ષકો ગોઠવણ કરે છે. આમ, તેઓ વૃદ્ધ ભાઈ-બહેનો માટે પ્રેમ બતાવે છે. ૮૬ વર્ષના ભાઈ બીલ દૂરના વિસ્તારમાં પત્ર દ્વારા ખુશખબર ફેલાવે છે. એ વિશે તે જણાવે છે, ‘પત્ર દ્વારા બીજાઓને ખુશખબર જણાવવાનો અમને લહાવો મળ્યો છે, જેની અમે ખૂબ કદર કરીએ છીએ.’ બહેન નેન્સી લગભગ ૯૦ વર્ષનાં છે, તે જણાવે છે: ‘પત્ર દ્વારા પ્રચાર કરવાનો એવો અર્થ નથી કે ફક્ત પરબીડિયાં મોકલવા. એ તો ખુશખબર ફેલાવવાનું કામ છે. એ સત્ય લોકોના દિલ સુધી આપણે પહોંચાડવાનું છે.’ બહેન ઇથેલ ૧૯૨૧માં જન્મ્યાં હતાં, તે કહે છે: ‘પીડા તો મારા જીવનનો એક ભાગ છે. અમુક વાર તૈયાર થવામાં પણ મને ઘણી તકલીફ પડે છે.’ આવા પડકારો છતાં, તેમને ફોન દ્વારા ખુશખબર ફેલાવવી ગમે છે. અરે, તેમને અમુક ફરી મુલાકાતો પણ મળી છે. ૮૫ વર્ષનાં બાર્બરા બહેન જણાવે છે: ‘તબિયત સારી રહેતી ન હોવાથી નિયમિત રીતે પ્રચારમાં જવું મારા માટે મુશ્કેલ હોય છે. પણ ફોન દ્વારા હું બીજાઓને ખુશખબર જણાવી શકું છું. એ માટે હું યહોવાનો આભાર માનું છું!’ ચાલો, વૃદ્ધ ભાઈ-બહેનોના એક જૂથે સેવાકાર્યમાં કરેલી મહેનત વિશે જોઈએ. તેઓએ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ૬,૨૬૫ પત્રો લખ્યા, ૨,૦૦૦થી વધારે ફોન કર્યા, ૬,૩૧૫ સાહિત્ય આપ્યાં અને એમ કરવા તેઓએ ૧,૨૨૮ કલાકો વિતાવ્યા. આપણને ખાતરી છે કે તેઓના પ્રયત્નોથી યહોવા ઘણા ખુશ થયા હશે!—નીતિ. ૨૭:૧૧.

૧૦. ભાઈ-બહેનો સભામાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકે માટે આપણે શું કરી શકીએ?

૧૦ સભાઓમાં બીજાઓનો વિચાર કરીએ. આપણે ચાહીએ છીએ કે ભાઈ-બહેનો સભામાંથી પૂરેપૂરો ફાયદો મેળવે. એ માટે આપણે તેઓને મદદ કરીશું. કઈ રીતે? એક રીત છે, સભામાં સમયસર આવીએ, જેથી તેઓનું ધ્યાન ફંટાય ન જાય. અમુક વાર અણધારી બાબતોને લીધે કદાચ મોડું થઈ જાય. પરંતુ આપણે દર વખતે મોડા આવતા હોઈએ તો, આનો વિચાર કરવો જોઈએ: “હું મોડો આવીશ તો, આપણાં ભાઈ-બહેનો પર એની કેવી અસર પડશે? કેવા ફેરફારો કરીને બતાવી શકું કે મને ભાઈ-બહેનોની ચિંતા છે?” ભૂલીએ નહિ કે, યહોવા અને ઈસુ આપણને સભામાં આવવાનું આમંત્રણ આપે છે. (માથ. ૧૮:૨૦) સમયસર પ્રાર્થનાઘરમાં પહોંચીને આપણે તેઓને માન આપવું જોઈએ.

૧૧. જે ભાઈઓના સભામાં ભાગ હોય, તેઓએ શા માટે ૧ કોરીંથીઓ ૧૪:૪૦માં આપેલી સલાહ લાગુ પાડવી જોઈએ?

૧૧ જો આપણે ભાઈ-બહેનોનો વિચાર કરતા હોઈશું, તો બાઇબલની આ સલાહ પાળીશું: “બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.” (૧ કોરીં. ૧૪:૪૦) જે ભાઈઓના સભામાં ભાગ હોય છે, તેઓ સમયસર પોતાનો ભાગ પૂરો કરીને એ સલાહ પાળે છે. આમ, તેઓ આવનાર વક્તાનો જ નહિ, પણ આખા મંડળનો વિચાર કરે છે. જરા વિચારો કે, જો સભા પૂરી થવામાં વાર લાગે, તો બીજાઓ પર એની કેવી અસર પડશે. અમુક ભાઈ-બહેનોનું ઘર દૂર હોવાથી તેઓએ લાંબો સમય સુધી વાહન ચલાવવું પડે છે. બીજાઓએ બસ કે ટ્રેન પકડવાની હોય છે. અમુકના લગ્નસાથી સત્યમાં ન હોવાથી, એવી અપેક્ષા રાખે છે કે તેમનું સાથી સમયસર ઘરે આવે.

૧૨. વડીલો શા માટે આપણા માન અને પ્રેમના હકદાર છે? (“ આગેવાની લેનારાઓની લાગણીનો વિચાર કરીએ” બૉક્સ જુઓ.)

૧૨ મંડળમાં અને સેવાકાર્યમાં વડીલો તનતોડ મહેનત કરે છે, એટલે તેઓ આપણા માન અને પ્રેમના હકદાર છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨, ૧૩ વાંચો.) તેઓ જે કરે છે એ માટે તમે ચોક્કસ આભારી હશો. એ બતાવવા તમે રાજીખુશીથી તેઓની સલાહ પાળી શકો અને ટેકો આપી શકો. યાદ રાખો, “તેઓ હિસાબ આપનારાઓની જેમ તમારું ધ્યાન રાખે છે.”—હિબ્રૂ. ૧૩:૭, ૧૭.

સેવાકાર્યમાં બીજાઓનો વિચાર કરીએ

૧૩. ઈસુ જે રીતે લોકો સાથે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ યશાયાએ ઈસુ વિશે ભવિષ્યવાણી કરી હતી: “છુંદાએલા બરૂને તે ભાંગી નાખશે નહિ, અને મંદમંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ.” (યશા. ૪૨:૩) લોકો માટે પ્રેમ હોવાથી ઈસુ તેઓને કરુણા બતાવી શક્યા. અમુક લોકો “છુંદાએલા બરૂ” અને “મંદમંદ સળગતી દિવેટ” જેવા, એટલે કે નિરાશ અને અશક્ત હતા. ઈસુ તેઓની લાગણીઓ સારી રીતે સમજતા હતા. તેથી, ઈસુ તેઓ સાથે દયા અને ધીરજથી વર્ત્યા. અરે, બાળકોને પણ ઈસુ સાથે રહેવું ખૂબ ગમતું હતું. (માર્ક ૧૦:૧૪) ખરું કે, ઈસુની જેમ આપણે લોકોને સમજી કે શીખવી શકતા નથી. પણ આપણા વિસ્તારના લોકોની લાગણીઓનો આપણે વિચાર કરી શકીએ છીએ. આપણે આવી બાબતો પર ધ્યાન આપી શકીએ: તેઓ સાથે કઈ રીતે, ક્યારે અને કેટલો સમય વાત કરીશું, એનો વિચાર કરવો જોઈએ.

૧૪. લોકો સાથે વાત કરીએ ત્યારે, કઈ ખાસ બાબતનું ધ્યાન રાખવું જોઈએ?

૧૪ લોકો સાથે કઈ રીતે વાત કરવી જોઈએ? વેપારીઓ, ધર્મગુરુઓ અને નેતાઓ ભ્રષ્ટ અને ક્રૂર થઈ ગયા છે. એના લીધે આજે લાખો લોકો “સતાવાયેલા અને નિરાધાર” થઈ ગયા છે. (માથ. ૯:૩૬) પરિણામે, આજે લોકોનો એકબીજા પરથી ભરોસો ઊઠી ગયો છે અને તેઓની આશા મરી પરવારી છે. એટલે આપણાં શબ્દો અને વાતચીતની ઢબથી દેખાઈ આવવું જોઈએ કે, આપણે દયાળુ છીએ અને તેઓની ચિંતા કરીએ છીએ. આપણે બાઇબલનો સારી રીતે ઉપયોગ કરીએ છીએ ફક્ત એટલે જ નહિ, પણ આપણે લોકોમાં ઊંડો રસ બતાવીએ છીએ અને માન આપીએ છીએ, તેથી તેઓ સંદેશો સાંભળે છે.

૧૫. કઈ રીતે આપણા વિસ્તારના લોકોનો વિચાર કરી શકીએ?

૧૫ એવી ઘણી રીતો છે, જેના દ્વારા આપણા વિસ્તારના લોકોનો આપણે વિચાર કરી શકીએ છીએ. સવાલો પૂછતી વખતે પ્રેમ અને આદર બતાવવા જોઈએ. એક પાયોનિયર ભાઈનો વિચાર કરો. તેમના વિસ્તારના લોકો શરમાળ છે. તેઓને જવાબ ન આવડે એવા સવાલો પૂછવાથી તેઓ વધારે શરમાઈ જઈ શકે. તેથી, ભાઈ એવા સવાલો પૂછવાનું ટાળે છે. તે એમ પૂછતા નથી કે, ‘શું તમે ઈશ્વરનું નામ જાણો છો?’ અથવા ‘શું તમે ઈશ્વરના રાજ્ય વિશે જાણો છો?’ એને બદલે, તે આવું કંઈક કહે છે: ‘મને બાઇબલમાંથી ઈશ્વરનું નામ જાણવા મળ્યું છે. શું હું તમને એ નામ બતાવી શકું?’ અલગ અલગ લોકો અને જુદી જુદી સંસ્કૃતિ હોવાથી બધી જગ્યાએ આ રીત અજમાવી શકાય નહિ. પણ આપણા વિસ્તારના લોકો સાથે આપણે હંમેશાં પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ. એમ કરવા જરૂરી છે કે આપણે તેઓને સારી રીતે ઓળખીએ.

૧૬, ૧૭. (ક) લોકોનો વિચાર કરતા હોઈશું તો તેઓને કયા સમયે મળીશું? (ખ) લોકોનો વિચાર કરતા હોઈશું તો તેઓ સાથે કેટલો સમય વાત કરીશું?

૧૬ લોકોને કયા સમયે મળવું જોઈએ? લોકોને ખબર હોતી નથી કે આપણે પ્રચાર માટે તેઓના ઘરે આવવાના છીએ. એટલે એવા સમયે લોકોના ઘરે જઈએ, જ્યારે તેઓ આરામથી વાત કરી શકે. (માથ. ૭:૧૨) દાખલા તરીકે, શું તમારા વિસ્તારના લોકોને શનિ-રવિમાં મોડે સુધી ઊંઘવું ગમે છે? તો પછી, એ દિવસોએ ઘરઘરનું પ્રચાર કાર્ય શરૂ કરતાં પહેલાં તમે આમ કરી શકો: રસ્તા પર કે જાહેર જગ્યામાં પ્રચાર કરી શકો અથવા વ્યક્તિ વાત કરવા તૈયાર હોય એવી ફરી મુલાકાત કરી શકો.

૧૭ લોકો સાથે કેટલો સમય વાત કરવી જોઈએ? લોકો વ્યસ્ત હોય છે, એટલે સારું રહેશે કે આપણી મુલાકાત ટૂંકી રાખીએ. ખાસ કરીને, પહેલી વાર જઈએ ત્યારે. લાંબી લાંબી વાત કરવાને બદલે આપણી વાતચીત જલદી પૂરી કરવી જોઈએ. (૧ કોરીં. ૯:૨૦-૨૩) લોકો વ્યસ્ત હોય છે, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એમ કરીશું તો તેઓ એ સાફ જોઈ શકશે અને બીજી વાર મળીએ ત્યારે તેઓ વાત કરવા સમય આપશે. જો ઈશ્વરની શક્તિથી ઉત્પન્ન થતા ગુણો બતાવીશું, તો આપણે ખરા અર્થમાં “ઈશ્વરના સાથી કામદારો” બની શકીશું. આમ, કોઈને સત્ય શીખવવા યહોવા કદાચ આપણો પણ ઉપયોગ કરે!—૧ કોરીં. ૩:૬, ૭, ૯.

૧૮. આપણે બીજાઓની લાગણીઓનો વિચાર કરીએ છીએ ત્યારે, કેવા આશીર્વાદોની ઝંખના રાખી શકીએ?

૧૮ કુટુંબીજનો, ભાઈ-બહેનો અને સેવાકાર્યમાં મળનાર લોકોની લાગણીઓનો વિચાર કરવા આપણે બનતું બધું કરીએ. એમ કરીશું તો હમણાં અને ભાવિમાં આપણને અઢળક આશીર્વાદો મળશે. એ વિશે ગીતશાસ્ત્ર ૪૧:૧, ૨ જણાવે છે: “જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે. યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે; તે પૃથ્વી પર સુખી થશે.”

^ ફકરો. 4 ગીતશાસ્ત્ર ૯૭:૧૦ (કોમન લેંગ્વેજ): “દુષ્ટતાને ધિક્કારનારાઓને પ્રભુ ચાહે છે, તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે; અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવે છે.”