સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૫

નમ્ર ભક્તો યહોવાની નજરે કીમતી છે!

નમ્ર ભક્તો યહોવાની નજરે કીમતી છે!

‘યહોવા નમ્ર લોકો પર ધ્યાન આપે છે.’—ગીત. ૧૩૮:૬.

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

ઝલક *

૧. યહોવાની નજરે નમ્ર લોકો કેવા છે? સમજાવો.

યહોવાને નમ્ર લોકો ગમે છે. જેઓ ખરેખર નમ્ર છે, તેઓ જ યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી શકે છે. પણ ‘ગર્વિષ્ઠોને તો તે દૂરથી ઓળખે છે.’ (ગીત. ૧૩૮:૬) આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. તેમનો પ્રેમ અનુભવવા માંગીએ છીએ. એટલે આપણે નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આપણે આ સવાલોની ચર્ચા કરીશું: (૧) નમ્રતા એટલે શું? (૨) આપણે શા માટે નમ્રતા કેળવવી જોઈએ? (૩) કેવા સંજોગોમાં નમ્ર બનવું અઘરું બની શકે? એ પણ જોઈશું કે નમ્રતા કેળવવાથી આપણે યહોવાને ખુશ કરી શકીશું અને આપણને પણ ફાયદો થશે.—નીતિ. ૨૭:૧૧; યશા. ૪૮:૧૭.

નમ્રતા એટલે શું?

૩. નમ્રતા એટલે શું?

નમ્રતા એટલે પોતાને ચઢિયાતા ન ગણવું અને ઘમંડ કે અભિમાન ન રાખવું. નમ્ર વ્યક્તિ સારી રીતે જાણે છે કે યહોવા ઘણા ચઢિયાતા છે. તે બીજાઓને માન આપે છે. નમ્ર વ્યક્તિને ખબર છે કે બીજાઓ તેના કરતાં એક કે બીજી રીતે ચઢિયાતા છે.—ફિલિ. ૨:૩, ૪.

૪-૫. શા પરથી કહી શકાય કે અમુક લોકો બહારથી નમ્ર દેખાતા હોય પણ ખરેખર હોતા નથી?

અમુક લોકો બહારથી નમ્ર લાગતા હોય. બની શકે કે તેઓ શરમાળ સ્વભાવના હોય. અમુક લોકો બીજાઓ સાથે માન અને નમ્રતાથી વર્તે છે, કારણ કે તેઓને નાનપણથી એવું જ શીખવવામાં આવ્યું હોય. પણ હકીકતમાં તેઓ ઘમંડી હોય. આજે નહિ તો કાલે, તેઓનો અસલી રંગ દેખાઈ આવે છે.—લુક ૬:૪૫.

બીજી બાજુ, અમુક લોકોમાં ઘણો આત્મવિશ્વાસ હોય છે અને પોતાના વિચારો સીધેસીધા જણાવતા હોય છે. પણ એનો અર્થ એમ નથી કે તેઓ ઘમંડી હોય. (યોહા. ૧:૪૬, ૪૭) એવા લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પોતાની આવડત પર વધારે પડતો ભરોસો ન રાખે. ભલે આપણે શરમાળ હોઈએ કે ન હોઈએ, આપણે બધાએ નમ્ર બનવા મહેનત કરવી જોઈએ.

પ્રેરિત પાઊલ નમ્ર હતા અને પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા ન હતા(ફકરો ૬ જુઓ) *

૬. પહેલો કોરીંથીઓ ૧૫:૧૦ પ્રમાણે આપણે પાઊલના દાખલામાંથી શું શીખી શકીએ?

ચાલો પ્રેરિત પાઊલ વિશે જોઈએ. એક પછી એક શહેરોમાં નવાં મંડળો બનાવવા યહોવાએ પાઊલનો ઘણો ઉપયોગ કર્યો હતો. ઈસુ ખ્રિસ્તના બીજા કોઈ શિષ્યએ સેવાકાર્યમાં તેમના જેટલું કર્યું નહિ હોય. તેમ છતાં પાઊલ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા ન હતા. તેમણે નમ્રતાથી કહ્યું: “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.” (૧ કોરીં. ૧૫:૯) પછી પાઊલે યહોવા સાથેના સારા સંબંધનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે પોતાનાં કામો કે ગુણોને લીધે નહિ, પણ ઈશ્વરની અપાર કૃપાને લીધે એ શક્ય બન્યું છે. (૧ કોરીંથીઓ ૧૫:૧૦ વાંચો.) કોરીંથીઓને લખેલા પત્રમાં પાઊલે પોતાના વિશે બડાઈ હાંકી નહિ. એ મંડળના અમુક લોકો પોતાને પાઊલ કરતાં ચઢિયાતા ગણતા હતા, તોપણ તેમણે નમ્રતા બતાવી. નમ્રતાનો કેટલો સુંદર દાખલો!—૨ કોરીં. ૧૦:૧૦.

નિયામક જૂથના સભ્ય કાર્લ ક્લેઈન નમ્ર હતા (ફકરો ૭ જુઓ)

૭. આજના સમયના એક ભાઈએ બતાવેલી નમ્રતાનો દાખલો આપો.

કાર્લ ક્લેઈનની જીવન સફરથી ઘણાં ભાઈ-બહેનોને ઉત્તેજન મળ્યું છે. તે નિયામક જૂથના સભ્ય હતા. જીવન સફરમાં ભાઈએ નમ્રતાથી કબૂલ કર્યું કે વર્ષો દરમિયાન તેમણે અમુક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એનો દાખલો આપતા તેમણે જણાવ્યું કે ૧૯૨૨માં પહેલી વાર તે ઘર-ઘરના પ્રચારમાં ગયા હતા. એ કામ તેમને ખૂબ અઘરું લાગ્યું. બે વર્ષ સુધી તેમણે ઘર-ઘરનું પ્રચારકામ કરવાનું નામ જ ના લીધું! બીજો દાખલો તેમના બેથેલ જીવન વિશે છે. એક ભાઈએ તેમને સલાહ આપી ત્યારે, તે એ ભાઈથી ઘણા નારાજ થયા. એક વાર તે ઘણા નિરાશ થઈ ગયા. પછી તે એમાંથી બહાર આવ્યા. આવા પડકારો છતાં જીવન દરમિયાન તેમને ઘણા લહાવાઓ મળ્યા. તે ઘણા જાણીતા હતા છતાં તેમણે પોતાની નબળાઈઓ છુપાવી નહિ. જરા વિચારો, કાર્લભાઈમાં કેટલી નમ્રતા હતી! કાર્લભાઈ અને તેમની જીવન સફર * ઘણાં ભાઈ-બહેનોને હજીયે યાદ છે.

આપણે શા માટે નમ્રતા કેળવવી જોઈએ?

૮. નમ્રતા બતાવવાથી યહોવા ખુશ થાય છે એ વિશે પહેલો પીતર ૫:૬ શું કહે છે?

આપણે નમ્રતા કેળવીએ છીએ, એનું સૌથી મોટું કારણ છે કે યહોવા એનાથી ખુશ થાય છે. એ વાત પ્રેરિત પીતરના શબ્દોમાં સાફ જોવા મળે છે. (૧ પીતર ૫:૬ વાંચો.) “કમ બી માય ફોલોઅર” પુસ્તક પીતરના શબ્દો વિશે જણાવે છે: ‘ઘમંડ તો ઝેર જેવું છે. એનાથી ખરાબ પરિણામ આવે છે. ઘમંડી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલી આવડત હોય, ઈશ્વરની નજરે એ નકામી છે. ભલે નમ્ર વ્યક્તિ પાસે ઓછી આવડત હોય, પણ યહોવાની નજરે એ કીમતી છે. નમ્રતા બતાવીશું તો યહોવા આપણને ખુશીથી આશીર્વાદ આપશે.’ * યહોવાના દિલને ખુશ કરવું, એ જ આપણા માટે સૌથી મહત્ત્વનું છે.—નીતિ. ૨૩:૧૫.

૯. જો આપણે નમ્ર હોઈશું તો કઈ રીતે લોકો આપણી નજીક આવશે?

નમ્રતા બતાવવાથી યહોવા ખુશ થાય છે, આપણને પણ ઘણા ફાયદા થાય છે. જો આપણે નમ્ર હોઈશું તો લોકો આપણી નજીક આવશે. એ માટે પોતાને તેઓની જગ્યાએ મૂકીને જોઈએ, તેઓના સંજોગો સમજીએ. (માથ. ૭:૧૨) જેઓ પોતાના મનનું ધાર્યું કરતા હોય અને બીજાઓની સલાહ સાંભળતા ન હોય, એવા લોકો આપણને ગમતા નથી. પણ જેઓ “સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ અને નમ્ર” હશે, એવાં ભાઈ-બહેનો સાથે આપણને ખુશી મળે છે. (૧ પીત. ૩:૮) નમ્ર લોકોને મિત્ર બનાવવાનું આપણને ગમે છે. એવી જ રીતે, આપણે નમ્ર હોઈશું તો લોકોને પણ આપણી સાથે મિત્રતા કરવાનું ગમશે.

૧૦. નમ્રતા રાખીશું તો કેમ જીવનમાં ઓછી મુશ્કેલીઓ આવશે?

૧૦ નમ્રતા રાખીશું તો જીવનમાં ઓછી મુશ્કેલીઓ આવશે. દુનિયામાં ઘણી વખત આપણે અન્યાય થતા જોઈએ છીએ, કદાચ એવું આપણી સાથે થાય કે બીજાઓ સાથે. બુદ્ધિમાન રાજા સુલેમાને પણ કહ્યું હતું: “મેં ચાકરોને ઘોડે ચઢેલા અને અમીરોને ચાકર તરીકે જમીન પર પગે ચાલતા જોયા છે.” (સભા. ૧૦:૭) જેઓ પાસે ઘણી આવડત હોય, હંમેશાં તેઓની કદર થતી નથી. અમુક વાર એવું પણ બને કે જેઓ પાસે ઓછી આવડત હોય તેઓની ઘણી કદર થાય. રાજા સુલેમાને પણ જણાવ્યું હતું કે ખરાબ સંજોગોને લીધે નિરાશ થવાને બદલે હકીકત સ્વીકારીએ. (સભા. ૬:૯) નમ્ર હોઈશું તો જીવન જેવું છે એવું જ સ્વીકારીશું. જીવન કેવું હોવું જોઈએ, એના સપના જોવા નહિ બેસી જઈએ.

કેવા સંજોગોમાં નમ્ર બનવું અઘરું બની શકે?

આવા સંજોગોમાં નમ્ર રહેવું શા માટે અઘરું લાગી શકે? (ફકરા ૧૧-૧૨ જુઓ) *

૧૧. સલાહ મળે ત્યારે આપણે કઈ રીતે વર્તવું જોઈએ?

૧૧ દરરોજ નમ્રતા બતાવવાની આપણને કેટલીયે સોનેરી તક મળે છે. ચાલો અમુક સંજોગોનો વિચાર કરીએ. જેમ કે, આપણને સલાહ મળે ત્યારે. જો કોઈ આપણને સલાહ આપવાનો પ્રયત્ન કરે, તો એનો અર્થ કે આપણે ચોક્કસ મોટી ભૂલ કરી હશે. બની શકે કે, આપણને એ ભૂલ નાની-સૂની લાગતી હશે. કદાચ આપણને એ સલાહ નકારી કાઢવાનું મન થાય. આપણે કદાચ સલાહ આપનાર વ્યક્તિની ટીકા કરવા લાગીએ. તેમની કહેવાની રીતમાં ભૂલો શોધવા લાગીએ. પણ જો આપણે નમ્ર હોઈશું, તો એવા સમયે યોગ્ય વલણ રાખવાનો પ્રયત્ન કરીશું.

૧૨. સલાહ મળે ત્યારે શા માટે એની કદર કરવી જોઈએ? સમજાવો.

૧૨ નમ્ર વ્યક્તિ સલાહની કદર કરે છે. કલ્પના કરો કે, તમે સભામાં ગયા છો. તમે ભાઈ-બહેનો સાથે વાત કરી રહ્યા છો. કોઈ ભાઈ કે બહેન તમને એક બાજુ લઈ જાય છે. પછી તે ધીમેથી કહે છે કે તમારા દાંતમાં ખોરાક ભરાયેલો છે. એ સાંભળીને તમને શરમ આવશે, ખરું ને! પણ એ વાત કહેવા માટે તમે તેમનો આભાર માનશો. અરે, તમે તો એવું વિચારશો કે મને કોઈએ પહેલાં કેમ કહ્યું નહિ! એવી જ રીતે, કોઈ ભાઈ કે બહેન આપણને જરૂરી સલાહ આપે તો નમ્રતાથી એનો સ્વીકાર કરીએ. એ વ્યક્તિને દુશ્મન નહિ, પણ મિત્ર ગણીએ.—નીતિવચનો ૨૭:૫, ૬ વાંચો; ગલા. ૪:૧૬.

બીજાઓને સોંપણી મળે ત્યારે શા માટે નમ્રતાની જરૂર પડે છે? (ફકરા ૧૩-૧૪ જુઓ) *

૧૩. મંડળમાં બીજાઓને સોંપણી મળે ત્યારે આપણે કઈ રીતે નમ્રતા બતાવી શકીએ?

૧૩ બીજાઓને સોંપણી મળે ત્યારે. જેસન નામના વડીલ જણાવે છે, ‘બીજાઓને સોંપણી મળે ત્યારે અમુક વાર મને લાગે છે કે મને કેમ એ સોંપણી મળતી નથી.’ શું તમને પણ ક્યારેય એવું લાગ્યું છે? યહોવાની સેવામાં સોંપણી મેળવવા “મહેનત” કરવી કંઈ ખોટું નથી. (૧ તિમો. ૩:૧) પણ આપણે વિચારો પર લગામ રાખવી જોઈએ. જો આપણે ધ્યાન નહિ રાખીએ, તો ઘમંડ આપણા દિલમાં પગપેસારો કરી જશે. દાખલા તરીકે, એક ભાઈને લાગે કે કોઈ સોંપણી માટે તો પોતે જ યોગ્ય છે. એક પત્ની કદાચ વિચારે કે, ‘ફલાણાં ફલાણાં કરતાં તો મારા પતિ એ સોંપણી માટે વધારે લાયક છે.’ જો આપણે નમ્ર હોઈશું, તો એવા ઘમંડી વિચારોથી દૂર રહીશું.

૧૪. બીજાઓને સોંપણી મળી ત્યારે મુસા જે રીતે વર્ત્યા એમાંથી શું શીખવા મળે છે?

૧૪ બીજાઓને સોંપણી મળે ત્યારે કઈ રીતે વર્તવું જોઈએ, એ વિશે ચાલો મુસા પાસેથી શીખીએ. મુસાને ઇઝરાયેલી પ્રજાની આગેવાની લેવાની સોંપણી મળી હતી, જેની તે ખૂબ કદર કરતા હતા. યહોવાએ અમુક લોકોને મુસા સાથે કામ કરવાની સોંપણી આપી ત્યારે, મુસાને કેવું લાગ્યું? તેમણે ઈર્ષા કરી નહિ. (ગણ. ૧૧:૨૪-૨૯) તેમણે નમ્રતા બતાવી અને લોકોનો ન્યાય કરવાના કામમાં બીજાઓની મદદ લીધી. (નિર્ગ. ૧૮:૧૩-૨૪) આમ, મુશ્કેલીઓનો હલ લાવવા ઇઝરાયેલીઓને વધારે ન્યાયાધીશો મળ્યા. એટલે તેઓએ ન્યાય મેળવવા માટે વધુ રાહ જોવી પડતી નહિ. એ બતાવે છે કે મુસાને મન લોકો મહત્ત્વના હતા, પોતાનો લહાવો નહિ! આપણા માટે કેવો સુંદર દાખલો! યાદ રાખીએ કે, યહોવાની સેવામાં આપણા માટે આવડત કરતાં નમ્રતા વધારે મહત્ત્વની હોવી જોઈએ. ‘યહોવા મહાન છે, તોપણ તે નમ્ર લોકો પર ધ્યાન આપે છે.’—ગીત. ૧૩૮:૬.

૧૫. અમુકે કેવા સંજોગોનો સામનો કરવો પડ્યો છે?

૧૫ નવા સંજોગોનો સામનો કરવો પડે ત્યારે. દાયકાઓથી સેવા કરનાર ઘણાં ભાઈ-બહેનોની સોંપણી તાજેતરનાં વર્ષોમાં બદલાઈ છે. દાખલા તરીકે, ૨૦૧૪માં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકો અને તેમની પત્નીઓને પૂરા સમયની બીજી સેવા કરવાનું કહેવામાં આવ્યું હતું. એ જ વર્ષે સંગઠને નક્કી કર્યું કે, સરકીટ નિરીક્ષક ૭૦ વર્ષના થાય પછી તે એ સેવા આપી શકશે નહિ. મંડળમાં વડીલોના સેવક તરીકેનું કામ, ૮૦ વર્ષ કે એનાથી વધુ ઉંમરના વડીલ કરી શકશે નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેથેલનાં અમુક ભાઈ-બહેનોને પાયોનિયર તરીકેની સોંપણી આપવામાં આવી છે. તબિયત, કુટુંબની જવાબદારી કે બીજા સંજોગોને લીધે કેટલાંક ભાઈ-બહેનોએ પૂરા સમયની સેવા છોડવી પડી છે.

૧૬. નવા સંજોગોમાં પોતાને ઢાળવા અમુકે કઈ રીતે નમ્રતા બતાવી છે?

૧૬ એ ભાઈ-બહેનો માટે ફેરફારો સ્વીકારવા સહેલું ન હતું. અમુકને જૂની સોંપણી ખૂબ ગમતી હતી, કારણ કે તેઓ વર્ષોથી એ કામ કરી રહ્યાં હતાં. થોડો સમય મનગમતી સોંપણી છોડવાનું દુઃખ સહ્યા પછી, તેઓ નવા સંજોગોમાં પોતાને ઢાળવા લાગ્યા. તેઓએ શા માટે એમ કર્યું? યહોવા માટેના પ્રેમને લીધે. તેઓએ એવું વચન નહોતું આપ્યું કે, કોઈ કામ, પદવી કે સોંપણી મળશે તો જ યહોવાની સેવા કરશે. (કોલો. ૩:૨૩) ભલે કોઈ પણ સોંપણી મળે, તેઓ નમ્રતાથી યહોવાની સેવા કરવા માંગે છે. ઈશ્વર તેઓની કાળજી રાખશે, એ જાણતા હોવાથી ‘તેઓ સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દે છે.’—૧ પીત. ૫:૬, ૭.

૧૭. નમ્ર બનવા બાઇબલ ઉત્તેજન આપે છે, એ માટે આપણે કેમ આભારી છીએ?

૧૭ બાઇબલ આપણને નમ્ર બનવા ઉત્તેજન આપે છે, એ માટે આપણે કેટલા આભારી છીએ! આપણે નમ્રતા બતાવીએ છીએ ત્યારે, આપણી સાથે સાથે બીજાઓને પણ ફાયદો થાય છે. જીવનની મુશ્કેલીઓ સહેવા મદદ મળે છે. સૌથી મહત્ત્વનું તો, સ્વર્ગના પિતા સાથેનો સંબંધ વધુ મજબૂત થાય છે. ઈશ્વર સૌથી ‘ઉચ્ચસ્થાને’ છે, તોપણ પોતાના નમ્ર ભક્તોને પ્રેમ કરે છે અને કીમતી ગણે છે. એ કેટલી ખુશીની વાત કહેવાય!—યશા. ૫૭:૧૫.

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

^ ફકરો. 5 નમ્રતા એક મહત્ત્વનો ગુણ છે, જે આપણે કેળવવો જોઈએ. લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: નમ્રતા એટલે શું? આપણે શા માટે નમ્રતા કેળવવી જોઈએ? કેવા સંજોગોમાં નમ્ર બનવું અઘરું બની શકે?

^ ફકરો. 7 ઑક્ટોબર ૧, ૧૯૮૪ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “જેહોવા હેઝ ડેલ્ટ રિવોર્ડીન્ગલી વિથ મી.

^ ફકરો. 53 ચિત્રની સમજ: એક ઈશ્વરભક્તના ઘરે પ્રેરિત પાઊલ ભાઈ-બહેનો સાથે ખુશીથી વાતો કરી રહ્યા છે, એમાં નાનાં બાળકો પણ છે.

^ ફકરો. 57 ચિત્રની સમજ: યુવાન ભાઈ પાસેથી મળેલી બાઇબલની સલાહ એક ભાઈ સ્વીકારે છે.

^ ફકરો. 59 ચિત્રની સમજ: યુવાન ભાઈને મળેલી જવાબદારીની વૃદ્ધ ભાઈ ઈર્ષા કરતા નથી.