સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૯

‘જુઓ! મોટું ટોળું’

‘જુઓ! મોટું ટોળું’

‘જુઓ! કોઈ માણસ ગણી ન શકે, એટલું મોટું ટોળું રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું.’—પ્રકટી. ૭:૯.

ગીત ૧૪૪ સાંભળો અને બચો

ઝલક *

૧. યોહાનના સંજોગો કેવા હતા?

આશરે ઈસવીસન ૯૫માં પ્રેરિત યોહાન મુશ્કેલ સંજોગોમાં હતા. તે વૃદ્ધ હતા અને પાત્મસ નામના ટાપુ પર હતા. લાગે છે કે મોટા ભાગના પ્રેરિતો મરણ પામ્યા હતા, ફક્ત યોહાન જ જીવતા હતા. (પ્રકટી. ૧:૯) તે જાણતા હતા કે દુશ્મનો મંડળને ખોટા માર્ગે દોરી રહ્યા છે અને મંડળમાં ભાગલા પડી ગયા છે. એમ લાગતું હતું કે, ખ્રિસ્તી મંડળની નાનકડી જ્યોત હોલવાઈ જવાની તૈયારીમાં છે.—યહુ. ૪; પ્રકટી. ૨:૧૫, ૨૦; ૩:૧, ૧૭.

પ્રેરિત યોહાને “મોટું ટોળું” જોયું, જેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા હતા અને જેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી (ફકરો ૨ જુઓ)

૨. પ્રકટીકરણ ૭:૯-૧૪ પ્રમાણે યોહાને કયું દર્શન જોયું? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

યોહાન મુશ્કેલ સંજોગોમાં હતા, એ સમયે ઈશ્વરે તેમને ભાવિ વિશેનું દર્શન બતાવ્યું. એમાં ચાર દૂતોને જણાવવામાં આવે છે કે, ઈશ્વરભક્તોના સમૂહ પર છેલ્લી મહોર થાય ત્યાં સુધી વિનાશક પવનને તેઓ પકડી રાખે. (પ્રકટી. ૭:૧-૩) એ સમૂહ ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તોનો બનેલો છે, જેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાના છે. (લુક ૧૨:૩૨; પ્રકટી. ૭:૪) પછી યોહાને બીજા સમૂહ વિશે જણાવ્યું. એ સમૂહ એટલો મોટો હતો કે યોહાન બોલી ઊઠ્યા: “જુઓ!” એ બતાવે છે કે તેમને ઘણી નવાઈ લાગી હતી. યોહાને શું જોયું? “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી કોઈ માણસ ગણી ન શકે, એટલું મોટું ટોળું રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું.” (પ્રકટીકરણ ૭:૯-૧૪ વાંચો.) ભાવિમાં લાખો લોકો સાચા ઈશ્વરની ભક્તિ કરતા હશે, એ જાણીને યોહાનને કેટલી ખુશી થઈ હશે!

૩. (ક) યોહાનના દર્શનથી શા માટે આપણી શ્રદ્ધા મજબૂત થવી જોઈએ? (ખ) આ લેખમાં આપણે શું શીખીશું?

એ દર્શનથી યોહાનની શ્રદ્ધા ચોક્કસ મજબૂત થઈ હશે. એ દર્શનમાં બતાવેલી બાબતો આપણા સમયમાં પૂરી થઈ રહી છે. એનાથી આપણી શ્રદ્ધા વધુ મજબૂત થવી જોઈએ. આપણા સમયમાં લાખો લોકોએ યહોવાની ભક્તિ કરવાનું શરૂ કર્યું છે. તેઓને આશા છે કે તેઓ મહાન વિપત્તિમાંથી બચી જશે અને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે. આ લેખમાં આપણે જોઈશું કે, એંસીથી વધારે વર્ષો પહેલાં યહોવાએ મોટા ટોળા વિશે પોતાના લોકોને કઈ રીતે જણાવ્યું હતું. પછી એ ટોળા વિશે બે બાબતો જોઈશું: (૧) એ ઘણું મોટું ટોળું છે. (૨) એમાં દુનિયાના અલગ અલગ લોકોનો સમાવેશ થાય છે. આ ટોળાનો ભાગ બનવા માંગતા દરેકને એ માહિતીથી પોતાની શ્રદ્ધા મજબૂત કરવા મદદ મળશે.

મોટું ટોળું ક્યાં રહેશે?

૪. ખ્રિસ્તી ધર્મગુરુઓ કયું સત્ય શીખવતા નથી? બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે એ સત્ય સમજ્યા હતા?

બાઇબલ જણાવે છે કે ઈશ્વરને વફાદાર લોકો પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે. મોટા ભાગે ખ્રિસ્તી ધર્મગુરુઓ એ સત્ય શીખવતા નથી. (૨ કોરીં. ૪:૩, ૪) તેઓ શીખવે છે કે મરણ પછી સારા લોકો સ્વર્ગમાં જાય છે. પણ, બાઇબલ વિદ્યાર્થીઓનો એક નાનો સમૂહ એમ માનતો ન હતો. તેઓએ ૧૮૭૯થી વૉચ ટાવર મૅગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું હતું. તેઓને ખ્યાલ આવ્યો કે, ઈશ્વર પૃથ્વી પર જ નવી દુનિયા લાવશે. લાખો કરોડો વફાદાર લોકોને સ્વર્ગમાં નહિ, પણ અહીં પૃથ્વી પર રહેવા મળશે. સમય જતાં તેઓને એ વફાદાર લોકો વિશે વધારે માહિતી મળી.—માથ. ૬:૧૦.

૫. બાઇબલ વિદ્યાર્થીઓ ૧,૪૪,૦૦૦ વિશે શું માનતા હતા?

બાઇબલ વિદ્યાર્થીઓને શાસ્ત્રમાંથી ખબર પડી કે, અમુકને ઈસુ સાથે સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરવા “પૃથ્વી પરથી ખરીદવામાં” આવશે. (પ્રકટી. ૧૪:૩) તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. તેઓ ઉત્સાહી છે અને તેઓએ પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. તેઓ પૃથ્વી પરના જીવન દરમિયાન યહોવાને વફાદાર રહે છે. મોટા ટોળા વિશે શું?

૬. મોટા ટોળા વિશે બાઇબલ વિદ્યાર્થીઓને શું લાગતું હતું?

યોહાને દર્શનમાં જોયું કે, એક ટોળું “રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું.” (પ્રકટી. ૭:૯) એ શબ્દો પરથી બાઇબલ વિદ્યાર્થીઓને લાગતું કે, મોટું ટોળું પણ અભિષિક્તોની જેમ સ્વર્ગનું જીવન મેળવશે. જો બંને સમૂહ સ્વર્ગમાં જવાના હોય, તો પછી બંનેમાં શું ફરક છે? બાઇબલ વિદ્યાર્થીઓને લાગતું કે મોટા ટોળામાં એવા ભક્તો પણ હશે, જેઓએ પૃથ્વી પરના જીવનમાં ઈશ્વરની આજ્ઞા પૂરેપૂરી પાળી નહિ હોય. તેઓ બાઇબલનાં ધોરણો પ્રમાણે તો ચાલે છે, પણ અમુક હજી ચર્ચના સભ્યો છે. બાઇબલ વિદ્યાર્થીઓને લાગતું હતું કે, એ લોકોને ઈશ્વર માટે થોડો પ્રેમ હશે, પણ એટલો નહિ કે તેઓ ઈસુ સાથે રાજ કરવા પસંદ થાય; ઈશ્વર માટેનો પ્રેમ પૂરતો ન હોવાથી મોટા ટોળાના લોકો રાજ્યાસન આગળ ઊભા રહેવાને તો લાયક હતા, પણ રાજ્યાસન પર બેસવાને લાયક ન હતા.

૭. હજાર વર્ષના રાજમાં પૃથ્વી પર કોને જીવન મળશે એ વિશે બાઇબલ વિદ્યાર્થીઓ શું માનતા હતા? પ્રાચીન સમયના ઈશ્વરભક્તો વિશે તેઓ શું માનતા હતા?

તો પછી, પૃથ્વી પર કોને જીવન મળવાનું હતું? બાઇબલ વિદ્યાર્થીઓ માનતા હતા કે, ૧,૪૪,૦૦૦ અને મોટા ટોળાના સભ્યો સ્વર્ગમાં જશે. એ પછી, બીજા કરોડો લોકોને પૃથ્વી પર ઈસુના હજાર વર્ષના રાજમાં રહેવાનો આશીર્વાદ મળશે. બાઇબલ વિદ્યાર્થીઓ માનતા કે, એ કરોડો લોકો ખ્રિસ્તના રાજ પહેલાં યહોવાના ભક્ત નહિ હોય. તેઓને ખ્રિસ્તના રાજ દરમિયાન યહોવા વિશે શીખવવામાં આવશે. એ પછી, જેઓ યહોવાનાં ધોરણો સ્વીકારશે, તેઓને પૃથ્વી પર હંમેશ માટેના જીવનનો આશીર્વાદ મળશે. જેઓ એ ધોરણો નહિ સ્વીકારે, તેઓનો નાશ થશે. બાઇબલ વિદ્યાર્થીઓ એવું પણ માનતા કે, હજાર વર્ષના રાજ દરમિયાન પૃથ્વી પર કેટલાક લોકો “સરદારો” તરીકે હશે, તેઓ હજાર વર્ષના રાજ પછી સ્વર્ગમાં જશે. તેઓ એમ માનતા કે, એ સરદારોમાંના અમુક લોકો ખ્રિસ્ત પહેલાં થઈ ગયેલા વફાદાર ઈશ્વરભક્તો હશે, જેઓને હજાર વર્ષના રાજમાં ઉઠાડવામાં આવ્યા હશે.—ગીત. ૪૫:૧૬.

૮. બાઇબલ વિદ્યાર્થીઓ કેવા ત્રણ સમૂહ વિશે માનતા હતા?

આમ, બાઇબલ વિદ્યાર્થીઓ માનતા કે ત્રણ સમૂહ છે: (૧) ૧,૪૪,૦૦૦ અભિષિક્તો, જેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરશે; (૨) ઈશ્વરને ઓછો પ્રેમ કરનારા મોટા ટોળાના લોકો, જેઓ સ્વર્ગમાં ઈસુના રાજ્યાસન સામે ઊભા રહેશે; (૩) ખ્રિસ્તના હજાર વર્ષ દરમિયાન યહોવાનાં ધોરણો વિશે શીખનાર કરોડો લોકો. * પણ સમય જતાં, યહોવાએ બાઇબલ વિદ્યાર્થીઓને એ વિશે વધારે સમજણ આપી.—નીતિ. ૪:૧૮.

સત્યનું અજવાળું ઝળહળી ઊઠ્યું

૧૯૩૫ના સંમેલનમાં પૃથ્વી પરના જીવનની આશા ધરાવતા ઘણા લોકોએ બાપ્તિસ્મા લીધું (ફકરો ૯ જુઓ)

૯. (ક) “રાજ્યાસન અને ઘેટા સામે” મોટું ટોળું ઊભું રહેશે, એનો શો અર્થ થાય? (ખ) પ્રકટીકરણ ૭:૯ની સમજણ કેમ ગળે ઊતરે એવી છે?

યોહાને દર્શનમાં જોયેલા મોટા ટોળા વિશે યહોવાના સાક્ષીઓને ૧૯૩૫માં વધારે સમજણ મળી. યહોવાના સાક્ષીઓને ખબર પડી કે, “રાજ્યાસન અને ઘેટા સામે” ઊભા રહેવા મોટા ટોળાએ સ્વર્ગમાં જવાની જરૂર નથી. પણ એ તો સાંકેતિક રીતે કહેવામાં આવ્યું હતું. ‘રાજ્યાસન સામે’ ઊભા રહેવાનો આવો અર્થ થતો હતો: મોટા ટોળાના લોકો પૃથ્વી પર રહીને યહોવાને વિશ્વના માલિક તરીકે સ્વીકારે અને તેમના કહ્યા પ્રમાણે કરે. (યશા. ૬૬:૧) “ઘેટા સામે” ઊભા રહેવાનો આવો અર્થ થતો હતો: ઈસુના બલિદાનમાં શ્રદ્ધા બતાવવી. માથ્થી ૨૫:૩૧, ૩૨માં “સર્વ પ્રજાઓ” વિશે જણાવવામાં આવ્યું છે. એમાં દુષ્ટ લોકોનો પણ સમાવેશ થાય છે. એ પ્રજાઓને ઈસુના ભવ્ય રાજ્યાસન “આગળ ભેગી કરાશે.” સાફ જોવા મળે છે કે, એ બધી પ્રજાઓ સ્વર્ગમાં નહિ પણ પૃથ્વી પર છે. ૧૯૩૫માં મળેલી આ સમજણ ગળે ઊતરે એવી છે. એનાથી ખ્યાલ આવે છે કે મોટા ટોળાને સ્વર્ગમાં લઈ જવામાં આવશે, એવું બાઇબલ કેમ જણાવતું નથી. સ્વર્ગના જીવન વિશે ફક્ત એક સમૂહને વચન આપવામાં આવ્યું હતું, એ છે ૧,૪૪,૦૦૦ અભિષિક્તો. તેઓ ઈસુ સાથે “પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”—પ્રકટી. ૫:૧૦.

૧૦. ખ્રિસ્તના રાજ પહેલાં મોટા ટોળાના લોકોએ શા માટે યહોવાનાં ધોરણો શીખવાના છે?

૧૦ યોહાનના દર્શન વિશે ૧૯૩૫થી યહોવાના સાક્ષીઓ શું માને છે? મોટા ટોળાના ઈશ્વરભક્તોને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા છે. મોટા ટોળાના લોકોએ ખ્રિસ્તના રાજ પહેલાં યહોવાનાં ધોરણો શીખવાના છે, જેથી તેઓ મોટી વિપત્તિમાંથી બચી જાય. તેઓએ પાકી શ્રદ્ધા બતાવવાની છે, જેથી તેઓ ખ્રિસ્તનું રાજ આવતા પહેલાં “જે ચોક્કસ થવાનું છે એ બધામાંથી” બચી શકે.—લુક ૨૧:૩૪-૩૬.

૧૧. શા માટે અમુક બાઇબલ વિદ્યાર્થીઓ એવું માનતા કે ખ્રિસ્તના હજાર વર્ષના રાજ પછી કેટલાક ઈશ્વરભક્તોને સ્વર્ગમાં લઈ જવામાં આવશે?

૧૧ બાઇબલ વિદ્યાર્થીઓ માનતા કે, સારો દાખલો બેસાડનાર અમુક ઈશ્વરભક્તોને ખ્રિસ્તના હજાર વર્ષના રાજ પછી કદાચ સ્વર્ગમાં લઈ જવામાં આવશે. વર્ષો પહેલાં, ફેબ્રુઆરી ૧૫, ૧૯૧૩ ધ વૉચ ટાવરમાં એ વિશે જણાવવામાં આવ્યું હતું. કોઈના મનમાં સવાલ થયો હશે, ‘પ્રાચીન સમયના વફાદાર ઈશ્વરભક્તોને પૃથ્વી પરનું જીવન, જ્યારે કે તેઓથી ઓછા વફાદાર ઈશ્વરભક્તોને સ્વર્ગનું જીવન, આવો ફરક શા માટે?’ તેઓની આ બે ખોટી માન્યતાને લીધે એવો સવાલ થયો હશે: (૧) મોટા ટોળાના લોકોને સ્વર્ગમાં લઈ જવામાં આવશે. (૨) મોટા ટોળામાં એવા લોકો છે, જેઓ ઈશ્વર માટે ઓછો પ્રેમ બતાવે છે.

૧૨-૧૩. અભિષિક્તો અને મોટું ટોળું પોતાના ઇનામ વિશે શું જાણે છે?

૧૨ અગાઉ જોઈ ગયા તેમ, ૧૯૩૫થી યહોવાના સાક્ષીઓને એક વાત સમજાઈ. યોહાનના દર્શનમાં બતાવેલું મોટું ટોળું આર્માગેદનમાંથી બચી ગયેલા લોકો હશે. તેઓ પૃથ્વી પર હશે અને “મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો” હશે. ‘તેઓ મોટા અવાજે પોકારશે: “રાજ્યાસન પર બેઠેલા આપણા ઈશ્વર અને ઘેટા તરફથી ઉદ્ધાર મળે છે.”’ (પ્રકટી. ૭:૧૦, ૧૪) જેઓને સ્વર્ગના જીવન માટે ઉઠાડવામાં આવશે, તેઓ વિશે બાઇબલ વધુ માહિતી આપે છે. પ્રાચીન સમયના વફાદાર ભક્તો કરતાં તેઓને “કંઈક વધારે સારું” મળવાનું છે. (હિબ્રૂ. ૧૧:૪૦) એ સમયનાં ભાઈ-બહેનો પૂરા ઉત્સાહથી લોકોને યહોવાની ભક્તિનું આમંત્રણ આપવાં લાગ્યાં. તેઓ લોકોને જણાવવાં લાગ્યાં કે પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે.

૧૩ મોટું ટોળું પોતાને મળેલી આશા વિશે ખુશ છે. તેઓ સારી રીતે જાણે છે કે, વફાદાર ભક્તો સ્વર્ગમાં જશે કે પૃથ્વી પર રહેશે, એ યહોવા નક્કી કરશે. યહોવાએ ઈસુનું બલિદાન આપીને અપાર કૃપા બતાવી છે. અભિષિક્તો અને મોટા ટોળાના લોકો જાણે છે કે તેઓને મળનાર ઇનામ ઈસુના બલિદાનને લીધે શક્ય બન્યું છે.—રોમ. ૩:૨૪.

એ ટોળું ઘણું મોટું છે

૧૪. અમુક લોકોને ૧૯૩૫ પછી કેવો સવાલ થયો હશે?

૧૪ ૧૯૩૫માં મોટા ટોળા વિશેની સમજણમાં સુધારો થયો. છતાં અમુક લોકોને આવો સવાલ થયો હશે, પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા લોકોનું ટોળું કઈ રીતે મોટું થશે? ચાલો રોનાલ્ડ પાર્કિનનો દાખલો જોઈએ. મોટા ટોળા વિશેની સમજણમાં સુધારો થયો ત્યારે તે ૧૨ વર્ષના હતા. ભાઈ જણાવે છે, ‘એ સમયે દુનિયા ફરતે આશરે ૫૬,૦૦૦ પ્રકાશકો હતા. એમાંના મોટા ભાગના તો અભિષિક્તો હતા. એટલે મોટું ટોળું સાવ નાનું લાગતું હતું.’

૧૫. ટોળું કઈ રીતે મોટું થઈ રહ્યું છે?

૧૫ એ પછીના દાયકાઓમાં મિશનરીઓને ઘણા દેશોમાં મોકલવામાં આવ્યા. આમ, યહોવાના સાક્ષીઓની સંખ્યા વધતી ગઈ. ૧૯૬૮માં બાઇબલ અભ્યાસની ગોઠવણ શરૂ કરવામાં આવી. એમાં સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનો ઉપયોગ કરવામાં આવતો. એ પુસ્તકમાં બાઇબલમાં આપેલા સત્યને સાદી રીતે સમજાવવામાં આવ્યું હતું. એનાથી નમ્ર લોકો બાઇબલનું સત્ય સ્વીકારવા પ્રેરાયા. પહેલાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકોએ સત્ય સ્વીકાર્યું ન હતું! ચાર વર્ષની અંદર પાંચ લાખથી વધારે લોકોએ બાપ્તિસ્મા લીધું. લૅટિન અમેરિકા અને બીજા દેશો પરથી કૅથલિક ચર્ચે પકડ ગુમાવી. પૂર્વ યુરોપ અને આફ્રિકાના અમુક દેશોમાં આપણા કામ પરથી સરકારે નિયંત્રણો હટાવી લીધા. એ બધી બાબતોને લીધે બીજા લાખો લોકોએ બાપ્તિસ્મા લીધું. (યશા. ૬૦:૨૨) લોકો બાઇબલમાંથી શીખી શકે, એ માટે યહોવાનું સંગઠન અનેક રીતોથી તેઓને મદદ કરે છે. હાલનાં વર્ષોમાં એ માટે ઘણી રીતો વાપરવામાં આવી છે. આજે મોટા ટોળાની સંખ્યા ૮૦ લાખથી વધારે છે. એ કેટલી ખુશીની વાત કહેવાય!

એ ટોળામાં અલગ અલગ લોકો છે

૧૬. મોટા ટોળામાં કેવા લોકો હશે?

૧૬ યોહાને પોતાને થયેલા દર્શન વિશે લખ્યું કે, મોટા ટોળામાં ‘દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીના’ લોકો હશે. પ્રબોધક ઝખાર્યાએ પણ એવી જ કંઈક ભવિષ્યવાણી કરી હતી. તેમણે લખ્યું હતું: ‘તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસના ઝભ્ભાની કોર પકડીને કહેશે કે, અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’—ઝખા. ૮:૨૩.

૧૭. બધાં દેશો અને ભાષાના લોકોને ભેગા કરવા આજે શું થઈ રહ્યું છે?

૧૭ યહોવાના સાક્ષીઓને સમજાયું કે બધી ભાષાના લોકોને ભેગા કરવા માટે ખુશખબર પણ બધી ભાષામાં ફેલાવવી જોઈએ. ૧૩૦ કરતાં વધુ વર્ષોથી આપણે બાઇબલ આધારિત સાહિત્યનું ભાષાંતર કરીએ છીએ. પરંતુ પહેલાં ક્યારેય થયું ન હોય એટલી ભાષામાં હાલનાં વર્ષોમાં ભાષાંતર થઈ રહ્યું છે. સાચે જ યહોવા આપણા સમયમાં ચમત્કાર કરી રહ્યા છે, તે મોટા ટોળાના લોકોને અલગ અલગ દેશોમાંથી ભેગા કરી રહ્યા છે. આપણને બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્ય ઘણી ભાષાઓમાં મળી રહ્યાં છે. એટલે અલગ અલગ દેશના હોવા છતાં, મોટા ટોળાના લોકો સાથે મળીને યહોવાની ભક્તિ કરે છે. તેઓ આ બાબતો માટે જાણીતા છે: તેઓ ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે અને પોતાનાં ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરે છે. એનાથી આપણી શ્રદ્ધા કેટલી મજબૂત થાય છે!—માથ. ૨૪:૧૪; યોહા. ૧૩:૩૫.

એ દર્શનનો આપણા માટે શું અર્થ થાય?

૧૮. (ક) શા પરથી કહી શકાય કે યશાયા ૪૬:૧૦, ૧૧ની ભવિષ્યવાણી યહોવાએ પૂરી કરી છે? (ખ) પૃથ્વી પર રહેવાની આશા ધરાવતા લોકોને શા માટે અફસોસ થતો નથી?

૧૮ મોટા ટોળા વિશેની ભવિષ્યવાણીથી આપણને બધાને ઘણી ખુશી મળે છે. યહોવાએ એ ભવિષ્યવાણી અદ્‍ભુત રીતે પૂરી કરી છે. (યશાયા ૪૬:૧૦, ૧૧ વાંચો.) યહોવાએ આપેલી આશા માટે મોટા ટોળાના લોકો ખૂબ આભારી છે. અભિષિક્તોને ઈસુ સાથે સ્વર્ગમાં રહેવાનો લહાવો છે. મોટા ટોળાને એ લહાવો ન મળવાનો અફસોસ નથી. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે લખવામાં આવ્યું છે, જેઓ પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા હતા. ૧,૪૪,૦૦૦ અભિષિક્તોમાં તેઓનો સમાવેશ થતો નથી. એમાંના એક યોહાન બાપ્તિસ્મા આપનાર છે. (માથ. ૧૧:૧૧) બીજા એક ઈશ્વરભક્ત દાઊદ છે. (પ્રે.કા. ૨:૩૪) તેઓ અને તેઓના જેવા અસંખ્ય લોકોને સુંદર પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. સજીવન થયેલા લોકો અને મોટા ટોળાના લોકો પાસે આ અનેરી તક હશે: યહોવા અને તેમના રાજ પ્રત્યે વફાદારી બતાવવાની.

૧૯. યોહાનના દર્શનની સમજણથી આપણને શું કરવાનું ઉત્તેજન મળે છે?

૧૯ ઈશ્વરે બધા દેશોમાંથી લાખો લોકોને પોતાની ભક્તિ કરવા ભેગા કર્યા છે. એવું તો પહેલાં ક્યારેય થયું નથી! આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, આપણે વધારે ને વધારે લોકોને ‘બીજાં ઘેટાંના’ મોટા ટોળાનો ભાગ બનવા મદદ કરવી જોઈએ. (યોહા. ૧૦:૧૬) બહુ જલદી જ યહોવા મહાન વિપત્તિ લાવશે, જેના વિશે તેમણે અગાઉથી જણાવ્યું હતું. બધી સરકારો અને ધર્મોનો તે નાશ કરશે, તેઓએ મનુષ્યોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મોટા ટોળાના બધા લોકો પાસે સોનેરી તક રહેલી છે. તેઓ યુગોના યુગો સુધી પૃથ્વી પર યહોવાની ભક્તિ કરી શકશે!—પ્રકટી. ૭:૧૪.

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

^ ફકરો. 5 આ લેખમાં યોહાને જોયેલા દર્શન વિશે માહિતી છે. એ દર્શન હતું, ‘મોટા ટોળાને’ ભેગા કરવા વિશે. જેઓ એ ટોળાનો ભાગ છે, તેઓને ચોક્કસ આ લેખથી મદદ મળશે.