સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૭

ખુશીથી યહોવાનું કહ્યું માનીએ

ખુશીથી યહોવાનું કહ્યું માનીએ

‘શું આપણે પિતાને વધારે ખુશીથી આધીન રહેવું ન જોઈએ?’—હિબ્રૂ. ૧૨:૯.

ગીત ૪૬ યહોવા જ મહાન રાજા

ઝલક *

૧. આપણે શા માટે યહોવાનું કહ્યું માનવું જોઈએ?

આપણે યહોવાનું કહ્યું માનવું * જોઈએ, કેમ કે તેમણે આપણને બનાવ્યા છે. એટલે આપણા માટે ધોરણો નક્કી કરવાનો તેમને હક છે. (પ્રકટી. ૪:૧૧) યહોવાનું કહ્યું માનવાનું બીજું એક મહત્ત્વનું કારણ છે: તેમનું રાજ સૌથી સારું છે. ઇતિહાસનાં પાના ફેરવીએ તો જોવા મળે છે કે ઘણા શાસકોએ લોકો પર રાજ કર્યું છે. એ બધા કરતાં યહોવા સૌથી મહાન છે. તે બુદ્ધિશાળી, પ્રેમાળ, દયાળુ અને બીજાઓનો વિચાર કરનાર રાજા છે.—નિર્ગ. ૩૪:૬; રોમ. ૧૬:૨૭; ૧ યોહા. ૪:૮.

૨. યહોવાનું કહ્યું માનવા વિશે હિબ્રૂઓ ૧૨:૯-૧૧માં કયા કારણો આપ્યાં છે?

યહોવા ચાહે છે કે આપણે ડરને લીધે નહિ, પણ પ્રેમને લીધે તેમનું કહ્યું માનીએ. એટલું જ નહિ, તે ચાહે છે કે આપણે તેમને પ્રેમાળ પિતા ગણીએ. હિબ્રૂઓના પત્રમાં પાઊલે સમજાવ્યું કે આપણે ‘પિતાને ખુશીથી આધીન’ રહેવું જોઈએ. કારણ કે “આપણા ભલા માટે” તે આપણને શીખવે છે.—હિબ્રૂઓ ૧૨:૯-૧૧ વાંચો.

૩. (ક) આપણે યહોવાનું કહ્યું માનીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

દરેક સંજોગોમાં યહોવાની આજ્ઞા પાળવા આપણે બનતું બધું કરીએ છીએ. પોતાની બુદ્ધિ પર આધાર રાખવાનું ટાળીએ છીએ. આમ, આપણે યહોવાનું કહ્યું માનીએ છીએ. (નીતિ. ૩:૫) યહોવાના સુંદર ગુણો વિશે શીખતા જઈએ તેમ, સહેલાઈથી તેમનું કહેવું માની શકીએ છીએ. તે જે કામો કરે છે, એમાં તેમના ગુણો દેખાય આવે છે. (ગીત. ૧૪૫:૯) યહોવા વિશે શીખતા જઈશું તેમ, તેમના માટેનો આપણો પ્રેમ વધતો જશે. જો તેમને પ્રેમ કરતા હોઈશું, તો શું કરવું, શું ન કરવું એવા નિયમોની લાંબી યાદીની જરૂર નહિ પડે. યહોવા ચાહે છે એ રીતે વિચારવાનો, તેમની નજરે બાબતોને જોવાનો અને ખરાબ બાબતોથી દૂર રહેવાનો આપણે પ્રયત્ન કરીશું. (ગીત. ૯૭:૧૦) યહોવાનું સાંભળવું અમુક વાર આપણને શા માટે અઘરું લાગે છે? નહેમ્યા, દાઊદ અને મરિયમના દાખલામાંથી વડીલો, પિતાઓ અને માતાઓ શું શીખી શકે? આ લેખમાં એ સવાલોના જવાબ મળશે.

યહોવાનું કહ્યું માનવું શા માટે અઘરું લાગી શકે?

૪-૫. યહોવાનું કહ્યું માનવું શા માટે અઘરું લાગી શકે?

યહોવાનું કહ્યું માનવું અમુક વાર આપણને અઘરું લાગે છે. એનું એક કારણ છે કે, આપણે માટીના માણસો છીએ અને આપણને વારસામાં પાપ મળ્યું છે. એટલે યહોવાની આજ્ઞા પાળવી દર વખતે આપણને ગમતું નથી. આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી અને ફળ ખાધું. આમ, તેઓએ પોતાના માટે ખરું-ખોટું જાતે નક્કી કર્યું. (ઉત. ૩:૨૨) તેઓની જેમ આજે ઘણા લોકોને ઈશ્વરનાં ધોરણોની કંઈ પડી નથી. તેઓ ખરું-ખોટું જાતે જ નક્કી કરવા માંગે છે.

યહોવા વિશે જાણનાર અને તેમને પ્રેમ કરનાર લોકોને પણ અમુક વાર તેમનું કહ્યું માનવું અઘરું લાગે છે. પ્રેરિત પાઊલ સાથે પણ એવું થયું હતું. (રોમનો ૭:૨૧-૨૩ વાંચો.) પાઊલની જેમ, આપણે પણ યહોવાની નજરે જે ખરું છે એ કરવા માંગીએ છીએ. પણ ખોટું કરવાની ઇચ્છા સામે આપણે સતત લડવું પડે છે.

૬-૭. બીજા કયા કારણને લીધે યહોવાના કહ્યા પ્રમાણે કરવું અઘરું લાગે? દાખલો આપો.

યહોવાના કહ્યા પ્રમાણે કરવું અઘરું લાગે છે, એનું બીજું પણ એક કારણ છે. જે સમાજમાંથી આવ્યા છીએ, એની અસર આપણને થાય છે. ઘણા લોકોના વિચારો યહોવાની ઇચ્છા કરતાં સાવ અલગ હોય છે. એટલે એ લોકોનો રંગ આપણને ન લાગે, એ માટે સતત પ્રયત્નો કરવા પડે છે. ચાલો એક દાખલો જોઈએ.

અમુક જગ્યાઓએ યુવાનોને અઢળક પૈસા કમાવાનું દબાણ કરવામાં આવે છે. મેરીબેને * એવી જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. યહોવા વિશે શીખી એ પહેલાં, તે દેશની સારામાં સારી સ્કૂલમાં ભણતી હતી. મેરીનાં કુટુંબીજનો તેને એવી નોકરી શોધવા દબાણ કરતા, જેથી તે ઢગલો પૈસા અને નામ કમાય. મેરીના દિલમાં પણ એવી જ ઇચ્છા હતી. પણ તે યહોવા વિશે શીખી અને તેમને પ્રેમ કરવા લાગી ત્યારે તેના ધ્યેયો બદલાયા. પરંતુ, તેના જીવનમાં હજુ પણ એક પડકાર હતો. એ વિશે મેરી જણાવે છે: ‘હજુ પણ મારું ધ્યાન વધારે પૈસા કમાવવા તરફ જતું રહે છે. પણ હું જાણું છું કે જો એમ કરીશ, તો યહોવાની સેવામાં વધારે કરી નહિ શકું. મારા ઉછેરને લીધે એવા વિચારો ટાળવા મને અઘરું લાગે છે. આજે પણ એવી લાલચો આવે છે, જે મને યહોવાની સેવાથી દૂર લઈ જઈ શકે છે. પણ હું યહોવાને કાલાવાલા કરું છું કે, એનો સામનો કરવા મને મદદ કરે.’—માથ. ૬:૨૪.

૮. આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાનું કહ્યું માનીએ છીએ ત્યારે આપણને ફાયદો થાય છે. વડીલો, પિતાઓ અને માતાઓ પાસે અમુક અધિકાર હોય છે. તેઓ યહોવાનું સાંભળે છે ત્યારે બીજાઓને પણ ફાયદો થાય છે. યહોવા ખુશ થાય એ રીતે પોતાના અધિકારનો ઉપયોગ કરવા શું કરવું જોઈએ? ચાલો એ વિશે અમુક દાખલાની ચર્ચા કરીએ.

નહેમ્યા પાસેથી વડીલો શું શીખી શકે?

યરૂશાલેમ ફરીથી બાંધવા નહેમ્યાએ લોકો સાથે મળીને કામ કર્યું. એવી જ રીતે, એક વડીલ બીજાઓ સાથે મળીને પ્રાર્થનાઘરમાં કામ કરે છે (ફકરા ૯-૧૧ જુઓ) *

૯. નહેમ્યા સામે કેવા પડકારો આવ્યા?

યહોવાએ પોતાના લોકોની સંભાળ લેવાની મહત્ત્વની જવાબદારી વડીલોને સોંપી છે. (૧ પીત. ૫:૨) નહેમ્યા યહોવાના લોકો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી વડીલો ઘણું શીખી શકે. નહેમ્યા યહુદા પ્રદેશના રાજ્યપાલ હતા. તેમની પાસે ઘણો અધિકાર હતો. (નહે. ૧:૧૧; ૨:૭, ૮; ૫:૧૪) ચાલો જોઈએ કે નહેમ્યા સામે કેવા પડકારો આવ્યા. તેમને જાણવા મળ્યું કે લોકો યહોવાના મંદિરને અશુદ્ધ કરી રહ્યા હતા. તેમ જ, તેઓ લેવીઓને દાન આપતા ન હતા અને સાબ્બાથનો નિયમ પણ પાળતા ન હતા. અમુકે તો બીજી પ્રજાની સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યા હતા. નહેમ્યાએ એવા અઘરા સંજોગોનો સામનો કરવાનો હતો.—નહે. ૧૩:૪-૩૦.

૧૦. નહેમ્યાએ પડકારોનો સામનો કઈ રીતે કર્યો?

૧૦ નહેમ્યાએ પોતાના વિચારો લોકો પર થોપી બેસાડવા પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કર્યો નહિ. તેમણે તો પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. તેમણે લોકોને યહોવાના નિયમો શીખવ્યા. (નહે. ૧:૪-૧૦; ૧૩:૧-૩) યરૂશાલેમની દીવાલ બાંધવા નહેમ્યાએ લોકો સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. નહેમ્યા પાસે અધિકાર હતો તોપણ તેમણે નમ્રતા બતાવી.—નહે. ૪:૧૫.

૧૧. પહેલો થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮ પ્રમાણે વડીલોએ ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૧૧ બની શકે કે, આજે વડીલો આગળ નહેમ્યા જેવા પડકારો ન આવે. પણ તેઓ ઘણી રીતોએ નહેમ્યાને અનુસરી શકે. જેમ કે, તેઓ ભાઈ-બહેનોને મદદ કરવા ઘણી મહેનત કરે છે. પોતાના અધિકારને લીધે તેઓ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા નથી. તેઓ તો મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રેમથી વર્તે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮ વાંચો.) પ્રેમ અને નમ્રતા તેઓની વાતચીતમાં પણ ઝળકે છે. એન્ડ્રયૂભાઈ ઘણાં વર્ષોથી વડીલ છે. તે જણાવે છે: ‘મેં અનુભવ્યું કે જ્યારે વડીલો દયા અને પ્રેમ બતાવે છે, ત્યારે ભાઈ-બહેનોના ચહેરા ખીલી ઊઠે છે. વડીલોના એ સુંદર ગુણોને લીધે ભાઈ-બહેનો તેઓને સાથ-સહકાર આપવા પ્રેરાય છે.’ ટોનીભાઈ ઘણાં વર્ષોથી વડીલ તરીકે સેવા આપે છે. તે કહે છે: ‘ફિલિપીઓ ૨:૩ની સલાહ લાગુ પાડવાનો હું પ્રયત્ન કરું છું. હંમેશાં બીજાઓને મારા કરતાં ચઢિયાતા ગણું છું. મારી વાત મનાવવા હું બીજાઓને બળજબરી કરતો નથી.’

૧૨. શા માટે વડીલોએ નમ્ર બનવું જોઈએ?

૧૨ વડીલોએ યહોવાની જેમ નમ્ર બનવું જોઈએ. યહોવા આખા વિશ્વના માલિક છે. તેમ છતાં ‘તે ધૂળમાંથી ગરીબને ઉઠાવવા’ “પોતાને દીન કરે છે.” (ગીત. ૧૮:૩૫; ૧૧૩:૬, ૭) ઘમંડી અને અભિમાની લોકોને યહોવા ધિક્કારે છે.—નીતિ. ૧૬:૫.

૧૩. શા માટે વડીલોએ “પોતાની જીભ પર કાબૂ” રાખવો જોઈએ?

૧૩ જે વડીલ યહોવાનું સાંભળે છે, તેમણે “પોતાની જીભ પર કાબૂ” રાખવો જોઈએ. જો એમ નહિ કરે, તો બીજાઓ જેમતેમ બોલશે ત્યારે વડીલ પણ કદાચ એ જ રીતે જવાબ આપી દેશે. (યાકૂ. ૧:૨૬; ગલા. ૫:૧૪, ૧૫) અગાઉ એન્ડ્રયૂભાઈ વિશે જોયું. તે જણાવે છે: ‘અમુક વાર તો મને મન થતું કે જે ભાઈ કે બહેન મારી સાથે માનથી ન વર્તે, તેની સાથે હું પણ એવું જ કરું. પછી મેં બાઇબલમાંથી વફાદાર ભક્તોના દાખલા પર મનન કર્યું. એનાથી મને સમજાયું કે નમ્રતા બતાવવી કેટલું મહત્ત્વનું છે!’ ભાઈ-બહેનો અને બીજા વડીલો સાથે વડીલો પ્રેમ અને માનથી વર્તે છે. આમ, તેઓ બતાવે છે કે પોતે યહોવાનું કહ્યું માને છે.—કોલો. ૪:૬.

દાઊદ રાજા પાસેથી પિતાઓ શું શીખી શકે?

૧૪. યહોવાએ પિતાઓને કઈ જવાબદારી આપી છે? યહોવા પિતાઓ પાસેથી શું ચાહે છે?

૧૪ યહોવાએ પિતાઓને કુટુંબના શિર તરીકેની જવાબદારી આપી છે. યહોવા ચાહે છે કે પિતાઓ બાળકોને શીખવે અને શિસ્ત આપે. (૧ કોરીં. ૧૧:૩; એફે. ૬:૪) પણ પિતાઓ પાસે પૂરેપૂરો અધિકાર નથી, કારણ કે કુટુંબ તો યહોવાએ બનાવ્યું છે. એટલે પિતાઓ કુટુંબ સાથે જે રીતે વર્તશે, એનો તેઓએ યહોવાને હિસાબ આપવો પડશે. (એફે. ૩:૧૪, ૧૫) પિતાઓ પોતાનો અધિકાર એ રીતે વાપરે છે, જેથી યહોવા ખુશ થાય. આમ, તેઓ યહોવાનું સાંભળે છે. તેઓ દાઊદ રાજા પાસેથી ઘણું શીખી શકે છે.

પિતાની પ્રાર્થનાથી દેખાઈ આવવું જોઈએ કે તે નમ્ર છે (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫. દાઊદ રાજાએ કેવો દાખલો બેસાડ્યો છે?

૧૫ યહોવાએ દાઊદને કુટુંબના શિર તરીકેની જ નહિ, પણ આખા ઇઝરાયેલ રાષ્ટ્રની જવાબદારી આપી હતી. રાજા તરીકે દાઊદના હાથમાં ઘણી સત્તા હતી. પણ અમુક વાર તેમણે એનો ખોટો ઉપયોગ કર્યો અને ગંભીર ભૂલો કરી. (૨ શમૂ. ૧૧:૧૪, ૧૫) પણ શિસ્ત સ્વીકારીને તેમણે યહોવાનું કહ્યું માન્યું. તેમણે પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવી દીધું. યહોવાનાં સલાહ-સૂચનો પાળવા તેમણે બનતું બધું કર્યું. (ગીત. ૫૧:૧-૪) ફક્ત પુરુષો પાસેથી જ નહિ, સ્ત્રીઓ પાસેથી મળેલી સલાહ પણ તેમણે નમ્રતાથી સ્વીકારી. (૧ શમૂ. ૧૯:૧૧, ૧૨; ૨૫:૩૨, ૩૩) દાઊદ પોતાની ભૂલોમાંથી શીખ્યા. યહોવાની ભક્તિને તેમણે જીવનમાં પ્રથમ રાખી હતી.

૧૬. દાઊદ પાસેથી પિતાઓ શું શીખી શકે?

૧૬ પિતાઓ, તમે દાઊદ રાજા પાસેથી શું શીખી શકો? યહોવાએ આપેલા અધિકારનો ખોટો ઉપયોગ ન કરો. પોતાની ભૂલો સ્વીકારો. બીજાઓ બાઇબલમાંથી સલાહ આપે ત્યારે એને સ્વીકારો. જો તમે એમ કરીને નમ્રતા બતાવશો, તો કુટુંબ તમને માન આપશે. કુટુંબ સાથે પ્રાર્થના કરો ત્યારે યહોવા આગળ દિલ રેડી દો. એનાથી કુટુંબના સભ્યો જાણશે કે તમે યહોવા પર કેટલો આધાર રાખો છો. સૌથી મહત્ત્વનું તો, યહોવાની ભક્તિને તમારા જીવનમાં પ્રથમ રાખો. (પુન. ૬:૬-૯) એવો સારો દાખલો બેસાડીને તમે કુટુંબને એક કીમતી ભેટ આપો છો.

મરિયમ પાસેથી માતાઓ શું શીખી શકે?

૧૭. યહોવાએ માતાઓને કઈ જવાબદારી સોંપી છે?

૧૭ યહોવાએ માતાઓને પણ મહત્ત્વની જવાબદારી સોંપી છે. માતાઓને બાળકો પર અમુક અધિકાર આપ્યો છે. (નીતિ. ૬:૨૦) માતા જે કહે અને કરે એની અસર બાળકો પર જીવનભર રહે છે. (નીતિ. ૨૨:૬) ચાલો જોઈએ કે ઈસુની માતા મરિયમ પાસેથી માતાઓ શું શીખી શકે.

૧૮-૧૯. માતાઓ મરિયમના દાખલામાંથી શું શીખી શકે?

૧૮ મરિયમ પાસે શાસ્ત્રવચનોની સારી સમજણ હતી. તે યહોવાનો દિલથી આદર કરતી હતી. યહોવા સાથેનો તેનો સંબંધ ખૂબ મજબૂત હતો. યહોવાની ઇચ્છા પૂરી કરવામાં તેનું આખું જીવન બદલાય જવાનું હતું. તોપણ તેણે ખુશી ખુશી યહોવાના કહ્યા પ્રમાણે કર્યું.—લુક ૧:૩૫-૩૮, ૪૬-૫૫.

માતા થાકેલી કે કંટાળેલી હોય ત્યારે કુટુંબના સભ્યોને પ્રેમ બતાવવા તેણે ઘણી મહેનત કરવી પડે છે (ફકરો ૧૯ જુઓ) *

૧૯ માતાઓ, તમે મરિયમના દાખલાને કઈ રીતે અનુસરી શકો? પહેલું, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા બાઇબલનો અભ્યાસ કરો અને નિયમિત પ્રાર્થના કરો. બીજું, જીવનમાં ફેરફારો કરવા તૈયાર રહો, જેથી યહોવાને ખુશ કરી શકો. દાખલા તરીકે, તમે નાના હશો ત્યારે તમારાં માબાપ કદાચ તમારા પર ગુસ્સે થયાં હશે અને કઠોર રીતે બોલ્યાં હશે. એટલે તમને પણ કદાચ એમ થાય કે બાળકો સાથે એવી જ રીતે વર્તવું જોઈએ. યહોવાનાં ધોરણો વિશે શીખ્યા પછી પણ કદાચ ધીરજ રાખવી અને શાંત રહેવું તમને અઘરું લાગતું હશે. ખાસ તો જ્યારે તમે થાકેલા હો અને બાળકો ધમાલ કરતા હોય ત્યારે. (એફે. ૪:૩૧) એવા સમયે યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. લિડિયાબેન કહે છે: ‘અમુક વાર મારો દીકરો વાત ન માને ત્યારે, ગુસ્સાને કાબૂમાં રાખવા મારે યહોવાને ખૂબ પ્રાર્થના કરવી પડે છે. હું બોલતાં બોલતાં અટકી જઉં છું અને મનમાં યહોવાને પ્રાર્થના કરી લઉં છું. પ્રાર્થનાથી મન શાંત રાખવા મદદ મળે છે.’—ગીત. ૩૭:૫.

૨૦. અમુક માતાઓએ કયા પડકારનો સામનો કરવો પડે છે? એ માટે તેઓ શું કરી શકે?

૨૦ અમુક માતાઓ બીજા પડકારનો સામનો કરતી હોય છે. તેઓ બાળકોને પ્રેમ કરે છે, પણ તેઓને શબ્દોમાં અને વર્તનમાં એ બતાવવું અઘરું લાગે છે. (તિત. ૨:૩, ૪) અમુક માતાઓનો ઉછેર એવા ઘરમાં થયો હોય, જ્યાં માબાપ અને બાળકો વચ્ચે ગાઢ સંબંધ હોતો નથી. જો તમારો ઉછેર એવા કુટુંબમાં થયો હોય, તો તમે તમારાં માબાપ જેવી ભૂલ કરતા નહિ. જે માતા યહોવાનું કહેવું માને છે, તેણે બાળકો માટેનો પ્રેમ શબ્દો અને વર્તનમાં બતાવવો જોઈએ. વિચારવાની રીત, લાગણીઓ અને કાર્યોમાં ફેરફાર કરવો કદાચ તેને અઘરું લાગી શકે. પણ એમ કરવું તેના માટે શક્ય છે. તે એમ કરશે તો તેનું કુટુંબ વધારે સુખી થશે.

હંમેશાં યહોવાનું કહ્યું માનીએ

૨૧-૨૨. યશાયા ૬૫:૧૩, ૧૪ પ્રમાણે યહોવાનું કહ્યું માનવાથી કેવા ફાયદા થાય છે?

૨૧ યહોવાનું કહ્યું માનવાથી કેવા ફાયદા થાય છે, એ દાઊદ રાજા જાણતા હતા. તેમણે લખ્યું: ‘યહોવાના નિયમો સાચા છે, એ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા શુદ્ધ છે, એ આંખોને પ્રકાશ આપે છે. એનાથી તમારા સેવકને ચેતવણી મળે છે, એ પાળવામાં મોટો લાભ છે.’ (ગીત. ૧૯:૮, ૧૧) યહોવાનું કહ્યું માનનારા અને યહોવાની પ્રેમાળ સલાહ ન માનનારા લોકો વચ્ચેનો ફરક આપણે સાફ જોઈ શકીએ છીએ. યહોવાનું સાંભળનારા લોકો ‘નેક દિલના હોવાને લીધે આનંદ કરશે.’—યશાયા ૬૫:૧૩, ૧૪ વાંચો.

૨૨ વડીલો, પિતાઓ અને માતાઓ યહોવાનું કહ્યું માને છે ત્યારે ઘણા ફાયદા થાય છે. તેઓનું જીવન સુધરે છે. તેઓનું કુટુંબ સુખી થાય છે. આખા મંડળની એકતા જળવાય છે. સૌથી મહત્ત્વનું તો, તેઓનાં કામથી યહોવાની ખુશી સમાતી નથી. (નીતિ. ૨૭:૧૧) એનાથી મોટું ઇનામ તો બીજું શું હોઈ શકે!

ગીત ૪૩ જાગતા રહીએ

^ ફકરો. 5 આ લેખમાં જોઈશું કે આપણે શા માટે યહોવાનું કહ્યું માનવું જોઈએ. વડીલો, પિતાઓ અને માતાઓ પાસે અમુક અધિકાર છે. એ પણ જોઈશું કે તેઓ આ ઈશ્વરભક્તોના દાખલામાંથી શું શીખી શકે છે: રાજ્યપાલ નહેમ્યા, રાજા દાઊદ અને ઈસુની માતા મરિયમ.

^ ફકરો. 1 શબ્દોની સમજ: કહ્યું માનવું શબ્દોનો ખોટો અર્થ એવા લોકો કાઢે છે, જેઓએ બળજબરીથી આજ્ઞા પાળવી પડે છે. પણ યહોવાના લોકોને એવું લાગતું નથી, કારણ કે તેઓ ખુશીથી યહોવાનું કહ્યું માને છે.

^ ફકરો. 7 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 62 ચિત્રની સમજ: યરૂશાલેમની દીવાલો બાંધવા નહેમ્યાએ લોકો સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. એવી જ રીતે, એક વડીલ પોતાના દીકરા સાથે પ્રાર્થનાઘરમાં કામ કરે છે.

^ ફકરો. 64 ચિત્રની સમજ: એક પિતા કુટુંબ સાથે પ્રાર્થના કરે છે.

^ ફકરો. 66 ચિત્રની સમજ: એક છોકરો ક્યારનો વીડિયો ગેમ રમી રહ્યો છે. તેણે પોતાનું બીજું કામ કે હોમવર્ક પણ કર્યું નથી. કામ કરીને તેની મમ્મી થાકી ગઈ છે. છોકરાને સમજાવતી વખતે તે ગુસ્સે થતી નથી અને કઠોર શબ્દો બોલતી નથી.