સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૦

‘આપણને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરીએ’

‘આપણને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરીએ’

“વહાલા તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કર.”—૧ તિમો. ૬:૨૦.‏

ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ

ઝલક *

૧-૨. પહેલો તિમોથી ૬:૨૦ પ્રમાણે તિમોથીએ શું કરવાનું હતું?

ઘણી વાર આપણી કીમતી વસ્તુઓ આપણે બીજાઓને સાચવવા આપીએ છીએ. દાખલા તરીકે, આપણે બૅંકમાં પૈસા જમા કરીએ ત્યારે, આશા રાખીએ છીએ કે એ ચોરાઈ ન જાય પણ સલામત રહે. એટલે બીજાઓને કીમતી વસ્તુઓ સાચવવા આપવાનો શું અર્થ થાય એ આપણે જાણીએ છીએ.

પહેલો તિમોથી ૬:૨૦ વાંચો. તિમોથીને કીમતી વસ્તુ મળી હતી એ વિશે પ્રેરિત પાઊલે તેમને યાદ અપાવ્યું હતું. એ કીમતી વસ્તુ હતી કે માણસજાત માટેના ઈશ્વરના હેતુ વિશેની ખરી સમજણ. તિમોથીને ‘સંદેશો જાહેર કરવાનો’ અને ‘સેવાકાર્ય કરવાનો’ પણ લહાવો મળ્યો હતો. (૨ તિમો. ૪:૨, ૫) પાઊલે તિમોથીને કહ્યું કે પોતાને મળેલી વસ્તુને સાચવી રાખે. આપણને પણ કીમતી વસ્તુ મળી છે. એ શું છે? યહોવાએ આપેલી કીમતી વસ્તુઓને આપણે કેમ સાચવી રાખવી જોઈએ?

આપણને મળેલાં બાઇબલનાં કીમતી સત્ય

૩-૪. શા પરથી કહી શકાય કે બાઇબલનું સત્ય કીમતી છે?

યહોવાએ આપણને બાઇબલમાં કીમતી સત્ય આપ્યું છે. તેમણે એની ખરી સમજણ આપીને આપણા પર કૃપા બતાવી છે. એ સત્ય ખરેખર કીમતી છે. કારણ કે એનાથી જાણવા મળે છે કે યહોવા સાથે સારો સંબંધ કઈ રીતે કેળવી શકાય. એનાથી એ પણ શીખવા મળે છે કે જીવનમાં સાચું સુખ કઈ રીતે મેળવી શકાય. એ સત્ય સ્વીકારવાથી આપણે ખોટાં શિક્ષણથી આઝાદ થયા છે અને શુદ્ધ જીવન જીવી શકીએ છીએ.—૧ કોરીં. ૬:૯-૧૧.

બાઇબલમાં રહેલું સત્ય કીમતી છે, એનું બીજું પણ એક કારણ છે. યહોવા ઈશ્વર બાઇબલનું સત્ય એવા નમ્ર લોકોને જણાવે છે, ‘જેઓનું હૃદય સત્ય સ્વીકારવા તરફ ઢળેલું છે.’ (પ્રે.કા. ૧૩:૪૮) આપણને ખાતરી છે કે યહોવા વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા એ સત્ય શીખવી રહ્યા છે. (માથ. ૧૧:૨૫; ૨૪:૪૫) બાઇબલનાં સત્ય વિશે શીખવું એ તો જાણે કીમતી ખજાના જેવું છે. (નીતિ. ૩:૧૩, ૧૫) એ આપમેળે શીખી શકાતું નથી.

૫. યહોવાએ આપણને બીજું શું આપ્યું છે?

યહોવાએ બીજાઓને સત્ય વિશે અને તેમના હેતુઓ વિશે શીખવવાનો આપણને લહાવો આપ્યો છે. (માથ. ૨૪:૧૪) આપણે બીજાઓને યહોવાનો કીમતી સંદેશો શીખવીએ છીએ. જેઓ એ સંદેશો સાંભળે છે, તેઓ યહોવાનાં કુટુંબનો ભાગ બને છે. વધુમાં તેઓને હંમેશ માટેના જીવનની આશા મળે છે. (૧ તિમો. ૪:૧૬) ભલે આપણે ઓછું કરતા હોઈએ કે વધારે, મહત્ત્વનું એ છે કે આપણે એમાં ભાગ લઈએ. (૧ તિમો. ૨:૩, ૪) ખરેખર, ઈશ્વરના સાથી કામદારો હોવું એ કેટલો મોટો લહાવો છે!—૧ કોરીં. ૩:૯.

આપણને જે મળ્યું છે એને સાચવીએ

તિમોથીએ સત્યમાં મક્કમ રહેવા નિર્ણય લેવો પડ્યો કારણ કે અમુક લોકો સત્ય છોડી રહ્યા હતા (ફકરો ૬ જુઓ)

૬. અમુક ઈશ્વરભક્તોએ ધ્યાન ન રાખ્યું ત્યારે શું થયું?

તિમોથીના સમયમાં અમુક ઈશ્વરભક્તોએ એનું ધ્યાન રાખ્યું નહિ. એટલે તેઓએ ઈશ્વરના સાથી કામદારો બનવાનો લહાવો ગુમાવી દીધો. જેમ કે, દેમાસને દુનિયા પર ખૂબ જ પ્રેમ હતો. એટલે તેણે પાઊલ સાથે કામ કરવાનો લહાવો જતો કર્યો. (૨ તિમો. ૪:૧૦) ફુગિલસ અને હર્મોગનેસે સેવાકાર્ય પડતું મૂક્યું. કારણ કે તેઓને ડર હતો કે પાઊલની જેમ તેઓએ ઘણું સહેવું પડશે. (૨ તિમો. ૧:૧૫) હુમનાયસ, એલેકઝાંડર અને ફિલેતસે યહોવાની ભક્તિ છોડી દીધી અને તેઓ સત્યમાં ભેળસેળ કરવા લાગ્યા. (૧ તિમો. ૧:૧૯, ૨૦; ૨ તિમો. ૨:૧૬-૧૮) એક સમયે તેઓ યહોવાને પ્રેમ કરતા હતા. પણ પછી પોતાને મળેલી કીમતી વસ્તુને તેઓએ કીમતી ગણવાનું છોડી દીધું.

૭. શેતાન કેવી ચાલાકીઓ વાપરે છે?

યહોવાએ આપેલી કીમતી વસ્તુ આપણે ગુમાવી દઈએ માટે શેતાન ઘણી ચાલાકીઓ વાપરે છે. જેમ કે, ટીવી, ફિલ્મો, ઇન્ટરનેટ, પેપર, પુસ્તકો અને મૅગેઝિનનો તે ઉપયોગ કરે છે. તે ચાહે છે કે એનાથી આપણાં વાણી-વર્તન ખરાબ થઈ જાય. સમય જતાં યહોવા માટેનો આપણો પ્રેમ ઠંડો પડી જાય અને આપણે તેમની આજ્ઞા પાળવાનું છોડી દઈએ. લોકો શું વિચારશે અથવા લોકો સતાવણી કરશે, એવો ડર આપણા મનમાં પેદા કરવાનો શેતાન પ્રયત્ન કરે છે. તે એવું એટલા માટે કરે છે, જેથી આપણે ખુશખબર ફેલાવવાનું છોડી દઈએ. સત્યમાં ભેળસેળ કરનારાઓના શિક્ષણને “ભૂલથી ‘જ્ઞાન’ કહેવામાં આવે છે.” (૧ તિમો. ૬:૨૦, ૨૧) શેતાન ચાહે છે કે આપણે એમાં ફસાય જઈએ અને સત્યને છોડી દઈએ.

૮. ડેનીયેલના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

જો ધ્યાન નહિ રાખીએ તો આપણે ધીરે ધીરે સત્યથી દૂર થઈ જઈશું. ચાલો ડેનિયેલનો * દાખલો જોઈએ. તેને વીડિયો ગેમ રમવાનું ખૂબ ગમતું હતું. તે કહે છે, ‘દસ વર્ષનો હતો ત્યારથી મેં વીડિયો ગેમ રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં હું એવી વીડિયો ગેમ રમતો જે અમુક હદે સારી હતી. પણ ધીમે ધીમે હું એવી ગેમ રમવા લાગ્યો જેમાં હિંસા અને મેલીવિદ્યા હતી.’ પછી તો તે દિવસના ૧૫ કલાક એ ગેમ રમતો હતો. તે કહે છે, ‘હું જાણતો હતો કે એવી ગેમ રમવાથી અને એમાં એટલો સમય બગાડવાથી યહોવા સાથેનો મારો સંબંધ બગડી રહ્યો છે. પણ મારું દિલ કહેતું કે મારે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાની જરૂર નથી. જોકે એવું વિચારીને તો હું પોતાને છેતરી રહ્યો હતો.’ જો ધ્યાન ન રાખીએ તો આપણે પણ એવા ફાંદાઓમાં ફસાય શકીએ છીએ. આપણે પણ કદાચ ધીરે ધીરે સત્યથી દૂર થઈ જઈએ. જો એવું થાય તો યહોવાએ આપેલી કીમતી વસ્તુ આપણે કદાચ ગુમાવી દઈશું.

જે મળ્યું છે એને કઈ રીતે સાચવી શકીએ?

૯. પહેલો તિમોથી ૧:૧૮, ૧૯ પ્રમાણે પાઊલે તિમોથીને કોની સાથે સરખાવ્યા?

પહેલો તિમોથી ૧:૧૮, ૧૯ વાંચો. પાઊલે તિમોથીને એક સૈનિક સાથે સરખાવ્યા અને કહ્યું “સારી લડાઈ લડતો રહે.” પાઊલે માણસોની લડાઈ વિશે વાત કરી ન હતી. તો પછી, આપણે કયા અર્થમાં એક સૈનિક જેવા બનવાનું છે? ખ્રિસ્તના સૈનિક બનવા આપણે કયા ગુણો કેળવવા જોઈએ? પાઊલે આપેલા દાખલામાંથી ચાલો આપણે પાંચ મહત્ત્વની બાબતો શીખીએ. એનાથી આપણને સત્યમાં મક્કમ રહેવા મદદ મળશે.

૧૦. (ક) ઈશ્વરની ભક્તિમાં આગળ વધવાનો શું અર્થ થાય? (ખ) આપણે કેમ ઈશ્વરની ભક્તિમાં આગળ વધવું જોઈએ?

૧૦ ઈશ્વરની ભક્તિમાં આગળ વધીએ. એક સારો સૈનિક વફાદાર હોય છે. તે જેને પ્રેમ કરે છે અને જેને કીમતી ગણે છે, એને બચાવવા પૂરી મહેનતથી લડે છે. પાઊલે તીમોથીને ઈશ્વરની ભક્તિમાં આગળ વધવાનું ઉત્તેજન આપ્યું. (૧ તિમો. ૪:૭) ઈશ્વરની ભક્તિમાં આગળ વધવાનો અર્થ એ છે કે ઈશ્વરને પૂરા દિલથી પ્રેમ કરવો અને તેમને વફાદાર રહેવું. એમાં આગળ વધતા જઈશું તેમ સત્યમાં મક્કમ થવાની આપણી ઇચ્છા વધશે.—૧ તિમો. ૪:૮-૧૦; ૬:૬.

આખો દિવસ કામ કર્યા પછી સભામાં જવા આપણે પોતાનું મન તૈયાર કરવું પડે છે. પણ એમ કરીશું તો ઘણા આશીર્વાદ મળશે (ફકરો ૧૧ જુઓ)

૧૧. આપણે શા માટે જે ખરું છે એ પ્રમાણે કરતા રહેવાનું છે?

૧૧ જે ખરું છે એ પ્રમાણે કરીએ. એક સૈનિકે લડાઈ માટે તૈયાર રહેવા મહેનત કરવી પડે છે. શેતાનની અસરો સામે લડી શકે માટે તિમોથીએ પાઊલની સલાહ પ્રમાણે કરવાનું હતું. પાઊલે તિમોથીને સલાહ આપી હતી કે ખોટી ઇચ્છાઓ સામે લડવા, સારા ગુણો કેળવવા અને ભાઈ-બહેનો સાથે હળવા-મળવા મહેનત કરે. (૨ તિમો. ૨:૨૨) આપણે પણ તિમોથીની જેમ જે ખરું છે એ પ્રમાણે કરતા રહીએ. એમ કરીશું તો ખોટી ઇચ્છાઓ સામે જીત મેળવી શકીશું. (રોમ. ૭:૨૧-૨૫) વધુમાં, જૂનો સ્વભાવ કાઢવા અને નવો સ્વભાવ પહેરવા આપણે જે ખરું છે એ કરતા રહેવાની જરૂર છે. (એફે. ૪:૨૨, ૨૪) દિવસને અંતે થાકી જઈએ ત્યારે સભામાં જવા પોતાના મનને તૈયાર કરવું પડે છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

૧૨. કઈ રીતે બાઇબલનો સારો ઉપયોગ કરી શકીએ?

૧૨ એક સૈનિકે હથિયાર વાપરવાની પ્રેક્ટિસ કરવી પડે છે. તે દરરોજ કરે છે ત્યારે તેને હથિયાર વાપરવાનું સારી રીતે આવડી જાય છે. એવી જ રીતે આપણને પણ બાઇબલનો સારી રીતે ઉપયોગ કરતા આવડવું જોઈએ. (૨ તિમો. ૨:૧૫) એ વિશે આપણને સભામાં અમુક રીતે શીખવવામાં આવે છે. પણ બાઇબલના સત્યથી મદદ મળે છે, એ બીજાઓને ખાતરી કરાવવા આપણે એનો નિયમિત અભ્યાસ કરવો પડશે. આપણી શ્રદ્ધા મજબૂત કરવા પણ બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. એ માટે બાઇબલ વાંચવું જ પૂરતું નથી. પરંતુ બાઇબલમાંથી જે વાંચીએ એના પર વિચાર કરીએ અને આપણા સાહિત્યમાંથી એ વિશે શોધખોળ કરીએ. એમ કરીશું તો બાઇબલમાં આપેલી માહિતી સારી રીતે સમજી શકીશું અને જીવનમાં લાગુ કરી શકીશું. (૧ તિમો. ૪:૧૩-૧૫) એ પછી બીજાઓને શીખવવા આપણે બાઇબલનો ઉપયોગ કરી શકીશું. એ માટે આપણે તેઓને બાઇબલની કલમો વાંચીને સંભળાવવી જ પૂરતું નથી. પણ આપણે તેઓને કલમ સમજવા અને એને જીવનમાં લાગુ કરવા મદદ કરવી જોઈએ. બાઇબલનો નિયમિત અભ્યાસ કરીશું તો જ બીજાઓને બાઇબલમાંથી સારી રીતે શીખવી શકીશું.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

૧૩. હિબ્રૂઓ ૫:૧૪ પ્રમાણે આપણે શા માટે સમજી-વિચારીને વર્તવું જોઈએ?

૧૩ સમજી-વિચારીને વર્તીએ. એક સૈનિક અગાઉથી ખતરો પારખે છે અને એને ટાળવાનો પ્રયત્ન કરે છે. આપણે પણ અગાઉથી સંજોગો પારખવા જોઈએ અને ખતરો ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. (નીતિ. ૨૨:૩; હિબ્રૂઓ ૫:૧૪ વાંચો.) દાખલા તરીકે, આપણે ટીવીના કાર્યક્રમ, ફિલ્મો, ઇન્ટરનેટ, પેપર, પુસ્તકો અને મૅગેઝિનને સમજી-વિચારીને પસંદ કરવાં જોઈએ. ટીવીના કાર્યક્રમો અને ફિલ્મોમાં વ્યભિચાર જેવાં ગંદાં કામો બતાવવામાં આવે છે. એવાં કામોને ઈશ્વર નફરત કરે છે અને એનાથી આપણને પણ નુકસાન થાય છે. એવી બાબતો ધીરે ધીરે યહોવા માટેના આપણા પ્રેમને ઠંડો પાડી દે છે. એટલે એવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ.—એફે. ૫:૫, ૬.

૧૪. સમજી-વિચારીને વર્તવાથી ડેનિયેલને કેવો ફાયદો થયો?

૧૪ અગાઉ જેના વિશે જોઈ ગયા એ ડેનિયેલને સમજાયું કે હિંસા અને મેલીવિદ્યાવાળી વીડિયો ગેમ રમવી ખોટું છે. તેણે પોતાની મુશ્કેલી વિશે વોચટાવર લાઇબ્રેરીમાં આપેલાં સાહિત્યમાં શોધખોળ કરી. એ પછી તેણે એવી ખરાબ વીડિયો ગેમ રમવાનું છોડી દીધું. ઓનલાઇન ગેમ રમનાર બીજા લોકો સાથે તેણે દોસ્તી તોડી નાખી. ડેનિયેલ કહે છે: ‘વીડિયો ગેમ રમવાને બદલે હું મંડળના મિત્રો સાથે હળવા-મળવા લાગ્યો.’ હવે ડેનિયેલ પાયોનિયર છે અને મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે.

૧૫. અફવાઓ શા માટે ખતરનાક છે?

૧૫ સત્યમાં ભેળસેળ કરનારાઓ અફવાઓ ફેલાવે છે. એ અફવાઓ માનવી કેટલું ખતરનાક છે. આપણે પણ તિમોથીની જેમ એ પારખવું જોઈએ. (૧ તિમો. ૪:૧, ૭; ૨ તિમો. ૨:૧૬) દાખલા તરીકે, તેઓ કદાચ આપણાં ભાઈ-બહેનો વિશે અફવાઓ ફેલાવે કે સંગઠન પર શંકા કરે. એવી ખોટી માહિતી પર ધ્યાન આપવાથી આપણી શ્રદ્ધા ડગમગે છે. એવી વાતોમાં આપણે ભોળવાઈ જઈશું નહિ. કારણ કે “એવું કરનારા માણસોના મન ભ્રષ્ટ છે અને હવે તેઓ સત્ય સમજતા નથી.” તેઓ તો બસ ‘દલીલો અને શબ્દોના વાદવિવાદ’ કરવા માંગે છે. (૧ તિમો. ૬:૪, ૫) તેઓ ચાહે છે કે આપણે તેઓની વાતોમાં આવી જઈએ અને આપણાં ભાઈ-બહેનો પર શંકા કરવા લાગીએ. પણ આપણે એવું થવા દઈશું નહિ.

૧૬. કેવી બાબતોને લીધે આપણું ધ્યાન ફંટાવવા ન દેવું જોઈએ?

૧૬ ધ્યાન ફંટાવવા ન દઈએ. તિમોથીએ ધનદોલત કે બીજી બાબતોને લીધે ધ્યાન ફંટાવવા દેવાનું ન હતું. તેમણે તો “ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે” સેવાકાર્યમાં પૂરું ધ્યાન આપવાનું હતું. (૨ તિમો. ૨:૩, ૪) ધનદોલતની પાછળ પડવાને બદલે આપણે તિમોથીના જેવું બનવાનું છે. “ધનદોલતની માયા” રાખવાથી શું થઈ શકે? કદાચ યહોવા માટેનો આપણો પ્રેમ ઠંડો પડી જાય અને આપણે બાઇબલ માટે તેમની કદર કરવાનું ચૂકી જઈએ. વધુમાં, બીજાઓને તેમના વિશે જણાવવાની આપણી ઇચ્છા મરી જાય. (માથ. ૧૩:૨૨) આપણે પોતાનું જીવન સાદું રાખવું જોઈએ અને આપણાં સમય-શક્તિનો ઉપયોગ ‘ઈશ્વરના રાજ્યને પહેલા શોધતા રહેવામાં’ કરવો જોઈએ.—માથ. ૬:૨૨-૨૫, ૩૩.

૧૭-૧૮. યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં ન આવે માટે શું કરવું જોઈએ?

૧૭ તરત પગલાં ભરવાં તૈયાર રહીએ. એક સૈનિક પોતાનું રક્ષણ કરવા તરત પગલાં ભરશે. આપણે પણ યહોવાએ સોંપેલી કીમતી વસ્તુને સાચવવા તરત પગલાં ભરવા જોઈએ. એ માટે આપણને ક્યાંથી મદદ મળી શકે? ખતરો ઊભો થાય ત્યારે શું કરવું એ વિશે અગાઉથી વિચારી રાખવું જોઈએ.

૧૮ દાખલા તરીકે, કોઈ કાર્યક્રમમાં જાઓ ત્યારે શરૂઆતમાં એક જાહેરાત કરવામાં આવે છે. મુશ્કેલી ઊભી થાય તો બહાર નીકળવાના નજીકના રસ્તા વિશે એમાં જણાવવામાં આવે છે. આપણે પણ ઇન્ટરનેટ, ટીવી કે ફિલ્મો જોતી વખતે ગંદા દૃશ્ય, હિંસા કે સત્યમાં ભેળસેળ કરનારી માહિતી આવે તો તરત જ એને બંધ કરવા શું કરવું જોઈએ, એ વિશે અગાઉથી વિચારીએ. જો એમ કરીશું તો યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં નહિ મૂકાય અને તેમની નજરે આપણે શુદ્ધ રહી શકીશું.—ગીત. ૧૦૧:૩; ૧ તિમો. ૪:૧૨.

૧૯. યહોવાએ આપેલી કીમતી વસ્તુઓનું આપણે કેમ રક્ષણ કરવું જોઈએ?

૧૯ યહોવાએ આપણને બાઇબલમાં કીમતી સત્ય આપ્યાં છે અને બીજાઓને શીખવવાનો લહાવો આપ્યો છે. યહોવાએ આપેલી એ કીમતી વસ્તુઓનું આપણે રક્ષણ કરવું જોઈએ. એમ કરીશું તો આપણે સાફ દિલ રાખી શકીશું, આપણે ખરું જીવન જીવી શકીશું અને બીજાઓને યહોવા વિશે શીખવવાથી આપણને ખુશી મળશે. યહોવાની મદદથી તેમણે આપેલી વસ્તુઓનું આપણે રક્ષણ કરી શકીશું.—૧ તિમો. ૬:૧૨, ૧૯.

ગીત ૨૯ ચાલું તારી સંગે

^ ફકરો. 5 આપણને સત્ય શીખવાનો અને બીજાઓને શીખવવાનો યહોવાએ સુંદર લહાવો આપ્યો છે. આ લેખથી આપણને એ લહાવો સાચવવા અને પડતો ન મૂકવા મદદ મળશે.

^ ફકરો. 8 નામ બદલ્યું છે.