સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૮

શાંતિના સમયનો સારો ઉપયોગ કરીએ

શાંતિના સમયનો સારો ઉપયોગ કરીએ

“દેશમાં શાંતિ હતી, ને તે દરમિયાન તેના રાજ્યમાં ક્યાંય પણ લડાઈ ચાલતી નહોતી; કેમ કે યહોવાએ તેને શાંતિ આપી હતી.”—૨ કાળ. ૧૪:૬.

ગીત ૧૪૪ સાંભળો અને બચો

ઝલક *

૧. યહોવાની સેવા કરવી ક્યારે અઘરું લાગે છે?

યહોવાની સેવા કરવી તમને ક્યારે અઘરું લાગે છે? જીવનમાં મુશ્કેલીઓ હોય ત્યારે કે પછી શાંતિ હોય ત્યારે? જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે તો આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીએ છીએ. પણ જીવનમાં શાંતિ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? શું આપણે યહોવાની ભક્તિથી ફંટાઈ જઈએ છીએ? હા, એવું બની શકે છે. એટલે જ એ વિશે યહોવાએ ઇઝરાયેલીઓને ચેતવણી આપી હતી.—પુન. ૬:૧૦-૧૨.

આસા રાજાએ જૂઠી ભક્તિ વિરુદ્ધ યોગ્ય પગલાં ભર્યાં (ફકરો ૨ જુઓ) *

૨. આસા રાજાએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?

આસા રાજાએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. તેમણે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો અને સમજી-વિચારીને પગલાં ભર્યાં. તેમણે મુશ્કેલ સંજોગોમાં જ નહિ, પરંતુ શાંતિના સમયમાં પણ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી. આસા જીવનભર યહોવાની ભક્તિ પૂરા દિલથી કરતા રહ્યા. (૧ રાજા. ૧૫:૧૪) તેમણે યહુદામાંથી જૂઠી ભક્તિ કાઢી નાખી. બાઇબલમાં લખ્યું છે: ‘તેમણે પારકી વેદીઓ તથા ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, ભજનસ્તંભો ભાંગી નાખ્યા અને અશેરીમ મૂર્તિઓને કાપી નાખી.’ (૨ કાળ. ૧૪:૩, ૫) તેમણે પોતાની નાની માઅખાહને પણ રાજમાતાના પદથી કાઢી મૂકી. શા માટે? કારણ કે તે મૂર્તિપૂજા કરતી હતી અને બીજાઓને પણ એ કરવા ઉશ્કેરતી હતી.—૧ રાજા. ૧૫:૧૧-૧૩.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

જૂઠી ભક્તિ કાઢી નાખ્યા પછી આસા હાથ પર હાથ ધરીને બેસી રહ્યા નહિ. તેમણે સાચી ભક્તિને આગળ વધારવા મહેનત કરી અને યહુદાના લોકોને યહોવા તરફ પાછા ફરવા મદદ કરી. યહોવાએ આસા અને યહુદાના લોકોને આશીર્વાદ આપ્યો એટલે ત્યાં શાંતિનો સમય * આવ્યો. આસાના રાજમાં દસ વર્ષ સુધી “દેશમાં શાંતિ હતી.” (૨ કાળ. ૧૪:૧, ૪, ૬) આ લેખમાં ચર્ચા કરીશું કે આસાએ શાંતિના સમયનો કઈ રીતે ઉપયોગ કર્યો. પછી જોઈશું કે પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ કઈ રીતે આસાની જેમ શાંતિના સમયનો ઉપયોગ કર્યો. છેલ્લે જોઈશું કે તમારા દેશમાં છૂટથી યહોવાની ભક્તિ થઈ શકતી હોય તો, શાંતિના સમયનો કઈ રીતે ઉપયોગ કરી શકો.

આસાએ કઈ રીતે શાંતિના સમયનો ઉપયોગ કર્યો?

૪. બીજો કાળવૃત્તાંત ૧૪:૨, ૬, ૭ પ્રમાણે આસાએ કઈ રીતે શાંતિના સમયનો ઉપયોગ કર્યો?

બીજો કાળવૃત્તાંત ૧૪:૨, ૬, ૭ વાંચો. આસા રાજાએ લોકોને કહ્યું કે યહોવાએ “[તેઓને] ચારે તરફ શાંતિ આપી છે.” આસાએ એવું વિચાર્યું નહિ કે એ નવરાશનો સમય છે. તે તો શહેરો, દીવાલો, બુરજો અને દરવાજાઓ બાંધવા લાગ્યા. તેમણે યહુદાના લોકોને કહ્યું: “હજી દેશમાં આપણને કોઈની નડતર નથી.” તેમના કહેવાનો શો અર્થ હતો? તે કહેવા માંગતા હતા કે ઈશ્વરે આપેલા દેશમાં લોકો છૂટથી હરીફરી શકતા હતા. વધુમાં, દુશ્મનોનો કોઈ વિરોધ ન હોવાથી તેઓ બાંધકામ કરી શકતા હતા. એટલે તેમણે લોકોને જણાવ્યું કે શાંતિના સમયનો ફાયદો ઉઠાવે.

૫. આસા રાજાએ શા માટે પોતાની સેના મજબૂત કરી?

એ શાંતિના સમયમાં આસા રાજાએ પોતાની સેના મજબૂત કરી. (૨ કાળ. ૧૪:૮) શું એનો અર્થ એ કે તેમને યહોવા પર ભરોસો ન હતો? ના એવું નથી. કેમ કે તે જાણતા હતા, લોકોને મુશ્કેલીઓ માટે તૈયાર કરવાની રાજા તરીકે તેમની ફરજ છે. આસાને ખબર હતી કે યહુદામાં જે શાંતિ છે એ થોડા સમયની છે. આખરે એ વાત સાચી પડી.

પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ કઈ રીતે શાંતિના સમયનો ઉપયોગ કર્યો?

૬. પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ કઈ રીતે શાંતિના સમયનો ઉપયોગ કર્યો?

પ્રથમ સદીના ઈશ્વરભક્તોની ઘણી વાર સતાવણી કરવામાં આવી. તેઓને પણ શાંતિનો સમય મળ્યો. શિષ્યોએ એ તકનો કેવો ઉપયોગ કર્યો? તેઓ ખુશખબર ફેલાવતા રહ્યા. પ્રેરિતોનાં કાર્યોમાં જણાવ્યું છે કે ‘મંડળ યહોવાના ભયમાં ચાલતું ગયું.’ તેઓએ ખુશખબર ફેલાવવાનું પડતું મૂક્યું નહિ. યહોવાએ તેઓના કામ પર આશીર્વાદ આપ્યો. એટલે તેઓની સંખ્યામાં “વધારો થતો ગયો.”—પ્રે.કા. ૯:૨૬-૩૧.

૭-૮. પાઊલ અને બીજા ઈશ્વરભક્તોને તક મળી ત્યારે તેઓએ શું કર્યું?

પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ ખુશખબર ફેલાવવાની દરેક તક ઝડપી લીધી. દાખલા તરીકે, પ્રેરિત પાઊલને ખબર પડી કે એફેસસમાં તેમના માટે મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે ત્યારે તેમણે એ તક ઝડપી લીધી. એ શહેરના લોકોને ખુશખબર જણાવવામાં અને શિષ્યો બનાવવામાં તેમણે પાછી પાની કરી નહિ.—૧ કોરીં. ૧૬:૮, ૯.

ઈસવીસન ૪૯માં સુન્‍નત વિશે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે, પાઊલ અને બીજા ઈશ્વરભક્તોને બીજી તક મળી. (પ્રે.કા. ૧૫:૨૩-૨૯) એ નિર્ણય બધાં મંડળોને જણાવ્યા પછી ઈશ્વરભક્તો પૂરી મહેનતથી “યહોવાના સંદેશાની ખુશખબર ફેલાવતા રહ્યા.” (પ્રે.કા. ૧૫:૩૦-૩૫) એનું કેવું પરિણામ આવ્યું? બાઇબલમાં લખ્યું છે: “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.”—પ્રે.કા. ૧૬:૪, ૫.

આજે આપણે શાંતિના સમયનો સારો ઉપયોગ કરીએ

૯. (ક) આજે ઘણા દેશોમાં કેવા સંજોગો છે? (ખ) આપણે પોતાને કયો સવાલ પૂછવો જોઈએ?

આજે ઘણા દેશોમાં છૂટથી ખુશખબર ફેલાવી શકાય છે. શું તમે એવા દેશમાં રહો છો જ્યાં ભક્તિ કરવામાં કોઈ રોકટોક નથી? જો એમ હોય તો પોતાને પૂછો: “મને મળેલી છૂટનો હું કેવો ઉપયોગ કરું છું?” આ છેલ્લા દિવસો યહોવાના લોકો માટે યાદગાર છે. કારણ કે તેઓ ખુશખબર ફેલાવવાના અને શિષ્યો બનાવવાના કામમાં ભાગ લઈ રહ્યા છે. પહેલાં ક્યારેય આટલા જોરશોરથી એ કામ થયું નથી. (માર્ક ૧૩:૧૦) એ કામમાં આપણી પાસે ઘણી તક રહેલી છે.

બીજા દેશમાં કે બીજી ભાષાના લોકોને ખુશખબર જણાવવામાં ઘણા લોકોએ ભાગ લીધો છે અને તેઓને અઢળક આશીર્વાદો મળ્યા છે (ફકરા ૧૦-૧૨ જુઓ) *

૧૦. બીજો તિમોથી ૪:૨માંથી કયું ઉત્તેજન મળે છે?

૧૦ તમે શાંતિના સમયનો કઈ રીતે ફાયદો ઉઠાવી શકો? (૨ તિમોથી ૪:૨ વાંચો.) પોતાના સંજોગોની તપાસ કરો. પછી વિચારો કે, શું તમે કે તમારા કુટુંબનો કોઈ સભ્ય પ્રચારમાં વધુ કરવા પોતાના સંજોગોમાં ફેરફાર કરી શકે? શું તમે કે તમારા કુટુંબનો કોઈ સભ્ય પાયોનિયર બની શકે? હવે ધનદોલત અને માલમિલકત ભેગી કરવાનો સમય નથી. કારણ કે એ બધું મહાન વિપત્તિમાં બચવાનું નથી.—નીતિ. ૧૧:૪; માથ. ૬:૩૧-૩૩; ૧ યોહા. ૨:૧૫-૧૭.

૧૧. બીજાઓને યહોવા વિશે શીખવવા ભાઈ-બહેનો શું કરે છે?

૧૧ કેટલાંક ભાઈ-બહેનો નવી ભાષા શીખે છે, જેથી બીજાઓને યહોવા વિશે શીખવી શકે. તેઓને મદદ મળે માટે સંગઠન ઘણી ભાષામાં બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડે છે. દાખલા તરીકે, ૨૦૧૦માં આપણું સાહિત્ય આશરે ૫૦૦ ભાષામાં હતું. આજે એ ૧૦૦૦ કરતાં વધુ ભાષામાં બહાર પડે છે.

૧૨. પોતાની ભાષામાં સંદેશો સાંભળવાથી લોકોને કેવો ફાયદો થાય છે? દાખલો આપો.

૧૨ પોતાની ભાષામાં બાઇબલમાંથી સત્ય જાણવા મળે ત્યારે લોકોને કેવું લાગે છે? ચાલો એ વિશે એક બહેનનો દાખલો જોઈએ. અમેરિકાના ટેનિસી રાજ્યમાં આવેલા મેમ્ફીસ શહેરમાં એક મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. એ સંમેલન કીનીયારવન્ડા ભાષામાં હતું. એ ભાષા રુવાન્ડા, કૉંગો (કિન્શાસા) અને યુગાન્ડામાં બોલાય છે. સંમેલન પછી કીનીયારવન્ડા ભાષા બોલતી એક બહેને જણાવ્યું: ‘હું અમેરિકામાં સત્તર વર્ષથી રહું છું. આટલાં વર્ષોમાં હું પહેલી વાર ભક્તિને લગતો કાર્યક્રમ પૂરેપૂરો સમજી શકી છું.’ પોતાની ભાષામાં કાર્યક્રમ સાંભળીને તેના દિલને ખૂબ અસર થઈ. જો સંજોગો સારા હોય તો તમારા વિસ્તારના લોકોને મદદ કરવા શું તમે નવી ભાષા શીખી શકો? તમારા વિસ્તારમાં એવા લોકો હશે જેઓની ભાષા બીજી હશે. તેઓને પોતાની ભાષામાં સંદેશો સાંભળવો ગમશે. તમે બીજી ભાષા શીખવા મહેનત કરશો તો તમારી મહેનત રંગ લાવશે.

૧૩. રશિયાનાં ભાઈ-બહેનોએ શાંતિના સમયનો કેવો ઉપયોગ કર્યો?

૧૩ બધાં ભાઈ-બહેનોને છૂટથી ખુશખબર ફેલાવવાનો મોકો મળતો નથી. અમુક વાર, સરકારના નિયંત્રણોને લીધે પૂરી રીતે ખુશખબર ફેલાવી શકાતી નથી. દાખલા તરીકે, રશિયાનાં ભાઈ-બહેનોનો વિચાર કરો. ઘણાં વર્ષો સુધી સતાવણી સહ્યાં પછી તેઓને માર્ચ ૧૯૯૧માં ખુશખબર ફેલાવવાની છૂટ મળી. એ સમયે રશિયામાં આશરે ૧૬,૦૦૦ પ્રકાશકો હતા. વીસ વર્ષ પછી ત્યાં ૧,૬૦,૦૦૦ પ્રકાશકો હતા. એનાથી સાફ જોવા મળે છે કે આપણાં ભાઈ-બહેનોએ એ છૂટનો પૂરો ફાયદો ઉઠાવ્યો. પણ શાંતિનો એ સમય બહુ લાંબો ટક્યો નહિ. સંજોગો બદલાયા હોવા છતાં ભાઈ-બહેનોનો ઉત્સાહ ઠંડો પડ્યો નથી. તેઓ યહોવાની સેવા માટે બનતું બધું કરે છે.

શાંતિનો સમય બહુ લાંબો નહિ ટકે

આસા રાજાએ યહોવાને દિલથી પ્રાર્થના કરી અને યહોવાએ મોટી સેના સામે યહુદાને જીત અપાવી (ફકરા ૧૪-૧૫ જુઓ)

૧૪-૧૫. યહોવાએ કઈ રીતે પોતાની શક્તિ બતાવી?

૧૪ આસાના રાજમાં થોડા વખત પછી શાંતિના સમયનો અંત આવ્યો. ઇથિયોપિયાની દસ લાખ જેટલી સેના યહુદા પર ચઢી આવી. એના સેનાપતિ ઝેરાને ખાતરી હતી કે તે અને તેની સેના યહુદાને હરાવશે. પણ આસા રાજાને પોતાના ઈશ્વર યહોવા પર પૂરો ભરોસો હતો. તેમણે પ્રાર્થના કરી: ‘હે યહોવા અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ. તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ.’—૨ કાળ. ૧૪:૧૧.

૧૫ ઇથિયોપિયાની સેના આસાની સેના કરતાં બમણી હતી. પણ આસાને ખબર હતી કે યહોવા પાસે પોતાના લોકોને છોડાવવાની શક્તિ અને આવડત છે. યહોવાએ તેમનો ભરોસો તૂટવા દીધો નહિ અને ઇથિયોપિયાની સેનાની હાર થઈ.—૨ કાળ. ૧૪:૮-૧૩.

૧૬. શા પરથી કહી શકાય કે શાંતિનો સમય બહુ લાંબો ટકવાનો નથી?

૧૬ આપણા દરેકનું ભાવિ કેવું હશે એ વિશે આપણને પૂરી માહિતી નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે ઈશ્વરભક્તોને મળેલો શાંતિનો સમય બહુ લાંબો ટકવાનો નથી. ઈસુએ અગાઉથી કહ્યું હતું કે તેમના શિષ્યોનો ‘બધી પ્રજાઓ ધિક્કાર કરશે.’ (માથ. ૨૪:૯) પાઊલે પણ કહ્યું હતું: “જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ભક્તિભાવથી જીવવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.” (૨ તિમો. ૩:૧૨) શેતાન “ઘણો ગુસ્સે ભરાયો છે” એટલે તે પોતાનો ગુસ્સો આપણા પર કાઢશે.—પ્રકટી. ૧૨:૧૨.

૧૭. આપણા બધાની વફાદારીની કસોટી કઈ રીતે થઈ શકે?

૧૭ ભાવિમાં આપણા બધાની વફાદારીની કસોટી થશે. આ દુનિયા પર “એવી મહાન વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી.” (માથ. ૨૪:૨૧) એ સમયે કુટુંબના સભ્યો આપણો વિરોધ કરી શકે અથવા આપણા કામ પર પ્રતિબંધ લાગી શકે. (માથ. ૧૦:૩૫, ૩૬) શું આપણે પોતે આસાની જેમ ભરોસો રાખીશું કે યહોવા આપણને બચાવશે અને મદદ કરશે?

૧૮. હિબ્રૂઓ ૧૦:૩૮, ૩૯ પ્રમાણે આપણને તૈયાર રહેવા ક્યાંથી મદદ મળશે?

૧૮ ભાવિમાં આવનારી બાબતો માટે તૈયાર થવા આપણને યહોવા મદદ કરે છે. યહોવા ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ માર્ગદર્શન આપે છે. એનાથી તેઓ આપણને ભક્તિમાં અડગ રહેવા ‘યોગ્ય સમયે ખોરાક આપે’ છે. (માથ. ૨૪:૪૫) આપણે પણ પોતાનાથી બનતું બધું કરીએ અને યહોવામાં અડગ શ્રદ્ધા રાખીએ.હિબ્રૂઓ ૧૦:૩૮, ૩૯ વાંચો.

૧૯-૨૦. પહેલો કાળવૃત્તાંત ૨૮:૯ પ્રમાણે આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ અને શા માટે?

૧૯ આસા રાજાની જેમ આપણે પણ યહોવાને ‘શોધવાની’ જરૂર છે. (૨ કાળ. ૧૪:૪; ૧૫:૧, ૨) એ માટે આપણે યહોવાને ઓળખવા જોઈએ અને બાપ્તિસ્મા લેવું જોઈએ. આપણે યહોવા માટેનો પ્રેમ મજબૂત કરવાની દરેક તક ઝડપી લઈએ. એ વિશે આપણે કેવું કરી રહ્યા છે એની પરખ કરવા આ સવાલનો વિચાર કરીએ: “શું હું સભાઓમાં નિયમિત જાઉં છું?” સંગઠન દ્વારા રાખવામાં આવતી સભાઓમાં જઈએ છીએ ત્યારે આપણને તાજગી મળે છે. એટલું જ નહિ, ભાઈ-બહેનોનો સાથ મળે છે. (માથ. ૧૧:૨૮) આપણે આ સવાલોનો પણ વિચાર કરવો જોઈએ: “શું હું બાઇબલનો નિયમિત અભ્યાસ કરું છું? જો કુટુંબ સાથે રહેતો હોઉં, તો શું અમે દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય નક્કી કર્યો છે? જો એકલો રહેતો હોઉં તોપણ શું મેં કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય નક્કી કર્યો છે? શું હું ખુશખબર ફેલાવવા અને શિષ્યો બનાવવાના કામમાં પૂરેપૂરો ભાગ લઉં છું?”

૨૦ આપણે શા માટે એ સવાલોનો વિચાર કરવો જોઈએ? બાઇબલમાં લખ્યું છે કે યહોવા આપણાં વિચારો અને દિલની લાગણીઓની પરખ કરે છે. એટલે આપણે પણ પોતાની પરખ કરવી જોઈએ. (૧ કાળવૃત્તાંત ૨૮:૯ વાંચો.) જો આપણને લાગે કે નક્કી કરેલા ધ્યેયો, વલણ અથવા વિચારોમાં અમુક ફેરફાર કરવાની જરૂર છે તો શું કરીશું? એ ફેરફારો કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ. આવનાર કસોટીઓ માટે તૈયાર થવાનો હમણાં જ સમય છે. શાંતિના સમયનો સારો ઉપયોગ કરવા કોઈ પણ બાબતને આડે આવવા દેશો નહિ!

ગીત ૨૮ એક નવું ગીત

^ ફકરો. 5 શું તમે એવા દેશમાં રહો છો જ્યાં છૂટથી યહોવાની ભક્તિ કરી શકાય છે? જો એમ હોય તો શાંતિના સમયનો તમે કેવો ઉપયોગ કરો છો? આ લેખથી તમને આસા રાજા અને પ્રથમ સદીના ઈશ્વરભક્તોના પગલે ચાલવા મદદ મળશે. તેઓએ શાંતિના સમયનો સારો ઉપયોગ કર્યો હતો.

^ ફકરો. 3 શબ્દોની સમજ: “શાંતિનો સમય” એટલે યુદ્ધ વગરનો સમય, પણ એટલું જ પૂરતું નથી. એ માટેના હિબ્રૂ શબ્દમાં આનો પણ સમાવેશ થાય છે: લોકો પાસે સારી તંદુરસ્તી, સલામતી અને સુખ-શાંતિ હોય.

^ ફકરો. 57 ચિત્રની સમજ: આસા રાજાએ પોતાની નાનીને રાજમાતાના પદ પરથી કાઢી મૂકી. કારણ કે તે જૂઠી ભક્તિ કરતી હતી અને બીજાઓને પણ એવું કરવા ઉશ્કેરતી હતી. આસાના વફાદાર લોકો તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા. તેઓએ બધી મૂર્તિઓ તોડી નાખી.

^ ફકરો. 59 ચિત્રની સમજ: જોરશોરથી કામ કરનારું યુગલ પોતાનું જીવન સાદું બનાવે છે, જેથી વધુ જરૂર હોય ત્યાં સેવા આપી શકે.