સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૬

શું તમે માણસોને ભેગા કરવાનું કામ કરવા તૈયાર છો?

શું તમે માણસોને ભેગા કરવાનું કામ કરવા તૈયાર છો?

“ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.”—લુક ૫:૧૦.

ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે

ઝલક *

૧. (ક) ઈસુએ ચાર માછીમારોને કયું આમંત્રણ આપ્યું? (ખ) તેઓએ શું કર્યું?

ઈસુના શિષ્યો પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન માછીમાર હતા. ઈસુએ તેઓને આમંત્રણ આપ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.” એ સાંભળીને તેઓને કેટલી નવાઈ લાગી હશે! તેઓએ શું કર્યું? બાઇબલમાં લખ્યું છે: “તરત જ, તેઓ હોડી અને પોતાના પિતાને છોડીને તેમની પાછળ ગયા.” (માથ. ૪:૧૮-૨૨) એ નિર્ણયથી તેઓનું આખું જીવન બદલાય જવાનું હતું. માછલી પકડવાને બદલે હવે તેઓ ‘માણસોને ભેગા કરવાના હતા.’ (લુક ૫:૧૦) આજે, ઈસુ એ આમંત્રણ એવા નમ્ર લોકોને આપી રહ્યા છે જેઓનું દિલ સત્ય તરફ ઢળેલું છે. (માથ. ૨૮:૧૯, ૨૦) માણસોને ભેગા કરવાનું ઈસુએ આપેલું આમંત્રણ શું તમે સ્વીકાર્યું છે?

૨. પ્રકાશક બનવાનો નિર્ણય શા માટે સમજી-વિચારીને લેવો જોઈએ?

અમુક સમયથી તમે બાઇબલ અભ્યાસ કરી રહ્યા હશો. તમે જીવનમાં અમુક ફેરફારો પણ કર્યા હશે. હવે તમારે નક્કી કરવાનું છે, ખુશખબર ફેલાવવા માટે પ્રકાશક બનશો કે કેમ? ઈસુએ આપેલું આમંત્રણ સ્વીકારવા તમે અચકાતા હો તો નિરાશ થશો નહિ. એનાથી દેખાય આવે છે કે એ નિર્ણય ઘણો મહત્ત્વનો છે, એવું તમે જાણો છો. બાઇબલ કહે છે કે પીતર અને તેમના મિત્રો “તરત જ” જાળ મૂકીને ઈસુની પાછળ ગયા. જોકે, પીતર અને તેમના ભાઈએ એ નિર્ણય વિચાર્યા વગર લીધો ન હતો. છએક મહિના પહેલાં તેઓને ઈસુ વિશે ખબર પડી હતી અને તેઓએ ઈસુનો મસીહ તરીકે સ્વીકાર કર્યો હતો. (યોહા. ૧:૩૫-૪૨) એવી જ રીતે, તમે યહોવા અને ઈસુ વિશે ઘણું શીખ્યા હશો. તમે યહોવાની વધુ નજીક જવા માંગતા હશો. પણ પ્રકાશક બનવાનો નિર્ણય તમારે સમજી-વિચારીને લેવો જોઈએ. પીતર, આંદ્રિયા અને બીજાઓને એ નિર્ણય લેવા ક્યાંથી મદદ મળી હતી?

૩. ઈસુનું આમંત્રણ સ્વીકારવા તમને કયા ગુણો મદદ કરશે?

ઈસુના પ્રથમ શિષ્યોમાં કામ કરવાની ધગશ અને હિંમત હતી. તેઓને એ વિશે સારી જાણકારી હતી અને તેઓ ખૂબ મહેનત કરતા હતા. એ ગુણો હોવાને લીધે તેઓ માણસોને ભેગા કરવાનું કામ સારી રીતે કરી શક્યા. તમે એ ગુણો કેળવશો તો સારી રીતે ખુશખબર ફેલાવી શકશો અને બીજાઓને શીખવી શકશો. આ લેખમાં ચર્ચા કરીશું કે એ ગુણો તમે કઈ રીતે કેળવી શકો.

ખુશખબર ફેલાવવાની ધગશ રાખો

પીતર અને તેમના મિત્રો માણસો ભેગા કરનારા બન્યા હતા. એ મહત્ત્વનું કામ આજે પણ થઈ રહ્યું છે (ફકરા ૪-૫ જુઓ)

૪. પીતર માછલી પકડવાનું કામ કેમ કરતા હતા?

પીતર પોતાના કુટુંબના ભરણપોષણ માટે માછલી પકડવાનું કામ કરતા હતા. પણ એ કામ તે કરવા ખાતર કરતા ન હતા. એ કામ તેમને વહાલું હતું. (યોહા. ૨૧:૩, ૯-૧૫) તે માણસોને ભેગા કરવાનું કામ પણ શીખ્યા અને એ તેમને ગમવા લાગ્યું. યહોવાની મદદથી એ કામ તે સારી રીતે કરવા લાગ્યા.—પ્રે.કા. ૨:૧૪, ૪૧.

૫. (ક) લુક ૫:૮-૧૧માં જણાવ્યા પ્રમાણે પીતરને કેમ ડર લાગતો હતો? (ખ) આપણને પણ એવું લાગતું હોય તો શું કરી શકીએ?

આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે ખુશખબર ફેલાવીએ છીએ. એ કારણને લીધે આપણામાં ખુશખબર ફેલાવવાની ધગશ છે. આપણા મનમાં કદાચ ડર હોય કે એ કામ આપણે સારી રીતે નહિ કરી શકીએ. પણ યહોવાનો પ્રેમ એ ડર દૂર કરવા મદદ કરશે. ઈસુએ પીતરને માણસોને ભેગા કરવાનું આમંત્રણ આપ્યું ત્યારે કહ્યું, “ગભરાઈશ નહિ.” (લુક ૫:૮-૧૧ વાંચો.) પીતરને એવો ડર ન હતો કે પોતે શિષ્ય બનશે તો શું થશે. ઈસુએ તેઓને એટલી બધી માછલી પકડવા મદદ કરી કે એ જોઈને પીતરના હોશકોશ ઊડી ગયા. તેમને લાગ્યું કે ઈસુ સાથે કામ કરવા તે લાયક નથી. તમને પણ પીતરની જેમ ડર લાગી શકે. તમને થાય કે ઈસુના શિષ્ય બનવા તમારે ઘણું બધું કરવું પડશે. જો એમ હોય તો યહોવા, ઈસુ અને પડોશી માટેનો પ્રેમ વધુ કેળવો. એમ કરશો તો ઈસુએ આપેલું આમંત્રણ સ્વીકારવા તમારા મનમાં ધગશ જાગશે.—માથ. ૨૨:૩૭, ૩૯; યોહા. ૧૪:૧૫.

૬. બીજાં કયા કારણોને લીધે આપણા મનમાં ખુશખબર ફેલાવવાની ધગશ જાગે છે?

બીજાં કયા કારણોને લીધે ખુશખબર ફેલાવવાની આપણા મનમાં ધગશ જાગે છે? એનું પહેલું કારણ છે કે, આપણે ઈસુની આ આજ્ઞા પાળવા માંગીએ છીએ: ‘જાઓ અને શિષ્યો બનાવો.’ (માથ. ૨૮:૧૯, ૨૦) બીજું, આપણે એ માટે પણ ખુશખબર ફેલાવીએ છીએ કારણ કે લોકો “સતાવાયેલા અને નિરાધાર” છે. તેઓને ઈશ્વરના રાજ્યનાં સત્ય જાણવાની ઘણી ઇચ્છા છે. (માથ. ૯:૩૬) ત્રીજું, યહોવાની ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોને સત્યનું ખરું જ્ઞાન મળે અને તેઓનો બચાવ થાય.—૧ તિમો. ૨:૪.

૭. રોમનો ૧૦:૧૩-૧૫ પ્રમાણે ખુશખબર ફેલાવવાનું કામ કેમ મહત્ત્વનું છે?

ખુશખબર ફેલાવવાના કામથી લોકોનું જીવન બચે છે. એનો વિચાર કરવાથી આપણા મનમાં એ કામ કરવાની ધગશ જાગશે. એક માછીમાર માછલી પકડવાનો ધંધો કરે છે. પછી તે માછલીઓ વેચે અથવા ખાય છે. પણ આપણે તો લોકોનું જીવન બચાવવા માણસોને “પકડીએ” છીએ એટલે કે શિષ્યો બનાવીએ છીએ.— રોમનો ૧૦:૧૩-૧૫ વાંચો; ૧ તિમો. ૪:૧૬.

એ કામ કરવાનું શીખો

૮-૯. એક માછીમારે શું કરવાનું હતું અને શા માટે?

ઈસુના સમયમાં, ઇઝરાયેલી માછીમારોએ કઈ માછલી પકડવી એ વિશે શીખવાનું હતું. (લેવી. ૧૧:૯-૧૨) એ માછલી કઈ જગ્યાથી મળશે એ પણ તેઓએ જાણવાનું હતું. મોટા ભાગે માછલી એવી જગ્યાએ હોય છે, જ્યાં પાણી સારું હોય અને ખોરાક પૂરતો હોય. કયા સમયે માછલી પકડવી એનું પણ માછીમારે ધ્યાન રાખવાનું હતું. ચાલો જોઈએ કે એ વિશે આપણા એક ભાઈ શું કહે છે. તે પેસિફિક મહાસાગરના એક ટાપુમાં રહે છે. તેમણે એક મિશનરી ભાઈને માછલી પકડવા જવાનું આમંત્રણ આપ્યું. મિશનરી ભાઈએ કહ્યું કે ‘હું તમને કાલે સવારે નવ વાગે મળીશ.’ ભાઈએ કહ્યું, ‘આપણે માછલી પકડવા આપણા સમયે જવાનું નથી. પણ જે સમયે માછલી મળે એ સમયે જવાનું છે.’

એવી જ રીતે ઈસુના શિષ્યો માણસોને ભેગા કરવા એવા સમયે અને એવી જગ્યાએ જતા, જ્યાં લોકો સહેલાઈથી મળી રહે. દાખલા તરીકે, ઈસુના શિષ્યો મંદિરે, ઘરેઘરે, સભાસ્થાનમાં અને બજારમાં ખુશખબર ફેલાવતા હતા. (પ્રે.કા. ૫:૪૨; ૧૭:૧૭; ૧૮:૪) આપણા વિસ્તારમાં લોકો ક્યારે અને કઈ જગ્યાએ મળે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તેઓને ખુશખબર જણાવવા આપણે અમુક ગોઠવણોમાં ફેરફાર કરવો જોઈએ.—૧ કોરીં. ૯:૧૯-૨૩.

એક સારો માછીમાર . . . ૧. કયા સમયે અને કઈ જગ્યાએ વધુ માછલી મળે એનું ધ્યાન રાખે છે (ફકરા ૮-૯ જુઓ)

૧૦. યહોવાના સંગઠને આપણને શું આપ્યું છે?

૧૦ એક માછીમાર પાસે યોગ્ય સાધનો હોવાં જોઈએ અને તેને એ વાપરતા આવડવું જોઈએ. આપણી પાસે પણ ખુશખબર ફેલાવવાનાં યોગ્ય સાધનો હોવાં જોઈએ. આપણને એ વાપરતા પણ આવડવું જોઈએ. ખુશખબર કઈ રીતે ફેલાવવી એનું માર્ગદર્શન ઈસુએ પોતાના શિષ્યોને આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓએ ક્યાં જવું, શું કહેવું અને સાથે શું લઈ જવું. (માથ. ૧૦:૫-૭; લુક ૧૦:૧-૧૧) આજે, યહોવાના સંગઠને શીખવવાનાં સાધનો પૂરા પાડ્યા છે, જે ઘણાં ઉપયોગી છે. * એને કઈ રીતે વાપરવા એ પણ શીખવવામાં આવે છે. એ તાલીમથી આપણે ભરોસા સાથે ખુશખબર ફેલાવી શકીએ છીએ. એટલું જ નહિ, એ તાલીમથી આપણને સારા શિક્ષક બનવા મદદ મળે છે.—૨ તિમો. ૨:૧૫.

એક સારો માછીમાર . . . ૨. યોગ્ય સાધનો વાપરવાનું શીખે છે (ફકરો ૧૦ જુઓ)

હિંમત કેળવો

૧૧. માણસોને ભેગા કરવાનું કામ કેમ હિંમત માંગી લે એવું છે?

૧૧ માછીમારોમાં હિંમત હોવી ખૂબ જરૂરી છે. કારણ કે દરિયામાં ગમે ત્યારે તોફાન આવી શકે છે. તેઓએ મોડી રાતે અંધારામાં પણ કામ કરવું પડે છે. માણસોને ભેગા કરવાનું કામ પણ હિંમત માગી લે એવું છે. આપણે ખુશખબર ફેલાવીએ અને પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવીએ ત્યારે શું થઈ શકે? આપણે પણ “તોફાન” જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. જેમ કે, કુટુંબ તરફથી વિરોધ, મિત્રો આપણી મજાક ઉડાવે અને બીજા અમુક આપણો સંદેશો સાંભળવાની ના પાડે. પણ એની આપણને નવાઈ લાગતી નથી! ઈસુએ અગાઉથી ચેતવણી આપી હતી કે તેમના શિષ્યો ખુશખબર ફેલાવવા જશે ત્યારે લોકો વિરોધ કરશે.—માથ. ૧૦:૧૬.

૧૨. યહોશુઆ ૧:૭-૯ પ્રમાણે તમે હિંમત વધારવા શું કરી શકો?

૧૨ તમે હિંમત વધારવા શું કરી શકો? સૌથી પહેલા તો યાદ રાખો કે ઈસુ સ્વર્ગમાંથી ખુશખબર ફેલાવવાના કામમાં માર્ગદર્શન આપી રહ્યા છે. (યોહા. ૧૬:૩૩; પ્રકટી. ૧૪:૧૪-૧૬) બીજું, યહોવાએ તમારી સંભાળ રાખવાનું વચન આપ્યું છે, એના પર શ્રદ્ધા રાખો. (માથ. ૬:૩૨-૩૪) તમારી શ્રદ્ધા મજબૂત થતી જશે તેમ તમારી હિંમત પણ વધશે. પીતર અને તેમના સાથીદારોની શ્રદ્ધા અડગ હતી. એટલે તેઓએ ઈસુના પગલે ચાલવા માછીમારનો ધંધો છોડી દીધો. તમારી પણ શ્રદ્ધા મજબૂત છે. એટલે તો તમે કુટુંબના સભ્યો અને મિત્રોને જણાવ્યું છે કે તમે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી અભ્યાસ કરો છો અને સભાઓમાં જાવ છો. યહોવાનાં નેક ધોરણો પ્રમાણે ચાલવા તમે જીવનમાં ફેરફારો કર્યા હશે. એ બધા માટે તમને શ્રદ્ધા અને હિંમતની જરૂર પડી હશે. તમારી હિંમત વધતી જશે તેમ તમને ખાતરી થશે કે ‘જ્યાં કંઈ તમે જશો, ત્યાં તમારા ઈશ્વર યહોવા તમારી સાથે હશે.’—યહોશુઆ ૧:૭-૯ વાંચો.

એક સારો માછીમાર . . . ૩. અલગ અલગ સંજોગોમાં હિંમતથી કામ કરે છે (ફકરા ૧૧-૧૨ જુઓ)

૧૩. પ્રાર્થના અને મનન કરવાથી કઈ રીતે તમારી હિંમત વધશે?

૧૩ હિંમત વધારવા તમે બીજું શું કરી શકો? એ માટે તમે યહોવાને પ્રાર્થના કરો. (પ્રે.કા. ૪:૨૯, ૩૧) યહોવા તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. તે તમારી પડખે રહેશે, તે ક્યારેય તમારો સાથ છોડશે નહિ. યહોવાએ અગાઉ પોતાના લોકોને કઈ રીતે બચાવ્યા હતા એના પર મનન કરો. એ પણ યાદ કરો કે યહોવાએ તમને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા અને જીવનમાં ફેરફાર કરવા મદદ કરી હતી. યહોવા પોતાના લોકોને લાલ સમુદ્ર પાર કરાવી શકતા હોય તો શું તમને ખ્રિસ્તના શિષ્ય બનવા મદદ નહિ કરે? તે ચોક્કસ કરશે, ખરું ને! (નિર્ગ. ૧૪:૧૩) આ ગીતના લેખકની જેમ તમે યહોવા પર ભરોસો રાખો કે ‘યહોવા મારા પક્ષે છે, હું બીવાનો નથી. માણસ મને શું કરી શકશે?’—ગીત. ૧૧૮:૬.

૧૪. મેસેબહેન અને ટોમોયોબહેનના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૪ હિંમત વધારવા તમે બીજું પણ કંઈક કરી શકો છો. યહોવાએ શરમાળ સ્વભાવના લોકોને કઈ રીતે હિંમત કેળવવા મદદ કરી હતી, એનો વિચાર કરો. ચાલો મેસેબહેનનો દાખલો જોઈએ. તે શરમાળ હતા અને તેમને લાગતું કે તે ક્યારેય ખુશખબર ફેલાવવાનું કામ કરી શકશે નહિ. અજાણ્યા લોકો સાથે વાત કરવી તેમના માટે તો જાણે લોઢાના ચણા ચાવવા જેવું હતું. શું તે હિંમત હારી ગયા? ના. તેમણે ઈશ્વર અને લોકો માટે પ્રેમ વધુ કેળવવા મહેનત કરી. આ દુષ્ટ દુનિયાનો અંત નજીક હોવાથી ખુશખબર ફેલાવવાનું કામ કેટલું મહત્ત્વનું છે, એના પર તેમણે મનન કર્યું. એ કામ કરવાની તેમના મનમાં ઇચ્છા વધે માટે તેમણે યહોવાને પ્રાર્થના કરી. એટલે તે સહેલાઈથી ખુશખબર ફેલાવવાનું કામ કરી શક્યાં અને નિયમિત પાયોનિયર પણ બન્યાં હતાં. યહોવા નવા પ્રકાશકોને પણ હિંમત કેળવવા મદદ કરે છે. હવે ટોમોયોબહેનના દાખલા પર વિચાર કરીએ. તેમણે પ્રચાર કરવાનું શરૂ કર્યું અને પહેલા જ ઘરે તેમને એક સ્ત્રી મળી. તે ગુસ્સામાં મોટે મોટેથી બોલવા લાગી: ‘મારે યહોવાના સાક્ષી સાથે વાત જ નથી કરવી.’ અને ધડામ કરીને દરવાજો બંધ કરી દીધો. ટોમોયોબહેન ગભરાયા નહિ. તેમની સાથે આવેલા બહેનને તેમણે કહ્યું કે ‘કેટલું સરસ! મારે તો કંઈ બોલવું જ ન પડ્યું. તે જાતે જ સમજી ગઈ કે હું એક યહોવાની સાક્ષી છું.’ આજે ટોમોયોબહેન નિયમિત પાયોનિયર છે.

સારા કામ કરવા મહેનત કરો

૧૫. (ક) માછીમારો શું કરે છે? (ખ) ઈશ્વરભક્તોએ કઈ રીતે માછીમારો જેવા બનવાનું છે?

૧૫ મહેનત કરનાર વ્યક્તિ, જે કરવાનું હોય એ કરીને જ રહે છે. મોટા ભાગે માછીમારો એવા જ હોય છે. તેઓ જલદી ઊઠી જાય છે અને પોતાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી કામ કરે છે. અરે, ખરાબ મોસમમાં પણ તેઓ કામ કરે છે. આપણે પણ તેઓની જેમ પ્રચારકામમાં મહેનત કરવી જોઈએ. આપણું કામ પૂરું ન થાય ત્યાં સુધી કામ કરતા રહેવું જોઈએ.—માથ. ૧૦:૨૨.

૧૬. અઘરાં કામ કરવા શું કરવું પડે?

૧૬ આપણને બધાને સહેલાં કામ કરવા ગમે છે અને અઘરાં કામ ગમતા નથી. પણ, મહત્ત્વનાં કામ અઘરાં હોય છે. એટલે એવાં કામ કરવાનું શીખવું પડે છે અને મહેનત કરવી પડે છે. એ માટે આપણને મદદની જરૂર પડે છે. એ મદદ આપણને યહોવા પવિત્ર શક્તિ દ્વારા પૂરી પાડે છે.—ગલા. ૫:૨૨, ૨૩.

૧૭. પહેલો કોરીંથીઓ ૯:૨૫-૨૭ પ્રમાણે જે ખરું છે એ કરવા પાઊલે શું કર્યું?

૧૭ પ્રેરિત પાઊલે અઘરાં કામ કરવાં મહેનત કરી હતી. તેમણે કહ્યું કે જે ખરું છે એ કરવા તે પોતાના શરીરને ‘મુક્કા મારતા હતા.’ (૧ કોરીંથીઓ ૯:૨૫-૨૭ વાંચો.) તેમણે બીજાઓને પણ મહેનત કરવા તેમજ બધું “શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે” કરવા ઉત્તેજન આપ્યું. (૧ કોરીં. ૧૪:૪૦) આપણે પણ યહોવાની ભક્તિમાં મહેનત કરવી જોઈએ. આપણે લોકોને ખુશખબર જણાવવાનું અને તેઓને શિષ્ય બનાવવાનું કામ નિયમિત કરવું જોઈએ.—પ્રે.કા. ૨:૪૬.

મોડું ન કરો

૧૮. યહોવાની નજરે કોણ સારો પ્રચારક છે?

૧૮ જેઓ વધારે માછલીઓ પકડે છે, તેઓને સારા માછીમાર ગણવામાં આવે છે. પણ ખુશખબર ફેલાવવાના કામમાં એવું નથી. એક વ્યક્તિએ કેટલા લોકોને સત્ય સ્વીકારવા મદદ કરી છે, એના આધારે નક્કી થતું નથી કે તે સારો પ્રચારક છે. (લુક ૮: ૧૧-૧૫) પણ જે વ્યક્તિ ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં લાગુ રહે છે, તે યહોવાની નજરે સારો પ્રચારક છે. કારણ કે એમ કરીને તે યહોવા અને ઈસુની આજ્ઞા પાળી રહ્યો છે.—માર્ક ૧૩:૧૦; પ્રે.કા. ૫:૨૮, ૨૯.

૧૯-૨૦. આજે પ્રચારકામ કરવું શા માટે વધુ મહત્ત્વનું છે?

૧૯ કેટલાક દેશોમાં વર્ષના અમુક જ મહિનાઓમાં માછલી પકડવાની પરવાનગી હોય છે. એટલે એ મહિનાઓ પૂરા થવાના હોય ત્યારે માછીમાર વધારે ને વધારે માછલીઓ પકડવા મહેનત કરે છે. આ દુષ્ટ દુનિયાનો અંત બહુ નજીક છે. એટલે જીવન બચાવવાનું કામ કરવા માટે ઘણો ઓછો સમય રહ્યો છે. એટલે વધારે ને વધારે લોકોનું જીવન બચાવવા માટે મહેનત કરીએ. એવું ન વિચારીએ કે સંજોગો સારા હશે ત્યારે એ કામ કરીશું. એ કામ કરવામાં જરાય મોડું ન કરીએ.—સભા. ૧૧:૪.

૨૦ આપણે કામ કરવાની ધગશ વધારીએ, બાઇબલના જ્ઞાનમાં વધતા જઈએ, હિંમત કેળવીએ અને સારા કામ કરવા મહેનત કરીએ. ૮૦ લાખથી વધુ ભાઈ-બહેનો એ કામ કરી રહ્યાં છે. તમે પણ તેઓ સાથે એ કામમાં જોડાઓ. યહોવા તમારા પર ખુશીનો વરસાદ વરસાવશે. (નહે. ૮:૧૦) એ કામ કરવાની મનમાં ગાંઠ વાળો. યહોવા એ કામ બંધ કરવાનું ન કહે ત્યાં સુધી કરતા રહો. આવતા લેખમાં આપણે જોઈશું કે પ્રચારકામમાં લાગુ રહેવા શું કરવું જોઈએ. એ માટે આપણે ત્રણ રીતોની ચર્ચા કરીશું.

ગીત ૪૭ ખુશખબર જણાવીએ

^ ફકરો. 5 ઈસુએ નમ્ર અને મહેનતુ માછીમારોને પોતાના શિષ્ય બનવાનું આમંત્રણ આપ્યું હતું. આજે પણ ઈસુ એ આમંત્રણ નમ્ર અને મહેનતુ લોકોને આપે છે. તેઓએ માણસોને ભેગા કરવાનું કામ કરવાનું છે. આ લેખમાં જોઈશું કે જે બાઇબલ વિદ્યાર્થીઓ ઈસુનું આમંત્રણ સ્વીકારતા અચકાય છે, તેઓએ શું કરવું જોઈએ.

^ ફકરો. 10 ઑક્ટોબર ૨૦૧૮ ચોકીબુરજમાં, પાન ૧૧-૧૬ પર આપેલો આ લેખ જુઓ: “સત્ય શીખવો.”