સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૯

કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે

કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે

“કેટલીય વાર તેઓએ . . . ઈશ્વરના દિલને ઠેસ પહોંચાડી.”—ગીત. ૭૮:૪૦.

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

ઝલક *

૧. કોઈ વ્યક્તિ બહિષ્કૃત થાય ત્યારે કુટુંબના સભ્યોને કેવું લાગે છે?

શું તમારા કુટુંબના કોઈ સભ્યને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે? જો એમ હોય તો એનાથી તમને ઘણું જ દુઃખ પહોંચ્યું હશે. હિલ્ડાબહેન જણાવે છે: “લગ્‍નના ૪૧ વર્ષ પછી મારા પતિ ગુજરી ગયા ત્યારે, મને બહુ દુઃખ થયું. * પણ મારા દીકરાએ મંડળ, પત્ની અને બાળકોને છોડી દીધાં ત્યારે એ દુઃખ સહેવું મારા માટે ખૂબ અઘરું હતું.”

કોઈ વ્યક્તિ યહોવાને છોડી દે ત્યારે યહોવા તેના કુટુંબનું દુઃખ સમજે છે (ફકરા ૨-૩ જુઓ) *

૨-૩. ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧ પ્રમાણે એક વ્યક્તિ યહોવાને છોડી દે ત્યારે તેમને કેવું લાગે છે?

યહોવા આપણું દુઃખ સારી રીતે સમજે છે. કારણ કે તેમણે પણ એવું જ દુઃખ સહન કર્યું છે. (યહૂ. ૬) સ્વર્ગમાં તેમના અમુક દીકરા તેમની વિરુદ્ધ ગયા. એટલું જ નહિ, પૃથ્વી પર તેમના અમુક લોકોએ વારંવાર તેમને દુઃખી કર્યા. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧ વાંચો.) આજે પણ તમારા કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે ત્યારે તેમને ઘણું દુઃખ થાય છે. એટલે ખાતરી રાખો કે યહોવા તમને મદદ અને હિંમત આપશે.

આ લેખમાં જોઈશું કે યહોવાની મદદ મેળવવા આપણે કયા પગલાં ભરવાં જોઈએ. એ પણ જોઈશું કે મંડળનાં ભાઈ-બહેનો આપણને કઈ રીતે મદદ કરી શકે. ચાલો પહેલા જોઈએ કે આપણે શું ન કરવું જોઈએ.

પોતાને દોષ ન આપો

૪. દીકરો કે દીકરી યહોવાને છોડી દે ત્યારે માબાપને કેવું લાગે છે?

એક દીકરો કે દીકરી યહોવાને છોડી દે ત્યારે ઘણી વાર માબાપને લાગે કે ‘જો અમે તેને યહોવા વિશે વધારે સારી રીતે શીખવ્યું હોત તો સારું થાત!’ લુકભાઈના દીકરાને બહિષ્કૃત કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું: “મને લાગ્યું કે એમાં મારો જ વાંક છે. મને ડરામણાં સપનાં આવતાં. ઘણી વાર તો હું પોક મૂકીને રડતો.” એલીઝાબેથ સાથે પણ એવું જ કંઈક થયું. તે વિચારતા: “મારા દીકરાના ઉછેરમાં જ કંઈક ખોટ રહી ગઈ હશે એટલે તેણે સત્ય છોડી દીધું.”

૫. એક વ્યક્તિ યહોવાને છોડી દે તો એમાં કોનો વાંક કહેવાય?

યાદ રાખીએ કે યહોવાએ બધાને જાતે નિર્ણય લેવાની છૂટ આપી છે. વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે, તે યહોવાની ભક્તિ કરશે કે નહિ. (યહો. ૨૪:૧૫) એવું જોવા મળ્યું છે કે જે યુવાનોના માબાપ સત્યમાં નથી કે જેઓને નાનપણથી યહોવા વિશે શીખવવામાં આવ્યું નથી, તેઓએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. બીજા એવા યુવાનો પણ છે જેઓને માબાપે સારી રીતે સત્ય શીખવ્યું તોપણ તેઓ યહોવાને છોડીને જતા રહ્યા છે. જો તમારા બાળકે પણ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું હોય તો પોતાને દોષ આપશો નહિ.

૬. મમ્મી કે પપ્પા યહોવાને છોડી દે ત્યારે બાળકો પર કેવી અસર પડે છે?

મમ્મી કે પપ્પા, યહોવા અને કુટુંબને છોડી દે ત્યારે બાળકો પર એની અસર પડે છે. (ગીત. ૨૭:૧૦) કારણ કે તેઓ મમ્મી-પપ્પાને પ્રેમ કરે છે અને માન આપે છે. એસ્તેરબહેન સાથે એવું જ કંઈક બન્યું હતું. તેમના પપ્પાને બહિષ્કૃત કરવામાં આવ્યા. એ સમયે તેમણે કહ્યું: “હું ખૂબ રડ્યા કરતી. હું સમજી ગઈ કે પપ્પા ધીરે ધીરે સત્યથી દૂર થયા ન હતા, પણ તેમણે તો જાતે યહોવા સાથે સંબંધ કાપી નાખ્યો હતો. હું પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું. એટલે તેમનું શું થશે એ વિચારી-વિચારીને તો મારું માથું જ ચકરાવે ચઢી જતું. ઘણી વાર હું ખૂબ ગભરાઈ જતી.”

૭. જે બાળકોનાં મમ્મી કે પપ્પાને બહિષ્કૃત કરવામાં આવે છે તેઓ માટે યહોવાને કેવું લાગે છે?

બાળકો, તમારાં મમ્મી કે પપ્પાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે તમે દુઃખી થાઓ છો. તમને દુઃખી જોઈને અમને પણ દુઃખ થાય છે. પણ ખાતરી રાખો કે યહોવા તમારું દુઃખ સમજે છે. તે તમને પ્રેમ કરે છે. તમે તેમને વફાદાર રહેવા પ્રયત્ન કરો છો એ જોઈને તેમને ઘણી ખુશી થાય છે. એટલું જ નહિ અમને પણ ખુશી થાય છે. પરંતુ યાદ રાખો કે તમારાં મમ્મી-૫પ્પાએ લીધેલા નિર્ણય માટે તેઓ પોતે જવાબદાર છે, તમે નહિ. આપણે અગાઉ જોયું તેમ યહોવાએ બધાને જાતે નિર્ણય લેવાની છૂટ આપી છે. દરેક ઈશ્વરભક્તે “પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.

૮. એક વ્યક્તિ બહિષ્કૃત થાય ત્યારે કુટુંબના સભ્યો શું કરી શકે? (“ યહોવા પાસે પાછા આવો” બૉક્સ પણ જુઓ.)

એક વ્યક્તિ યહોવાની ભક્તિ કરવાનું છોડી દે ત્યારે, કુટુંબના સભ્યો આશા રાખે છે કે તે યહોવા પાસે પાછી ફરશે. એવી આશા રાખવી ખોટું નથી. પણ તે પાછી ફરે ત્યાં સુધી આપણે શ્રદ્ધા મજબૂત કરવા મહેનત કરીએ. તમારા દાખલામાંથી કુટુંબના સભ્યો અને બહિષ્કૃત વ્યક્તિને શીખવા મળશે. એટલું જ નહિ તમને પણ દુઃખમાંથી બહાર આવવા મદદ મળશે. ચાલો જોઈએ કે શ્રદ્ધા મજબૂત કરવા કયા પગલાં ભરી શકીએ.

શ્રદ્ધા મજબૂત કરવા શું કરી શકો?

૯. કઈ રીતે તમારી શ્રદ્ધા મજબૂત કરી શકો? (“ દિલાસો આપે એવી કલમો” બૉક્સ પણ જુઓ.)

ભક્તિને લગતાં કામો કરતા રહો. જેમ કે, રોજ બાઇબલ વાંચો, એના પર મનન કરો અને નિયમિત સભામાં જાઓ. એનાથી તમારી અને તમારા કુટુંબની શ્રદ્ધા મજબૂત થશે. ચાલો જોએનાબહેનના દાખલા પર ધ્યાન આપીએ. તેમનાં પપ્પા અને બહેને સત્ય છોડી દીધું. તે કહે છે: “હું બાઇબલમાંથી અબીગાઈલ, એસ્તેર, અયૂબ, યૂસફ, ઈસુ અને બીજાઓ વિશે વાંચું ત્યારે, મારા દિલને ઠંડક મળે છે. હું સારી વાતો પર મન લગાડી શકું છું. મને બ્રૉડકાસ્ટિંગનાં ગીતોથી પણ ઘણી હિંમત મળે છે.”

૧૦. દુઃખ સહેવા વિશે ગીતશાસ્ત્ર ૩૨:૬-૮માં શું જણાવ્યું છે?

૧૦ યહોવા આગળ દિલ ઠાલવો. તમે ઉદાસ હો તોપણ પ્રાર્થના કરવાનું ન છોડો. સંજોગોને તેમની નજરે જોઈ શકો માટે તેમને વિનંતિ કરો. તેમની પાસે માંગો કે તે ‘તમને સમજણ આપે અને તમારે જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવે.’ (ગીતશાસ્ત્ર ૩૨:૬-૮ વાંચો.) જોકે યહોવા આગળ દિલ ઠાલવવાથી કદાચ બાબતો પાછી યાદ આવી જાય અને દુઃખ થાય. પણ ખાતરી રાખો કે યહોવા તમારી લાગણીઓ સમજે છે. તે તમને ખૂબ પ્રેમ કરે છે. એટલે ચાહે છે કે તમે તેમની આગળ દિલ ઠાલવો.—નિર્ગ. ૩૪:૬; ગીત. ૬૨:૭, ૮.

૧૧. હિબ્રૂઓ ૧૨:૧૧ પ્રમાણે આપણે કેમ યહોવાની પ્રેમાળ ગોઠવણ પર ભરોસો રાખવો જોઈએ? (“ બહિષ્કૃત કરવાની ગોઠવણ—યહોવાના પ્રેમની સાબિતી” બૉક્સ પણ જુઓ.)

૧૧ વડીલોના નિર્ણયને માન આપો. બહિષ્કૃત કરવાની ગોઠવણ યહોવાએ કરી છે. એમાં યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે. એ ગોઠવણથી બધાનું ભલુ થાય છે, ખાસ તો પાપ કરનાર વ્યક્તિનું. (હિબ્રૂઓ ૧૨:૧૧ વાંચો.) મંડળના અમુક લોકો વ્યક્તિની ભૂલો પર ધ્યાન આપવાને બદલે વડીલોના નિર્ણયમાં વાંધાવચકા કાઢે છે. પરંતુ આપણે યાદ રાખીએ કે આપણી પાસે પૂરી માહિતી નથી. એટલે સારું રહેશે કે આપણે વડીલો પર ભરોસો રાખીએ. તેઓ જે કંઈ નિર્ણય લે છે, એ બાઇબલ સિદ્ધાંતોને આધારે હોય છે. તેઓ ‘યહોવા તરફથી ન્યાય કરે છે.’—૨ કાળ. ૧૯:૬.

૧૨. બહિષ્કૃતની ગોઠવણને સાથ આપવાથી કેવો ફાયદો થાય છે?

૧૨ વડીલોના નિર્ણયને માનીએ છીએ ત્યારે કેવો ફાયદો થાય છે? એનાથી તો બહિષ્કૃત થયેલી વ્યક્તિને યહોવા પાસે પાછા ફરવા મદદ મળે છે. અગાઉ એલીઝાબેથ વિશે જોઈ ગયા. તે કહે છે: “દીકરા સાથે સંબંધ તોડી નાખવો અઘરું તો હતું, પણ એનું સારું પરિણામ આવ્યું. મારો દીકરો યહોવા પાસે પાછો ફર્યો. તેણે કહ્યું કે વડીલોએ તેને બહિષ્કૃત કર્યો એ યોગ્ય નિર્ણય હતો. એ સમય દરમિયાન તેને ઘણું શીખવા મળ્યું. હું સમજી ગઈ કે યહોવા કોઈને સુધારે તો એ તેના ભલા માટે હોય છે.” તેમના પતિ, માર્કભાઈ કહે છે: “અમારા દીકરાએ કહ્યું કે તે યહોવા પાસે પાછો ફરી શક્યો, એનું એક કારણ હતું કે અમે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.”

૧૩. દુઃખમાંથી બહાર આવવા ક્યાંથી મદદ મળી શકે?

૧૩ એવા દોસ્તો સામે દિલ ઠાલવો જેઓ તમારી લાગણી સમજી શકે. અનુભવી ભાઈ-બહેનો સાથે હળો-મળો. એવા લોકોની વાતોથી ઉત્તેજન મળશે. (નીતિ. ૧૨:૨૫; ૧૭:૧૭) અગાઉ જોએનાબહેનનો દાખલો જોઈ ગયા. તે કહે છે: “મને ઘણું એકલું એકલું લાગતું. પણ હું મારા મિત્રો સાથે વાત કરતી. તેઓ મારી હિંમત વધારતા.” પણ મંડળમાં કોઈ એવું કંઈક કહી જાય જેનાથી તમારું દુઃખ વધે ત્યારે શું?

૧૪. આપણે કેમ ભાઈ-બહેનો સાથે ધીરજ રાખવી જોઈએ?

૧૪ ભાઈ-બહેનો સાથે ધીરજ રાખો. એવી આશા ન રાખીએ કે બધાં ભાઈ-બહેનોના શબ્દોથી ઉત્તેજન જ મળશે. (યાકૂ. ૩:૨) આપણે બધા માટીના માણસો છીએ. એટલે અમુક ભાઈ-બહેનોને શું બોલવું એ સમજાતું ન હોય કે તેઓ અજાણતા એવું કંઈક બોલી બેસે જેનાથી દુઃખ થાય. એવા સમયે પ્રેરિત પાઉલની આ સલાહ યાદ રાખીએ: “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો.” (કોલો. ૩:૧૩) એક બહેનના સગાને બહિષ્કૃત કરવામાં આવ્યા. તે કહે છે: “ઘણાં ભાઈ-બહેનો મને ઉત્તેજન આપવા માંગતાં હતાં. પણ અજાણતા તેઓએ મને દુઃખ પહોંચાડ્યું. હું યહોવાની મદદથી તેઓને માફ કરી શકી.” જેઓના સગાને બહિષ્કૃત કરવામાં આવ્યા છે, તેઓના કુટુંબને કઈ રીતે મંડળનાં ભાઈ-બહેનો મદદ કરી શકે?

મંડળનાં ભાઈ-બહેનો મદદ કરી શકે

૧૫. બહિષ્કૃત વ્યક્તિના કુટુંબને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૫ બહિષ્કૃત વ્યક્તિના કુટુંબ સાથે પ્રેમથી વર્તીએ. મિરિયમબહેનના ભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યા ત્યારે, બહેન સભાઓમાં જતાં ડરતાં હતાં. તે કહે છે: “મને ચિંતા થતી કે લોકો શું કહેશે. પણ મંડળમાં એવાં ઘણાં ભાઈ-બહેનો હતાં જેઓ મારા ભાઈના બહિષ્કૃત થવાથી દુઃખી હતા. તેઓ મારા ભાઈ વિશે કંઈ ખરાબ બોલ્યા નહિ. એનાથી મને લાગ્યું કે આ અઘરા સમયમાં પણ હું એકલી નથી.” બીજા એક બહેન કહે છે: “મારા દીકરાને બહિષ્કૃત કરવામાં આવ્યો ત્યારે ઘણાં ભાઈ-બહેનોએ મારી હિંમત વધારી. અમુકને ખબર પડતી ન હતી કે શું કહેવું તોપણ તેઓ આવ્યાં. અરે, કેટલાંક ભાઈ-બહેનો તો મારી સાથે રડ્યાં અને કેટલાંકે ઉત્તેજન આપતાં પત્રો લખ્યાં. તેઓએ જે કર્યું એનાથી મારી હિંમત વધી.”

૧૬. મંડળ કઈ રીતે બહિષ્કૃત વ્યક્તિના કુટુંબને મદદ કરતા રહી શકે?

૧૬ બહિષ્કૃત વ્યક્તિના કુટુંબને મદદ કરતા રહીએ. જોવા મળ્યું છે કે ભાઈ-બહેનો બહિષ્કૃત વ્યક્તિની સાથે સાથે તેના કુટુંબ જોડે પણ વાત કરવાનું બંધ કરી દે છે. આપણે એવું ન કરીએ. એવા સમયે તેઓને પ્રેમ અને ઉત્તેજનની જરૂર છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) ખાસ તો એવાં બાળકોને જેઓનાં મમ્મી કે પપ્પાએ સત્ય છોડી દીધું છે. આપણે તેઓને ઉત્તેજન આપીએ અને તેઓના વખાણ કરીએ. મારીયાબહેનના પતિને બહિષ્કૃત કરવામાં આવ્યા. તેમનાં પતિએ તેમને અને બાળકોને છોડી દીધાં. એવા સમયે ભાઈ-બહેનોએ તેમને ખૂબ મદદ કરી. બહેન કહે છે: “ભાઈ-બહેનો મારા માટે જમવાનું બનાવતા. તેઓ મને બાળકોનો અભ્યાસ લેવા મદદ કરતા. તેઓ મારું દુઃખ સમજતાં. તેઓ મારી સાથે રડતાં. અમુક લોકો મારા વિશે અફવા ફેલાવે ત્યારે તેઓ મારો પક્ષ લેતાં. એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું.”—રોમ. ૧૨:૧૩, ૧૫.

મંડળનાં ભાઈ-બહેનો બહિષ્કૃત વ્યક્તિના કુટુંબને મદદ કરી શકે (ફકરો ૧૭ જુઓ) *

૧૭. મુશ્કેલીઓમાં હોય તેઓને વડીલો કઈ રીતે દિલાસો આપી શકે?

૧૭ વડીલો, તમે બહિષ્કૃત વ્યક્તિના કુટુંબની હિંમત વધારો. તેઓને દિલાસો આપવાની જવાબદારી તમારી છે. (૧ થેસ્સા. ૫:૧૪) સભાઓ પહેલાં અને પછી તેઓ સાથે વાત કરો. તેઓના ઘરે જઈને મળો. તેઓ માટે પ્રાર્થના કરો. તેઓ સાથે પ્રચારમાં જાઓ. તેઓને કુટુંબ તરીકેની ભક્તિમાં બોલાવો. જેઓ મુશ્કેલી સહી રહ્યા છે તેઓનું વડીલોએ ધ્યાન રાખવું જોઈએ. તેઓ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ.—૧ થેસ્સા. ૨:૭, ૮.

હિંમત ન હારો, યહોવા પર ભરોસો રાખો

૧૮. બીજો પિતર ૩:૯ પ્રમાણે યહોવા પાપ કરનાર વ્યક્તિ પાસેથી શું ચાહે છે?

૧૮ યહોવા “ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિતર ૩:૯ વાંચો.) ભલે વ્યક્તિએ મોટું પાપ કર્યું હોય પણ યહોવાની નજરે તેનું જીવન અનમોલ છે. યહોવાએ બધા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું છે. એ બલિદાન પાપી વ્યક્તિ માટે પણ છે. જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે તેઓને પાછા ફરવા તે મદદ કરવા માંગે છે. ઈસુએ ખોવાયેલા દીકરાનું ઉદાહરણ આપ્યું, એનાથી ખબર પડે છે કે યહોવા એવા લોકોની રાહ જુએ છે. (લૂક ૧૫:૧૧-૩૨) ઘણા લોકો યહોવા પાસે પાછા ફર્યા છે. મંડળનાં ભાઈ-બહેનોએ પણ તેઓનો દિલથી આવકાર કર્યો છે. અગાઉ જેમના વિશે જોઈ ગયા એ એલીઝાબેથ ખુશ હતા, કેમ કે તેમનો દીકરો યહોવા પાસે પાછો ફર્યો. બહેન જણાવે છે: “હું એ ભાઈ-બહેનોનો આભાર માનું છું, જેઓએ મને ઉત્તેજન અને હિંમત આપ્યાં.”

૧૯. આપણે કેમ યહોવા પર ભરોસો રાખી શકીએ?

૧૯ આપણે હંમેશાં યહોવા પર ભરોસો રાખી શકીએ. તે ક્યારેય એવું કરવાનું નહિ કહે જેનાથી આપણને નુકસાન થાય. તે ઉદાર છે અને કરુણા બતાવે છે. જેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેમની ભક્તિ કરે છે, તેઓ યહોવાને ખૂબ વહાલા છે. એટલે ભરોસો રાખો કે મુશ્કેલ સમયમાં પણ યહોવા તમારો હાથ નહિ છોડે. (હિબ્રૂ. ૧૩:૫, ૬) અગાઉ માર્કભાઈ વિશે જોઈ ગયા. તે જણાવે છે: “યહોવાએ અમને ક્યારેય છોડ્યા નહિ અને મુશ્કેલ સમયમાં પણ તે અમારી પડખે રહ્યા.” યહોવા તમને પણ એવી તાકાત આપશે જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” (૨ કોરીં. ૪:૭) ભલે કુટુંબનો કોઈ સભ્ય યહોવાને છોડી દે પણ તમે યહોવાને વફાદાર રહી શકો છો. તમે એવી આશા રાખી શકો કે એ વ્યક્તિ યહોવા પાસે પાછી ફરશે.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

^ ફકરો. 5 કુટુંબમાંથી કોઈ યહોવાની સેવા કરવાનું છોડી દે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. એવું થાય ત્યારે યહોવાને કેવું લાગે છે એ વિશે આ લેખમાં જોઈશું. એ પણ જોઈશું કે કુટુંબના બીજા સભ્યો કઈ રીતે એ દુઃખ સહન કરી શકે અને પોતાની શ્રદ્ધા વધારી શકે. આપણે ચર્ચા કરીશું કે મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે મદદ કરી શકે.

^ ફકરો. 1 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 79 ચિત્રની સમજ: એક ભાઈ જ્યારે યહોવાને અને કુટુંબને છોડી દે ત્યારે તેમની પત્ની અને બાળકોએ ખૂબ સહેવું પડે છે.

^ ફકરો. 81 ચિત્રની સમજ: મંડળના બે વડીલો એક બહેનના ઘરે જઈને તેમને અને તેમનાં બાળકોને ઉત્તેજન આપે છે.