અભ્યાસ લેખ ૪૦
ઘણા લોકોને સત્યના માર્ગે દોરી લાવવામાં આવશે
“જેઓ ઘણાને સત્યના માર્ગે દોરી લાવે છે, તેઓ તારાઓની જેમ સદાને માટે ચમકતા રહેશે.”—દાનિ. ૧૨:૩.
ગીત ૧૨ અમર જીવનનું વચન
ઝલક *
૧. આપણે કયા સમયની કાગડોળે રાહ જોઈએ છીએ?
જરા કલ્પના કરો, ખ્રિસ્તનું ૧,૦૦૦ વર્ષનું રાજ શરૂ થઈ ગયું છે. તમે રાહ જોઈ રહ્યા છો કે ક્યારે તમારાં સગાં-વહાલાં મરણમાંથી ઊઠે. આખરે એ ઘડી આવી જાય છે. તમને લાગે છે, ‘આ સપનું તો નથી ને!’ બધા લોકો પોતપોતાનાં સગાં-વહાલાંને મળી રહ્યા છે, ભેટી રહ્યા છે. ચારે બાજુ ખુશીનો માહોલ છે. એ દિવસની તમે કાગડોળે રાહ જોઈ રહ્યા હશો, ખરું ને! યહોવા પણ એ દિવસની આતુરતાથી રાહ જુએ છે. (અયૂ. ૧૪:૧૫) તમારાં જે સગાં-વહાલાં હાલમાં ગુજરી ગયાં છે, તેઓને કદાચ પૃથ્વી પર પહેલા ઉઠાડવામાં આવે. * ગયા લેખમાં જોઈ ગયા કે “સારા લોકો” અને “ખરાબ લોકોને” મરણમાંથી ઉઠાડવામાં આવશે. સારા લોકોનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં છે. એટલે તેઓને ‘હંમેશ માટેના જીવન’ માટે ઉઠાડવામાં આવશે. ખરાબ લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ મરણ પહેલાં યહોવાને ઓળખતા ન હતા, તેમની ભક્તિ કરતા ન હતા. એટલે તેઓને ન્યાય માટે ઉઠાડવામાં આવશે.—પ્રે.કા. ૨૪:૧૫; યોહા. ૫:૨૯.
૨-૩. (ક) યશાયા ૧૧:૯, ૧૦ પ્રમાણે કયું કામ મોટા પાયે થશે અને કેમ? (ખ) આ લેખમાં શું જોઈશું?
૨ જે લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે, તેઓએ ઘણું શીખવું પડશે. (યશા. ૨૬:૯; ૬૧:૧૧) એટલે નવી દુનિયામાં મોટા પાયે શીખવવાનું કામ થશે. (યશાયા ૧૧:૯, ૧૦ વાંચો.) જે ખરાબ લોકોને જીવતા કરવામાં આવશે, તેઓએ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વરનું રાજ્ય અને ઈસુના બલિદાન વિશે શીખવું પડશે. તેઓએ એ પણ શીખવું પડશે કે યહોવાનું નામ પવિત્ર મનાવવું કેમ જરૂરી છે અને ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે. જે સારા લોકોને જીવતા કરવામાં આવશે, તેઓએ ઘણું શીખવું પડશે. તેઓએ શીખવું પડશે કે યહોવાએ પૃથ્વી માટે પોતાના હેતુ વિશે ભક્તોને શું જણાવ્યું હતું. એવા વફાદાર ભક્તોને પણ જીવતા કરવામાં આવશે, જેઓ આખું બાઇબલ લખાયું એ પહેલાં જ ગુજરી ગયા હતા. તેઓએ પણ ઘણું શીખવું પડશે.
૩ આ લેખમાંથી બે સવાલોના જવાબ મળશે: આટલા મોટા પાયે શીખવવાનું કામ કઈ રીતે થશે? જેઓને શીખવવામાં આવશે, શું એ બધાનાં નામ જીવનના પુસ્તકમાં હંમેશ માટે લખવામાં આવશે? આજે એ સવાલોના જવાબ જાણવા ખૂબ જરૂરી છે. ગુજરી ગયેલા લોકોને ફરી જીવતા કરવામાં આવશે ત્યારે શું થશે, એની સમજણમાં ફેરફાર થયો છે. દાનિયેલ અને પ્રકટીકરણની અમુક ભવિષ્યવાણીઓથી શીખીશું કે સમજણમાં શું ફેરફાર થયો છે. ચાલો પહેલા દાનિયેલ ૧૨:૧, ૨ની ભવિષ્યવાણી પર ચર્ચા કરીએ.
‘જેઓ માટીમાં ભળી ગયા છે તેઓ જાગી ઊઠશે’
૪-૫. દાનિયેલ ૧૨:૧માં અંતના સમય વિશે શું જણાવ્યું છે?
૪ દાનિયેલ ૧૨:૧ વાંચો. દાનિયેલના પુસ્તકમાં જણાવ્યું છે કે અંતના સમયમાં એક પછી એક કયા ચોંકાવી નાખે એવા બનાવો બનશે. જેમ કે, દાનિયેલ ૧૨:૧માં લખ્યું છે, મિખાયેલ એટલે કે ઈસુ ખ્રિસ્ત ‘ઈશ્વરના લોકો વતી ઊભા છે.’ ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. એ સમયથી આ ભવિષ્યવાણી પૂરી થવા લાગી.
૫ દાનિયેલના પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે “સૌથી પહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી લઈને એ સમય સુધીમાં કદી આવ્યો ન હોય એવો આફતનો સમય આવશે.” એ આફતના સમયે ઈસુ ‘ઊભા થશે.’ “આફતનો સમય” એટલે કે “મોટી વિપત્તિ,” જેના વિશે માથ્થી ૨૪:૨૧માં જણાવ્યું છે. આફતના સમયે ઈસુ ઊભા થશે, એનો શું અર્થ થાય? તે મોટી વિપત્તિના અંતે એટલે કે આર્માગેદન વખતે ઈશ્વરભક્તોનું રક્ષણ કરશે. ઈસુ જેઓનું રક્ષણ કરશે, તેઓને પ્રકટીકરણના પુસ્તકમાં “મોટું ટોળું” કહ્યા છે. “તેઓ મોટી વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે.”—પ્રકટી. ૭:૯, ૧૪.
૬. મોટું ટોળું મોટી વિપત્તિમાંથી બચી જશે પછી શું થશે? સમજાવો. (લોકોને પૃથ્વી પર ફરી જીવતા કરવામાં આવશે એ વિશે વધુ જાણવા આ અંકમાં આપેલો લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”)
૬ દાનિયેલ ૧૨:૨ વાંચો. મોટું ટોળું આફતના સમયમાંથી બચી જશે પછી શું થશે? દાનિયેલ ૧૨:૨ વિશે પહેલાં આપણે માનતા હતા કે એ કલમ ૧૯૧૮ પછી પ્રચારમાં થયેલા વધારાને દર્શાવે છે. ખુશખબર ફેલાવવાનું કામ ૧૯૧૮માં અટકાવવામાં આવ્યું, પછી એ કામમાં જોરદાર વધારો થયો હતો. * પણ હવે આપણી સમજણમાં ફેરફાર થયો છે. આપણે માનીએ છીએ કે મરણ પામેલા લોકો નવી દુનિયામાં જીવતા કરાશે એ વિશે આ કલમમાં વાત થાય છે. આપણી સમજણમાં કેમ ફેરફાર થયો? ધ્યાન આપો, દાનિયેલ ૧૨:૨માં એવા લોકો વિશે વાત થાય છે, જેઓ “માટીમાં” ભળી ગયા છે. અયૂબે પોતાના મરણ વિશે કહ્યું ત્યારે તેમણે “ધૂળમાં” મળી જવા વિશે અથવા ‘કબર’ વિશે વાત કરી. (અયૂ. ૧૭:૧૬) એટલે કહી શકીએ કે દાનિયેલ ૧૨:૨માં એવા લોકોના જીવતા થવા વિશે વાત થાય છે, જેઓ માટીમાં ભળી ગયા છે અથવા ગુજરી ગયા છે. છેલ્લા દિવસો અને આર્માગેદનના યુદ્ધ પછી તેઓને જીવતા કરવામાં આવશે.
૭. (ક) “અમુકને હંમેશ માટેનું જીવન મળશે” એનો શું અર્થ થાય? (ખ) લોકોને ‘વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવશે’ એનો શું અર્થ થાય?
૭ દાનિયેલ ૧૨:૨માં લખ્યું છે, “અમુકને હંમેશ માટેનું જીવન મળશે.” એનો શું અર્થ થાય? ૧,૦૦૦ વર્ષના રાજમાં ઘણા લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે. પણ જે લોકો યહોવા અને ઈસુ વિશે શીખતા રહેશે, તેઓની આજ્ઞા પાળતા રહેશે, તેઓને જ હંમેશ માટેનું જીવન મળશે. (યોહા. ૧૭:૩) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે એ લોકોને ‘વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવશે.’ (હિબ્રૂ. ૧૧:૩૫) કેમ કે પહેલાંના સમયમાં જેઓને જીવતા કરવામાં આવ્યા તેઓ સમય જતાં મરણ પામ્યા. પણ જે લોકોને નવી દુનિયામાં જીવતા કરવામાં આવશે, જો તેઓ યહોવા વિશે શીખતા રહેશે, તો ક્યારેય નહિ મરે. તેઓ હંમેશાં જીવશે!
૮. અમુક લોકોએ “અપમાન અને કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે” એનો શું અર્થ થાય?
૮ દાનિયેલની ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે અમુક લોકોએ “અપમાન અને કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે.” એનો શું અર્થ થાય? નવી દુનિયામાં લોકોને શીખવવામાં આવશે. પણ કંઈ બધા યહોવા પાસેથી શીખવા તૈયાર નહિ હોય. જેઓ ફેરફાર નહિ કરે અને બળવો કરશે, તેઓનું નામ જીવનના પુસ્તકમાં નહિ લખવામાં આવે. તેઓને હંમેશનું જીવન નહિ મળે. પણ તેઓએ “કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે,” એટલે કે તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે. દાનિયેલ ૧૨:૨થી જાણવા મળે છે કે મરણમાંથી જીવતા થયા પછી, લોકો જે કામો કરશે એના આધારે તેઓનો ન્યાય થશે. * (પ્રકટી. ૨૦:૧૨) અમુકને હંમેશ માટેનું જીવન મળશે તો અમુકનો હંમેશ માટે નાશ થઈ જશે.
‘તેઓ ઘણાને સત્યના માર્ગે દોરી લાવશે’
૯-૧૦. કોણ “આકાશની જેમ પ્રકાશશે” અને મોટી વિપત્તિ પછી શું થશે?
૯ દાનિયેલ ૧૨:૩ વાંચો. દાનિયેલ ૧૨:૨ની જેમ કલમ ૩માં પણ અમુક બનાવો વિશે જણાવ્યું છે, જે મોટી વિપત્તિ પછી થશે.
૧૦ કલમમાં જણાવ્યું છે કે અમુક લોકો “આકાશની જેમ પ્રકાશશે.” અહીંયા કોની વાત થાય છે? એનો જવાબ માથ્થી અધ્યાય ૧૩માંથી મળે છે. માથ્થી ૧૩:૩૮માં ઈસુએ ‘રાજ્યના દીકરાઓની’ એટલે કે અભિષિક્તોની વાત કરી, જેઓ તેમની સાથે સ્વર્ગમાં રાજ કરશે. પછી કલમ ૪૩માં ઈસુએ કીધું: “એ સમયે સાચા માર્ગે ચાલનારા લોકો પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે.” એટલે આપણે કહી શકીએ કે દાનિયેલ ૧૨:૩માં પણ અભિષિક્તોની અને મોટી વિપત્તિ પછી તેઓ ૧,૦૦૦ વર્ષના રાજમાં જે કામ કરશે, એની વાત થાય છે.
૧૧-૧૨. હજાર વર્ષના રાજમાં ૧,૪૪,૦૦૦ લોકો શું કરશે?
૧૧ અભિષિક્તો કઈ રીતે ‘ઘણા લોકોને સત્યના માર્ગે દોરી લાવશે’? ૧,૦૦૦ વર્ષના રાજમાં મોટા પાયે લોકોને શીખવવામાં આવશે. ૧,૪૪,૦૦૦ લોકો ઈસુ ખ્રિસ્ત સાથે મળીને એ કામમાં આગેવાની લેશે. તેઓ રાજાઓ તરીકે રાજ કરશે અને યાજકો તરીકે પણ સેવા આપશે. (પ્રકટી. ૧:૬; ૫:૧૦; ૨૦:૬) યાજકો તરીકે તેઓ ‘પ્રજાના લોકોને સાજા થવા’ મદદ કરશે, એટલે કે તેઓમાંથી પાપની અસર ધીરે ધીરે દૂર કરવા મદદ કરશે. (પ્રકટી. ૨૨:૧, ૨; હઝકિ. ૪૭:૧૨) એ કામ કરીને અભિષિક્તોની ખુશીનો કોઈ પાર નહિ હોય!
૧૨ અભિષિક્તો કોને સત્યના માર્ગે દોરી લાવશે? નવી દુનિયામાં જેઓને જીવતા કરવામાં આવશે તેઓને, આર્માગેદનમાંથી બચી ગયેલા લોકોને અને નવી દુનિયામાં જે બાળકો જન્મશે તેઓને પણ. ૧,૦૦૦ વર્ષના અંતે બધામાંથી પાપની અસર એકદમ દૂર થઈ ગઈ હશે. તો પછી તેઓનાં નામ જીવનના પુસ્તકમાં હંમેશ માટે, જાણે પેનથી ક્યારે લખાશે?
છેલ્લી કસોટી
૧૩-૧૪. હંમેશ માટેનું જીવન મેળવવા બધાએ શું કરવું પડશે?
૧૩ એક વ્યક્તિમાંથી પાપ દૂર થઈ જાય તો એનો એવો મતલબ નથી કે તેને હંમેશ માટેનું જીવન મળશે. આદમ અને હવાનો જ વિચાર કરો. તેઓમાં પાપ ન હતું, તોપણ તેઓ યહોવાની આજ્ઞા પાળવાનું ચૂકી ગયાં. એટલે તેઓને હંમેશ માટેનું જીવન ના મળ્યું. એવી જ રીતે ભલે એક વ્યક્તિ પાપથી આઝાદ હોય, પણ તેણે યહોવાની આજ્ઞા પાળવી પડશે. તેણે બતાવવું પડશે કે તે યહોવાને વફાદાર છે. એમ કરશે તો જ તેને હંમેશ માટેનું જીવન મળશે.—રોમ. ૫:૧૨.
૧૪ આપણે જોઈ ગયા કે ૧,૦૦૦ વર્ષના અંતે લોકોમાંથી પાપની અસર દૂર થઈ ગઈ હશે. શું બધા લોકો યહોવાના રાજને કાયમ ટેકો આપશે? કે પછી અમુક લોકો આદમ અને હવાની જેમ વર્તશે, જેઓમાં પાપ ન હતું તોપણ યહોવાની આજ્ઞા તોડી હતી? ૧,૦૦૦ વર્ષ પછી એવું કંઈક બનશે જેનાથી ખબર પડશે કે કોણ યહોવાને વફાદાર છે અને કોણ નહિ.
૧૫-૧૬. (ક) બધાને એ સાબિત કરવાની તક ક્યારે મળશે કે તેઓ યહોવાને વફાદાર છે? (ખ) છેલ્લી કસોટી પછી શું થશે?
૧૫ શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરવામાં આવશે. એ સમયે તે લોકોનો વાળ પણ વાંકો નહિ કરી શકે. પણ ૧,૦૦૦ વર્ષ પૂરાં થયાં પછી તેને છોડવામાં આવશે. પાપમાંથી આઝાદ થયેલા લોકોને ખોટે માર્ગે દોરી જવા તે ધમપછાડા કરશે. એ કસોટીમાં લોકો પાસે એ સાબિત કરવાની તક હશે કે તેઓ યહોવાના નામનો મહિમા કરે છે અને તેમના રાજને ટેકો આપે છે. (પ્રકટી. ૨૦:૭-૧૦) લોકો જે કામો કરશે એનાથી નક્કી થશે કે જીવનના પુસ્તકમાં તેઓનાં નામ હંમેશ માટે લખાશે કે નહિ.
૧૬ અમુક લોકો આદમ અને હવાની જેમ યહોવાને વફાદાર નહિ રહે, તેમના રાજને ટેકો નહિ આપે. તેઓનું શું થશે? તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે. પ્રકટીકરણ ૨૦:૧૫માં જણાવ્યું છે: “જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું, તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.” આપણે એ તો નથી જાણતા કે છેલ્લી કસોટીમાં કેટલા લોકો યહોવા સામે બળવો કરશે. પણ એ વાત તો ચોક્કસ છે કે મોટા ભાગના લોકો યહોવાને વફાદાર રહેશે. પછી તેઓનાં નામ જીવનના પુસ્તકમાં હંમેશ માટે લખવામાં આવશે.
‘અંતના સમયમાં’ શું થશે?
૧૭. “અંતના સમય” વિશે દૂતે દાનિયેલને શું જણાવ્યું? (દાનિયેલ ૧૨:૪, ૮-૧૦)
૧૭ આ બધી ભવિષ્યવાણી પૂરી થાય એ જોવાની આપણે ઝંખના રાખીએ છીએ. દાનિયેલના પુસ્તકમાં ભાવિ વિશે ભવિષ્યવાણીઓ છે. એટલું જ નહિ, એમાં “અંતના સમય” વિશે એટલે કે આપણા સમય વિશે પણ અમુક મહત્ત્વની વાતો લખેલી છે. (દાનિયેલ ૧૨:૪, ૮-૧૦ વાંચો; ૨ તિમો. ૩:૧-૫) એક દૂતે દાનિયેલને કીધું કે છેલ્લા દિવસોમાં “સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.” આજે એ વાત સાચી પડી રહી છે. બાઇબલની ભવિષ્યવાણીઓ વિશે યહોવાના ભક્તોને વધારે સમજણ મળી રહી છે. દાનિયેલની ભવિષ્યવાણીઓની સમજણમાં પણ વધારો થઈ રહ્યો છે. દૂતે દાનિયેલને એમ પણ જણાવ્યું કે “દુષ્ટ લોકો દુષ્ટતાથી વર્તશે. કોઈ દુષ્ટ એ વાતો સમજી નહિ શકે.”
૧૮. બહુ જલદી દુષ્ટ લોકોનું શું થશે?
૧૮ આજે દુનિયામાં દુષ્ટતા વધતી ને વધતી જાય છે. દુષ્ટ લોકો લહેરથી જીવે છે. તેઓને કોઈ કંઈ નથી કહેતું. (માલા. ૩:૧૪, ૧૫) પણ ઈસુ બહુ જલદી તેઓનો ન્યાય કરશે. તે બકરાં જેવા લોકોને, ઘેટાં જેવા લોકોથી અલગ પાડશે. (માથ. ૨૫:૩૧-૩૩) મોટી વિપત્તિમાં એ દુષ્ટોનો સફાયો કરી નાખવામાં આવશે. પછી તેઓને નવી દુનિયામાં પાછા ઉઠાડવામાં નહિ આવે. માલાખી ૩:૧૬માં જણાવેલા “યાદગીરીના પુસ્તકમાં” તેઓનાં નામ લખવામાં નહિ આવે.
૧૯. આજે આપણે કેવાં કામ કરવાં જોઈએ અને કેમ? (માલાખી ૩:૧૬-૧૮)
૧૯ માલાખી ૩:૧૬-૧૮ વાંચો. આજે યહોવા એવા લોકોને ભેગા કરી રહ્યા છે, જેઓ તેમની “ખાસ સંપત્તિ” છે. એ લોકો તેમની માટે ખૂબ કીમતી છે. આપણે ચાહીએ છીએ કે યહોવા આપણને પણ “ખાસ સંપત્તિ” ગણે. એટલે ધ્યાન રાખીએ કે દુષ્ટ લોકો જેવાં કામ કરી ન બેસીએ. પણ સારાં કામ કરીએ, જેથી યહોવાનું દિલ ખુશ થાય.
૨૦. (ક) યહોવાએ દાનિયેલને કયું વચન આપ્યું હતું? (ખ) તમે કેમ એ વચન પૂરું થવાની આતુરતાથી રાહ જુઓ છો?
૨૦ ખરું કે આજે ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. પણ આવનાર સમય વધારે રોમાંચક હશે. એ સમયે બીજી ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થશે. જલદી જ દુષ્ટ લોકોનો હંમેશ માટે નાશ થઈ જશે. યહોવાએ દાનિયેલને જે વચન આપ્યું હતું એ પૂરું થશે. યહોવાએ તેમને કીધું હતું: “નક્કી કરેલા સમયે તારો હિસ્સો મેળવવા તું ઊભો થઈશ.” (દાનિ. ૧૨:૧૩) દાનિયેલ અને તમારાં સગાં-વહાલાં ફરી ‘ઊભાં થશે.’ સાચે જ, તેઓને મળવા અને ગળે લગાવવા તમે આતુર હશો. પણ એ દિવસ આવે ત્યાં સુધી તમે યહોવાને વફાદાર રહેજો. એમ કરશો તો જ જીવનના પુસ્તકમાં તમારું નામ લખેલું રહેશે.
ગીત ૧ યહોવાના ગુણો
^ આ લેખમાં આપણે જોઈશું કે દાનિયેલ ૧૨:૨, ૩ની આપણી સમજણમાં શું ફેરફાર થયો છે. એ સમજણને ધ્યાનમાં રાખીને આપણે જોઈશું કે નવી દુનિયામાં કઈ રીતે મોટા પાયે શીખવવાનું કામ થશે, એમાં કોણ કોણ ભાગ લેશે. ૧,૦૦૦ વર્ષના રાજને અંતે છેલ્લી કસોટી થશે. એ પણ જોઈશું કે જે લોકોને નવી દુનિયામાં શીખવવામાં આવશે, તેઓ કઈ રીતે એ કસોટી માટે તૈયાર થઈ શકશે.
^ જે વફાદાર ભક્તો છેલ્લા દિવસોમાં ગુજરી ગયા છે, તેઓને કદાચ સૌથી પહેલા જીવતા કરવામાં આવે. એ પછી કદાચ તેઓની અગાઉના સમયના લોકોને જીવતા કરવામાં આવે. એક પેઢીના લોકો તેઓની આગલી પેઢીના લોકોનું સ્વાગત કરી શકશે, જેઓને તેઓ સારી રીતે ઓળખતા હશે. આપણને એ તો ચોક્કસ ખબર નથી કે કોને ક્યારે જીવતા કરવામાં આવશે. પણ એટલું જાણીએ છીએ કે એ કામ વ્યવસ્થિત રીતે થશે. એવું કેમ કહી શકીએ? બાઇબલમાં જણાવ્યું છે કે સ્વર્ગના જીવન માટે લોકોને “યોગ્ય ક્રમમાં” ઉઠાડવામાં આવશે. એટલે પૃથ્વી પર પણ બધું વ્યવસ્થિત રીતે થશે.—૧ કોરીં. ૧૪:૩૩; ૧૫:૨૩.
^ આ કલમ વિશે આપણે પહેલાં જે માનતા હતા એ માહિતી દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પ્રકરણ ૧૭માં અને જુલાઈ ૧, ૧૯૮૭ ચોકીબુરજના (અંગ્રેજી) પાન ૨૧-૨૫ પર આપી છે. પણ હવે આપણી સમજણમાં ફેરફાર થયો છે.
^ પણ પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫માં લોકોને એ કામોને આધારે “સારા” અથવા “ખરાબ” કહ્યા છે, જે તેઓએ મરણ પહેલાં કર્યાં હતાં. યોહાન ૫:૨૯માં જણાવ્યું છે કે અમુકે “સારાં કામ કર્યાં છે” અને અમુકે “દુષ્ટ કામો કર્યાં છે.” અહીં પણ એ કામોની વાત થાય છે, જે તેઓએ મરણ પહેલાં કર્યાં હતાં.