અભ્યાસ લેખ ૩૭
તમે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકો છો
‘પ્રેમ બધામાં ભરોસો રાખે છે, બધાની આશા રાખે છે.’—૧ કોરીં. ૧૩:૭.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
ઝલક *
૧. આપણને કેમ નવાઈ લાગતી નથી કે લોકો એકબીજા પર ભરોસો કરી શકતા નથી?
આજે દુનિયામાં લોકોને ખબર નથી પડતી કે કોનો ભરોસો કરવો ને કોનો નહિ. વેપારીઓ, નેતાઓ અને ધર્મગુરુઓનાં કરતૂતો જોઈને તેઓ પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. અરે, તેઓ પોતાનાં મિત્રો, પડોશીઓ અને સગાં-સંબંધીઓનો પણ ભરોસો કરી શકતા નથી. એ બધું જોઈને આપણને નવાઈ લાગતી નથી. કેમ કે બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું કે ‘છેલ્લા દિવસોમાં લોકો વિશ્વાસઘાતી, બદનામ કરનારા અને દગાખોર હશે.’ એવા લોકોમાં આ દુનિયાના દેવ શેતાન જેવા જ ગુણો છે, જે ખુદ ભરોસાને લાયક નથી.—૨ તિમો. ૩:૧-૪; ૨ કોરીં. ૪:૪.
૨. (ક) આપણે કોના પર ભરોસો કરીએ છીએ? (ખ) અમુકને કોના પર ભરોસો કરવો અઘરું લાગી શકે?
૨ આ દુનિયાના લોકોને ખબર નથી કે તેઓએ કોના પર ભરોસો કરવો જોઈએ, પણ આપણને ખબર છે. આપણે યહોવા પર પૂરો ભરોસો કરીએ છીએ. કેમ કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમણે વચન આપ્યું છે કે તે પોતાના દોસ્તોને ‘કદી નહિ તરછોડે.’ (ગીત. ૯:૧૦; યર્મિ. ૧૭:૭, ૮) આપણે ખ્રિસ્ત ઈસુ પર ભરોસો કરીએ છીએ. કેમ કે તેમણે આપણા માટે પોતાનું જીવન આપી દીધું. (૧ પિત. ૩:૧૮) આપણે બાઇબલની વાતો પર ભરોસો કરીએ છીએ. કેમ કે આપણે અનુભવ્યું છે કે એમાં આપેલી સલાહ પાળવાથી ઘણા ફાયદા થાય છે. (૨ તિમો. ૩:૧૬, ૧૭) પણ મંડળનાં ભાઈ-બહેનો પર ભરોસો કરવાની વાત આવે ત્યારે અમુકને એ કદાચ અઘરું લાગે. ચાલો જોઈએ કે ભાઈ-બહેનો પર કેમ ભરોસો કરી શકીએ.
આપણને ભાઈ-બહેનોની જરૂર છે
૩. આપણને કયો લહાવો મળ્યો છે? (માર્ક ૧૦:૨૯, ૩૦)
૩ કેટલી ખુશીની વાત છે કે યહોવાએ આપણને તેમના કુટુંબનો ભાગ બનવાનો લહાવો આપ્યો છે! આપણે એકલા નથી, આખી દુનિયાનાં ભાઈ-બહેનો આપણી સાથે છે. કેટલો મોટો આશીર્વાદ! (માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.) આપણે અલગ અલગ ભાષા બોલીએ છીએ. આપણી રહેણી-કરણી અલગ છે. જાતજાતનાં કપડાં પહેરીએ છીએ. તોપણ જ્યારે એકબીજાને પહેલી વાર મળીએ છીએ ત્યારે લાગે છે કે વર્ષોથી ઓળખીએ છીએ. આપણે બધા યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમનાં ધોરણો પાળવાની કોશિશ કરીએ છીએ. જ્યારે સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને બહુ ગમે છે.—ગીત. ૧૩૩:૧.
૪. આપણને કેમ ભાઈ-બહેનોની જરૂર છે?
૪ પહેલાં કરતાં આજે આપણને ભાઈ-બહેનોના સાથની વધારે જરૂર છે. અમુક વાર આપણે ચિંતાઓના બોજ નીચે દબાઈ જઈએ છીએ. એ સમયે ભાઈ-બહેનો આપણી હિંમત બંધાવે છે. (રોમ. ૧૫:૧; ગલા. ૬:૨) જોરશોરથી યહોવાની ભક્તિ કરવા તેઓ ઉત્તેજન આપે છે. યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય માટે તેઓ મદદ કરે છે. (૧ થેસ્સા. ૫:૧૧; હિબ્રૂ. ૧૦:૨૩-૨૫) જરા વિચારો, આપણને ભાઈ-બહેનોનો સાથ ન હોત તો શું થાત? શેતાનના હુમલાઓ સામે લડવું આપણા માટે અઘરું થઈ જાત. આ દુષ્ટ દુનિયામાં જીવવું મુશ્કેલ થઈ જાત. જલદી જ શેતાન અને તેના સાથીઓ યહોવાના ભક્તો પર હુમલો કરશે. પણ એ વાતથી દિલાસો મળે છે કે આપણે એકલા નહિ હોઈએ. ભાઈ-બહેનો આપણી પડખે હશે!
૫. ભાઈ-બહેનો પર ભરોસો કરવો અમુકને કેમ અઘરું લાગે છે?
૫ પણ ભાઈ-બહેનો પર ભરોસો કરવો અમુકને અઘરું લાગે છે. એવું કેમ? અમુકે કદાચ કોઈ ભાઈ કે બહેનને ખાનગી વાત કીધી હોય. પછી તેમણે જઈને બીજાઓને એ વાત કહી દીધી હોય. કદાચ કોઈ ભાઈ કે બહેને કીધું હોય કે ‘હું ચોક્કસ આ કરીશ.’ પણ પછી તેમણે એ ના કર્યું હોય. કદાચ કોઈ ભાઈ કે બહેને એવું કંઈક કર્યું હોય કે કીધું હોય, જેનાથી અમુકને ઠેસ પહોંચી હોય. આવાં કારણોને લીધે ભાઈ-બહેનો પર ભરોસો કરવો અઘરું લાગી શકે. પણ આપણે કઈ રીતે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકીએ?
પ્રેમ હશે તો ભરોસો કરી શકીશું
૬. ભાઈ-બહેનો પર ભરોસો કરવા તેઓને પ્રેમ કરવો કેમ જરૂરી છે? (૧ કોરીંથીઓ ૧૩:૪-૮)
૬ ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું તો તેઓ પર ભરોસો કરી શકીશું. પહેલો કોરીંથીઓ અધ્યાય ૧૩માં પ્રેમ વિશે ઘણું જણાવ્યું છે. એ સલાહ પાળીશું તો ભાઈ-બહેનો પર ભરોસો કરવો સહેલું થઈ જશે. કોઈએ આપણો ભરોસો તોડ્યો હોય તો, તેઓ પર ફરીથી ભરોસો કરી શકીશું. (૧ કોરીંથીઓ ૧૩:૪-૮ વાંચો.) જેમ કે, ચોથી કલમમાં જણાવ્યું છે, “પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે.” જરા વિચારો, આપણે કેટલીય ભૂલો કરીએ છીએ. પણ યહોવા આપણી સાથે ધીરજથી વર્તે છે. એટલે કોઈ ભાઈ કે બહેન એવું કંઈક કરે અથવા કહે, જેનાથી આપણને ખોટું લાગે કે ગુસ્સો આવે તો આપણે તેઓ સાથે ધીરજથી વર્તીએ. પાંચમી કલમમાં જણાવ્યું છે: ‘પ્રેમ ઉશ્કેરાઈ જતો નથી, કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.’ જો કોઈ ભાઈ કે બહેને આપણી વિરુદ્ધ કંઈ કર્યું હોય, તો એનો હિસાબ ન રાખીએ. બસ એને જ વાગોળ્યા ન કરીએ. સભાશિક્ષક ૭:૯માં જણાવ્યું છે કે આપણે ‘ગુસ્સો કરવામાં ઉતાવળિયા ન થઈએ.’ આપણે એફેસીઓ ૪:૨૬ની આ સલાહ પાળીએ: “સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહો.”
૭. ભાઈ-બહેનો પર ભરોસો કરવા માથ્થી ૭:૧-૫ના સિદ્ધાંતો કઈ રીતે આપણને મદદ કરે છે?
૭ ભાઈ-બહેનો પર ભરોસો કરવા બીજું શું કરી શકીએ? આપણે તેઓને યહોવાની નજરે જોઈએ. યહોવા તેઓને બહુ પ્રેમ કરે છે. તે તેઓની ભૂલોનો હિસાબ નથી રાખતા. આપણે પણ એવું જ કરવું જોઈએ. (ગીત. ૧૩૦:૩) તેઓની ભૂલોને બિલોરી કાચથી જોવાને બદલે તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. વિચારીએ કે તેઓ આગળ જતાં હજુ વધારે સારું કરી શકે છે. (માથ્થી ૭:૧-૫ વાંચો.) પ્રેમ “બધામાં ભરોસો રાખે છે.” એટલે એવું ન વિચારીએ કે ભાઈ કે બહેને આપણને જાણીજોઈને દુઃખ પહોંચાડ્યું છે. (૧ કોરીં. ૧૩:૭) ‘બધામાં ભરોસો રાખવાનો’ મતલબ એ નથી કે આપણે આંખો મીંચીને ભાઈ-બહેનો પર ભરોસો કરીએ. પણ યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનોનાં કામ જોઈને તેઓ પર ભરોસો કરીએ. *
૮. ભાઈ-બહેનો પર ભરોસો કરવા તમે શું કરી શકો?
૮ કોઈની સાથે હળીએ-મળીએ, તેમને વધારે ઓળખીએ તો આપણી નજરમાં તેમનું માન વધે છે. ભાઈ-બહેનો પર ભરોસો કરવા પણ એવું જ કંઈક કરવું પડશે. તેઓને સારી રીતે ઓળખીશું તો તેઓ પર ભરોસો કરી શકીશું. એ માટે તમે શું કરી શકો? તમે સભાઓમાં ભાઈ-બહેનો સાથે વાત કરો. તેઓ સાથે પ્રચારમાં જાઓ. પણ યાદ રાખો કે રાતોરાત ભરોસો નહિ બેસે. એટલે ધીરજ રાખો. બની શકે કે શરૂ શરૂમાં તમે થોડી-ઘણી વાતો કરો. પણ જેમ જેમ તમે તેઓને ઓળખવા લાગશો તેમ તેમ તમારો ભરોસો વધતો જશે. પછી કદાચ તેઓ સાથે દિલ ખોલીને વાત કરી શકશો. (લૂક ૧૬:૧૦) પણ જો કોઈ ભાઈ કે બહેન તમારો ભરોસો તોડે તો તમે શું કરી શકો? એવું જરાય ના વિચારશો કે હવે તમે તેમના પર ક્યારેય ભરોસો નહિ કરી શકો. થોડો સમય જવા દો. કદાચ ધીમે ધીમે ફરીથી તેમના પર તમારો ભરોસો બેસે. કોઈ એક ભાઈ કે બહેને તમારો ભરોસો તોડ્યો હોય તો એવું ન વિચારશો કે તમે બીજા કોઈ ભાઈ કે બહેન પર ભરોસો નહિ કરી શકો. ચાલો જૂના જમાનાના અમુક ઈશ્વરભક્તોના દાખલા જોઈએ. અમુક લોકોએ તેઓનો ભરોસો તોડ્યો હતો. પણ એ ઈશ્વરભક્તોએ બીજાઓ પર ભરોસો કરવાનું ક્યારેય ન છોડ્યું.
ઈશ્વરભક્તો પાસેથી ભરોસો કરવાનું શીખીએ
૯. (ક) એલી અને તેમના દીકરાઓએ ભૂલો કરી તોપણ હાન્નાએ શું કર્યું? (ખ) હાન્ના પાસેથી તમને શું શીખવા મળ્યું? (ચિત્ર જુઓ.)
૯ શું આગેવાની લેતા ભાઈએ એવું કંઈક કર્યું છે જેનાથી તમારા દિલને ઠેસ પહોંચી હોય? હાન્ના સાથે પણ એવું જ કંઈક થયું હતું. એ સમયે એલી પ્રમુખ યાજક હતા. ઇઝરાયેલમાં યહોવાની શુદ્ધ ભક્તિ માટે તે આગેવાની લેતા હતા. તેમના દીકરાઓ પણ મંડપમાં સેવા કરતા હતા. એલીના દીકરાઓ નીચ કામો કરતા હતા. એલીને એ વિશે ખબર હતી. પણ તેમણે તેઓને સુધારવા ખાસ કંઈ કર્યું નહિ. યહોવા બધું જ જોઈ રહ્યા હતા. પણ તેમણે થોડા સમય સુધી એલીને પ્રમુખ યાજક રહેવા દીધા. શું હાન્નાએ એવું વિચાર્યું કે એલી પ્રમુખ યાજક છે ત્યાં સુધી તે મંડપમાં જઈને યહોવાની ભક્તિ નહિ કરે? ના! એકવાર તે બહુ દુઃખી હતી. એટલે તે મંડપમાં પ્રાર્થના કરવા ગઈ. એલીએ હાન્નાને જોઈ ત્યારે તેમને લાગ્યું કે તે પીધેલી હાલતમાં છે. કંઈ પણ વિચાર્યા વગર એલીએ તેને ખખડાવી નાખી. (૧ શમુ. ૧:૧૨-૧૬) એ બધું થયું તોપણ હાન્નાએ સમ ખાધા કે જો તેને દીકરો થશે તો તેને મંડપમાં સેવા કરવા મોકલી આપશે. તે જાણતી હતી કે તેનો દીકરો એલીની જ દેખરેખ નીચે હશે. તોપણ હાન્ના એમ કરવા તૈયાર હતી. (૧ શમુ. ૧:૧૧) એવું ન હતું કે મંડપમાં જે થઈ રહ્યું હતું, એને યહોવા નજરઅંદાજ કરી રહ્યા હતા. યોગ્ય સમયે યહોવાએ એલીના દીકરાઓને સજા કરી. (૧ શમુ. ૪:૧૭) પણ ત્યાં સુધી હાન્નાએ યહોવા પર અને યહોવાએ નીમેલા લોકો પર પૂરો ભરોસો રાખ્યો. યહોવાએ પણ હાન્નાને મોટું ઇનામ આપ્યું. સમય જતાં હાન્નાને એક દીકરો થયો. તેણે તેનું નામ શમુએલ પાડ્યું.—૧ શમુ. ૧:૧૭-૨૦.
૧૦. અમુક લોકોએ દાઉદ રાજાનો ભરોસો તોડ્યો તોપણ તે શું કરતા રહ્યા?
૧૦ શું તમારા કોઈ મિત્રએ ક્યારેય તમને દગો દીધો છે? દાઉદ રાજા સાથે એવું જ થયું. અહીથોફેલ તેમના સારા મિત્ર હતા. પણ દાઉદના દીકરા આબ્શાલોમે રાજગાદી હડપવાની કોશિશ કરી ત્યારે અહીથોફેલે તેનો સાથ આપ્યો. જરા વિચારો, દાઉદ પર શું વીત્યું હશે! તેમના નજીકના બે લોકો, તેમના દીકરાએ અને દોસ્તે તેમને દગો આપ્યો. પણ એ કડવા અનુભવને લીધે દાઉદે બીજાઓ પર ભરોસો કરવાનું ન છોડ્યું. તે પોતાના મિત્ર હૂશાય પર ભરોસો કરતા રહ્યા. હૂશાય પણ એક સારા મિત્ર સાબિત થયા. તેમણે આબ્શાલોમનો સાથ ન આપ્યો. તે દાઉદને વફાદાર રહ્યા. અરે, તેમણે તો દાઉદ માટે પોતાનો જીવ પણ દાવ પર લગાડી દીધો!—૨ શમુ. ૧૭:૧-૧૬.
૧૧. નાબાલના ચાકરે કઈ રીતે અબીગાઈલ પર ભરોસો કર્યો?
૧૧ નાબાલના ચાકર પાસેથી પણ ઘણું શીખી શકીએ. નાબાલ એક ઇઝરાયેલી હતો. તેની પાસે પુષ્કળ ધનસંપત્તિ હતી. દાઉદ અને તેમના માણસોએ નાબાલના ચાકરોનું રક્ષણ કર્યું હતું. એટલે દાઉદે થોડા સમય પછી નાબાલને એક અરજ કરી. તેમણે પોતાના માણસો માટે થોડું ખાવાનું માંગ્યું. પણ નાબાલે ના પાડી દીધી. એ સાંભળીને દાઉદનો પિત્તો ગયો. તેમણે નક્કી કર્યું કે નાબાલના કુટુંબના દરેક માણસને પતાવી નાખશે. પણ નાબાલના એક ચાકરે જઈને નાબાલની પત્ની અબીગાઈલને બધું જ જણાવ્યું. એ ચાકરનો જીવ જોખમમાં હતો. તેણે ચાહ્યું હોત તો ત્યાંથી નાસી ગયો હોત. પણ તેણે એવું ન કર્યું. તે જાણતો હતો કે અબીગાઈલ સમજદાર સ્ત્રી છે. તે બધું જ સંભાળી લેશે. તેને ભરોસો હતો કે અબીગાઈલને લીધે તેનો જીવ બચી જશે અને એવું જ થયું. અબીગાઈલ હિંમત કરીને દાઉદ પાસે ગઈ. દાઉદને એક મોટી ભૂલ કરતા રોક્યા. (૧ શમુ. ૨૫:૨-૩૫) અબીગાઈલને પણ ભરોસો હતો કે દાઉદ તેની વાત સાંભળશે અને કંઈ ખોટું પગલું નહિ ભરે.
૧૨. શિષ્યોએ ભૂલો કરી તોપણ ઈસુએ શું કર્યું? સમજાવો.
૧૨ ચાલો ઈસુનો વિચાર કરીએ. તેમના શિષ્યોએ ઘણી ભૂલો કરી. છતાં ઈસુએ તેઓ પર ભરોસો કરવાનું પડતું ના મૂક્યું. (યોહા. ૧૫:૧૫, ૧૬) એકવાર યાકૂબ અને યોહાને ઈસુને કીધું કે તેઓ ઈસુના રાજમાં તેમની જમણે અને ડાબે બેસવા માંગે છે. ઈસુ જાણતા હતા કે તેઓ જે કહી રહ્યા છે એ યોગ્ય નથી. તોપણ તેઓ કયા ઇરાદાથી યહોવાની ભક્તિ કરે છે એના પર ઈસુએ સવાલ ન ઉઠાવ્યો. તેમણે તેઓ પાસેથી પ્રેરિત હોવાનો લહાવો લઈ ન લીધો. (માર્ક ૧૦:૩૫-૪૦) સમય જતાં, ઈસુને પકડવામાં આવ્યા એ રાતે બધા શિષ્યો તેમને એકલા મૂકીને ભાગી ગયા. (માથ. ૨૬:૫૬) પણ ઈસુ તેઓ પર ભરોસો કરતા રહ્યા. તેમને ખબર હતી કે તેઓમાં અમુક નબળાઈઓ છે. પણ “તેઓ પર તેમણે છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો.” (યોહા. ૧૩:૧) મરણમાંથી ફરી જીવતા થયા પછી ઈસુએ ૧૧ વફાદાર પ્રેરિતોને એક મોટી જવાબદારી સોંપી. એ જવાબદારી હતી કે તેઓ શિષ્યો બનાવવાના કામમાં આગેવાની લે અને તેમનાં ઘેટાંની સંભાળ રાખે. (માથ. ૨૮:૧૯, ૨૦; યોહા. ૨૧:૧૫-૧૭) પ્રેરિતોએ એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. તેઓ છેલ્લા શ્વાસ સુધી યહોવા અને ઈસુને વફાદાર રહ્યા. આપણે હાન્ના, દાઉદ, નાબાલના ચાકર, અબીગાઈલ અને ઈસુ વિશે જોઈ ગયા. તેઓએ લોકો પર ભરોસો કરવાનું છોડ્યું નહિ. આપણે પણ એવું જ કરવું જોઈએ.
કોઈ ભરોસો તોડે ત્યારે
૧૩. કેમ અમુકને બીજાઓ પર ભરોસો કરવો અઘરું લાગે છે?
૧૩ અમુક વાર આપણે કોઈને દિલની વાત જણાવીએ. પણ તે આપણી વાત બીજા કોઈને કહી દે. આ રીતે કોઈ આપણો ભરોસો તોડે ત્યારે આપણું દિલ તૂટી જાય છે. શું તમારી સાથે એવું બન્યું છે? ચાલો એક બહેનનો દાખલો જોઈએ. તેમણે એક વડીલ પર ભરોસો કરીને પોતાની કોઈ વાત જણાવી. પણ વડીલે એ વાત પોતાની પત્નીને કહી દીધી. હવે બીજા દિવસે વડીલની પત્નીએ બહેનને ઉત્તેજન આપવા ફોન કર્યો ત્યારે, બહેનને બહુ આઘાત લાગ્યો. એ વડીલ પરથી તેમનો ભરોસો ઊઠી ગયો. પણ બહેને એવું ન વિચાર્યું કે કોઈના પર ભરોસો કરવા જેવું નથી. તેમણે બીજા એક વડીલ સાથે વાત કરી. તેમની મદદથી તે વડીલો પર ફરી ભરોસો કેળવી શક્યાં.
૧૪. એક ભાઈ કઈ રીતે વડીલો પર ફરી ભરોસો કરી શક્યા?
૧૪ એક ભાઈ લાંબા સમયથી કોઈ વાતને લઈને બે વડીલોથી નારાજ હતા. તેમને લાગતું હતું કે તેઓ ભરોસાને લાયક નથી. પણ પછી તેમને એક ભાઈની વાત યાદ આવી. એ ભાઈ માટે તેમને ઘણું માન હતું. ભાઈએ કીધું હતું, “શેતાન આપણો દુશ્મન છે, આપણા ભાઈઓ નહિ.” ભાઈએ એ વાત પર ઘણો વિચાર કર્યો, ઘણી પ્રાર્થના કરી. પછી તેમણે એ બંને વડીલો સાથે સુલેહ-શાંતિ કરી.
૧૫. કોઈના પર ફરી ભરોસો કરવામાં કેમ સમય લાગી શકે? દાખલો આપો.
૧૫ શું ક્યારેય તમારી પાસેથી કોઈ જવાબદારી પાછી લઈ લેવામાં આવી છે? એવું થાય ત્યારે ઘણું દુઃખ થાય છે. ગ્રેટાબહેન સાથે પણ એવું જ કંઈક થયું. આ વાત બીજા વિશ્વયુદ્ધ પહેલાંની છે. એ વખતે જર્મનીમાં નાઝી સરકાર હતી. યહોવાના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ હતો. ગ્રેટાબહેન અને તેમનાં મમ્મી યહોવાની વફાદારીથી ભક્તિ કરતા હતાં. ભાઈઓએ ગ્રેટાબહેનને ચોકીબુરજના અમુક લેખો ટાઇપ કરવાનું કામ સોંપ્યું. પણ તેઓને ખબર પડી કે ગ્રેટાબહેનના પપ્પા યહોવાના સાક્ષીઓનો વિરોધ કરે છે. એટલે તેઓએ બહેન પાસેથી ટાઇપિંગનું કામ લઈ લીધું. તેઓને ડર હતો કે તેમના પપ્પા આપણા કામ વિશે નાઝી સરકારને જણાવી દેશે. અધૂરામાં પૂરું, બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું ત્યાં સુધી ભાઈઓએ ગ્રેટાબહેનને અને તેમનાં મમ્મીને ચોકીબુરજ વાંચવા પણ ના આપ્યાં. અરે, તેઓ રસ્તામાં મળે તોય ભાઈઓ તેઓ સાથે વાત ન કરતા. ભાઈઓનું એવું વલણ જોઈને બહેનનું દિલ ચિરાઈ ગયું. એટલે ભાઈઓને માફ કરવામાં અને તેઓ પર ફરી ભરોસો કરવામાં તેમને ઘણો સમય લાગ્યો. તેમણે વિચાર્યું કે યહોવાએ તેઓને ચોક્કસ માફ કર્યા હશે, એટલે તેમણે પણ તેઓને માફ કરવા જોઈએ. આખરે તેમણે તેઓને માફ કરી દીધા. *
“શેતાન આપણો દુશ્મન છે, આપણા ભાઈઓ નહિ”
૧૬. ભાઈ-બહેનો પર ફરી ભરોસો કરવાની કેમ પૂરી કોશિશ કરવી જોઈએ?
૧૬ જો કોઈએ તમારો ભરોસો તોડ્યો હોય તો કદાચ તમને બીજાં ભાઈ-બહેનોનો ભરોસો કરવો અઘરું લાગે. પણ તેઓ પર ફરી ભરોસો કરવાની પૂરી કોશિશ કરો. એમાં સમય લાગશે, પણ એવું કરવામાં જ ભલાઈ છે. માની લો કે તમે એવું કંઈક ખાઈ લો છો, જેનાથી તમારું પેટ બગડી જાય છે. તો શું તમે એવું વિચારશો કે ‘હવે પછી ક્યારેય ખાવાનું નહિ ખાઉં’? ના! એવી જ રીતે, જો કોઈ ભાઈ કે બહેન એક વાર આપણો ભરોસો તોડે, તો એનો એવો અર્થ નથી કે આપણે ક્યારેય કોઈ ભાઈ કે બહેન પર ભરોસો ના કરી શકીએ. આપણે બધા જ ભૂલો કરીએ છીએ. એટલે આપણે એકબીજાને માફ કરવા જોઈએ. એકબીજા પર ફરી ભરોસો કરવાની પૂરી કોશિશ કરવી જોઈએ. એવું કરવાથી આપણે વધારે ખુશ રહીશું. એટલું જ નહિ, એવાં કામો કરી શકીશું જેનાથી મંડળમાં બધા એકબીજા પર ભરોસો કરી શકે.
૧૭. (ક) એકબીજા પર ભરોસો કરવાથી શું ફાયદો થશે? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?
૧૭ શેતાનની દુનિયામાં લોકોને એકબીજા પર ભરોસો કરવો બહુ અઘરું લાગે છે. પણ આપણે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકીએ છીએ. કેમ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ અને તેઓ આપણને. એકબીજા પર ભરોસો કરવાથી આપણી વચ્ચે એકતા હશે અને ખુશ રહી શકીશું. આવનાર સમયમાં મોટી મુશ્કેલીઓ આવશે ત્યારે આપણું રક્ષણ થશે. પણ જો કોઈ આપણો ભરોસો તોડે તો શું કરી શકીએ? યહોવાની જેમ એ ભાઈ કે બહેનના સારા ગુણો પર ધ્યાન આપીએ. બાઇબલના સિદ્ધાંતો પાળીએ. ભાઈ-બહેનો માટે ઊંડો પ્રેમ કેળવીએ. અગાઉના વફાદાર ભક્તો પાસેથી શીખીએ. કોઈ આપણો ભરોસો તોડે ત્યારે બહુ દુઃખ થાય છે. પણ આપણે એ વાતને ભૂલાવી શકીએ છીએ. બીજાઓ પર ફરી ભરોસો કરવાનું શીખી શકીએ છીએ. એનાથી આપણે ઘણા દોસ્તો બનાવી શકીશું, એવા દોસ્તો “જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.” (નીતિ. ૧૮:૨૪) આ લેખમાં આપણે શીખ્યા કે કઈ રીતે બીજાઓ પર ભરોસો કરી શકીએ. પણ આપણે ખુદ એવી વ્યક્તિ બનવું જોઈએ જેના પર લોકો ભરોસો કરી શકે. એ વિશે હવે પછીના લેખમાં શીખીશું.
ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી
^ ભાઈ-બહેનો પર ભરોસો કરવો ખૂબ જરૂરી છે. પણ અમુક વાર તેઓ એવું કંઈક કરી બેસે છે, જેનાથી તેઓ પર ભરોસો કરવો અઘરું લાગે છે. આ લેખમાં બાઇબલના અમુક સિદ્ધાંતોની ચર્ચા કરીશું. આપણે જૂના જમાનાના અમુક ઈશ્વરભક્તો પાસેથી શીખીશું, જેઓએ બીજાઓ પર ભરોસો રાખ્યો હતો. એનાથી શીખવા મળશે કે આપણે કેમ ભાઈ-બહેનો પર ભરોસો કરવો જોઈએ. તેમ જ, કોઈ આપણો ભરોસો તોડે ત્યારે કઈ રીતે તેઓ પર ફરી ભરોસો મૂકી શકીએ.
^ બાઇબલમાં જણાવ્યું છે કે મંડળમાં અમુક એવા લોકો પણ હોય શકે, જેઓનો ભરોસો ન કરી શકાય. (યહૂ. ૪) તેઓ કદાચ “આડી-અવળી વાતો” કરીને ભાઈ-બહેનોને ખોટે માર્ગે લઈ જવાની કોશિશ કરે. (પ્રે.કા. ૨૦:૩૦) આપણે એવા લોકોની વાતો પર જરાય ધ્યાન આપવું ન જોઈએ. તેઓનો ભરોસો કરવો ન જોઈએ.
^ ગ્રેટાબહેનનો અનુભવ વાંચવા ૧૯૭૪ યરબુક ઑફ જેહોવાઝ વિટનેસીસ, પાન ૧૨૯-૧૩૧ જુઓ.