વાચકો તરફથી પ્રશ્નો
પૃથ્વી પર કોને ફરી જીવતા કરવામાં આવશે અને તેઓનું શું થશે?
ચાલો એ સવાલોના જવાબ બાઇબલમાંથી જોઈએ.
પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫માં જણાવ્યું છે, “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” સારા લોકો એટલે કે, જેઓ યહોવાને વફાદાર હતા અને ગુજરી ગયા. એટલે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખ્યાં છે. (માલા. ૩:૧૬) ખરાબ લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓને મરણ પહેલાં યહોવાને સારી રીતે ઓળખવાની તક મળી ન હતી. એટલે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં નથી લખ્યાં.
યોહાન ૫:૨૮, ૨૯માં એ જ “સારા” અને “ખરાબ” લોકો વિશે જણાવ્યું છે. ત્યાં લખ્યું છે: “જેઓએ સારાં કામ કર્યાં છે તેઓ હંમેશ માટેનું જીવન મેળવશે. જેઓએ દુષ્ટ કામો કર્યાં છે, તેઓ સજાને લાયક ઠરશે.” સારા લોકોએ મરણ પહેલાં સારાં કામો કર્યાં હતાં. એટલે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં છે. તેઓને હંમેશ માટેના જીવન માટે ફરી જીવતા કરવામાં આવશે. ખરાબ લોકોએ મરણ પહેલાં દુષ્ટ કામો કર્યાં હતાં. એટલે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં નથી. આ કલમમાં “સજા” માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ “ન્યાય” પણ થઈ શકે. એટલે ખરાબ લોકોને ન્યાય માટે જીવતા કરવામાં આવશે. તેઓને યહોવાને ઓળખવાની તક મળશે. તેઓની પરખ થશે. ધ્યાન આપવામાં આવશે કે તેઓ જીવનમાં ફેરફાર કરે છે કે નહિ. જો તેઓ ફેરફાર કરશે તો તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે.
પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩માં જણાવ્યું છે કે જે લોકોને જીવતા કરવામાં આવશે, તેઓ બધાએ “વીંટાઓમાં જે લખ્યું” છે, એ પાળવું પડશે. એટલે કે યહોવા નવી દુનિયામાં જે કાયદા-કાનૂન આપશે એ પાળવા પડશે. જે લોકો એ નહિ પાળે, તેઓનો નાશ થશે.—યશા. ૬૫:૨૦.
દાનિયેલ ૧૨:૨માં ભવિષ્યવાણી છે કે “મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓ જાગી ઊઠશે. અમુકને હંમેશ માટેનું જીવન મળશે અને બીજાઓએ અપમાન અને કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે.” અહીં એ સમયની વાત થાય છે, જ્યારે મરણમાંથી જીવતા કરવામાં આવેલા લોકોનો ૧,૦૦૦ વર્ષના રાજ પછી ન્યાય કરવામાં આવશે. અમુક લોકોને “હંમેશ માટેનું જીવન” મળશે. પણ બીજા લોકોએ “કાયમ માટેના તિરસ્કારનો” ભોગ બનવું પડશે એટલે કે, તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે.—પ્રકટી. ૨૦:૧૫; ૨૧:૩, ૪.
નવી દુનિયામાં જે લોકોને જીવતા કરવામાં આવશે, તેઓ એ લોકો જેવા છે જેઓને બીજા દેશમાં જવું છે. જો કોઈને બીજા દેશમાં જવું હોય, તો તેણે ત્યાંના વિઝા લેવા પડે છે. વિઝા અલગ અલગ પ્રકારના હોય છે. અમુકને એવા વિઝા મળે છે, જેનાથી તેઓ એ દેશમાં કામ કરી શકે અથવા રહી શકે. એ વિઝાથી તેઓને અમુક અધિકારો અને કામ કરવાની છૂટ મળે છે. નવી દુનિયામાં જે સારા લોકોને જીવતા કરવામાં આવશે, તેઓ એ લોકો જેવા જ છે. બીજા અમુક લોકોને એવા વિઝા મળે છે, જેનાથી તેઓ એ દેશમાં ફક્ત ફરવા જઈ શકે. જો તેઓએ એ દેશમાં વધારે રોકાવું હોય તો ત્યાંની અમુક જરૂરિયાતો પૂરી કરવી પડે. નવી દુનિયામાં જે ખરાબ લોકોને જીવતા કરવામાં આવશે, તેઓ એ લોકો જેવા છે. જો તેઓએ હંમેશ માટે નવી દુનિયામાં રહેવું હોય, તો તેઓએ અમુક જરૂરિયાતો પૂરી કરવી પડશે. યહોવાના કાયદા-કાનૂન પ્રમાણે ચાલવું પડશે. પોતાનામાં ફેરફાર કરવા પડશે. કોઈને લાંબો સમય દેશમાં રહેવા માટે વિઝા મળ્યા હોય કે થોડા સમય માટે, જો તે દેશના કાયદા-કાનૂન નહિ પાળે, તો તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવી શકે. પણ જો તે દેશના બધા કાયદા-કાનૂન પાળે અને પોતાનાં વાણી-વર્તન સારાં રાખે, તો કદાચ ત્યાંનો નાગરિક બની શકે. એવી જ રીતે, નવી દુનિયામાં જીવતા થયેલા બધા લોકોનાં વાણી-વર્તન પર ધ્યાન આપવામાં આવશે. જોવામાં આવશે કે શું તેઓને યહોવા અને ઈસુમાં શ્રદ્ધા છે. પછી નક્કી કરવામાં આવશે કે તેઓ નવી દુનિયામાં રહી શકશે કે નહિ.
યહોવા લોકોને બહુ પ્રેમ કરે છે. એટલે તે સારા લોકોને મરણમાંથી જીવતા કરશે. તે એવા લોકોને પણ જીવતા કરશે, જેઓને તેમને ઓળખવાની તક નથી મળી. યહોવા ન્યાયના પણ ઈશ્વર છે. જે લોકો તેમને પ્રેમ કરશે અને તેમનાં ઊંચાં ધોરણો પાળશે, ફક્ત તેઓ જ નવી દુનિયામાં હંમેશ માટે જીવી શકશે.—પુન. ૩૨:૪; ગીત. ૩૩:૫.