અભ્યાસ લેખ ૩૮
શું ભાઈ-બહેનો તમારા પર ભરોસો કરી શકે છે?
“વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.”—નીતિ. ૧૧:૧૩.
ગીત ૫૩ સંપીને રહીએ
ઝલક *
૧. એક ભરોસાપાત્ર વ્યક્તિ કેવી હોય છે?
ભરોસાપાત્ર કે વિશ્વાસુ વ્યક્તિ પોતાનું વચન પાળવા બનતું બધું કરે છે. તે હંમેશાં સાચું બોલે છે. (ગીત. ૧૫:૪) એવી વ્યક્તિને આપણે કોઈ કામ સોંપીએ તો એવું નથી વિચારતા કે એ કામ થશે કે નહિ. આપણને ખાતરી હોય છે કે તેને કામ સોંપ્યું છે એટલે એ પૂરું થશે જ! આપણે પણ એવી વ્યક્તિ બનવા માંગીએ છીએ, જેના પર ભાઈ-બહેનો ભરોસો કરી શકે. આપણે કઈ રીતે ભરોસાપાત્ર બની શકીએ?
૨. લોકો આપણા પર ભરોસો કરે માટે શું કરવું જોઈએ?
૨ આપણા કહેવાથી લોકો કંઈ આપણા પર ભરોસો નહિ કરે. આપણે કામોથી બતાવવું પડશે કે આપણે ભરોસાને લાયક છીએ. કોઈનો ભરોસો જીતવો, એ તો જાણે પૈસા કમાવવા જેવું છે. પૈસા કમાવવામાં અને ભરોસો જીતવામાં ઘણો સમય લાગે છે, ઘણી મહેનત કરવી પડે છે. પૈસા ખર્ચાઈ જતા વાર નથી લાગતી. ભરોસો તૂટતા પણ વાર નથી લાગતી. આપણે યહોવા પર પૂરો ભરોસો કરીએ છીએ કેમ કે તેમણે પોતાને ભરોસાપાત્ર સાબિત કર્યા છે. બાઇબલમાં લખ્યું છે, “તે જે કંઈ કરે છે એ ભરોસાપાત્ર છે.” (ગીત. ૩૩:૪) તે ચાહે છે કે આપણે પણ ભરોસાપાત્ર બનીએ. (એફે. ૫:૧) તો ચાલો અમુક વફાદાર ભક્તો પાસેથી શીખીએ, જેઓ યહોવાની જેમ ભરોસાપાત્ર હતા. આપણે એવી પાંચ બાબતો પર પણ ધ્યાન આપીશું, જે ભરોસાપાત્ર બનવા મદદ કરશે.
ઈશ્વરભક્તો પાસેથી શીખીએ, ભરોસાપાત્ર બનીએ
૩-૪. (ક) શા પરથી કહી શકીએ કે દાનિયેલ ભરોસાપાત્ર હતા? (ખ) ભરોસાપાત્ર બનવા કયા સવાલોનો વિચાર કરી શકીએ?
૩ દાનિયેલ પ્રબોધક ભરોસાપાત્ર હતા. તે યુવાન હતા ત્યારે તેમને બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમણે થોડા જ સમયમાં પોતાનાં કામોથી લોકોનો ભરોસો જીતી લીધો. દાનિયેલે યહોવાની મદદથી નબૂખાદનેસ્સાર રાજાના સપનાઓનો અર્થ જણાવ્યો. એટલે લોકો તેમના પર વધારે ભરોસો કરવા લાગ્યા. એકવાર દાનિયેલે રાજાને જણાવવાનું હતું કે યહોવા તેનાથી ખુશ નથી. નબૂખાદનેસ્સાર રાજાનો ગુસ્સો તેના નાક પર જ રહેતો હતો. એટલે એ સંદેશો જણાવવો દાનિયેલને અઘરું લાગ્યું હશે. પણ તેમણે પૂરી હિંમતથી એ સંદેશો રાજાને જણાવ્યો. (દાનિ. ૨:૧૨; ૪:૨૦-૨૨, ૨૫) વર્ષો પછી, એક રાતે અચાનક બાબેલોનના રાજમહેલની દીવાલ પર અમુક શબ્દો લખાયા. કોઈ એ શબ્દોનો અર્થ જણાવી ન શક્યું. પણ દાનિયેલે એનો ખરો અર્થ જણાવ્યો. એનાથી પણ લોકો જોઈ શક્યા કે દાનિયેલ ભરોસાપાત્ર છે. (દાનિ. ૫:૫, ૨૫-૨૯) સમય જતાં, દાર્યાવેશ રાજા અને તેના અધિકારીઓએ પણ જોયું કે દાનિયેલ ‘ખૂબ જ બુદ્ધિશાળી છે. તે ભરોસાપાત્ર છે, ચીવટથી કામ કરે છે અને વફાદારીથી પોતાની ફરજ નિભાવે છે.’ (દાનિ. ૬:૩, ૪) એ રાજાઓ અને અધિકારીઓ યહોવાને ભજતા ન હતા. તોપણ તેઓએ સ્વીકાર્યું કે ઈશ્વરભક્ત દાનિયેલ પર પૂરો ભરોસો કરી શકાય છે.
૪ દાનિયેલની જેમ ભરોસાપાત્ર બનવા આ સવાલોનો વિચાર કરીએ: ‘દુનિયાના લોકોની નજરે મારી શાખ કેવી છે? શું તેઓને લાગે છે કે હું મારી જવાબદારીઓ સારી રીતે નિભાવું છું? શું તેઓ મને ભરોસાને લાયક ગણે છે?’ એ સવાલોનો વિચાર કરવો બહુ જરૂરી છે. કેમ કે આપણે ભરોસાપાત્ર હોઈશું તો યહોવાને મહિમા મળશે.
૫. હનાન્યા કેમ ભરોસાપાત્ર હતા?
૫ ઈ.સ. પૂર્વે ૪૫૫માં યરૂશાલેમની દીવાલો ફરી બાંધવામાં આવી. એના પછી રાજ્યપાલ નહેમ્યા એવા લોકોને શોધવા લાગ્યા, જેઓ શહેરની સારી રીતે સંભાળ રાખી શકે. તેમણે અમુક લોકોને એ જવાબદારી સોંપી. એમાંના એક હતા, કિલ્લાના અધિકારી હનાન્યા. ‘તે સૌથી વિશ્વાસુ હતા અને બીજા બધા કરતાં સાચા ઈશ્વરનો વધારે ડર રાખતા હતા.’ (નહે. ૭:૨) તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા. યહોવા દુઃખી થાય એવું કોઈ કામ તે કરવા માંગતા ન હતા. એટલે તેમને જે જવાબદારી સોંપવામાં આવતી, એને સારી રીતે નિભાવતા. એમાં પોતાનો જીવ રેડી દેતા. આપણે પણ યહોવાને પ્રેમ કરીશું અને તેમનો ડર રાખીશું તો જવાબદારીઓ સારી રીતે નિભાવી શકીશું. ભાઈ-બહેનો પણ આપણા પર ભરોસો કરી શકશે.
૬. શા પરથી કહી શકીએ કે પાઉલને તેમના દોસ્ત તુખિકસ પર પૂરો ભરોસો હતો?
૬ આપણે તુખિકસ પાસેથી પણ ઘણું શીખી શકીએ. તે પાઉલના પાકા દોસ્ત હતા. પાઉલ એક ઘરમાં કેદ હતા ત્યારે તુખિકસે તેમને ઘણી મદદ કરી હતી. એટલે પાઉલે તેમને “વિશ્વાસુ સેવક” કહ્યા. (એફે. ૬:૨૧, ૨૨) પાઉલને તુખિકસ પર પૂરો ભરોસો હતો. તેમણે તુખિકસને અમુક જવાબદારીઓ સોંપી. એફેસસ અને કોલોસીનાં મંડળોને પત્રો પહોંચાડવાનું કામ સોંપ્યું. એટલું જ નહિ, ત્યાંનાં ભાઈ-બહેનોને ઉત્તેજન અને દિલાસો આપવાનું પણ કીધું. આજે તુખિકસની જેમ આપણી પાસે પણ ઘણા ભરોસાપાત્ર ભાઈઓ છે. તેઓ યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા ઘણી મદદ કરે છે.—કોલો. ૪:૭-૯.
૭. તમારા મંડળના વડીલો અને સહાયક સેવકો પાસેથી તમે ભરોસાપાત્ર બનવાનું કઈ રીતે શીખી શકો?
૭ આપણને મંડળના વડીલો અને સહાયક સેવકો પર પૂરો ભરોસો છે. તેઓ દાનિયેલ, હનાન્યા અને તુખિકસની જેમ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. જેમ કે, અઠવાડિયા દરમિયાન થતી સભામાં કયો ભાગ કોણ આપશે એનું તેઓ શેડ્યુલ બનાવે છે. એટલે આપણને સવાલ થતો નથી કે ‘આજે સભામાં આ ભાગ હશે કે નહિ?’ ભાઈઓને પણ પૂરો ભરોસો હોય છે કે આપણને જે ભાગ મળે, એને સારી રીતે રજૂ કરીશું. આપણે જાહેર પ્રવચન માટે બાઇબલ વિદ્યાર્થીને બોલાવીએ છીએ ત્યારે ભરોસો હોય છે કે કોઈ ને કોઈ ભાઈ ચોક્કસ પ્રવચન આપશે. આપણે એવું નથી વિચારતા કે ‘આજે કોણ પ્રવચન આપશે એ નક્કી કરવાનું ભાઈઓ ભૂલી તો નઈ ગયા હોય ને?’ આપણને ખાતરી છે કે પ્રચારમાં જે સાહિત્યની જરૂર પડશે, એ પણ આપણને મળી રહેશે. યહોવાનો કેટલો આભાર કે એ ભાઈઓ બધી રીતે આપણી સંભાળ રાખે છે! આપણે કઈ રીતે આ ભાઈઓની જેમ ભરોસાને લાયક બની શકીએ?
ખાનગી વાતને ખાનગી રાખીએ
૮. આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ પણ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? (નીતિવચનો ૧૧:૧૩)
૮ આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણને તેઓની ચિંતા છે. એટલે તેઓના ખબરઅંતર પૂછીએ છીએ. પણ તેઓના જીવનમાં માથું ન મારીએ. પહેલી સદીના મંડળમાં એવા અમુક લોકો હતા જેઓ ‘નિંદાખોર અને બીજા લોકોના જીવનમાં માથું મારતા હતા. તેઓએ જે વાતો ન કરવી જોઈએ એ કરતા હતા.’ (૧ તિમો. ૫:૧૩) આપણે તેઓ જેવા ન બનીએ. બની શકે કે એક ભાઈ કે બહેન આપણને તેમની કોઈ વાત જણાવે અને એ ખાનગી રાખવાનું કહે. આપણે એ વાત બીજા કોઈને જણાવવી ન જોઈએ. દાખલા તરીકે, એક બહેન આપણને પોતાની બીમારી કે તકલીફ વિશે જણાવે. તે આપણને એ વાત ખાનગી રાખવાનું કહે. એવા સમયે આપણે તેમની વાત પોતાના પૂરતી જ રાખીએ. * (નીતિવચનો ૧૧:૧૩ વાંચો.) ચાલો અમુક સંજોગો જોઈએ જેમાં આપણે ખાનગી વાતને ખાનગી જ રાખવી જોઈએ.
૯. કુટુંબમાં દરેક કઈ રીતે બતાવી શકે કે તે ભરોસાપાત્ર છે?
૯ કુટુંબમાં. કુટુંબમાં બધાએ ધ્યાન રાખવું જોઈએ કે ઘરની વાતો ઘરમાં જ રહે. બની શકે કે પતિને પોતાની પત્નીની કોઈ આદત પર હસવું આવતું હોય. પણ જો તે ચાર લોકો વચ્ચે એ વિશે વાત કરશે, તો પત્ની શરમમાં મુકાય જશે. પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે. એટલે તે એવું કંઈ પણ નહિ કરે જેનાથી પત્નીને દુઃખ થાય. (એફે. ૫:૩૩) યુવાનો ચાહે છે કે બધા તેઓને માન આપે. એટલે મમ્મી-પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ કે લોકો આગળ તેઓની ભૂલો જણાવવા ના બેસી જાય. (કોલો. ૩:૨૧) મમ્મી-પપ્પાએ નાનાં બાળકોને શીખવવું જોઈએ કે ઘરની એવી કોઈ વાત બહાર ના કહી દે, જેનાથી કુટુંબીજનો શરમમાં મુકાય. (પુન. ૫:૧૬) કુટુંબના સભ્યો ઘરની વાતો ઘરમાં જ રાખશે તો તેઓ એકબીજાની વધારે નજીક આવી શકશે.
૧૦. એક ‘સાચો દોસ્ત’ કેવો હોય છે? (નીતિવચનો ૧૭:૧૭)
૧૦ દોસ્તો સાથે. ક્યારેક ને ક્યારેક આપણે પાકા દોસ્ત આગળ દિલ હળવું કરવા માંગીએ છીએ. અમુક વાર એમ કરવું અઘરું લાગે તોપણ હિંમત કરીને તેને દિલની વાત જણાવીએ છીએ. પણ જો ખબર પડે કે તેણે એ વાત બીજા કોઈને કહી દીધી છે, તો બહુ દુઃખ થાય છે. આપણો ભરોસો તૂટી જાય છે. પણ એ દોસ્ત આપણી વાત પોતાના પૂરતી જ રાખે તો આપણને બહુ સારું લાગે છે. બાઇબલમાં એવા દોસ્તોને ‘સાચા દોસ્ત’ કહ્યા છે.—નીતિવચનો ૧૭:૧૭ વાંચો.
૧૧. (ક) શા પરથી કહી શકાય કે વડીલ અને તેમના પત્ની ભરોસાપાત્ર છે? (ખ) ચિત્રમાં બતાવેલા વડીલ પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૧ મંડળમાં. જે વડીલો ભાઈ-બહેનોની વાતો પોતાના પૂરતી જ રાખે છે, તેઓ ‘પવનથી સંતાવાની જગ્યા જેવા અને વાવાઝોડામાં આશરા જેવા’ છે. (યશા. ૩૨:૨) આપણને ભરોસો છે કે વડીલોને કોઈ વાત જણાવીશું તો તેઓ એ કોઈને નહિ કહે. વડીલોએ જે વાતો ખાનગી રાખવાની હોય, એ જણાવવા આપણે તેઓને જબરજસ્તી ન કરીએ. આપણે વડીલના પત્નીની પણ ઘણી કદર કરીએ છીએ. કેમ કે એ બહેનો પોતાના પતિ પાસેથી કોઈ ખાનગી વાત કઢાવવાની કોશિશ નથી કરતા. વડીલ પોતાની પત્નીને કોઈ ખાનગી વાત નથી જણાવતા ત્યારે પત્નીને જ ફાયદો થાય છે. એક વડીલના પત્ની જણાવે છે: “મારા પતિ કોઈ ભાઈ કે બહેનની ઉત્તેજન આપતી મુલાકાત માટે જાય ત્યારે મને કંઈ જણાવતા નથી, તેમનું નામ પણ નહિ. મને એ વાતની ખુશી છે. મને કોઈ ટૅન્શન થતું નથી. આમેય એ બાબતોમાં હું કંઈ કરી શકવાની નથી. બીજું કે હું મંડળનાં બધાં ભાઈ-બહેનો સાથે આરામથી વાત કરી શકું છું. મને ખાતરી છે કે જો હું મારા પતિને મારી લાગણીઓ, મારી ચિંતાઓ વિશે જણાવીશ તો એ વિશે પણ તે કોઈને નહિ કહે.” આપણે બધા ચાહીએ છીએ કે ભાઈ-બહેનો આપણા પર ભરોસો કરે. ચાલો પાંચ બાબતો જોઈએ જેનાથી ભરોસાપાત્ર બનવા મદદ મળશે.
ભરોસાપાત્ર બનવા શું મદદ કરી શકે?
૧૨. ભરોસાપાત્ર બનવા પ્રેમ કરવો કેમ જરૂરી છે? સમજાવો.
૧૨ પ્રેમ કરીએ. બીજાઓનો ભરોસો જીતવા તેઓ માટે પ્રેમ હોવો બહુ જરૂરી છે. ઈસુએ કીધું હતું કે યહોવાને પ્રેમ કરવો અને પડોશીને પ્રેમ કરવો, એ બંને સૌથી મોટી આજ્ઞાઓ છે. (માથ. ૨૨:૩૭-૩૯) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમની જેમ ભરોસાપાત્ર બનવા માંગીએ છીએ. આપણે ભાઈ-બહેનોને પણ પ્રેમ કરીએ છીએ, એટલે તેઓની ખાનગી વાત ખાનગી રાખીએ છીએ. આપણે નથી ચાહતા કે તેઓને કોઈ નુકસાન થાય, તેઓએ શરમાવું પડે કે પછી તેઓને દુઃખ થાય.—યોહા. ૧૫:૧૨.
૧૩. નમ્ર હોઈશું તો લોકો આપણા પર કેમ ભરોસો કરી શકશે?
૧૩ નમ્ર બનીએ. ભરોસાપાત્ર બનવા આપણે નમ્ર બનવું જોઈએ. નમ્ર હોઈશું તો કોઈ પણ વાત બીજાઓને જણાવવા ઉતાવળ નહિ કરીએ. લોકોની વાહવાહ મેળવવા આપણે એવું નહિ વિચારીએ કે ‘આ વાત તો હું જ બધાને સૌથી પહેલા જણાવીશ.’ (ફિલિ. ૨:૩) આપણાં વાણી-વર્તનથી ક્યારેય એવું નહિ બતાવીએ કે આપણને કોઈ ખાસ વાત ખબર છે, જે બીજાઓને નથી જણાવી શકતા. જો કોઈ બાબત વિશે બાઇબલમાં કે સાહિત્યમાં વધારે જણાવ્યું ના હોય, તો એ વિશે બીજાઓને પોતાના વિચારો જણાવવા નહિ બેસી જઈએ.
૧૪. બોલવામાં સમજદારી બતાવીશું તો લોકો કેમ આપણા પર ભરોસો કરશે?
૧૪ સમજદારી બતાવીએ. બોલવામાં સમજદારી બતાવીશું તો પારખી શકીશું કે ક્યારે ‘ચૂપ રહેવું’ અને ક્યારે ‘બોલવું.’ એનાથી લોકો આપણા પર ભરોસો કરી શકશે. (સભા. ૩:૭) તમે આ કહેવત સાંભળી હશે, “ન બોલવામાં નવ ગુણ.” નીતિવચનો ૧૧:૧૨માં પણ જણાવ્યું છે: “સમજુ માણસ ચૂપ રહે છે.” સાચે જ, ક્યારેક ચૂપ રહેવામાં જ ભલાઈ છે. ચાલો એક વડીલનો દાખલો જોઈએ. ઘણી વાર બીજા મંડળના વડીલો મુશ્કેલીઓનો હલ લાવવા તેમની સલાહ લે છે. કેમ કે તેમને ખાસ્સો અનુભવ છે. તેમના મંડળના એક વડીલ તેમના વિશે કહે છે, “એ ભાઈ ઘણું ધ્યાન રાખે છે કે તે બીજા કોઈ મંડળની વાત અમને ના કહી દે.” એ વડીલ બોલવામાં સમજદારી બતાવે છે અને બીજાની ખાનગી વાત ખાનગી જ રાખે છે. એનાથી તેમના મંડળના વડીલોની નજરમાં તેમનું માન વધ્યું છે. તેઓને પૂરો ભરોસો છે કે ભાઈ તેમના મંડળની વાત પણ પોતાના પૂરતી જ રાખશે.
૧૫. દાખલો આપીને સમજાવો કે સાચું બોલીશું તો લોકો કેમ આપણા પર ભરોસો કરશે.
૧૫ સાચું બોલીએ. જે વ્યક્તિ હંમેશાં સાચું બોલે છે, તેના પર આપણે ભરોસો કરીએ છીએ. (એફે. ૪:૨૫; હિબ્રૂ. ૧૩:૧૮) એને સમજવા એક દાખલો લઈએ. તમને સભામાં એક ભાગ સોંપવામાં આવ્યો છે. તમે એને સારી રીતે રજૂ કરવા માંગો છો. તમે કોઈને તમારો ભાગ સાંભળવાનું કહો છો, જેથી તે તમને જણાવે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. તો તમે કોની મદદ લેશો? શું એવા કોઈની જે બસ તમારા વિશે સારું સારું જ બોલે? કે પછી એવા કોઈની જે તમને સાચેસાચું જણાવે કે ક્યાં તમે સારું કર્યું છે અને ક્યાં વધારે સારું કરી શકો છો? બાઇબલમાં લખ્યું છે: ‘છુપાયેલા પ્રેમ કરતાં મોઢા પર આપેલો ઠપકો વધારે સારો. વફાદાર દોસ્તે આપેલા જખમો વધારે સારા.’ (નીતિ. ૨૭:૫, ૬) કોઈ આપણને સાચેસાચું કહે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે તો કદાચ શરૂઆતમાં આપણને એ ન ગમે. પણ આગળ જતાં એનાથી જ ફાયદો થશે.
૧૬. પોતાના પર કાબૂ રાખવા વિશે નીતિવચનો ૧૦:૧૯માંથી શું શીખવા મળે છે?
૧૬ પોતાના પર કાબૂ રાખીએ. ભરોસાપાત્ર બનવા પોતાના પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. એમ કરવાથી આપણે ખાનગી વાત પોતાના પૂરતી જ રાખીશું. ભલે એ વાત જણાવવાનું કેટલું પણ મન થાય, આપણે એ નહિ જણાવીએ. (નીતિવચનો ૧૦:૧૯ વાંચો.) સોશિયલ મીડિયા વાપરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ. જો ધ્યાન નહિ રાખીએ તો અજાણતાં એવી કોઈ માહિતી જણાવી દઈશું જે આપણે ખાનગી રાખવાની હતી. એક વખત ઇન્ટરનેટ પર કોઈ માહિતી પહોંચી ગઈ, પછી એના પર આપણો કોઈ કાબૂ રહેતો નથી. એ માહિતી કેટલા લોકો જોશે, એનો કેવો ઉપયોગ થશે અને એનાથી કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થશે, એ વિશે પણ આપણે કંઈ કરી શકતા નથી. બની શકે, આપણા કામનો વિરોધ કરતા લોકો ચાલાકીથી આપણાં ભાઈ-બહેનો વિશે અમુક માહિતી કઢાવવાની કોશિશ કરે. એ સમયે પણ આપણે પોતાના પર કાબૂ રાખવો જોઈએ અને ચૂપ રહેવું જોઈએ. આપણે કદાચ એવા દેશમાં રહેતા હોઈએ જ્યાં આપણા કામ પર પ્રતિબંધ હોય અથવા અમુક નિયંત્રણ હોય. અમુક પોલીસવાળા આપણી પૂછપરછ કરી શકે. એ સમયે આપણે પોતાના “મોં પર લગામ” રાખીએ. આપણે તેઓને એવી કોઈ માહિતી નહિ આપીએ જેનાથી ભાઈ-બહેનો ખતરામાં આવી પડે. (ગીત. ૩૯:૧) આપણે બધા ચાહીએ છીએ કે કુટુંબ, દોસ્તો, ભાઈ-બહેનો અને બીજા લોકો આપણા પર ભરોસો કરે. તેઓનો ભરોસો જીતવા આપણે પોતાના પર કાબૂ રાખીએ.
૧૭. મંડળમાં બધા એકબીજા પર ભરોસો કરી શકે માટે શું કરવું જોઈએ?
૧૭ આપણે કેટલા ખુશ છીએ કે આપણે યહોવાના સંગઠનનો ભાગ છીએ! આપણે બધા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એકબીજા પર ભરોસો કરી શકીએ છીએ. આપણે ચાહીએ છીએ કે સંગઠનમાં કાયમ એવો માહોલ રહે. એટલે આપણે પોતાને ભરોસાને લાયક બનાવીએ. એ આપણા બધાની જવાબદારી છે. જો આપણે પ્રેમ કરીશું, નમ્ર બનીશું, સમજદારી બતાવીશું, સાચું બોલીશું અને પોતાના પર કાબૂ રાખીશું તો ભાઈ-બહેનો આપણા પર ભરોસો કરી શકશે. ભાઈ-બહેનોનો ભરોસો જીતવા મહેનત કરતા રહીએ. એવાં કામ કરતા રહીએ, જેનાથી તેઓ આપણા પર ભરોસો કરી શકે. આમ આપણે યહોવાની જેમ ભરોસાપાત્ર બની શકીશું.
ગીત ૪૩ જાગતા રહીએ
^ કોઈ આપણા પર ભરોસો કરે એ માટે સૌથી પહેલા જરૂરી છે કે આપણે ભરોસાપાત્ર કે વિશ્વાસુ બનીએ. આ લેખમાં શીખીશું કે ભરોસાપાત્ર બનવું કેમ જરૂરી છે અને એ માટે શું મદદ કરશે.
^ જો આપણને ખબર પડે કે મંડળમાં કોઈએ ગંભીર પાપ કર્યું છે તો આપણે તેમને વડીલો સાથે વાત કરવાનું કહીએ. પણ જો તે એવું ના કરે તો આપણે એ વિશે વડીલોને જણાવીએ. કેમ કે આપણે યહોવાને વફાદાર રહેવા માંગીએ છીએ અને મંડળને શુદ્ધ રાખવા માંગીએ છીએ.
^ ચિત્રની સમજ: વડીલ બીજા ભાઈ સાથે એક બહેનની ઉત્તેજન આપતી મુલાકાત લે છે. બહેન સાથે જે વાત થઈ એ તે પોતાના પૂરતી જ રાખે છે, ઘરે કંઈ નથી જણાવતા.