અભ્યાસ લેખ ૩૯
કોમળતા તમારી કમજોરી નહિ, પણ તાકાત છે
“ઈશ્વરના સેવકે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ.”—૨ તિમો. ૨:૨૪.
ગીત ૨૧ દયાળુ બનીએ
ઝલક a
૧. સાથે ભણનાર કે કામ કરનાર વ્યક્તિ કદાચ આપણને શાના વિશે સવાલ પૂછે?
જો તમારી સાથે ભણનાર કે કામ કરનાર વ્યક્તિ તમારી માન્યતા વિશે સવાલ પૂછે, તો તમને કેવું લાગે છે? શું તમારી જીભે લોચા વળે છે? ઘણાને એવું થાય છે. પણ એવા સવાલથી કદાચ એ સમજવા મદદ મળે કે સામેવાળી વ્યક્તિ શું વિચારે છે અને શું માને છે. આમ, આપણને સાક્ષી આપવાનો મોકો મળે. પણ ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ આપણી માન્યતાઓ સાથે સહમત ન હોય અથવા જીભાજોડી કરવા માંગતી હોય, એટલે સવાલ પૂછે. એમ કરવાનું કારણ એ છે કે તેણે મોટા ભાગે આપણી માન્યતાઓ વિશે ખોટી માહિતી સાંભળી હોય છે. (પ્રે.કા. ૨૮:૨૨) એ ઉપરાંત આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ, જેમાં ઘણા લોકો “જિદ્દી” અને “ક્રૂર” છે.—૨ તિમો. ૩:૧, ૩.
૨. આપણે શા માટે કોમળતા બતાવવા માંગીએ છીએ?
૨ તમને કદાચ થાય, ‘કોઈ વ્યક્તિ મારી માન્યતા વિશે દલીલ કરવા માંગતી હોય ત્યારે, હું કઈ રીતે શાંત રહી શકું અને સમજી-વિચારીને જવાબ આપી શકું?’ તમને શાનાથી મદદ મળશે? કોમળતાના ગુણથી. કોમળ સ્વભાવની વ્યક્તિ જલદી ખોટું લગાડતી નથી. જ્યારે તેને કોઈ ગુસ્સો અપાવે અથવા શું જવાબ આપવો એની ખબર ન પડે, ત્યારે તે પોતાના પર કાબૂ રાખે છે. (નીતિ. ૧૬:૩૨) પણ તમે કહેશો, ‘કહેવું તો સહેલું છે, પણ કરવું અઘરું છે.’ તમે કઈ રીતે કોમળતા બતાવી શકો? તમારી માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે, તમે કઈ રીતે કોમળતાથી જવાબ આપી શકો? બાળકો કોમળતાથી પોતાની માન્યતાનો ખુલાસો આપી શકે એ માટે મમ્મી-પપ્પા કઈ રીતે મદદ કરી શકે? ચાલો જોઈએ.
કઈ રીતે કોમળતા બતાવવી?
૩. કેમ કહી શકીએ કે કોમળતા કમજોરી નહિ, પણ તાકાત છે? (૨ તિમોથી ૨:૨૪, ૨૫ અને ફૂટનોટ)
૩ કોમળતા કમજોરી નહિ, પણ તાકાત છે. કેમ કે મુશ્કેલ સંજોગોમાં શાંત રહેવા હિંમતની જરૂર હોય છે. કોમળતા ‘પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણનું’ એક પાસું છે. (ગલા. ૫:૨૨, ૨૩) બાઇબલમાં “કોમળતા” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ અમુક વાર એવા જંગલી ઘોડાને બતાવવા વપરાતો, જેને તાલીમ આપીને કાબૂમાં કરવામાં આવ્યો હોય. જરા વિચારો, એક જંગલી ઘોડો શાંત રહેવાનું શીખી ગયો છે. ભલે તે હવે શાંત છે, પણ હજીયે શક્તિશાળી છે. આપણે કઈ રીતે કોમળ બનવાની સાથે સાથે શક્તિશાળી બની શકીએ? એવું આપબળે કરી શકતા નથી. આપણે ઈશ્વર પાસે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગવી જોઈએ, જેથી એ સુંદર ગુણ કેળવી શકીએ. અનુભવોથી જોવા મળે છે કે ઘણાં ભાઈ-બહેનો કોમળ બનવાનું શીખ્યાં છે. દાખલા તરીકે, જ્યારે વિરોધીઓએ આપણાં ઘણાં ભાઈ-બહેનો સાથે દલીલ કરવાની કોશિશ કરી, ત્યારે ભાઈ-બહેનોએ કોમળતા બતાવી અને એનાથી બીજાઓના મનમાં સાક્ષીઓ વિશે સારી છાપ પડી. (૨ તિમોથી ૨:૨૪, ૨૫ અને ફૂટનોટ વાંચો.) તમે કઈ રીતે કોમળતાને પોતાની તાકાત બનાવી શકો?
૪. કોમળતા બતાવવા વિશે ઇસહાક પાસેથી શું શીખી શકીએ?
૪ બાઇબલના ઘણા દાખલાથી જોવા મળે છે કે કોમળતા બતાવવી કેમ જરૂરી છે. ઇસહાકનો દાખલો લો. તે ગેરારમાં રહેતા હતા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ગેરાર પલિસ્તીઓના વિસ્તારમાં આવેલું હતું. ત્યાંના લોકો ઇસહાકની ઈર્ષા કરતા હતા. ઇસહાકના પિતાએ જે કૂવા ખોદાવ્યા હતા, એને તેઓએ પૂરી દીધા. પોતાના હક માટે લડવાને બદલે ઇસહાક પોતાના કુટુંબને લઈને બીજી જગ્યાએ જતા રહ્યા અને બીજા કૂવા ખોદ્યા. (ઉત. ૨૬:૧૨-૧૮) પણ પલિસ્તીઓએ દાવો કર્યો કે એ પાણી પણ તેઓનું છે, કેમ કે એ જમીન તેઓની હતી. તેમ છતાં ઇસહાક શાંત રહ્યા. (ઉત. ૨૬:૧૯-૨૫) એવું લાગે છે કે પલિસ્તીઓએ ઇસહાક સાથે ઝઘડવાનું નક્કી કરી લીધું હતું. એવા સંજોગોમાં પણ શાંત રહેવા ઇસહાકને ક્યાંથી મદદ મળી? ચોક્કસ તેમણે પોતાનાં માતા-પિતાના દાખલા પર ધ્યાન આપ્યું હશે. તેમના પિતા ઇબ્રાહિમ બધા સાથે શાંતિથી વર્તતા હતા અને તેમની માતા સારાહનો સ્વભાવ “શાંત અને કોમળ” હતો. ઇસહાક તેઓ પાસેથી ઘણું શીખ્યા હશે.—૧ પિત. ૩:૪-૬; ઉત. ૨૧:૨૨-૩૪.
૫. કયો દાખલો બતાવે છે કે મમ્મી-પપ્પા બાળકોને કોમળતાનું મહત્ત્વ શીખવી શકે છે?
૫ મમ્મી-પપ્પા, તમે પણ તમારાં બાળકોને કોમળતાનું મહત્ત્વ શીખવી શકો છો. ૧૭ વર્ષના મેક્સના b દાખલા પર ધ્યાન આપો. સ્કૂલમાં અને પ્રચારમાં તેનો સામનો એવા લોકો સાથે થતો, જેઓ ગુસ્સાથી વર્તતા. પણ તેનાં મમ્મી-પપ્પાએ ધીરજ રાખી અને તેને કોમળ સ્વભાવ કેળવવાનું શીખવ્યું. તેઓ કહે છે: “મેક્સ હવે સમજે છે કે ગુસ્સાથી વર્તવું કે મારામારી કરવી સહેલું છે, પણ શાંત રહેવું અઘરું છે અને એમાં વધારે હિંમતની જરૂર પડે છે.” ખુશીની વાત છે કે હવે કોમળતા મેક્સની તાકાત બની ગઈ છે.
૬. કોમળતા બતાવવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?
૬ અમુક વાર લોકો આપણને ઉશ્કેરવાની કોશિશ કરે. જેમ કે, તેઓ યહોવાનું નામ બદનામ કરે અથવા બાઇબલની મજાક ઉડાવે. એવા સમયે આપણે શું કરી શકીએ? યહોવા પાસે પવિત્ર શક્તિ અને બુદ્ધિ માંગવી જોઈએ, જેથી કોમળતાથી વર્તી શકીએ. જો પછીથી આપણને ખ્યાલ આવે કે આપણે વધારે સારી રીતે વર્તી શક્યા હોત, તો શું કરી શકીએ? એ વિશે ફરીથી પ્રાર્થના કરી શકીએ અને વિચારી શકીએ કે જો ફરી એવું થાય તો શું કરીશું. પછી યહોવા આપણને તેમની પવિત્ર શક્તિ આપશે, જેથી આપણે ગુસ્સાને કાબૂમાં રાખી શકીશું અને કોમળતા બતાવી શકીશું.
૭. બાઇબલની કલમો મોઢે કરવાથી અઘરા સંજોગોમાં કઈ રીતે મદદ મળે છે? (નીતિવચનો ૧૫:૧, ૧૮)
૭ બાઇબલની અમુક કલમો મોઢે કરવાથી પણ આપણને ફાયદો થઈ શકે છે. પછીથી જો એવા સંજોગો ઊભા થાય, જ્યારે કોમળતાથી વાત કરવી અઘરું લાગે, ત્યારે પવિત્ર શક્તિ એ કલમો યાદ અપાવવા આપણને મદદ કરશે. (યોહા. ૧૪:૨૬) દાખલા તરીકે, નીતિવચનોના પુસ્તકમાં એવા ઘણા સિદ્ધાંતો આપ્યા છે, જે લાગુ પાડવાથી આપણને કોમળતાથી જવાબ આપવા મદદ મળશે. (નીતિવચનો ૧૫:૧, ૧૮ વાંચો.) એ પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે તણાવભર્યા સંજોગોમાં શાંત રહેવું કેમ સારું છે.—નીતિ. ૧૦:૧૯; ૧૭:૨૭; ૨૧:૨૩; ૨૫:૧૫.
કોમળતા બતાવવા ઊંડી સમજણ કઈ રીતે મદદ કરે છે?
૮. જ્યારે કોઈ આપણી માન્યતા પર સવાલ ઉઠાવે, ત્યારે તેનો ઇરાદો પારખવો કેમ જરૂરી છે?
૮ ઊંડી સમજણ પણ આપણને મદદ કરી શકે છે. (નીતિ. ૧૯:૧૧) કઈ રીતે? જ્યારે કોઈ આપણી માન્યતા પર સવાલ ઉઠાવશે, ત્યારે ઊંડી સમજણ આપણને સંયમ રાખવા મદદ કરશે. માણસના મનના વિચારો ઊંડા પાણી જેવા હોય છે. વ્યક્તિ સવાલ પૂછે છે ત્યારે મોટા ભાગે આપણે પારખી શકતા નથી કે તેના મનમાં શું ચાલે છે અથવા તેણે કેમ એ સવાલ પૂછ્યો છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે વ્યક્તિનો ઇરાદો જાણતા નથી, એટલે તરત જ જવાબ આપી ન દઈએ.—નીતિ. ૧૬:૨૩.
૯. એફ્રાઈમના માણસોને જવાબ આપતી વખતે ગિદિયોને કઈ રીતે ઊંડી સમજણ અને કોમળતા બતાવી?
૯ ચાલો જોઈએ કે ગિદિયોને એફ્રાઈમના માણસોને કઈ રીતે જવાબ આપ્યો. તેઓ ખૂબ ગુસ્સે ભરાયા હતા. તેઓએ ગિદિયોનને કહ્યું કે ઇઝરાયેલના દુશ્મનો સામે લડવા તેમણે તેઓને પહેલાં કેમ ન બોલાવ્યા. પણ તેઓના ગુસ્સા પાછળનું કારણ શું હતું? કદાચ તેઓનો અહમ ઘવાયો હતો. ભલે ગમે એ હોય, પણ ગિદિયોને ઊંડી સમજણ બતાવી. તેમણે એ સમજવાની કોશિશ કરી કે તેઓ કેમ આટલા નારાજ છે અને તેઓને કોમળતાથી જવાબ આપ્યો. પછી શું થયું? બાઇબલ જણાવે છે: “ગિદિયોને તેઓ સાથે આ રીતે વાત કરી ત્યારે તેઓ ઠંડા પડ્યા.”—ન્યા. ૮:૧-૩.
૧૦. આપણી માન્યતા પર સવાલ ઉઠાવનારને કઈ રીતે જવાબ આપવો એ સમજવા શાનાથી મદદ મળશે? (૧ પિતર ૩:૧૫)
૧૦ ધારો કે, સાથે ભણનાર કે કામ કરનાર વ્યક્તિ પૂછે કે આપણે કેમ બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવીએ છીએ. એવા સમયે આપણે એ સમજાવવા બનતું બધું કરીશું કે આપણે કેમ બાઇબલનાં ધોરણો પાળીએ છીએ. પણ સાથે સાથે એ વ્યક્તિના વિચારોને પણ માન આપીશું. (૧ પિતર ૩:૧૫ વાંચો.) કોઈ સવાલ પૂછે ત્યારે એવું ન વિચારીએ કે તેણે આપણી મજાક ઉડાવવા કે નિંદા કરવા સવાલ પૂછ્યો છે. એને બદલે, એ વિચારીએ કે એ સવાલથી કઈ રીતે જાણી શકાય કે વ્યક્તિ માટે શું મહત્ત્વનું છે. તેણે ભલે ગમે એ કારણથી સવાલ પૂછ્યો હોય, પણ આપણે તેની સાથે નરમાશથી વાત કરવા બનતું બધું કરીશું. બની શકે કે આપણા જવાબથી તેને પોતાનાં વિચારો અને માન્યતાઓ પર ફરી વિચાર કરવાનું મન થાય. ભલે તે આપણી સાથે ખરાબ રીતે વર્તે કે કટાક્ષમાં કંઈ કહી જાય, પણ આપણે હંમેશાં તેની સાથે સારી રીતે વર્તવું જોઈએ.—રોમ. ૧૨:૧૭.
૧૧-૧૨. (ક) ઉગ્ર ચર્ચા થઈ શકે એવો સવાલ પૂછવામાં આવે ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.) (ખ) દાખલો આપીને સમજાવો કે કોઈ સવાલ પૂછે ત્યારે કઈ રીતે સારી વાતચીત થઈ શકે છે.
૧૧ ધારો કે, સાથે કામ કરનાર વ્યક્તિ તમને પૂછે: “તમે કેમ જન્મદિવસ નથી ઊજવતા?” તમે આ સવાલોનો વિચાર કરી શકો: ‘શું તેને એવું લાગે છે કે આપણે જરાય મજા નથી કરતા? કે પછી તેને એવું લાગે છે કે આપણે જન્મદિવસ નથી ઊજવતા, એટલે ઑફિસમાં બધા વચ્ચે જે સારા સંબંધો છે એમાં ઓટ આવશે?’ પહેલા તો કદાચ તેના વખાણ કરી શકીએ કે તે બીજાઓ વિશે આટલું વિચારે છે. પછી તેને ખાતરી અપાવી શકીએ કે આપણે પણ ચાહીએ છીએ કે ઑફિસમાં બધા વચ્ચે સારા સંબંધો જળવાઈ રહે. એનાથી કદાચ આપણને ખૂલીને એ જણાવવાની તક મળશે કે આપણે કેમ જન્મદિવસ નથી ઊજવતા.
૧૨ ઉગ્ર ચર્ચા થઈ શકે એવા સવાલો પૂછવામાં આવે ત્યારે પણ એવું જ કરી શકીએ. ધારો કે, સાથે ભણનાર વિદ્યાર્થી કદાચ કહે કે યહોવાના સાક્ષીઓએ સજાતીય સંબંધો વિશે પોતાના વિચારો બદલવા જોઈએ. આપણે વિચારી શકીએ: ‘તેણે કેમ એવો સવાલ પૂછ્યો? યહોવાના સાક્ષીઓ સજાતીય સંબંધો વિશે જે માને છે, એ વિશે શું તેને કોઈ ગેરસમજ છે? કે પછી શું તેનો કોઈ દોસ્ત કે સગું-વહાલું સજાતીય સંબંધો ધરાવે છે? શું તે એવું માને છે કે સજાતીય સંબંધો રાખતા લોકોને આપણે ધિક્કારીએ છીએ?’ તેને ભરોસો અપાવી શકીએ કે આપણે બધા લોકોને પ્રેમ કરીએ છીએ. તેમ જ, એ સ્વીકારીએ છીએ કે કેવું જીવન જીવવું એ નક્કી કરવાનો હક વ્યક્તિનો પોતાનો છે. c (૧ પિત. ૨:૧૭) પછી આપણે તેને જણાવી શકીશું કે સજાતીય સંબંધો વિશે બાઇબલ શું કહે છે અને બાઇબલની સલાહ પાળવાથી કઈ રીતે જીવનમાં ખુશીઓ આવી શકે છે.
૧૩. જો કોઈ તમને કહે કે ઈશ્વરમાં માનવું મૂર્ખામી છે, તો તમે કઈ રીતે તેને મદદ કરી શકો?
૧૩ જ્યારે કોઈ આપણી માન્યતા સાથે સહમત ન હોય, ત્યારે તરત એવું ન ધારી લઈએ કે આપણને તો ખબર છે કે તે શું માને છે. (તિત. ૩:૨) જેમ કે, જો સાથે ભણનાર કોઈ વિદ્યાર્થી કહે કે ઈશ્વરમાં માનવું મૂર્ખામી છે, તો તમે શું કરશો? શું તમે એવું માની લેશો કે તે ઉત્ક્રાંતિવાદમાં માને છે અને એ વિશે ઘણું બધું જાણે છે? બની શકે કે તેણે એ દિશામાં વિચાર્યું પણ ન હોય. એવા સંજોગોમાં શું કરી શકીએ? ઉત્ક્રાંતિની માન્યતા સાચી છે કે ખોટી એ વિશે તેની સાથે વાદવિવાદ ન કરો. એને બદલે તેને કોઈ સાહિત્ય આપી શકો અથવા કોઈ સવાલ પૂછી શકો, જેના પર તે પછીથી વિચાર કરી શકે. તેને jw.org પરથી સૃષ્ટિ વિશે કોઈ વીડિયો કે લેખ બતાવી શકો. એવું પણ બને કે તે પછીથી તમારી સાથે એ વીડિયો કે લેખ વિશે વાત કરવા રાજી થાય. આ રીતે માન બતાવવાથી તેને બાઇબલ વિશે શીખવાનું મન થાય પણ ખરું.
૧૪. ક્લાસના વિદ્યાર્થીના મનમાં યહોવાના સાક્ષીઓ વિશે જે ખોટી ધારણા હતી, એ દૂર કરવા નીલે કઈ રીતે આપણી વેબસાઇટનો ઉપયોગ કર્યો?
૧૪ અમુક લોકોનાં મનમાં યહોવાના સાક્ષીઓ વિશે ખોટી ધારણાઓ હોય છે. ચાલો જોઈએ કે એવી ધારણાઓ દૂર કરવા નીલ નામના યુવાને કઈ રીતે આપણી વેબસાઇટનો ઉપયોગ કર્યો. તે કહે છે: ‘મારા ક્લાસનો વિદ્યાર્થી ઘણી વાર મને કહેતો, “નીલ, તું વિજ્ઞાનમાં નથી માનતો કેમ કે હકીકતો પર ભરોસો કરવાને બદલે તું બાઇબલ પર ભરોસો મૂકે છે, જે દંતકથાઓનું પુસ્તક છે.”’ જ્યારે પણ નીલ તેને પોતાની માન્યતા વિશે સમજાવવાનો પ્રયત્ન કરતો, ત્યારે તે સાંભળતો જ નહિ. એટલે નીલે તેને jw.org પરથી “વિજ્ઞાન અને શાસ્ત્ર” વિભાગ બતાવ્યો. પછીથી નીલને ખબર પડી કે કદાચ એ છોકરાએ એ માહિતી વાંચી હતી અને જીવનની શરૂઆત વિશે નીલ સાથે વાત કરવા માંગતો હતો. આવું કરવાથી તમને પણ સારાં પરિણામો મળી શકે છે.
કુટુંબ સાથે મળીને તૈયારી કરો
૧૫. મમ્મી-પપ્પા બાળકોને કઈ રીતે કોમળતાથી જવાબ આપવાનું શીખવી શકે?
૧૫ પોતાની માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે, બાળકોને ક્યાંથી મદદ મળી શકે? મમ્મી-પપ્પા તેઓને કોમળતાથી જવાબ આપવાનું શીખવી શકે. (યાકૂ. ૩:૧૩) અમુક માતા-પિતા બાળકોને કુટુંબ તરીકેની ભક્તિમાં એમ કરવાનું શીખવે છે. પહેલા તેઓ વિચારે છે કે બાળકોને સ્કૂલમાં કેવા સવાલો પૂછવામાં આવી શકે છે. પછી તેઓ એ સવાલો પર ચર્ચા કરે છે. ત્યાર બાદ એવા સવાલોના જવાબમાં બાળકો શું કહી શકે એની પ્રૅક્ટિસ કરે છે. તેઓ બાળકોને એ પણ શીખવે છે કે કઈ રીતે કોમળતાથી અને પ્રેમથી બીજાઓને જવાબ આપવો.—“ પ્રૅક્ટિસ કરવાથી તમારા કુટુંબને મદદ મળી શકે છે” બૉક્સ જુઓ.
૧૬-૧૭. યુવાનો સાથે પ્રૅક્ટિસ કરવાથી તેઓને કઈ રીતે મદદ મળી શકે છે?
૧૬ યુવાનો સાથે પ્રૅક્ટિસ કરવાથી તેઓને કઈ રીતે મદદ મળી શકે છે? પહેલું, તેઓ પોતાને ખાતરી અપાવી શકશે કે તેઓ જે માને છે એ કેમ માને છે. બીજું, બીજાઓને પોતાની માન્યતા વિશે સમજાવી શકશે. jw.org પર “યુવાનો પૂછે છે” શૃંખલા આપવામાં આવી છે. d આ શૃંખલા યુવાનોને તેઓની માન્યતા પર ભરોસો દૃઢ કરવા અને પોતાના શબ્દોમાં જવાબ આપવા મદદ કરશે. કુટુંબ તરીકે આ શૃંખલાનો અભ્યાસ કરવાથી દરેક જણ શીખી શકશે કે પોતાની માન્યતા વિશે બીજાઓને કઈ રીતે કોમળતા અને પ્રેમથી જવાબ આપવો.
૧૭ મેથ્યુ નામનો યુવાન જણાવે છે કે પ્રૅક્ટિસ કરવાથી તેને કઈ રીતે મદદ મળી છે. મેથ્યુ અને તેનાં મમ્મી-પપ્પા કુટુંબ તરીકેની ભક્તિમાં ઘણી વાર એવા વિષયો પર સંશોધન કરે છે, જેના વિશે કદાચ ક્લાસમાં ચર્ચા કરવામાં આવે. મેથ્યુ જણાવે છે: “અમે વિચારીએ છીએ કે સ્કૂલમાં મારી સામે કેવા સવાલો ઊભા થઈ શકે. પછી અમે જે સંશોધન કર્યું હોય એના આધારે હું કઈ રીતે જવાબ આપી શકું એની પ્રૅક્ટિસ કરીએ છીએ. જ્યારે મારા મનમાં સ્પષ્ટ હોય છે કે હું જે માનું છું એ કેમ માનું છું, ત્યારે અચકાયા વગર હું બીજાઓ સાથે વાત કરી શકું છું અને કોમળતાથી બીજાઓને મારી માન્યતા વિશે જણાવી શકું છું.”
૧૮. કોલોસીઓ ૪:૬થી કઈ રીતે મદદ મળે છે?
૧૮ ભલે આપણે ગમે એટલી ખાતરીથી કે સ્પષ્ટ રીતે આપણી વાત બીજાઓને સમજાવીએ, પણ જરૂરી નથી કે દરેક જણ આપણી વાત સાંભળશે. જોકે, સમજી-વિચારીને અને કોમળતાથી વાત કરવાથી મદદ મળી શકે. (કોલોસીઓ ૪:૬ વાંચો.) બીજાઓને પોતાની માન્યતાઓ વિશે જણાવવું એ તો બોલ રમવા જેવું છે. એક વ્યક્તિ બોલ ફેંકે છે અને સામેવાળી એને પકડે છે. હવે તમે કાં તો બોલ ધીમેથી ફેંકી શકો, કાં તો જોરથી. પણ જો તમે ધીમેથી બોલ ફેંકશો, તો સામેવાળી વ્યક્તિ બોલ પકડી લેશે અને રમત ચાલુ રહેશે. એવી જ રીતે, બીજાઓને પોતાની માન્યતા વિશે જણાવતી વખતે સમજી-વિચારીને અને કોમળતાથી વાત કરવી જઈએ. એનાથી તેઓ આપણું સાંભળવા તૈયાર થશે અને વાતચીત ચાલુ રહેશે. એ વાત સાચી કે અમુક લોકો બસ આપણી જોડે દલીલો કરવા માંગતા હોય અથવા આપણી માન્યતાઓની મજાક ઉડાવવા માંગતા હોય. એવા લોકો સાથે વાતચીત ચાલુ રાખવી જરૂરી નથી. (નીતિ. ૨૬:૪) પણ મોટા ભાગના લોકો એવા હોતા નથી. કદાચ એવું બને કે ઘણા લોકો આપણી વાત સાંભળવા તૈયાર થાય.
૧૯. આપણી માન્યતાનો ખુલાસો કોમળતાથી કરવા શાનાથી મદદ મળશે?
૧૯ આ લેખમાં આપણે જોયું કે કોમળતા બતાવવી કેટલું મહત્ત્વનું છે. જ્યારે લોકો આપણી નિંદા કરે અથવા એવા સવાલો પૂછે, જેના પર ઉગ્ર ચર્ચા થઈ શકે, ત્યારે કોમળતા બતાવવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ. યાદ રાખીએ કે કોમળ સ્વભાવને લીધે વાતચીત વાદવિવાદ બનતા અટકી જશે. તમે કોમળતાથી અને માનથી જવાબ આપશો તો, બની શકે કે અમુક લોકો આપણા વિશે અને બાઇબલના શિક્ષણ વિશે પોતાના વિચારો બદલે. તમારી માન્યતા વિશે “કોઈ ખુલાસો માંગે તો, તેને જવાબ આપવા હંમેશાં તૈયાર રહો. પણ કોમળતાથી અને પૂરા આદર સાથે જવાબ આપો.” (૧ પિત. ૩:૧૫, ફૂટનોટ) સાચે જ, કોમળતા તમારી કમજોરી નહિ, તમારી તાકાત છે.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
a જો કોઈ આપણી માન્યતા પર સવાલ ઉઠાવે અથવા આપણને ઉશ્કેરે, તો આપણે કઈ રીતે તેને કોમળતાથી જવાબ આપી શકીએ? એ વિશે આ લેખમાં અમુક સૂચનો આપ્યાં છે.
b નામ બદલ્યું છે.
c વધારે જાણવા સજાગ બનો! નં. ૩ ૨૦૧૬માં આપેલો આ લેખ જુઓ: “સજાતીય સંબંધ વિશે શાસ્ત્ર શું કહે છે?”
d તમે jw.org/hi પર “નૌજવાનો કે લિયે અભ્યાસ” પણ જોઈ શકો.
e બીજાં સૂચનો માટે jw.org પર “યુવાનો પૂછે છે” અને “યહોવાના સાક્ષીઓ વિશે વારંવાર પૂછાતા સવાલો” વિભાગમાં આપેલા લેખો જુઓ.