અભ્યાસ લેખ ૪૦
પિતરની જેમ યહોવાની સેવામાં લાગુ રહો
“માલિક મારી પાસેથી ચાલ્યા જાઓ, કેમ કે હું પાપી માણસ છું.”—લૂક ૫:૮.
ગીત ૬૦ યહોવા આપશે તને સાથ
ઝલક a
૧. જાળમાં પુષ્કળ માછલીઓ પકડાઈ ત્યારે પિતરને કેવું લાગ્યું?
પિતરે આખી રાત માછલી પકડવા મહેનત કરી, પણ એકેય હાથ ન લાગી. ઈસુએ તેમને કહ્યું: “ઊંડા પાણીમાં લઈ જાઓ અને ત્યાં માછલીઓ પકડવા તમારી જાળ નાખો.” (લૂક ૫:૪) પિતરને લાગતું હતું કે એક પણ માછલી નહિ પકડાય. તોપણ તેમણે ઈસુએ કહ્યું હતું એવું જ કર્યું. જાળમાં એટલી બધી માછલીઓ પકડાઈ કે એના વજનથી જાળ ફાટવા લાગી. એ ચમત્કાર જોઈને પિતર અને તેમની સાથેના બધાને “ઘણી નવાઈ લાગી.” પિતર બોલી ઊઠ્યા, “માલિક મારી પાસેથી ચાલ્યા જાઓ, કેમ કે હું પાપી માણસ છું.” (લૂક ૫:૬-૯) પિતરને કદાચ એવું લાગ્યું કે તે ઈસુની સાથે રહેવાને પણ લાયક નથી.
૨. આપણે પિતરના દાખલાનો કેમ અભ્યાસ કરવો જોઈએ?
૨ પિતરે બરાબર કહ્યું કે તે એક “પાપી માણસ” હતા. બાઇબલમાં જોવા મળે છે કે તેમણે અમુક વાર એવું કંઈક કહ્યું અને કર્યું, જેનો તેમને પસ્તાવો થયો. શું તમને પણ ક્યારેક પિતર જેવું લાગે છે? શું એવો કોઈ ગુણ છે જે કેળવવા તમે મહેનત કરી રહ્યા છો? શું તમે કોઈ નબળાઈ પર કાબૂ મેળવવા લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો? જો એમ હોય, તો પિતરના દાખલાનો અભ્યાસ કરવાથી તમને મદદ મળશે. એવું કેમ? જરા વિચારો, જો યહોવાએ ચાહ્યું હોત, તો પિતરની ભૂલો વિશે તેમણે બાઇબલમાં લખાવ્યું જ ન હોત. પણ તેમણે એ વિશે લખાવ્યું, જેથી આપણે એમાંથી શીખી શકીએ. (૨ તિમો. ૩:૧૬, ૧૭) પિતરની ભૂલો અને તેમની લાગણીઓ વિશે અભ્યાસ કરવાથી સમજી શકીશું કે યહોવા એવી અપેક્ષા નથી રાખતા કે આપણાથી કદી કોઈ ભૂલ નહિ થાય. તે તો એવું ચાહે છે કે આપણાથી ભૂલો થાય તોપણ હાર ન માનીએ અને વફાદારીથી તેમની ભક્તિ કરતા રહીએ.
૩. આપણે કેમ પ્રયત્ન કરતા રહેવું જોઈએ?
૩ આપણે કેમ પ્રયત્ન કરતા રહેવું જોઈએ? એવું કહેવામાં આવે છે કે કોઈ કામ વારંવાર કરીએ ત્યારે કુશળ બનીએ છીએ. ચાલો એક દાખલો જોઈએ. કોઈ વાજિંત્ર વગાડવામાં માહેર બનવા એક સંગીતકારને કદાચ વર્ષો લાગે. એ વર્ષો દરમિયાન કદાચ તેનાથી હજારો ભૂલો થાય. પણ જો તે પ્રૅક્ટિસ કરતો રહેશે, તો પોતાની આવડતમાં નિખાર લાવશે. ભલે એ વાજિંત્ર પર તેનો બરાબર હાથ બેસી જાય, તોય કોઈક વાર તેનાથી ભૂલ થઈ શકે છે, પણ તે પડતું નથી મૂકતો. એ વાજિંત્ર વગાડવામાં કુશળ બનવા તે પ્રૅક્ટિસ કરતો રહે છે. એવી જ રીતે, કદાચ આપણને લાગે કે આપણે નબળાઈ પર કાબૂ કરી લીધો છે. પણ બની શકે કે આપણે ફરી એ ભૂલ કરી બેસીએ. એટલે એ નબળાઈ પર કાબૂ કરવા મહેનત કરતા રહીએ છીએ. આપણે બધા જ એવું કંઈક કહીએ છીએ અથવા કરીએ છીએ, જેના લીધે પછીથી પસ્તાવો થાય. પણ જો હાર નહિ માનીએ, તો યહોવા આપણને સુધારો કરતા રહેવા મદદ કરશે. (૧ પિત. ૫:૧૦) ચાલો જોઈએ કે પિતર કઈ રીતે યહોવાની સેવામાં લાગુ રહ્યા. તેમનાથી અમુક વાર ભૂલો થઈ હતી, પણ ઈસુએ તેમના પર કરુણા બતાવી. એનાથી આપણને યહોવાની ભક્તિ કરતા રહેવાનું ઉત્તેજન મળે છે.
પિતરની ભૂલો અને તેમને મળેલા આશીર્વાદો
૪. લૂક ૫:૫-૧૦ પ્રમાણે પિતરે પોતાના વિશે શું કહ્યું? પણ ઈસુએ તેમને કઈ રીતે ઉત્તેજન આપ્યું?
૪ બાઇબલમાં એવું ક્યાંય જણાવ્યું નથી કે પિતરે પોતાને “પાપી માણસ” કેમ કહ્યા અથવા એ સમયે તેમના મનમાં કઈ ભૂલોનો વિચાર આવ્યો હશે. (લૂક ૫:૫-૧૦ વાંચો.) બની શકે કે તેમનાથી અમુક મોટી ભૂલો થઈ હશે. ઈસુ જાણતા હતા કે પિતર ડરી ગયા હતા. એ ડરનું કારણ શું હોઈ શકે? પિતરને કદાચ લાગતું હતું કે તે એટલા સારા નથી કે ઈસુ તેમની પાસે આવે. ઈસુ એ પણ જાણતા હતા કે પિતર વફાદાર રહી શકે છે. એટલે તેમણે પિતરને પ્રેમથી કહ્યું: “ગભરાઈશ નહિ.” ઈસુએ પિતરમાં જે ભરોસો બતાવ્યો, એનાથી પિતરનું જીવન બદલાઈ ગયું. પછીથી પિતર અને તેમના ભાઈ આંદ્રિયાએ પોતાનો માછીમારનો ધંધો છોડી દીધો. તેઓ પૂરો સમય મસીહની સાથે રહીને પ્રચારકામ કરવા લાગ્યા. એ નિર્ણયના લીધે યહોવાએ તેઓને અઢળક આશીર્વાદો આપ્યા.—માર્ક ૧:૧૬-૧૮.
૫. પિતરે ખોટી લાગણીઓને પોતાના પર હાવી ન થવા દીધી અને ઈસુના શિષ્ય બન્યા એના લીધે તેમને કયા આશીર્વાદો મળ્યા?
૫ પિતર ઈસુના શિષ્ય બન્યા એટલે તેમને ઘણા અદ્ભુત આશીર્વાદો મળ્યા. જ્યારે ઈસુએ બીમારને સાજા કર્યા, લોકોમાંથી દુષ્ટ દૂતોને બહાર કાઢ્યા અને ગુજરી ગયેલાને જીવતા કર્યા, ત્યારે પિતરે પોતાની સગી આંખે એ જોયું હતું. b (માથ. ૮:૧૪-૧૭; માર્ક ૫:૩૭, ૪૧, ૪૨) પિતરે એક જોરદાર દર્શન પણ જોયું. એમાં બતાવ્યું હતું કે ઈસુ ઈશ્વરના રાજ્યના રાજા બનશે ત્યારે તેમનો મહિમા કેવો હશે. એ બનાવ પિતર ક્યારેય ભૂલ્યા નહિ હોય. (માર્ક ૯:૧-૮; ) જો પિતર ઈસુના શિષ્ય બન્યા ન હોત, તો તેમને આવા લહાવા મળ્યા ન હોત. પિતરને કેટલી ખુશી થતી હશે કે તેમણે ખોટી લાગણીઓને પોતાના પર હાવી ન થવા દીધી, નહિતર કદાચ તેમને આવા આશીર્વાદો મળ્યા ન હોત. ૨ પિત. ૧:૧૬-૧૮
૬. શું પિતરે તરત પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવી લીધો? સમજાવો.
૬ આટલું બધું જોયા અને સાંભળ્યા પછી પણ પિતરમાં હજીયે અમુક નબળાઈઓ હતી અને તેમનાથી ભૂલો થઈ ગઈ. અમુક દાખલા પર ધ્યાન આપો. ઈસુ સમજાવતા હતા કે શાસ્ત્રમાં ભાખ્યું છે તેમ, તેમણે દુઃખો સહેવાં પડશે અને તેમનું મરણ થશે, ત્યારે પિતરે તેમને ઠપકો આપ્યો. (માર્ક ૮:૩૧-૩૩) પિતર અને બીજા પ્રેરિતો અવાર-નવાર દલીલો કરતા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. (માર્ક ૯:૩૩, ૩૪) ઈસુના મરણની આગલી રાતે પિતરે ઝનૂનમાં આવીને એક માણસનો કાન કાપી નાખ્યો. (યોહા. ૧૮:૧૦) એ જ રાતે માણસોના ડરને લીધે પિતરે પોતાના મિત્ર ઈસુને ઓળખવાની ત્રણ વાર ના પાડી. (માર્ક ૧૪:૬૬-૭૨) એના લીધે પછીથી પિતર પોક મૂકીને રડ્યા.—માથ. ૨૬:૭૫.
૭. ઈસુ જીવતા થયા એ પછી તેમણે પિતરને કયો મોકો આપ્યો?
૭ ઈસુએ પોતાના નિરાશ થઈ ગયેલા પ્રેરિતને ત્યજી ન દીધા. જીવતા થયા પછી ઈસુએ પિતરને એક મોકો આપ્યો. પિતર પાસે એ સાબિત કરવાનો મોકો હતો કે તે હજી ઈસુને પ્રેમ કરે છે. ઈસુએ પિતરને કહ્યું કે તે નમ્ર બને અને ઈસુનાં ઘેટાંની સંભાળ રાખે. (યોહા. ૨૧:૧૫-૧૭) પિતર એ પ્રમાણે કરવા તૈયાર હતા. પિતર પચાસમાના દિવસે યરૂશાલેમમાં હતા અને જેઓને સૌથી પહેલા પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા તેઓમાંના એક હતા.
૮. પિતરે અંત્યોખમાં કઈ મોટી ભૂલ કરી?
૮ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા પછી પણ પિતરે પોતાની નબળાઈઓ સામે લડત આપવી પડી. ઈસવીસન ૩૬માં ઈશ્વરે પિતરને કર્નેલિયસ પાસે મોકલ્યા. કર્નેલિયસ યહૂદી ન હતા અને તેમની સુન્નત થઈ ન હતી. પછી જ્યારે યહોવાએ કર્નેલિયસને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા, ત્યારે પિતર પણ ત્યાં હાજર હતા. એ બનાવથી સ્પષ્ટ થયું કે “ઈશ્વર પક્ષપાત કરતા નથી” અને બીજી પ્રજાના લોકો પણ હવે ખ્રિસ્તી મંડળનો ભાગ બની શકતા હતા. (પ્રે.કા. ૧૦:૩૪, ૪૪, ૪૫) પછી પિતર બીજી પ્રજાના લોકો સાથે ખાવા-પીવા લાગ્યા. એવું તેમણે પહેલાં ક્યારેય કર્યું ન હતું. (ગલા. ૨:૧૨) એ સમયના મંડળોના કેટલાક ખ્રિસ્તીઓ અગાઉ યહૂદી હતા. તેઓમાંથી અમુકને લાગતું હતું કે યહૂદીઓ અને બીજી પ્રજાના લોકોએ સાથે બેસીને જમવું ન જોઈએ. એવા વિચારો ધરાવતા અમુક ખ્રિસ્તીઓ અંત્યોખ આવ્યા ત્યારે પિતરે બીજી પ્રજાના લોકો સાથે ખાવા-પીવાનું બંધ કરી દીધું. કેમ કે તેમને ડર હતો કે યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા ભાઈઓને ખોટું લાગશે. પ્રેરિત પાઉલે એ ઢોંગ જોયો અને તેમણે બધાની સામે પિતરને ઠપકો આપ્યો. (ગલા. ૨:૧૩, ૧૪) આવી ભૂલ કર્યા પછી પણ પિતર યહોવાની ભક્તિમાં લાગુ રહ્યા. એવું કરવા તેમને શાનાથી મદદ મળી?
યહોવાની ભક્તિમાં લાગુ રહેવા પિતરને શાનાથી મદદ મળી?
૯. યોહાન ૬:૬૮, ૬૯થી કઈ રીતે જોવા મળે છે કે પિતર વફાદાર હતા?
૯ પિતર વફાદાર શિષ્ય હતા. તેમણે ક્યારેય ઈસુને પગલે ચાલવાનું છોડ્યું નહિ. એક પ્રસંગે તેમની વફાદારી દેખાઈ આવી. ઈસુએ એવું કંઈક કહ્યું હતું, જે તેમના શિષ્યો સમજી ન શક્યા. (યોહાન ૬:૬૮, ૬૯ વાંચો.) ઘણાએ એનો અર્થ સમજવાની કોશિશ ન કરી અથવા ઈસુ તેઓને સમજણ આપે એની રાહ પણ ન જોઈ. તેઓએ ઈસુના પગલે ચાલવાનું છોડી દીધું. પણ પિતરે એવું ન કર્યું. તે પારખી ગયા કે “હંમેશ માટેના જીવનની વાતો” ફક્ત ઈસુ પાસે છે.
૧૦. શાના આધારે કહી શકીએ કે ઈસુને પિતર પર ભરોસો હતો? (ચિત્ર પણ જુઓ.)
૧૦ ઈસુએ પિતરને છોડી દીધા નહિ. પૃથ્વી પર ઈસુના જીવનની છેલ્લી રાત હતી ત્યારે, તે જાણતા હતા કે પિતર અને બીજા પ્રેરિતો તેમને છોડી દેશે. તોપણ ઈસુએ પિતરને કહ્યું કે તેમને ભરોસો છે કે પિતર પાછા ફરશે અને વફાદાર રહેશે. (લૂક ૨૨:૩૧, ૩૨) ઈસુ સમજતા હતા કે “મન તો તૈયાર છે, પણ શરીર કમજોર છે.” (માર્ક ૧૪:૩૮) એટલે પિતરે ઈસુને ઓળખવાની ના પાડી એ પછી પણ ઈસુએ પોતાના પ્રેરિતને છોડી ન દીધા. જીવતા થયા પછી ઈસુ પિતર આગળ પ્રગટ થયા. એ વખતે કદાચ પિતર એકલા હતા. (માર્ક ૧૬:૭; લૂક ૨૪:૩૪; ૧ કોરીં. ૧૫:૫) જરા વિચારો, નિરાશામાં ડૂબી ગયેલા પિતરને કેટલું ઉત્તેજન મળ્યું હશે!
૧૧. ઈસુએ પિતરને કઈ રીતે ભરોસો અપાવ્યો કે યહોવા તેમની જરૂરિયાતો પૂરી પાડશે?
૧૧ ઈસુએ પિતરને ભરોસો અપાવ્યો કે યહોવા તેમની જરૂરિયાતો પૂરી પાડશે. જીવતા થયા પછી ઈસુએ ફરી એકવાર ચમત્કાર કર્યો. તેમણે પિતર અને બીજા પ્રેરિતોને ઘણી માછલીઓ પકડવા મદદ કરી. (યોહા. ૨૧:૪-૬) એમાં કોઈ શંકા નથી કે એ ચમત્કારથી પિતરને ખાતરી થઈ ગઈ હશે કે યહોવા તેમની જરૂરિયાતો પૂરી પાડશે. કદાચ તેમને ઈસુના એ શબ્દો યાદ આવ્યા હશે કે જેઓ ‘ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખે છે,’ તેઓની જરૂરિયાતો યહોવા પૂરી પાડશે. (માથ. ૬:૩૩) એ બધાથી પિતરને મદદ મળી કે તે પ્રચારકામને જીવનમાં પહેલું રાખે, માછીમારના ધંધાને નહિ. ઈ.સ. ૩૩માં પચાસમાના દિવસે પિતરે હિંમતથી ઈસુ વિશે સાક્ષી આપી. એનાથી હજારો લોકોએ ખુશખબર સ્વીકારી. (પ્રે.કા. ૨:૧૪, ૩૭-૪૧) એ પછી પિતરે સમરૂનીઓને અને બીજી પ્રજાના લોકોને ખ્રિસ્ત વિશે શીખવા અને તેમના શિષ્ય બનવા મદદ કરી. (પ્રે.કા. ૮:૧૪-૧૭; ૧૦:૪૪-૪૮) સાચે જ, દરેક પ્રકારના લોકોને ખ્રિસ્તી મંડળનો ભાગ બનાવવા યહોવાએ જોરદાર રીતે પિતરનો ઉપયોગ કર્યો.
આપણે શું શીખી શકીએ?
૧૨. નબળાઈ સામે લડતી વખતે પિતરની જેમ આપણે કઈ વાતની ખાતરી રાખી શકીએ?
૧૨ યહોવાની સેવામાં લાગુ રહી શકીએ એ માટે તે આપણને મદદ કરી શકે છે. જોકે હંમેશાં એમ કરવું કદાચ સહેલું ન હોય. ખાસ કરીને, જો લાંબા સમયથી એકની એક નબળાઈ સામે લડતા હોઈએ, તો એમ કરવું અઘરું લાગી શકે. અમુક વાર કદાચ લાગે કે આપણી નબળાઈઓ પિતરની નબળાઈઓ કરતાં ઘણી અઘરી છે. પણ યહોવા આપણને તાકાત આપી શકે છે, જેથી આપણે હિંમત ન હારીએ. (ગીત. ૯૪:૧૭-૧૯) એક ભાઈનો દાખલો લો. યહોવાના સેવક બન્યા એ પહેલાં તે ઘણાં વર્ષો સુધી સજાતીય સંબંધો રાખતા હતા. પણ પછી તેમણે પોતાને પૂરેપૂરા બદલી નાખ્યા અને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવા લાગ્યા. છતાં ઘણી વાર એ ખોટી ઇચ્છા તેમના પર હાવી થઈ જતી હતી. યહોવાને વફાદાર રહેવા અને હિંમત ન હારવા તેમને ક્યાંથી મદદ મળી? તે કહે છે: ‘યહોવા આપણને તાકાત આપે છે. હું શીખ્યો કે યહોવાની પવિત્ર શક્તિની મદદથી આપણે સત્યના માર્ગે ચાલતા રહી શકીએ છીએ. યહોવાએ મને તેમની સેવા કરવાની તક આપી છે અને મારી નબળાઈઓ છતાં તે સતત મને તાકાત આપે છે.’
૧૩. પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩, ૨૯, ૩૧ પ્રમાણે પિતરે કઈ રીતે હિંમત બતાવી? આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૩ આપણે જોઈ ગયા તેમ, પિતર અમુક વાર માણસોથી ડરી ગયા અને તેમનાથી મોટી મોટી ભૂલો થઈ ગઈ. પણ તેમણે તાકાત માટે યહોવાને પ્રાર્થના કરી, જેનાથી તે હિંમત બતાવી શક્યા. (પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩, ૨૯, ૩૧ વાંચો.) આપણે પણ ડર પર કાબૂ મેળવી શકીએ છીએ. હોર્સ્ટભાઈના દાખલા પર ધ્યાન આપો, જે જર્મનીમાં રહેતા હતા. આ એ સમયની વાત છે, જ્યારે તે નાના હતા અને દેશ પર નાઝી સરકારનું રાજ હતું. એ સમયે લોકો જ્યારે એકબીજાને મળતા ત્યારે કહેવાનું હતું, “હિટલર અમને બચાવશે.” હોર્સ્ટભાઈ જાણતા હતા કે એમ બોલવું ખોટું છે, તોપણ શિક્ષકો અને વિદ્યાર્થીઓના ડરને લીધે તે અમુક વાર એવું કહી બેઠા. જ્યારે તેમનાં મમ્મી-પપ્પાને એ વાતની જાણ થઈ, ત્યારે તેઓએ તેમને ખખડાવ્યા નહિ, પણ તેમની સાથે પ્રાર્થના કરી કે યહોવા તેમને હિંમત આપે. મમ્મી-પપ્પાની મદદથી અને યહોવા પર ભરોસો રાખવાથી સમય જતાં હોર્સ્ટભાઈ હિંમત બતાવી શક્યા અને યહોવાને વફાદાર રહી શક્યા. પછીથી તેમણે કહ્યું: “યહોવાએ મને કદી છોડી દીધો નહિ.” c
૧૪. નિરાશ થઈ ગયેલાં ભાઈ-બહેનોને ખાતરી અપાવવા પ્રેમાળ ઘેટાંપાળકો શું કરી શકે?
૧૪ યહોવા અને ઈસુ આપણને કદી છોડી નહિ દે. ઈસુને ઓળખવાની ના પાડી, એ પછી પિતરે એક મોટો નિર્ણય લેવાનો હતો: શું તે ખ્રિસ્તને પગલે ચાલતા રહેશે, કે પછી એમ કરવાનું છોડી દેશે? ઈસુએ યહોવાને વિનંતી કરી હતી કે પિતરની શ્રદ્ધા ન ખૂટે. એ પ્રાર્થના વિશે તેમણે પિતરને જણાવ્યું હતું અને ભરોસો બતાવ્યો હતો કે પિતર પાછા ફરશે અને પોતાના ભાઈઓને દૃઢ કરશે. (લૂક ૨૨:૩૧, ૩૨) ઈસુના એ શબ્દો યાદ કરીને પિતરને કેટલી હિંમત મળી હશે! અમુક વાર આપણે પણ બહુ મોટો નિર્ણય લેવાનો હોય છે. એ સમયે યહોવા કદાચ પ્રેમાળ ઘેટાંપાળકો, એટલે કે વડીલોનો ઉપયોગ કરીને આપણને ખાતરી અપાવે કે યહોવા આપણો સાથ કદી નહિ છોડે અને આપણે તેમને વફાદાર રહી શકીએ છીએ. (એફે. ૪:૮, ૧૧) પૉલભાઈ ઘણાં વર્ષોથી વડીલ છે અને તે એવી જ રીતે બીજાઓને દિલાસો આપે છે. જ્યારે અમુક ભાઈ-બહેનોને લાગે કે તેઓ હિંમત હારી જશે, ત્યારે તે તેઓને કહે છે: ‘જરા વિચારો, શરૂઆતમાં યહોવા કઈ રીતે તમને પોતાની પાસે દોરી લાવ્યા હતા અને તમને સત્ય શીખવા મદદ કરી હતી.’ પછી તે તેઓને ખાતરી અપાવે છે કે યહોવા અતૂટ પ્રેમ બતાવે છે અને એ પ્રેમના લીધે તે તેઓને કદી ત્યજશે નહિ. તે કહે છે, “મેં એવાં ઘણાં ભાઈ-બહેનોને જોયાં છે, જેઓ નિરાશ થઈ ગયાં હતાં, પણ યહોવાની મદદથી તેમની સેવામાં લાગુ રહી શક્યાં.”
૧૫. પ્રેરિત પિતર અને હોર્સ્ટભાઈના દાખલાથી કઈ રીતે જોવા મળે છે કે માથ્થી ૬:૩૩ના શબ્દો સાચા છે?
૧૫ યહોવાએ પિતર અને બીજા પ્રેરિતોની જરૂરિયાતો પૂરી પાડી હતી. એવી જ રીતે, જો પ્રચારકામને જીવનમાં પહેલું રાખીશું, તો યહોવા આપણી પણ જરૂરિયાતો પૂરી પાડશે. (માથ. ૬:૩૩) હોર્સ્ટભાઈ વિશે અગાઉ જોઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ પછી તે પાયોનિયરીંગ કરવા માંગતા હતા. પણ તે ખૂબ ગરીબ હતા. તે વિચારતા હતા કે શું તે પોતાનું ગુજરાન ચલાવવાની સાથે સાથે પૂરા સમયની સેવા કરી શકશે. એટલે તેમણે નક્કી કર્યું કે તે યહોવાની પરખ કરશે અને જોશે કે યહોવા તેમની જરૂરિયાતો પૂરી પાડે છે કે નહિ. સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન તેમણે આખું અઠવાડિયું પ્રચારકામમાં વિતાવ્યું. પછી જે બન્યું એનાથી હોર્સ્ટભાઈ સ્તબ્ધ થઈ ગયા. અઠવાડિયાના અંતે સરકીટ નિરીક્ષકે તેમના હાથમાં એક કવર મૂક્યું, જેમાં અમુક પૈસા હતા. હોર્સ્ટભાઈ જાણતા ન હતા કે એ પૈસા કોણે આપ્યા હતા. એ કવરમાં એટલા પૈસા હતા કે અમુક મહિનાઓ સુધી હોર્સ્ટભાઈનું ગુજરાન ચાલી શકે અને તે પાયોનિયરીંગ પણ કરી શકે. એ ભેટ જોઈને ભાઈને ખાતરી થઈ ગઈ કે યહોવા જરૂર તેમને નિભાવી રાખશે. એ પછી તેમણે પોતાનું આખું જીવન યહોવાની સેવામાં વિતાવ્યું અને તેમના રાજ્યને જીવનમાં પહેલું રાખ્યું.—માલા. ૩:૧૦.
૧૬. આપણે કેમ પિતરના દાખલામાંથી અને તેમણે લખેલા પત્રોમાંથી વધારે શીખતા રહેવું જોઈએ?
૧૬ એકવાર પિતરે ઈસુને કહ્યું હતું: “માલિક મારી પાસેથી ચાલ્યા જાઓ.” પિતરને એ જાણીને કેટલી ખુશી થઈ હશે કે ઈસુએ તેમની એ વાત ન માની અને તેમનો સાથ કદી ન છોડ્યો. ઈસુ ખ્રિસ્ત પિતરને તાલીમ આપતા રહ્યા, જેથી તે વફાદાર પ્રેરિત બની શકે અને ખ્રિસ્તીઓ માટે સારો દાખલો બેસાડી શકે. ઈસુએ પિતરને જે તાલીમ આપી હતી, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એમાંની અમુક વાતો પિતરે લખેલા બે પત્રોમાં જોવા મળે છે, જે તેમણે પહેલી સદીનાં મંડળોને લખ્યા હતા અને આજે બાઇબલનો ભાગ છે. આવતા લેખમાં એ બે પત્રોમાંથી અમુક વાતોનો વિચાર કરીશું અને જોઈશું કે આપણે કઈ રીતે એ લાગુ પાડી શકીએ.
ગીત ૪૩ જાગતા રહીએ
a આ લેખ એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓ પોતાની નબળાઈઓ સામે લડી રહ્યા છે. આ લેખથી તેઓને ખાતરી મળશે કે તેઓ એ નબળાઈઓ પર કાબૂ મેળવી શકે છે અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહી શકે છે.
b આ લેખમાં જે કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમાંની ઘણી કલમો માર્કે લખેલી ખુશખબરમાંથી લેવામાં આવી છે. એવું લાગે છે કે માર્કે જે બનાવો વિશે લખ્યું, એ તેમણે પિતર પાસેથી સાંભળ્યા હતા અને પિતરે એ બનાવો નજરે જોયા હતા.
c હોર્સ્ટ હેન્શલની જીવન સફર વાંચવા ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૮, સજાગ બનો!માં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “મોટિવેટેડ બાય માય ફેમિલીઝ લોયલટી ટુ ગોડ.”
d ચિત્રની સમજ: આ ચિત્ર બતાવે છે કે હકીકતમાં શું થયું હતું—ભાઈ હોર્સ્ટ હેન્શલનાં મમ્મી-પપ્પાએ તેમની સાથે પ્રાર્થના કરી અને તેમની હિંમત વધારી, જેથી તે યહોવાને વફાદાર રહી શકે.