સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૧

પિતરે લખેલા બે પત્રોમાંથી આપણે શું શીખી શકીએ?

પિતરે લખેલા બે પત્રોમાંથી આપણે શું શીખી શકીએ?

“આ વાતો તમને યાદ કરાવવા હું હંમેશાં તૈયાર રહીશ.”—૨ પિત. ૧:૧૨.

ગીત ૨૯ ચાલું તારી સંગે

ઝલક a

૧. પ્રેરિત પિતરનું મરણ થયું એના થોડા સમય પહેલાં યહોવાએ તેમને કયું કામ સોંપ્યું?

 પ્રેરિત પિતરે વર્ષો સુધી વફાદારીથી યહોવાની સેવા કરી. તેમણે ઈસુ સાથે અલગ અલગ જગ્યાએ પ્રચાર કર્યો, બીજી પ્રજાના લોકોને પ્રચાર કરવાનું શરૂ કર્યું અને પછીથી નિયામક જૂથના સભ્ય બન્યા. જીવનનાં છેલ્લાં છેલ્લાં વર્ષોમાં જ્યારે તેમને લાગતું હતું કે મરણ નજીક છે, ત્યારે યહોવાએ તેમને એક મોટું કામ સોંપ્યું. એ કયું કામ હતું? આશરે ઈસવીસન ૬૨-૬૪માં યહોવાએ તેમને બે પત્રો લખવાની પ્રેરણા આપી: પહેલો પિતર અને બીજો પિતર. એ આજે બાઇબલનો ભાગ છે. પિતરને આશા હતી કે તેમના મરણ પછી એ પત્રોમાંથી ખ્રિસ્તીઓને મદદ મળતી રહેશે.—૨ પિત. ૧:૧૨-૧૫.

૨. પિતરે લખેલા પત્રો કેમ સમયસરના હતા?

પિતરે એ પત્રો લખ્યા ત્યારે તેમનાં ભાઈ-બહેનો ‘સતાવણીઓને લીધે દુઃખો વેઠી રહ્યાં હતાં.’ (૧ પિત. ૧:૬) દુષ્ટ માણસોને લીધે મંડળમાં જૂઠા શિક્ષણ અને બેશરમ કામોનો પગપેસારો થયો હતો. (૨ પિત. ૨:૧, ૨, ૧૪) યરૂશાલેમમાં રહેતા ખ્રિસ્તીઓ બહુ જલદી “બધાનો અંત” જોવાના હતા, એટલે કે રોમન સૈન્ય દ્વારા યરૂશાલેમ શહેરનો અને એમાં આવેલા મંદિરનો નાશ જોવાના હતા. (૧ પિત. ૪:૭) પિતરના પત્રોથી ખ્રિસ્તીઓને એ જોવા મદદ મળી હશે કે તેઓ કઈ રીતે મુશ્કેલીઓ છતાં વફાદાર રહી શકે અને આવનાર મુશ્કેલીઓ માટે પોતાને તૈયાર કરી શકે. b

૩. આપણે કેમ પિતરે લખેલા પત્રોનો અભ્યાસ કરવો જોઈએ?

ખરું કે, પિતરે એ બે પત્રો પહેલી સદીના ખ્રિસ્તીઓને લખ્યા હતા. પણ યહોવાએ એ પત્રોનો સમાવેશ પોતાના વચન બાઇબલમાં કરાવ્યો છે. એટલે આજે આપણે બધા એ પત્રોમાંથી ઘણું શીખી શકીએ છીએ. (રોમ. ૧૫:૪) પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આજે આપણે પણ એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં ચારે બાજુ બેશરમ કામો જોવા મળે છે. એટલે આજે આપણા માટે પણ યહોવાની ભક્તિ કરવી અઘરું બની શકે છે. પહેલી સદીના યહૂદીઓએ એક વિપત્તિનો સામનો કર્યો હતો, જેમાં યરૂશાલેમ અને એના મંદિરનો નાશ થયો હતો. પણ બહુ જલદી આપણે એના કરતાં પણ મોટી વિપત્તિનો સામનો કરવાના છીએ. પિતરે લખેલા બે પત્રોમાંથી આપણે ઘણી વાતો શીખી શકીએ છીએ. એનાથી આપણને યહોવાના દિવસની રાહ જોવા, મનમાંથી માણસોનો ડર કાઢી નાખવા અને એકબીજાને ગાઢ પ્રેમ બતાવવા મદદ મળશે. એ વાતોથી વડીલો પણ ઘણું શીખી શકે છે અને મંડળનાં ભાઈ-બહેનોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી શકે છે.

યહોવાના દિવસની રાહ જોઈએ

૪. બીજો પિતર ૩:૩, ૪માં જણાવ્યું છે તેમ શાના લીધે આપણી શ્રદ્ધા ડગમગી શકે?

આજે આપણી આજુબાજુના લોકો ભાવિ વિશે બાઇબલમાં જે લખ્યું છે, એ માનતા નથી. આપણે ઘણાં વર્ષોથી અંત આવવાની આતુરતાથી રાહ જોઈએ છીએ, એટલે વિરોધીઓ કદાચ આપણી મજાક ઉડાવે. અમુક લોકો દાવો કરે કે અંત કદી આવશે જ નહિ. (૨ પિતર ૩:૩, ૪ વાંચો.) જો સાથે કામ કરતી વ્યક્તિ, કુટુંબનું સભ્ય કે જેઓને પ્રચાર કરીએ છીએ તેઓમાંથી કોઈ એવું કહે, તો આપણી શ્રદ્ધા ડગમગી શકે છે. પિતરે સમજાવ્યું કે એવા સંજોગોમાં શાનાથી મદદ મળી શકે.

૫. ધીરજથી અંતની રાહ જોવા આપણને પિતરના શબ્દોથી કઈ રીતે મદદ મળી શકે? (૨ પિતર ૩:૮, ૯)

અમુકને કદાચ લાગે કે યહોવા આ દુષ્ટ દુનિયાનો અંત લાવવામાં મોડું કરે છે. પિતરના શબ્દોથી મદદ મળી શકે છે. કેમ કે એ આપણને યાદ અપાવે છે કે સમય વિશે યહોવાના વિચારો અને માણસોના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. (૨ પિતર ૩:૮, ૯ વાંચો.) યહોવાની નજરે એક હજાર વર્ષ એક દિવસ જેવા છે. યહોવા ધીરજ બતાવે છે. તે ચાહતા નથી કે કોઈનો નાશ થાય. પણ જ્યારે તેમનો દિવસ આવશે, ત્યારે આ દુષ્ટ દુનિયાનો અંત થઈ જશે. એટલે આપણી પાસે જે સમય બચ્યો છે એનો ઉપયોગ કરીએ અને આખી દુનિયાના લોકોને ખુશખબર જણાવીએ. એ કામમાં ભાગ લેવો કેટલો મોટો લહાવો કહેવાય!

૬. આપણે કઈ રીતે યહોવાના દિવસને ‘હંમેશાં મનમાં રાખી શકીએ’? (૨ પિતર ૩:૧૧, ૧૨)

પિતરે આપણને અરજ કરી કે યહોવાના દિવસને ‘હંમેશાં મનમાં રાખીએ.’ (૨ પિતર ૩:૧૧, ૧૨ વાંચો.) એવું કઈ રીતે કરી શકીએ? જો શક્ય હોય તો નવી દુનિયામાં મળનાર આશીર્વાદો પર દરરોજ મનન કરીએ. કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો. વાતાવરણમાં તાજી હવા ફેલાયેલી છે. જાતજાતનાં ફળો અને સ્વાદિષ્ટ પકવાન છે. તમે એ દોસ્તો અને સગાં-વહાલાંનું સ્વાગત કરી રહ્યા છો, જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવી રહ્યા છે. વિચારો કે સદીઓ પહેલાં જીવી ગયેલા લોકોને તમે શીખવી રહ્યા છો કે બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ. આ રીતે મનન કરવાથી આપણને એ સમયની રાહ જોવા મદદ મળશે. તેમ જ ખાતરી થઈ જશે કે અંત બહુ નજીક છે. ભાવિ વિશે “આ બધું જાણતા હોવાથી” આપણે ‘ખોટા માર્ગે ચઢી જઈશું નહિ’ અને એવા લોકોથી છેતરાઈશું નહિ, જેઓ માનતા નથી કે યહોવાનો દિવસ નજીક છે.—૨ પિત. ૩:૧૭.

મનમાંથી માણસોનો ડર કાઢી નાખીએ

૭. માણસોના ડરને લીધે શું થઈ શકે?

આપણે જાણીએ છીએ કે યહોવાનો દિવસ બહુ જલદી આવી રહ્યો છે. એટલે આપણે બને એટલા લોકોને ખુશખબર જણાવવા માંગીએ છીએ. પણ અમુક વાર કદાચ બીજાઓ સાથે વાત કરતા અચકાઈએ. શા માટે? કેમ કે કદાચ આપણને ડર લાગે કે બીજાઓ આપણા વિશે શું કહેશે અથવા આપણી સાથે શું કરશે. પિતર સાથે એવું જ થયું હતું. ઈસુનો મુકદ્દમો ચાલતો હતો એ રાતે પિતરને જણાવતા ડર લાગ્યો કે તે ઈસુના શિષ્ય છે. તેમણે તો ઈસુને ઓળખવાની પણ ના પાડી દીધી. (માથ. ૨૬:૬૯-૭૫) પણ પિતર પોતાના મનમાંથી એ ડર કાઢી શક્યા. પછીથી તેમણે લખ્યું: “બીજા લોકો જેનાથી ડરે છે એનાથી ડરશો નહિ અને ચિંતા કરશો નહિ.” (૧ પિત. ૩:૧૪) પિતરના એ શબ્દોથી ખાતરી મળે છે કે આપણે પણ મનમાંથી માણસોનો ડર કાઢી શકીએ છીએ.

૮. મનમાંથી માણસોનો ડર કાઢી નાખવા શાનાથી મદદ મળી શકે? (૧ પિતર ૩:૧૫)

મનમાંથી માણસોનો ડર કાઢી નાખવા શાનાથી મદદ મળી શકે? પિતરે લખ્યું: “દિલથી સ્વીકારો કે ખ્રિસ્ત જ તમારા માલિક છે અને તે માનને યોગ્ય છે.” (૧ પિતર ૩:૧૫ વાંચો.) પોતાને યાદ અપાવી શકીએ કે ખ્રિસ્ત ઈસુ આપણા રાજા છે અને તેમની પાસે ઘણો અધિકાર છે. જો કદી તમે ખુશખબર જણાવતા અચકાઓ અથવા તમને ડર લાગે, તો આપણા રાજાને યાદ કરજો. કલ્પના કરજો કે ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે અને તેમની આજુબાજુ અસંખ્ય દૂતો છે. એ પણ યાદ કરજો કે “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર” ઈસુને આપવામાં આવ્યો છે અને તે ‘દુનિયાના અંત સુધી હંમેશાં તમારી સાથે હશે.’ (માથ. ૨૮:૧૮-૨૦) પિતરે અરજ કરી કે આપણે જે માનીએ છીએ એ વિશે બીજાઓને જણાવવા ‘હંમેશાં તૈયાર રહીએ.’ શું તમે નોકરી-ધંધાની જગ્યાએ, સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ ખુશખબર જણાવવા માંગો છો? પહેલેથી વિચારો કે એવું તમે ક્યારે કરી શકો. પછી તૈયારી કરો કે તમે શું કહેશો. હિંમત માટે પ્રાર્થના કરો અને ભરોસો રાખો કે યહોવા તમને મનમાંથી માણસોનો ડર કાઢી નાખવા મદદ કરશે.—પ્રે.કા. ૪:૨૯.

‘ગાઢ પ્રેમ રાખીએ’

પિતરે પાઉલની સલાહ સ્વીકારી અને પોતાનામાં ફેરફાર કર્યો. પિતરના બંને પત્રોમાંથી શીખવા મળે છે કે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ (ફકરો ૯ જુઓ)

૯. એકવાર પિતર કઈ રીતે પ્રેમ બતાવવાનું ચૂકી ગયા? (ચિત્ર પણ જુઓ.)

પિતર શીખતા રહ્યા કે કઈ રીતે પ્રેમ બતાવવો જોઈએ. એકવાર ઈસુએ કહ્યું હતું: “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. મેં તમારા પર જેવો પ્રેમ રાખ્યો છે, એવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો.” (યોહા. ૧૩:૩૪) એ વખતે પિતર ત્યાં હાજર હતા. તોપણ એકવાર તે યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા ભાઈઓને લીધે ડરી ગયા અને બીજી પ્રજાનાં ભાઈ-બહેનો સાથે ખાવા-પીવાનું બંધ કરી દીધું. પિતરના એ કામને પ્રેરિત પાઉલે “ઢોંગ” કહ્યો. (ગલા. ૨:૧૧-૧૪) જ્યારે પ્રેરિત પાઉલે પિતરને ઠપકો આપ્યો, ત્યારે તેમણે એ સલાહ સ્વીકારી અને પોતાનામાં સુધારો કર્યો. પોતાના બંને પત્રોમાં પિતરે એ વાત પર ભાર મૂક્યો કે ભાઈ-બહેનો માટે આપણા દિલમાં ફક્ત પ્રેમની લાગણી હોવી જ પૂરતું નથી, આપણે એ પ્રેમ બતાવવો પણ જોઈએ.

૧૦. “ભાઈઓ પર ઢોંગ વગરનો પ્રેમ” રાખવા શાનાથી મદદ મળશે? (૧ પિતર ૧:૨૨)

૧૦ પિતરે કહ્યું: “ભાઈઓ પર ઢોંગ વગરનો પ્રેમ રાખો.” (૧ પિતર ૧:૨૨ વાંચો.) જો “ખરા શિક્ષણને આધીન” રહીશું, તો એવો પ્રેમ બતાવી શકીશું. એવું જ એક શિક્ષણ છે કે “ઈશ્વર પક્ષપાત કરતા નથી.” (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) જો આપણે મંડળમાં અમુક ભાઈ-બહેનોને પ્રેમ કરીશું અને અમુકને નહિ કરીએ, તો પ્રેમ વિશેની ઈસુની આજ્ઞા પાળી નહિ શકીએ. એ સાચું કે કદાચ અમુક ભાઈ-બહેનો આપણને વહાલાં હોય. ઈસુના કિસ્સામાં પણ એ વાત સાચી હતી. (યોહા. ૧૩:૨૩; ૨૦:૨) પણ પિતરે યાદ અપાવ્યું કે આપણે એકબીજાને ‘ભાઈઓ જેવો પ્રેમ’ બતાવવો જોઈએ, જાણે કે તેઓ કુટુંબના સભ્યો હોય.—૧ પિત. ૨:૧૭.

૧૧. “પૂરા દિલથી એકબીજાને પ્રેમ” કરવાનો અર્થ શું થાય?

૧૧ પિતરે લખ્યું: “પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.” અહીં “પૂરા દિલથી” પ્રેમ કરવાનો અર્થ થાય કે કોઈને પ્રેમ બતાવવો અઘરું લાગતું હોય, તોપણ પ્રેમ કરવો. દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન તમને દુઃખ પહોંચાડે તો શું? કદાચ પહેલો વિચાર જેવા સાથે તેવા થવાનો આવે. પણ પિતર ઈસુ પાસેથી શીખ્યા હતા કે જો બદલો લેવાની ભાવના રાખીશું, તો ઈશ્વર ખુશ નહિ થાય. (યોહા. ૧૮:૧૦, ૧૧) પિતરે લખ્યું: “બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો. એના બદલે, સામે આશીર્વાદ આપો.” (૧ પિત. ૩:૯) જો એકબીજાને પૂરા દિલથી પ્રેમ કરીશું, તો એવાં ભાઈ-બહેનો સાથે પણ સારી રીતે વર્તી શકીશું, જેઓએ આપણને માઠું લગાડ્યું હોય.

૧૨. (ક) જો એકબીજા માટે ગાઢ પ્રેમ હશે તો બીજું શું કરી શકીશું? (ખ) આપણી વચ્ચેની એકતાને તૂટવા ન દઈએ વીડિયોમાં બતાવ્યું છે તેમ, તમે શું કરવા માંગો છો?

૧૨ પિતરે પોતાના પહેલા પત્રમાં લખ્યું: “ગાઢ પ્રેમ રાખો.” એવો પ્રેમ ફક્ત અમુક જ નહિ, પણ “અસંખ્ય પાપને” ઢાંકે છે. (૧ પિત. ૪:૮) કદાચ પિતરને માફી વિશેની એ વાત યાદ આવી હશે, જે ઈસુએ તેમને વર્ષો પહેલાં શીખવી હતી. એ સમયે કદાચ પિતરને લાગતું હતું કે તેમનું દિલ બહુ મોટું છે. કેમ કે તેમણે કહ્યું હતું કે તે પોતાના ભાઈને “સાત વાર” માફ કરી શકે છે. પણ ઈસુએ તેમને શીખવ્યું અને આજે આપણને પણ શીખવે છે કે બીજાઓને “૭૭ વાર” માફ કરવા જોઈએ. એનો અર્થ થાય, માફી આપવાનો હિસાબ રાખવો ન જોઈએ. (માથ. ૧૮:૨૧, ૨૨) જો તમને ઈસુની એ સલાહ પાળવી અઘરું લાગતું હોય તો નિરાશ ન થશો. જો આપણામાં પાપ ન હોત તો વાત કંઈક જુદી હતી. પણ પાપ અને પાપની અસર હોવાને લીધે યહોવાના બધા સેવકો માટે બીજાઓને માફ કરવું અમુક વાર અઘરું બને છે. પણ હમણાં એ ખૂબ જ જરૂરી છે કે જો કોઈ ભાઈ કે બહેને તમને દુઃખ પહોંચાડ્યું હોય, તો તેમને માફ કરવા અને તેમની સાથે સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરો. c

વડીલો, યહોવાના ટોળાની સંભાળ રાખો

૧૩. વડીલો માટે ભાઈ-બહેનોની સંભાળ રાખવી કેમ અઘરું થઈ શકે છે?

૧૩ જીવતા થયા પછી ઈસુએ પિતરને એક વાત કહી હતી અને એ વાત પિતર કદી ભૂલ્યા નહિ હોય. ઈસુએ કહ્યું હતું: “મારાં નાનાં ઘેટાંની સંભાળ રાખ.” (યોહા. ૨૧:૧૬, ફૂટનોટ) વડીલો, તમે જાણો છો કે એ સલાહ તમને પણ લાગુ પડે છે. પણ એ મહત્ત્વની જવાબદારી નિભાવવા માટે સમય કાઢવો અઘરું બની શકે છે. વડીલો માટે જરૂરી છે કે તેઓ સૌથી પહેલા પોતાનાં કુટુંબીજનોની સંભાળ રાખે, તેઓની ખાવા-પીવાની જરૂરિયાતો પૂરી પાડે, તેઓ સાથે સમય વિતાવે, પ્રેમ બતાવે અને યહોવા સાથે સંબંધ મજબૂત કરવા મદદ કરે. એ સિવાય વડીલો પ્રચારકામમાં આગેવાની લે છે. વડીલોએ સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં અમુક ભાગ રજૂ કરવાના હોય છે અને એની તૈયારીમાં પણ ઘણો સમય લાગે છે. અમુક ભાઈઓ પાસે હૉસ્પિટલ સંપર્ક સમિતિની જવાબદારીઓ છે અથવા અમુક ભાઈઓ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગમાં કામ કરે છે. સાચે જ, વડીલો પાસે સખત કામ હોય છે!

વડીલો પાસે સખત કામ હોય તોપણ ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખવા તેઓ બનતું બધું કરે છે (ફકરા ૧૪-૧૫ જુઓ)

૧૪. જો વડીલો માટે ઈશ્વરના ટોળાની સંભાળ રાખવી અઘરું થતું હોય, તો તેઓ શું કરી શકે? (૧ પિતર ૫:૧-૪)

૧૪ પિતર પોતે એક વડીલ હતા. તેમણે સાથી વડીલોને વિનંતી કરી: “ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો.” (૧ પિતર ૫:૧-૪ વાંચો.) વડીલો, અમે જાણીએ છીએ કે તમે ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરો છો અને તેઓની સંભાળ રાખો છો. અમુક વાર કદાચ પુષ્કળ કામ કે થાકને લીધે તમે પોતાની જવાબદારી પૂરી કરી ન શકો. એવા સમયે તમે શું કરી શકો? તમારી એકેએક ચિંતા યહોવાને જણાવો. પિતરે લખ્યું હતું: “જો કોઈ સેવા કરે, તો તેણે એ માટે ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર રાખવો.” (૧ પિત. ૪:૧૧) બની શકે કે તમારાં ભાઈ-બહેનો એવી મુશ્કેલીનો સામનો કરતા હોય જેનો નિવેડો કદાચ આ દુનિયામાં ન આવે. પણ યાદ રાખો કે “મુખ્ય ઘેટાંપાળક” ઈસુ ખ્રિસ્ત તેઓને તમારા કરતાં પણ વધારે સારી રીતે મદદ કરી શકે છે. એવું તે આજે કરી શકે છે અને નવી દુનિયામાં પણ કરશે. ઈશ્વર તો બસ એટલું ચાહે છે કે તમે ભાઈ-બહેનોને પ્રેમ કરો, તેઓની સંભાળ રાખો અને “ટોળા માટે દાખલો બેસાડો.”

૧૫. એક વડીલ કઈ રીતે ઈશ્વરના ટોળાની સંભાળ રાખે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૫ વિલિયમભાઈ ઘણાં વર્ષોથી વડીલ તરીકે સેવા આપે છે. તે સમજે છે કે ભાઈ-બહેનોની સંભાળ રાખવી કેટલી જરૂરી છે. જ્યારે કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ, ત્યારે તે અને મંડળના બીજા વડીલો પોતાના ગ્રૂપના દરેક ભાઈ-બહેનનો સંપર્ક કરતા અને એવું તેઓ દર અઠવાડિયે કરતા. એ કામને તેઓ ખૂબ મહત્ત્વનું ગણતા. શા માટે? એનું કારણ આપતા ભાઈ કહે છે: “ઘણાં ભાઈ-બહેનો ઘરે એકલાં હતાં અને એવામાં તેઓ જલદીથી નિરાશ થઈ શકતાં હતાં.” જ્યારે ભાઈ-બહેનો કોઈ મુશ્કેલીમાં હોય, ત્યારે વિલિયમભાઈ તેઓની વાત ધ્યાનથી સાંભળે છે, જેથી તેઓની જરૂરિયાતો અને ચિંતાઓ જાણી શકે. પછી તે આપણી વેબસાઈટ પરથી કોઈ સાહિત્ય કે વીડિયો શોધે છે, જેથી તેઓને ઉત્તેજન આપી શકે. તે કહે છે: “ભાઈ-બહેનોની સંભાળ રાખવાનું કામ પહેલાં કરતાં પણ વધારે જરૂરી બની ગયું છે. લોકોને યહોવા વિશે શીખવવા અમે સખત મહેનત કરીએ છીએ. એવી જ મહેનત અમારે ઈશ્વરના ટોળાની સંભાળ રાખવા કરવી જોઈએ, જેથી તેઓ સત્યના માર્ગે ચાલતા રહે.”

યહોવાને તમારી તાલીમ પૂરી કરવા દો

૧૬. પિતરે લખેલા પત્રોમાંથી આપણે જે વાતો શીખ્યા, એને કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ?

૧૬ આ લેખમાં આપણે પિતરે લખેલા બે પત્રોમાંથી અમુક વાતોનો વિચાર કર્યો. કદાચ તમે ધ્યાન આપ્યું હશે કે અમુક બાબતમાં તમારે સુધારો કરવાની જરૂર છે. દાખલા તરીકે, શું તમે નવી દુનિયામાં મળનાર આશીર્વાદો પર વધારે મનન કરવા માંગો છો? શું તમે નોકરી-ધંધાની જગ્યાએ, સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ ખુશખબર જણાવવાનો ધ્યેય બાંધ્યો છે? શું તમે અલગ અલગ રીતોએ ભાઈ-બહેનોને ગાઢ પ્રેમ બતાવવા માંગો છો? વડીલો, શું તમે નિર્ણય લીધો છે કે રાજીખુશીથી અને આતુરતાથી યહોવાના ટોળાની સંભાળ રાખશો? ઈમાનદારીથી પોતાના દિલમાં ડોકિયું કરજો. એનાથી કદાચ તમને જાણવા મળશે કે સુધારો કરવાની જરૂર છે કે નહિ. જો સુધારો કરવાની જરૂર હોય, તો હિંમત ન હારશો. આપણા માલિક ઈસુ કૃપાળુ છે અને સુધારો કરવા તમને મદદ કરશે. (૧ પિત. ૨:૩) પિતરે આપણને ખાતરી અપાવતા કહ્યું હતું: ‘ઈશ્વર પોતે તમારી તાલીમ પૂરી કરશે. તે તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે, તે તમને સ્થિર કરશે.’—૧ પિત. ૫:૧૦.

૧૭. જો યહોવાની સેવામાં લાગુ રહીશું અને તેમના હાથે પોતાને ઘડાવા દઈશું, તો કેવો આશીર્વાદ મળશે?

૧૭ એકવાર પિતરને લાગ્યું હતું કે તે ઈશ્વરના દીકરાની સામે ઊભા રહેવાને લાયક નથી. (લૂક ૫:૮) પણ યહોવા અને ઈસુએ પ્રેમથી પિતરને મદદ કરી અને પિતરે પણ ઈસુના પગલે ચાલતા રહેવા સખત મહેનત કરી. એનાથી પિતરને ‘આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તના કાયમ ટકનાર રાજ્યમાં પ્રવેશવાનો ભવ્ય આશીર્વાદ મળ્યો.’ (૨ પિત. ૧:૧૧) સાચે જ, કેટલો મોટો આશીર્વાદ! પિતરની જેમ યહોવાની સેવામાં લાગુ રહો અને પોતાને યહોવાના હાથે ઘડાવા દો. જો એમ કરશો, તો તમને પણ ઇનામમાં હંમેશ માટેનું જીવન મળશે. “તમારી શ્રદ્ધાને લીધે તમારો ઉદ્ધાર થશે.”—૧ પિત. ૧:૯.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

a આ લેખમાં જોઈશું કે પિતરે લખેલા પત્રોમાંથી આપણને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળી શકે. તેમ જ, વડીલોને મદદ મળશે કે તેઓ કઈ રીતે ઘેટાંપાળકો તરીકેની પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.

b એવું લાગે છે કે રોમનોએ ઈ.સ. ૬૬માં પહેલી વાર યરૂશાલેમ પર હુમલો કર્યો એ પહેલાં જ પેલેસ્ટાઈનમાં રહેતા ખ્રિસ્તીઓને પિતરના બંને પત્રો મળી ગયા હતા.